Included in the UGC-CARE list (Group B Sr. No 172)
મણિલાલ હ.પટેલની કવિતાઓમાં વિષય વૈવિધ્યતા
પ્રસ્તાવના-

આપણા ગુજરાતી કવિ મણિલાલ હ. પટેલ, ઉશનસ, જયંત પાઠક, રાવજી પટેલ અને રાજેન્દ્ર શાહ જેમ પ્રણયરાગી કવિ છે. તેમ પ્રણયનું સંવેદન મણિલાલમાં કેન્દ્રભૂત રહ્યું છે. એમની કવિતાના કેન્દ્રમાં ‘હું’ જ છે. પણ એનો એક ‘હું’ વિગતમાં છે અને બીજો ‘હું’ આધુનિક નગરસંસ્કૃતિની સંકુલતાઓમાં ફસાયેલો છે. મણિલાલની કવિતામાં અછાંદસ પેટર્ન છે, મધ્યકાલીન બારમાસા છે, સોનેટ છે, ગઝલ છે અને આ બધાં સ્વરૂપો દ્રારા તેમણે પ્રણય નિરૂપણ કરવાનો પુરુષાર્થ કર્યો છે.

મણિલાલ પટેલની કવિતાઓ:

અનુ-આધુનિક ગુજરાતી સાહિત્યના મહત્વના અને પ્રયોગશીલ કવિ તરીકે મણિલાલ પટેલનું નામ જાણીતું છે. મણિલાલ પટેલ પાસેથી આપણને ‘પદ્મા વિનાના દેશમાં’-૧૯૮૩, ‘સાતમી ઋતુ’-૧૯૮૮, ‘ડુંગર કોરી ઘર કર્યા’-૧૯૯૬, ‘વિચ્છેદ’-૨૦૦૬, ‘સિમાડે ઊગેલું ઝાડવું’-૨૦૧૧ એમ પાંચ કાવ્યસંગ્રહો એમની કવિતાના મહત્વના સ્થિત્યંતરો છે.

‘પદ્મા વિનાના દેશમાં’ કાવ્યસંગ્રહની પ્રસ્તાવના બાંધતા ચન્દ્રકાન્ત ટોપીવાળા સંકેત આપતાં કહે છે કે- “કન્યાએ નાહીને સૂકવેલી ઓઢણીને કારણે વાડને થતો લીલો રોમાંચ મણિલાલ પકડી પાડી શકે છે ત્યાં સુધી એક વાત ચોક્કસ છે કે મણિલાલની ‘નજર ખળખળ વિનાની’ નથી, ખળ ખળ છે, પ્રવાહી છે, પ્રક્રિય છે, સ્ફટિક બંધાવાની શક્યતા છે.” [1] એક જ વાક્યમાં ચંદ્રકાન્તે મણિલાલ વિશે કેટલું બધું કહી દીધું છે. એક સંકેત દ્રારા તેમનામાં પડેલી ઊર્મિને જાણવા આ પૂરતું લાગે એવું છે.

