Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
મહાભારતના વિચક્ષણ પાત્ર ‘શિખંડિ’ના મનોવિશ્વને ચરિતાર્થ કરતી લઘુનવલ : ‘શિખંડિની’

ગુજરાતી કથાસાહિત્યમાં નવોદિત નવલકથાકારોમાં કલ્પેશ પટેલનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે નવલકથા અને નવલિકા ક્ષેત્રે પોતાની કલમ ચલાવી છે. તેમની પાસેથી ૧૧ જેટલી નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. તેમનું સર્જનકાર્ય હજુય ચાલુ છે. તેમની નવલકથાઓમાં વિષયોનું વૈવિધ્ય અને સ્વરૂપ પ્રત્યેની સભાનતા જણાય છે. શિખંડિની’ એ ૨૦૧૦માં મધુ પ્રકાશન ગાંધીનગર ધ્વારા પ્રકાશિત લઘુનવલ છે. મહાભારતમાં આવતા પાંચાલના રાજા દ્ધ્રુપદના પુત્ર ‘શિખંડી’ને કેન્દ્રમાં રાખી ગુજરાતી સાહિત્યમાં અગાઉ વિનોદ જોશીએ ખંડકાવ્ય રચ્યું છે જેમાં મુખ્ય ભિષ્મ અને શિખંડીના મનોસંઘર્ષો કાવ્યાત્મક રીતે ઉપસાવ્યા છે. જયંત ગાડીતે ‘શિખંડી’નામની નવલકથા આપી છે, તો કલ્પેશ પટેલે પણ આ જ પાત્ર શિખંડી ઉપર ‘શિખંડિની’ નામની લઘુનવલ આપી છે. આ લઘુનવલ ૧૦૦ પૃષ્ઠમાં લખાયેલી છે. આ લઘુનવલમાં સર્જકે મહાભારતનું અનોખું અને વિચક્ષણ પાત્ર શિખંડીની જે ન સ્ત્રી ન પુરુષ છે આવા પાત્રને સર્જકે લઘુનવલમાં ચરિતાર્થ કરવાનો યથાગ પ્રયત્ન કર્યો છે. લઘુનવલમાં શિખંડીની અને ભિષ્મના મનોસંઘર્ષો મુખ્ય હોવાથી લઘુનવલને પ્રકરણમાં વિભાજીત કરેલ નથી પણ ફૂંદડી પાડી સળંગ ૪૬ જેટલા ગધખંડકોમાં લખી છે. લઘુનવલ પ્રથમ પુરુષમાં જ શિખડીનીના મુખે જ કથા કહેવાય છે તેના મનોવિચાર અને મનોસંચલનોમાં જ વર્તમાન અને ભૂતકાળ ધ્વારા રજૂ થઈ છે.

