Year-1, Issue-6, November-December 2011

 

Home ભરત મકવાણા ડૉ. વિશ્વનાથ પટેલ ધ્વનિલ પારેખ અજિત મકવાણા ધારિણી મહેતા ડૉ હેતલ ઠક્કર हरेश एवं शिवदत्ता
Welcome to Sahityasetu

You are free to read the journal. A line of comment will definitely help us to improve.

Sahityasetu

ISSN:2249-2372

 

સ્મરણીય ચેતનાનો આલેખ

 

 ભરત મકવાણા 

 

કવિ તરીકેની મુદ્રા અંકિત કરી ચૂકેલ લાભશંકર ઠાકરની જુદી જ ઓળખ સોનેરી ચુંબનમાં પ્રકટ થાય છે. પંદર જેટલાં નિબંધસંચયો તેઓ આપી ચૂક્યા છે. આ ગ્રંથ પણ તેમનો વિશિષ્ટ એવો લેખસંચય-નિબંધસંચય બની રહે છે. સોનેરી ચુંબન વાચતાં, માણતાં, આસ્વાદતાં આપણને થતાં- આપણાંમાં જાગતા મનઃસંચલનો આપણને પ્રતિભાવ આપવા તત્પર કરે છે. લાભશંકર ઠાકરની ઊંચા દરજ્જાના    પ્ર-ભાવક તરીકેની ઓળખ સંકલિત લેખોમાં દૃઢ બને છે. વિશિષ્ટ એવા આસ્વદક આપણી સમક્ષ પ્રગ્ટયા છે. આ પ્ર-ભાવકની ભાવકચેતનામાં થતાં ભાવસંચલનોમાંથી જે ભાવમુદ્રાઓ કાગળ પર ટપકી તેનો ગ્રંથાકાર એટલે સોનેરી ચુંબન. તેમના જ શબ્દોને સુધારીને કહીએ તો ટૂંકમાં ડિયર લાભશંકરભાઇ, સોનેરી ચુંબન આસ્વદ્યગ્રંથનું ગદ્ય કાવ્યમય છે. એમ કહું કે કૃતિની પ્રેરક, ઉદ્દીપક ક્ષણ સાથે કે કૃતિ સાથે (કૃતિ ઉદ્દીપન વિભાવ બને છે) એનો નિત્યસંબંધ ન રહે તેવું સ્વતંત્ર સ્વાદ્ય, આસ્વદ્ય, રસાત્મક, કલાત્મક તમારું ગદ્ય છે. ગ્રંથના-સંગ્રહના ગદ્યાલેખો-આસ્વદ્યલેખો કાવ્યગંધી છે. એવો અનેકવાર વાંચતાં વાંચતાં અનુભવ થયો છે. કવિતાકળામાં જે કદાચ શક્ય નથી તે શબ્દકલાના અર્થાલંકારો તમારી ચૈતસિક વ્યંજનાઓને ગ્રાહ્ય બનાવે છે. પ્રતિભાવમાં પ્રત્યક્ષ થતી સ્મરણીય ચેતનાઓનો આલેખ અહીં અનુભવાય છે.

