Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘સાગવાનનું હૈયું’: ‘ગૌરી પસા’ તોખમી વહાણની અદ્ભુત અખાણી
ગુજરાતી સાહિત્યમાં વીસમી સદીના આઠમા દાયકાથી નવલકથાકાર તરીકે ધીરેન્દ્ર મહેતાનું નામ જાણીતું થયું. લેખનની શરૂઆત કવિતાથી કરી પરંતુ તેમની આગવી ઓળખ નવલકથાકાર તરીકેની થઈ. તેમણે સાહિત્યમાં નવલકથા સિવાય કવિતા, ટૂંકી વાર્તા, વિવેચન અને સંપાદન ક્ષેત્રે કલમ ચલાવી છે. ‘વલય’(૧૯૭૧) નવલકથાથી સાહિત્યમાં પગરણ માંડયા. પણ સમર્થ સર્જક તરીકેની તેમની આગવી ઓળખ ‘ચિહ્ન’(૧૯૭૮) નવલકથાથી થઈ. તેમના દ્વારા સંપાદિત ‘‘સુકાની’ની સાગરકથાઓ’(૨૦૧૨) માં સાગર ખેડૂઓ અને તેમના વહાણોના કરેલા પરાક્રમોની કથાઓ વર્ણવવામાં આવી છે જેમાં સમાવિષ્ટ ‘સાગવાનનું હૈયું’વાર્તા તપાસવાનો મારો ઉપક્રમ છે.

‘સુકાની’ નામથી ખ્યાત ચંદ્રશંકર બૂચ નો જન્મ મુંબઈમાં થયો પણ તેમનું મૂળ વતન ધોળ(સૌરાષ્ટ્ર) છે. પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં ત્યારબાદ તેઓ સંસ્કૃત વિષય સાથે સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ થયા. તેમણે સંસ્કૃત પાઠશાળામાં માનદ અધ્યાપક તરીકે શિક્ષણસેવા આપી હતી. તેઓ ‘ચેતન’ માસિકના તથા ‘નાગરિક’ ત્રૈમાસિકના સહતંત્રી પણ રહી ચૂકેલા છે. સાહિત્યક્ષેત્રે તેમણે નવલકથા, નાટક, વાર્તા, સંશોધન, સંપાદન અને અનુવાદક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમની ‘દેવો ધાધલ’ (૧૯૬૩) અઢારમી સદીની દેશકાળજન્ય વિશેષતાને આલેખતી ખ્યાતિ પ્રાપ્ત નવલકથા છે. તો ‘ધૂડાકિયો બાણ’ અને ‘દરિયાનો દાનવ’ જેવી લઘુનવલો પણ ઉત્તમ સાહસકથાઓની હરોળમાં મૂકી શકાય એવી છે. તેમણે ભારત તથા વિદેશોમાં યુનો દ્વારા રચાયેલી વહાણવટા વિષયક સમિતિમાં નિષ્ણાંત સલાહકારની કામગીરી બજાવી છે. એટલે શૂરા સાગરખેડુઓ અને તેમના અદ્ભુત વહાણોને તેમણે પ્રત્યક્ષ રીતે નિહાળ્યા છે. પોતાની વર્ણનકલાનો સદ્ઉપયોગ કરી અને તેમણે આ ગાથાઓને સાહિત્યના માધ્યમથી જન-જન સુધી પહોંચાડી છે. આ સાગરકથાઓથી જ તેઓ ‘સુકાની’ તરીકે ખ્યાત પામ્યા.

‘સુકાની’ની ‘સાગવાનનું હૈયું’ સાગરકથા બ્રિટિશ હકૂમતે ઈ.સ ૧૯૪૭ માં ‘સુકાની’ને ઇંગ્લેન્ડ મોકલ્યા હતા ત્યારે લખાઈ હતી. ત્યાર બાદ આ કથા એપ્રિલ, ૧૯૪૭ માં ‘કુમાર’ના અંક ૨૮૦ માં છપાઈ. ત્યારે ‘સાગવાનનું હૈયું’ વિશે ‘કુમાર’ ના તંત્રીને ‘સુકાની’ લખે છે:
“માન્યામાં નહિ આવે પણ આ આખીએ કહાણી નરી હકીકત છે અને તમને આ કાગળ લખું છું ત્યારે પણ એ ‘ગૌરીપસા’ હજી સાગર પર તરી રહ્યું છે, જો કે, એમાંનાં પાત્રોનાં નામ ફેરવી નાખ્યાં છે. તેમને કદાચ આ પ્રસિદ્ધિ ન ગમે...”(પૃ.૫)
‘સાગવાનનું હૈયું’ સાગરકથામાં એક વહાણના સાહસ અને પરાક્રમની વાત કરવામાં આવે છે. ભયાનક તોફાનોમાં સપડાયેલું ‘ગૌરી પસા’ વહાણ બેંતાલીસ દિવસ સુધી જંગ ખેલીને કોઈ નાખવા કે નાખુદા વિના પાર ઉતરે છે એ રોમાંચક ઘટના ઝીણવટથી અને જીવંત રીતે વાર્તામાં આલેખાઈ છે.