મહાભારત કથાવસ્તુમાં ચરિતાર્થ શિખંડીના પાત્રથી સૌ કોઈ સંપુર્ણ પરીચિત ના પણ હોય અને હોય તો પણ આ પાત્રની વ્યથા અને તેની આંતરિક વેદનાને સૌ કોઈ વાચક ના પકડી શકે. અહીં કલ્પેશ પટેલે શિખંડી પાત્રને સમજાવવાનો પૂરો પ્રયાસ કરેલ છે એમાં તેઓ સફળ પણ થયા છે. આ લઘુનવલમાં કથાવસ્તુ મહાભારતનું શિખંડિની પાત્રની વિવશતા અને તેને પડતી તકલીફો વર્ણવી છે. સાથો-સાથ માતા ધ્વારા પુત્ર લાલસાએ તે યુવતી હોવા છતાં તેને યુવક તરીકે ઉછેરવામાં આવે છે. બાલ્યકાળમાં તો ઠીક પણ જેમ જેમ તે તરુણાવસ્થામાં પ્રવેશે છે એમ તેના અંગ-ઉપાંગો પોતે સ્ત્રી હોવાની ચાડી ખાય છે. તેનું સત્ય બહાર ના આવે તે માટે પોતે ઘણી સજાગ રહે છે. શિખંડિની માટે પોતે સ્ત્રી હોવા છતાં. સ્ત્રી તરીકેની રહેણી-કરણી ત્યજી પુરુષ બની રહેવું અસહ્ય થઈ પડે છે. તે વારેઘડીએ પુરુષ જાતને ધિક્કારતી બતાવી છે. પોતાની માતા પ્રત્યે પણ તેને ક્રોધ છે. છતાંયે માતાની વિવશતાને પણ સમજે છે. તેના માટે સ્ત્રીનું એક સંકુચિત વિશ્વ છે, પતિ-બાળકો ને પોતે. પોતાનું સત્ય પ્રગટ થઈ જાય તો દરેકની પોતાના પ્રત્યેની જોવાની દ્રષ્ટી બદલાઈ જાય એવું તે માને છે. શિખંડિની પ્રત્યે પોતાના પિતાશ્રી દ્ધ્રુપદ પણ અણગમો ધરાવતા હતા. પરંતું જન્મે સ્ત્રી પણ ઉછેર એક પુરુષ તરીકે થયો. અને સંપુર્ણ સ્ત્રી કે પુરુષ તરીકેના હક ન ભોગવી શકેલ પાત્ર જે મનોયાતના ભોગવી રહેલ છે અને કૃષ્ણ ધ્વારા ભિષ્મ સામેના યુદ્ધમાં તેમને પરાસ્ત કરવા શિખંડીની સહાય લેવામાં આવે છે તેનાથી તે ધન્યતા અનુભવે છે. મહાભારતમાં પણ શિખંડી વિશે આપણને આટલી માહિતી મળે છે. સર્જકે લઘુનવલમાં શિખડીનીના મનોસંઘર્ષને ચરિતાર્થ કર્યો છે.

લઘુનવલમાં કથાવસ્તુની માંડણી ધ્યાનાર્હ રહી છે. સર્જકે શરૂઆતમાં જ શિખંડીને ઊંઘ નથી આવતી અને તેની અંદર ભિષ્મના પ્રતિ જે નફરતનો ભાવ છે તે પ્રગટ કરે છે. પોતાની સાથે પોતાના પણ કેવી ઉપેક્ષા કરે છે તે વિચારતી બતાવી છે. યુદ્ધ મેદાન થી શરૂ થયેલ આ લઘુનવલ ઊલટ- સૂલટ સમય પ્રમાણે આગળ ધપે છે.

શિખંડી માટે આ પૃથ્વી પર અવતરવું એ શ્રાપ રૂપ માને છે. મનોમન પોતાની માતાને ધિક્કારે છે પણ પાછી તેના માટે પણ દયા જન્માવે છે. માતા પુત્ર લાલસાએ પિતાશ્રીને ખુશ કરવા રાજ્યમાં પોતાની પ્રત્યે આદર જન્માવવા ધાત્રી માના કહેવાથી પોતે કુંવરી તરીકે જન્મેલ પણ તેમનો ઉછેર કુંવર તરીકે કરવાનો નક્કી કરે છે. શરૂઆતમાં કોઈ તકલીફ પડતી નથી પણ ઉંમર વધતાં તેના શારીરિક અંગો સ્ત્રી હોવાનું ચાડી ખાય છે. તેનો આવાજ પણ સ્ત્રૈણ જેવો હોય છે પણ માતાશ્રીના પ્રયત્નોથી તે વિવિધ ઔષધીઓ ચટાડી, તેનાથી અવાજે તો થોડુ પૌરુષત્વ મેળવ્યું છે. અહી શિખંડીની પોતે મનોવ્યથા અનુભવે છે.

સર્જકે શિખંડિની પાત્રની વિવશતા તેનું મનોવ્યથાને યોગ્ય ન્યાય આપી શક્યા છે. શિખંડિનીનું અનુસંધાન પૂર્વ જન્મમાં અંબા સાથે રહેલું છે. તેવું સીધું જ સર્જક પ્રતિપાદિત કરતાં નથી પરંતુ શિખંડિનીના સહારા ધ્વારા જ અર્જૂન ભિષ્મનો વધ કરે છે. અને અંતમાં શિખંડિની આત્મસંતોષ પામતી લેખકે દર્શાવી છે.

