Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
સરસ્વતીચંદ્રના ગુહત્યાગનું કથાનક

ગોવર્ધનરામ પંડિતયુગનું સંતાન હતા, તે યુગના સાક્ષર હતા અને તેમની કૃતિઓનાં સ્વરૂપને ઘડવામાં એમના વાંચન, જીવન, નિરીક્ષણ, મનન અને તેમના માનસ પર પડેલી અસરોએ મહત્વનો ફાળો આપ્યો છે. સંસ્કારસમૃદ્ધ જ્ઞાતિના કુટુંબમાં ગુજરાતના સ્મરણીય સાક્ષરધામ નડિયાદમાં, વડનગરા નાગર કુટુંબમાં, ઈ.સ.૧૮૫૫ના ઓક્ટોબરની ૧૦મી તારીખે ગોવર્ધનરામનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ માધવરામ ધીરજરામ ત્રિપાઠી અને માતાનું નામ શિવકાશી હતું. ગોવર્ધનરામને જે સંસ્કારવરસો મળ્યો છે તેમાં તેમના પૂર્વજો, માતપિતા અને વડીલોનો પણ મોટો ફાળો છે. તેમના દાદા ધીરજરામ પ્રતાપી અને તેજસ્વી વ્યક્તિત્વવાળા હતા. જુવાન વયે કમાણીનાં બીજાં આકર્ષક સાધનોનો નડિયાદમાં અભાવ લાગતાં દિવસોની જોખમભરી મુસાફરી કરીને તે બીજા કેટલાક નાગરો સાથે મુંબઈ ગયા.

પાંચ વર્ષની ઉંમરે બુદ્ધિવર્ધક શાળામાં ભણવા બેઠાં અને ૧૮૬૫ સુધી તેમનો અભ્યાસ મુંબઈમાં થયો. વિદ્યાર્થી તરીકે શાળા અને કોલેજમાં તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમના ઇતર વાંચનના શોખને લીધે જ્ઞાનની ક્ષિતિજો ઉત્તરોત્તર વિશાળ થતી ગઈ. તેર વર્ષની ઉંમરે તેમના પ્રથમ લગ્ન થયા હતા. વીસેક વર્ષની ઉંમરમાં જ તેમણે પોતાના જીવનનાં ત્રણ ધ્યેય નક્કી કર્યા : એલએલ. બી. થવું., સ્વતંત્ર ધંધો કરવો, નોકરી નહીં., ૪૦ વર્ષે નિવૃત થઈ બાકીનો સમય સાહિત્યસેવામાં ગાળવો. ૧૮૭૯ની શરૂઆતમાં તે ભાવનગર ગયા. નિર્ભયતા, કુશળતા અને વિનયભરી રીતભાતથી તેમણે મહારાજ તખ્તસિંહજીના મનમાં પણ સારું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ‘સરસ્વતીચંદ્ર’ ભાગ-૧ અને સ્નેહમુદ્રા ઈ.સ. ૧૮૮૭માં પ્રગટ થયા. તેમને અસાધારણ કીર્તિ અને યશ આપ્યો. ૪ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ તેમનો દેહ પડ્યો.

‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં સરસ્વતીચંદ્ર ગૃહત્યાગ કરે છે, તેનું એક કથાનક આપણી સમક્ષ પ્રગટ થાય છે. “ગૃહત્યાગ” શબ્દનો અર્થ : ઘર છોડીને જવું તે. ગૃહત્યાગની ઘટના આપણા સમાજમાં ઘણાં સમયથી આપણે જોઈએ છીએ. મહાવીરસ્વામી અને ગૌતમબુદ્ધે પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ગૃહત્યાગ કરેલો. ત્યારે એક બાજુ ‘ધરતીનો છેડો ઘર’ કહેવતની સાર્થકતા વિશે આપણને પ્રશ્ન થાય છે.

‘સરસ્વતીચંદ્ર’ નવલકથામાં ફ્લેશબેક ટેકનિકનો ઉપયોગ કર્યો છે. નવલકથાની શરુઆતમાં સરસ્વતીચંદ્ર નવીનચંદ્ર નામ ધારણ કરીને સુવર્ણપુર આવે છે. ત્યાં તેને મંદિરનો પૂંજારી તપોધન જેનું નામ મૂર્ખદત્ત છે બુદ્ધિધન અને કુમુદસુંદરી પણ તેને મળે છે. ત્યાં તે અતિથી બનીને રહે છે. ત્યારે સર્જક બુદ્ધિધનના પરિવારનો પરિચય કરાવે છે. સાથે ઉલ્લેખ કરે છે કે કુમુદસુંદરીની સગાઈ મુંબઈનગરીના એક ધનાઢ્ય અને પ્રખ્યાત વેપારી લક્ષ્મીનંદનના વિદ્વાન પુત્ર સરસ્વતીચંદ્ર સાથે થયા હતા, પણ લગ્ન નજીક આવતા તે એકાએક અલોપ થઈ ગયો. ત્યારે વાચકને અનેક પ્રશ્નો થતા હશે.