‘વિચ્છેદ’ કાવ્યસંગ્રહમાં નાયિકાના મનોભાવો રજુ થયા છે, પરંતુ એ નાયિકા કોણ છે? એનો જવાબ ‘પદ્મા વિનાના દેશમાં’ કાવ્યસંગ્રહમાં મળી જાય છે. નાયિકા છે પદ્મા. કવિ ચેતનામાં પડેલી પદ્મા. સંવેદનાનું મૂર્તરૂપ અહીં બંધાયું છે. કેવી છે રાત પદ્મા વિનાના દેશમાં? પ્રલંબિત લયમાં ગવાતા મરશિયા જેવી-જ્યાં દેવસ્થાનો જળની જેમ જંપી ગયા છે. જ્યાં કામરત ગીધોની તીણી ચીસો અને જાગતો પીપળો, તમરાંની ત્રમત્રમ વૃતિ, ઉત્તેજિત શ્વાનોનો ભૂખ્યું ભસવાનો અવાજ, જુઠ્ઠા પડી ગયેલા શબ્દ જેવો પંચમીનો ચંદ્ર...આ બધું આવું કેમ છે? પદ્મા નથી એટલે...પદ્મા વગર રોમેન્ટિક મૂડ જ ન બંધાય. પદ્મા વિનાની રાતમાં કવિ દેહવટો પામ્યા છે. વરસી શકતા નથી. નારી વગર નાર અધુરો છે, ખંડિત છે અને આ પ્રકારનું ખંડિત વ્યક્તિત્વ નકામું છે. કાવ્યસંગ્રહમાં પ્રેયસી પ્રકૃતિરૂપ ધરીને આવી છે. ‘પ્રેયસી:એક અરણ્યાનું ભૂતિ’ એક ઉત્તમ ઉદાહરણ છે, જેમાં લીલોકચ વનરાગ જોવા મળે છે. કવિ લખે છે કે-
“મકાઈનું લીલું-હરિત વરણું ખેતર તમે
બની આવ્યા મારી ખળખળ વિનાની નજરમાં,
સૂકા શેઢાનું હું તણખલું હતો, ઘાસ-લીલવું
તમારી આંખોના પલક પવન થૈ ઝૂમી ઊઠ્યો.” [2]

પ્રેમ અને પ્રિયજનને કેન્દ્રમાં રાખી લખાયેલા આ કાવ્યમાં કલ્પનોની મદદથી કવિએ નાયક-નાયિકાઓની મુગ્ધ પ્રણયચેષ્ટાનું ચિત્ર રેખાંકિત કર્યું છે.

‘સાતમી ઋતુ’માં રતિરાગ છે, પ્રકૃતિરાગ છે, વિયોગ છે, ઝૂરાપો છે, એકલતા છે, કલ્પન છે, કપોલકલ્પિત છે, ચિત્રકલા છે, સંવેદનાના શિલ્પો છે અને જિંદગીનો કેફ પણ તેમાં છે. ‘સાતમી ઋતુ’માં ’પોળોના પહાડોમાં’ નામક એક સોનેટગુચ્છ મળે છે. બાર સોનેટના ગુચ્છમાં કવિએ પ્રકૃતિપ્રેમની વાત કરી છે. જેમાં સમયના અનેક રૂપો ઉઘડ્યાં છે. મણિલાલ પટેલની અરણ્ય સાથેની એકરૂપતા અહીં પ્રગટ થતી જોઈ શકાય છે. તેમનું કાવ્ય જોઈએ..
“વનોમાં મધ્યાહને સૂનમૂન ફરે છે વિજનતા
ઋતુ જેવી, એવી લથબથ બધે ગીચ ‘વનતા’
ખરે પર્ણો પીળાં તરુવર થકી; તાપ તપતા
વળી સાંજે પાછી ફરફરી રહે ગાઢ ઘનતા.” [3]

પ્રકૃતિપ્રેમ અહીં વિવધ રંગરમણા સાથે, સમય-સ્થળના વિવિધ પરિમાણો રૂપે ઉપસી આવ્યો છે. કેલિડોસ્કોપની માફક એમાં વિવિધ પ્રકારના આકારો-રંગોની ઇન્દ્રધનુષી છટાઓ સાથે ઉભરી આવી છે. અહીં કવિએ કરેલું વર્ણન જોઈએ.
“વસંતો બેઠી છે વનવન વિશે વૈભવ વધે,
મદ ઘેલો વાયુ, કૂહુરવ કરે કોયલ બધે.” [4]
* * *
“ઘટાઓ વૃક્ષોની અઢળક, ખીંચોખીંચ પ્રસરી,
પ્રશાખા શાખાઓ, નથી ઊગતો સૂરજ જરી.” [5]