મહાભારતમાં મૂળ કથામાં પણ સર્જકે દર્શાવેલ વાત આવે છે. મૂળ કથાવસ્તુમાંથી સર્જકે શિખંડિનીના પાત્રને લીધું છે. અને આ પાત્ર ધ્વારા આપણા સમાજમાં રહેલી વિવિધ સ્ત્રી વિષયક માન્યતાઓ ઉપર પ્રકાશ પાડવાનો ઉપક્રમ લેખકનો રહેલો છે. પાત્રચરિત્રણની દ્રષ્ટ્રીએ પણ આ લઘુનવલ ધ્યાનાર્હ રહી છે. લઘુનવલના મુખ્ય પાત્ર શિખંડિની અને ભિષ્મ રહ્યા છે. સાથો-સાથ આ પાત્રોને ચરિતાર્થ કરવા બીજા ગૌણ પાત્રો જેવા કે કૃષ્ણ,અર્જૂન, ધુષ્ટધુમ્ન, દ્રૌપદી જેવા પાત્રોનો સહારો લીધો છે તો ચિત્રસેન અને કવિ જેવા કાલ્પનિક પાત્રો પણ ઊભા કર્યા છે. લઘુનવલનું મુખ્ય પાત્ર શિખંડિની જે સ્ત્રી હોવા છતાં માતાની વિવશતાના ભોગ બની પુરુષ તરીકે પોતાનું જીવન વિતાવે છે. તેની આંતરિક મનોવ્યથાને સર્જકે સંવેદનાથી સભર બનાવી રજૂ કરી છે. પુરૂષોને ઉતરતા સમજે છે. શિખંડિની પાત્રને ઉપસાવવા માટે સર્જકે વિવિધ પ્રસંગો ઊભા કર્યા છે. જેવાકે મિત્ર ચિત્રસેન સાથે નો પ્રસંગ, કવિશ્રી શ્રી દત્ત, ભિષ્મ, ક્રુષ્ણ વગેરે સાથે ના વાર્તાલાપોમાં પણ આપણને શિખંડિનું પાત્ર વધુ સમજાતું જાય છે. સ્વયંવર પ્રસંગના આયોજન વખતે દ્રુપદને કૃષ્ણ સમજાવે છે કે કર્ણ એ ભલે અંગનરેશ બન્યો છે પરતું મૂળે એ એક સારથી પુત્ર છે. ક્ષત્રિય રાજકુમારીને વરવા એક શુદ્રજાતિનો પુરુષ ક્ષત્રિયોની ભરી સભામાં કેવી રીતે મત્સ્યવેધ કરી શકે આવી કૃષ્ણની વાત સાંભળી શિખંડિની મનોમન વિચારે છે કે : “મહામાનવ લેખે ઘોષિત થયેલો પુરુષ આવો માર્ગ ચીંધે ? ” (પૃષ્ઠ-૩૭) આમ ઉપરની વિચારસરણી પરથી આપણને ખ્યાલ આવે છે કે આ પાત્ર અને તેના વિચારો ઉત્તમ છે. શિખંડિની પાત્ર એ પોતાની જાત અને પોતાના પરિવાર સાથે સંઘર્ષ કરતું બતાવ્યું છે. પોતાને એક સ્ત્રી હોવા છતાં મજબૂરી વશ પુરુષ બની રહેવું પડે છે એ તેના માટે અસહ્ય પીડાજનક બની રહે છે. પોતે સ્ત્રી છે તે બાબાત ખુલ્લી પડી જશે તો તેનું જીવવવું વધુ અસહ્ય બની પડશે તેવું માને છે અને તેથી જ તે પોતાનું સત્ય છુપાવવા મથતી બતાવી છે. આ પાત્રના મનોસંચલનો ઉપસાવવામાં સર્જકને ધારી સફળતા સાંપડી છે. શિખંડિની એ સાહસિક બતાવી છે ક્રોધવશ એકવાર તે ભીષ્મની સામે યુદ્ધ કરવા પોંહચી જાય છે .આના ઉપરથી ખ્યાલ આવે છે કે તે ભીષ્મ સામે પ્રતિરોધ લેવા કેવા તત્પર હતાં અને જોડે-જોડ પોતાના આવા વર્તન ને અયોગ્ય પણ ગણાવે છે.