ઈ.સ.૧૯૪૪ ની સાલ બીજા વિશ્વયુદ્ધનો ચાર વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. ચાર વર્ષમાં તો વિશ્વએ કલ્પી ન શકાય એટલું ગુમાવ્યું હતું. સમગ્ર વિશ્વનો જહાજ ઉધોગ નષ્ટ થઈ ગયો હતો એટલ જહાજો બાંધવાની જાણે હરીફાઈ ચાલે છે. અમેરિકા ચાર-ચાર દિવસે એક જંગી જહાજ તરતું મૂકે છે ત્યારે ભારત તેમાં પાછળ રહી ગયેલું. ભારતવાસીઓ જહાજો બાંધવા માડે તો બીજા દેશોની રોજગારી પર સંકટ આવે એટલે ભારતમાં વહાણ બનાવવાના ઉદ્યોગોને દાટી દેવામાં આવ્યા હતા. પણ “સુરજ આડે અંધારાં ઊતરી પડે ત્યારે દિવેલના કોડિયા ઝગમગી ઊઠે”(પૃ.૩૬) તેમ આવા સમયે કુનેહ અને કામયાબીને દીપાવે એવું એક વહાણ ગોધુ શેઠ તૈયાર કરે છે અને વહાણનું નામ આપે છે ‘ગૌરી પસા’. ગોધુ શેઠ તેમની મોટા ભાગની મૂડી આ વહાણ બનાવવા પાછળ ખર્ચી નાખે છે. ઊંચામા ઊંચુ સાગ અને રાતદિવસની મહેનતથી તૈયાર કરેલા આ વહાણને જોઈ પહેલી જ વારમાં ભલભલાની નજર થંભી એવું છે. મા વિહોણી તેમની એકની એક દીકરી ગૌરીનું જાણે કિસ્મત આ વહાણ સાથે તરતું મૂકે છે. એટલે હવે તેમને તારે તો પણ અને ડુબાડે તો પણ જે ગણો એ માત્ર આ ‘ગૌરી પસા’ વહાણ છે. અરજણ નાખવાને ગૌરી કપાળે ચાંદલો કરે છે. મુનીમ તેને સાકાર અને શ્રીફળ આપે છે. ગોધુ શેઠ અરજણને કહે છે, મારી સાત પેઢીની શાખ અને ગૌરીનું ભવિષ્ય બંને તારા હાથમાં છે. એટલે અરજણ તેમને આશ્વાસન આપી ઘરે જાય છે. ઘરે મોડી રાત સુધી દારૂની મહેફીલ જામે છે. ભાન ભૂલેલી ખારવણોને સૂતી મૂકી અરજણ અને તેના સાથીઓ વહાણ લઈ નીકળી પડે છે.

