Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
ભારતનું પ્રથમ સ્ત્રી માસિક – સ્ત્રીબોધ : એક ઐતિહાસિક અવલોકન

ઓગણીસના સદીના ઉતરાર્ધમાં સમાજસુધારકોએ વર્તમાનપત્રો કે માસિકોને પોતાના વિચારોનું માધ્યમ બનાવી સમાજના અનેક અનિષ્ટો સામે લડત ચલાવી હતી,તેમ ઓગણીસમી સદીના છઠ્ઠા સૈકામાં પારસીઓએ સ્ત્રી કેળવણીના ભાગરૂપે ‘સ્ત્રીબોધ’ નામનું માસિક કેવા સંજોગોમાં શરૂ કર્યું અને આ માસિકએ વીસમી સદીના છઠ્ઠા સૈકા સુધી અવિરત ૧૦૦૦થી પણ વધારે અંકો પ્રગટ કરીને સાહિત્યના વિવિધ સ્વરૂપોનો સહારો લઇ સ્ત્રીઓને ગૃહ વ્યવસ્થાના શિક્ષણની સાથે વિવિધ વિષયનું જ્ઞાન આપી સ્ત્રીઓને જાગૃત કરવામાં શું ભૂમિકા ભજવી તેનું આલેખન કરવાનો છે.