કવિએ વતનની ભૂમિમાં બારે મહિના, બધી ઋતુઓના અનુભવ કર્યા છે. પ્રકૃતિના વિવિધ રુપોને નરી આંખે નિહાળ્યા છે. તેના વિવિધ રંગરૂપ માણ્યા છે. જે ભાવસંવેદનાઓ-ઊર્મિઓ અનુભવી છે તે આ સોનેટગુચ્છમાં પ્રતીતવા મળે છે. પ્રકૃતિનું રમ્ય-ઋજુ રૂપ એની સૌંદર્યશ્રીની વિવિધ છટાઓ કવિશ્રી અને આ આપણને કંઇક અલગ જ અહેસાસ કરાવે છે. કવિ હવે માટીવટો પામ્યા હોવાથી વિવિધ રંગરમણાથી ફંગોળાયા છે, જેનો તેમને રંજ છે. કવિ એ પ્રણયને અહીં આ રીતે રજુ કરે છે. જૂઓ-
“મને આપો મારો તરુપ્રણય પાછો પ્રથમનો
મને આપો પાછા રુધિર રમતાં આદિમ વનો
મને ઘેરી લે છે સરિત, તરુ, પહાડો, ગીચ વનો
મને શોધે મારા હરિત વરણા ગ્રામીણજનો.” [6]

ચિત્રો અને કવિતાને આમ પણ નાભિનાડ જેવો સબંધ છે. ચિત્રોમાં સંવેદના રંગરૂપ-રેખામાં અંકાય છે. કવિતામાં સંવેદન કલ્પન-પ્રતીકરૂપે આવે છે.

મણિલાલ હ. પટેલનો ‘વિચ્છેદ’ કાવ્યસંગ્રહ ૨૦૦૯ માં બીજીવાર પ્રગટ થાય છે, તેમાં માત્ર છ સોનેટ કાવ્યો છે. તેમાં ‘ભીતરમાં’ શિખરિણી સોનેટમાં કવિએ નારીને પ્રકૃતિરૂપ આપ્યું છે તે આપણે જોઈએ.
“તમે ઓઢી પાનેતર પરહર્યા તે પછીય તો,
ઉનાળા ઊગ્યા ને શિશિર પથરી મેઘ
તમે વેરેલા એ કુમકુમ તણા જંગલ મહીં
ઊગેલાં કેસૂડાં હજીય વીખરે કંકુ પવને.” [7]

‘આ-ગમન પછી’ સોનેટમાં નાયક-નાયિકાના પ્રેમ-વિરહના મુગ્ધ ભાવો રજુ થયા છે. સોનેટમાં નાયક નાયિકાના ઘરે આવ્યા છે અને નાયિકા સ્વજનોની શરમને કારણે નાયકને મળી શકતી નથી તેનું વર્ણન અહીં આબેહૂબ થયેલું જોઈ શકાય છે.
“પરોઢે આવેલા સપન સમ આવ્યા પીયુ તમે
અહીં મારે ઘેર, સ્વજન વચ હું એકલ ઊભી !
કમાડે અઢેલી નયનજલ રોકી નવ શકી:
રડી હર્ષે હું વા વિરહ-દુઃખ? જાણી જવ શકી.” [8]

આગળ નાયિકા કહે છે કે તમે આવ્યા ત્યારે હું ચૂપ રહી અને કશું પણ કહ્યું નહી. તમારું મુખ પણ પૂરેપૂરું જોયું નથી. મને એમ હતું કે તમે મારો હાથ પકડશો, કંઇક પુછશો, પરંતુ સ્વજનોની લાજ-શરમને કારણે એ પણ શક્ય ન બન્યું. ત્યારે નાયિકા કહે છે કે-
“વિના બોલ્યા ચાલ્યા? કશું પણ કથ્યું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એ ય શમણું.” [9]

ચાલીસ વર્ષોથી વિધુર જિંદગી જીવી રહેલા પિતાજીની મૂંઝવણો, સંઘર્ષો, એકલતાનો કવિએ સ્વયં અનુભવ કર્યો છે. બાળપણથી જ પિતાજી સાથે રહીને તેમને થાય તેટલી મદદ કરીને સંઘર્ષોના દિવસો પસાર કર્યા છે. તેથી એ વર્ષોની સંવેદનાઓ-વ્યથા-પીડાઓ તેમાં આલેખાઈને આવે તે સ્વાભાવિક છે. કવિ પોતાના પિતાજીની માફી માંગતાં પ્રથમ સોનેટના અંતે કહે છે-
“ઉરે ઊઠે આંધી: ઘણું ય પજવ્યા માફ કરજો
તમારી પેઢી તો શુભ શિવ પથે ! શાંતિ ધરજો.” [10]

