Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
શેઢાને સથવારે

વરસાદ હજુ આવ્યો નો'તો ને ઉનાળો વિદાય લેવાની તૈયારીમાં હતો. મોંસૂઝણું થવાનો વખત હતો, એ શાંત અને તાજગીમય વાતાવરણમાં બે સ્ત્રીઓ કોઈ સાંભળી ન જાય તેની બીકે ગુપચુપ વાતો કરી રહી હતી અને સાથે સાથે એમની વાતોમાં સુર પુરાવતો પથ્થરનો ઘંટુલો જાણે કે નરસિંહ મહેતાનું કોઈ પ્રભાતિયુ ગાઈ રહ્યો હોય તેમ ઘરરર -ઘરરર અવાજ કરતો હતો .

એવામાં એક સ્ત્રી બોલી 'આજ ઘરનું બધુ કામ વે’લું આટોપી વાડીએ જવાનુ છે...'

બીજીએ જવાબ આપ્યો 'હા જો ને તડકાનુ કામ પણ થતું નથી, ને જાણે ભગવાને આપણને બાયુને તો કામ કરવા જ ઘડ્યા હશે એવું લાગે છે. કામ કરી કરીને ભૂખ પણ એવી લાગે છે, પણ થોડા વધુ રોટલા ખાવા કયાંથી મળે?

પેલી સ્ત્રીએ જવાબ આપ્યો 'એની ચિંતા તમે ન કરો, આ જો થોડા તલ અને માંડવી મેં મારી પછેડીમાં બાંધી લીધા છે ને સાથે થોડો ગોળ પણ લીધો છે. ભૂખ લાગે ત્યારે એમાંથી કોઈને ખબર ન પડે એમ ખાઈ લેશું, જો ઓલો સસરો આપણને ખાતા જોઈ જાશે તો લાકડીએ ને લાકડીએ મારશે.

આમ, વાતો કરતાં કરતાં બંને હસવા લાગી. કામ કરી લોથપોથ થઈ બપોરના સમયે ચીકુડી નીચે બેસી તલ, મગફળી ને ગોળ હોશેહોશે ખાતી જાય ને આજુ બાજુ જોતી જાય, તેમજ સાસુ-સસરા દ્વારા કેવો ત્રાસ ગુજારવામાં આવે છે તેની વાતો કરતી જતી, ત્યાં આકાશમાં કાળાડિબાંગ વાદળો અચાનક ઊમટી આવ્યાં અને જોતજોતામાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો, પેલી સ્ત્રીએ કહ્યું ,'હાય રે મા હવે શું કરવું ? આપણા નસીબમાં આજે આ લાવ્યા તે ખાવાનું પણ નથી, ને વળી ઘરે તો પાછું લઈ ન જવાય'

બીજી સ્ત્રીએ સલાહ આપતાં કહ્યું ,'એક કામ કરીએ આને અહીં ધૂળમાં દાટી દઈએ તેથી કોઈને ખબર નો પડે કે આપડે અહીં આ ખાવાનું લઈ આવ્યા હતાં. બન્ને હાફડીફાફડી થતી જાય ને વધેલો ભાગ શેઢાની ધૂળમાં દાટતી જાય.

વરસાદના ત્રણ ચાર દિવસ પછી સસરા પોતાની ટેવ મુજબ વાડી ,શેઢા ,ખેતર જોવા નીકળ્યા અને ત્યાં અચાનક તેની નજર ઉગી નીકળેલ તલ અને મગફળી પર પડી, ને તે જોતાં જ બોલી ઊઠ્યા, 'આલે..લે ..અહી કોને આ નાખ્યુ હશે? આવું સાંભળી રહેલી બન્ને દેરાણી જેઠાણી તો બીકની મારી હાફડીફાફડી થતી હતી. એટલામાં સસરા બોલ્યા કે, 'ઉંદરડા પણ કરે છે ને કાંઈ અહીં ઠસડી લાવ્યા હશે ને..! એ જ ઊગી નીકળ્યું લાગે છે..'

દૂર ઊભેલી દેરાણી- જેઠાણી તો આ સાંભળતાની સાથે જ મોજમાં આવી ગ્યું અને ખી...ખી..કરતાં કરતાં એક બીજા ને ઈશારો કરી મનમાં બોલી ઊઠી કે એ ઉંદર નહીં, પણ ઉંદરડી એ પણ બે પગવાળી....

ડૉ. દિલીપકુમાર સાંજવા, મદદનીશ અધ્યાપક(ગુજરાતી વિભાગ), સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, લાલપુર, જિ. જામનગર મો.નં.૯૩૭૪૭૭૭૭૬૧ ઈમેલ – sanjavadilip25@gmail.com