Included in the UGC-CARE list (Group B Sr. No 172)
'આવૃત'નું વિષયવસ્તુ અને વસ્તુસંકલના
નવલકથા અને વિવેચન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર ગાડીત જયંત ગોકળદાસનો જન્મ ૧૯૩૮માં મુંબઈમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્યમાં 'આવૃત', 'ક્યાં છે ઘર?', 'બદલાતી ક્ષિતિજ', 'ચાસપક્ષી' અને 'કર્ણ' એમ નવલકથાઓ આપી છે. 'નવલકથા: વાસ્તવ અને વાસ્તવવાદ' આ એમનુ વિવેચન કાર્ય. આમ જયંત ગાડીત ગુજરાતી સાહિત્યમાં પોતાનું સર્જનાત્મક પ્રદાન કરે છે. 'આવૃત' લઘુનવલનું મુખ્ય પાત્ર આવૃત જે ગુજરાતી વિષયનો અધ્યાપક હોય છે. કૉલેજમાંથી છૂટો થતાં આવૃતને અશૈક્ષણિક પ્રવૃત્તિઓના લીધે તેને નોકરી મેળવવી મુશ્કેલ પડી જાય છે. આવૃતના વિચારો, તેની પત્ની અને સમાજના લોકો કરતા જુદા હોય છે. આવૃત શૈક્ષણિક બાબતે વિદ્યાર્થીઓને સાચી દિશામાં કેળવતો હોય છે, પણ સમાજ તેને સ્વીકારતો નથી. આમ 'આવૃત' સમાજ સામે ઝૂકીને પોતાના અસ્તિત્વને બદલતા એક નિષ્ફળ વ્યક્તિની વાર્તા છે. આ લઘુનવલના સમગ્ર કથાવસ્તુને સરળ રીતે ટૂંકમાં સમજાવવાનો નીચે મુજબ પ્રયત્ન છે.

નવલકથાની શરૂઆત 'ક' કૉલેજમાં ચાલી રહેલા વાર્ષિક ઉત્સવથી થાય છે. નવલકથાનું મુખ્ય પાત્ર આવૃત જે 'ક' કૉલેજમાં ગુજરાતી વિષયનો અધ્યાપક છે. બીજા ગૌણ પાત્રો જોઈએ તો પ્રીતિ, જે આવૃતની પત્ની છે; જે ખરા સમયે આવૃતને સાથ આપતી નથી. સ્વપ્ન આવૃતનો પુત્ર છે. શારદી આવૃતના ઘેર નોકરાણી તરીકે કામ કરતી સ્ત્રી છે. સ્મિતાબહેન આવૃતના પાડોશી છે. નવલકથાની શરૂઆત કૉલેજના વાર્ષિક ઉત્સવ દરમિયાન ફોટો-ફંક્શન અને સમૂહભોજનની વ્યવસ્થાથી થાય છે. આ સમય દરમિયાન બિહાર, બનાસકાંઠા, પંચમહાલ અને ગુજરાતના અમૂક વિસ્તારોમાં દુષ્કાળ પડ્યો હોવાથી ગરીબ લોકોને પૂરું બે વેળા જમવાનું મળતું નથી અને અહીં કૉલેજમાં સમૂહભોજન, આ વાતની જાણ થતા આવૃતને આ વાત ખટકે છે. આવૃતને આ સમૂહભોજનની વ્યવસ્થા અશૈક્ષણિક, અરાષ્ટ્રીય, અમાનવીય પ્રવૃત્તિ લાગે છે ને તે જમ્યા વગર જ ઘેર ચાલ્યો જાય છે. ઘેર જઈને આવૃતને કૉલેજમાં બનેલી ઘટના વિશે પ્રીતિને કહેવું યોગ્ય ન લાગતા તે મેડા ઉપર વાંચવાં જાય છે, પણ તેને વાંચવાંમાં મન લાગતું નથી. તેને મનોમન પ્રશ્નો થાય છે કે, કૉલેજમાં પ્રિન્સિપાલ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મને શોધતા હશે? ના! હું ક્યાં કોઈને દેખાડો આપવા રહ્યો છું, અને શોધે તો પણ શું! મારે જમવાની ઈચ્છા નહોતી તો ના જમ્યો. આમ આવૃતને મનોમન ઘણા પ્રશ્નો થાય છે પણ પોતે સ્વતંત્ર છે, સાચો છે તેથી તેવા વિચારોને બાદ કરીને પ્રીતિ અને સ્વપ્નને લઈને રાત્રે ફિલ્મ જોવા જાય છે ને ઉત્સાહથી ઘેર પાછો આવે છે.

