Included in the UGC-CARE list (Group B Sr. No 172)
દરિયા : નિરીહ નારીની વેદનાની કથા
ગુજરાતી સાહિત્યમાં આધુનિકયુગથી અનુઆધુનિકયુગ સુધી જેમની લેખિની ચાલી એવા સર્જક જૉસેફ મૅકવાને નવલકથા, ટૂંકીવાર્તા, નિબંધ, રેખાચિત્ર, સંપાદન, અહેવાલ અને વિવેચનક્ષેત્રે નામના મેળવી છે. તેમની પાસેથી ‘દરિયા’ નામની લઘુનવલ ૨૦૦૨માં પ્રાપ્ત થાય છે. જેના વિશે સર્જક પોતે નોંધે છે કે..,“ ‘દરિયા’ એક એવી નિરીહ નારીની કથા છે, જેના લલાટે આજીવન વેદના જ નિર્માઇ હતી. એનું નામ ‘દરિયા’ કેમ પાડયું હશે એ તો નથી સમજાતું, પણ ઉર્દુમાં ‘દરિયા’ નિરંતર વહેતી નદીનો પર્યાય છે ને ગુજરાતીમાં સમુદ્રને દરિયો કહીએ છીએ. એવું લાગે છે કે એ નામાભિધાન કરતી વેળાએ જ લોકમાન્યતાની વિધાત્રી કે વિધાતાએ એ અબળાના કપાળે દુઃખના દરિયા લખી દીધા હશે”(‘દરિયા’: થોડુંક આ કથા નિમિત્તે માંથી, પૃ-૫). આ લઘુનવલ ૧૪ પ્રકરણમાં આલેખાયેલી છે. જેમાં નાયિકાના અને તેના પતિ લખમણની કરુણાત્મક પ્રેમની વેદના અને કેટલીક સામાજિક રૂઢિચુસ્તતાઓને મૂલવવાનો મારો હેતુ છે.

કથાના આરંભે સર્જકે ૧૯૪૫નો અણસાર આપ્યો છે. જેમાં આઝાદી આંદોલન એની ચરમસીમાએ હતું ત્યારે મિશનરી પ્રભાવમાં ધર્માંતરિતોની માનસિકતા કેવી હતી એની ઝલક જોવા મળે છે. અને બીજા જ પ્રકરણમાં નાયિકા દરિયાની મા કસનાને ‘સાસુ’ સમી ગાળો દેવાની હદે જતા શનુમુખી(ખલનાયક)નું પરાક્રમ નિરૂપાયું છે. પછી દરિયાની મા કસનાએ દરિયાને શણગારીને મુખીના વગોવણા કર્યા. ભડકાયેલા મુખીથી ડરીને કસનાએ દરિયાના બાળલગ્ન કર્યા. લગ્ન પછી એના પિતા કાનજી ભગતનું મૃત્યુ થાય છે. કથા આગળ વધતા શનુમુખી કોંગ્રેસની ચૂંટણીમાં જીતે છે, તેથી સરઘસ કાઢવામાં આવે છે આ સરઘસમાં દરિયાને અગવા (ઉપાડી લેવાનો) કરવાનો પ્લાન મુખીનો નિષ્ફળ જાય છે. કસના તેની દીકરીને બચાવવા મુખીના ઘરે આગ લગાડી મુખીને મોતને ઘાટ ઉતારે છે. જેમાં ફોજદારની દલિત પ્રત્યેની માનસિકતાને કારણે દરિયા પર આરોપ આવતો નથી. અને મુખી નશામાં હતો એવી જાણ થતાં બધું સંકેલાઇ જાય છે. કથા આગળ વધતા સમાજની વાસ્તવિક કડવી હકીકત આલેખાયેલી જોવા મળે છે જેમાં કથાનાયક કહે છે કે..,“સતિયા ! આમ તો હાહુના આવા આ પટલા આપણાથી અભડાય છ. ગામ પાર્ય જતાંય આપણે ચેટલા ચેતીનં ચાલવું પડ છ ! પેલું મોહનિયું ખુબ આગર્ય આપણનં પ્યાલાથી પાણી પીવા નથી દેતું. તું જ ક’તો’તો તારા બા’ર્યથી બા’ર્ય રામજી મંદિરમાંના ભગવાનનાં દરશન કરી લે છ. તો પછી એવા એ આપણી આ જવાન છોકરીઓ અનં બૈરાંથી ચ્યમ નથી અભડાતા ?”