Included in the UGC-CARE list (Group B Sr. No 172)
'કૃષ્ણજન્મ' અને 'જન્મોત્સવ' એક તુલનાત્મક અભ્યાસ
જન્માષ્ટમીનો ઉત્સવ સમગ્ર ભારતમાં અતિ આનંદ, ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. શ્રાવણ વદ આઠમની મધરાતે મથુરાના કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થયો હતો અને પછી તરત જ વસુદેવ તેમને ટોપલામાં મૂકી અનરાધાર વરસાદમાં પણ યમુના નદી પાર કરી ગોકુળમાં પોતાના મિત્ર નંદરાયના ઘરે મૂકી આવે છે. ભાવિકજનો કૃષ્ણના જન્મસમયની આવી ઘટનાઓને ગીત કે અભિનયમાં વણી લઈને દર વર્ષે ઉત્સાહ અને ઉમંગપૂર્વક કૃષ્ણજન્મનો ઉત્સવ ઉજવે છે. એવા ઉત્સવનું આલેખન ગુજરાતી સાહિત્યની બે વાર્તા - જયંત ખત્રીની 'કૃષ્ણજન્મ' અને સુરેશ જોષીની 'જન્મોત્સવ' - માં જે રીતે થયું છે, તેનો તુલનાત્મક અભ્યાસ કરવાનો અહીં ઉપક્રમ છે. ગુજરાતી સાહિત્યમાં ટૂંકીવાર્તા ક્ષેત્રે જયંત ખત્રી અને સુરેશ જોશીનું નોંધપાત્ર પ્રદાન છે.

જયંત ખત્રીની એકતાળીસ વાર્તાઓ 'ફોરા' (૧૯૪૪), 'વહેતાં ઝરણાં' (૧૯૫૨) અને 'ખરા બપોર' (૧૯૬૮) નામના સંગ્રહોમાં છે. એનો સર્વસંગ્રહ પણ થયેલો છે. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલી નવ અગ્રંથસ્થ વાર્તાઓ શરીફા વીજળીવાળા-સંપાદિત 'જયંત ખત્રીની ગદ્યસૃષ્ટિ' નામના ગ્રંથમાં મળે છે.

સુરેશ જોષીના 'ગૃહપ્રવેશ' (૧૯૫૭), 'બીજી થોડીક' (૧૯૫૮), 'અપિચ' (૧૯૬૫), 'ન તત્ર સૂર્યો ભાતિ' (૧૯૬૭), 'એકદા નૈમિષારણ્યે' (૧૯૮૦) એ પાંચ વાર્તાસંગ્રહોમાંની બાસઠ જેટલી નવલિકાઓ વિશ્વસાહિત્યની અભિજ્ઞતાની આબોહવામાં સર્જાઈ છે. આ નવલિકાઓએ પ્રયોગ અને કલાદષ્ટિએ ગુજરાતી નવલિકાને નવો વળાંક આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

જયંત ખત્રીની 'કૃષ્ણજન્મ' વાર્તામાં હોટલમાં કામ કરતા છોકરાની વાર્તા છે પણ કેન્દ્રવર્તી સમસ્યા અહીં સાવ જુદી છે. હેમિંગ્વેની 'ધ ઈન્ડીઅન કેમ્પ', 'માય ઓલ્ડ મેન', 'બીગ ટુ હાર્ટેડ રીવર', 'ધ કીલર્સ' જેવી વાર્તાઓને અમેરિકન વિવેચકોએ 'નવદીક્ષા'ની વાર્તા તરીકે ઓળખાવી હતી. કિશોરાવસ્થામાં પ્રવેશતાં જગત વિશેનું એક નવું અભિજ્ઞાન થાય છે અને પછી એ કિશોરને માટે જગતનો, જીવનનો અને પોતાની જાતનો અર્થ બદલાઈ જાય છે. 'ઈન્ડીઅન કેમ્પ' જેવી વાર્તાનો વસ્તુધ્વનિ સાદો હતો, જન્મનું રહસ્ય પામનારે મૃત્યુનો પરિચય પામવો પડે (સ્વર્ગ જોવું હોય તો યુધિષ્ઠિરે સુધ્ધાં નરકમાંથી પસાર થવું પડે).