કોઈ ઘટના ઘટવું એ તત્કાલીન સમયના પરિબળોની દેન હોય છે તેમ ‘સ્ત્રીબોધ’એ ઈ.સ.૧૮૫૭માં ગુજરાતી ભાષામાં શરૂ થવું અને ભારતના પ્રથમ સ્ત્રી માસિક તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરવો એ સમયની જ દેન ગણાય. તત્કાલીન સમયનો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે બંગાળ અને મદ્રાસની સાથે મુંબઈ પણ અંગ્રેજોની વેપારી અને વહીવટી પ્રવૃત્તિનું કેન્દ્ર બનતા અહી આધુનિક શિક્ષણના પગરણ મંડાયા, જેની અસર પારસી સમાજ પર થઇ હતી, કારણ કે આ સમયે પારસીઓ વેપાર,વ્યવસાય અને સરકારના વિવિધ વહીવટી વિભાગમાં અધિકારી તરીકે આગળ પડતા હતા. આમ એક બાજુ આધુનિક શિક્ષણ અને બીજું બાજુ અંગ્રેજોના સંપર્કના પરિણામે પારસીઓમાં સામાજિક પરિવર્તનના બીજ વવાયા. જેના પરિણામ સ્વરૂપે સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓ કે વહેમો નડતર રૂપ બનવા લાગ્યા. પશ્વિમની કેળવણી પામેલા પારસી પુરુષોએ સારી રીતે જાણતા હતા કે આ માન્યતાઓ કે વહેમો દુર કરવામાં સ્ત્રીને કેળવવી પણ એટલી જ જરૂરી છે કારણ કે સ્ત્રીએ સમાજનો અભિન્ન અંગ છે. તેથી પોતાના પરંપરાગત જીવનમાં રહેલા વહેમો કે માન્યતાઓ દુર કરવા માટે તેની શરૂઆત પોતાના કુટુંબની સ્ત્રીઓથી કરવા માંગતા હતા. તેથી સમાજ સુધારણાના ભાગ રૂપે સ્ત્રી કેળવણીને ઉત્તેજન આપવા કેટલાક પારસી ગૃહસ્થોએ કન્યા કેળવણી માટે ઈ.સ.૧૮૪૮માં મુંબઈમાં કન્યા શાળા શરુ કરી. જેનું સંચાલન ‘સ્ટુડન્ટ લિટરરી એન્ડ સાયન્ટીફીક સોસાયટી’ કરતી હતી. ઈ.સ.૧૮૫૨ સુધીમાં આ સંસ્થા મારફત્તે મુંબઈમાં ૬ કન્યા શાળા શરુ કરાઈ. જેમાં ૩૦૮ કન્યાઓ અભ્યાસ કરતી હતી. જે પારસી,મરાઠી અને હિંદુ સમાજમાંથી આવતી હતી, તેમાં સૌથી વધારે સંખ્યા પારસી કન્યાઓની હતી. આમ કન્યા કેળવણીની સાથે સ્ત્રીને લગતા ગુજરાતી ભાષામાં ઈત્તર વાંચન સાહિત્યનો અભાવ હતો, પણ જે સમયે ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકોનો અભાવ હોય તેવા સમયે સ્ત્રીને વાંચવા લાયક ઈત્તર સાહિત્યની કલ્પના કરવી જ મુશ્કેલ હતી. આમ પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરેલી આ કન્યાઓ માટે શિક્ષણની સાથે ઈતર વાચન સાહિત્ય ઉપલબ્ધ કરાવવા અને તેના દ્વારા ગૃહવ્યવસ્થાનું જ્ઞાન આપવા માટે કેટલાક પારસી ગૃહસ્થોએ સ્ત્રી માસિક શરુ કરવાનું નક્કી કર્યું. પણ મુશ્કેલીએ હતી કે હજી ભારતમાં મુદ્રણકલાના વિકાસની શરૂઆત હતી, બીબા દ્વારા છાપકામ થતું હતું. તો બીજી બાજુ આ સમયે વાંચતી-લખતી સ્ત્રીઓની સંખ્યા બહુ જ જુજ હતી, આમ એક બાજુ ખર્ચાળ મુદ્રણકળા તો બીજી બાજુ ગ્રાહકનો અભાવ એવા સમયે આ સામાયિક શરુ કરવાનું કામ ઘણું કપરું હતું. તેમ છતાં પારસીઓએ જેમ બીજા ક્ષેત્રોમાં જે પહેલ કરી હતી તેમ આ ક્ષેત્રમાં પણ અનેક મુશ્કેલીઓ વચ્ચે આ માસિક શરુ કરવાની પહેલ કરી. આ માસિકના પ્રથમ અંકના દીબાચો(નિવેદન)માં નોધ મુજબ : ““ મુંબઈ શહેરના એક પરોપકારી પારસી ગૃહસ્થનો વિચાર છે કે ગુજરાતી જાણનારી અને મુખ્ય કરીને પારસી બાનુઓને વાંચવા લાયક થોડા જ એવાં પુસ્તકો છે કે જે ઉપર ધ્યાન આપવાથી તેઓ ઊંચી જાતની ગમ્મત સાથે ઉપયોગી જ્ઞાન મેળવી શકે; વાસ્તે જો દર માસે એક એવું ચોપાનિયું પ્રગટ કરવામાં આવે કે જેથી એ મતલબ પાર પડે, એટલે તે વાંચવાથી આપણી જુવાન તથા ઉમરે પુગેલી બાનુઓ જ્ઞાન તથા ગમત મેળવી શકે”” સ્ત્રીઓ માટે વાંચન સાહિત્ય ઉપલબ્ધ કરાવવા અને તેના દ્વારા મનોરજન સાથે બદલાતા સમાજની જીવનશૈલીથી વાકેફ કરવા માટે કેટલાક શિક્ષિત પારસી ગૃહસ્થોએ આ ચોપાનિયું શરુ કરવા માટે ‘સ્ત્રીબોધ સભા’ નામની એક મંડળીની સ્થાપના કરી. જેના પ્રથમ સેક્રેટરી જાંગીરજી બરજોરજી વાચ્છા હતા અને સભ્યો ડોસાભાઈ ફરામજી કામાજી,ખુરશેદજી નસરવાનજી કામજી,સોરાબજી શાપુરજી અને બેહરામજી ગાંધી વગેરે હતા. આ સભાની પ્રથમ બેઠકમાં ચોપાનિયા નમુના આકારનું માસિક દર મહીને પ્રગટ કરવું અને તેના પ્રથમ અંકની ૧૦૦૦ થી ૧૧૦૦ નકલ પરિવારોમાં મફતમાં વહેંચવી અને માસિક પ્રગટ કરવાનો વાર્ષિક ખર્ચ અંદાજીત રૂ.૨૦૦૦/- નક્કી કરતો ઠરાવ કરવામાં આવ્યો. આ પરંતુ શરૂઆતમાં આ મંડળી પાસે કોઈ ફંડ ન હતું. તેથી આ મંડળી સભ્ય અને આ માસિક શરુ કરવામાં પ્રેરણા આપનાર શેઠ ડોસાભાઈ ફરામજી કામાએ દર વર્ષે એમ બે વર્ષ સુધી માસિક ચાલવા માટે રૂ.૧૨૦૦ /- દાન આપવાનું વચન આપ્યું. પરંતુ બાકીના ખર્ચને પહોચી વળવા માટે આ માસિકનું વાર્ષિક લવાજમ રૂ.૧ રાખવામાં આવ્યું હતું. આ માસિકનો પ્રથમ અંક જાહેરાત માટે કેટલાક પરિવારોમાં મફત વહેંચવામાં આવ્યો, પરિણામ શરૂઆતથી જ આ માસિકને સારો આવકાર મળ્યો, તેની સભ્ય સંખ્યા ૧૧૯૭ જેટલી નોધાયા. આમ આ માસિકની શરૂઆતથી જ તેમનો હેતુ નફો કરવાનો ન હતો પણ માસિક પ્રગટ કરવા માટે જે ખર્ચ થતો હતો તેટલું જ લવાજમ રાખીને પારસી સાથે અન્ય સમાજની કેળવણી પામેલી સ્ત્રીઓ સુધી આ માસિકનો ફેલાવો કરવાનો હતો. જે આ માસિકના મુખ પૃષ્ઠમાં રહેલું વાક્ય “કહે નેપોલિયન દેશને કરવા આબાદા; સરસ રીત છે એજ કે, દો માતાને જ્ઞાન” અને પારસી કુટુંબનું ચિત્ર કે જેમાં સ્ત્રી મંડળ પુસ્તકો વાચતું નજરે પડે છે, જે તેની સાર્થકતા હતી.

