SAHITYASETU

ISSN : 2249-2372

 

 

Sahityasetu

Year- 2, Issue- 1, Continuous Issue-7, January-February 2012

 

સાહિત્યસેતુ

વર્ષ- 2, અંક- 1, સળંગ અંક- 7, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2012

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

     

 

નારી કથા આલેખનમાં સ્ત્રી-પુરુષ સર્જકની આગવી દષ્ટિ
‘દ્રોપદી’ અને ‘અગ્નિકન્યા’ નવલકથા સંદર્ભે

                                                                ડૉ. મંજુલા ખેર
                                                                આર્ટસ્ એન્ડ કોમર્સ કૉલેજ,
                                                                ખેડબ્રહ્મા.

          આજનાં સાહિત્ય જગતમાં નારીનું સ્થાન દિન-પ્રતિદિન મજબૂત બનતું જાય છે. આધુનિક સાહિત્યમાં ‘નારીવાદ’ અને ‘નારીસંવેદન’ જેવી ચર્ચાઓ વધતી ગઇ છે, જે નારીનાં વધતા જતાં મહત્વની સાક્ષી પૂરે છે. આપણી સાહિત્ય સૃષ્ટિમાં પુરુષ સર્જકે નારીનાં અનેક રૂપો વર્ણવ્યા છે. એની સંવેદનાને શબ્દસ્થ કરી છે. જો કે એક સ્ત્રીને વિષય બનાવી એની વાત જ્યારે એક સ્ત્રી સર્જક દ્વારા અને બીજી બાજુ એક પુરુષ સર્જક દ્વારા સાહિત્યમાં આલેખિત થાય ત્યારે એ વાત કંઇક જુદી જ રીતે વ્યક્ત થાય છે. સ્ત્રી-પુરુષની આગવી વિચારક્ષમતા તેમજ અલગ જ ભાવવિશ્વને લીધે બન્ને વચ્ચેનો તફાવત આંખે ઉડીને વળગે તેવો હોય છે. સ્ત્રીને પાત્ર તરીકે લઇને વાત કરતાં સ્ત્રી અને પુરુષ બન્ને સર્જકોની કેવી અલગ આલેખન શક્તિ હોય છે, તેને તપાસવાનો અહી ઉપક્રમ રાખ્યો છે.
ઉડિયા ભાષાનાં સુપ્રસિધ્ધ લેખિકા પ્રતિભારાયની નવલકથા ‘યાજ્ઞસેની’નો ગુજરાતી અનુવાદ જયા મહેતાએ ‘દ્રોપદી’ નામે કર્યો છે. આ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો ‘મૂર્તિદેવી પુરસ્કાર’ પ્રાપ્ત થયો છે. જયા મહેતાનું આ અનુવાદિત પુસ્તક ઇ.સ.1991માં પ્રગટ થયુ છે.  તો ઇ.સ.1988માં દ્રોપદીનાં પાત્રને લઇ ગુજરાતી તત્વજ્ઞાની નવલકથાકાર ધ્રુવ ભટ્ટની ‘અગ્નિકન્યા’ નવલકથા પ્રગટ થઇ. આ બન્ને સર્જકોએ દ્રોપદીનાં પાત્રને લઇ નવલકથાનું સર્જન કર્યુ છે. બન્ને સર્જકોની નવલકથાની કથામાં મહાભારતનાં બહુચર્ચિત પાત્ર ‘દ્રોપદી’નાં જીવનની કરુણતા આલેખાઇ છે. અહી પહેલી ‘દ્રોપદી’ નવલકથા ઉડિયા લેખિકા