Included in the UGC-CARE list (Group B Sr. No 172)
નારીત્વનું એક આહ્વાન ‘યાજ્ઞસેની’
પદ્મશ્રી અને ભારતીય જ્ઞાનપીઠ એવાર્ડથી સન્માનીત પ્રતિભા રાય ઉડિયા ભાષાના સમર્થ લેખિકા.મૂળ ઓરિસ્સાના. પિતા શિક્ષક એટલે બાળપણથી જ પુસ્તકો સાથે ઘરેબો. વાંચન લેખનના સંસ્કાર ગળથૂથીમાં જ મળેલા. ઉડિયા ભાષામાં તેમણે ઘણી બધી નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ અને નિબંધો લખ્યા છે.એમાં તેમની ‘શીલપદ્મા’,’યાજ્ઞસેની’, અને ‘અપરીચિતા’ ખૂબ જ ખ્યાતિ પામેલી કૃતિઓ છે. કેટલીક નવલકથાઓ પરથી તો ફિલ્મો પણ બની છે. અને જુદી જુદી ભાષામાં તેના અનુવાદો પણ થયા છે. એમાય ‘યાજ્ઞસેની’ તો ખૂબ જ નામાંકિત નવલકથા છે. ‘યાજ્ઞસેની’ ને ભારતીય જ્ઞાનપીઠનો ‘મૂર્તિદેવી પુરસ્કાર’, અને ઓરિસ્સાનો અતિખ્યાત ‘સરલા એવાર્ડ’ મળેલ છે. મૂળ ઉડિયા ભાષાની ‘યાજ્ઞસેની’ નો ગુજરાતીમાં જયા મહેતાએ ‘દ્રૌપદી’ નામે અનુવાદ કર્યો છે.

ભારતમાં મહાભારત વિરલ છે. તેમ મહાભારતમાં દ્રૌપદી વિરલ છે. કોઈપણ ભાષાના પુરાણો એ ભાષાના સર્જકો માટે અક્ષયપાત્ર હોય છે. પુરાણોમાથી પ્રેરણા લઈ કેટલાય સર્જકો ઉત્તમ કૃતિઓની રચના કરતા હોય છે. જેમ કે મહાભારતમાથી પ્રેરણા લઈ કવિ કાલિદાસ, સુંદરમ, ઉમાશંકર, શ્રી અરવિંદ ઘોષ, રવિન્દ્રનાથ ટાગોર વગેરે જેવા અનેક સર્જકોએ ઉત્તમ કૃતિઓની રચના કરી છે. બસ શરત માત્ર એટલી કે એ પાત્રોના ગૌરવ અને ગરિમા જળવાવા જોઈએ. અને કશુક નવું જ અર્થઘટન આધુનિક સંદર્ભમાં મળવું જોઈએ. અને એ અર્થઘટન પણ ઔપચારિક કે થાગડ થીગડ ન લાગવું જોઈએ. પણ વાતાવરણ અને પરિસ્થિતી પ્રમાણે એની મેળે ઉઘડી આવવું જોઈએ, તો જ સર્જકની કલમ યથાર્થ સાબિત થઈ એમ કહેવાય.દ્રૌપદી ભારતનું કાલાતીત, સ્થાનાતીત,અને યુગાતીત ચરિત્ર છે.