મણિલાલ હ. પટેલ પાસેથી સોનેટ અલ્પ પ્રમાણમાં મળે છે. એમાંય પ્રણયનિરૂપણને આલેખતા સોનેટની સંખ્યા ઓછી છે, છતાં ગુજરાતી ઉત્તમ સોનેટમાં સ્થાન પામ્યાં છે.

પ્રકૃતિની કવિતા:

મણિલાલને પ્રકૃતિ-અરણ્યના અનુભવો ૧૯૮૦ ના સમયગાળામાં ઇડર અને તેની આસપાસના પ્રદેશોમાંથી થાય છે. આસપાસની પ્રકૃતિમાં પ્રવેશ કરીને આપણને સ્વૈરવિહાર કરાવે છે.

‘હેમંત વર્ણન’ કાવ્યમાં હેમંત ઋતુના સમયમાં પ્રકૃતિમાં આવતું પરિવર્તન કવિએ અહીં તેમના આ કવ્ય દ્રારા જણાવ્યું છે.
“જળમાં ઉઘડ્યું આભલું આંખે ઉઘડ્યા પહાડ,
ફૂલે ઉઘડ્યા ઓરતા ટપકે ભીનાં ઝાડ
ઘુમ્મસ ઝાંખી સીમ શ મનમાં કૈ કલશોર
ટહુકે ચિતર્યા મોર પાદરમાં પડઘા પડે
તડકે ભીનાં નેવલાં ઘસે ભીનો ઓસ
બરફે ધોઈ ચાંદની મનમાં ઊગે દોષ.” [11]

બદલાતી ઋતુઓની અસર માત્ર પ્રકૃતિમાં જ નથી પડતી, પણ માનવમન સુધી બદલાવ આવતો હોય એવી અનુભૂતિ પમાય છે.

આગળના કાવ્યમાં મણિલાલે શબ્દો દ્રારા દ્રશ્યચિત્ર ઊભું કરી આપ્યું છે. કવિની વિશેષતા એ છે કે પ્રકૃતિની વાત કરતાં પ્રકૃતિના વિવિધ તત્વોને એકસાથે મૂકી આપે છે. અહીં જોઈએ તો મેઘ, વન, વૃક્ષ, નદી, સરોવર, તરુવર આ બધું તો છે જ પણ સાથે પક્ષી જગત પણ સૂર પુરાવે છે. જેમ કે સુગરી, પારેવાં, પોપટ, હોલો, ચકલી, મોર વગેરે પક્ષીઓ કવિતામાં માત્ર વિષય નહી પણ સંવેદન બનીને આવ્યાં છે.
“ગડગડ મેઘો ગાજતો ગરજે પારાવાર,
વનમાં વૃક્ષો એકલાં પલળે અનરાધાર,
વાદળ વહી ગ્યાં વેગથી વેગે વળિયાં વ્હાણ,
સુગરી માળે ઝૂલતી; જગને એની જાણ,
નદી-સરોવર નીતર્યા નીતર્યું નીલ ગગન,
તરુવર તડકો પી રહ્યાં ફરફર ઊડતું વન.”
* * *
“પારેવાં પોપટ એ હોલો ચકલી મોર
છાતીમાં માળા કરે થાતી હું ઘનઘોર
સરવર ખીલ્યાં પોયણાં ખીલી મનમાં વાત,
ભીંજે મેડી-ઓરડા ઘેલી માણસ-જાત.” [12]