કરાંચી બંદરેથી પહેલો ફેરો બસરાનો મળે છે એટલે અરજણ અને ગોધુ શેઠ બંને રાજી થઇ જાય છે. બસરાથી વળતાં બીજો ફેરો ખરાજાતનો ફરી થોડા દિવસ પછી બલુચિસ્તાનથી મારમગોવા, કારવારથી મુંબઈ અને મુંબઈથી ફરી પાછો મારમગોવા એમ ફેરાઓ કરે છે. વાહણની સારી એવી રકમ અડધી સિઝનમાં જ કમાવી લીધી છે. મોસમ પુરી થવાનો હવે થોડો જ સમય બાકી છે ત્યારે મારમગોવાથી કોલ્હાપુરી ગોળના આઠ હજાર રવા કોલંબો પહોંચાડવાનો ઓર્ડર મળે છે. ગોધુ શેઠને વાત કરે છે તેઓ તેને શીખામણ આપે છે પછી તેના સાથીઓને વાત કરે છે કે બાર મહિના સુધી ઘરે નહિ અવાય. “પણ દરિયાનું ઈમાન જ્યાં ચેતે છે ત્યાં ખારવણોનાં આસું એની આંચથી બળી જાય છે.”(પૃ.૩૯) અને નક્કી થાય છે કોલંબો જવાનું. સદાશિવગઢથી આથમણે ‘ગૌરી પૈસા’ નો મોરો(વહાણનો આગળનો ભાગ)(પૃ.૧૮૩) ફેરવે છે અને નાખવાનો મનસૂબો જાણે સમજી ગયું હોય એમ સડસડાટ ‘ગૌરી પસા’ દોડવા લાગ્યું. કોઈ પણ જાતનાં વિઘ્ન વગર થોડા દિવસમાં જ વહાણ કબરૂતીના બેટ સુધી પહોંચે છે. ત્યાં આવેલ લક્કદીવની બેટ ની પરંપરા છે કે, ત્યાંના રહેવાસી માછીમાર કે ખારવણો સિવાય કોઈ રોકાઈ ન શકે. પણ અરજણનો દોસ્ત મામધ મરક્કાર કબરૂતીનો શાહબંદર હોવાથી તેઓ તેને ત્યાં રાત્રી રોકાય છે. મામધના ચાર દિવસ વધુ રોકવાના આગ્રહને અસ્વિકાર કરી તેઓ નિકળી જાય છે. માલદીવ પાસે તોફાનના સમાચાર મળે છે. કબરૂતી છોડ્યે ત્રણ દિવસ થઈ ગયા હતા. અને ચોથા દિવસની સવાર જાણે આકાશમાં સીસું પથરાઈ ગયું હોય અને પાણીમાં માછલાં થંભી ગયા હોય એવી લાગવા માંડે છે. દક્ષિણ બાજુએથી ભીષણ ગર્જનાઓ થવા લાગે છે અને જાણે અંધારામાં પાણીના મોજા દિવાલની જેમ ધસી આવતા દેખાય છે. વહાણ જાણે હમણાં જ ગુલાટી મારશે એવું લાગવા માંડે છે અને અચાનક ઘુમરિયો ખાતા વહાણનો મોટો ખૂવો(સઢના આધારરૂપ થંભ)(પૃ.૧૮૨) કડેડાટ કરતાં તૂટી પડે છે. અને ‘ગૌરી પસા’ હલકુ બની જાય છે. ભરપૂર કોશીશ પછી આ આફતમાંથી વહાણ નીકળી જાય છે. પણ વહાણને બચાવવાની કોશિશ કરતાં માલમનાં લમણાંમાંથી લોહી નીકળે છે. બીજા બે નાખવાના પગમાં કુહાડી વાગે છે. બાકીનાઓને પણ થોડી થોડી ઈજાઓ થાય છે. એટલે જે ચાલી શકતા હતાં તેઓ બીજાની મદદ કરવાં લાગે છે. ધીમે ધીમે તોફાન ધીમું પડવા લાગે છે એટલે બધા જ નાખવાઓ આફતમાં તુટેલા ‘ગૌરી પસા’ને ઠીક કરવા કામે લાગી જાય છે. સાત દિવસથી કોઈને આરામ પણ મળ્યો ન હતો. હજુ આ આફત ટળે છે એવામાં જ આઠમાં દિવસની સવારે પવન અને પાણી વાજમાં આવતા દેખાય છે. હવે જાણે “વીસકોસી તો વાતવાતમાં બજાવનાર ‘ગૌરી પસા’ અધકોસીમાં જ મજબૂર બની ગયું”(પૃ.