આ કથામાં મહાભારતની મૂળ દ્રૌપદીને લેખિકાએ આજની આધુનિક સમયની નારીનું પ્રતિનિધિત્વ કરતી આલેખી છે. આખી કથા કથનરૂપે દ્રૌપદીના જ મુખે કહેવાઈ છે. આ નવલકથાની નાયિકા પણ દ્રૌપદી જ છે. કૃષ્ણને સમર્પિત અને પાંચ પાંડવને વરેલી દ્રૌપદી અનેક દિશાઓમાં વિભાજિત છે. દ્રૌપદીના ચરિત્ર થકી નારીમનની વાસ્તવિક પીડા,સુખ- દુખ અને વ્યક્તિગત આંતરસંબંધોની જટિલતાને ઊંડાણથી પકડવાની નેમ આ કૃતિમાં લેખિકાએ સેવી છે. અગ્નિ અને કાષ્ઠના સંઘર્ષથી એટલે કે યજ્ઞવેદીની જ્વાળાઓમાથી પ્રગટેલી ને સ્વયં જ્વાળામુખી થઈને જીવેલી દ્રૌપદીના જીવનની અહી વાત છે. કથાના આરંભે દ્રૌપદી પોતાના પરમ સખા કૃષ્ણને પત્ર લખી રહી છે. હિમગિરિની સુવર્ણરજમાં પગ લપસતા તે પડી ગઈ છે. મૃત્યુના આરે ઊભેલી દ્રૌપદી પત્ર દ્વારા એની જીવનગાથા કહી રહી છે. પોતાના જન્મની વાત કહેતા તે કહે છે.....
‘મારો જન્મ પિતાના વીર્યથી નહોતો થયો. પ્રતિજ્ઞા પૂરી કરવા માટે રચેલા યજ્ઞની વેદીથી થયો હતો’ (દ્રૌપદી પૃ.૫)
જન્મતા પહેલા જ પિતાના અપમાનનો બદલો લેવા લાચાર! આ પૃથ્વી પર ધર્મરક્ષા અને દુષ્ટનાશનું અસ્ત્ર બનવા એ આ પૃથ્વી પર આવી છે. શું યુગે યુગે ધર્મરક્ષા અને દુષ્ટસંહાર માટે નારીએ જ માધ્યમ બનવું પડશે? નારી જ શું સૃષ્ટિ અને વિનાશનું કારણ છે? રામરાજય સ્થપાય અને લંકાવિનાશ થાય એ માટે સીતાએ માધ્યમ બનવું પડ્યું. રાજયસુખ છોડી તેને વનવાસી બનવું પડ્યું હતું. વનવાસ દરમિયાન રાવણની કામવાસનાનો ભોગ બની તેને અશોકવાટિકામાં કેદી થવું પડ્યું. છેવટે ભગવાન રામનો ઉદ્દેશ્ય સફળ થયો. પણ સીતાને શું મળ્યું? રામ દ્વારા દેશવટાનો દંડ! અગ્નીપરીક્ષા! ધરતી એમના લાંછનથી ફાટી ગઈ ને સીતા પોતાનું દુ:ખ ને અપમાન સમાવવા ધરતીમાં સમાઈ ગયા. દ્રૌપદી પણ હિમગીરીની અતિશીતલ ગોદમાં પડી પોતાના ભૂતકાળને વાગોળે છે. કથાને આરંભે કૃષ્ણ પ્રત્યેનું તેનું અનન્ય આકર્ષણ,પણ કૃષ્ણની જ સમજાવટથી અર્જુનને મનોમન વરવું. સ્વયંવરમાં ધૃષ્ટધ્રુમ્ન દ્વારા માછલીની આંખ વીંધવાની શરતની જાહેરાત. સૌ રાજાઓનું પરાસ્ત થવું, કર્ણનું અપમાન અને બ્રાહ્મણ વેશે અર્જુનનું દ્રૌપદીને વરવું. કુંતામાના મુખમાથી નીકળેલ શબ્દો......