મણિલાલનું વધુ એક પ્રકૃતિ કાવ્ય ‘કેસૂડાની કળી’ જોઈએ. તેમાં વસંત આવતાની સાથે વનમાં પલાશ (ખાખરો) ના વૃક્ષો પર કેસૂડાં ખીલી ઊઠે છે, તેને કવિએ વિષય બનાવ્યો છે. વસંતઋતુ માનવમન ઉપર ઘેરી છાપ મુકતી હોય છે. વિષયો અને કામનાઓમાં માણસ ખીલી ઊઠે છે અને માનવમનમાં પરિવર્તન આવે છે. આ વાત કવિ પોતાના કાવ્યમાં આ રીતે મૂકી આપે છે.
“વસંતમાં ઉઘડેલાં પલાશોમાં મળી-
કેસૂડાની કળી મને વવી વળી લળી
મને જોતાંની સાથે એની
કેસરિયાળી આંખો ગઈ ઢળી
લજ્જાથી એવું તો આમતેમ લળી કે
લાગ્યું મને રોમરોમ આગ ઝળહળી
એક કેસૂડાની કળી...” [13]

ગ્રામ્યચેતનાની કવિતા:-

મણિલાલનું બાળપણ ગામડામાં વીત્યું અને ઘડાયું હતું, તેથી ગામના ફળિયા, ઘર, સીમ, પાદર તેમને સતત અંકોર્યા કરે છે. મણિલાલ પટેલ લોકની શબ્દસમૃદ્ધિથી વાકેફ છે.

સુમન શાહ મણિલાલ વિશે લખતા કહે છે કે- “મણિલાલમાં કવિ અને જમીન સહજાત છે. જે જમીનમાં જન્મ્યા એ જ એમનાં સર્જનોની જમીન છે. ગ્રામપરિવેશની પ્રકૃતિ જોડે નિરંતર જીવતો એમનો જીવ સાહિત્યકલાનાં અધ્યયન-અધ્યાપનો કરીને સાહિત્ય લેખનમાં પરોવાય છે.” [14]

કવિ જયારે શહેરમાંથી ગામડામાં જાય છે ત્યારે ગામડાની તાસીર જાણે કે બદલાઈ ચુકી હોય છે. ગામડું તદ્દન બદલાયેલું નજરે ચડે છે. ધૂળિયા માર્ગો પર ડામરની સડકો થઇ ગઈ છે. અસલ ગામડાનો ચહેરો ભૂંસાઈ ગયો છે. પોતાના ગામડામાં વિતાવેલું બાળપણ, શૈશવના સ્મરણો સ્મૃતિપટ ઉપર આવે છે, ત્યારે કવિની સંવેદનામાં પ્રવેશી ગયેલી ગ્રામચેતનાની ઝાંખી તેમની કવિતામાં અનુભવાય છે. કવિ કેફિયતમાં જણાવતાં કહે છે.-“મારી કવિતાનું પિયર ગામડું છે. આજેય ગામ જાઉં છું ને કવિતા માલીપા-માટીમાંથી અંકુર પ્રગટે એમ પ્રગટું પ્રગટું થાય છે. ગામ-ઘર-સીમ-વગડો મને ખાલી વિદાય નથી કરતા” [15] આવું કહેનાર કવિના રોમરોમમાં ગ્રામસંવેદના ઝીલાઈ છે. ‘વિચ્છેદ’ અને ‘સિમાડે ઊગેલું ઝાડવું’ કાવ્યસંગ્રહમાં ગ્રામચેતનાનો બળુકો અવાજ પ્રગટ્યો છે.
“ઓચિંતો વરસાદ આવશે
વગડો ખેતર યાદ આવશે
શેઢે શેઢે તે રોપેલાં
એ વૃક્ષોનો સાદ આવશે.” [16]

પોતાના ગામમાં અને પોતાના લોકોથી આપણે વિખૂટાં પડેલાં માનવીઓ છીએ. સમયની સાથે ગામ છોડી નગર તરફની આંધળી દોટે આપણને આપણાથી જુદાં કરી દીધાં છે. કવિએ આ વાત પોતાના કાવ્યના વિષય તરીકે અહીં રજુ કરી છે.
“તમારા ગામને પાદર ઊભેલો છું
માણસ આમ વિસરાઈ ગયેલો છું
તમારા આંગણામાં આંબલો થૈને
ઊગી-ઉછરી, કપાઈ ગયેલો છું
તમારી ઘર-પછીતે પીપળા ઉપર
પવનની જેમ હું પણ રાત રહેલો છું.” [17]

ગ્રામજીવન અને પ્રકૃતિ-સંસ્કૃતિને કાવ્યસ્થ કર્યા છે જે અનુ-આધુનિક સમયની વિશેષ ઓળખ બની રહે છે.