સરસ્વતીચંદ્ર મોટો થયો તેમ તેમ તેના પિતાની આસપાસ રહેનારા પંડિતો સરસ્વતીચંદ્રની સંગતિ કરવા લાગ્યા. પિતા લક્ષ્મીનંદનની આસપાસ હવે માત્ર દ્રવ્યમાન અને દ્રવ્યર્થી વર્ગ જ રહ્યો, કારણ વિદ્વાનો પુત્રની આસપાસ ભરાયા અને કેટલાક સ્થળે પિતા સરસ્વતીચંદ્રના નામે ઓળખાવા લાગ્યા. સરસ્વતીચંદ્રની નવી મા ગુમાન આ જોઈ ઈર્ષ્યાથી બળવા લાગી. તે પોતાના પુત્ર ધનનંદન સર્વ મળે તેવું ઈચ્છતિ હતી. લક્ષ્મીનંદને ભાષણ આપ્યા કરતી હતી. પ્રતિદિવસ ભાષણ કરવા ગુમાનને કંઈ ને કંઈ વિષય મળતો હતો. સરસ્વતીચંદ્ર ઘરના વ્યાપારકાર્યમાં સારી પ્રવીણતા થોડા સમયમાં મેળવી ચુક્યો હતો. પિતાનો ભાર થોડાક સમયમાં પુત્રે પોતાને શિરે લઈ લીધો હતો. ગુમાનના રોજના ભાષણથી લક્ષ્મીનંદના વિચારો બદલાયા હતા. સરસ્વતીચંદ્રએ એક ભીંત ઉપર કુમુદસુંદરીની એક મોટી છબી રંગાવી અને એક હીરાની મુદ્રા કરાવી હતી. આ વાતની જાણ ગુમાને લક્ષ્મીનંદને કરી. સરસ્વતીચંદ્રના કારભાર ઉપર હવે પિતાએ ઈર્ષ્યા અને અવિશ્વાસ આવવા લાગ્યો. પુત્રના દરેક કામનું પૃથક્કરણ થવા લાગ્યું. ‘પુત્ર પોતાના હાથ ઉપર રાખવા – મને દાબી નાંખવા – સર્વ હાથમાં લેવા પ્રયત્ન કરે છે.’ એ આભાસ ભૂત પેઠે મગજમાં ભરાઈ ગયો. લક્ષ્મીનંદનને જેટલું કહેવાયું તેટલું સરસ્વતીચંદ્રને કહ્યું “વિદ્યાચતુરની પરીક્ષા કરવામાં પોતે છેતરાયો, ગુમાન ભણી દયા દર્શાવી, કુમુદસુંદરી આગળ ઘેલા બની જવાનો પુત્ર પર આરોપ મૂક્યો, સ્ત્રી અને શ્વશુરને વશ થયેલા માણસ બાયલા કહેવાય એ ભાન આપ્યું, વાલકેશ્વરનો બંગલો વગેરે વિષયમાં પૈસા વેડફી માર્યા જાણી ખેદ થયો બતાવ્યો, આવા ઉડાવ પુત્રના ભવિષ્ય બાબત ચિંતા કરી, અને અંતે ગુમાનને લોન લેવડાવી પોતે શેર લીધા અને વિશ્વાસના બદલામાં ઊંધી સલાહ આપી તે સારુ તિરસ્કાર પણ દેખાડ્યો. ‘દોશીવાળા લેખમાં મેં તો મારપણા ઉપર જઈ સહી કરી આપી પણ તારે એ લેખ આમ કરાવી લેવો ઘટવો ન્ હતો’ તે વાત ફૂલાશ મારી કહી બતાવી. ‘ધૂર્તલાલની બાબતમાં તું તો ના કહેવા ગયો, પણ ચાલ્યું નહીં એટલે શું કરે’ એ પણ કહ્યું : ‘તું ભણ્યો પણ ગણ્યો નહીં’, ‘આજ તો કાંઈ પણ મારી ગરજ તારે હોવી જોઈએ’, ‘અંગ્રેજી ભણી માથું ફેરવી બેઠાથી પૈસો ન મળે’, એમ ન જાણવું કે કાયદો જાણ્યો એટલે બાપ પણ ‘જી ! લબ્બે !’ કરશે : ઈત્યાદિ કંઈ કંઈ અસહ્ય વચન કહી બતાવ્યાં, સોંપેલા વ્યાપારકાર્યમાં કંઈ કંઈ ભૂલો કાઢી, અને બુદ્ધિમાં,અનુભવમાં, આવડમાં, વ્યવહારમાં સારાંશમાં, પિતૃભક્તિમાં અને એવી કંઈક બાબતોમાં પુત્ર પછાત છે તેને વિશે લાંબું બળવાન ભાષણ કર્યું.”

આ સાંભળી સરસ્વતીચંદ્ર કંઈ બોલ્યો નહીં. ‘હવે મારું શું કર્તવ્ય’ તેના સંકલ્પ વિકલ્પની સૃષ્ટિમાં ડૂબી ગયો. આ સમાધિમાં શેઠના શબ્દ નીકળવા છતાં તેના કાનની બહાર ઊભા. તેના ગાલ ઉપર શેરડા પડ્યા, કપાળ પર પરસેવો વળ્યો, આંખો મીંચાય જેવી થઈ ગઈ, મન કેદમય બન્યું, મસ્તિક ગૂંચવાડામાં પાડ્યું, સર્વને અંતે આંખને કીકી અને પોપચું તે બેની વચ્ચે પાણી ભરાયું, તેમાંથી એક ટીપું પડ્યું અને તે કોઈએ દીઠું નહીં. આજે એ કોઈનો ન હતો. તેનું માથું ફરી ગયું. અને ઓફીસ ધૃર્તલાલને સોંપી દીધી. વાલકેશ્વરને બંગલે મિત્ર ચંદ્રકાંતને સાથે લઈને સરસ્વતીચંદ્ર પહોંચી ગયો. અને તેને જાણ કરતાં કહે છે કે મારે પિતાનું દ્રવ્ય મારે જોઈતું નથી. એ સર્વ દ્રવ્ય હું ગુમાનબા અને ધનભાઈને આપી દઉં છું. પિતાના સ્નેહને વાસ્તે હું સંસારી હતો. વિદ્યાચતુરે દ્રવ્ય જોઈને સંબંધ બંધાયો હશે. મને પરણી કુટુંબમાં આવીને કુમુદ સુખી નહીં થાય, તેને કોઈ નિરાંતે બેસવા નહીં દે.