પ્રતિભારાયનું સર્જન છે, જ્યારે બીજી ‘અગ્નિકન્યા’ નવલકથા ગુજરાતી સર્જક ધ્રુવ ભટ્ટની છે. પ્રતિભારાય સ્ત્રી લેખિકા છે, તો ધ્રુવ ભટ્ટ પુરુષ લેખક છે. સ્ત્રીની વેદનાને વેઠવાની શક્તિ એક સ્ત્રીમાં અને સ્ત્રીની સંવેદનાને સમજવાની દ્ષ્ટિ એક પુરુષમા કેવી ભિન્ન હોય છે, તેની ખાતરી આપણને આ બન્ને નવલકથાઓ તપાસતા માલુમ પડશે. દ્રોપદીનાં જાણીતા પાત્રની કથા લઇ આ બન્ને સ્ત્રી-પુરુષ નવલકથાકારો કઇ રીતે સ્ત્રી આલેખનમાં એકબીજાથી અલગ પડે છે તે તપાસીએ.
પ્રતિભારાયની ‘દ્રોપદી’ નવલકથાનો આરંભ હિમાલયનાં પહાડોમાં સ્વર્ગારોહણથી એટલે કે દ્રોપદીનાં પાંડવ પતિ એને છોડીને આગળ ચાલી જાય છે, ત્યાંથી થાય છે. આ નવલકથા પત્રશૈલીમાં રચાઇ છે. પત્રની શરૂઆત ઇતિથી થાય છે. આ કથામાં દ્રોપદી પ્રિયસખા પરમાત્મા શ્રીકૃષ્ણને સ્વપરિચય તમારી ‘પ્રિયસખી’થી કરાવે છે. આ પત્ર પુસ્તકનાં 273 પાનામાં વિસ્તરે છે. આ કથાલેખનનું નિમિત્ત બની છે આધુનિક કૃષ્ણા. અહીં લેખિકાએ ‘કૃષ્ણા’ નામની સ્ત્રીને લગ્ન પછી સુખી થતી બતાવી છે, તો પાંચ પતિ ધરાવતી પૌરાણિક પાત્ર દ્રોપદીને જીવનથી હારેલી દુ:ખી દર્શાવી છે.   
ધ્રુવભટ્ટની ‘અગ્નિકન્યા’ નવલકથાની શરૂઆત કવિ મહેન્દ્ર ચોટલીયાની દ્રોપદીના જીવન પર આધારીત કવિતાથી થાય છે. કાવ્યનો અંતિમ શબ્દ ‘અગ્નિકન્યાને’ એ આ કથાનું શીર્ષક બને છે. અહીં બાણગંગાના નિવેદનમાં સર્જક કથાબીજની સ્પષ્ટતા કરે છે. વર્ષો પૂર્વે બાણગંગાને કિનારે દ્રોપદી દ્વારા રજૂ થયેલ આત્મકથનીને બાણગંગા એક વ્યક્તિને કહે છે, જે નવલકથા રૂપે અહી રજૂ થઇ છે.                  ‘દ્રોપદી’ નવલકથા ‘અગ્નિકન્યા’ નવલકથા કરતા કદમાં મોટી અને અક્ષરોમાં નાની હોવાથી દીર્ઘ કથા બની રહે છે.
બન્ને કથાનાં આરંભમાં મુખ્ય સામ્ય એ છે કે દ્રોપદી અંતિમ ક્ષણોમાં પોતાની આત્મકથની પોતાના પરમ મિત્રને કહે છે. અહીં સ્વકથની સ્વજનને જ કહેવાય છે એટલે આત્મીયતા છે. બન્ને નવલકથામાં દ્રુપદ-દ્રોણની દુશ્મની દ્રોપદીનાં જન્મનું કારણ બને છે, પણ અગ્નિકન્યામાં ફરક માત્ર એટલો છે કે, ઉપયાજ ઋષિ દ્રુપદને  શત્રુતા માટે યજ્ઞ કરવાની ના પાડે છે, જે યજ્ઞ માત્ર યાજ ઋષિ દ્વારા કરાય છે. જો કે ‘દ્રોપદી’ નવલકથામાં યજ્ઞ દ્રુપદ અને યાજ બન્ને દ્વારા થયો છે. ‘દ્રોપદી’માં પિતા દ્રુપદ દ્વારા શ્રીકૃષ્ણને સમર્પિત કરવા દ્રોપદીનું નામ ‘કૃષ્ણા’ અપાય છે. કૃષ્ણ પણ એને આ જ નામે સંબોધે છે. તો ‘અગ્નિકન્યા’માં યાજઋષિ ‘દ્રોપદી’ એવું નામ આપે છે. પરંતું અહીં પણ કૃષ્ણ દ્રોપદીને ‘કૃષ્ણાકુમારી’થી સંબોધે છે ત્યારે બન્ને પાત્ર વચ્ચેની ઐક્યતાનો સ્વીકાર થાય છે.
