Included in the UGC-CARE list (Group B Sr. No 172)
મોઢેરાના સૂર્ય મંદિરની દિક્પાલ પ્રતિમાઓ: ઈન્દ્ર અને અગ્નિ
ભારતના વિશ્વ પ્રસિદ્ધ બે સૂર્યમંદિર છે: એક ઓડિશા રાજ્યના પુરી જિલ્લાના પુરી નામક શહેરમાં સ્થિર કોર્ણાક સૂર્ય મંદિર અને બીજું ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના મોઢેરા ગામે આવેલ સૂર્ય મંદિર. ‘ધર્મારણ્યપુરાણ’ અનુસાર મોઢેરા પ્રદેશમાં પ્રાચીનકાળમાં ધર્મરાજા (યમરાજા) એ તપશ્ચર્યા કરેલી તેથી આ પ્રદેશને ‘ધર્મારણ્ય’એવું પવિત્ર નામ મળ્યું. ઋષિ- મહર્ષિઓની આ તપોભૂમિ સમયે સમયે આ સ્થળનાં નામ બદલાતાં રહ્યાં છે. સતયુગમાં ‘ધર્મારણ્ય’, ત્રેતાયુગમાં તે ‘સત્ય મંદિર’, દ્વાપરમાં ‘વેદભુવન’ અને કળિયુગમાં ‘મોહરકપુર’ અને મધ્યકાળમાં ‘મોઢેરા’ તરીકે ઓળખાયું. મોઢેરા ગામ સૂર્યમંદિર અને મોઢેશ્વરી (માતંગી) દેવીના પ્રાગટ્ય સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. મોઢ બ્રાહ્મણો, મોઢ વૈશ્યો, અને મોઢ પટેલો વગેરેનું જ્ઞાતિઓની ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે. આ જ્ઞાતિઓની કુળદેવી મોઢેશ્વરી માતાજી છે. “મોઢ તણી માતંગી મૈયા, મોહરકપુરવાળી, હે માડી મોઢેરાવાળી’’. યુધિષ્ઠિર અને ભગવાન રામનાં પગલાંથી આ ભૂમિ પાવન થઈ છે. સ્કંધપુરાણની કથા પ્રમાણે ત્રેતાયુગમાં શ્રીરામ માતા સીતાજી સાથે ધર્મારણ્યની તીર્થયાત્રાએ આવ્યા હતા અને માતંગી માતાના દર્શન કર્યા હતાં. આ સ્થળનો પુનરુદ્ધાર કર્યો. મધ્યકાળમાં મોઢેરા પર હુમલો થયેલો અને ગામ અને મંદિર લૂંટવામાં આવેલાં.

મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદીને કિનારે આવેલું છે. આ મંદિર સંભવતઃ સોલંકી રાજા ભીમદેવ પ્રથમ (1024-1066 ઈ.સ.)ના શાસનકાળમાં બનાવ્યું હતું. સ્થાપત્ય કલાની દૃષ્ટિએ આ સૂર્ય મંદિર સોલંકી શૈલીમાં બનેલાં મંદિરોમાં સર્વોત્તમ છે. જગતી (ઊંચું પ્લેટફોર્મ) પર એક અક્ષ બનેલ આ મંદિર ત્રણ ભાગમાં વહેચાયેલું છે: (1) પ્રદક્ષિણા પથ યુક્ત ગર્ભગૃહ, તથા એક મંડપ જે મંદિરના મુખ્ય ભાગમાં આવેલો છે. (2) એક અલગથી બનાવેલ સભામંડપ જેની સામે એક અલંકૃત તોરણ છે. (3) મંદિરની આગળની બાજુએ પત્થરોથી બનાવેલ કુંડ જેમાં અનેક નાના મોટા મંદિરો છે. મંડપમાં અષ્ટકોણમાં ઉભેલા સ્તંભો સુંદર કલાત્મક કોતરણીથી શુસોભિત છે અને કલાત્મક તોરણોને આધાર આપે છે. સભામંડપ યા નૃત્ય મંડપ કોણીય યોજનામાં બનાવેલ છે જે સુંદર કલાત્મક સ્તંભોથી યુક્ત છે. સભામંડપની મુખ્ય ચાર દિશામાંથી પ્રેવેશ હેતુ અર્ધવર્તુળ અલંકૃત તોરણ દ્વાર છે. સભામંડપની સામેની બાજુ એક મોટું પ્રવેશદ્વાર તોરણથી શોભિત છે. તેની સામે સૂર્યકુંડ છે, તેને સ્થાનીક લોકો ‘રામકુંડ’ પણ કહે છે.