‘બેટા! તમે પાંચેય ભાઈઓ સરખે ભાગે વહેચી લો.’(પૃ. ૩૮)
કૃષ્ણાના પાંચ દિવસ પાંચ પતિઓ સાથે લગ્ન ચાલે છે. યુધિષ્ઠિરે લગ્નની પ્રથમ રાતે ધર્મચારિણી બનવા કહ્યું. તો ભીમે સ્વાદિષ્ટ ભોજન બનાવી પોતાને ભરપેટ જમાડવા કહ્યું. અર્જુન સાથેની રાત મધુરજની ગણાઈ. નકુલે પ્રથમ રાત્રીએ પોતાના અશ્વોને સજાવવા કહ્યું. તો સહદેવે નક્ષત્રો અંગે ચર્ચામાં ભાગ લેવો તેમજ જે કઈ પણ મળે તેમાં સંતોષ માનીને જીવવા કહ્યું. લગ્ન પૂર્ણ થતાં કૃષ્ણ ઉપહારરૂપે માયા નામની દાસી આપે છે. પાંચેય પતિઓ સાથે એક વર્ષ રહેવું. એક ભાઈ સાથે એક વર્ષ રહેવાનુ હોય ત્યારે બીજો ભાઈ જો એ શયનકક્ષમાં આવે તો એને બાર વર્ષનો વનવાસ ભોગવવો એમ નક્કી થયું. વનવિહાર દરમિયાન કૃષ્ણને સુદર્શનની ધાર વાગતા કૃષ્ણા પોતાની સાડીનો છેડો ફાડી તેમની આંગળીએ બાંધે છે. એનું રૂણ ચૂકવવાનું કૃષ્ણ વચન આપે છે. એક રાતે અચાનક અર્જુનનું યુધિષ્ઠિરના કક્ષમાં આગમન ને બીજા દિવસે સવારે તેમનો વનવાસ. દ્રૌપદી માટે આ અસહ્ય થઈ પડે છે. દ્યૂતક્રીડામાં દ્રૌપદી પર થતાં અન્યાય અને અને અમાનુષી અત્યાચારને પણ લેખિકાએ આબેહૂબ આલેખ્યા છે.

‘અનાદિકાળથી આજ સુધી અને પછી પણ મહાકાલ સ્ત્રોતમાં આવતા બધા જ યુગોમાં આવો નારકીય, રૂવાડા ખડા કરી દે એવો જંગલી કાંડ ક્યારેય થયો નથી ને થશે પણ નહી. રાવણ સતી સીતાનું હરણ કરીને લઈ જતો હતો, ત્યારે ઝાડપાન, પશુપક્ષી બધાએ આંસુ વહાવ્યા હતા. પક્ષીનો જન્મ પામ્યા છતાં જટાયુએ એનો વિરોધ કર્યો, પ્રાણનું બલિદાન આપ્યું. સીતાનો ઉદ્ધાર કરવા માટે વાનરરીંછોની સેનાએ જીવન અર્પ્યુ. પરંતુ આજે ગુરૂજનોની ઉપસ્થિતિમાં સભાની વચ્ચે, બધાની સામે દ્રૌપદીના અશ્રાવ્ય બીભત્સ અપમાન અને લાંછનની નારકીય લીલા ચાલે છે, પણ બધા ચૂપ રહ્યા. જડ! ઉલટા બધા નાટકના કોઈ રોમાંચક દ્રશ્યની પ્રતિક્ષા કરતાં હોય એમ બેસી રહ્યા.હાય, કોઈક વાર ધર્મરાજ યુધિષ્ઠિરના વ્યક્તિત્વની રામના વ્યક્તિત્વ સાથે સરખામણી કરીને અમે ખૂબ ગૌરવ અનુભવતા હતા. સતી સીતાના ગૌરવની રક્ષા માટે રામે કેટલા દુ:ખદર્દ નથી સહ્યા? લોકો સામે એમના સતીત્વને પુરવાર કરવા માટે અગ્નિપરીક્ષાનો પ્રશ્ન ઊભો કરીને ઘોર વેદના અને વિરહ સહન કર્યા; જ્યારે મારા પતિ મને દાવમાં મૂકીને બીજાઓના હાથમાં સોંપી દઈને બેઠા