૪૪) હતું. વહાણ હલકું કરવા માટે ગોળને દરિયામાં નાખી દેવાનો અખતરો કર્યો પણ ગોળ ચોટી ગયો હતો એટલે એ કોશિશ પણ નિષ્ફળ જાય છે. છતાં હિંમત ન હારતો અરજણ પોતાનાથી બનતી બધી જ કોશિશો કરે છે પણ એને નિષ્ફળતા મળે છે. વહાણ હવે ગમે ત્યારે ડૂબે એવું હતું આખરે અરજણ હિંમત હારીને સૌને કિસ્તી(નાના મછવા)(પૃ.૧૮૨)ઓ લઈ નીકળી જવાનું કહે છે. અરજણને નીકળતા એનું ભૂતકાળ, ભવિષ્ય, ગોધુ શેઠની શીખામણ બધુ યાદ આવે છે. ધૂપ સળગાવી સૂરજને ધરે છે અને ભંડકમા ઊતરે છે. ત્યારે અચાનક જાણે કિસ્તીમાંથી અવાજો થતાં સંભળાય છે. એટલે નવું જીવન મળ્યાનો અહેસાસ થાય છે. બીજે દિવસે સવારે વલંદા આગબોટ ‘સ્ટાનવાક’ દ્વારા કોલંબોમાં ‘ગૌરી પસા’ના પકડાયેલા આ ચૌદ નાખવા શંકાસ્પદ હાલતમાં મળી આવતા કેદ કરવામાં આવે છે. પુરાવા ન મળતાં થોડા દિવસમાં છોડી મૂકે છે. અરજણ ગોધુ શેઠને બનેલી હકીકતનો તાર લખે છે. ગોધુ શેઠની વહાણની પોલિસી રદ્દ થઈ હોવાથી કશો દાવો મંજુર નથી થતો એટલે ગોધુ શેઠની તો ચાર પેઢીની શાખ જોખમાઈ ગઈ હોય એવું થાય છે. અરજણ પાસે ઘરે આવવાં માટે પૈસા ન હોવાથી તે ત્યાં જ મજૂરી કરવાં લાગે છે. આફતો સામે સતત બાથ ભીડનાર ‘ગૌરી પસા’ને ગુમ થયાને બેંતાલીસ દિવસનો સમય પસાર થઈ ગયો છે. નાખવાઓને મન ‘ગૌરી પસા’ દરિયામાં ગરક થઇ ગયું હશે. ત્યારે ત્રેતાલીસમી સવારે કબરૂતીના શાહબંદર મામધ મરક્કારને બંદરનો એક માણસ મુન્નુ સ્વામી બારાની નાની પડખેના રેતાળ ચર પર કોઇ વહાણ દેખાયાના ખબર આપવા આવે છે. થોડી વાર પછી પોલીસ સબઇન્સ્પેક્ટર શાહબંદર મામધને જ્યારે આ રિપોર્ટ આપે છે ત્યારે મામધ ‘ગૌરી પસા’ને કબરૂતીમાં આ હાલતે જોઈ અને દોસ્ત અરજણ નાખવા અને બીજા તમામ માણસોનું શું થયું તે જાણવા પોતે ત્યાં જઈ વહાણના ખૂણેખૂણે ફરી વળે છે પણ ત્યાં કોઈ દેખાતું નથી. તરત પછી મામધ કોલંબો પોર્ટ ઓફિસને તાર કરે છે. પોર્ટ ઓફિસર એ તાર અરજણને બતાવી તેને શુભેચ્છાઓ પાઠવે છે. અરજણની ખુશીનો પાર નથી રહેતો. તે બીજા નાખવાઓને ભેગા કરી આ સમાચાર આપે છે અને ગોધુ શેઠને તાર કરે છે. નાળિયેર લઈ ધરિયાલાલને શેષ ચડાવે છે. છેલ્લે આ સમાચારથી અવાક્ બનેલો વેરસી ભાભો બોલે છે, “મું તો પે’લેથી જ ક્યો’ તો કે આને સુખાણે નિયાણીનો હાથ છે. જુકાં તી વગર ડઢ ડેઢ મહિના આખરના ધરિયા વટાવીને કોઈ વા’ણ બન્ધર કરે, ભલા?”(પૃ.૪૮) અને વાર્તાનો અંત આવે છે.