સૂર્ય મંદિરની મંડોવરના (બહારની દિવાલો) ગવાક્ષોમાં 12 આદિત્યો, 12 ગૌરી, વિવિધ દેવ-દેવીઓ અને અપ્સરાની મૂર્તિઓ પ્રતિષ્ઠાપિત છે. તેની સાથે જ ચાર દિશા અને ચાર વિદિશાઓના (ખૂણાઓ) કુલ આઠ દિકપાલની પ્રતિમાઓ સ્થાપિત કરેલ છે. હિન્દુ ધર્મમાં દિકપાલની પૂજા પ્રાચીન સમયથી કરવામાં આવે છે. પ્રાચીન વૈદિક સાહિત્યમાં દિકપાલને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ચાર દિશાઓના દિકપાલમાં ઈન્દ્ર, યમ, વરૂણ અને સોમને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આ દિકપાલોના સૂક્ત અને ઋચાઓ વેદોમાં છે. આ પછી સમયગાળામાં વિદિશા- વિકોણના દિકપાલોમાં અગ્નિ, વાયુ, નૈઋૅતિ અને ઇશને સ્થાન આપવામાં આવ્યું. હિન્દુ ધર્મની માન્યતા મુજબ વિશ્વની ચાર દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને ચાર વિદિશાઓ-ખૂણાઓ વાયવ્ય, અગ્નિ, ઇશાન, નૈઋૅત્યનું રક્ષણ દિશાઓના અધિપતિ દિકપાલો કરે છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ આ માન્યતા જોવા મળે છે. દિકપાલોને ‘લોકપાલ’ પણ કહેવામાં આવે છે. જુદાજુદા ગ્રંથોમાં તેમના નામ, સ્થાન, અને સંખ્યાની બાબતમાં વિવિધતા જોવા મળે છે. હિન્દુ અને જૈન શાસ્ત્રોમાં આ દસ દિકપાલોના ઉલ્લેખ મળે છે. સામાન્ય રીતે દરેક દિકપાલનું દિશા-સ્થાન નિશ્ચિત છે જેમ કે, પૂર્વમાં ઇન્દ્ર, અગ્નિકોણમાં અગ્નિ, દક્ષિણમાં યમ, નૈઋૅત્યમાં નૈઋૅતિ, પશ્ચિમમાં વરુણ, વાયવ્યકોણમાં વાયુ, ઉત્તરમાં કુબેર અને ઇશાન કોણમાં ઇશાન (શિવ)ને ગણવામાં આવે છે. ઉપરાંત પાતાલોકના દિક્પાલ ‘નાગદેવ’ તથા ઉર્ધ્વલોકના (આકાશ) દિક્પાલ બ્રહ્મદેવ ગણાવેલ છે. અલબત્ત, આઠ દિક્પાલ સાથે આ બે દિક્પાલનું પૂજન થાય છે પરંતુ બહુ ઓછા મંદિરોમાં તેમની મૂર્તિઓ જોવા મળે છે. મંદિરની મંડોવરની જંઘામાં- ઉપાંગોમાં અનેક દેવો, દેવીઓ, દેવાંગનાઓ સાથે દિક્પાલની મૂર્તિઓ કંડારવામાં આવી હોય છે. જ્યાં દિશા અનુસાર સ્થાન આપવામાં આવ્યું હોય છે. સૂર્યમંદિરમાં પણ આ જોઈ શકાય છે, તે ક્રમશ જોઈએ.