બીજા દિવસે કૉલેજ જતા આવૃતને મનોમન પ્રશ્ન થાય છે કે, પ્રિન્સિપાલ મને બોલાવીને ધમકાવશે? પણ એવું બનતું નથી તે સીધો સ્ટાફ રુમમાં જઈ પોતાની ખુરશીમાં બેસે છે. આવૃતને બાદ કરી બધા અધ્યાપકો એકબીજાને સુપ્રભાત કહી બોલાવે છે. લેક્ચરનો સમય થતા 'ક' ત્રણના કહ્યા પ્રમાણે આવૃત ક્લાસમાં ગાઈડ ઉતરાવવાનું શરુ કરે છે. આ પધ્ધતિથી આવૃતને મનોમન ખૂબ ગુસ્સો આવે છે, પણ તે લેક્ચર ઝટપટ પુરુ કરી લાઈબ્રેરીમાં જતો રહે છે. 'ક' ત્રણ આવૃતને લાઈબ્રેરીમાં જતો અટકાવીને પોતાની પાસે બેસાડીને વિદ્યાર્થીઓને ગાઈડ આપવાની વાત કરે છે. જો ગાઈડ નહીં ઉતરાવો તો વિદ્યાર્થીઓ ક્લાસમાં નહીં બેસે; જેથી વિદ્યાર્થીઓનું પરીણામ ખૂબ ઓછું આવશે, ને સંસ્થામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટશે અને તમને પ્રિન્સિપાલ હેરાન કરશે. 'ક' ત્રણની વાત સાભળ્યાં બાદ આવૃત ત્રીજુ લેક્ચર આપવા માટે ટી.વાય. ના ક્લાસમાં જાય છે ને 'ક' ત્રણના કહ્યા પ્રમાણે તે ક્લાસમાં ભણાવે છે. આવી અશૈક્ષણિક ભણાવવાની પધ્ધતિથી આવૃતનું મન અસ્વસ્થ બને છે ને તે વિદ્યાર્થીઓને ભણાવી શકતો નથી. કૉલેજમાં આવૃત જમ્યો નથી તેવી સ્મિતાબહેન દ્વારા પ્રીતિને જાણ થાય છે ત્યારે પ્રીતિ આવૃતથી વધારે મૂંઝાય છે અને બંને વચ્ચે થોડી તકરાર થાય છે.