સ્વયંવર બાદ શ્વસૂર ગૃહે આવેલી ‘અગ્નિકન્યા’ માતા કુન્તીનાં કહેણને સાચું પાડવા પાંચ પતિને  વ્યાસજી અને કૃષ્ણની સમજૂતી બાદ સહજતાથી સ્વીકારે છે. જ્યારે ‘દ્રોપદી’માં દ્રોપદી પહેલા તો અસ્વીકાર જ કરે છે, પણ પછી સ્વીકૃતિ આપે છે. અહીં તે સ્ત્રીહ્રદયનાં સંવેદનથી, નારીધર્મ, સમાજની ઉપેક્ષા, પુરુષના અલગ આગવા સ્વભાવને અનુકૂળ થવામાં ઉદભવતી મૂશ્કેલીઓ – એમ આ બધા પાસાઓ વિશે વિચારી દુ:ખ અનુભવે છે. દ્રોપદી માટે અર્જૂન સાથેનો સાચો પ્રેમ વધારે મૂશ્કેલી પેદા કરે છે. ‘અગ્નિકન્યા’ને આવી કોઇ મૂશ્કેલી કે નિર્મળ પ્રેમનો અનુભવ થતો નથી. એ તો પાંચ પતિઓ સાથે સાંસારિક સંબંધે ગોઠવાઇ જાય છે. એટલે જ આ ભૂમિકાએ જોતી અગ્નિકન્યા સાંસારિક સંબંધોને વિસ્તારવા પતિ અર્જૂનના લગ્ન સુભદ્રા સાથે થાય એમાં આનંદિત છે. દ્રોપદી - અર્જૂનના પ્રેમસંબંધને અહીં રજૂ કરાયો છે પણ અર્જૂન ભાઇઓ અને વડીલો સમક્ષ દ્રોપદીનાં અન્ય સાથેના લગ્નનો વિરોધ કરી શકતો નથી. દ્રોપદીની સંમતિથી અકળાયેલો અર્જૂન અણી જોઇને બાર વર્ષનો વનવાસ સ્વીકારી દ્રોપદી પ્રત્યેની નારાજગી વ્યક્ત કરે છે. દ્રોપદીની જેમ એ પણ વનવાસમાથી પાછા ફરી કૃષ્ણની બહેન સુભદ્રાની સાથે લગ્ન કરી લે છે. અર્જૂનના કામ-ક્રોધને કાબુમાં રાખવા માટે કૃષ્ણએ જ સુભદ્રા સાથે લગ્ન કરાવ્યા છે એ વાતની જાણકારી થતાં દ્રોપદી થોડી શાંતિ અનુભવે છે.
આમ, પતિ-પત્નિનાં સંબંધોમાં સ્ત્રી સહજ લાગણી-વેદનાનો અનુભવ માત્ર દ્રોપદીને જ થાય છે, અગ્નિકન્યાને નહીં.
ધૂર્તની રમતને ‘દ્રોપદી’ નિંદે છે. ‘અગ્નિકન્યા’ નિયમાનુસાર રમાતી ધૂર્ત રમતને સહજતાથી સ્વીકારી લે છે. અહીં ક્યાંય સ્ત્રીની લાગણી દેખાતી નથી. દ્રોપદીમાં આવતો વસ્ત્રાહરણનો પ્રસંગ ફક્ત કપડાનો જ નહીં પણ સ્ત્રીનાં આત્મસમ્માનનો, પતિ-પત્નિનાં સંબંધનો, સમાજમાં સ્ત્રીનાં સ્થાનનો અને સમગ્ર માનવજાતની પશુતાનો પ્રસંગ છે. જેને પ્રતિભારાયે હ્રદયદ્રાવક રીતે વર્ણવ્યો છે. કુરુસભામાં ખેચી લવાતી દ્રોપદી સંપૂર્ણ ભાંગી પડી છે, ત્યાં જ વસ્ત્રાહરણ વખતે ઇશ્વર પ્રત્યેની