Included in the UGC-CARE list (Group B Sr. No 172)
વનમંદિરને
(છંદ: અનુષ્ટુપ)
વને કોણે રચાવ્યું જો! એ મહાલય આજ તું,
અચેતન થયું તોંયે, કેવું નજર ઠારતું!

વીરોની વીરતા સાથે, બધા છે રૂપ નારનાં,
સંસારના સર્વ રંગો, થયા અંકિત સૌ જ ત્યાં.

પૂજા ન કરતું કોઈ, થઈ ખંડિત અસ્મિતા,
કૃતઘ્ની સૌ થયા ભક્તો, ભક્તિ છોડી મહાલતા.

જ્યારે થતી હતી પૂજા, સૌ આવી નમતા હતા,
સંચરે આજ ત્યાં લોકો, ભૂલી બધી મહાનતા.

પ્રયોજન હશો ભૂલ્યાં, સ્થળ આ અદ્‌ભૂત છે,
હિંમત એ નથી હાર્યું, શક્યતા ભરપૂર છે.

નબળી થૈ ભલે ભીંતો, પાયા તો મજબૂત છે,
શિખર આદિ સૌ ભાગો, હજીયે અકબંધ છે.

ચહું છું હું કરો પૂજા, ભક્તો સહુ તમે બની,
સ્થાપો એને પુનઃ સ્થાને, સેવા થશે ધર્મ તણી.

(પોળોના મંદિરસમૂહની મુલાકાત દરમિયાન ઉદ્‌‌ભવેલ મનઃસ્પંદનો!)
ઝલક પટેલ