આવૃતના ઘરની નોકરાણી શારદી સુંદર અને વ્યવસ્થિત લાગતી જેથી આવૃત તેને સારી નજરથી જોતો. શારદીનો પતિ શારદીને ખૂબ મારતો અને ઝગડતો એટલે શારદીનું જીવન બધે રખડતું અને લોકો પણ ખરાબ નજરથી જોતા. આ વાતની પ્રીતિને જાણ થતાં તે શારદીને કામમાંથી છૂટી કરે છે. બે ત્રણ દિવસ પછી શારદી આવૃતના ઘેર જઈ તેને મળે છે અને બે રુપિયા માંગે છે ત્યારે આવૃત તેના પતિ વિશે પરિચય મેળવીને તેને બે રુપિયા આપે છે. શારદી ફરીથી આવૃતને મળી હતી એવી માહિતી પ્રીતિને મળતા તેને આવૃત-શારદી ઉપર શંકા થાય છે. આ વાતથી પાડોશમાં રહેતી છોકરીઓ મસ્તી અને અલકા પણ હવે આવૃતના ઘેર જતા અચકાય છે. કૉલેજની પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓ કૉલેજ આવતા નથી અને અધ્યાપકો કૉલેજમાં આવીને ચેસ કેરમ જેવી રમતો ને સમાચાર સામયિક વાંચીને સમય પસાર કરે છે. આવૃતે ગયા વર્ષની પરીક્ષામાં વિદ્યાર્થીઓને લખાણ પ્રમાણે માર્કસ આપ્યા હતા પણ આ વખતે 'ક' ત્રણ તેને છૂટથી માર્કસ આપવા જણાવે છે. બીજા દિવસે આવૃત વિદ્યાર્થીઓના પેપરો તપાસે છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓએ ગાઈડનું જ ઉતારેલું જોવા મળે છે. 'ક' ત્રણના કહેવાથી આવૃત વિદ્યાર્થીઓના પેપરો જેમ તેમ તપાસીને છૂટથી માર્કસ મૂકે છે. છતાંય 'ક' ત્રણ માર્ક્સમાં ફરીથી વધારો કરે છે. આવી અશૈક્ષણિક પ્રવૃત્તિથી આવૃત ખૂબ કંટાળી જાય છે. આવૃત ઘેર જઈ ચા પીને હીંચકા પર બેસે છે ને પ્રીતિ બજારમાંથી ચોખા વધારે પ્રમાણમાં લાવતા આવૃત તેના ઉપર ગુસ્સે ભરાય છે ને થોડા પ્રમાણમાં લાવવા કહે છે. આવૃતની આ વાતથી પ્રીતિને દુઃખ થાય છે ને તેનાથી બોલવાનું ને સામે જોવાનું બંધ કરે છે. આવૃત કૉલેજની સ્થિતિથી માનસિક રીતે ખૂબ ગૂંચવાયેલો રહે છે તેથી પ્રીતિનું ધ્યાન તે રાખી શકતો નથી. રાત્રે તે પ્રીતિ સાથે સ્પંદન કરવા તેને આકર્ષે છે પણ પ્રીતિ મડદા માફક વર્તે છે.

બે ત્રણ દિવસ પછી પ્રીતિ અને આવૃતની આંખોમાં પ્રસન્નતા આવે છે. કૉલેજ બંધ થવાને હવે થોડા જ દિવસ બાકી હતા ને વિદ્યાર્થીઓ કૉલેજ આવતા બંધ થયા. કૉલેજના બધા અધ્યાપકો ફક્ત મસ્ટરમાં સહી કરવા આવતા ને આવૃત પણ મસ્ટરમાં સહી કરી વહેલો ઘેર જતો રહેતો. એક રાત્રે આવૃત અને પ્રીતિ સૂતા હોય છે ને તેમના ઘરમાં બિલાડો ચકલીના ઈંડાઓને ભોજન બનાવીને માળાને ચૂંથી નાખે છે ને તે સમયે આવૃત નિદ્રામાંથી જાગે છે પણ એટલામાં બિલાડો નાસી જાય છે. રાતના આ દ્રશ્યથી આવૃત સવારે અસ્વસ્થ બનીને સ્વપ્નને વહાલ કર્યા વગર મસ્ટરમાં છેલ્લી સહી કરવા કૉલેજ જાય છે. આવૃતની ભણાવવાની પદ્ધતિથી અસંતુષ્ટ પ્રિન્સિપાલ તેને કૉલેજમાંથી છૂટો કરે છે. આ ઘટના આવૃત પ્રીતિને જણાવતો નથી, પણ જ્યારે વાત બહારથી સાંભળવા મળે છે ત્યારે પ્રીતિ આવૃત પર ગુસ્સે ભરાય છે. માનસિક રીતે એકલો ને એકલો સંઘર્ષ કરતો આવૃત રાત્રે વિચારોને મુક્ત કરવા પ્રીતિને પોતાની પાસે ખેંચે છે, પણ પ્રીતિ હતાશ થઈને પાસે આવાની ના પાડે છે. આવૃત બળજબરીથી પ્રીતિને પોતાની પાસે ખેંચીને સ્ખલન કરે છે અને પ્રીતિ શબ જેવી થઈને પડી રહે છે. આમ બંને એકબીજાથી હતાશ થઈને મૂંઝાયા કરે છે. મનમાં પ્રગટતા વિવિધ પ્રશ્નો અને માનસિક ગૂંચવણોને ભૂલવા આવૃત પ્રીતિને ફિલ્મ જોવા માટે કહે છે પણ પ્રીતિ ના પાડી દે છે. આમ બંને પરસ્પર એકબીજાથી હતાશ થઈને વર્તે છે.