વતનઝૂરાપાની કવિતા-

‘આજેય કવિતા લખાય એ દિવસ, અંદરખાને મને અને મારી ભીતરી ઠકરાતને અવસર જેવો લાગે છે....... ક્યારેક તો એવી મજા પડી જાય કે મન ગામડે જઈને ખળામાં સુકાતાં પરાળમાં થોડાંક ગોળમટાં ખાવા માંડે છે.’ [18] કવિ ગમે તેટલા દૂર ગયા છે પણ તેમના વતનને એ ભૂલ્યા નથી. કવિ નગરમાં ભલે વસવાટ કરતા હોય પરંતુ પોતાના વતન-ઘર, ગામને છોડી શક્યા નથી.

‘વિચ્છેદ’ કાવ્યસંગ્રહની કવિતા અતીતરાગ, ઘર-વતનઝૂરાપાને તાગતી રચનાઓ છે. ‘આવશે’, ‘વાવ આવશે’, ‘ગાન’, ‘ઈડરિયો ગઢ’, ‘યાદ છે’, ‘ઝંખના’, ‘કડવાં ફળ’, ‘ગામ જવાની હઠ છોડી દે’, ‘મારું ગામ’, ‘સાંભરણ’, ‘સંદેશો’-વગેરે રચનાઓમાં અતીતરાગ અને વતનઝૂરાપો વ્યક્ત થયો છે.

કવિ એ ‘વાવ આવશે’ કાવ્યમાં પોતાના વતનનો પરિસર મૂક્યો છે તે જોઈએ.
“રસ્તા વચ્ચે પડાવ આવશે
મારી સાથે લગાવ આવશે
આજે તું છો ઊભે પાણી
તને કોક પર ભાવ આવશે
સામે આવ્યું ઠેલ નહી તું
એ જ બની પ્રસ્તાવ આવશે
ઘર-ઊંબર નહી છોડે તો પણ
ઘણા કારમા ઘાવ આવશે.” [19]

કવિને અધ્યાપન અર્થે ઇડર છોડીને વિદ્યાનગર જવાનું થયું અને પછી પુનઃ ઇડરની સંવેદનાઓ કાવ્યમય બને છે. ઇડર સાથે કવિની ઘણી યાદો જોડાયેલી છે. એમાં ઉમાશંકર જોષી અને પન્નાલાલ પટેલ વિશેષ જોડાયેલ છે. મણિલાલની કવિતામાં ભૂંસાઈ ગયેલો ભૂતકાળ, ઘર-ઝૂરાપો, વતનઝૂરાપોમાં ભૂંસાતી મનુષ્યની ચેતનાઓ પ્રદીપ્ત થાય છે.

કવિ રાધેશ્યામ શર્મા મણિલાલની કવિતા માટે નોધતાં લખે છેકે- ‘મણિલાલના જેન્યુઇન નોસ્ટેલ્જિયાને એકનિષ્ટ અતીતરાગને આપણી પ્રમાદી પક્ષિલ વિવેચનાએ બરાબર પોંખ્યો નથી.’ [20]