ઈન્દ્ર: પૂર્વ દિશા અને સ્વર્ગના દેવોના અધિપતિ ઈન્દ્રને ગણવામાં આવે છે. પૌરાણિક સાહિત્યમાં અને શિલ્પશાસ્ત્રોમાં ઇન્દ્રનું વિગતપ્રચુર નિરૂપણ મળે છે. તે અનુસાર ઈન્દ્ર ત્રણ યા સહસ્ર આંખોવાળા કહેવામાં આવ્યા છે. સાતસૂંઢવાળો ઐરાવત હાથી તેમનું વાહન છે. વજ્ર એમનું મુખ્ય આયુધ છે. આ ઉપરાંત વજ્ર્ની સાથે વરદ, ધનુષબાણ, અંકુશ, અને કમંડળને તેમના આયુધ માનવામાં આવ્યાં છે. તેમની સેવામાં અપ્સરાઓ અને ગંધર્વ હોય છે. તેમની ડાબી બાજુ સચિ ઇન્દ્રાણી નીચેની બાજુએ ઊભા હોય છે. સૂર્ય મંદિરના મંડોવરના પૂર્વ ગવાક્ષમાં ઈન્દ્રની પ્રતિમા દર્શન થાય છે. ઈન્દ્ર્ની પ્રતિમા ત્રિભંગમાં ઊભેલી જોઈ શકાય છે. મસ્તકે અલંકૃત મુકુટ છે. કાનમાં કુંડલ, ગળામાં મૌતિક માળા, મણિયુક્ત બાજુબંધ, બે સેરી કટિમેખલા, વનમાલા તથા હાથે અને પગે આભૂષણો ધારણ કરેલાં નજરે પડે છે. તેના ચારમાંથી ત્રણ હાથ નાશ પામેલા છે તેથી તેનાં બીજા લક્ષણો બચી શક્યા નથી. તેનાં પગ પાસે હાથીના વાહન આ એક માત્ર નિર્દેશ દ્વારા જ ઇન્દ્રની ઓળખ શક્ય બને છે. બાકી તેની ઓળખ સમસ્યાયુક્ત છે. ઈન્દ્રની બીજી એક પ્રતિમા પૂર્વ-દક્ષિણ ભાગના ગવાક્ષમાં આવેલી છે. તેના મસ્તકે જટામુકુટ, જેમાં સિંહમુખનું અલંકરણ ધ્યાનાકર્ષક છે. ચાર હાથમાંથી જમણો નીચલો હાથ બચેલો છે. ડાબા પગ પાસે ઐરાવત હાથીનું વાહન જોવા મળે છે.
અગ્નિ: અગ્નિકોણના અધિપતિ છે તેમને ‘ધૂમકેતુ’ના નામે પણ ઓળખવામાં આવે છે. વૈદિક દેવોમાં અગ્નિદેવનું મહત્ત્વનું સ્થાન છે. તેના સ્વરૂપ વર્ણન પ્રમાણે ત્રણ નેત્ર, ચાર હાથ, દાઢીવાળુ મુખ, ત્રણ પગ, ચાર શીંગ અને સપ્ત શીલાવાળા કહેવામાં આવે છે. મોઢેરાના સૂર્યમંદિરમાં માંડોવરના અગ્નિખૂણાના ગવાક્ષમાં અગ્નિની ત્રિભંગમાં ઊભેલી મૂર્તિ આ વર્ણન પ્રમાણે જોવા મળે છે. મસ્તકે મુગુટ અને મુખ પર મુછ અને અણીદાર દાઢી જોવા મળે છે. મસ્તકની પાછળ અગ્નિની જ્વાળાઓનું અંકન થયેલું જોઈ શકાય છે. ગળામાં હાર, શ્રીવત્સનું ચિહ્ન, મોતીઓની માળા તથા અલંકૃત બાજુબંધ છે. અગ્નિના ચાર હાથ પૈકી જમણા બંને હાથ ખંડિત છે. જમણા પગ પાસે મેષનું વાહન ઊભેલ છે. જમણી બાજુ સ્ત્રી અને ડાબી બાજુ પુરુષ આકૃતિ ઊભેલ છે. અગ્નિના મસ્તકની બંને બાજુ સ્રી વિદ્યાધારોની આકૃતિ લાંગલક સ્થિતિમાં જોઈ શકાય છે.
સંદર્ભ ગ્રંથ
  1. ગુજરાતનું મૂર્તિવિધાન: કનૈયાલાલ દવે, પ્રકાશક: ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, પ્રથમ આવૃતિ: 1963
  2. ગુજરાત દિકપાલ પ્રતિમાઓ: ડો. રામજી સાવલીયા, પ્રકાશક: આશુતોષ સાવલીયા, અમદાવાદ, પ્રા. આ. 1998
  3. ભારતીય શિલ્પસંહિતા: પ્રભાસશંકર સોમપુરા, સોમૈયા પ્રકાશન, મુંબઈ , પ્રથમ આવૃતિ: 1974
ડો. બિપિન ચૌધરી, આસી. પ્રોફેસર, સરકારી વિનયન કોલેજ, બેચરાજી ઈમેલ: bipinchaudhary617@gmail.com મો. 9428168797