Included in the UGC-CARE list (Group B Sr. No 172)
વેળાવેળાની છાંય
એ ભાઈ જરા જગા રાખજો....મારા માટે એકા’દી જગ્યા રાખજો...આગળની સીટ ઉપર આ બેગ મૂકી દો તો...આ જરા ત્યાં રૂમાલ મૂકી દો તો.. વગેરે જેવા અવાજોથી આખું જ બસ સ્ટેશન ગુંજી રહ્યું...! બધા પોતપોતાની જગ્યા મેળવવા માટે ધક્કા-મુક્કી કરી રહ્યાં હતા, જેમ તેમ કરી મુસાફરોએ પોતપોતાની બેઠક મેળવી..! ડ્રાઇવરે કંડકટર સામે જોતા ઊંચા અવાજે પૂછ્યું, છે કોઈ હવે નીચે? કંડકટરે હળવા સ્મિત સાથે કહ્યું ના..! ડ્રાઇવર ધીમી ગતિએ બસને ચલાવવા લાગ્યો...
બસ ધીમી ગતિએ શહેરના ઘોંઘાટભર્યા વાતાવરણમાંથી બહાર નીકળી પોતાની મંજિલ પંથે આગળ વધી એને હજુ માંડ અડધો કલાક જેવું થયું હશે. ત્યાં હષ્ટપુષ્ટ શરીર ધરાવનાર એક પુરુષ અને સુકલકડી શરીર ધરાવતી એક સ્ત્રી દંપતી વાતોએ વળગ્યા. તેમની વાતો બસ અને બાજુમાંથી પસાર થતા મોટા વાહનોના ઘોંઘાટને કારણે તેમનો અવાજ સ્પસ્ટ સંભળાતો ન હતો. પરંતુ ચહેરાના હાવભાવથી લાગતું હતું કે તેમની પત્ની થોડી ચીડિયા સ્વભાવની હશે. બસ આગળના સ્ટોપ પર થોડીવાર માટે થંભી ત્યાં તો શીંગ દાળિયાવાળો બિસ્કીટ વગેરે લઈને બસમાં ચડ્યો. પેલા ભાઈને તેની પાસેથી કાંઈક લઈને ખાવાનું મન થયું. પરંતુ તેની પત્ની તેના મનને કાળી ગઈ અને તેને તે બિલકુલ ગમ્યું નહી. તેને કાંઈ પણ લેવાની ના પડતા કહેવા લાગી કે, ‘તમે તો સાવ ભૂખડ છો કે શું? આખો દિવસ ખા..ખા..જ કરો છો તે, નથી લેવું કાંઈ. પરંતુ તેની વાતને બારી ભહારથી આવતાં બસનાં ટાયર તેમજ ટ્રાફિકના અવાજો સૌતન બની ગળી ગયા હતા. પેલાએ તો સાંભળ્યું ન સાંભળ્યું કરી પોતાના ખિસ્સામાંથી ૨૦ રૂપિયા કાઢી એક બિસ્કીટનું પેકેટ તેમજ શીંગ લઈને નિરાંતથી ખાવા લાગ્યો.
પત્નીને આ ગમ્યું નહીં, તેથી ગુસ્સે ભરાય તે બારી બહાર જોવા લાગી અને મનોમન ઘણું બબડવા લાગી. એ ભાઈ હજુ પોતાની શીંગ બિસ્કીટ પૂરા કરે ત્યાં ધડાક દઈને અવાજ આવ્યો. તેની પત્ની બાજુમાં જોવે છે ત્યાં તો બિસ્કીટ ખાતો ખાતો તેનો પતિ ઢળી પડ્યો હતો. બસમાં બધાના શ્વાસ ઊંચે ચડી ગયા કે આ ભાઈને થયું શું? બધાં તેને પાણી વગેરે આપવા લાગ્યાં. પેલી સ્ત્રી અત્યાર સુધી પોતાના પતિ પર ક્રોધે ભરાયેલી હતી તે રુદનભરે અવાજે....શું થયું તમને? આમ તો જુઓ સામે..ઓય તમને કહું છું જુઓ તો.! આમને શું થયું હશે? વગેરે જેવા ઉદગારો કરવા લાગી. કંડકટર મદદે આવ્યા, જેમ-તેમ કરી બસની સીટ પર તેમને સુવડાવ્યા, પાણીના છાંટા નાખી તેને ભાનમા લાવવાના પ્રયાસ કર્યા.
પોતે ખાવા લીધેલી શીંગ બસમાં બધી જ જગ્યાએ વેરાયેલી પડી હતી. અર્ધખાધેલ બિસ્કીટ ટૂંટિયું વાળી જાણે ડરીને સીટ નીચે ભૂકો થઈ પડ્યું હતું. પત્નીની સ્થિતિ પણ કાંઇક એ બિસ્કીટ જેવી જ હતી.
ડૉ. દિલીપકુમાર સાંજવા, મદદનીશ અધ્યાપક(ગુજરાતી વિભાગ), સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, લાલપુર, જિ. જામનગર મો.નં.૯૩૭૪૭૭૭૭૬૧ ઈમેલ – sanjavadilip25@gmail.com