SAHITYASETU

ISSN : 2249-2372

 

 

Sahityasetu

Year- 2, Issue- 1, Continuous Issue-7, January-February 2012

 

સાહિત્યસેતુ

વર્ષ- 2, અંક- 1, સળંગ અંક- 7, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2012

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

   

  વાર્તાકળા પ્રત્યેની પ્રતિબધ્ધતા

ડૉ. નરેશ આર. વાઘેલા

                   મોહન પરમાર આધુનિકોત્તર સમયગાળાના મહત્વના વાર્તાકારોમાંના એક છે.સામાજિક પ્રતિબધ્ધતા ભારોભાર છતાં કળા વિશેની પ્રતિબધ્ધતા એમનામાં જોખમાતી જણાઇ નથી.આર્થિક-સામાજિક વિષમતાને કારણે હાંસિયામાં ધકેલાઇ ગયેલા મનુષ્યની વેદના, વ્યથા ગ્રામીણ તેમજ શહેરી સ્ત્રી-પુરુષના જટિલ સંબંધો શૈશવ તથા કિશોરવયનું સંકુલ ભાવજગત, શોષણનો ભોગ બનેલ છેવાડાનો માણસ તેમજ સંર્ઘષરત નારીઓની અજંપાસભર વ્યથા, કોમવાદી સંવેદનાની યાતના – આમ સમકાલીન વાસ્તવના નકકર સામાજિક સંદર્ભે એમની કુશાગ્ર દ્રષ્ટિ વિસ્તરી છે.સામાજિકતા પરની પ્રભાવી પકડ હોવાની સાથે સંકુલ મનુષ્ય સંવેદનાને ઊંડાણથી સ્પર્શવાની એમની નિરૂપણરીતિ પ્રશસ્ય છે.
મોહન પરમાર પાસેથી પાંચ સંગ્રહો મળે છે. ’પોઠ’  એમનો ચોથો વાર્તાસંગ્રહ છે.આ અગાઉ ’કોલાહલ’  ’નકલંક ’, ’કુંભી’ અને પાંચમો ’અંચળો’ સંગ્રહ પ્રગટ થયાં છે.
’પોઠ’ સંગ્રહની અઢાર વાર્તાઓમાંથી પસાર થતાં એમનો વાર્તાકાર તરીકેનો ક્રમિક વિકાસ જોવા મળે છે. ’ભાગોળ’ અને ’વેશપલટો’ આ બંને વાર્તાઓમાં કોમવાદની ઘટના, ’ખળી’ વાર્તામાં તમાકુ ખાંડનાર વર્ગની કફોડી અવદશા, ’અશ્ર્વપાલ પીંગળા અને કાનાજી’ વાર્તામાં ભવાઈ વેશ ધારણ કરતાં ભવૈયાઓની સંવેદના, ’આંચકો’ વાર્તામાં ભુકંપની દુર્ઘટના સાથે નવીનના મૃત્‍યુની ઘટના Juxtapose થઇ છે. ’મરણગતિ ’ વાર્તામાં મૃત્‍યુવિષયક સંવેદન સાથે ચમત્‍કારનું નિરૂપણ થયું છે.’કાયર’ વાર્તામાં દલિત સમાજના લોકોની ઇર્ષા, વેરઝેર, ગ્‍લાનિ વગેરેનું નિરૂપણ થયું છે. ’લાગ’ વાર્તામાં વેર વાળવાની વૃત્તિ સામાજીક- ધાર્મિક અવહેલના દ્વારા વ્‍યકત થવા પામી છે. ’પોઠ’ વાર્તામાં ગુરૂશિષ્‍યના અહમદ્વૈષનાં ચિત્રો સર્જાયાં છે. જેને લેખકે સુક્ષ્‍મભાવથી વ્‍યકત કરવાનો પ્રયત્‍ન કર્યો છે. ’રઢ’ વાર્તા ઊંચનીચના ભેદભાવને દર્શાવે છે. ’આંગણું’ ગામડાના લોકોમાં રહેલા વેરઝેર, દ્વૈષ અને સાથે માનવતાવાદી અભિગમને પ્રગટાવતી વાર્તા છે. ’લુણો’ વાર્તા માણસને લાગતા લુણાને કલ્‍પનપ્રયુકિતના વિનિયોગ દ્વારા દર્શાવાતી વાર્તા છે.