અતૂટ શ્રધ્ધા આત્મબળ બની સામે આવે છે અને જાગેલા આત્મબળે કૌરવસભાને જ નહીં, સમગ્ર માનવસૃષ્ટિને ડરાવી મૂકી હતી. આમ, દ્રોપદી અહીં સામાન્ય સ્ત્રી, પત્નિ, કે માતા તરીકે જ નહીં પણ જન સમસ્તની માતા બનવા વનવાસમાં આવે છે. આ પ્રસંગ એક બાજુ દ્રોપદીને અકથ્ય વેદનાનો અનુભવ કરાવે છે, તો બીજી બાજુ સ્વને નવા રૂપ-રંગ સાથે નવો જન્મ આપે છે. ‘અગ્નિકન્યા’માં આવો કોઇ અનુભવ થતો નથી. અહીં તો ‘અગ્નિકન્યા’ ક્રોધાગ્નિમાં વધુને વધુ બળતી, સ્વને ખોતી જોવા મળે છે. કર્કશા બની પતિઓનાં દુ:ખને વધુ પીડતી બતાવી છે. અગત્સ્ય ઋષિ એને સમજાવી પતિઓ પ્રત્યે કૂણી પડવાનું કહે છે. આમ, ‘અગ્નિકન્યા’ હિંસાનો જવાબ પ્રતિહિંસા રૂપે આપવા તત્પર છે,  જ્યારે ‘દ્રોપદી’ હિંસા દ્વારા અહિંસાનાં પાઠ શીખવે છે.
‘દ્રોપદી’ યુધ્ધમાં જેમજેમ સ્વજનોને ગુમાવતી જાય છે, તેમ તેમ વધુને વધુ કરુણામયી, દયાળુ, ક્ષમાશીલ બનતી જાય છે. એ પોતાની તરફ કુદષ્ટિ કરનાર નણદોઇ જયદ્રથ, કુન્તી પુત્ર કર્ણને ક્ષમા કરે છે, તો પોતાનાં પાંચ પુત્રોને મારી નાખનાર અશ્વત્થામાને પણ ક્ષમા આપી જગતજનની બને છે. જ્યારે ‘અગ્નિકન્યા’ યુધ્ધ પછી પણ શાંતિ અનુભવી શકતી નથી. એનો ક્રોધાગ્નિ સંપૂર્ણ શાંત થતો નથી એટલે જ જીવનની અંતિમ ક્ષણોમાં હિમાલય અને ઇશ્વર પાસે શાંતિ-શીતલતાની માંગણી કરે છે. દ્રોપદી જીવનકાર્યની પૂર્ણતાની ક્ષણોમાં પરમ શાંતિનો અનુભવ કરે છે. જીવાયેલા જીવનને તટસ્થતાથી ઇશ્વરની સાક્ષીએ જુએ છે. જગત પરની હિંસાને દૂર કરી નવો જન્મ લેવા આતુર છે. અને અંતે તે પોતાનાં બધા જ રાગ-દ્વેષ, વેદના-સંવેદનાથી પર થઇ જગદજનની બને છે.
‘દ્રોપદી’ નવલકથામાં નારીનાં વિશિષ્ટ સંવેદનોને રજૂ કરતાં અનેક પ્રસંગો છે, જે નારીનાં સંવેદન વિશ્વને પૂર્ણપણે પ્રગટાવી શક્યા છે. નારીનાં ધર્મને, તેની સાંસારિક જવાબદારીઓને પ્રતિભારાયે ખૂબ સરસ રીતે રજૂ કરી છે. સ્ત્રીમાંથી મનુષ્ય અને મનુષ્યમાંથી ‘દેવી’ સુધીની ‘યાત્રા’ દ્રોપદીએ પાર કરી છે. આમ છતાં, સામાન્ય મનુષ્યને જીવવાનું બળ આપે એવી એની કર્તવ્યબધ્ધતા ભાવક હ્રદયમાં આગવું સ્થાન બનાવે છે.
‘દ્રોપદી’ એ ફક્ત કોઇ એક સ્ત્રીની, કોઇ એક યુગની જ કથા ન રહેતા સમસ્ત માનવજાતિને સ્પર્શતી કથા બની રહે છે. જીવનનાં ઘણા સનાતન મૂલ્યો-વચનો અહીં ઠેર ઠેર વેરાયેલા પડ્યા છે. જેમ કે.........