આ આસ્વાદ્ય લેખોમાં વેદનો વેત્તા(દર્શક) જ વિગલિત થઇ જાય છે તેથી જ ભાવક-વિવેચક-સર્જક ત્રયીનો ભેદ રહેતો નથી. કલાસ્વરુપના અભ્યાસીઓ રૂપસ્થાપત્યની લક્ષણિકતા વિશે તારતમ્યો કાઢે અને સૈદ્ધાંતિક આલેખન કરવા પ્રેરાય. નેચરલી અભ્યાસીઓના મનમાં કૃતિને પામવા-ભાવવા-પરીક્ષવા મટેના Tools પણ રચાય. તેવા પ્રવર્તનોથી તદ્દન જુદી નિસ્બતથી આ કલાકૃતિઓ સર્જાય છે, રચાય છે, લખાય છે. સર્જકની ભાવાત્મક પ્રજ્ઞા(Emotional Intelligence)થી સર્જાયેલી કૃતિઓ સોનેરી ચુંબનમાં ગ્રંથસ્થ થવા પામી છે. ભાવનની પળોનો ભાવાંશ સર્જકે ભાવયિત્રી પ્રતિભાના અદૃશ્ય ચીપિયાથી પકડીને સ્વાદ્યના ભાષાપટ પર જાણે અનાયાસ, તગ તગ ચમકતો, મૂકી દીધો છે. લા.ઠા.ને અંતઃકરણ કલમ પકડવા પ્રેરે છે અને તેમના અંતઃકરણમાં કૃતિઓના ભાવન પછી થયેલ અનુભૂતિ કૃતિદેહે અહીં શબ્દની મદદથી પ્રગટ થવા પામી છે. પરમ આનંદરૂપના પૂર્ણાનુભવની કૃતિઓ છે, પોએટિક અવાજમાં. પ્રતિભા અને નિજભાવદૃષ્ટિથી સર્જાયેલ, નિર્મિત થયેલ લખાણો મંથનપ્રેરક બની રહે છે. એક ભાવકની ભાવકચેતના અભિવ્યક્તિના આકલનમાં રસાઇને પ્રગટે છે. તેથી આસ્વાદખંડોમાં લાભશંકર ઠાકરની સર્જકદૃષ્ટિ, ભાવકદૃષ્ટિ સહૃદયને ચેતોવિસ્તારક રસાનુભવ કરાવે છે. આ ચેતોવિસ્તારક-આસ્વાદ્ય લેખોમાંથી પસાર થતાં લાભશંકર ઠાકરની સદ્દભાવનાનો શ્રવણીય-સ્મરણીય આનંદ સાદ્યંત અનુભવાય છે. અહીં લેખક-ભાવક-આસ્વાદક લા.ઠા. ભાવનની ક્ષણોમાં જે કંઇ મનઃસ્થિતિ ઉપસે છે તેને ઉપસાવવાનું કૃત્તકાર્ય કરે છે એ પણ બીજા માટે. હા, સાચ્ચેજ આ ગ્રંથમાં ભાવાત્મક પ્રજ્ઞાની યથાર્થ અભિવ્યક્તિ થવા પામી છે.

આ સંગ્રહનું શીર્ષક જેના કારણે મળ્યું એ છબી અને તેના સર્જક અશ્વિન મહેતાને નિમિત્તે પ્રારંભની દસ રચનાઓ પત્ર રૂપે લખાય છે. અશ્વિન મહેતાની હેપનિંગ્ઝ સિરિઝની છબીસર્જનની ક્ષણોમાં જે ઘટના ઘટી તે ક્ષણોની ચૈતસિક નોંધો છબીસર્જકે ડાયરીના રૂપમાં ઉતારી છે. એ નોંધોના ભાવન પછીના પ્રત્યોદ્દગાર રૂપે આ પત્રો લખ્યા છે. પ્રથમ પત્રમાં જ તેઓ લખે છે :

તમારી આ કલાકૃતિઓમાં તો ઐહિક પદાર્થોને એમના ઇહલોકના મનુષ્યના ચોંટેલા ઇચ્છા-ઉપયોગ-અર્થોને એમના એવા નિશ્ચિત અર્થોથી મુક્ત કેવલ સૌંદર્યના ઘટના સંદર્ભમાં રૂપાંતરિત થતાં તમે અચાનક પલકારામાં, ઝબકારામાં જોયાં છે. આમ જોવામાં સર્વથા મુક્તિ (આઇ અને આઇ[સ્વ]ને ચોંટેલા જ્ઞાનથી મુક્તિ) છે. આ મુક્તિ સૌંદર્યનો પર્યાય બની જાય છે. (પૃ.2)

આ પત્રોમાંથી અશ્વિન મહેતાની કલાદૃષ્ટિની સાથે લાભશંકર ઠાકરની કલાપરખ પણ પ્રગટે છે. આ પ્રતિભાવાત્મક પત્રોમાં લાભશંકર ઠાકરની દૃશ્યકળાના આસ્વાદક તરીકેની છબી પણ પ્રગટે છે-ભાવક, આસ્વાદક, સર્જક, તત્ત્વજ્ઞ, સૌંદર્યપારખું-પિપાસુ, ચિંતક વગેરે રૂપો જોવા મળે છે.