પ્રાત:કાળ થયો. સાત વાગ્યા, આઠ વાગ્યા, પણ ગાડી આવી નહીં. તેના પેટમાં ફાળ પડી. ભાડે ગાડી કરી બંગલે ગયો. બંગલે માળી વિના કોઈ મળે નહીં. માળી કહે, “ભાઈ, ગાડીમાં બેસી ચોપાટી પર મળસકાના ફરવા ગયા છે.’ ચંદ્રકાન્તે ચોપાટી પર ગાડી દોડાવી. મુંબઈના નાગરિકોનું ચોપાટી એ પ્રિયસ્થાન છે. અર્ધે સુધી સમુદ્રતટ અને તેની જોડે બાંધેલો રસ્તો છે. આગળ ચાલતાં ‘રેલ્વે’ની સડકનું ‘ક્રોસિંગ’ આવે છે તે ઓળંગતા ‘ચર્ની રોડ’ સ્ટેશન છે. સરસ્વતીચંદ્રની ગાડી ચંદ્રકાંતને સમુદ્રતટ પર ઊભેલી મળી. ગાડીવાન કહે : “ભાઈ આગળ પગે ફરવા ગયા છે, પણ ક્યારના પાછા ફર્યા નથી. મને આ ચિઠ્ઠી આપી છે ને કહી ગયા છે કે તારી પાસે રાખી મૂક, ઘરે જઈ ચંદ્રકાંતને આપવાની છે.” ચંદ્રકાંતનો જીવ ઊડી ગયો. ચિઠ્ઠી લઈ વાંચી :
“પ્રિય ચંદ્રકાંત,
તું મને શાંત કરીને રાત્રે ગયો હતો. હું શાંત થયો હતો જ. પણ આખી રાત મેં વાડીમાં ફર્યા કર્યું છે. ઘણાં વિચાર કર્યા. આખર મારો વિચાર ખરો લાગ્યો અને તે પ્રમાણે કરું છું.
તારી પાસે પેટી છે તે તારી પાસે રાખજે. તેમાંના સામાનની યોગ્ય વ્યવસ્થા કરજે. મારે તેનો સંબંધ નથી. પિતાજીને મળજે – સાથેનો પત્ર તેમને આપજે અને યોગ્ય લાગે તે તેમને કહેજે – તેમને દુઃખ થવા દઈશ નહીં.
મારા વિયોગનો શોક કરીશ નહીં મૃત્યુ પાછળના અંધકારમાં એકલાં પ્રવાસ કરવા પ્રાણીમાત્ર નિર્માયેલાં છે. મૃત્યુ પહેલાં જ અંધકારમાં ફરવું એ મૃત્યુને માટે સજ્જ થવા જેવું છે. માયાનો જૂઠો પ્રકાશ મૂકી આવા નિમિત્તે હું આ અંધકાર શોધું છું તે રજ પણ શોચનીય નથી.
હું તને નહીં ભૂલું. પ્રસંગે ફરી પ્રત્યેક્ષ કે પરોક્ષ રહી જણાવીશ. હું તને છોડું, પણ હ્રદય કેમ છોડશે ?
મારી શોધો કરીશ નહીં. ગંગાભાભીને આશ્વાસન આપજે – હું તેમને ભૂલી શકનાર નથી.
રહી ઓછું વત્તું વિષય સહુ જાશે તજી મને,
તજું હું તેને તો, પ્રિય સુહ્રદ, ના દોષ કાંઈ એ.
જશે મેળે જ્યોત્સના, ઉડુગણ જશે, રાત્રિય જશે,
કલેન્દુ સાંજે એ નીરખી ઊગતાં આથમી જતો.
સ્નેહથી બંધાયેલો તું મને છૂટવા ન દેત જાણી સાહસ કરી છૂટું છું.
લિ. નામે સરસ્વતીચંદ્ર – બીજું શું કહું ?”

ઊંડો નિઃશ્વાસ મૂકી, કપાળે હાથ દઈ, ઢીલો પડી જઈ ચંદ્રકાંત લક્ષ્મીનંદન પરનો કાગળ વાંચવા લાગ્યો.
“પ્રિય પિતાજી,
આપને સુખનો માર્ગ હું ખુલ્લો કરી આપું તેમાં અપરાધ તો નથી તે છતાં અપરાધ લાગે તો પિતા પાસે ક્ષમા માગતાં પુત્ર નિરાશ નહીં થાય.
ધૃર્તલાલને સૂતયંત્રનું સર્વ કામ આપની ઈચ્છા પ્રમાણે બતાવી કાર્યનો સમસ્ત ભાર તેમને સોંપી સર્વ પદાર્થ આપને બતાવી દીધા છે.
બ્રહ્માને ઘેર કોઈ ખોટ નથી. મારી ખોટ પડવાનું આપને કારણ નથી. ધનભાઈથી આપને સર્વ સંતોષનું કારણ મળો એ ઈશ્વરપ્રાર્થના છે. આપનું સમસ્ત દ્રવ્ય તેના કલ્યાણ અર્થે યોગ્ય લાગે તેમ રાખો. આપને હું કોઈ પ્રસંગ સાંભરી આવીશ તો એ જ મારે મન દ્રવ્ય છે.
મારે માનસિક વૈરાગ્ય લેવામાં આપની ચિત્તવૃતિ પ્રતિકૂળ નહીં થાય એવો નિશ્ચય થવાથી હું તે સ્વીકારું છું અને સંસારસાગરને અર્દશ્ય તળિયે જઈ બેસું છું. સંન્યસ્તારંભે કોઈને જણાવવાની જરૂર નથી લાગતી. જનાર ‘જાઉં છું’ એમ કહેવા રહે એમ હોતું નથી. ગુમાનબાને આજ સુધીમાં હું નિર્દોષ છતાં મારો દોષ વસ્યો હોય તો ક્ષમા અપાવશો.