(સંવાદ; પૃ-૪૫). કથા આગળ વધતા મુંબઈથી સમાચાર આવે છે કે કસાનાનો જવાનજોધ જમાઈ મૃત્યુ પામ્યો છે. મરશિયા ગવાય છે પરંતુ દરિયા ગાવતી નથી. થોડા મહિના પછી કસનાને અંતે જાણ થાય છે કે એનો જમાઈ ‘જોદ્ધો’ ન હતો પરંતુ પવૈયો (નપુસંક) હતો. આવી જાણ થતાં કસના આઘાતથી માંદી પડે છે અને બે મહિના પછી મૃત્યુ પામે છે. કથા આગળ વધતા ઘટનાનો વળાંક આવે છે જેમાં નાયિકા દરિયાના પતિ લખમણનો પત્ર આવે છે જેમાં લખેલું હોય છે કે..,“ઊં જીવ છ દરિયા, મારી વાટય જોજે”(પૃ-૬૪). કથા આગળ વધતા એ પોસ્ટ કાર્ડથી દરિયા એક જ વેણની પાંખે આસમાનમાં ઉડતી થઇ ગયેલી. કથાનાયક તેને સમજાવે છે કે લખમણ પવૈયો ( માતાજીનો વેશ ધારણ કર્યો) બની ગયેલો છે. હવે વાટ જોવી એ નકામી છે. ત્યારે દરિયા કથાનાયકને કડવા વેણ બોલે છે તેથી કથાનાયક તેમના ઘરે પાછા ફરે છે. થોડા દિવસો બાદ કથાનાયકને નડિયાદ ભણવા જવાનું થાય છે ત્યારે તેમને દરિયા મળીને માફી માંગી લે છે અને સાથેસાથ લખમણને શોધવાની મદદ માંગે છે. લખમણનો ફોટો અને લખમણની નિશાની કથાનાયકને બતાવે છે. કથાનાયક શોધવાની હા પાડીને નડિયાદ ભણવા જાય છે. નડિયાદમાં પવૈયાના ટોળામાં લખમણને શોધતા કથાનાયકની પવૈયાઓ હસી ઉડાવે છે. કથા આગળ વધતા જ્યારે કથાનાયક માસ્તર હોય છે ત્યારે તેના ત્રીજા પુત્રનું નામકરણનો અવસર હોય છે. ત્યાં આશીર્વાદ આપવામાં લખમણ પણ આવે છે. ત્યારે ડાબા હાથના કાંડાને અડીને હથેળી સમાંતરની કોમળ ત્વચા પર છૂંદણાયેલ ‘દરિયારામ’ નામ કથાનાયક વાંચતા તેને ઓળખી જાય છે. કથા આગળ વધતા લખમણ કથાનાયકને પીછો કરવાની ના પાડીને કસમ આપીને ત્યાંથી ચાલ્યો જાય છે અને જણાવે છે કે તમને પછી મળીશ. વાયદા મુજબ ઘટના આગળ વધતા લખમણ કથાનાયકને મળે છે અને એની મનોદશા સૂચવે છે. કથાનાયકને જાણવા મળે છે કે એનું મનતો હજુ દરિયાને ચાહે છે. પરંતુ આ પવૈયાના વેશથી મુક્ત થઈ શકે એમ ન હતો. તે કથાનાયકને કહે છે કે દરિયાને કહેવું નહીં કે આપણે મળ્યા હતા. કથા આગળ વધતા કથાનાયક ગામડે જાય છે ત્યાં દરિયા મળે છે. પરંતુ લખમણ મળ્યાની વાત કરતા કરતા તેઓ અટકી જાય છે. અને નડિયાદ તરફ પાછા ફરે છે. પરંતુ કથાના અંત તરફ જતા કથાનાયક ગાડી વચ્ચેથી વાળીને પાછા ગામ તરફ ફરે છે. અને દરિયાને લખમણ મળ્યાની બધી વાત કરે છે. જેમાં પોતે એનો ગુનેગાર છે એવું સમજી માફી માંગી લે છે. દરીયા પુનઃ કથાનાયકને વિનંતી કરે છે કે ફરતી લખમણ મળે તો તેનો ભેટો કરાવજો. કથાનાયક તેની ‘હા’માં ‘હા’ ભરીને નડિયાદ પાછા ફરે છે. થોડાક મહિના પછી કથાનાયકને ગામડે જવાનું થાય છે. ત્યારે ગામડે જતા જાણ થાય છે કે દરિયા ઘર છોડીને લખમણની શોધમાં જતી રહી છે. ત્યારથી કથાનાયક જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમની નજર માત્ર દરીયાને શોધતી હોય છે : “ક્યાંક મને દરિયા જડી જાય... !”.