લાભશંકર ઠાકર આ ગ્રંથમાં-પત્રોમાં આસ્વદ્યનું ઝીણવટભર્યું વર્ણન કરે છે અને કાન ધબકતી વાકછટાઓને અપાર અભિવ્યંજનાશક્તિથી પ્રયોજે છે. ભાષાશક્તિ અને નિરીક્ષણશક્તિ સર્વત્ર પ્રવર્તતી જોઇ શકાય છે. ભાવક સાથે તેમની સર્જકીય મુદ્રાનો સ્પર્શ પણ ભળેલો આ પત્રોમાં અનુભવી શકાય છે. અહીં એક તરફ છબીકાર અને ગદ્યસર્જક અશ્વિન મહેતાની સર્જકતાને કવિ અને આસ્વાદક લા.ઠા. શબ્દદેહે ઉપસાવે છે તો તેમાંથી જ લા.ઠા.ની છબી પણ પ્રગટે છે, તેના અવાજો પડઘાય છે. તેનું ઉત્તમ ઉદાહરણ પત્ર નં-6 ની આ નોંધ છે-

અને હમણાં જ પાનખરે વૃક્ષોને સોનેરી ચુંબન કર્યું હતું. આ ક્ષણમાં સ્વ(આઇ)નું ભાન પણ નથી. ચેતના મુક્ત છે આ ક્ષણે, સર્વ સંચિતિથી. આ નરી, કેવલ સુંદરતાના અનુભવની ક્ષણ છે. એમાં વસંતથી વિરોધી શિશિરનો કોઇ પ્રતીકાત્મક અર્થબોધ નથી. અદ્દભુત સુંદર આ પંક્તિ છે : and the fall has just kissed the tree yellow. ઋતુચક્ર છે. છે તે છે એને માત્ર જોવું તે સત્ય છે, તેથી સુંદર અને તેથી શિવ છે. જ્યાં એક છે ત્યાં ત્રણે છે.  (પૃ. 15)

કલાકૃતિના ભાવનથી નિર્મલ બનેલ ભાવક લા.ઠા. આપણને પણ એ કલાકૃતિઓની ચર્વણા કરી નિર્મલ બનાવે છે. પોએટિક ફોર્મ્સની(poetic forms) સઘનતા સૌંદર્યબોધમાં ઉમેરો કરતી જણાય છે. લા.ઠા. દરેક કૃતિને સમુચિત ડિસ્ટંસથી તાકે છે-તપાસે છે-આસ્વાદે છે. પછી પોતાનો બિનંગત અવાજ રજૂ કરે છે. કૃતિઓને સર્જકચેતનાએ સાહિત્યસંદર્ભરૂપે, કલાસંદર્ભરૂપે સજીવ-ધબકતી કરી છે. સોનેરી ચુંબન ગ્રંથના એક આસ્વાદ ખંડમાં કોઇ અભ્યાસીની હેસિયતથી એકપણ અક્ષર પાડવો નથી એ ઉદ્દઘોષણા કરી; સ્વયં લા.ઠા. સ્પષ્ટ કરી દે છે કે, તે અહીં-આ સ્થાને (એટલે કે આ ગ્રંથમાં) અભ્યાસી-વિવેચકના ઘોડલે ચડીને લખતાં નથી, સમીક્ષા કરતાં નથી પણ એક ભાવક, ભાવયિત્રી પ્રતિભા ધરાવનાર, સર્જકત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂકેલ સર્જક લખે છે, કૃતિઓમાંના ઝંકારમાં જ ઝંકૃત થવાના આનંદને સહજ ભાવથી સંભળાવે છે. ભરત નાયકના નિબંધના પ્રત્યોદગારમાં લા.ઠા.ની ભાવકચેતના ખીલી ઊઠે છે ને શબ્દલીલામાં રમમાણ બને છે. એક ભાવકનું પ્રવર્તન કૃતિબોધને કેવી રીતે ઝીલે છે તેનો આ ઉત્તમ નમુનો છે. આ એકમાત્ર નિબંધ સ્વરૂપની કૃતિના આસ્વાદને બાદ કરતાં પછીની દસ રચનાઓ કાવ્યસ્વરૂપના આસ્વાદ નિમિત્તે સર્જાઇ છે. જેમાં લા.ઠા.ની કાવ્યરુચિના પડઘાં પ્ર-ભાવક રીતે પડઘાય છે, સંભળાય છે. આમ તો એ પોતે કહે છે તેમ એક ભાવક તરીકે મને બે સાહિત્યસ્વરૂપો દિલચસ્પ લાગ્યાં છે. ટૂંકીવાર્તા અને પર્સનલ એસે(પૃ.28) તેમ છતાં અહીં તેમની કાવ્યપ્રીતિ પ્રગટતી જોઇ શકાય છે, અનુભવી શકાય છે, આસ્વાદી શકાય છે.