વ્યક્તિ વિષયક કવિતા-

જીવનની વાસ્તવિકતા, હોવાપણાની વ્યથા, આપવીતી વિષય બનીને કાવ્યમાં આવે છે. મણિલાલ સમૂહનું પ્રતિનિધિત્વ કરીને કવિતામાં રહેલા છે અને તેમને કવિતાએ શીખવ્યું છે. આ વાત તેઓ નોંધે છે- ‘કવિતાએ જીવનના મર્મો સમજાવ્યા છે. સંબંધોનું ખોખલાપણું અને જીવતરના નાટારંગો સમજાવીને કવિતાએ મને ઘરમૂળથી ધીમે-ધીમે બદલ્યો છે; નિર્ભ્રાન્ત કરીને ધીરજ ધરતા શીખવ્યું છે. અનુ-આધુનિક સમયનાં સ્તરોમાં લઇ જઈને કવિતાએ પોતાનું આગવાપણું ઓળખાવ્યું છે અને વિસ્મયથી જુદો કર્યા વિના કવિતાએ મને શાણપણના પાઠ ભણાવ્યા છે.’ [21]

માણસ ઉર્ફે ‘મણિલાલાખ્યાન’, ‘મનુ મગનની વીતકકથા’, ‘હોવાપણું:ચાર કાવ્યો’, પિતાજીને:ચાર સોનેટ’, ‘કરમસદનો માણસ’, ‘તિલક કરે સરદાર’ વગેરે રચનાઓમાં જાત-વ્યકિત કાવ્યનો વિષય છે. સમાજનો સામાન્ય માણસ કવિતાનો વિષય બનીને આવતો હોય છે. માણસની અપેક્ષાઓ તેનાં સ્વપ્નો અને જીવનવિષયક પીડાઓ ‘મનુ મગનની વીતકકથા’ કાવ્યમાં આ રીતે વ્યકિત થઇ છે.
“કાયમની કઠણાઈ, વ્હાલા ! કાયમની કઠણાઈ
મનુભાઈને માથે ખાસમખાસ લખાઈ
કાયમની કઠણાઈ...” [22]

માણસને પોતાને એકલતા ગમતી નથી અને પોતે બીજા માણસનો દંભ પણ સહી શકતો નથી, ત્યારે આત્મરતિમાં તેની પીડા વ્યક્ત થતી હોય છે.

સ્થળ વિષયક કવિતા-

મણિલાલ પટેલ સારા પ્રવાસ નિબંધકાર હોવાના કારણે તેમના સ્થળવિષયક કાવ્યોમાં તેની વિશેષતા ઝીલાઈ છે. નવી જગ્યાએ જવું, જાણવું અને કૃષિ-સંસ્કૃતિને આત્મસાત કરી એ સ્થળ વિશે લખવું એ તેમનો સ્વભાવ બની ગયો છે. ‘પોળોના જંગલોમાં’, ‘સારણેશ્વરમાં સાંજે’, ‘ઈડરિયો ગઢ’, ‘આજે’, ‘ઘેરો’, ‘ઈડરિયા પ્હાડો’, ‘ડાંગ વનોમાં’, ‘લુણાવાડા’, ‘રાજસ્થાનમાં’, ‘જેસલમેર’-૧,૨,૩, ‘સાત ડાયરી કાવ્યો (USA), ‘માઉન્ટ આબુ’, એક અનુભૂતિ’ વગેરે કાવ્યોમાં જે-તે પ્રદેશની સંસ્કૃતિ રહેલી છે.

કવિ ઇડરમાં અધ્યાપક તરીકે નોકરી કરતા ત્યારે ઇડરના પરિસરથી પુરેપુરા વાકેફ હતા અને તેને પોતાની કવિતામાં આત્મસાત કર્યો હતો. એમની કવિતામાં એ આકાર પામે છે. જેમ કે-
“તમસ તડકાનાં વસ્ત્રો લ્હેરાય,
ચૂકેલી રાણીનો એક્દંડિયો આવાસ શૃંગે-
વાદળને મળે, રચાય ઘૂંઘટ
બળે દીવાઓ ગૂંફાઓમાં,
રાણીની રૂપે મઢી વાણી
પાણી પાણી થઈને વહી આવે...” [23]

‘જેસલમેર’ના ત્રણ કાવ્યોમાં તે નગરનો ઇતિહાસ, કલા અને વર્તમાન લોકજીવનનું વર્ણન કર્યું છે. જેસલમેરના યોદ્ધાઓનું આલેખન જોઈએ.
“ઊંટ ઘોડાઓનું શહેર
જડેલું મરુભોમની કૂખે
ઝરૂખે ઝરૂખે ઝૂકે ઉદાસ મુખે
નકશીદાર ભીંતે હજુ લડે તલવારો
રક્ત સીંચી ભોંયનો ભૂત હણહણે.” [24]

