SAHITYASETU

ISSN : 2249-2372

 

 

Sahityasetu

Year- 2, Issue- 1, Continuous Issue-7, January-February 2012

 

સાહિત્યસેતુ

વર્ષ- 2, અંક- 1, સળંગ અંક- 7, જાન્યુઆરી-ફેબ્રુઆરી 2012

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નિબંધ એ કંઇ ઓગઠ કરવાનું સાધન નથી.

ડૉ.નરેશ શુક્લ

નિબંધની સીમાઓ અમાપ છે. એ દરેક સર્જકે અને સર્જકની રચનાએ રચનાએ નવલાં રુપ ધરે છે, એ સો-સવાસો વર્ષની નિબંધ પરંપરામાં આપણે અનુભવ્યું છે. વાચક સાથે સીધા સંપર્કમાં મુકાતો સર્જક મુક્તપણે વિહાર તો કરી શકે છે પણ ખરેખર એ મુક્ત હોય છે ખરો ? આ મુક્તિને પોતાનું એક બંધન હોય છે. કેમકે, વાચક સામે જે પીરસવાનું હોય છે એના દ્વારા જ સર્જક-વ્યક્તિત્વ પણ પ્રગટવાનું છે. જોખમા ત્યાં જ છે. વાર્તા, નવલકથા કે અન્ય સ્વરુપોમાં પાત્રો અને પ્રસંગોમાં સર્જક પોતાની જાતને ગોપવીને વ્યક્તિત્વ પ્રગટાવી શકે, જયારે નિબંધમાં તો સર્જનહારે હાજરાહજૂર થવું પડે છે અને મુખોમુખ થવું બધી વાર સહેલું નથી હોતું. એટલે આ સ્વરુપ ખેડનારાં લેખક જો સભાન ન રહે તો રચના કેન્દ્રવિહીન બની જાય અથવા તો પોતાનું વ્યક્તિત્વ ગુમાવી બેસે.
વર્ષ ૨૦૦૦-૨૦૦૧ના પ્રથમવાર પ્રકાશિત થતા નિબંધસંગ્રહોનું સરવૈયું મારે રજૂ કરવાનું છે. આરંભ જ કહી દઉં કે નિબંધને ગંભીરતાથી ખેડતા નિબંધકારો કરતાં સંકલન-કસબ દાખવીને વર્તમાનપત્રો દ્વારા સતત હાજરી પુરાવનારા કલમસ્વામીઓનો ઢગલો મોટો છે. એ ઢગલામાંથી શક્ય એટલા તમામ સંગ્રહમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો છે.
સામાન્ય રીતે નિબંધ લલિત, ચિંતનપ્રધાન, હાસ્ય, ચરિત્ર, પ્રવાસ જેવા વિભાગોમાં વહેંચવાની પરંપરા છે તેને અનુસર્યો છું, પણ એ વર્ગીકરણ સગવડ ખાતર છે. સંગ્રહના બધા નિબંધો એક વર્ગમાં ન પણ આવતા હોય- તેવું બન્યું છે. તો શરુઆત આપણે લલિત-સર્જક નિબંધથી કરીએ.
ચિત્રકૂટના ઘાટ પર એ ભોળાભાઇ પટેલનો નિબંધસંગ્રહ છે. ઘડાયેલી કલમના આ પરિપાકમાં મળે છે સંવેદન અને સ્વસ્થ ચિંતનની કલાપરક અનુભૂતિ કરાવતી રચનાઓ. આ સફર માત્ર ભૌગોલિક કક્ષાએ ન રહેતાં સમષ્ટિ-ચેતનાની ક્ષિતિજોને તાકે છે. થોડી ’રામ’લીલા, વાલ્મિકીના રામઃ એક પુરુષ-એક મનુષ્ય, જેવી રચનાઓમાં રામ સૂત્રરુપે છે. એના દ્વારા ભાતીગળ ભારતીય સમાજની વિવિધ લાક્ષણિકતાઓ આકારિત થાય છે. ’નષ્ટનીડ’, ’નિરાલંબ નજર’, ’પાનખર વસંતને સંધિકાલે’, ’એક અષાઢી સાંજ’, ’હે મેઘરાજા’... જેવા સુદ્ધ સર્જકનિબંધોમાં માનવ અને પ્રકૃતિની ચેતના કેવા કેવા રુપે સંકળાયેલી છે, પરસ્પરને કેવી રીતે પ્રસન્ન કરે છે- એ આલેખાયું છે. પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો અને એનું ગાન કરનારા પૂર્વસૂરિઓ, સમકાલીનોના કલારુપ પામેલા સંદર્ભોથી ઊભરી આવતાં ચિત્રો અદ્ભુત છે. કપાતાં વૃક્ષો સાથે ઊઠતી વેદના, પક્ષીઓના ચેહકાટ સાથે ઊછળતો ઉલ્લાસ, નરનારીઓના