મારા જવાથી આપના રોષનું સર્વ કારણ જતું રહેશે. મારી ચિંતા કરવાનું આપને કારણ નથી. વિદ્યાચતુરના કુટુંબની પરીક્ષામાં આપ છેતરાયા એ શલ્ય આપના ચિત્તમાંથી હવે નીકળી જશે. આપની નિશ્ચિંતતા હવે અમર રહો !
પિતાજી, હવે મારી ચિંતા કરશો નહિ, મારી પાછળ ખેદ કરશો નહીં. સર્વ કોઈ મોડું-વહેલું જવાનું છે અને તે પાછું ન મળે એવું થવાનું છે, ચંદ્રબા ગઈ તેમ હું જાઉં છું. એ સ્મરણમાંથી ખસી તેમ મને પણ ખસેડજો, સંસારમાં ડાહ્યા માણસોનો માર્ગ એ છે કે ગયેલું ન સંભારવું. પિતાજી, હવે તો સુખી હું તેથી કોને શું ? દુ:ખી હું તેથી કોને શું ?
જગતમાં કંઈ પડ્યા જીવ, દુ:ખી કંઈ, ને સુખી કંઈક !
સઉ એવા તણે કાજે ન રોતાં પાર કંઈ આવે !
કંઈ એવા તણે કાજે, પિતાજી, રોવું તે શાને ?
હું જેવા કંઈ તણે કાજે, પિતાજી, રોવું તે શાને ?
નહીં જોવું નહીં રોવું ! અફળ આંસુ ન ક્યમ લ્હોવું ?
ભૂલી જઈને જનારાને, રહેલું ન નંદવું શાને ?
સુખી હું તેથી કોને શું ? દુ:ખી હું તેથા કોને શું ?
પિતાજી ! બીજું શું લખું ? મારા ગયાથી આપના ઘરમાં હું સિવાય કંઈ ચીજ ઓછી થઈ લાગે તો ચંદ્રકાંત આપશે. તેને કહેજો.
લિ. હવે તો આપના ચિત્તમાંથી પણ — આપને સુખી કરવા સારુ જ — ખસી જવા ઇચ્છનાર, સરસ્વતીચંદ્ર.”

બે કાગળો વાંચી શોકસાગરમાં પડી, માથે હાથ દઈ ચંદ્રકાંત સમુદ્રતટ પરના એક પથ્થર ઉપર બેઠો. સરસ્વતીચંદ્રના ગાડીવાળાને કહ્યું કે ‘જા અને તારા મોટા શેઠને ખબર કર કે ભાઈ તો ગયા.’
ગાડીવાળો ચમક્યો: ‘હેં! ક્યાં ગયા?’
‘તે તો કોણ જાણે. જા, જઈને કહે કે કંઈક પરગામ ગયા.’
‘કાગળમાં શું લખ્યું છે?’
‘એ જ.’ ગાડીવાળો વિચારમાં પડી ઘોડાની લગામ લીધી અને ગાડી સાથે ચર્ની રોડ સ્ટેશન આગળનાં ઝાડો પાછળ અર્દશ્ય થઈ ગયો. ચંદ્રકાંત ઊઠયો, ભાડાની ગાડીમાં બેસી સ્ટેશન પર જઈ પોતે તપાસ કરી, પણ કોઈએ પત્તો ન આપ્યો. સ્ટેશનમાસ્તર, ટિકિટમાસ્તર, સર્વ એની આસપાસ ગૂંચળું વળી ભરાયા, મેલ અને પેસેંજર ટ્રેનની ટિકિટોની જાવક જોઈ, પણ કાંઈ સમજાયું નહીં. નિરાશ બની ચંદ્રકાંત ઘેર ગયો. ત્યાં એકલો શયનગૃહમાં બેઠો, ટેબલ પર માથું મૂકી અશ્રુપાત ખાળી ન શકાતાં તેને રોકવો છોડી દીધો, ગંગાને સમાચાર કહ્યા, એક દુ:ખનાં બે ભાગિયાં થયાં અને આખરે આંસુ લોહી શું કરવું તેના વિચારમાં એ પડ્યો, અને ગંગા આગળ હૃદય ઉઘાડું કરવા માંડ્યું:
‘શુ કરું ? અ — હં — હં — હં! ગયા જ! સરસ્વતીચંદ્ર! આ શું સૂઝ‌યું ? શેઠના ઉપર રોષ ચડે પણ મારા ઉપર શું ? ગરીબ બિચારી કુમુદસુંદરીની શી વલે થશે ? હું ક્યાં શોધું ? અપ્તરંગી માણસનો ભરોસો જ નહીં — હેં ?’
ગાડીવાને શેઠને સમાચાર કહ્યા તે વખતે ગુમાન અને ધૂર્તલાલ પાસે બેઠાં હતાં. સમાચાર સાંભળી ગુમાન ઝંખવાણી પડી ગઈ અને શેઠ બેબાકળા બની ગયા. ધૂર્તલાલે ગુમાનના કાનમાં સૂચના કરી: જોજે, કાંઈ ગોટો વાળી ન ગયો હોય ! — પાકો છે. ગુમાનને જોર આવ્યું ને બોલી ઊઠી, ‘ઘરમાં બધી તપાસ કરાવો.’ શેઠ બોલ્યા: ‘ઘરમાં શાની તપાસ કરાવે? પરગામ જાય તેની ઘરમાં શી તપાસ કરાવે ?’
‘જુઓ, ભાઈ કાંઈ કીકલા નથી. આ તો બધાંને ડરાવવાને વેશ કાઢ્યો. કોણ જાણે ક્યાં ભરાઈ પેઠા હશે અને આપણી પાસે શોધાશોધ કરાવી મૂકશે. બે લાખ રૂપિયાનો ધણી નાસી જાય નહીં. ભલું હશે તો સસરાને કે વહુને મળવા ગયા હશે પણ ઘરમાં ગોટો ન ઘાલ્યો હોય તેની તપાસ પહેલી કરો. આ તો મારા ભાઈને તમે ઘાલ્યો તે કઢાવવાની યુક્તિ. પણ આપણેયે એટલું તો સમજીએ. નાકે છી ગંધાતી નથી?’