'કૃષ્ણજન્મ' વાર્તામાં જન્માષ્ટમીનો દિવસ કે કૃષ્ણજન્મમહિમા મલાવી મલાવીને આલેખાયા નથી. એ તો માત્ર ઈંગિત રૂપે જ આવે છે, બીજી બધી પૌરાણિક વિગતોને અધ્યાહાર રાખવામાં આવી છે. વાર્તાના એક સ્તર પર કૃષ્ણજન્મના તહેવારની વિગતો આલેખાઈ છે. આવા તહેવારના દિવસે, હોટલમાં ઘરાકીના અવસરે જનક નામનો આ કિશોર છૂટ્ટી લઈને ભીડભાડમાં, તહેવારની ઊજવણીમાં ખોવાઈ જવા માગે છે, શેઠ રજા ન આપે તો નોકરીને લાત મારવાની તૈયારી છે. વાર્તામાં જનક વિશે કહેવાયું છે કે ભય જેવી વસ્તુ એની જાણ બહાર હતી. કૈંક અંશે રોમેન્ટિક, અલગારી, સ્વ-તંત્ર વ્યક્તિતા તે ધરાવે છે તેના નિર્દેશો સાંપડતા રહે છે.

વાર્તાના બીજા સ્તર પર જનકનું કૌટુંબિક સ્તર આલેખાયું છે. જયંત ખત્રીની મોટા ભાગની વાર્તાઓના પાત્રો ગરીબ, શ્રમીક વર્ગમાંથી આવ્યાં છે અને છતાં વર્ગસંઘર્ષની ભૂમિકા નથી. આ વાર્તામાં પણ પરદેશ ગયેલા પતિની આવક પર માંડ નભતી સ્ત્રી અને તેનો દીકરો જનક છે. ઘરેથી નીકળેલો જનક નગરમાંથી પસાર થતાં થતાં એક પછી એક દૃશ્યનો સાક્ષી બનતો જાય છે. આ ગરીબી, હાડમારીઓથી ભરેલા જગતની પડછે આનંદ, મોજમજામસ્તીથી ઊભરાતું જગત છે અને આ ઉન્માદ, ઉશ્કેરાટના જગતમાંથી જનક પાછો બીજા વાસ્તવ જગતમાં આવી ચઢે છે. બે વાસ્તવ જગતની વચ્ચે જોયેલું જગત તેને માટે તો કપોલકલ્પિત બની રહે છે. વડલા નીચે જે જગત જોઈ રહ્યો હતો તે વાસ્તવ જગત હતું કે કપોલકલ્પિત ? અને એટલે જ વધારે ભયાવહ લાગતું હતું.

હવે જે સંનિધિકરણ થાય છે તે કંઈક અંશે વાચાળ હોવા છતાં બે વિરુદ્ધ જગત વચ્ચેનું અંતર વધુ સ્પષ્ટ કરી આપે છે. એક બાજુ જય કનૈયાલાલકી અને બીજી બાજુ આંચકી પર આંચકી લેતી એક સ્ત્રી. જનક સાક્ષી હોવા છતાં એ બીજાઓની જેમ ઉદાસીન નથી, એ બાઈને પ્રસવ થયો, ખુલ્લામાં, વડ નીચે, સ્વર્ગની નીચે, સ્વર્ગની આસપાસ. જયંત ખત્રીએ અહીં શ્રીમંતોની નરી ઉપેક્ષા અને 'હતી તહીં કેવળ માણસાઈ' ધરાવતા હરિજનો – આ બેની વચ્ચે જનકને ઝૂલતો રાખ્યો છે અને કૃષ્ણજન્મ સાર્થક કરનાર પ્રસૂતા તો બાળકને જન્મ આપી મૃત્યુ પામી.