આવૃતને કૉલેજમાંથી છૂટો કર્યો છે એ વાત બે પાંચ દિવસમાં કૉલેજમાં અને ગામમાં ફેલાય છે. કૉલેજમાં આવૃતની પ્રવૃત્તિ વિશે આડીઅવળી વાત કરતા અધ્યાપકો થોડીવાર હસી મજાક કરીને પોતાના કામમાં પરોવાય છે. આવૃતને અમદાવાદ જઈ અધ્યાપકમંડળને 'ક' કૉલેજના પ્રિન્સિપાલ ઉપર ફરીયાદ કરવાનો વિચાર આવે છે ને આવૃત અમદાવાદ જવાની પ્રીતિને વાત કરે છે, પણ પ્રીતિ કશોય ઉત્તર આપતી નથી ને સવારે પ્રીતિ મેડા ઉપર હોય છે ને આવૃત અમદાવાદ જવા નીકળી પડે છે. આવૃત યુનિવર્સિટીમાં બેઠો બેઠો વિચારે છે કે, પ્રીતિ સાચી છે! પ્રિન્સિપાલ અને 'ક' ત્રણ સાચા છે! વિદ્યાર્થીઓને ગાઈડ ઉતરાવીને ખૂબ માર્કસ આપવા જોઈએ, બધાના જેવું બનીને સમય અનુરૂપ જીવવું જોઈએ. આવા વિચારો કરી આવૃત ફરિયાદ કર્યા વગર ઘેર પાછો ફરે છે. બીજા દિવસે આવૃત 'સંદેશ'માં ગુજરાતીની બે જાહેરાત જોતા મનોમન ખુશ થાય છે ને એટલામાં 'ક' પંદર તેને જાહેરાત વિશે જાણ અને મદદ કરવા તેના ઘેર આવે છે. જે કૉલેજમાં અરજી કરવાની છે તે કૉલેજના પ્રિન્સિપાલ 'ક' પંદરને ઓળખે છે જેથી 'ક' પંદર આવૃતને ચિઠ્ઠી લખી આપે છે, પણ આવૃત ચિઠ્ઠી લેવાની ના પાડે છે. થોડા સમય વિચાર્યા બાદ આવૃત 'ક' પંદરના ઘેર જઈ ચિઠ્ઠી મેળવે છે. પ્રીતિને તેના ભાઈના ઘેર જવું હોય છે જેથી પ્રીતિ અને સ્વપ્નને બસમાં બેસાડીને આવૃત 'ક' પંદરે આપેલી ચિઠ્ઠી લઈ 'મ' ગામની કૉલેજમાં પહોંચે છે. કૉલેજમાં જઈ આવૃત 'ક' પંદરે આપેલી ચિઠ્ઠી પ્રિન્સિપાલને આપે છે પણ, આ કૉલેજમાં લાગવગ નથી ચાલતી એવો જવાબ મળતા આવૃત ઘેર પાછો ફરે છે.