આ માસિકના તંત્રી પદે શરૂઆતથી જ સ્ત્રી કેળવણી હિમાયતી અને સમાજ સુધારક બેહરામજી ખરશેદજી ગાંધી, ત્યાર બાદ થોડાક સમય સોરાબજી શાપુરજી બંગાલી અને જાંગીરજી બરજોરજી વાચ્છા અને ઈ.સ.૧૮૫૯થી જજ નાનાભાઈ હરિદાસ,ઈ.સ.૧૮૫૯ના અંતે થોડાક સમય સોરાબજી જાંગીરજી,ઈ.સ.૧૮૬૦થી કરસનદાસ મુળજીએ બે વર્ષ સુધી અને ઈ.સ.૧૮૬૨માં થોડાક સમય નાનાભાઈ રૂસ્તમજી રાણીના તંત્રી રહ્યા હતા. આ સમાજ સુધારકોએ શરૂઆતમાં આ માસિક દ્વારા સ્ત્રી કેળવણી સાથે ક્રમશ જરૂરિયાત મુજબ વિવિધ વિષયનું જ્ઞાન આપીને સ્ત્રીના આચાર અને વ્યવહારમાં પરિવર્તન લાવવામાં અને આ માસિકને ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.

સ્ત્રીબોધના શરૂઆતના પાંચ વર્ષના લેખો અભ્યાસ કરતા તેના સ્વરૂપ વિશે ખ્યાલ આવે છે. જેમાં ‘લાએકીવાલી ઓરત’(લાયકાતવાળી ઓરત) અને ‘વખાએલી ઓરત’(પ્રસિદ્ધ સ્ત્રી)ના મથાળા હેઠળ સ્ત્રીઓના ઉદાહરણ આપવા માટે હારમાળા રૂપી ભારત અને વિદેશની પ્રખ્યાત સ્ત્રીના જીવન ચરિત્રોનું ટૂંકમાં ચિત્રો સાથે આલેખન કરવામાં આવતું હતું. સ્ત્રીઓને બહારનું દુનિયા જ્ઞાન વધે તે માટે વિવિધ દેશનો ઈતિહાસ અને ભૂગોળ વિષયક માહિતી આપવામાં આવતી જેમાં ‘ઈરાન દેશની મુખ્તેસર હકીકત’, ‘મહારાણી વિક્ટોરીઆનું જાહેરનામું’, ‘ચીનનો શહેનશાહ’, ‘રશિયા દેશ’, ‘ભૂગોળવિદ્યા,’દરિયાઈ ઘોડા’ વેગેરે લેખો સ્ત્રી વાચવા માટે પ્રેરાય તેથી વાર્તા રૂપે આપવામાં આવતા હતો. સામાજિક લેખોમાં ‘સુધરેલી ઓરત’ , ‘છોકરાઓની કેળવણી વિષે માતાઓને બે શબ્દ, ‘શાદીની શિખામણ’, ‘જુવાન પુરુષોને શિખામણ’, ‘સાસુ વહુના કજીયા- દુખી દીકરીની ફરિયાદ’, ‘સંસારિક દુખ’, ‘એક ખરા દોસ્તની વફાદારી’, ‘ઘરેણા વના બાએડી કાઈ શોભે કે’(ઘરેણા વિના પત્ની થોડી શોભે), ‘જો કોઈ ભૂતથી બિહે તેહને ભૂત વળગે’(જો કોઈ ભૂતથી ડરે તેને ભૂત વળગે), ‘એક ઓરતનો અજાએબ જેવા હેવાલ-ભૂત ડાકણનો વહેમ’(એક ઓરતનો અજાયબી જેવો અહેવાલ-ભૂત ડાકણનો વહેમ), ‘લગ્નમાં ફટાણા ન ગાવા વિશેનું ગીત’ વગેરે આ વાર્તારૂપી લેખો દ્વારા તત્કાલીન સમાજમાં પ્રચલિત રૂઢ પરંપરા કે વહેમોને દુર કરવાની સાથે પ્રવર્તમાન સામાજિક પ્રશ્નોનું નિરાકરણ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતો. સ્ત્રીઓમાં નાટકના જ્ઞાનનો ફેલાવો કરવાના હેતુથી શેક્સપિયરના નાટકોનો અનુવાદ કરી ‘ઈરાની સોદાગર’, ‘ભુલચૂકની હસાહસ’ના મથાળે હેઠળ નાટકો આપવામાં આવતા હતા. તે સમયએ વિજ્ઞાન વિષયના સાહિત્યનો અભાવ હતો તેથી સ્ત્રીઓને વિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન આપવા માટે ‘દીવાદાંડી’, ‘સુક્ષ્મદર્શક યંત્ર’, ‘વરાળ યંત્ર’, ટેલીગ્રાફ’,ની વગેરે માહિતી આપવામાં આવી છે, આ સમયે અજાયબી જેવી ગણાતી આ બાબતો પ્રત્યે સ્ત્રીઓને સામાન્ય માહિતી આપીને દુનિયામાં થયેલ નવી-નવી શોધોથી પરિચિત કરવામાં આવતી હતી. આ ઉપરાંત નવરાશના સમયમાં સ્ત્રીઓને વિવિધ હુન્નર(કળા-કૌશલ્ય) શીખડાવવા માટે ‘કાપડ વણવાનો હુન્નર’, ‘સ્ત્રી જાતને લાએક(લાયક) સંસારી ધંધા’, ‘ભરત શીખવાની ગરબી’, ‘વખત કેમ ગુજારવો-મોતી પરવાળાનો હાર’, ‘સાબુ કેમ બનાવો’ વગેરે હુન્નર વિષે ચિત્રો સાથે સમજાવવામાં આવતું હતું. એક હુન્નરના જ્ઞાન આપવાના ભાગ રૂપે આ સમયે આ વર્તમાનપત્રો અને સામયિકોનું છાપકામ કેવી રીતે થતું તેની માહિતી સ્ત્રીઓને પ્રાપ્ત થાય તે માટે એપ્રિલ-૧૮૬૧ના અંકમાં ‘છાપખાનું અને છાપવાનો હુન્નર’ .(સ્ત્રી બોધ : એપ્રિલ-૧૮૬૧,પૃ.૯૩) લેખમાં વિદેશમાં અને આપણા દેશમાં મુદ્રણકલાનો વિકાસ કેવી રીતે થયો તેની માહિતી ટૂંકમાં આપીને ખુબ જ સરસ બીબાના ચિત્રો દ્વારા છાપકામ કેવી રીતે કરવામાં આવતું અને બીબા ગોઠવવામાં કેટલો સમય લાગતો એ અંગેની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્ત્રીના અને બાળકોના આરોગ્ય વિષયક બાબતોના ઈલાજો વિશે માહિતી આપવામાં આવતી હતી. આ શરૂઆતના અંકનો અભ્યાસના આધારે માસિકના સ્વરૂપ વિશે ખ્યાલ આવે છે. તે સમયે સ્ત્રીઓનો અભ્યાસ ઉપલબ્ધ સાહિત્યના આધારે સાવ પ્રાથમિક કક્ષાનો જ હતો. તેથી શરૂઆતમાં આ માસિકમાં ઓછુ ભણેલી સ્ત્રી સમજી શકે તેવી સાદી અને સરળ પારસી ભાષા સ્ત્રીઓને જ્ઞાનની સાથે બોધ મળે તેવા વિષયો જ આપવામાં આવતા હતા.આમ આ માસિકની શરૂઆતની ભાષા જોતા ખ્યાલ આવે છે કે તે સમયની પારસી સમાજમાં બોલાતી ભાષા અને શૈલીમાં જ લખાણ આપવામાં આવતું હતું. શરૂઆતના લેખકો માત્ર પુરુષો જ હતા. સ્ત્રીઓની તે સમયની સ્થિતિ પ્રમાણે મનોરંજન અને જ્ઞાનની સાથે સ્ત્રીના વિવિધ કર્તવ્યો,ગૃહ વ્યવસ્થા,બાળકોનો ઉછેર વગેરેનું જ્ઞાન આપવામાં આવતું હતું.પ્રારંભમાં વિવિધ વિષયના જ્ઞાનની સાથે સમાજમાં પ્રવર્તતી માન્યતાઓ અને વહેમો દુર થાય તેને ધ્યાનમાં રાખીને બોધરૂપ વાર્તાઓ પણ આપવામાં આવતી હતી.માસિકના અંતે મનોરંજન માટે સામાન્ય જ્ઞાન અને ગરબી,ગીત અને કાવ્યો આપવામાં આવતા હતા.