આ ક્ષણે જનકને વાસ્તવિકતાનું અભિજ્ઞાન થયું. આ ઘટનાની કરુણ ભયાવહતા તેને ધ્રુજાવી ગઈ, એ મરનાર સ્ત્રીમાં તેને પોતાની માનું ભવિષ્ય દેખાયું અને જીવનમાં પહેલી જ વાર તેને બીક લાગી. તે જન્માષ્ટમીના ઉત્સવમાં સામેલ થવાને બદલે ફરી હોટલ પર પહોંચી જાય છે. 'લક્ષ્મીવિજય' હોટલના શેઠનો પ્રશ્ન 'ત્યારે - કૃષ્ણજન્મ જોયો - એમ ને ?' કેટલો વેધક અને સૂચક બની રહે છે. જનકનો જવાબ પણ 'જી હા - બરોબર જોયો.' એટલો જ માર્મિક છે. જનકે એક જ લટારમાં આખો ભવ જોઈ લીધો. આમ જનકને એકાધિક જન્મ જોવા મળ્યા. મંદિરોમાં રંગેચંગે ઊજવાતો જન્મોત્સવ જોયો, વડ નીચે પેલી ભિખારણ જેવી બાઈ બાળકને જન્મ આપીને તરત જ મૃત્યુ પામી એ પણ જોયું. આમ આ કિશોરે જન્મ અને મૃત્યુ એક સાથે જોઈ લીધા. તેનાં રમતિયાળપણું, બેદરકારીભર્યું વ્યક્તિત્વ ઓગળી ગયાં. -
'…એણે નિરાંતે આંખમાં આંસુ આવવા દીધાં. અને કૂંડીના મેલાગંદાં પાણીમાં એની ઊગતી જુવાનીનાં નિર્મળ, નિર્દોષ આંસુ ટપકી પડ્યા.'
આમ, જનક નવદીક્ષા અર્થાત્ જીવનનો સંપૂર્ણ પરિચય, અસ્તિત્વવાદીઓ જેને વિશદ નિર્ભ્રાન્તિ કહે છે તે પામે છે. આ નવદીક્ષા તેના સમગ્ર વ્યક્તિત્વને રૂપાંતરિત કરી નાખે છે. એક જ દિવસમાં થતો જગતનો ને જીવનનો આ પરિચય તેને પરિપક્વ બનાવી દે છે. જોકે વાર્તાના અંતે જયંત ખત્રીમાં રહેલો પ્રતિબદ્ધ માણસ જનકના મોઢામાં જે આશાવાદી સૂર ઉચ્ચારાવે છે તેની કશી અનિવાર્યતા ન હતી.

આ વાર્તામાં દલિત પાત્રો પ્રત્યેનો લેખકનો પક્ષપાત અછતો રહેતો નથી છતાં સંયમપૂર્ણ હોવાથી કલાત્મકતાને હાનિકારક નથી. નીચલા વર્ગનાં પાત્રોની હાડમારીઓ, વ્યથાઓ, વેદનાઓને વાચા આપતી આ વાર્તા છે. સમાજના દલિત-પીડિત વર્ગની કઠોર વાસ્તવિકતા પ્રત્યેની લેખકની તીવ્ર સભાનતા ખત્રીની વાર્તાઓમાં સૌથી વિશેષ ધ્યાનાકર્ષક બાબત છે. જીવનની કઠોર વાસ્તવિકતાને તેના તીવ્રતમ રૂપમાં ખત્રીએ આ વાર્તામાં ઉપસાવી છે. ખત્રી પર પ્રગતિવાદનો પૂરો પ્રભાવ જોવા મળે છે.

'જન્મોત્સવ' સુરેશ જોશીની આરંભ કાળની ટૂંકીવાર્તા છે. આ વાર્તામાં સુરેશ જોષીએ સહોપસ્થિતિની ટેકનિક પ્રયોજી છે. આ કૃતિમાં ઝૂંપડપટ્ટીમાં ભૂખે મરતી ગરીબ પ્રજાનું કારુણ્ય તેમજ શ્રીમંતોને ત્યાં ઉજવાતા કૃષ્ણજન્મના ઉત્સવનું ઉલ્લાસી વાતાવરણ સંનિધિકૃત કરવામાં આવ્યું છે.

શેઠ વૃંદાવનદાસના દીકરા અસીતે જન્માષ્ટમીના પ્રસંગે વીજળીની કરામત વડે કૃષ્ણજન્મનો મનોરંજન કાર્યક્રમ ગોઠવ્યો છે. કારાગૃહમાં કૃષ્ણજન્મ, વરસાદ, વસુદેવનું ગોકુળ-ગમન વગેરે પ્રસંગોની અચરજભરી સૃષ્ટિ એક તરફ રજૂ થઈ રહી છે. બીજી તરફ શ્રીમંતોની આ દુનિયામાં બ્રિજની રમત પણ ચાલે છે. વિશાખા-ધનંજયની પ્રણયગોઠડી પણ છે, અને રીટા-અસીતની હસાહસ તથા શેઠનું ભાગવત-પારાયણ પણ સમાંતરે ચાલે છે.