લઘુનવલનું મુખ્યપાત્ર શિખંડિનીને ચરિતાર્થ કરવામાં લેખકે કોઈ જ કચાસ રાખી નથી. આ પાત્રની અંદર રહેલી વિવિધ શક્તિઓ, વિશિષ્ટ્રતાઓને ઉજાગર કરવાનું કામ સર્જકે કર્યું છે. પૂરી લઘુનવલમાં પોતે સ્ત્રી છે એ વાત છુપાયેલી રહે છે. સર્જકે એક જ પ્રસંગમાં તે વ્યંઢળ હોય એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો છે જેમાં પોતાનો ભાઈ કહે છે. “તારી મતી ભ્રષ્ટ થઈ ગઈ છે, વ્યંઢળ ! ધુષ્ટધુમ્નનો હાથ ખડગની મૂઠ પર જતો હતો, મે એને પણ સંભળાવ્યું: ‘પાર્થ સામે પૌરુષ દેખાડો ને ? અમને લડતા શેનું આવડશે. ? ‘ને કરતલધ્વની કર્યો,” (પૃષ્ઠ-૮૪)આવા એક પ્રસંગમાં જ તેને સ્પષ્ટ વ્યંઢળ બતાવી છે, જ્યારે પૂરી લઘુનવલમાં તે એક સ્ત્રી પાત્ર પરંતુ પરિસ્થિતિના વશ થઈ પુરુષ બની રહેવું પડે છે તેવું જ દર્શાવ્યું છે.

આમ, શિખંડિની એ એક વિચક્ષણ પાત્ર જે જીવનમાં ન પૂર્ણ સ્ત્રી કે ન પુરુષ બની શક્યો અને હર હંમેશા તે મનોવિચારોમાં વિહરતો દર્શાવ્યો છે. તેના મિત્રો પણ સામાન્ય નાગરિક છે જેવો કે ચિત્રસેન ખરેખર સર્જક આ પાત્રને ઉપસાવવામાં સફળ નીવડ્યા છે એક બે આપવાદોને બાદ કરતાં જેવા કે આ પાત્રની મનોસ્થિતિને ભાવક સમક્ષ ઉચ્ચત્તમ સ્થિતિએ ના મૂકી શક્યા એ શિવાય તો પાત્રને સજીવ કરી શક્યા અને તેમના વિચારો વર્તમાન સમયની માંગ હોય એવું લાગી રહ્યું છે.