કાવ્યસર્જક અને કાવ્યભાવકની પૂર્ણ ચેતનાનું બીજુ નામ અંતઃશ્રુતિપટ છે. એ પણ Soundsને ઝીલે છે. પરિણામરૂપ ભાવનમાં ઇન્દ્રિયગોચર સ્વ અને તેના સાપેક્ષ સંદર્ભો ઉત્કટ રીતે Feel થાય. એ Feelingની પ્રતિક્રિયારૂપે આ દસ કલાકૃતિઓ કાવ્યસંદર્ભે પ્રગટી છે. જેમાં કવિ અને ભાવક લા.ઠા.ની ચેતનામાંથી પ્રગટતી માધુરીનો પૂરતો પરિચય મળે છે. રવીન્દ્રનાથની કાવ્યરચના હું શું જાણું, શું જાણું?ના રસાનુભવને શબ્દદેહ આપતા પ્રારંભમાં જ લા.ઠા. પોતાની ભાવના રજૂ કરી દે છે- એ રચનાના પ્રતિભાવ-પ્રસારને, કહું કે એ પ્રસાર નિમિત્તે ચેતનાની સપાટી પર ઊપસતી સમગ્રીને, કાગળ પર ઉતારવાનો આશય છે. ભલે એ સામગ્રી સ્વૈર પ્રસરે. આ ગ્રંથની સર્વ કૃતિઓનો થાટ કદાચ આ વિધાનમાંથી બંધયેલો-રચાયેલો જોઇ શકાશે. લા.ઠા. કાવ્ય-સ્વાદની સાથે સાથે કાવ્યતત્ત્વની પણ ચર્ચા કરે છે. કાવ્ય એક સ્વતંત્ર ઘટના છે. જે છે તે કાવ્યમાં જ છે. જે પમાય છે તે કાવ્યરૂપે જ પમાય છે. કોઇપણ કલાકૃતિ વિશે આમ કહી શકાય. કાવ્ય ભાવને ઉદ્દીપીત કરીને રસાનુભવ કરાવે છે. આમ એ ભાવાત્મક, રસાત્મક પરિણતિ છે. અહીં સંસ્કૃત કાવ્યશાસ્ત્રના રસતત્ત્વની પણ ચર્ચા જોઇ શકાય છે. એક કવિ તરીકેની કાવ્યએષણા પણ પ્રગટતી જોઇ શકાય છે.

આ ગ્રંથમાં કવિપ્રિય સાહિત્ય સ્વરૂપ -એવા ટૂંકીવાર્તા વિશેના અગિયાર લેખો છે. જેમાં ગુજરાતી ઉપરાંત ભારતીય અને વિશ્વસાહિત્યની વાર્તાઓમાં પ્રગટ થતી રસાત્મકતાને લા.ઠા.એ તાકી છે. ગ્રંથની અંતિમ કૃતિમાં રાધેશ્યામ શર્માને તેની પ્રતિનિધિ વાર્તાઓ સંદર્ભે લખેલ 16 પત્રો સંકલિત છે. એ પત્રોમાં સહૃદય ભાવક ઉપરાંત કળાજ્ઞનો સૂર પણ ભળે છે. વાર્તાની નબળાઇઓને પણ લા.ઠા. સંકેતવાનું ચૂક્યા નથી.