છે. મારી લાંછના અને અપમાનને એક મૂક દર્શક બનીને જોઈ રહ્યા છે. એ દુરાત્મા કૌરવો દાનવ રાવણ કરતાં પણ કેટલા હીન ને નીચ છે. રાવણે સીતાનું હરણ કર્યું,પણ બળાત્કાર નથી કર્યો. એકાંત જોઈને અણછાજતું વર્તન નથી કર્યું. પોતાની કુત્સિત લાલસાને વશ થઈને ક્યારેય અશોકવનમાં સીતાના શરીરને સ્પર્શ નથી કર્યો. સીતા પાસે પ્રેમની ભિક્ષા જ માગતો રહ્યો. એ તો સ્વાભાવિક છે! પણ અહી દુરાત્મા કુત્સિત વાસનાને વશ થઈને ભરતવંશની કૂળવધુને નિર્વસ્ત્ર કરીને એના શરીરને સભાની સામે નગ્ન કરે છે! નારીધર્મ પર આટલો બીભત્સ અત્યાચાર ક્યારેય ઈતિહાસમાં નષ્ટ નહી થાય?! આ દેશના ઉત્તરાધિકારીઓ આ કારણે કુરુપતિની નિંદા કરશે. કુરુવંશના આ સ્વેચ્છાચાર,અન્યાય,અત્યાચાર સમગ્ર પુરુષજાતિને અપમાનિત કરશે. આ અપમાનની કોઈ ક્ષમા નથી,આ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી.’ (પૃ. ૧૫૮)

ને કૃષ્ણે આવી ચીર પૂર્યા. દ્રૌપદી ને ભીમની પ્રતિજ્ઞા, ફરી પાછી દ્યૂતક્રીડા ને બાર વર્ષનો વનવાસ ને એક વર્ષનો અજ્ઞાતવાસ.કેટકેટલી ઘટનાઓની હારમાળા રચાય છે.કુરુસભામાં એ જ્વાળા થઈ શકે છે : પાંચે પતિ, ગુરૂજનો, સર્વ વડીલજનો, અને ભરીસભામાં, જે સમયમાં અવાજ ઉઘાડવો પણ અશક્ય હતો, ત્યારે એ અવાજ ઉઠાવીને સૌને પ્રશ્નો પર પ્રશ્નો પૂછે છે. કુંતીની આજ્ઞા માથે ચડાવીને એ પાંચ પતિઓને વરવાની અતિવિકટ પરિસ્થિતીને પણ હોંશેહોંશે સ્વીકારનારી દ્રૌપદી દુ:શાશનના રકતથી કેશસ્નાન કરતાં કરતાં ચીસ પાડી ઊઠે છે.
“બસ બસ મને જીવવા દો. મને કોઈ બીજી પૃથ્વી પર લઈ જાઓ! હે નાથ ! હું નહી સહી શકું ! દુ:શાશનના લોહીમાં મને અભિમન્યુના લોહીની ગંધ આવે છે. લાગે છે કે આખા સંસારના લોકોનું લોહી એકસરખી માંસની ગંધવાળું છે. મને રાક્ષસી ન બનાવો.” (પૃ. ૨૪૨)
પોતાના પાંચેય પુત્રોને નિર્દયતાથી મારી નાખનાર અશ્વત્થામાને દ્રૌપદી જીવનદાન આપે છે, માત્ર એટલા જ માટે કે એની માતા હરિતાને પુત્રશોક ન સહેવો પડે. એક તરફ અગનજાળ જેવો ક્રોધાગ્નિ અને બીજી તરફ હિમાલય જેવી ઔદાર્યતા – આ છે દ્રૌપદીના સ્વભાવની નિયતિ. પ્રતિભા રાયની દ્રૌપદી એક સર્વસામાન્ય મનુષ્ય જ છે. એનામાં પણ રાગદ્વેષ, આશા, આકાંક્ષાઓ છે. મહાયુદ્ધની આગલી રાતે એ પણ પોતાની નબળાઇ સૌને જણાવી દે છે પણ બુદ્ધિપૂર્વક.