આમ, અછાંદસ રચનામાં જેસલમેરનું વર્તમાન પરિસ્થિતિનું લયાત્મક નિરૂપણ થયું છે. તેમની કારીગરી, પહેરવેશ, જીવાતું જીવન અને તેમનું ગાન કાવ્યબદ્ધ અભિવ્યક્તિ પામ્યા છે.

સમગ્ર કવિતા દ્રારા સર્જનવિશેષથી કવિની પોતીકી મુદ્રા ઉપસી છે. આહલાદ્દક કલ્પનસૃષ્ટિ, અલંકારશૈલી, સહજસંવેદના, ક્લ્પનાત્મક અભિવ્યક્તિ, ભાષાની સહજતા અને ગત્યાત્મકતા તેમની કવિતાના વિશેષો રહ્યાં છે.

પાદટીપ નોધ-
  1. ટોપીવાળા ચન્દ્રકાન્ત-‘પદ્મા વિનાના દેશમાં’- (પ્રસ્તાવના) નક્ષત્ર ટ્રસ્ટ અમદાવાદ- પ્ર.આ.-૧૯૮૩ પૃ-૯
  2. મણિલાલ હ. પટેલ-‘પદ્મા વિનાના દેશમાં’- નક્ષત્ર ટ્રસ્ટ અમદાવાદ- પ્ર.આ.-૧૯૮૩ પૃ-૧૩
  3. મણિલાલ હ. પટેલ- ‘સાતમી ઋતુ’- ચંદ્રમૌલી પ્રકાશન-અમદાવાદ પ્ર.આ.૧૯૮૮ પૃ-૬૯
  4. એજન- પૃ-૭૨
  5. એજન પૃ-૭૪
  6. એજન પૃ-૭૧
  7. મણિલાલ હ.પટેલ- ‘વિચ્છેદ’- પાર્શ્વ પબ્લિકેશન-અમદાવાદ પ્ર.આ.-૨૦૦૬ પૃ-૧૧૧
  8. એજન પૃ-૧૧૩
  9. એજન પૃ-૧૧૩
  10. મણિલાલ હ.પટેલ-‘સિમાડે ઊગેલું ઝાડવું’- લજ્જા પબ્લિકેશન, વલ્લભ વિદ્યાનગર પ્ર.આ.૨૦૧૧ પૃ-૮૬
  11. ‘સાતમી ઋતુ’- પૃ-૮૬
  12. એજન પૃ-૮૭
  13. શબ્દસૃષ્ટિ- ઓક્ટો-નવે-૨૦૧૧ પૃ-૧૨૦
  14. પ્રતિપદા-પૃ-૨૯૮
  15. ‘સિમાડે ઊગેલું ઝાડવું’-પૃ-૬૫
  16. ‘વિચ્છેદ’-પૃ-૬
  17. એજન પૃ-૨૦
  18. કેફિયત-શબ્દસૃષ્ટિ- ઓક્ટો-નવે-૨૦૧૧ પૃ-૧૧૬
  19. ‘વિચ્છેદ’- પૃ-૮
  20. મુંબઈ સમાચાર-તા-૧૮/૦૨/૧૯૮૯
  21. શબ્દસૃષ્ટિ- ઓક્ટો-નવે-૨૦૧૧ પૃ-૧૨૦
  22. ‘સિમાડે ઊગેલું ઝાડવું’- પૃ-૨૯
  23. ‘સાતમી ઋતુ’-પૃ-૧૧
  24. ‘પદ્મા વિનાના દેશમાં’- પૃ-૭૮
વજીર પ્રવિણભાઈ ભીખાભાઈ, રિસર્ચ સ્કોલર, ગુજરાતી વિભાગ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ મો-94275 12191 ઈ-મેઈલ-pravinvajir@gmail.com