શ્રીમંતોની દુનિયાની સમાંતરે વાર્તાકાર ઝૂંપડપટ્ટીની દુનિયામાં માણકીની પ્રસૂતિ પણ નિરૂપે છે. માણકીને જન્મેલા નવજાત શિશુને, ભાવિ રોટલાની જોગવાઈ થઈ રહે એ માટે અપંગ બનાવવા એના પિતા કાનજી અને દેવજી ઘૂંટણસમા પાણીમાં, વરસતા વરસાદે, કાદવ ખૂંદતાં વેલજી ડોસાને ત્યાં લઈ જાય છે. એક તરફ શ્રીમંતોના આનંદ-ઉલ્લાસ અને મનોરંજન-ગોષ્ઠી છે. તો બીજી તરફ ગરીબ બિચારી માણકીનો કરુણ ચિત્કાર છે, ને બીજી તરફ અપંગ બનાવાઈ ચૂકેલું નવજાત શિશુ માણકીના ખોળામાં માતાની અશ્રુધારામાં નહાઈ રહ્યું છે. અને એનો બાપ કાનજી અપંગ દીકરાને લઈને ભીખ માગવાનું સ્વપ્ન નિહાળી રહ્યો છે.

વાર્તાકાર કુશળ કલાકાર છે, તેથી બે પરિસ્થિતિઓને પાસપાસે સહોપસ્થિત કરી ચૂપ રહે છે. સંવેદનશીલ વાચકની સંવેદનાને લેખક જાગૃત કરે છે અને એને અસ્વસ્થ કરી દે છે. લેખકની સ્વસ્થતા ભાવકને અસ્વસ્થ કરી પોતાનો કલાધર્મ બજાવે છે. લેખકે સ્પષ્ટ શબ્દોમાં કશું કહ્યું નથી, પણ એવું આલેખન કર્યું છે કે લેખક જે કહેવા-સૂચવવા ઈચ્છે છે તે વેધક રીતે વ્યંજિત થાય છે જ.

શ્રીમંતાઈના વાતાવરણની સમાંતરે ગરીબાઈનું વાતાવરણ સંનિધિકૃત કરવાથી કરુણની માત્રા વધુ તીવ્ર બની રહી છે. જો કે, સુરેશ જોષીની અન્ય વાર્તાઓમાં સંનિધિકરણની ટેકનિક યોજાઈ છે. એટલી સફળતાથી આ કૃતિમાં યોજાઈ જણાતી નથી. સંનિધિનો પ્રયોગ અહીં ઘણો કૃત્રિમ અને સ્થૂળ લાગે છે. એ પ્રાથમિક કક્ષાનો જ હોઈ કલાત્મક જણાતો નથી. વળી પ્રસંગોના ટુકડાઓ સમયના સીધા ક્રમિક સ્તરે આવતા રહેતા હોઈ ચોંટાડેલા અને કૃતક જણાય છે.

સુરેશ જોષીની વાર્તાવિભાવના પાત્રના ચિત્તમાં ઘટતા સૂક્ષ્મ વ્યાપારોના કલાત્મક આલેખન ઉપર ભાર મૂકે છે. જ્યારે આ વાર્તામાં પાત્રોના ચિત્તનો કોઈ ઉઘાડ જોવા મળતો નથી. માણકીના કરુણને ઉપસાવવામાં, પાત્રની કોઈ રેખા વિકસાવવામાં વાર્તાકારનું ધ્યાન નથી. પાત્ર કે પાત્રના ચિત્તના કોઈ ફોકલ પોઈન્ટ પકડવાને બદલે પ્રસંગો, એમાંય સ્થૂળ પ્રસંગો ઉપર વધુ મદાર રાખવામાં આવ્યો છે.