“મારા હૃદયની પહેલી નબળાઈ છે પ્રિય મિત્ર મધુસૂદન....મારા હૃદયની બીજી નબળાઈ એ છે, માં કુંતીની નબળાઈ પણ એજ છે.” ( પૃ. ૨૩૯)
ને એમ કહી તે જ્યેષ્ઠ કુંતીપુત્ર કર્ણનો પણ ઉલ્લેખ કરી દે છે. કર્ણ પણ સંપૂર્ણ મનુષ્યપાત્ર છે. ક્યારેક અન્યાય અને અત્યાચારનો બદલો લેવા વ્યાકુળ બને છે તો ક્યારેક મમતાનું ઝરણું વહાવડાવી દે છે. કુંતીના કર્ણપ્રેમને કઈક અંશે દ્રૌપદી સમજી શકે છે. પણ અહંકારી કર્ણ કુંતીના તેના પ્રત્યેના વાત્સલ્યપ્રેમને સ્વીકારતો નથી. અતિ અપમાનો અને અન્યાયોથી એ જાણે બધિર બની જાય છે. અજ્ઞાત માતા પરનો રોષ તે જીવનભર દ્રૌપદી પર ઠાલવ્યા કરે છે. પ્રતિભા રાયની કલમે કર્ણ અને કુંતીના તેમજ કર્ણ અને દ્રૌપદીના સંબંધો - કોઇનાય ગૌરવને જરાય આંચ ના આવે એમ આલેખાયા છે. પોતાના પ્રિય અર્જુન સાથે યુદ્ધમાં લડનાર કર્ણને જંગલમાં સર્પદંશ થતાં તે કાલસર્પ મંત્ર બોલીને તેને જીવનદાન બક્ષે છે.તો આર્યો – અનાર્યો વચ્ચે સુમેળ સધાય એ માટે તે કુબેરને રસ્તાઓ બનાવા કહે છે.પોતાની નણંદ દુશલા વિધવા ના બને તેથી તે જયદ્રથને જીવતો છોડી દે છે. કૃષ્ણ, અર્જુન, અન્ય પાંડવો, કુંતામાં, કર્ણ, કર્ણની પત્ની ઋતુવતી, દ્રૌણના પત્ની હરિતા,- આ સૌની સાથે દ્રૌપદીના સંબંધો રમણીય છે. ‘માયા ’નામના કાલ્પનિક પાત્રને આરંભે કૃષ્ણની અને પછી દ્રૌપદીની સહચરી તરીકે કથામાં આલેખી છે. અહી માયા પ્રતિકાત્મક છે. હિમગિરિની સુવર્ણરજમા પહેલા માયાનું મૃત્યુ થાય છે. ત્યારે પણ દ્રૌપદી માયાગ્રસ્ત જીવન કરતાં માયામુક્ત મૃત્યુને સસ્નેહ આવકારે છે. સદેહ માયાનું દેહરહિત માયામાં રૂપાંતર સહજ અને સાર્થક લાગે છે. કૃષ્ણ લૌકિક છતાય અલૌકિક છે. એમની સાથે દ્રૌપદીનો સંબંધ પીડા અને દુ:ખનો છે. કૃષ્ણ દ્રૌપદીના ભાવમય જગતમાં સંપૂર્ણપણે વ્યાપ્ત છે. આ આખીય નવલકથામાં કૃષ્ણ સદેહે ઉપસ્થિત હોય ત્યારે તો ખરા જ પરંતુ, હાજર ના હોય ત્યારે પણ એમના ચૈતન્ય સ્પંદનો વારંવાર અનુભવાય છે.મહાભારતના નાયક તો કૃષ્ણ છે જ પણ જાણે ‘દ્રૌપદી’ ના નાયક પણ કૃષ્ણ જ હોય એમ લાગે છે. નવલકથાને અંતે પણ મૂળ મહાભારતની દ્રૌપદી કરતાં પ્રતિભા રાયની દ્રૌપદી મુઠ્ઠી ઊંચેરું સ્થાન મેળવી લે છે વિશ્વકલ્યાણની ભાવના સેવીને- પાંચ વરદાન માંગીને.
  1. હે વાસુદેવ કૃષ્ણ! મારા જીવનમાં જે બની ગયું એવું બીજી કોઈ નારીના જીવનમાં ન બનો. ક્યારેય કોઈ નારી એકસાથે એકથી વધુ પતિ ન કરે.
  2. દયામય કૃષ્ણ! શત્રુને પણ પુત્રશોક ન દેશો. આનાથી વધારે બીજો કોઈ શોક સંસારમાં નથી.
