Included in the UGC-CARE list (Group B Sr. No 172)

કાવ્ય

શરૂ શરૂમાં
તને ગમે એ બધું જ
કરવાનું ગમતું મને,
પણ પછી તો
ધીમે ધીમે...
સપ્તપદીનાં સાત વચનની
પોકળતા ડંખવા લાગી...
તું મને તારી પ્રોપર્ટી સમજવા લાગ્યો
તું કહે એ જ રસોઈ મારે બનાવવાની,
તું કહે એ જ ફિલ્મ કે સિરિયલ મારે જોવાની,
તું કહે એ જ વસ્ત્રો મારે પહેરવાનાં -
રાતોની રાતો ઓશિકાનાં ખભે માથું મૂકી
ચૂપચાપ રડી લેતાં મને આવડી ગયું હતું...
ગૂંગળામણ થતી હતી મને -
તારી પ્રોપર્ટી તરીકે રહેવાની.
થયું કે
એક છત નીચે રહેવું
હવે શક્ય જ નથી
ને ત્યારે લાગણીના પ્રવાહમાં
તણાયા વગર
મેં નિર્ણય લીધો -
તારાથી છૂટાં થવાનો.
એ દિવસે તારો અહં ઘવાયો હતો
મારા નિર્ણયથી -
અને હું
મારી જીતની ખુશીમાં
ઇબ્સનની નોરાની જેમ
તારું દ્વાર પછાડીને નીકળી ગઈ
એક અટ્ટહાસ્ય સાથે...

બીના વીર, સી ૧૩, દેવરજ સોસાયટી, સુપર બેકરી પાસે, સરદાર એસ્ટેટ, ન્યુ વીઆઈપી રોડ, વડોદરા ૩૯૦૦૧૯