‘સાગવાનનું હૈયું’ વાર્તાના કેન્દ્રમાં મુખ્ય પાત્ર તરીકે ‘ગૌરી પસા’ વહાણ છે. ગોધુ શેઠે પોતાની ઘણી ખરી મૂડી ખર્ચી નાખી, ઊંચા માં ઊંચું સાગ વાપરી, રાત-દિવસની મહેનત કરીને આ વહાણ તૈયાર કરે છે. બેંતાલીસ દિવસ સુધી નાખવા વગર આફતો વચ્ચે પણ અડીખમ રહેનાર ‘ગૌરી પસા’ ખરેખર વાચકને વિચારવા મજબુર કરે એવું વહાણ છે. વાર્તામાં આવતું એનું વર્ણન જોઈએ,
“‘ગૌરી પસા’ બસ્સો પંચાવન ટનનું વહાણ હતું. આજે એમાં બીજો એટલો તો માલનો બોજો હતો જ. ઉપરાંત સોએક ટન તો પાણી ભરાયું હતું ! છતાં એનો નકશો દોરનાર ગજધર એવો બાહોશ હતો કે એ વધારે પડતા બોજા છતાં ને કઠેડાબૂડ હાલતમાં પણ ‘ગૌરી પસા’ મોત સાથે જંગ ખેલી રહ્યું હતું!”(પૃ.૪૬)
વાર્તામાં આવતું બીજુ મહત્વનું પાત્ર ગોધુ શેઠ. તેઓ બ્રાહ્મણ છે અને મોટા વેપારી પણ છે. તેમને એક દીકરી છે ગૌરી. લડાઈના સંજોગોમાં ફાયદો ઉઠાવવા વહાણવટું અજમાવવા હિંમત કરે છે અને ગજા ઉપરાંતની મૂડી વટાવીને ને રાત-દિવસની મહેનતથી ‘ગૌરી પસા’ નામનું એક વહાણ બંધાવે છે. વાર્તામાં ગોધુ શેઠની એક નાનકડી ચેષ્ટાથી એમનું પાત્ર સજીવ થઈ ઊઠે છે.
“ધોળે દિવસે તણખા ઉડાડતી લોખંડી નાળ નીચે ભારવટિયા વિખેરતું ‘ગૌરી પસા’ જ્યારે નવી નાળની પાનેલી છાતી પર ઝોક લઈ ડોલવા લાગ્યું ત્યારે ગોધુ શેઠ કોઈ ન જુએ તેમ ખેસથી આંખો લોઈ લીધી.”(પૃ.૩૭)
વાર્તાનું ત્રીજુ મહત્વનું પાત્ર અરજણ નાખવાનું છે. અરજણ એક ઈમાનદાર, સાહસી, પરાક્રમી, નિ:સ્વાર્થી અને શ્રદ્ધાવાન નાખવો છે. અરજણનો પેઢીઓથી વહાણ ચલાવવાનો ધંધો છે. એટલે તેની કાબેલીયતમાં કોઈને શક નથી. વાર્તામાં છેલ્લી હદ સુધી અરજણ ‘ગૌરી પસા’ને બચાવવાની કોશીશ કરે છે. વાર્તાના અન્ય પાત્રોમાં કરસન માલમ, વેરસી ભાભો, મરક્કાર વગેરે છે. કરસન માલમ અને વેરસી ભાભો બંન્ને અરજણના સાથી છે. બંને સાહસી અને હિંમતવાન છે. છેલ્લે સુધી તેઓ અરજણનો સાથ છોડતાં નથી. વેરસી ભાભાને સીતેર વર્ષના જુવાન કહી શકાય એટલા સાહસી અને પરાક્રમી છે. મામધ મરક્કાર કબરૂતીનો શાહબંદર છે અને અરજણનો જુનો દોસ્ત છે.

‘સાગવાનનું હૈયું’ વાર્તા ૧૯૪૭માં લખાઈ એટલે બીજા વિશ્વયુદ્ધના ઘા હજુ પૂરી રીતે ભૂંસાયા ન હતા. આ વિશ્વ યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વનો જહાજ ઉદ્યોગ નષ્ટ થઈ ગયો હતો. બીજી બાજુ અમેરિકા દર ચાર દિવસે એક જંગી જહાજ બહાર પાડતું હતું. કમનસીબે ભારતમાં આ ઉદ્યોગ વિકસે એ પહેલા જ દાટી દેવામાં આવતા હતા. ચંદ્રશંકર બુચે આ પરિસ્થિતિને પ્રત્યક્ષ નજરે જોઈ છે. બ્રિટિશ હુકૂમતના કહેવાથી તેઓ જ્યારે ઇંગ્લેન્ડ જાય છે ત્યા એક નાખવા દ્વારા એમણે ‘ગૌરી પસા’ના પરાક્રમો સાંભળવા મળે છે. આ કથાના ત્રણ પાત્રોને તો સર્જક પોતે મળ્યા પણ હતાં. અને રોમાંચક વાત એ છે કે બેંતાલીસ દિવસના અજ્ઞાતવાસ પછી મીનિકોય પાસે લક્કડદીવ ટાપુના એક બંદરે આ વહાણ દેખાય છે એ બાબતની તપાસ માટે નિમાયેલી તપાસ સમિતિમાં તેઓ પોતે જ હતા.