કૃષ્ણજન્મના પુરાકલ્પનનો અહીં વિનિયોગ થયો છે ખરો, પરંતુ વાર્તાનું સમગ્ર નિર્વહણ કેવળ અભિધાત્મક સ્તરે થયેલું છે. કોઈ કલાત્મક સંકેત અહીં જણાતો નથી. દલિતોના જીવનની કરુણતાને નિરૂપવામાં સૂક્ષ્મતા નથી. શ્રીમંતાઈ પ્રત્યેના કટાક્ષમિશ્રિત ઉપહાસથી વાર્તાકલાની અને રચનારીતિની વિશિષ્ટતાની છાપ પડતી નથી. પુરાકલ્પનના વિનિયોગ દ્વારા આધુનિક યુગસંદર્ભની અર્થચ્છાયાઓ પ્રગટી રહે એવી સૂક્ષ્મ સર્જકસૂઝ કામ કરતી જણાતી નથી. 'જન્મોત્સવ' માં કલા કરતાં કરામત જ વધુ અંશે દેખાય છે.

'જન્મોત્સવ' વાર્તામાં શેઠ વૃંદાવનદાસના કુટુંબવૃત્તાંતનું આલેખન ડૉ. પ્રમોદકુમાર પટેલની દષ્ટિએ અપ્રસ્તુત જણાતું હોય એમ લાગે છે. 'સુરેશ જોષીની ટૂંકી વાર્તાઓમાં સંનિધિકરણની પ્રયુક્તિ' નામે લેખમાં 'જન્મોત્સવ' વાર્તાની શિથિલતાના મૂળમાં એમણે સંનિધિકરણ - પ્રયુક્તિની નિષ્ફળતાને ગણાવી છે. ભિન્નભિન્ન વૃત્તાંતોને સંનિધિકૃત કરવામાં વાર્તાકારને મળેલી નિષ્ફળતા સૂચવતા તેઓ નોંધે છે.-
"વૃંદાવનદાસના બંગલામાં કૃષ્ણજન્મની ઘટના એ એકબાજુએ ધનિક વર્ગની સામે મુકાઈ છે. અને એ આખીય વર્ણ્યવસ્તુ બીજી બાજુ કિસનના વૃતાંતની સામે મુકાય છે. ત્રણેયનું રહસ્ય આગવું છે. અને તેથી આ વાર્તા રહસ્યની એકતા, એકાગ્રતા અને આંતરસંવાદિતા સાધવામાં નિષ્ફળ રહે છે." ( 'વિ' કલ્પોત્તર ગ્રંથ-૨ અંક-૬)
'કૃષ્ણજન્મ' અને 'જન્મોત્સવ' બંને વાર્તામાં જન્માષ્ટમીનો ઉત્સવ કેન્દ્રમાં છે. બંને વાર્તામાં ધનિક અને ગરીબ વર્ગ વચ્ચેનો વિરોધ વ્યક્ત થયો છે. 'કૃષ્ણજન્મ'માં કિશોર જનકને ગરીબાઈની સમસ્યાનો સામનો કરવાનો થાય છે. પોતાની માતાની થનાર પ્રસુતિ અંગે ચિંતા થતા તે ફરી હોટલના કામમાં જોડાય જાય છે. 'કૃષ્ણજન્મ' એ જયંત ખત્રીની પ્રગતિવાદી વિચારણાને ઝીલે છે. સુરેશ જોશીની 'જન્મોત્સવ' વાર્તામાં બાળકના જન્મ સાથે જ ગરીબાઈની સમસ્યાનો સામનો કરવાનો થાય છે. નવજાત બાળકને જન્મતાની સાથે જ ભીખ માગવા માટે તેના સ્વજનો જ અપંગ બનાવી દે છે.