લઘુનવલમાં આવતા પાત્રલેખન તરફ નજર કરતા અહીં મુખ્ય પાત્ર નાયિકા દરિયાનું છે. એ જન્મી વાલ્મિકી સમાજમાં. પછાતોમાંય સૌથી છેલ્લી હરોળ એની. દરિયાના બાળલગ્ન લખમણ સાથે થાય છે. આણું કરાવ્યા પછી તેને ખબર પડે છે કે લખમણ નપુસંક છે. પરંતુ એનો પ્રેમ ઓછો થતો નથી. લખમણના હૈયામાં રહેવા માંગે છે માટે તે લખમણનું નામ એની છાતી પર લખાવે છે. તેને માત્ર લખમણથીજ પ્રીતિ છે જે પ્રેમનું પ્રતિબિંબ બતાવે છે. દરિયાનો પતિ લખમણ જે નપુસંક છે એ પણ દરિયાને એટલો જ પ્રેમ કરે છે. તેને તેના મોટાભાઈ પવૈયાના ટોળા સાથે ધકેલી દે છે. છતા પણ તેનું મનતો દરિયાને જ ચાહે છે. આ બે હૈયા વચ્ચેના ગાઢ પ્રેમમાં વેદના નીરૂપાઈ છે. દરિયા માટે કથાનાયક કહે છે કે..,“વાહ દરિયા વાહ ! અકેયમાં નહીં છતાંય બેયથી સવાયા એવા આ ‘માણહ’ કાજે તારું આયખું હોડમાં મેલી દેવું પરમાણ છે. ભડભાયડો પામીનેય તું જીવતરના રસનું આકંઠ પાન ના કરી શકત”(પૃ-૯૩). કથાને આકાર આપવામાં એક સફળ ફાળો ખલનાયકનો પણ હોય છે જેમાં ખલનાયક તરીકે અહીં શનુમુખીનો પ્રવેશ થાય છે. જેના ત્રાસથી દરિયાના બાળ લગ્ન થાય છે. જેના કારણે એક પછી એક ઘટના બનવા લાગે છે. આ ઉપરાંત લઘુનવલમાં દરિયાની મા કસનાનું પાત્ર ઉપસી આવે છે. જેમાં એક ભારતીય નારીના તત્વો જોવા મળે છે. તે તેની દીકરીને શિખામણ આપતા કહે છે કે..,“મારી કોંખ અજવાળજે બેટા. મેં તારું નામ દરિયા પાડ્યું છ એનં પરમાણ કરી દેખાડજે. દ:ખના ડુંગરાય દરિયામાં ડૂબાડજે, પણ તું સદા તરતી રહેજે મારા પેટ !”(પૃ-૫૧).

ભાષાસૃષ્ટિ તરફ નજર કરતા લઘુનવલ ગુજરાતી શિષ્ટ ભાષા અને બોલીમાં લખાયેલી છે. જેમાં જોવા મળતી વર્ણનશક્તી, છાજિયાં, લગ્નગીત, સંવાદ વગેરે સર્જકે ભાષામાં સમાવ્યું છે. જેમાં લખમણની મનોદશા સૂચવતી બોલીમાં સર્જકની વર્ણનશક્તિ જોઈએ તો..,“અંજળ સાયબા અંજળ. કશેક હાંભર્યું’તું ને ચ્યાંક વાંચ્યું’ય’તું, હાચી લાગણીની નારી મલે નં કાળજે કોરી પ્રિત્યનો એની છાતીનો અડકાશ મલે તો હૂતેલા આયખાના હાતમા ભવમાં પોઢેલો પ્રાણેય પુરુષાતનનું અંગ ઓઢી લે. એની આંછ્યોમાં મેં ભવોભવની ઓળખ્ય ભાળી ને એના રૂંવે-રૂંવાડે રણકતી મારી માયા નં બસ્ય મેં એ એક આધાર ઝાલી લીધો. આજે એ યાદ કરવું ને કહેવુંય વહમું લાગ છ, પણ છ-છો મહિના છાતીએ છાતી ભીડીનં આંખ્યોનો પલકારોય માર્યા વના રાતોની રાતો અમે ચ્યમની ગુજારી છ એ તો એક એ જાણ છ નં એક ઊં. છેલ્લી રાતે છેક પરોઢનો મરઘો બોલ્યો ત્યાં લગી ના આતમરામ હાલ્યા કે ના દેહ-ડીલમાં એકાદો તણખો ફૂટ્યો ત્યારે ભિંત્યે પછાડેલું મારું માથું એના પગોમાં મેલીને મેં આ વેહ પે’રવાની રજા માગી લીધેલી”(પૃ-૯૧).