મુખ્યપાત્રને ઉપસાવવામાં ઉપકારક પાત્રો પણ સર્જકે ચરિતાર્થ કર્યા છે. એમાં ભીષ્મ, કૃષ્ણ જેવા પાત્રો પણ ઉપકારક નીવડ્યા છે. ભીષ્મના પાત્રને સર્જક આબેહૂબ ચરિતાર્થ કરી શક્યા છે. ભીષ્મ એ તો આજીવન બ્રહ્મચારી બતાવ્યા છે અને પોતે પોતાના વેણ ઉપર અડગ રહે છે. પરંતુ પોતાની કહેવાતી નીતિમત્તાથી પોતે જ્યાં વિરોધ કરવાનો હતો ત્યાં તેમનું મૌન એ સંમતિનું સુચક બને છે અને લઘુનવલમાં વિવિધ જગ્યાએ શિખંડિની કે અંબા સાથે ના સંવાદોમાં આ વાત પ્રગટ કરી છે. ભીષ્મની તટસ્થતા જ કુરુવંશને મહાયુધ્ધ ભણી ખેંચી ગયું અહી ભીષ્મની બધી જ મર્યાદાઓને લેખકે જણાવી દીધી છે. છતાએ આ પાત્ર પોતાનું તેજ ગુંમાવતું હોય એવું આપણને ક્યાંય અનુભવાતું નથી. આ સાથે કૃષ્ણ જેવા લોકોત્તર પાત્રને ચરિતાર્થ કરવામાં પણ સર્જક્ની હથોટી ઉડીને આંખે વળગે એવી છે. કૃષ્ણના પાત્રને ન્યાય આપવો એ બહું જ અઘરી બાબત છે. છતાએ ક્યાંય પ્રમાણભાન ભૂલ્યા શિવાય લેખકે સરસ રીતે ઉપસાવ્યા છે. સમગ્ર બનાવોનો દોરીસંચાર તો કૃષ્ણ પાસે જ છે એ દર્શાવવામાં પણ સર્જક સફળ નીવડ્યા છે. કૃષ્ણ જેવા લોકોત્તર પાત્રને ઉપસાવવામાં સર્જકે ખૂબજ કાળજી રાખી એમની દિવ્યતાસમી મૂર્તિ ક્યાંય ખંડિત થવા દિધી નથી તેમના મુખે વહેતા શબ્દો પણ ઉચ્ચકોટીના રહ્યા છે.

મહાભારતના પાત્રોને તો સર્જકે પોતાના દદ્રષ્ટીકોણથી ઉપસાવ્યા છે. બે કાલ્પનિક પાત્રો ચિત્રસેન અને શ્રીદત્તને પણ શિખંડિનીને ઉપસાવવા માટે સર્જકે લીધાં છે. ચિત્રસેનએ શિખંડીનીનો લઘુબંધુ બતાવ્યો છે જે સામાન્ય નાગરિક હોવા છતાં શિખંડિની માટે તો એ વિશિષ્ટ છે. એકવાર શિખંડી એ શિખંડિની છે એ જાણી ગયા પછી તેને બહુ આઘાત લાગે છે. અને બિમારીમાં સપડાય છે. વૈદના કહેવાથી હવાફેર માટે શિખંડિની પોતાના મિત્રને લઈ જાય છે. ત્યાં શિખંડિની ચિત્રસેનને બધુ સમજાવે છે. પૂર્વવત બંને મિત્ર બની રહી શકશે અને ત્યારબાદ શિખંડીનીનું મુખવટો સરી પડે છે અને વર્ષોથી છુપાયેલો સ્ત્રી સહજ ભાવ ચિત્રસેનને આલિંગનમાં લઈ લે છે. અને ચિત્રસેનના વિરોધ ઉપર શિખંડિનીનું વર્ષોથી છુપાયેલું સ્ત્રીયત્વ ચિત્રસેનને મજબૂર કરે છે અને એ આલિંગન પૂર્ણત્વત્તા પામે છે. ત્યાર બાદ સવારમાં ચિત્રસેન મૃત જાહેર થાય છે. આમ આ પાત્ર એક સામાન્ય નાગરિક હોવાથી અને શિખંડીનીનું સત્ય પોતે જાણ્યા પછી અને હવેના તેની સાથેના સંબંધથી પોતાના માટે રહેવું અસહ્ય બની પડશે એવું માની જાતે જ આત્મહત્યા કરી લે છે. આમ ચિત્રસેનનું પાત્ર પણ સામાન્ય હોવા છતાં મિત્રતામાં શ્રેષ્ઠ સાબિત થાય છે. આવી જ રીતે આવતું શ્રીદત્તનું પાત્ર કે જેની કથાથી શિખંડિની આકર્ષાય છે અને પોતે પૂર્વજન્મમાં અંબા હતી એવું તેનાથી જ પ્રતિપાદિત થાય છે. ત્યારબાદ શિખંડીનીનો દેહસંબંધ પણ શ્રીદત્ત સાથે બંધાય છે. પોતાના ભાઈ ધ્વારા જ્યારે શ્રીદત્તના વધ માટે સૈનિકો મોકલવાનું નક્કી થાય છે તેનો સંદેશો ગુપ્તચર ધ્વારા મોકલે છે પણ ગુપ્તચર પકડાઈ જાય છે.