  • ‘કોઇ પણ નારી ઉંમર, જાતિ, ધર્મ, દેશથી ઉપર છે, પુરુષ દ્વારા વંદનીય છે.’  (પૃ. 32)

  • ‘તર્કને સહારે નારી પુરુષને સમાન કહી દેવાથી કાંઇ વાત પૂરાપૂરી સ્પષ્ટ થતી નથી. નારીનાં દેહની જેમ એનું મન પણ પુરુષ કરતાં જુદું હોય છે. એટલે યુગે યુગે સમાજ જુદા જુદા નિયમો બનાવતો હોય છે.’   (પૃ. 68)

  • ‘ન્યાય અને નિયમ પકડીને દાંમ્પત્યજીવનમાં મિલન-વિરહ, રાગ-દ્વેષ ન ચાલે.’  (પૃ. 69)

  • ‘મિત્ર પાસે મન ખોલવાથી હ્રદય આકાશ જેવું મુક્ત, ઉદાર અને પ્રકાશમય બને છે.’         (પૃ. 103)

  • ‘પૃથ્વીના પુરુષ સમાજને ખબર પડે કે નારીનું શરીર જ નારી નથી, નારીને આત્મા પણ હોય છે. શરીરને કેદ કરી દેવાથી આત્મા કેદી નથી થતો ......... શરીરનો જબરજસ્તીથી ભોગ કરી લેવાથી જ આત્મા પતિત થતો નથી.’  (પૃ. 106)

  • ‘પોતાનાં કર્તવ્યની ઉપેક્ષા કરી પૂજા-અર્ચના કરવાથી પૂણ્ય મળતું નથી.’ (પૃ. 119)

  • ‘અકૃતજ્ઞતા માણસને પશુ બનાવી દે છે.’ (પૃ. 195)

  • ‘નારીની જેમ પુરુષને માટે પણ જો પરસ્ત્રીની કામના, અક્ષમ્ય અપરાધ શરમજનક હોત તો સંસારમાં આટલા પાપ, આટલા વ્યભિચાર ન થાત .......  નારી પર બળાત્કાર અને પાશવી અત્યાચાર બંધ થઇ જાય.’  (પૃ. 222)

  • ‘પતિ હોય છે સ્ત્રીનો ઇશ્વર, એ જો પત્નીનું રક્ષણ કરવા અસમર્થ હોય, તો ઇશ્વર બને કેમ ઇશ્વર એ જ પુરુષ હશે જે રક્ષક હોય.’ (પૃ. 232)

                           ‘અગ્નિકન્યા’માં આવા સનાતન મૂલ્યોનો અભાવ છે. ‘દ્રોપદી’ એક નારીકથા જ નહીં, પરંતું સમાજને જાગૃત કરવાનું કામ કરે છે. માનવીને દુ:ખમાં હિંમત હારી ન જવા માટે ધૈર્યતા, શાંતિ, આત્મવિશ્વાસ જેવા ગુણો જાગૃત કરી સાચા અર્થમાં મનુષ્ય બનવાની વાત કરે છે. અહીં મનુષ્ય જીવનનાં ઉર્ધ્વીકરણથી કથાનો અંત થાય છે.
ધ્રુવ ભટ્ટની ‘અગ્નિકન્યા’નો ચાલક પુરુષ વર્ગ રહ્યો છે, જ્યારે પ્રતિભારાયની ‘દ્રોપદી’ સ્વબળે સર્વને લઇ ચાલનારી છે. અને એટલે જ કોઇ નથી ત્યારે પણ એને કંઇ અસંતોષ નથી. એનામાં જીવનને પુન: ચલાયમાન કરવાની શક્તિ અકબંધ રહી છે.

 આપના પ્રતિભાવો......

***
 

 
Share us :