રાતીચોળ આંખ કરી શેઠ શેઠાણીના ભણી જોઈ રહ્યા અને આખરે બોલ્યા: ‘જો, આજ હું તારો નથી, હોં ! તારા પેટમાં ન બળે પણ મને તો બળે.’ શેઠ ઊઠ્યા અને એક એકાંત ખંડમાં ચંદ્રકાંત ને લઈ ગયા. ગુમાન પાછળ આવી. શેઠે તેને બારણે કાઢી બારણે સાંકળ દઈ પાછા આવી ચંદ્રકાંત પાસે બેઠા. તેમનું હૈયું ભરાઈ આવ્યું. પુત્રના ગુણ સાંભરી આવ્યા. ધૂર્તલાલને તથા પોતાને હવાલો સોંપી દેવામાં તેણે જે ઉતાવળ કરી હતી તે સાંભરી આવી. પોતે તેને કઠણ વચન કહ્યાં હતાં એમ લાગવા અને સાલવા માંડ્યું.
‘ચંદ્રકાંત ! તું બધું જાણતો હોઈશ — હા — તારા મોં ઉપરથી લાગે છે તને ખબર હશે - મને કહે — આ એને શું સૂઝ‌યું ? એના વિના હું ઝેર ખાઈશ. હોં !’ શેઠે ટેબલ ઉપર માથું કૂટ્યું. ચંદ્રકાન્તે શેઠને ટાઢા પાડ્યા. ડોશીવાળો લેખ કેમ થયો, તે લેખ કરવામાં સરસ્વતીચંદ્રે કેવી હરકત કરી હતી અને લેખની બાબતમાં તે કેવો અજાણ્યો હતો, શેઠનાં જ વચનથી તેના મનમાં કેટલું ઓછું આવ્યું હતું, ઇત્યાદિ સર્વ વાત કહી. વાત કરતાં કરતાં સરસ્વતીચંદ્રવાળો કાગળ હવે આપવો કે નહીં તે વિચાર કર્યો. ન આપવો તે અપ્રમાણિક લાગ્યું. આપ્યા પછી પાછો માગવો તે ઠીક ન લાગ્યું, આપતાં હરકત એ કે ચિત્ત ફરી જતાં શેઠ એ કાગળને ફારગતીરૂપ ગણી દે અને વહુની રીસ અને સાસુનો સંતોષ થઈ જાય — તેનું શું કરવું એ વિચાર થયો, અંતે ‘જોઈ લઈશું’ કહી કાગળ શેઠના હાથમાં મૂક્યો. ભોજે લોહીના અક્ષર મોકલ્યા તે વાંચી મુંજને થયો હતો તેવો જ વિકાર કાગળ વાંચતાં શેઠને થયો. ખરી વાત જાણ્યાથી, પુત્રની નિર્મળ વૃત્તિ અનુભવ્યાથી, આંખમાંથી ખરખર આંસુ ચાલવા માંડ્યાં, ગુમાન અને ધૂર્તલાલ ઉપર તિરસ્કાર અને ધિક્કારની વૃત્તિ થઈ, અને કાગળ એક પાસે મૂકી દીન વદનથી ચંદ્રકાંત ને કહેવા લાગ્યા: ‘ચંદ્રકાંત , ભાઈને બતાવ. તું જાણે છે — ગમે તે કર, ભાઈને આણ, નહીં ચાલે.’ ચંદ્રકાંતે કાગળ હાથમાં લઈ લીધો અને ફાડી શેઠના દેખતાં જ ચીરા ઉરાડવા માંડ્યા અને લાંબા ચીરા કરી પાછા તેના કટકા કરતાં કરતાં બોલ્યો.
‘શેઠ, મેં કહ્યું કે મને ખબર નથી તે સાચી વાત છે.’ કાગળ ફડાતો શેઠે દીઠો, પણ સર્વવ્યાપારરોધી ચિત્તવિકાર મનોવ્યાપી થઈ જવાથી તે વિષે વિચાર ન કર્યો, પ્રશ્ન ન પૂછ્યો. ચંદ્રકાંત ઊકળતા હૃદયમાંથી ઊભરા ઉપર ઊભરા કાઢી બાકી ન રહે એમ ડર વગર બોલવા લાગ્યો અને કાગળના ચીરા કર્યા તેમ જ શબ્દેશબ્દથી શેઠના પસ્તાતા અંત:કરણના ચીરા કરવા લાગ્યો.