પ્રીતિને પિયર ગયે દશ દિવસ થાય છે, પણ પ્રીતિ આવૃતને કોઈ પત્ર લખતી નથી. આવૃત સવારે હીંચકા પર બેસીને સંદેશ વાંચે છે અને ગુજરાતી વિષયની જાહેરાત જોઈ અરજીઓ કર્યા કરે છે, પણ ઈન્ટરવ્યૂ માટે કોઈ પત્ર મળતો નથી. આવૃત પ્રીતિને ઘેર આવવા બે પત્રો મોકલે છે, પણ પ્રીતિનો કોઈ જવાબ આવતો નથી ને એકલોને એકલો; ના પાડોશી પોતાના ઘેર આવે કે ના પોતે જાય! આવૃત માનસિક રીતે અસ્વસ્થ બને છે. ત્યારબાદ અમદાવાદ કૉલેજની જાહેરાત મળતા આવૃત ઘરને બંધ કરી સ્મિતાબહેનને ચાવી આપીને સવારે ઘેરથી નીકળી પડે છે. ઈન્ટરવ્યૂમાં "તમે 'ક' કૉલેજમાં નોકરી કરો છો?" તેવો પ્રશ્ન પુછાતાં જ આવૃત પોતાનું માનસિક સંતુલન ગુમાવે છે ને ઈન્ટરવ્યૂમાં પુછાતાં પ્રશ્નોના જવાબ બરાબર ન આપી શકતા ઈન્ટરવ્યૂમાં અસફળ રહે છે. ત્યારબાદ આવૃત બીજા દિવસે રાત્રે 'ક' ગામ પહોંચે છે ને તેને લાગે છે કે, પ્રીતિને પત્ર મોકલ્યો હતો તો તે આવી ગ‌ઈ હશે! જમવાનું બનાવી રાખ્યું હશે! પણ ઘેર જઈને જૂવે છે તો તાળું મારેલું હોય છે. પ્રીતિ પોતાને પત્ર કેમ નથી લખતી; તેની તબિયત બરાબર નહી હોય? સ્વપ્નની તબિયત બરાબર નહીં હોય? તેવા પ્રશ્નો આવૃતના મનમાં થયા કરે છે. આવૃત પથારીમાં પડતા મનોમન વિચારે છે! પ્રીતિ, બધા અધ્યાપકો સાચા છે! સમય અનુરૂપ જીવવું જોઈએ, પોતાને પણ એક સારું ઘર હોવું જોઈએ. આવા બધા વિચારો કર્યા પછી આવૃત સૂઈ જાય છે ને તેને એક ભયાનક સ્વપ્ન આવે છે. તે પોતે એક મકાન ઉપર ઉભો હોય છે ને મકાનની આસપાસ જંગલ હોય છે. જંગલમાં માણસોની એક ટુકડી એક પુરુષની પાછળ પડી હોય છે. એ ટુકડીમાં તેને પ્રીતિ દેખાય છે ને તે ઊંઘમાં ને ઊંઘમાં એકાએક બરાડી પાડી છે. તેના હાથ છાતી પર છે તેવી જાણ થતાં તે હાથ હટાવીને પાછો સૂઈ જાય છે.

પ્રીતિના ગયા પછી આવૃત એકદમ ઓસિયાળો બની જાય છે. ગુજરાતીની જાહેરાત જોઈને આવૃત ઘણી કૉલેજોમાં અરજી કરે છે, પણ કોઈ કૉલજમાંથી ઈન્ટરવ્યૂ માટે પત્ર મળતો નથી. આવૃત સવારે ચા પીધા પહેલા 'સંદેશ' અને જમવાની પહેલા ઈન્ટરવ્યૂના પત્ર માટે ટપાલની રાહ જોતો રહે છે. પિતાએ પૈસા માટે મોકલેલો પત્ર યાદ કરીને આવૃત થોડો ગંભીર બને છે. પ્રીતિનો રડમસ ચહેરો યાદ આવતા આવૃતને પ્રીતિ, પ્રિન્સિપાલ અને કૉલેજના અધ્યાપકો બધા સાચા લાગે છે ને પોતે અળવી દિશામાં ચાલી રહ્યો છે તેવું પ્રતીત થાય છે. ત્યારબાદ "તમને નોકરી હજી મળી નહી હોય, અહીં ટ્યુશનક્લાસમાં મારી સાથે આવી જાઓ!" તેમ જણાવતો પ્રીતિના ભાઈનો પત્ર આવૃતને હચમચાવી મૂકે છે. સાથે સાથે અમદાવાદ કૉલેજનો ઈન્ટરવ્યૂ માટેનો પત્ર પણ મળે છે. બીજે દિવસે ઈન્ટરવ્યૂ માટે આવૃત અમદાવાદ જાય છે ને ઈન્ટરવ્યૂમાં આવૃતને 'ક' કૉલેજમાંથી અહીં કેમ આવવું છે એવો પ્રશ્ન પુછતાં આવૃત બીજા બે ત્રણ પ્રશ્નોનાં જવાબ સરખી રીતે ન આપી શકતા અસફળ રહે છે. ત્યારબાદ સવારે પ્રીતિ મા બનવાની છે તેવા સમાચાર મળતા આવૃત ધ્રુજી ઉઠે છે. આખો દિવસ પથારીમાં રહીને સાંજે લોજમાં જમ્યા બાદ આવૃત સૂવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેની આંખોમાંથી આંસુ આવ્યાં કરે છે. આવૃત પથારીમાંથી ઊભો થઈને સ્કૂલમાં અથવા ટ્યુશનક્લામાં નોકરી કરવાનું વિચારે છે ને પાછો અચાનક સૂઈ જાય છે.