આમ, પાત્રાલેખનમાં સર્જક્ને ધારી સફળતા મળી છે. લઘુનવલના મુખ્ય અને ગૌણ બંને પાત્રોને સર્જક જીવંત કરી શક્યાં છે. એમાં શિખંડિની, ભીષ્મ, કૃષ્ણ, અંબા, કાલ્પનિક પાત્રો ચિત્રસેન અને કવિ જેવા પાત્રોની સુક્ષ્મ રેખાઓ આંકી આપવામાં લેખકને એકંદરે સારી સફળતા મળી ગણાય॰ લઘુનવલમાં પોતાની કલ્પના ધ્વારા ઉપસાવેલા પાત્રો પણ લઘુનવલના કથાવસ્તુને ક્યાંય ખંડિત કરતાં હોય એવું અનુભવાતું નથી. આમ સર્જક પાત્ર નિરૂપણમાં પણ સફળ રહ્યા છે. સાથો-સાથ પૌરાણિક પાત્રોની અસ્મિતાને પણ ખંડિત થવા દિધી નથી. પોતાની લઘુનવલના મુખ્ય અને ગૌણ પાત્રસૃષ્ટી વિશે પ્રસ્તાવનામાં સર્જક કહે છે કે : “ આપણી કથામાં ભીષ્મ અને શિખંડિનીનાં પાત્રો મુખ્ય છે. ‘અંબા’ ભલે નાટકના પાત્ર સ્વરૂપે આવતી પરંતુ એનો પ્રભાવ તો કૃતિ ઉપર અંત સુધી રહે છે. કૃષ્ણ તો પોતાનું સ્થાન મેળવ્યા વિના રહે ? ચિત્રસેન અને કવિના પાત્રોનો ‘સ્થાન’ ઓછો છે પણ એમને અવતારવાં ગમ્યાં.” ૧ આમ પાત્રોને સજીવ કરવામાં સર્જક સફળ રહ્યા છે.

રસનિરૂપણમાં પણ સર્જકે ધારી સફળતા પાર પાડી છે. પાત્રોનાં મનોજગતમાંથી જ વિવિધ રસ નિષ્પન કર્યો છે. લઘુનવલના મુખ્યપાત્ર શિખંડીનીના સંવાદો કે તેના આર્તનાદમાંથી સતત સ્ત્રીઓની વેદના જ પ્રગટ થાય છે. અને તેનાં ધ્વારા લેખક પૌરાણિકકાળની સ્ત્રી વિશેની માન્યતાઓ ધ્વારા વર્તમાનમાં જે સમસ્યાઓ છે તેનાં ઉપર પ્રકાશ પાડ્યો છે. તો ચિત્રસેન અને કવિ સાથે નાં પ્રસંગોમાં પણ શૃંગાર રસ નિષપન કર્યો છે.