જ્યારે મુખીએ કસનાને ‘સાસુ’ સમી ગાળ આપી ત્યારે દલિત સમાજ ભેગો થઈને દરિયાને શણગારીને તેઓ શનુમુખીના ઘરે જાય છે. એ વખતે તારાભાભી છાજિયાં લે છે ત્યાંરનું ગીત :
“મુખી હરાયો આખલો ને એના ભડવાની લંગાર
આવા તે ગામમાં ચ્યમ રે’વાય !
જઈનં પૂછો એમની જણનારીનં
બઈ આ કોની રે પેદાશ – આવા તે...
વેશ્યાના વેલાનાં કુળ તે ચ્યાંથી હોય
જમરાની પેદાશ – આવા તે ગામમાં...”(પૃ-૧૪).
દરિયાના આણા વખતે રતનીના મોઢે ગવાતું ગીત :
“માડીના આંગણ બેનીએ વિસારી મેલ્યાં.
સાસરીયા પંથ તમનં પ્યારા ક્યમ લાગ્યા બેની;
દેખંતા ડુંગર તમને વહાલા ક્યમ લાગ્યા...”(પૃ-૫૧).
કથાનાયક જ્યારે નડિયાદ ભણવા જવાના હતા એ પહેલા દરિયા અને તેમની મુલાકાત થયેલી ત્યારનો સંવાદ :
‘તું નડિઆદ ચ્યારે જવાનો ?’
‘પમઘાડે, ર’ઈવારના દા’ડે. વહેલી હવારે.’
‘મારું એક કામ કરેશ ?’
‘બોલ્ય.’
તાળીની ઈશારત ચિંધતા એ બોલી : ‘કહેવાય છ કં એ શે’રમાં પાવૈયાનું થાનક છ એટલે એ મોટા શે’રમાં આવા ઘણાય ફરતા હોય. તું એમનં હોધી કાઢવા મથતો રે’જે. કદાચ છ નં ભેટીયે જાય’
‘પણ મેં તો એમનું મોઢું સરખું નથી જોયું. પછી ઓળખવાની વાત ચ્યાં આઈ ?’
ફટ કરતીક ને પાછળ ફરી. મુંબઈથી એ જે પેટી લઈ આવેલી એમાંથી એક ફોટો કાઢી એણે મારી સામે ધરી દીધો: ‘જોઈ લે બરાબર્ય. પારછી લે”(પૃ-૭૦).
રસ અને સંઘર્ષની બાબતમાં સર્જકે પુરી કથા કરુણાત્મક આલેખી છે. જેમાં નાયિકા અને તેના પતિ લખમણની વેદના વ્યક્ત થઈ છે. દરિયા જ્યારે મુંબઈથી પાછી ફરે છે ત્યારે તેની કરુણરૂપી વેદના :- “રૂપ એનું અળપાઈ ગયેલું. આંખોના પોપચા સૂજી ગયેલા. ઉજળા એના વાન પર સહેજ પીળાશ વર્તાવા માંડેલી. એના વિશાળ લોચનીયાં હતાશા અને અકળ ભયથી ત્રસ્ત થઈ ગયેલા”(પૃ-૫૬). તો વળી તારાભાભીને મુખે દરિયાની કરૂણ વેદના :- “ભઈ, દરિયાબોનના માથે આભ ફાટ્યું છ ! એમનો પૈણ્યો લખમણ માણહમાં નથી”(પૃ-૫૭). આ ઉપરાંત લખમણની મોતની ખોટી અફવા અને તેની મા કસનાનું મૃત્યુ દરિયાને કરુણ રસમાં હડસેલે છે. તો વળી લખમણને પામવાનો દરિયાનો ભારોભાર સંઘર્ષ પણ જોવા મળે છે. આ ઉપરાંત લખમણને મોટાભાઈની જબરજસ્તીથી પાવૈયાના ટોળામાં ધકેલી દેવો તેમાં તેની કરુણતા અને પોતે પાવૈયાની રૂઢિચુસ્તતાથી પીડાય છે તેમાં તેનો સંઘર્ષ જોવા મળે છે.