‘શેઠ, આપ તો મોટા માણસ છો. પણ આપણાથી નાનાં માણસ હોય તેની ચિંતા પણ કરવી જોઈએ. પુત્રને પરણાવવા ઇચ્છો તો પરણનાર જોડું એકબીજા પર પ્રીતિ વધારી સુખી થાય તે પણ આપે ઇચ્છવું જોઈએ. નિર્મળ કુમુદસુંદરી પર આરોપ મૂકી પુત્રના હૃદયમાં કટાર ખોસ્યા જેવું કર્યું — તેની વેદના એ દંપતીને હવે કેટલી થશે તે ઈશ્વર જાણે! વરકન્યાની પ્રીતિ વધે ને માબાપથી ન ખમાય એ તો વિપરીત જ. પણ આપ શું કરો ? ઈશ્વરનું કર્તવ્ય એવું જ. અપરમાના હાથમાં ગયેલા પિતાનો પુત્ર સુસ્થ રહ્યો સાંભળ્યો નથી. ખરી વાત છે કે છોકરાં કરતાં સ્ત્રી વધારે હોય જ. સરસ્વતીચંદ્ર કેટલો નિર્દોષ છે તે આપના મનમાં શાનું વસે? પિતાની મારા પર પ્રીતિ નથી એ વિચારે તેને ઘેલો બનાવી મૂક્યો અને ઘર છોડી તે ગયો! બે ઘોડાની ગાડીમાં બેસનારો, બૂટમોજાં વિના ન ચાલનારો, આપની શ્રીમંતાઈના વૈભવમાં વસનારો — તે આજ સાધારણ વેશે નિરાધાર એકલો અપ્રસિદ્ધ કોણ જાણે ક્યાં ભટકતો હશે? સભાઓ ગજાવનાર, વિદ્વાનોનો માનીતો, મારા જેવા કેટલાક નિરાધારનો આધાર, તે આજે ક્યાં હશે? શેઠ, એને ધ્રુવજીના જેવું થયું. અરેરે ! કુમુદસુંદરી જાણશે ત્યારે તેને શું થશે ? શેઠ, આપના ઘરમાંથી દીવો હોલાઈ ગયો. પણ આપને શું ? “આપના મનમાં એમ આવ્યું કે એ પૈસાને લીધે આપનો સગો છે ! હવે એ સગપણ નથી. આપ એને મન બાપ છો – આપને મન એ પુત્ર નથી. હોય, એમ જ હોય તો !”
“શેઠ ! આપના ઘરમાંથી એ ગયો તેની કાંઈ ફિકર કરશો નહીં. એને સોંપેલી અને બીજી વસ્તુઓ – ઘરની સંભાળજો. ઘરમાંથી કાંઈ ગયું લાગે તો મને કહેજો, હું ભરી આપીશ’ આટલું કહીને ચંદ્રકાંત જવા ઊભો થયો, ત્યાં લક્ષ્મીનંદન તેનો હાથ પકડી તેને બેસાડે છે.
‘ચંદ્રકાંત ! ચંદ્રકાંત ! આમ શું કરે છે ? મને એનો પત્તો આપ. તેં મારું ખસી ગયેલું કાળજું ઠેકાણે આણ્યું છે. હવે પુત્રવિયોગથી ફરી ઠેકાણે નહીં આવે, હો !’ હું મારી જાતે તેને શોધીશ તેમ કહીને ચંદ્રકાંત ચાલ્યો જાય છે. શેઠ ઘેલા બની લાવતા હતા. “દુઃખી હું તેથી કોને શું ?” ચંદ્રકાન્તે પણ શોધ કરવાની બાકી રાખી નહીં.
જ્યારે ધૃર્તલાલે શેઠ થવા માટે કાવતરું કર્યું હતું. ગુમાનને કહ્યું હતું. ‘મારો ધુતારો ભાઈ આવો છે એવી ખબર હોત તો આમ ન થવા દેત ને આ ભાઈ તો મારો દીકરો તે મને ભૂખી મૂકી સૂશે નહીં.’ તેને પોતાની ભૂલનું ભાન થયું. અને ભાઈએ તો બહેનને એવું પડીકું આપ્યું કે બનેવી ગાંડો થાય કે મરે ! તે વાત લક્ષ્મીનંદનને હરિદાસ ને કરી. તે વફાદાર માણસ હતો. બંને એ મળીને ધૃર્તલાલને જેલના હવાલે કરે છે. હરિદાસને કહીને શેઠ બુલ્વરસાહેબને બોલાવે છે. સરસ્વતીચંદ્ર નાસી ગયાની વાર્તા તેમ લક્ષ્મીનંદનના મનની અને કુટુંબની દુઃખભરેલી સ્થિતિનું વર્ણન પણ બહુ ચિત્તવેધક રીતે છપાવવા લાગ્યું. બુલ્વરસાહેબ આ સર્વ વિગત પ્રસિદ્ધ કરવામાં સવિશેષ આતુરતા અને આગ્રહ રાખતા હતા, કારણ તેમના મનમાં એમ હતું કે સરસ્વતીચંદ્ર ગમે તેટલે દૂરના કોઈ ખૂણામાં પડ્યો હશે પણ તેના વાંચનમાં આ વર્તમાન પત્ર જવા પામશે તો તેનાં પિતૃવત્સલ મર્મસ્થાન ચિરાશે અને સર્વ આગ્રહ તથા મમત મુકાવી પિતા પાસે બોલાવશે. લક્ષ્મીનંદનનું દુઃખ વાંચી પુત્રનું અંતઃકરણ દ્રવે એવી નાની નાની વાતો અને દુઃખની હ્રદયવેધક કવિતાઓ ગુજરતી અને અંગ્રેજીમાં, વર્તમાનપત્રો વગેરેમાં ઘડી ઘડી પ્રસિદ્ધ કરી. આવી રીતે એક પિતા પુત્રને મેળવવા માટે પ્રયાસ કરતાં હતા.
નવીનચંદ્ર નામ ધારણ કરીને સુવર્ણપુર આવે છે ત્યારે બુદ્ધિધનને મળે છે ને કહે છે કે મારે “એક ધંધામાં એક જ જાતનો અનુભવ આવે છે. મારે સૌ જાતનો અનુભવ જોઈએ છે.” તે બુદ્ધિધનના ઘરે રહે છે. નવીનચંદ્ર પણ થોડો શરમાળ હતો, સ્ત્રીવર્ગ સાથે જાતે પરિચય લેતો ન હતો અને ચાલતા સુધી ઘરમાં કોઈને ભારે ન થઈ પડે એવી રીતે રહેતો. બેચાર દિવસમાં તો તેની સુશીલતાને લીધે તે સૌને ઘરના માણસ જેવો લાગવા માંડ્યો. પ્રથમ મેળાપને સમયે બુદ્ધિધનને વિચિત્ર લાગતો હતો તે અભિપ્રાયમાં કાંઈક ફેર પડ્યો હતો. પ્રમાદધનને તેનું “ઇંગ્લીશ નોલેજ” સારું લાગ્યું, તો પ્રમાદધનને ‘આર્ટિકલ’ લખાવ્યો તે છાપામાં આવ્યો હતો. તે જાણી બુદ્ધિધનને કહ્યું “નવીનચંદ્ર ! તમારે બધી જાતનો અનુભવ જોઈતો હોય તો અત્રે રહો. અમારે એક અંગ્રેજી લખનાર જોઈએ છે.” કુમુદસુંદરીને નવીનચંદ્રને જોતાં ઊપજતો ક્ષોભ દિવસે દિવસે ઓછો થતો હતો.