રાસ્ત ગોફતારના તંત્રી પદે રહીને કરશનદાસ મુળજી સાથે સમાજ સુધારણાની પ્રવૃતિને સમર્થન આપનાર અને પારસી સમાજ સુધારણામાં મહત્વનો ફાળો આપનાર કેખુશરૂ કાબરજીએ ઈ.સ.૧૮૬૩થી આ માસિકનું તંત્રી પદ સંભાળતા એક નવું જોમ આવ્યું હતું. તેઓ આ પદ પર પોતાના મૃત્યુ પર્યંત એટલે કે ઈ.સ.૧૯૦૪ સુધી રહ્યા.પોતે એક સાર નાટ્યલેખક અને નવલકથાકાર હોવાથી નાટ્ય અને વાર્તા કે નવલકથા દ્વારા આ માસિકમાં સાદી અને સરળ શૈલીમાં પારસી કે હિંદુ સમાજમાં ઉપસ્થિત થતા સમસામયિક પ્રશ્નોને અસરકારક રીતે રજુ કરીને સ્ત્રીબોધનો એક મોટો વાચક વર્ગ ઉભો કરવામાં તેઓ સફળ રહ્યા હતા. ૪૧ વર્ષ સુધી અંગ્રેજી વાર્તાઓને પારસી સંસારમાં ઉતારીને સ્ત્રીબોધની લોકપ્રિયતામા વધારો કર્યો હતો. ‘હોશંગ બાગ’(૧૮૯૨-૯૪)ની વાર્તામાં શિક્ષણ કે પશ્વિમના લોકોના સપર્કના પરિણામે સ્ત્રીઓમાં આવેલી આધુનિક ફેશનકે અન્ય અનિષ્ટોની તેમણે આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તો ‘ભીખો ભરભરીયો’(૧૮૯૦-૯૨)માં ધનાઢ્ય પરિવારની સ્ત્રીઓ પ્રસંગોમાં પૈસાનો ખોટો વ્યય કરે છે,તે પારસી સમાજની અન્ય સ્ત્રીઓને પણ આ માર્ગે દોરે છે, તે સમાજમાં માટે કેટલું નુકશાનકારક છે તે સર્વ બાબતોને વાર્તા દ્વારા વણી લેઈને સ્ત્રીઓને બોધ આપવામાં તેઓ સફળ રહ્યા હતા. આમ પારસી અને હિંદુ સમાજમાં સ્ત્રીઓના પ્રશ્નોને સાહિત્યના કોઈ ને કોઈ સ્વરૂપે અસરકારક લખાણ દ્વારા સ્ત્રીને બોધ આપવાનું કામ તેમણે કર્યું છે. પછી તે સ્ત્રી કેળવણીનો પ્રશ્ન હોય, સ્ત્રીને જાહેર જીવનમાં પુરુષો સાથે મેળાવડામાં ભાગ લેવાનો પ્રશ્ન હોય કે આધુનિક શિક્ષણના પરિણામે સ્ત્રીઓમાં પ્રવેશેલા ખોટા અનિષ્ટો કે ફેશનના પ્રશ્નો હોય તે સમગ્ર બાબતે કેખુશરો કાબરજીએ પોતાની કલમ ચલાવી હતી કારણે કે તેઓ ‘રાસ્ત ગોફતાર’ના તંત્રીની સાથે મુબઈમાં અનેક જાહેર સામાજિક,રાજકીય અને કેળવણીની સંસ્થા સાથે સંકળાયેલા હોવાથી સમાજમાં પ્રવર્તતા અનેક પ્રશ્નોથી તેઓ વાકેફ હતા.