આવૃત ધીરે ધીરે સ્વસ્થ થાય છે ને નોકરીની શોધમાં સ્કૂલોમાં જાય છે, પણ કોઈ નોકરી માટે રાખતું નથી. એ સમયમાં તેને એક દૂરની રિમોટ પ્લેસ કોલેજમાંથી ઈન્ટરવ્યૂ માટેનો પત્ર મળે છે. આવૃત સવારે તૈયાર થઈને બીજા દિવસે પ્રિન્સિપાલના ઘેર પહોંચે છે ત્યારે પ્રિન્સિપાલ આવૃતને કૉલેજમાં મળવાનું જણાવે છે, પણ આવૃતની અટક જોશી છે તેવી જાણ થતા પ્રિન્સિપાલ આવૃતને કાલાવાલા કરે છે. પાણી, ચા- નાસ્તો અને જમવાનું કહી આવૃત સાથે સંબંધિની જેમ વર્તે છે. આ બધુ જોઈને આવૃતને ખૂબ મૂંઝવણ થાય છે, પણ તેને આ બધુ યોગ્ય જણાતા તે સ્વીકારી લે છે. ઈન્ટરવ્યૂમાં પાસ કરીને અહીં જલ્દીને જલ્દી સ્થાન પામવા પ્રિન્સિપાલ જણાવે છે. પોતાને નોકરી મળી ગઈ છે તેવો પત્ર પ્રીતિને મોકલીને પોતે ઘેર જાય છે.

'ન' કૉલેજમાં નોકરી મળતા આવૃત 'ક' ગામ છોડી દ‌ઈ પોતાની ઘરવખરી લઈને 'ન' ગામ પહોંચી જાય છે. આવૃતનો પત્ર મળતા પ્રીતિ પણ સ્વપ્નને લઈને 'ન' ગામમાં આવી જાય છે. આવૃતનો સૂકાઈ ગયેલો ચહેરો જોઈ પ્રીતિ તેની સરભરા કરે છે. સાંજે જમ્યા પછી આવૃત તરત સૂઈ જાય છે ને તેને એક સ્વપ્ન આવે છે. તે એક ગીચ જંગલમાં શિકારીની જેમ તીરકામઠું લઈને ઊભો હોય છે. તેની આજુબાજુ તેના જેવા ઘણા માણસો હાથમાં ભાલાઓ લઈને તેને છાતીએ રાખીને ઊભા હોય છે. એક ગોરા ગોરા વ્યક્તિને એક થાંભલાથી બાંધેલો હોય છે જેને મારવા પેલા માણસો આને કહી રહ્યા હોય છે. જ્યારે એ મારવા જાય છે ત્યારે આવૃત ચીસ પાડે છે ને પથારીમાંથી બેઠો થાય છે. પ્રીતિ ઊંઘમાંથી જાગીને ચીસ વિશે આવૃતને પૂછે છે ત્યારે આવૃત કશુ બોલ્યા વગર ઊભો થઈને બહાર ચાલ્યો જાય છે. પ્રીતિને મનોમન ઘણા પ્રશ્નો થાય છે પણ, જવાબની અપેક્ષા વગર તે સૂઈ જાય છે. બીજા દિવસે આવૃત કૉલેજ જવા અગિયાર વાગે જમીને ઘેરથી નીકળે છે. કૉલેજની નજીક આવીને આવૃત પોતાના મનને મક્કમ બનાવીને ન એક, ન બે, ન ત્રણ... ન પંદર પછી ન ૧૬ નું નિશ્ચિત સ્થાન લેવા માટે જાય છે. અહીં નવલકથાનો અંત થાય છે.