અલકકિશોરીને જમાલથી બચાવતા જતા નવીનચંદ્રને કટાર વાગી તેની ચાકરી અલકકિશોરીએ કરતી હતી. એક દિવસ અલકકિશોરી નવીનચંદ્રની પાસે બેઠી હતી, ત્યારે નવીનચંદ્ર બોલ્યો “હું તમારો ભાઈ થાઉ, હોં !” એમ બોલી પવિત્ર દ્રષ્ટિથી તેના ભણી જોઈ રહ્યો. મૂર્ખદત્ત આવતો-જતો અને ખબર લેતો. વૈદ્ય ઔષધ કરતો. આમ કુટુંબના દરેક સભ્યો તેની પાસે આવતા હતા. બુદ્ધિધનને નવીનચંદ્રને બોલાવી કહ્યું “આજ મારે તમને એક કામ સોંપવાનું છે. ઘણા વિશ્વાસનું અને છાનું કામ છે. મારાં અમૂલ્ય રત્ન તમારા હાથમાં મૂકવા જેવું છે. તમે વિદ્વાન છો, કુલીન દેખાઓ છો અને સર્વ બાબતમાં પ્રમાણિક સમજુ છો. હું ધારું છું કે મારી આંખની શરમ ન રહે તે સમયે પણ એ ગુણ તમારામાં રહેશે.” “મારે માથે કાંઈ અડચણ આવી લાગે અથવા હું સૂચના કરું તો એકદમ તમારે ઘેર આવવું અને આખા કુટુંબને લઈ લીલાપુર જઈ ઘરબાર ભાડે રાખી રહેવું. મારા દ્રવ્ય તથા દાગીના સૌ બાબત અલક જાણે છે. તે બાબત દયાશંકરકાકાની સલાહ લઈ વર્તવું. લીલાપુર ગયા પછી સાહેબને મળી મારા સમાચાર કહેવા અને વિદ્યાચતુરને લખવું તથા એ કહે તે પ્રમાણે યોજના કરવી. પ્રમાદ બાળક છે, તેની સંભાળ લેવાની પણ તરત તમારે શિરે છે. જવું પડે તો જોડેના ડેલામાં ગાડી તથા વાહનો મેં તૈયાર રખાવ્યાં છે. સમરસેન કે એ મોકલે તેને હથિયારબંધ સાથે લેવા.” આ સાંભળી નવીનચંદ્ર વિચારમાં પડ્યો, આટલા વિશ્વાસનું પાત્ર બીજા રાજ્યમાં પોતે થાશે ! તેવી તેને કલ્પના પણ ન હતી. તેને પોતાના ઘરની યાદ આવી. ધીમે ધીમે શાંત દેખાતાં ચાલતાં મનુષ્યો પણ આ જડસૃષ્ટિમાં ભળતાં જણાયાં. પોતે એકલો પડ્યો લાગ્યો અને ઘર તથા મુંબઈમાં રહેલાં માતાપિતા નવીનચંદ્રના મન આગળ આવતાં, કોઈ સાંભળે નહીં એમ મનમાં મોટે સાદે ગાવા લાગ્યો.
‘ઘર તજી ભમું હું દૂર સ્વજનહીન, ઉર ભરાઈ આવે;
નહીં ચરણ ઊપડે હુંથી શોકને માર્યો !
ધીમી ધીમી શેલ્ટ વહી જાતી, ભટકતી વળી પો નદી છંદે.
ભમી ભમી મૂક્યા નિઃશ્વાસ ત્યાં જ મન મંદે !
નવીનચંદ્ર કુમુદસુંદરીને મળીને સુવર્ણપુર છોડીને તે નીકળી જાય છે. અને મનોહરપુરીની સીમમાં અર્થદાસનો ભેટો થયો. તેના ઘરમાં ખાવા માટે કંઈ નથી તે જાણી છેલ્લી નિશાની મણિમુદ્રા પણ અર્થદાસને આપી. સરસ્વતીચંદ્ર અર્થદાસ સાથે ઘાસમાં પડ્યો હતો. ચંદ્રકાંત પણ સરસ્વતીચંદ્રની શોધમાં મનોહરપુરી આવ્યો હતો. સરસ્વતીચંદ્ર આખી રાત ખૂલ્લા આકાશમાં સુઈ રહ્યો. સવાર પડતા જોગીલોક સરસ્વતીચંદ્રને લઈને સાથે લઈ ગયા. સુન્દરગિરિના યદુશૃંગ નામના શિખર ઉપર જોગીઓનો મઠ હતો. વિષ્ણુદાસ તેની સાથે રહેતો હતો. ચંદ્રકાંત વિચારમાં પડ્યો ‘સરસ્વતીચંદ્ર, તને નાનપણમાંથી વૈરાગ્ય વહાલો હતો ને તે વહાલી વસ્તુના ઉપર તારો કેટલો આગ્રહ છે તે હું જાણું છું.’