લા.ઠા.ની કલાકૃતિ પ્રત્યેની આત્મિય તટસ્થતા, રસરૂપની-નિર્મલ સત્યની અપેક્ષા આપણને ભાવિત-પ્રભાવિત કરી દે છે. પ્રતિભાવમાં પ્રત્યક્ષ થતી સ્મરણીય ચેતનાનો આલેખ અહીં અનુભવાય છે. વિવેચનની શિસ્ત વગર અપાયેલા કલાકૃતિઓના પ્રતિભાવો આસ્વદ્ય બની રહે છે. તેમના પ્રતિભાવોમાં અનેક સ્મરણીય ચેતનાઓ પ્રત્યક્ષ થાય છે અને શબ્દદેહમાં ઝીલાય પણ છે. પોષની રાત વાર્તાના આસ્વાદમાં લા.ઠા. ટૂંકીવાર્તાનાં કલાસ્વરૂપની વાત પણ કરી દે છે. ટૂંકીવાર્તા કદમાં ટૂંકી છે. એક, બે, થોડાંક પાત્રો જ ઘટનાના ઘાટઘટન સાથે લાઘવથી પ્રત્યક્ષ થાય. ભાવકને પ્રત્યક્ષ થતા પટમાં તો તે વ્યક્તિસાપેક્ષ જીવનસત્ય જ ઊપસી રહે. પણ સમાંતરે અને ભાવનની ક્ષણોમાં અને સાતત્યમાં ઊપસી રહે રાજ-સમાજ-સત્તાનાં કારક, પ્રભાવક તંત્રો. (પૃ.161)

તો હેમરેજ વાર્તાના આસ્વાદમાં- ટૂંકીવાર્તાની કળામાં વિશેષણ શોર્ટ સર્જકને કસોટીમાં મૂકે છે. સપાટી પર સારવેલા સત્યની નીચે મનુષ્ય જીવનનું અજ્ઞાત, ગૂઢ સત્ય વાર્તાકારને પ્રત્યક્ષ પામવું છે. ટુ બી ઇઝ ટુ બી રિલેટેડ. એક વ્યક્તિની વાર્તા પણ અન્ય સાથેની રિલેશનશિપ વગરની ન હોય. અન્ય છે તો વ્યક્તિ છે; અને તેની અંગત કે બિનઅંગત અભિવ્યક્તિ છે.

વ્યક્તિનું જીવનસમસ્ત, અપાર અન્યસાપેક્ષતા સમેત, ટૂંકું ન હોય. સમસ્ત સાપેક્ષતામાં વ્યક્તિનું આંતરિક એકાંતનું સત્ય, ઉત્કટ સંવેદન ક્ષણોની ઘટના-ઘટનાઓમાં, વાર્તાકાર પ્રત્યક્ષ કરે. વ્યક્તિના સ્થલકાલસાપેક્ષ સત્યની ઘટના, કલાઘટનાથી, મનુષ્યના સ્થલકાલનિરપેક્ષ સત્યની વ્યંજના બની રહે. અ-કલિત જીવન તે કલાઘટનની ક્ષણોમાં કંઇક વિશેષ કલિત, વ્યંજિત થાય. (પૃ.171)

વાર્તા આસ્વાદ સાથે સાથે પ્રગટ થતી એક કળામર્મજ્ઞની જ્ઞાત કળાપરખ પણ ઉપસી છે. આ આસ્વાદ્ય પ્રક્રિયા દ્વારા લા.ઠા. ભાવકના ભાવનમાં ભાવયિત્રી પ્રતિભાને ભાવોત્કટ રીતે ઊજાગર કરે છે. ભાવકનું ભાવન વિસ્તારી-વિકસાવી આપે છે. આ વાર્તાઓનો આસ્વાદ કરતી વેળા ભાવકના ભાવનમાં સાંસ્કૃતિક સંદર્ભો પણ સજીવ થયા કરે છે. આમ, વાર્તા-સમગ્રનો આસ્વાદ અનુભવાય છે, રસાનુભવ પમાય છે.