લઘુનવલમાં સમાજ અંતર્ગતની કુરૂઢિઓની અવદશાનો ચિતાર આપતા કેટલાક તારણો :
“એક કાળે આ લોક આપણા પડછાયાથીયે અભડાતા. દુકાનના થડે પૈસા નીચે મુકાવી એના પર પાણી છાંટીને જ લેતા. સારે પ્રસંગે કે તહેવાર-ટાંકણે આપણાથી ગામ પાર ના નીકળાતું એ બધું જો હવે કંઈકેય ઓછું થયું હોય તો એ અંગ્રેજ સરકારને પ્રતાપે. એમને જ પ્રતાપે આપણને સાચો ધર્મ મળ્યો. મુક્તિ મળી”(પૃ-૨).
“ઓ તારી છોડીને રાખું, મારી હાહુ ભંગડી ! હું ગળું ફાડું છું ને તને હંભરાતું નથી ?”(પૃ-૧૦).
“અમે તો બાપા રાંક રૈયત. હંમેશના તમારા દાબમાં જ દહાડા કાઢીએ છીયે. અમારી એવી વસાત જ નહીં”(પૃ-૧૮).
“મુખી : “માધરબખત રતિયા ! તનં ભોંન-બોંન છે કે નહિ ? અલ્યા ભંગિયા તે કદી ભૂંગળુંય ભાંગતાં હશે ? જે ભૂંગળું ના ભોંગે એ ભડાકો ચ્યમનો કરે ?”(પૃ-૨૪).
“હતાશ મનડે ત્યાંથી પાછાં વળતાં કસનાએ બાધા લીધી કે જો આ વરસે જ કાળકામાતા દરિયાનું આણું હેમ-ખેમ વાળાવશે તો પોતે પગે ચાલીને પાવાગઢ જશે ને માને ચૂંદડી ચડાવશે”(પૃ-૩૪).
“સતિયા ! આમ તો હાહુના આવા આ પટલા આપણાથી અભડાય છ. ગામ પાર્ય જતાંય આપણે ચેટલા ચેતીનં ચાલવું પડ છ ! પેલું મોહનિયું ખૂબ આગર્ય આપણનં પ્યાલાથી પાણી પીવા નથી દેતું. તું જ કે’તો’તો તારા બાપા બા’ર્યથી બા’ર્ય રામજી મંદિરમાંના ભગવાનનાં દરશન કરી લે છ. તો પછી એવા એ આપણી આ જવાન છોકરીઓ અનં બૈરાંથી ચ્યમ નથી અભડાતા ?”(પૃ-૪૫).
“અ’વે તમનં ચીઈ પેરે હમજાવું ? પણ માતાજીની ચૂંદડી પે’રી લીધી, પછી એનં પરમાણ ઠરવું પડે”(પૃ-૯૦).
લખમણનું કથાનાયકને મળવું અને ઓળખવું આપણને મૂંઝવણ ભર્યું લાગે માટે જૉસેફ મૅકવાન નોંધે છે કે..,“દરિયાના પતિ લખમણની શોધ અને સાવ આકસ્મિક થઈ જતી એની ઓળખ નોતરી આણેલ ઘટના નથી. એમાં ચમત્કૃતિયે નથી. હું એને અંજળ માનું છું. ઘણું ખરું જીવતરમાં એવું બનતું હોય છે કે એ ગળે ઉતારવું કે સમજવું દુષ્કર પડે, પણ નિયતિની એ જ તો લીલા છે”(થોડુક આ કથા નિમિત્તે માંથી : પૃ-૭).

૧૧૨ પૃષ્ઠમાં સમાયેલી આ લઘુનવલમાં જોવા મળતો નાયક-નાયિકાનો કોઈ ઈચ્છા વગરનો ઘાઢ પ્રેમ અને એમાં થયેલી જુદાઈની વેદના તથા સામાજિક કુરૂઢીઓનો ચિતાર સર્જકની ભાષાશૈલી થકી સુંદર કલાઘાટ પામે છે. જેમાં સર્જકની સર્જનશક્તિનો સુપેરે ખ્યાલ આવે છે. ગુજરાતી સાહિત્યને આવી સુંદર લઘુનવલ આપવા માટે સર્જકનો ખૂબ ખૂબ આભાર.

સંદર્ભગ્રંથ :-
  1. ‘દરિયા’ : જૉસેફ મૅકવાન. પ્રકાશક : આર. આર. શેઠની કંપની. પ્રથમ આવૃત્તિ : ૨૦૦૨, મૂલ્ય -૬૫.
સુરેશ તુરી ‘સૂર્યા’. મું:કેસરગામ, તા:થરાદ, જિ:બનાસકાંઠા, પોસ્ટ:લુવાણા-૩૮૫૫૬૫, મો:૯૬૬૨૩૪૧૯૮૩, ઇમેઇલ: suryabarot8@gmail.com.