કેખુશરૂ કાબરજી આ માસિક માટે એક સારું લેખક મંડળ ઉભું કરવામાં પણ સફળ રહ્યા હતા. તે સમયના નામાંકિત ગુજરાતી સાહિત્યકરો નર્મદશંકર અને દલપતરામએ અનેક કાવ્યો સ્ત્રીબોધ માટે લખ્યા હતા. આ ઉપરાંત રણછોડભાઈ ઉદયરામ,છોટાલાલ સેવકરામ,અરદેશર ફરામજી ખબરદાર,દાદી એદલજી તારાપોરવાળા,જાંગીરજી મહેરવાનજી પ્લીડર,બેજનજી દાદાભાઈ મહેતા,ખરશેદજી ફરામજી ખોરી,ડોસાભાઈ ફરામજી રાદેલિયા,જીવનજી જમશેદજી મોદી,શિવપ્રસાદ પંડિત વગેરે લેખકો આ માસિક માટે પોતાની કલમ ચલાવી હતી.

કેખુશરૂ કાબરજીએ પોતાના તંત્રી પદે સૌથી અગત્યનું કાર્ય આ માસિકમાં સ્ત્રીઓને લખવા માટે ઉત્તેજન આપવાનું હતું. તેના પરિણામ સ્વરૂપે હરકુંવરબાઈએ કવિતા અને પુતળીબાઇએ વાર્તા રૂપી પોતાના લખાણ લખવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ડૉ. રતનબાઇ રૂસ્તમજી મલબારવાળા,ધનબાઈ બેરામજી નાણાવટી,સુનાબાઈ દિનશાહ પારેખ,રૂપાબાઈ દોરાબજી,પીરોજબાઈ કેખુશરો જીવણજી,રતનબાઈ અદેલજી અને શિરીન કાબરાજી વગેરે સ્ત્રી લેખિકાઓ સ્ત્રીઓ વિશેના વિવિધ વિષયો પર પોતાની કલમ ચલાવી હતી.

કેખુશરૂ કાબરજીના તંત્રી પદે (૧૮૬૩ થી ૧૯૦૪ સુધી) આ માસિક અવિરત પ્રગટ થઇ, વાર્તા,નવલકથા, નાટકો, સ્ત્રી આરોગ્ય વિષયક પ્રશ્નો, સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા અને પરિવર્તન પામતા સમાજ સાથે સર્જાતા પ્રશ્નોને વાચા આપીને સ્ત્રીઓના વાંચન જગતમાં પોતાની લોકપ્રિયતા જાળવી રાખી હતી. કેખુશરો કાબરજી જ્યાં સુધી તંત્રી પદે રહ્યા ત્યાં સુધી તેમના નાટકો,વાર્તા અને નવલકથા ધારાવાહિક સ્વરૂપમાં ચાલુ જ રહ્યા હતા પોતાના જીવનના અંતિમ તબક્કા સુધી આ માસિકની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહીને ‘સ્ત્રીબોધ’ માસિકને ઉત્કૃષ્ટ બનાવવા તેઓએ ભારે પરિશ્રમ કર્યો હતો. આ અંગે મનસુખરામ ત્રિપાઠી નોંધે છે કે ““સ્ત્રી બોધને બોધક,મનોહર અને મનોભાર કરવા તેઓ બહુ જ અભિલાષી રહેતા, સ્ત્રીબોધ પર તેઓની અનન્યપ્રીતિ જણાતી હતી.નિવૃત થયા પછી થોડા માસ ઉપર તેઓ કહેતા હતા કે અંત સુધી સ્ત્રીબોધ ચલાવવા ધાર્યું છે અર્થાત દેહના પ્રાણ અને વિયોગ સુધી સ્ત્રીબોધનો સંયોગ રાખવો એ તેમનો દ્રઢ નિશ્વય હતો ” ”(in memoriam kaikhosro nowroji kabraji : P.45) આ સામાયિકના તંત્રી પદે રહીને પારસી સમાજના સુધારણા વિષે પોતાના ખ્યાલો સાહિત્ય સ્વરૂપે રજુ કરીને પારસીઓ સમાજના ભવિષ્ય પર ઉમદા અસર ઉપજાવી હતી. આ અંગે પેસ્તનજી તારાપોર નોંધે છે કે “ સ્ત્રીબોધ એક વ્યાપારી સાહસ લેખે નીકળ્યું ન હતું.તેની અવશ્યની નેમ દેશી માતાઓને જ્ઞાન આપવાની હતી.એ નેમ પાર પાડવા માટે સ્ત્રીબોધને કાબરાજી કરતા વધારે લાયક તંત્રી બીજો મળી શકત નહિ. એક સ્થાપેલા ધોરણને વફાદારીથી વળગી રહેવાની ધીરજ,ખંત અને સચ્ચાઈ દરેક માણસ બતાવતું નથી” (સ્ત્રીબોધ અને સંસાર સુધારો: પૃ.૭૭) પરંતુ કેખુશરૂ કાબરજી સમયમાં કરસનદાસ મુળજી,બહેરામજી મલબારી અને નર્મદ જેવા સમાજ સુધારકો દ્વારા સમાજની અનિષ્ટ પ્રથાઓ સામે જે આંદોલન ચલાવ્યું તે બાબતોથી આ માસિક દુર રહ્યું હતું.