આ ગ્રંથમાં બે કૃતિઓ વ્યક્તિવિશેષને કેન્દ્ર બનાવતી, ચરિત્રાત્મક કૃતિઓ છે. સ્મૃતિના આયનામાં રમણભાઇ અને સુન્દર-સત્ય-શિવને એનસર્કલ કરતાં કરતાં ધીરૂભાઇ ઠાકરના વ્યક્તિત્વને ઉપસાવતી કૃતિ. તો કવિની કેફિયત અને નવલકથાકારની કેફિયત સામયિકોના ઇજનથી લખાયેલી કૃતિ છે. આ ઉપરાંત લા.ઠા.ની પ્રિય કળા-નાટ્યકળાની એક કૃતિ મિથ્યાભિમાનના રંગમંચનના આસ્વાદ પછીનો આનંદોદ્દગાર મહેન્દ્રસિંહને લખાયેલ પ્રતિભાવાત્મક પત્રમાં સમાવાયો છે. આ સર્વમાં પણ લા.ઠા. સહજિક રીતે જ રસને કેન્દ્ર બનાવી વાત કરે છે-આસ્વાદ કરે છે.

સોનેરી ચુંબનમાં લા.ઠા.ના ભાવકત્વ અને સર્જકત્વ બન્ને અભિન્ન રીતે જોડાયા છે. અહીં લા.ઠા. એટલે કે સર્જક પોતે ભાવક-સહૃદયમાં વિગલન પામ્યો છે. એક ભાવકના ભાવનમાંથી ભાવકમાત્રનો બિનંગત અવાજ રજૂ થવા પામ્યો છે તેથી તો એ પ્રભાવક બન્યો છે. કૃતિ પ્રત્યેના પોત્તાના પ્રતિભાવને કાગળ ઉપર ઉતારી પોતે જ પોતાની ભાવકચેતનાને સાંભળવા પ્રયાસ કરે છે; સાંભળે પણ છે. આ ગ્રંથમાં ભાવક લા.ઠા.ની શ્રવણીયતા, સ્મરણીયતા, સ્વાભાવિકતા, ભાવાત્મકસંચેતના, સહૃદયતા અને સહજ્તાનો આપણને શબ્દદેહે સાક્ષાત્કાર થાય છે. અહીં લેખક દૂરથી, સમીપથી, સાવ સમીપથી જોનાર સર્જક-આસ્વાદક દૃષ્ટિથી જોઇ રહે છે, તે દૃષ્ટિ જેટલી બિનંગત કહી શકીએ તેટલી જ તે તન્મય છે, તદ્રુપ છે. એટલે આસ્વદક લા.ઠા.ની આ તદ્રુપતા કૃતિના કાલાંતરને વિગલિત કરી નાખે છે અને વાચક-ભાવકની ચેતનામાં વર્તમાનની ક્ષણો, અનુભૂતિ બની રહે છે. એક ભાવક અને સર્જક કૃતિનો આત્મભાવ કાલાંતરો અને સ્થલાંતરો પાર કરીને ક્યાં અને કોની સાથે તાદાત્મ્ય અનુભવે છે તેની નોંધો આ પુસ્તકમાં જોઇ શકાય છે. આ ગ્રંથનો મહિમા એ છે કે તેમાં લાભશંકર ઠાકરે કૃતિઓના અંતર્નિહિત સૌંદર્યને પ્રત્યક્ષ કરી આપ્યું છે-કહો કે સૌંદર્યનો રસ આપણને ચખાડે છે, પીતા શીખવાડે છે. લા.ઠા.ના નિરીક્ષણો શબ્દની સુશ્રુતતાથી અને કૃતિના હાર્દમાં પ્રવેશ કરાવનારા-સહજ ભાવનપ્રક્રિયામાં જોતરનારા છે. જે ભાવક આ ગ્રંથમાં એકવાર પ્રવેશ કરશે તેની ભાવયિત્રી પ્રતિભા અને તેની નિજ ચેતનામાં ભાવરચનારૂપનું નિર્માણ કરવાની પ્રક્રિયા ખિલવવામાં આ આસ્વદ્ય ચર્વણાઓ ઉપયોગી બનશે એમાં બે મત નથી.

0000000000000000000

 

ભરત મકવાણા

જે.આર.એફ.,

ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન, ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર 

Share us

 

Home || Editorial Board || Submission Guide || Archive || Feedback || Contact us || Author Index ||

Copyrights : http://www.sahityasetu.in