ભાષાકર્મની દ્રષ્ટીએ પણ આ લઘુનવલની ભાષાશૈલી ઉત્તમ રહી છે. પૌરાણિક વાતાવરણ ઊભું કરવા માટે સર્જકે તત્સમ સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કર્યો છે. જેવાકે ક્રીડાઓ, જિહવા,મેદોન્મંત, મસ્તિષ્ક વગેરે જેવા શબ્દો ઉપયોગમાં લીધા છે. તો સંસ્કૃત શ્લોકોનો પણ ઉપયોગ કર્યો છે. ‘ક્ષમસ્ય માં કેશવ !’, “ઓમ તત્પુરુષાય વિહ્મહે ... મહાદેવાય ધીમહિ .... તન્નો રુદ્ર: પ્રચોદયાત....” (પૃષ્ઠ-૫૭) લેખકે વાતાવરણ ઊભું કરવા માટે કહેવતો પણ ઉપયોગમાં લીધી છે જેવી કે : ‘મરી જશે પણ વળ નહિ મૂકે !’, ‘તુંડે તુંડે મતિભિન્ન ‘ વગેરે જેવી કહેવતો પણ જરૂરિયાત મુજબ લીધી છે. તો ‘માતા તો જાણે પીડાની કવિતા ... દુ:ખની દેવી’ જેવા ઉત્પ્રેક્ષા અલંકારનો પણ ઉપયોગ કર્યો છે. તો ઠેર-ઠેર નીતિવાક્યોની હારમાળ પણ જોવા મળે છે જેવા કે : ‘નારી નું જીવન એટલે જીવતું જાગતું નરક’, ‘વેરનું વૃક્ષ ઈર્ષ્યાના જળથી વિકસે છે’,. ‘મૌન દૃષ્ટોને મન સમર્થન’, ‘ માનુષ્ય દેહથી નહિ મનથી જ મરે છે.’ આવા નીતિવાક્યો પણ વાચકનું ધ્યાન દોરે છે તો મહારાજ, રાણીવાસ, આત્મજા,ધનુર્ધર,ચતુર્દિશે, પ્રપંચી જેવા સમાસ બહુધા વપરાયા છે. આમ લેખકે આ લઘુનવલમાં કાવ્યાત્મક શબ્દરચનાની સાથો-સાથ ભાષાશૈલીમાં કોઈ કચાશ રહેવા દીધી નથી. સંવાદકલા પણ વિશિષ્ટ રહી છે લેખકે પાત્ર-પાત્ર વચ્ચેના સંવાદો કલાત્મક રીતે આલેખ્યા છે. પાત્રની ગરિમા પ્રમાણે તેમના મુખે જેવી ભાષા શોભે એ બાબતમાં સર્જક પૂરા સભાન રહ્યા છે એવું લાગી રહ્યું છે. ક્યાંય સંવાદોમાં આપણને કથારસ તૂટતો અનુભવાતો નથી સંવાદો ધ્વારા જ કથારસ એકધારો વહેતો રહે છે. સંવાદો પણ પૌરાણિક વાતાવરણ ઊભું કરવામાં ઉપકારક નીવડ્યા છે.

પૌરાણિક પ્રસંગને સર્જકે અહી જુદા જ દ્રષ્ટીકોણથી મૂક્યો છે. તેથી જ પ્રેમજી પટેલ નોંધે છે કે : “ મૂળસ્ત્રોત ભલે પ્રાચીન કથા છે સર્જકે આજના મૂલ્યોની વાતો એમાં લીલયા પ્રગટાવી છે.” ૨ લઘુનવલમાં જે ઉમેરણ મૌલિક છે જેવુ કે અંબા ના પાત્રનો પુનર્જન્મ એ લેખકે નાટ્ય મંડળી ધ્વારા નાટકમાં અંબાનું પાત્ર જોઈ શિખંડીની પોતે અંબા પ્રત્યે લાગણી ધરાવે છે. અને ભીષ્મને ધિક્કારે છે અને મનોમન એવું માનવા લાગે છે કે અંબાનો અધૂરો રહેલો પ્રતિશોધ મારે લેવાનો છે એવું માને છે. આમ સર્જકે પુનર્મજન્મ નો અસ્વિકાર કર્યો છે. પ્રસ્તાવનામાં જ પોતે નોધે છે કે : “દંતકથા મુજબ શિખંડી જ અંબાનો પુનરાવતાર છે. પરંતુ આધુનિક સર્જકે અંશ્રદ્ધાને પોશે એવા ચમત્કારોનાં વર્ણનોથી બચવું જોઈએ એમ હું માનું છું. પૌરાણિક કથાનકોમાંથી નીરક્ષીર વિવેક કરી સાંપ્રતણે ઉપયોગમાં આવે એ પ્રકારની સામગ્રી જ ઉપાડવી જોઈએ.” ૩ લેખક કથાવસ્તુ,પાત્રો, પ્રસંગો વગેરેમાં પૂરતા સજાગ રહી પૌરાણિક પાત્રો કે કથાવસ્તુને ખંડિત કર્યા વગર હુબેહુ ઉપસાવ્યા છે. તેથી જ પ્રખર વિવેચક નરેશ શુક્લ શબ્દસૃષ્ટિ: પરિચાયિકામાં નોધેં છે કે: “ભાષાનું આલેખન પ્રમાણમાં સહ્ય છે. વાતાવરણ રચી આપે છે. ચુસ્ત અને સાતમા- આઠમા દાયકામાં જે પ્રકારનો આક્રોશશીલ નારીવાદી અભિગમ પ્રસરેલો હતો તે આ કથામાં શિખંડીની પર આરોપાયો છે. એકંદરે વાંચવા જેવો પ્રયોગ છે.” ૪