૧૯૯૨ અને તે પછી થયેલા કોમવાદી હુલ્‍લડોની દુર્ઘટના ’વેશપલટો’ અને ’ભાગોળ’ વાર્તામાં આલેખાઇ છે. કોમવાદ માણસને પશુ બનાવે છે. તેથી હિન્‍દુ મસ્‍જિદ તોડવા અને મુસ્‍લિમ મંદિર તોડવા ઝનુની બને છે. આ કૃતિનો નાયક રહિમખાં વાર્તાન્‍તે એટલું તો સમજે છે કે ’’દોનો મે કયા ફર્ક હૈ!’’ કોમી સંવેદનાનો કેવા તીખો અને  વાસ્‍તવલક્ષી સ્‍વર આ પ્રતિભાવમાં પ્રગટે છે. માટે હનુમાનનું મંદીર તોડવા તત્‍પર સુલેમાનને તે રોકે છે. તેની સંવેદના આ રીતે પ્રગટે છે.’’તું મસ્‍જિદ ખોદ રહા હૈ!’’ રહીમખાં જાણે છે કે ક્રોધે ભરાઇને પોતે પત્‍ની શકીલાબાનુને મારવા દોડયો ત્‍યારે શકીલાબાનુ જો મંદિરમાં ન છુપાઇ હોત તો પોતે ક્રોધમાં શું નું શું કરી બેઠો હોત ! કોમવાદી અભિગમને દર્શાવતી આ વાર્તામાં રહીમખાંના મનોસંચલનો સરસ અભિવ્‍યકિત પામ્‍યાં છે.
’ભાગોળ’ વાર્તામાં હુસેનઅલી અને મંદિરના પુજારીને કેન્‍દ્રમાં રાખી હિન્‍દુ-મુસ્લિમની અતિસંવેદનશીલ સામાજીક વિટંબણાને-એમના ભેદભાવને લેખકે સંયમિત કલમે અભિવ્‍યકત કરી છે. અહી હિન્‍દુ-મુસલમાન વચ્‍ચેના નવા સંબંધો વ્‍યકત થતાં જોવા મળે છે.
’ખળી’ વાર્તા તમાકુ ખાંડનારાઓની દયનીય સ્‍થિતિમાં પ્રગટતાં દલિત સંવેદનનો અનુભવ કરાવે છે. તમાકું ખાંડવું એટલે રોગને નિમંત્રણ આપવું પણ અહી તો શેઠને એ તમાકુની ખેતી કરી ખળીમાં તમાકું ખાંડી પૈસા ઊભા કરવા છે, તેને લોકોની જિંદગી સાથે શું નિસબત? આખી વાર્તા પ્રથમ પુરૂષ કથનકેન્‍દ્રમાં ભયગ્રંથિના વિષયરૂપે સબળ કલમ દ્વારા લેખક અભિવ્‍યકત કરી શકયાં છે.
ગ્રામચેતના હજીપણ ભવાઇના ખેલોમાં ધબકતી અનુભવાય છે.’અશ્ર્વપાલ, પીંગળા અને કાનાજી’ વાર્તામાં આવા ભવૈયાઓના જુદાં જુદાં વેશની ઘટના નિરૂપાઇ છે.કાનાજી પીંગળાને ખુબ પ્રેમ કરે છે.પીંગળાનું પાત્ર ભજવનાર તો પુરૂષ જ છે. મફોતૂરી કે જે હોથલ પદમણી,પીંગળા જેવા ભવાઇ વેશમાં પાત્રો ભજવે છે.એટલે મફોતૂરી નહિં પણ તેના ભવાઇ વેશે રહેલા પાત્ર પિંગળાને કાનાજી પ્રેમ કરી બેસે છે. કાનાજીનું વર્તન હાસ્‍ય જન્‍માવે છે. તે પિંગળાને બાહુપાશમાં જકડવાનો પ્રયત્‍ન કરે છે, પણ મફોતૂરીનો અસ્‍સલ ચહેરો પ્રગટ થતા, છાતીએ મુકેલા ડૂચાનો અજબ સ્‍પર્શ અનુભવતા કાનાજી પર સવાર થયેલા પિંગળાનો નશો ઉતરવા માંડે છે. શેષમાં કાનાજી પોતાની પત્‍ની જીવુબાને- ’’ હટ રાંડ પીંગળા’’ કહી બેસે છે અહીં ભર્તૃહરિનો સંકુલ ઉદ્દગાર પ્રગટતો જોવા મળે છે.