આ નવલકથામાં પાત્રનિરૂપણ એ એક વિશિષ્ટ પ્રયોગશીલ બાબત બની રહે છે. નવલકથાનું પ્રથમ વાક્ય 'તળ ગુજરાતના એક ટાઉનની ક કોલેજના ચોથા વાર્ષિકોત્સવ વખતે ગોઠવાયેલું ફોટો ફંકશન હમણાં પૂરું થયું.' પછી તરત જ 'કોલેજમાં ક એક, ક બે, ક ત્રણ એમ ક બાવીશ સુધી કાયમી અધ્યાપકો હતા.' નવલકથાની પ્રથમ પૃષ્ઠની આ પ્રમાણેની નિરૂપણરીતિ વાચકને નવાઈ પમાડે તેવી છે. આ વિશે ભરત મહેતાએ કહ્યું છે 'કોઈ એમ પણ કહી શકે કે 'ક' કોલેજ એવું કહીને, કોલેજને કોઈ ચોક્કસ નામ નહીં આપીને એક ચોક્કસ નિશાન તાક્યું છે 'ક' એટલે તમે કોઈપણ કોલેજ લઈ શકો. આ generalisalion આપણા શિક્ષણની વર્તમાન પરિસ્થિતિને વ્યક્ત કરે છે. દરેક અધ્યાપકને નામથી નહીં પણ નંબરથી બનાવીને, જ્ઞાતિથી ઓળખાવીને આપણા શૈક્ષણિક વાતાવરણની સંવેદનહીનતા તથા વ્યાપ્ત જ્ઞાતિવાદ તરફ અંગુલીનિર્દેશ કરે છે.' આમ, કથામાં નિરૂપણરીતિ એ વાચકોમાં ખાસ પ્રકારની અસર જન્માવે તેવી છે.

'આવૃત'નું વસ્તુ છે; એક નિર્દોષ શિક્ષકને સત્તાવાળાઓ તરફથી બરતરફ કરવામાં આવે છે. પ્રદેશમાં દુષ્કાળ હોય ત્યારે સમૂહભોજનનું આયોજન કરીને આનંદ માણે ને પછી દુષ્કાળ વખતે પ્રજાની જવાબદારી વિશે વક્તૃત્વસ્પર્ધા યોજતી સંસ્થાઓ, પ્રિન્સિપાલની સૂચનાથી માર્ક્સના ઢગલા કરતા અધ્યાપકો, ગાઈડ માટે હડતાલ પર જવાની ધમકી આપતા વિદ્યાર્થીઓ, આ બધાની સાથે સંકળાયેલા ટ્રસ્ટીઓ. કથાનું મુખ્ય પાત્ર આવૃત કથાના અંતે પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે ને સમાજે નિર્ધારિત કરેલો આવૃત બની રહે છે. આમ, આ નવલકથાનું વસ્તુસંકલના આપણે ઉપરોક્ત જોઈ શકીએ.

આમ ઉપરોક્ત જયંત ગાડીતની 'આવૃત' નવલકથાનું કથાવસ્તુ વિસ્તારથી જોઈ શકાય. આવૃત ભણાવવાની બાબતમાં ખૂબ હોશિયાર અધ્યાપક હોય છે, પણ તેની ભણાવવાની પધ્ધતિથી બીજા અધ્યાપકો અને પ્રિન્સિપાલ તેને સ્વીકારતા નથી. આવૃત 'ક' કૉલેજમાંથી છૂટો થતા તેને પોતાની લાયકાતથી નોકરી લેવી બહુ મુશ્કેલ પડે છે. ત્યારબાદ ઘણા સંઘર્ષો કર્યા બાદ આવૃતને પોતાના પરિવાર માટે પોતાનુ અસ્તિત્વ બદલવું પડે છે. આ સમગ્ર વિષયવસ્તુમાં જયંત ગાડીતને વ્યક્તિત્વની મુખ્ય વાત કરવી છે. માણસ જો પ્રતિભાવંત હોય, જુદો હોય, કે વિશિષ્ટ હોય તો સાથી અધ્યાપકો કે સમાજ સહેલાઈથી સ્વીકારતા નથી અથવા સ્વીકારી શકતા નથી. આમ આ નવલકથા ઓળખ ગુમાવવાનું વિષયવસ્તુ ધરાવે છે.

સંદર્ભ
  1. 'આવૃત' નવલકથા, લે. જયંત ગાડીત, અરુણોદય પ્રકાશન, આવૃત્તિ ૨૦૧૬
  2. જયંત ગાડીતનું કથા સાહિત્ય, લે. ભરત મહેતા
મેહુલકુમાર સોમાભાઈ પ્રજાપતિ, મો.૯૫૩૭૮૯૭૭૯૫