  3. સભામાં જે અત્યાચાર મારી પર ગુજારવામાં આવ્યો, એવી યાતના પૃથ્વી પર કોઈ નારીને ન આપશો. નારીને રૂપવતી કરો, પણ પુરુષને આટલો કામાંધ ન કરો.
  4. હે પરમ કલ્યાણકારી કૃષ્ણ ! મે એક યુધ્ધ સહયું છે. એટલે વિનંતી છે કે – જાતિ,ધર્મ,ભાષા,વર્ણને કારણે હસ્તીના અને ઇન્દ્રપ્રસ્થની જેમ કોઈ દેશના ટુકડા ન થાય. આ ધરતી પર ફરી ક્યારેય મહાયુધ્ધ ન થાય.
  5. હું પાંચ પતિઓની પત્ની, પાંચ પુત્રોની જનની, પાંચાલી માગું છું વરદાન,મારે મોક્ષ નથી જોઈતો,સદેહે સ્વર્ગ પણ નથી માગતી, મુક્તિ પણ નહી, હું તો પુનર્જન્મ ઇચ્છુ છું. આ જન્મમાં જે ભૂલો કરી છે એને સુધારવા મને ફરી આ ભારતભૂમી પર જ જન્મ આપજો. કામગરા હાથ, જ્ઞાનીની આંખ, ભક્તિની પાંખ અને કર્મઠનો રથ આપી ફરી આજ ભૂમી પર જીવન આપજો.
ને મૃત્યુ એ જીવનની સમાપ્તિ નથી, પણ નવજીવનનો પ્રારંભ છે. એ સાથે ૐ શાંતી !!! શાંતી !!! શાંતી !!! ના નારા સાથે સમગ્ર હિમાલયમાં ગુંજી ઊઠે છે. ને અગ્નિની જ્વાળાઓમાંથી જન્મેલું વિરલ ચરિત્ર કાયમ માટે હિમગીરીની શીતળતામાં ચિરનિંદ્રામાં પોઢી જાય છે.

આ નવલકથાની મહત્વની વાત તો એ છે કે લેખિકાએ આધુનિક વિચાર અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આ કૃતિની રચના કરી છે. મૂળ મહાભારતનો આધાર લઈ સતી દ્રૌપદીના વ્યક્તિત્વને વિચારશીલતા અને નારીઅસ્મિતા – જાગરૂકતા બક્ષીને એના ચરિત્રને ધારદાર બનાવ્યું છે. દ્રૌપદી એક નારી છે અને નારી હોવાને કારણે જ એને જે વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે,એ એને નારીસમસ્યા તરફ દોરી જાય છે. તેની આ આધુનિકતાઓ માત્ર નારી સમસ્યાઓ પૂરતી જ મર્યાદિત નથી. અનેક બાબતોમાં એની આધુનિક વિચારસરણી અનુભવાય છે. વિશ્વમાં હજુ સુધી આવી નારી નથી થઈ જે યાજ્ઞસેનીની જેમ યાતના, સંકટો, લાંછન અને સંઘર્ષો વેઠી જીવી હોય. દ્રૌપદીનું વિચારચિંતન, કુંતીની પુત્રવ્યથા, યુધિષ્ઠિરની પ્રજ્ઞા, મહાનાયક કૃષ્ણની ‘અકળ-સકળ’ સર્વજ્ઞતા અને આત્માના પરમાત્મા સાથેના મિલન સુધી વિકાસતી ચેતના પ્રતિભા રાયની કલમે સુંદર આવિષ્કાર પામ્યાં છે. દ્રૌપદી તો કર્મ, જ્ઞાન, ભક્તિ અને શક્તિનું મૂર્ત રૂપ છે. તે સ્વયં નારીત્વનું એક આહ્વાન છે.

સંદર્ભ
  1. ‘દ્રૌપદી’ – અનુવાદ. જયા મહેતા
પ્રા. ડૉ. વંદના રામી, મદદનીશ પ્રાધ્યાપક, શ્રી આર. આર. લાલન કૉલેજ, ભુજ. મો : 9924818600 Email: drvandanarami@gmail.com