વાર્તામાં ‘સુકાની’એ નાખવાઓની વાસ્તવિક સ્થિતિ પર પણ પ્રકાશ પાડ્યો છે. કટોકટીના સમયગાળા દરમિયાન પણ જ્યાંરે નાખવાઓ જીવનું જોખમ ખેડીને પૂરતી મદદ કરતા હોય છે ત્યારે બીજા દેશોની સરખામણીએ ભારતમાં નાખવાઓને આમપ્રજા કેવી દષ્ટિથી જુએ છે તે આ નાનકડાં અંશ દ્વારા સમજાશે,
“બીજા દેશોમાં જ્યારે વહાણધણીને અને આમપ્રજાને પોતાના નાખવા જીવતે લાખના ને મુએ સવાલાખના લાગે છે, ત્યારે હજું હિન્દુસ્તાનના હીંગતોળુ વહાણધણીઓ અને દરિયાપરજથી તમામ બેજાણ પ્રજામાં આ સાગરસાવજો જીવતે કોડીના અને મૂએ ફૂટી બદામના પણ નથી લાગતા!”(પૃ.૪૫)
‘સાગવાનનું હૈયું’ વાર્તામાં ક્રિયાપદોને ટાળતા ટુંકા ટુંકા વાક્યોથી સિદ્ધ થતુ લાગવ ‘સુકાની’ની કેળવાયેલી ગદ્યશૈલીનો ખ્યાલ આપે છે. કચ્છી શબ્દપ્રયોગોમાં કેટલીક ક્ષતિઓ પણ જોવા મળી છે જેમ કે ‘ચોવાજે’ ને બદલે ‘ચોવાય’,‘ડઠો’ ને બદલે ‘દીઠું’ અને ‘ઈતાં’ ને બદલે ‘ઈતો’ વગેરે.. વાર્તામાં આવતી કચ્છી નાખવાની બોલી ભલે વાચકને ન સમજાય છતાં તેને પકડી રાખે છે. અહીં તેનો થોડોક સંવાદ જોઈએ,
“એડાં ઠીઠાંમાં ચડે ઈ નાખવાઉં. ના ભોગ લાગે ને? વા’ણ બંધાવનાર ને બાંધનાર ભેઈમાની કરે તો બચાડા નાખવાઉં જાય વામણી ખાતે ને ધીરે ખારવાણું રે’ વલવલતી.”(પૃ.૪૦)
“ઈ તો જેવાં આપણાં કિસમત, ચાચા! વા’ણ ગમે તેવો ઠીઠો હોય, જુકાં ખારવો પોતાના ઈમાન સંભારે તો કંઈયે કજા ન પૂગે.”(પૃ.૪૦)
લે વરી, માલમ તો વડો પીરનો પુતર નીકર્યો. ઈમાન તો બધે સરખો. ધરિયા ઉપર ખારવા ઈમાન રાખે ને ધરતી ઉપર વાણિયો ઈમાન રાખે તંઈયે વા’ણ હાલે, માલમ.”(પૃ.૪૦)
આમ, ‘સુકાની’ની સાગરકથા ‘સાગવાનનું હૈયું’માં સાહસની પ્રેરણાની સાથે જ હિમ્મત, દઢતા, ઝિંદાદિલી, આત્મવિશ્વાસ, આપબળ, સંકલ્પશક્તિ જેવા વ્યક્તિઘડતરના ગુણો જોવા મળે છે. આ વાર્તા દ્વારા એ પણ સ્પષ્ટ થાય છે કે વહાણ, એના માલિક અને નાખવા વચ્ચે ભેદ નથી. માનવજીવનનાં મૂલ્યો સમજાવતી આ વાર્તા ગુજરાતી સાહિત્યને ‘સુકાની’ દ્વારા મળેલી એક ઉતમ ભેટ છે.

સંદર્ભસૂચિ:-
  1. ‘સુકાની’ની સાગરકથાઓ, સંપાદક:ધીરેન્દ્ર મહેતા, પ્રથમ આ.:૨૦૧૨, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર.
  2. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ગ્રંથ:૬, આવૃતિ:૨૦૦૬, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
ગૌસ્વામી મનીષકુમાર ગીરીશભાઈ, ઈમેલ:manishgauswami664@gmail.com મો:૭૩૫૯૦૧૪૯૯૭