સરસ્વતીચંદ્ર કહે છે. ચંદ્રકાંત ! મુંબઈ છોડવા પહેલાં હું ધારતો હતો કે દેશહિત, લોકહિત અને આત્મહિત, ત્રણે વિના સિદ્ધ થઈ શકે છે, અને તેં દ્રવ્યના લાભનો પક્ષવાદ કર્યો ત્યારે મેં તેના સામે પક્ષવાદ કર્યો, અને મારાં પક્ષને સત્ય માની મેં દ્રવ્યનો ત્યાગ કર્યો. તારા પક્ષવાદનું મૂળ અનુભવ હતું, તારા અનુભવ વિનાનો મારો પક્ષ હવે મને મૂર્ખતાભરેલો લાગે છે અને તારા જેવાઓને ઉપયોગી થવાનું સાધન મેં હાથે કરી ખોયું. અને દ્રવ્યના સાધન વિના આ શરીરથી જે અર્થ સરે તે જ યોગ્ય છે. હવે આપણા લોકે સ્વીકારેલો પ્રારબ્ધવાદ સ્વીકારવામાં મને સુખ લાગે છે. મારો હાલનો પ્રતિજ્ઞાધર્મ તે વાદને જ અનુકૂળ લાગે છે.
સરસ્વતીચંદ્ર સમાચાર વાંચતા “તે શોકને દાબી શક્યો. તેનાં અશ્રુ દૂર થયા માત્ર મુખ ઉપર શોકની છાયા રહી. સર્વને એકઠો ઉત્તર આપવા પ્રત્ય કર્યો. તેમ કરતાં કપાળે પ્રસ્વેદ-પરસેવો વળ્યો તે લોહતો લોહતો બોલ્યો: “સરસ્વતીચંદ્ર નાસી ગયો તેની મને લેશ ચિંતા નથી. આ મુંબઈના સમાચાર નિષ્ફળ છે. પણ હું સુવર્ણપુરમાં રહેલો છું અને બુદ્ધિધન ભાઈનાં સૌજન્યનું આસ્વાદન કરેલું છે તેનો આ ક્ષણિક શોક ક્ષણમાં શાંત થયો. સાધુજન ! મારું દુઃખ તો ગુરુજીએ દૂર કર્યું છે જ. હવે તેમને શ્રમ આપવાનો કંઈ અવકાશ નથી.”
કુમુદસુંદરી “મધુરીમૈયા” નામે ઓળખાવા લાગી હતી. તે પણ પ્રમાદધન ગયા પછી પોતે ભગવો પહેરવાનું જ વિચાર્યું હતું. તે “મોહનીમૈયા”ના મઠમાં રહેતી હતી. તે સરસ્વતીચંદ્રને મળે છે. કુમુદસુંદરી અને સરસ્વતીચંદ્રના જીવનની અસર કુસુમ પર પણ થાય છે. તે પણ હવે ઘર સંસાર માંડવા નથી માગતી પણ તેને કુમુદ સમજાવે છે. ત્યારે તેની સામે પ્રશ્ન એ આવે છે કે તેને લાયક છોકરો મળે તેમ નથી. સરસ્વતીચંદ્રએ કુમુદની પવિત્રતાને કયારેય ખંડિત કરી નથી. કુમુદ સરસ્વતીચંદ્ર સાથે ઘરસંસાર સ્થાપવાનું કુસુમને કહે છે. બંને લગ્નથી જોડાયા છે. મુંબઈમાં કલ્યાણગ્રામની સ્થાપના કરે છે. ચંદ્રકાંત વકીલાત છોડીને કલ્યાણગ્રામના તંત્રીનું કામ સ્વીકાર્યું હતું. કુમુદને પણ કુસુમ લઈને આવી પહોંચી હતી.
સરસ્વતીચંદ્ર નવલકથામાં નાયક નવલકથાના આરંભથી ગૃહત્યાગ કરીને નીકળે છે એ સાથે તે પોતાનું નામ પણ છોડી દે છે. અને અંતે તે ઘરે પાછો ફરે છે. આથી “દુનિયાનો છેડો ઘર” એ કહેવત સાર્થક થયેલી જોવા મળે છે. સાથે તેને પોતાના જીવનમાં અનેક અનુભવો થયા. નવલકથામાં મહાભારત, રામાયણ ગ્રંથોનો તેમજ કાલિદાસ, ભવભૂતિ જેવા વિદ્વાન સર્જકોની કૃતિનો ઉલ્લેખ જોવા મળે છે.

સંદર્ભગ્રંથ:

  1. ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ. પાંચમી આ.૨૦૧૮. સરસ્વતીચંદ્ર ભાગ : ૧ બુદ્ધિધનનો કારભાર. અમદાવાદ: આદર્શ પ્રકાશન.
  2. ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ. ચોથી આ.૨૦૧૮. સરસ્વતીચંદ્ર ભાગ : ૨ ગુણસુંદરીનું કુટુંબજાળ. અમદાવાદ: આદર્શ પ્રકાશન.
  3. ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ. ચોથી આ.૨૦૧૮. સરસ્વતીચંદ્ર ભાગ : ૩ રત્નનગરીનું રાજ્યતંત્ર. અમદાવાદ: આદર્શ પ્રકાશન.
  4. ત્રિપાઠી, ગોવર્ધનરામ માધવરામ. અગ્યારમી આ.૧૯૮૯. સરસ્વતીચંદ્ર ભાગ : ૪ સરસ્વતીનું મનોરાજ્ય. મુંબઈ : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિમિટેડ.
  5. પંડ્યા, રામચંદ્ર. ૧૯૬૯. ગોવર્ધનરામ અને સરસ્વતીચંદ્ર. અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય.
  6. સાર્થ ગૂજરાતી, જોડણીકોશ. પાંચમી આવૃત્તિ, ૨૦૧૨. અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠ.


પારસ જી. ઓગાણિયા, Ph.D - ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. મો: ૮૮૬૬૦૭૮૧૪૩, ઇમેલ: pparas39@gmail.com