ઈ.સ.૧૯૦૪માં કેખુશરૂ કાબરજીના અવસાન બાદ તેમના પુત્રી શિરીન કાબરજીએ ઈ.સ.૧૯૧૨ સુધી આ માસિક ચલાવ્યું હતું.આ માસિકને એક નવી દિશા આપવાનું કામ તેમના પુત્રવધુ પુતળીબાઇએ કર્યું હતું. તેઓ ઈ.સ.૧૯૧૨થી ૧૯૪૨ સુધી આ માસિકના તંત્રી પદે રહ્યા. એક સ્ત્રી તરીકે સ્ત્રીના પ્રશ્નોને સારી રીતે સમજી સાહિત્યના માધ્યમથી સારી રીતે રજુ કરીને તેમનું નિરાકરણ કરવાના પ્રયાસ કર્યા હતા. ઈ.સ.૧૯૨૦થી તેમની સાથે સહાયક તંત્રી તરીકે કેશવપ્રસાદ દેસાઈ પણ જોડાયા હતા. આમ પુતળીબાઈ અને કેશવપ્રસાદ દેસાઈના તંત્રી પદે આ માસિકની ભાષા,કદ અને વિષય વસ્તુમાં પરિવર્તન આવ્યું હતું. આ ઉપરાંત આ સમયે શુદ્ધ ગુજરાતી ભાષાની સાથે પારસી ભાષા અને લેખકોનો અભાવ પણ જોવા મળતો હતો. આ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી આ માસિકની સાથે બાળકોના મનોરંજન માટે બાળવિભાગ પણ શરુ કરવામાં આવ્યો. ઇસ. ૧૯૨૧થી આ માસિક પ્રગટ કરવાની જવાદારી જીવનલાલ અમરશી મહેતાએ સ્વીકારી, આ માસિકને નવજીવન આપવાનું કામ તેમણે કર્યું હતું. તેમના પ્રકાશન હેઠળ આવતા તેમને આ માસિકને ઉત્કૃષ્ટ બનવાના ભાગ રૂપે રવિશંકર રાવલ પાસેથી ચિત્રો દોરાવી બાળવિભાગમાં વાર્તા સાથે પ્રગટ કરતા હતા. તેમને સ્ત્રીઓ માટે ખાસ ગરબા વિશેષાંક આપવા ભારે જહેમત ઉડાવી હતી. તો બીજી બાજુ ૨૦મી સદીમાં સ્ત્રી અધિકારો માટે લડત ચલાવતી અને સ્ત્રી માટે પ્રેરણારૂપ શારદાબેન મહેતા,વિનોદિનીબેન નીલકંઠ,હંસાબેન મહેતા,સુલોચના દેસાઈ વગેરે અનેક સ્ત્રીઓ સ્ત્રી કેળવણી અને તેમના હકો માટે પોતાની કલમ આ માસિકમાં ચલાવતા આ માસિક બદલાતા જતા સમાજ સાથે સ્ત્રીઓ પ્રશ્નો રજુ કરવામાં સફળ રહ્યું હતું.