આમ, સમગ્રરીતે દ્રષ્ટિપાત કરતાં આ લઘુનવલ પૌરાણિક નવલકથાઓમાં એક અદકેરું સ્થાન પ્રાપ્ત કરે એવી છે. કલ્પેશ પટેલની પૌરાણિક નવલકથા લેખન ઉપરની પક્કડ વધું મજબૂત બની હોય એવું અનુભવાય છે. પૌરાણિક પાત્ર શિખંડીની ધ્વારા એ વર્તમાન સમયમાં સ્ત્રીઓની જે સમસ્યાઓ છે એના ઉપર પણ પ્રકાશ પાડે છે. આ શિવાય પૌરાણિક સમયમાં પણ સ્ત્રીને નિમ્ન માનવામાં આવતી અને હાલ પણ એમાં બહુધા ફરક પડ્યો નથી. આટલા વર્ષો પછી પણ સ્થિતીતો એમને એમ જ છે. ખરેખર આ લઘુનવલમાં સર્જક મુખ્યપાત્ર શિખંડીનીના માંનોસંચલોને સુપેરે ઉપસાવી શક્યા છે અને તેના પાત્રચિત્રણ ધ્વારા વર્તમાન સમાજ વ્યવસ્થા અને પુરુષપ્રધાનતાની વાતો કરતા વ્યક્તિઓને પણ સમજાવવાની કોશિશ કરતા જણાય છે. ખરેખર મહાભારતના આ પ્રસંગો, પાત્રો વગેરેને નુતન અભિગમ, નુતન દ્રષ્ટ્રી ધરાવતા દર્શાવી લેખકે એક ઉમદા કાર્ય પાર પાડ્યું છે. સૌ વિવેચકો અને અભ્યાસીઓને વિચારતા કરી મૂકે એવી આ ધ્યાનાર્હ લઘુનવલ છે.

સંદર્ભ-સૂચી

  1. ‘શિખંડિની’ : કલ્પેશ પટેલ : પ્રસ્તાવના: દ્ધ્રિતીય આવૃત્તિ -૨૦૧૫ : પૃષ્ઠ નં : ૮
  2. ‘શિખંડિની’ : કલ્પેશ પટેલ : દ્ધ્રિતીય આવૃત્તિ -૨૦૧૫ : પરિશિષ્ટ: પ્રેમજી પટેલ પૃષ્ઠ નં : ૧૦૭
  3. ‘શિખંડિની’ : કલ્પેશ પટેલ : પ્રસ્તાવના: દ્ધ્રિતીય આવૃત્તિ -૨૦૧૫ : પૃષ્ઠ નં : ૫
  4. ‘શિખંડિની’ : કલ્પેશ પટેલ : દ્ધ્રિતીય આવૃત્તિ -૨૦૧૫ : પરિશિષ્ટ: નરેશ શુક્લ :પૃષ્ઠ નં : ૧૧૧


પરેશકુમાર કચરાભાઈ ચૌધરી, પ્રાથમિક શિક્ષક મોડાસા, જિ.અરવલ્લી. મો. ૯૪૨૮૭૪૮૫૩૦