વેરની અતૃપ્‍તિ અને ઇર્ષ્‍યાભાવને વ્‍યકત કરતી ’લાગ’, ’રઢ’ વાર્તાઓને જોઇ શકાય. પ્રથમ પુરુષ કથનકેન્‍દ્રમાં રચાએલી ’રઢ’ વાર્તામાં દલિત સંવેદન કેન્‍દ્ર સ્‍થાને છે. જશુભા ગામનો મુખી જે દર વર્ષે દશેરાના દિવસે ઘોડાદોડ રાખે છે.જેમાં જેઠો મેઘવાળ જે દલિત છે એણે પણ ઘોડા દોડાવવામાં ભાગ લીધો.રણવીરે તેને ખુબ સમજાવેલો છતાંતે જશુભાના ઘોડા કરતાં રેસમાં આગળ નિકળી ગયેલો.જેથી જશુભાનો અહમ ઘવાયો અને મેઘવાળ જેઠાને ચાબુકથી ફટકાર્યો, બાપુની માફી માંગી વાસ ના લોકો જેઠાને લઇ ગયા, નિમ્‍ન જાતિના લોકો જાણે માર ખાવા જ સર્જાયા હોય. એને બીજો કોઇ અધિકાર નહી ઊંચા અવાજે  ન બોલાય, દબાયેલા રહેવુ પડે, પણ જેઠો વેર વાળવા તત્‍પર બને છે. વાર્તાકારે અહી કલ્‍પનો, વર્ણનો પ્રતિકોનું સુંદર નિરૂપણ કર્યુ છે. જંગલોમાંથી પસાર થતા જેઠો જશુભાની નજરે ચઢે છે. પણ ચિત્તાના અવાજથી ડરીને રણવીર, જશુભા ઝાડપર ચઢી જાય છે. જેના પર જશુભા હુમલો કરે તે પહેલા ચિત્તો તેને મારી નાખે છે. તેથી જશુભાનો કડપ વધ્‍યો ચિત્તા પર ગોળી છોડી પણ પોતાનો બદલો ચિત્તાએ લઇ લીધો હોવાનુ જણાતા તે ચિત્તાના પગલા પર ઘા કરવા લાગ્‍યો,  જાણે જેઠા પરનો રોષ ઉતારતા ન હોય!
’લાગ’ વાર્તા ધાર્મિકતા સાથે માણસોના મનોવ્‍દ્દૈષને પણ દર્શાવે છે. દેવા ગણેશ અને નરસી ભીખા વચ્‍ચે દુશ્‍મનાવટ છે.દેવા ગણેશે એકવાર નરસી ભીખાનું અપમાન કરેલું એટલે લાગ મળે તો તેનો બદલો વાળવા તત્‍પર છે.તેને આજે રામાપીરની પાલખી નીકળી ત્‍યારે  લાગ મળે છે.ગામડાના લોકોની રામાપીર પરની શ્રધ્‍ધા,પુરીડોશીની ઠઠા ઉડાડતા લોકો,ઘેરઘેર ફરવવમાં આવતી પાલખી,નરસી ભીખાએ જોયું કે પાલખી દેવા ગણેશના ઘર પાસે પહોચીં પણ તેના કમાડ બંધ હતાં. ઘર બંધ જોતા વેર લેવા તડપતો નરસી ભીખા ધ્રૂજવા માંડે છે.એના સુમસામ ઘરની ઓકળીઓ જાણે એની મશ્‍કરીઓ કરતી ઠિઠિયારે ચડી હતી પાલખીમાં દીવો તો ઝળહળતો, રામાપીરનો ઘોડો સ્‍થિર...  પણ એમણે પકડેલો ભાલો જાણે નરસી ભીખાને પોતાની તરફ લંબાઇ રહ્યો હોવાનું કપોળકલ્‍પનાથી પ્રતીત થાય છે દલિતોમાં પણ વેરઝેર,ઈર્ષા, વ્‍દ્દેષ હોય છે તે આ વાર્તામાં સુપેરે પ્રગટ થયું છે. આખી વાર્તા નરસીભીખાના આંતરમનમાં ચાલે છે.