પુતળીબાઇ સ્ત્રીબોધના તંત્રી બન્યા પછી ઓછા દરે વધુમાં વધુ સ્ત્રીબોધ માસિકનો ફેલાવો થાય તે માટે તેમણે પૈસાનો પણ ભોગ આપ્યો હતો. આ માસિકમાં વર્ષો સુધી લેખો કે વાર્તા દ્વારા સ્ત્રીની ફરજો વિશે તેમણે ખુબ લખ્યું. આ માસિકમાં તેમનું સૌથી લોકપ્રિય અને અસરકારક લખાણ તરીકે ‘શેહરનવાઝનો સંગીન પત્ર વ્યવહાર’ મથાળા હેઠળ આવતો લેખ હતો. સમયના વહેણ સાથે લખાણો અને અનુભવોથી તેમને પાકટતા ધારણ કરી હતી. સમાજમાં પ્રવર્તતા કોઈ પણ સમસ્યાનો અભ્યાસ કરી,પોતાની બુદ્ધિ બળથી બરાબર તપાસતા અને પછી વાર્તામાં ઢાળીને વાચકને રસ ઉત્પન્ન થાય તેવી રીતે દરેક સમસ્યા ઉપર અસરકારક લખાણ લખતા હતા. જેમાં પોતે ‘શેહરનવાઝ’ના ઉપનામથી પોતાની કાલ્પનિક બહેનપણી ‘અરનવાઝ’ને સંબોધીને વર્તમાન સ્ત્રી સમસ્યાઓ,સ્ત્રીઓનો દરજ્જો, ઘર સંસાર,સ્ત્રી કેળવણી,સ્ત્રીઓને મન સાથે તનની કેળવણી, પ્રખ્યાત સ્ત્રીઓના જીવનના પ્રેરણારૂપ ઉદાહરણો,આરોગ્ય,સમાજમાં એકબીજાની ફરજો વગેરે તત્કાલીન સમસ્યા રૂપ મુદ્દાઓને પોતાની કલમ દ્વારા અસરકારક રીતે રજુ કરતા હતા.તેમાં કોઈ પણ સમસ્યાને લગતા વાર્તારૂપી સરસ ઉદાહરણ આપીને વાચકને રસ પણ પડે અને બોધ પણ થાય તે રીતે રજુ કરતા હતા. આ પત્ર ચર્ચા દ્વારા સમયના વહેણ સાથે બદલાતા સમાજમાં સ્ત્રીના દરજ્જામાં જે પરિવર્તન આવવું જોઈએ તે ન આવતા તેઓ આ અંગે નિર્ભયપણે પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. તેઓ આ અંગે ચર્ચાપત્રમાં જણાવે છે કે “ “ સ્ત્રીઓને દુનિયામાં પુરુષોથી જુદા અલાયદા એવા ઘણાંક કામો ઈશ્વરે સોપી મોકલ્યા છે, તે કામોમાં જે વિદ્યાઓની જરુરુ છે તે વિદ્યાઓ તેઓ જો બધી નહિ તો થોડી પણ શીખે, અને તે વિદ્યાઓના બળથી પોતાના ખાસ કામોમાં સુધારા દાખલ કરે તો દુનિયાને કેટલો ફાયદો થાય” ”(સ્ત્રીબોધ:૮૭/૧૦૩૬,પૃ.૧૯૭) આમ તેઓ સ્ત્રીઓને પારિવારિક જીવન સાથે સમાજ ઉપયોગી વ્યવસાયિક અભ્યાસ કરવાની તે સમયે જે હિમાયત કરી હતી. તે તેની દીર્ધદ્રષ્ટિનું પરિણામ હતું.

આ માસિક ૨૦મી સદીના ત્રીજા સૈકાથી સ્ત્રી વિષય નવું-નવું સાહિત્ય પીરસવામાં કેશવપ્રસાદ દેસાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય આંદોલન,રાષ્ટ્રીય શિક્ષણ અને સ્ત્રી,સ્ત્રીના રાજકીય કાર્યોમાં સહભાગીતા અને સંસાર સુધારા પરિષદ કે જ્ઞાતિની પરિષદો વિશે આ માસિક દ્વારા પોતાના વિચારો રજુ કરતા અને સાથે સાથે આ પરિષદોના કે સ્ત્રી સંસ્થાઓના સંચાલકોને સ્ત્રીઓના પ્રશ્નોથી વાકેફ કરુને સૂચનો પણ કરતા હતા. આ ઉપરાંત ભારત અને ગુજરાતમાં બનતી સ્ત્રી વિષયક ઘટનાઓથી સ્ત્રીને માહિતગાર કરવા માટે સ્ત્રી પરિષદો,બ્રિટીશ સરકાર દ્વારા પસાર કરવામાં આવતા સ્ત્રી કાયદાઓ, સ્ત્રીઓના અધિકારો,જાહેર જીવનમાં સ્ત્રીઓનું સ્થાન, સ્ત્રીઓનો મતાધિકાર,દેશી રાજ્યોમાં સ્ત્રી વિષયક સુધારાઓ વગરે માહિતી ‘ચાલુ બનાવોની માહિતી ’ કે ‘સ્ત્રી સમાચાર’ મથાળા હેઠળ ચર્ચા કરવામાં આવતી હતી.આ સમયે સમાજમાં સ્ત્રી ઉપર થતા અત્યારની વિગતો ‘આપણો નારી સમાજ’ના મથાળા હેઠળ આપવામાં આવતી હતી.આ ૨૦મી સદીના પાંચ દાયકામાં આ માસિકનું કાર્યક્ષેત્ર વિસ્તૃત બન્યું હતું.