વિષય તથા પ્રસંગ-સંકલનાની દષ્ટિએ જયંત ખત્રીની વાર્તા 'કૃષ્ણજન્મ' સાથે સુરેશ જોષીની 'જન્મોત્સવ' નોંધપાત્ર એવું સામ્ય ધરાવે છે. બંને વાર્તામાં કૃષ્ણજન્મના ઉત્સવનું ઉલ્લાસપૂર્ણ વાતાવરણ આલેખાયું છે. એક વાર્તામાં મંદિરોમાં તો બીજી વાર્તામાં શેઠના બંગલામાં જન્મોત્સવની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી છે. રાત્રીના બાર વાગતા જ કૃષ્ણજન્મનું પર્વ ઉજવાય છે. કૃષ્ણજન્મની સાથે જ બંને વાર્તામાં ગરીબ સ્ત્રીઓ પણ બાળકને જન્મ આપે છે. પણ અહીં પુત્રજન્મના આનંદને બદલે આર્થિક ચિંતા છે. 'કૃષ્ણજન્મ' વાર્તામાં નવજાત શિશુ માતાનું વાત્સલ્ય પણ ગુમાવે છે, જ્યારે 'જન્મોત્સવ' વાર્તામાં 'માના ખોળામાં બેસીને માતાની અશ્રુધારામાં નાહતો કિસન જાણે કે પિતાની આંખ સમક્ષ તરવરી ઉઠેલા ભાવિના દર્શનને જોતો હોય તેમ એકાએક હસી પડ્યો. પણ મેઘલી રાતનાએ અંધારામાં માણેકને એ હાસ્ય દેખાયું નહીં.' - આ શબ્દો સાથે વાર્તા પૂરી થાય છે, પણ ભાવકના ચિત્તમાં વિચારવમળો જન્માવતી જાય છે. જયંત ખત્રીની 'કૃષ્ણજન્મ'માં વાર્તાના અંતે લેખકનું સુધારક વલણ મુખર બની ગયું છે. જનકના મોઢામાં 'ના-ના ! અમ ગરીબોનોય એક દિવસ ઊગશે કોક દહાડો !' જેવો આશાવાદી સૂર ઉચ્ચારાવે છે તેની કશી અનિવાર્યતા ન હતી. આમ છતાં વાર્તામાં બે વિરોધી ચિત્રોની સહોપસ્થિતિ દ્વારા લેખક સચોટ અસર ઉપસાવે છે. 'સુવાવડીને ચોકથી ઘણે જ દૂર ગામ બહાર લઈ ગયાં. કૃષ્ણજન્મ થઈ ગયો હતો.' પાસપાસે મૂકાયેલાં આ બે વાક્યો લેખકના વક્તવ્યને ધારદાર રીતે વ્યક્ત કરે છે. આ સીધાંસાદાં વાક્યો પાછળ કેવો કાતિલ વ્યંગ રહેલો છે તે સહ્રદય માટે પામવો મુશ્કેલ નથી. બંને વાર્તામાં પાત્રોના મનોવ્યાપારના ઝીણવટભર્યા સચોટ વર્ણનનિરૂપણ અને એકએક વાક્યની પાછળ રહેલા સૂક્ષ્મ વ્યંગના ઉત્તમ નમૂના સ્વાભાવિક રીતે જ આ પાત્રો પ્રત્યે સમભાવ જન્માવે છે. ગરીબ માણસોની લાચારીને, તેમની મન:સ્થિતિને, તેમની સંવેદનાઓને બંને લેખકે સુપેરે વ્યંજિત કરી છે.

'જન્મોત્સવ' અને 'કૃષ્ણજન્મ' વચ્ચે સારું એવું સામ્ય છે, તેમ ભેદ પણ છે જ. તે દર્શાવતાં ધીરેન્દ્ર મહેતા લખે છે : 'બંને વાર્તાઓમાં અભિગમ જુદો જુદો છે. સુરેશ જોષીની વાર્તામાં વસ્તુનું તાટસ્થ્યપૂર્ણ કલાત્મક આલેખન છે; નિરાધાર જનો માટે પક્ષપાતી વલણ નથી, એવા લોકોનો પ્રપંચ પણ તેમાં (કરુણ જોખમાય નહિ એ રીતે) નિરૂપાયો છે; જયંત ખત્રીની વાર્તામાં એક પ્રતિબદ્ધ લેખકનું પ્રચારવલણ ઉઘાડું છે.' ('જયંત ખત્રી', પૃ. ૨૪)

એક જ વિષયવસ્તુ પર આધારિત જયંત ખત્રીની 'કૃષ્ણજન્મ' વાર્તા મુખર થઈ જવાથી પ્રતિબદ્ધ લેખકનું પ્રચારવલણ ઉઘાડું પડી જાય છે. જ્યારે વસ્તુના તાટસ્થ્યપૂર્ણ કલાત્મક આલેખનથી સુરેશ જોષીની 'જન્મોત્સવ' વાર્તા વધુ વેધક, અસરકારક બની શકી છે.