’પરકાયાપ્રવેશ’ વાર્તામાં સ્‍વામી ચિમનાનંદજીના અહમની ટકકર એમના પટ્ટશિષ્‍ય ચકોરજી સાથે Fantasy રીતિ વ્‍દારા દર્શાવાય છે. ’વાવ’ વાર્તા પ્રતીકાત્‍મક શૈલી અને કપોળકલ્‍પનાના વિનિયોગ વ્દ્રારા લખાઇ છે. અહી બે ભાઇઓ વચ્‍ચેના છુટા પડવાની ઘટના કેન્‍દ્રસ્‍થ છે. દલપત પોતાના રીસાયેલા ભાઇને મનાવવા જાય તે ઘટના તો નિમિત્ત માત્ર છે. પાત્રના મનોસંચલનો વ્‍દારા ઘટના આકારીત થતી જાય છે. શેઢો,કેડીઓ,નેળીયાનું વર્ણન તળપદ ગ્રામીણ સમાજને ઉજાગર કરે છે.
’આંગણું’ વાર્તા ગ્રામ્‍યવિસ્‍તારમાં ફેલાયેલા માણસના વેરઝેર, ઇર્ષા,વ્‍દેષ અને પોતાના આંગણાની આટલી જગ્‍યામાં કોઇની અવરજવર પણ નહી એવા મોતી ડોસી અને સુરજગૌરી વચ્‍ચે ચાલતા વિખવાદને વર્ણવે છે.અહી મોતી ડોસી અને ગોંસાઇજીના બે કુટુંબો વચ્‍ચેની કટુતા વાર્તાનો વિષય છે. બે આંગણાંની વચ્ચે રોડા નંખાવી લક્ષ્‍મણરેખા દોરવામાં આવી છે.પણ સુરજગૌરીને મન તો આ ’’રોડાં જાણે મોતી ડોસીની પ્રતિકૃતિ જેવા ’’ જણાય છે.મંદીરની આરતી કરવામાંથી વાકું પડયું અને બોલવાના પણ સંબંધો ન રહ્યાં. પણ ત્‍યાં અચાનક મોતી ડોસીએ દેહ છોડી દીધો ત્‍યારે બધી રીસ ભુલી સુરજગૌરી અને ગોંસાઇજી ગંગાજળ લઇને દોડી ગયા આંગણામાં બેઠેલા લોકોને કારણે બે આંગણા વચ્ચેની પેલી રોડાંની ભેદરેખા તો કયારનીય ભૂંસાઈ ગયેલી જણાય છે. આંગણું એકાકાર થયાનો અનુભવ
વાચકને અવશ્ય થાય છે.
‘લૂણો‘ વાર્તા પ્રથમ પુરુષ એકવચનમાં લખાઈ છે. આલંકારિકતા, પ્રતીકાત્મકતા, ચમત્કૃતિ, કલ્પનો દ્રારા થતું વાર્તાઓનું નિરૂપણ ધ્યાનાકર્ષક બને છે. વાર્તામાં માણસને લાગતા ખારપાટ–લૂણાની વાત છે. ખારાશ બાઝી ગયા પછી તે કટાઈ જાય એનો કશો ઈલાજ નથી. કોઢનું એક બિંદુ પછી આખા શરીરે ફેલાય તેમ આ લૂણો આંગળીઓ પછી છાતી, કપાળ, પેટ પર પ્રસરે છે. નકામા બની ગયેલા માણસોની વાત અહી વાર્તાનો વિષય બને છે.
મોહન પરમારના ’પોઠ’ સંગ્રહની વાર્તાઓમાં, વિષયવૈવિધ્ય જોવા મળે છે.નારીના જીવનની વિડંબના, ગામડાના લોકોના વેરઝેર દ્રૈષ અને ભાવનાવાદી અભિગમ પણ ખરો.રીતરિવાજો, ધાર્મિકતા, તળપદી બોલીનો વિનિયોગ વાર્તામા ધ્યાનાકર્ષક બની રહે છે. રચનારીતિ અને ભાષાની આલંકારિકતા વાર્તામાં સુપેરે પ્રગટતી જણાય છે. વાર્તાકારની વાર્તાકળા અંગેની સૂઝ ધ્યાનાર્હ બની રહે છે. અન્ય દલિત વાર્તાકારોની પ્રતિબધ્ધતા દલિતપણા સાથે છે. જયારે મોહન પરમારની પ્રતિબધ્ધતા વાર્તાકળા પ્રત્યેની રહી છે.

ડૉ. નરેશ આર. વાઘેલા
111, મહાવીરનગર, અંકલેશ્વર
9825508975

આપના પ્રતિભાવો...

***
 

 
Share us :