આમ સમયના વહેણ સાથે આ માસિકએ આશરે ૯૫ વર્ષની લાંબી સફર કાપીને ૧૦૦૦થી પણ વધારે સળંગ અંકો આપીને ગુજરાતી ભાષામાં અનેક વાર્તાઓ,નવલકથા,કાવ્યો,ગીતો,ગરબા વગેરે સ્ત્રી સાહિત્યનું સર્જન કરીને ગુજરાતી સાહિત્યના વિકાસમાં મહત્વની ફાળો આપ્યો. આ માસિકની સાથે અનેક માસિકો શરુ થયા અને બંધ થયા પણ આ માસિક અવિરત ચાલુ રહીને સમયની જરૂરિયાત પ્રમાણે સાવધાનીપૂર્વક કન્યા કેળવણી,સ્ત્રી સ્વાવલંબીતા,સ્ત્રી અધિકારો માટે જાગૃતિ,સામાજિક વહેમો અને રૂઢિઓને તિલાંજલિ કે સ્ત્રીઓને ગૃહકાર્યનું જ્ઞાન કે સામાજિક ભૂમિકાનું નિર્માણ કરવામાં કે સ્ત્રી વાંચન સાહિત્ય સાથે મનોરંજન પૂરું પાડવામાં આ માસિક સફળ રહ્યું હતું. તો બીજી બાજુ આ માસિકએ સમય જતા સ્ત્રીઓને લખવા તરફ પ્રેરિત કરી હતી.જેના પરિણામ સ્ત્રીબોધનું એક સ્ત્રી લેખિકા મંડળ ઉભું થયું,આ સ્ત્રી લેખિકાઓ સ્ત્રીઓના મનોભાવો સારી રીતે સમજી સ્ત્રી વિષયક સામગ્રી આપવામાં સફળ રહી હતી.‘સ્ત્રીબોધ’એ સ્ત્રીઓના જીવનનું પ્રતિબિંબ પાડતું સ્ત્રી વિષયક સાહિત્ય રચવાની ગુજરાતી ભાષામાં જે પરંપરા શરૂ કરી તેના પરિણામ ત્યાર બાદ ગુજરાતી ભાષામાં ‘સ્ત્રી મિત્ર’, ‘પ્રિયંવદા’, ‘સુંદરી સુબોધ’, ‘ગુણ સુંદરી’ વગેરે અનેક સ્ત્રી માસિકો શરુ થયા હતા. આમ સ્ત્રીને બોધ આપવાના હેતુથી શરુ થયેલું આ માસિક સમય પ્રમાણે ક્રમશ અનેક ભૂમિકા ભજવીને સ્ત્રીઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃતિ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તો બીજી બાજુ કોઈ પણ સમયનું સાહિત્યએ સમકાલીન સમાજનું પ્રતિબિંબ હોય છે, તેમ આ માસિકના ૧૦૦૦થી પણ વધારે અંકો તત્કાલીન સમાજનું વત્તે-અંશે ચિત્રણ કરે છે.તેથી તત્કાલીન સમયની ભાષા,પરંપરા,વહેમો,સામાજિક સમસ્યાઓ, ,સ્ત્રી કેળવણી અને સાહિત્યનુ સ્વરૂપ વગેરે અનેક બાબતોની માહિતી પૂરું પાડતું આ માસિક ઈતિહાસના એક મહત્વના દસ્તાવેજ સમાન છે.

નોંધ : અવતરણ ચિન્હમાં રહેલાં વાક્યો તેના મૂળ સ્વરૂપમાં છે.

સંદર્ભ :

  1. In memoriam kaikhosro nowroji kabraji : Office of the Stree bodh -Bombay,1904.
  2. Moorthi, S.K. Development of education for women in bombay under the british raj the first girls graduate of the Bombay university, IHC: proceeding,vol.64 (2003).
  3. Shukla,sonal.cultivating minds 19th century gujarati women’s journals :economic and political weekly, October,26,1991.
  4. મહેતા,દીપક :૧૮૫૭ની ત્રીજી મહત્વની ઘટના : સ્ત્રીબોધ માસિક,શબ્દસૃષ્ટિ,જુન-૨૦૧૯.
  5. સ્ત્રીબોધ માસિક પુસ્તક : ૧ થી ૫, દફતર આશાકારા પ્રેસ,મુંબઈ.
  6. સ્ત્રીબોધ માસિક પુસ્તક :૧૦-૧૧, દફતર આશાકારા પ્રેસ,મુંબઈ.
  7. સ્ત્રીબોધ માસિક પુસ્તક :૧૪ અને ૩૫, દફતર આશાકારા પ્રેસ,મુંબઈ.
  8. સ્ત્રીબોધ માસિક પુસ્તક :૬૫,૮૪,૭૮ અને ૮૭ સ્ત્રી બોધ કાર્યાલય,અમદવાદ.
  9. સ્ત્રીબોધ માસિક પુસ્તક :૯૨-૯૩, સ્ત્રી બોધ કાર્યાલય,અમદવાદ.
  10. સ્ત્રીબોધ અને સંસાર સુધારો (જયુબિલી અંક) સ્ત્રી બોધ ઓફીસ,મુંબઈ,૧૯૦૮.
ડૉ. રમેશ એમ.ચૌહાણ, મદદનીશ પ્રાધ્યાપક(ઈતિહાસ), સમાજવિજ્ઞાન અને સમાજકાર્ય ભવન, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી,જુનાગઢ. Email : rameshchauhanm@yahoo.in