જયંત ખત્રીની વાર્તામાં સામાજિક-આર્થિક વિસંગતિને પ્રગટ કરવામાં લેખકનો પ્રચારલક્ષી અભિનિવેશ ઠીક ઠીક ઉઘાડો પડી જાય છે, જ્યારે સુરેશ જોશીની પ્રસ્તુત વાર્તામાં સંનિધિકરણની ટેકનિકના વિનિયોગ વડે વાર્તાનો સૂર કંઈક ગોપિત રાખી શકાયો છે. જો કે, ટેકનિકના વિનિયોગમાં આ કૃતિ ચાતુરીમાં સરી પડી છે.

સુરેશ જોશીના પ્રારંભના બંને વાર્તાસંગ્રહોમાં પુરાકલ્પનનો વિનિયોગ ધરાવતી કેટલીક રચનાઓ મળી રહે છે. 'જન્મોત્સવ'માં પુરાકલ્પનનો વિનિયોગ અમુક સ્તરનો જ જોવા મળ્યો છે.

આ વાર્તામાં પુરાકલ્પનના વિનિયોગની દિશામાં સુરેશ જોશીની સર્જકતા અહીં વિશિષ્ટ પરિણામ સિદ્ધ કરી શકી નથી.

જો કે સમગ્ર વાર્તામાં પુરાકથાનું સાદ્યંત નિર્વહણ સાધવાનું બંને વાર્તાકારનું વલણ જણાતું નથી. વાર્તાની ભાવપરિસ્થિતિ તેમજ પાત્રોની મન:સ્થિતિ સાથે જે તે પુરાણકથાના સંકેતો સમગ્રતયા તિર્યકપણે અનુસંધાન સાધી રહેતા અનુભવાય છે.

આમ, ગુજરાતી સાહિત્યના બે પ્રબુદ્ધ સર્જકો જયંત ખત્રી અને સુરેશ જોષી વાર્તામાં શ્રીમંત વર્ગ અને અકિંચન વર્ગની જીવનસરણી-રહેણીકરણીમાં રહેલા બે ધ્રુવ જેટલા અંતરનો સંકેત કૃષ્ણજન્મની પુરાકથાના વિનિયોગથી દર્શાવે છે. એમણે પેલા શ્રીમંત વર્ગ ઉપર કશા પ્રહારો કર્યા નથી., કે ગરીબોના ખુલ્લા પક્ષકાર બની સહાનુભૂતિનો ઢોલ પીટ્યો નથી અને છતાંય એમણે તાક્યું નિશાન તો વીંધ્યું જ છે. સમાજની આર્થિક અસમાનતા વિષે ભાવકના હૈયામાં એમણે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પણ, તેમના ઉકેલ દર્શાવવાનું વિવેકપૂર્વક ટાળ્યું છે. બંને સર્જકોએ એવો કલાત્મક પરિવેશ સર્જ્યો છે જેના દ્વારા આપણને જનક અને કિસન જેવા બાળકો ઉપરાંત જીવનજરૂરિયાતના અભાવ વચ્ચે જીવી રહેલા એક આખા માનવસમાજનું દર્શન થાય છે. ગુજરાતી સાહિત્યમાં પ્રગતિશીલ આંદોલનની ફૂંકાયેલી હવાથી સર્જકો કેવા પ્રભાવિત હતા તેનો સુપેરે પરિચય આ વાર્તાઓમાંથી પમાય છે.

સંદર્ભગ્રંથો :
  1. 'જયંત ખત્રીની શ્રેષ્ઠ વાર્તાઓ' : સંપાદક : ચંદ્રકાન્ત ટોપીવાળા, આદર્શ પ્રકાશન, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ : ૧૯૯૪
  2. 'જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ' : સંપાદક : ધીરેન્દ્ર મહેતા, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર. પ્રથમ આવૃત્તિ : ૨૦૦૦
  3. '૧૫ પ્રતિનિધિ ગુજરાતી નવલિકાઓ' : સંપાદક : પ્રસાદ બ્રહ્મભટ્ટ, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ : ૨૦૧૪
  4. 'ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા : સંપાદક' : જયંત કોઠારી, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ : ૧૯૭૭
પ્રા. બીના ડી. પંડ્યા, એસોસિએટ પ્રોફેસર (ગુજરાતી), સરકારી વિનયન કોલેજ, તળાજા