ભાતીગળ સૌંદર્યો અને સંબંધોની ગોચર-અગોચર સૃષ્ટિ આ રચનાઓમાં ઊપસે છે. કેટલાક નિબંધોમાં પૂર્વ-સ્મૃતિઓ, ચકલા ચકલીની વાર્તાનું આગવું અર્થઘટન, યાન્નીના સંગીતમાં ઝબોળાયેલ તાજનું દર્શન,- વિદગ્ધ સર્જક એક જ સમયે કેટલું બધું એક સાથે જીવતો હોય છે ! શિષ્ટ અને રસાળ શૈલી વાચકને પકડી રાખે છે. બીજા ખંડમાં અન્ય કલાઓ, ખાસ કરીને ફિલ્મકલા સંબંધી ગોષ્ઠિ અને કેટલીક ફિલ્મોના સ-રસ આસ્વાદ મળે છે. ’રુક્મણિ...રુક્મણિ...શાદી કે બાદ ક્યા ક્યા હુઆ ?’ જેવા વિષયો ભોળાભાઇના રસવૈવિધ્ય અને રોમેન્ટિક-પણાને ઉજાગર કરે છે.
આ વર્ષોમાં ભગવતીકુમાર શર્મા બે સંગ્રહો આપે છે. એમાંના એક ’નદીવિચ્છેદમાં એમના, પૂર્વે પ્રગટ થયેલા આઠેક નિબંધસંગ્રહોમાંથી પસંદ કરાયેલા નિબંધો છે. આ સંગ્રહની રચનાઓમાં વિષયનાં પરિમાણો અને ભાષા-વિન્યાસની લાક્ષણિકતાઓ નોંધપાત્ર છે. અતીતરાગ ઘૂંટાયો છે. વર્તમાન સાથે સેળભેળ થતો અતીતને પુષ્ટ કરનારાં અર્થોત્તેજક સંદર્ભો, વચ્ચે વચ્ચે ભાષાની ખૂબીઓ પાસે અટકતા લેખકની સૂક્ષ્મ હાસ્યવૃત્તિથી નિબંધ આગવી છાપ જન્માવે છે. સ્વજનો, રિવાજો, સૂરતી તાસીર ને આ બધું જરાં પણ અંગત ન બને એની સભાનતા જાળવાતા આ લેખક બદલાતા જીવનની કેટલીક અસરકારક લાક્ષણિકતાઓ પકડે છે.
’ફૂલો સાથે વાત કરવાનો સમય’ એ એમનો બીજો નિબંધસંગ્રહ. એમાં ઋતુઓનાં વિવિધ રુપો, પ્રકૃતિ અને માનવકારણ, મિથનો સમયોચિત ઉપયોગ, સહજ વણાતી કાવ્યપંક્તિઓ, લોકોક્તિઓ અહીં યાંત્રિક રીતે નહીં પણ જરુરિયાતરુપે વણાય છે. આ બંને સંગ્રહોની રચનાઓમાંથી લેખકનું સૌમ્ય, રસિક અને મિતભાષી વ્યક્તિત્વ આકારિત થતું જાય છે. ગમતી - ન ગમતી ક્રિયાઓ, વિચારો  પ્રત્યેનો સમ્યક્ ભાવ અને શિષ્ટ ગરિમાપૂર્ણ, પ્રવાહી ભાષા આસ્વાદ્ય છે. સામ્પ્રત સમસ્યા અને સ્થિતી થી મોં ફેરવવાને બદલે ગોષ્ઠિ દ્વારા, મિત્રભાવે ચર્ચા દ્વારા ચિંતન પણ વણતા રહે. પ્રસંગોની યાદ, વિચારો અને આલેખનરીતિમાં ક્યાંક પુનરાવર્તન અનુભવાય..
આ વર્ષોમાં વિનેશ અંતાણીના બે સંગ્રહો મૂલ્યવાન ઉમેરણ બની રહે તેમ છે. આત્માની નદીના કાંઠે માં આત્મલક્ષી અને પરલક્ષી સ્તરે વિસ્તરતી રચનાઓ છે. પ્રકૃતિ તરફનો અનુરાગ ખાસ કરીને વરસાદ, સીમ ને પંખીઓ, પિતાનું રેખાચિત્ર અને આકાશવાણી સાથે જોડાયેલા હોઇ પ્રસિદ્ધ પ્રતિભાઓ સાથેનાં સંસ્મરણો અને ખાસ ધ્યાન ખેંચે છે સમયના વિવિધ રુપોનું પ્રતીતિક્ષમ આલેખન. સમય તરડાઇ ગયેલો, કંટાળાજનક હદે થંભી ગયેલા સમયમાં વિકરાળ બનતી એકલતાની ક્ષણોનું આલેખન અદ્ભુત છે. અમદાવાદ અને મુંબઇના કોમી હુલ્લડોની ગોઝારી રાતો, ગમી ગયેલ લેખક કે તેમની કૃતિ વિશેના પ્રતિભાવો માણવા જેવા છે. બીજો સંગ્રહ છે ધુમાડાની જેમ ખરેખર તો ચંડીગઢ નિવાસ દરમિયાન લખાયેલી રોજનિશીના અંશો છે. ત્રાસવાદના ભયાનક ઓથારમાંથી ધીમે ધીમે બહાર આવવા મથી રહેલ પંજાબનાં એ વર્ષોમાં વીનેશ અંતાણી બે વર્ષ ચંડીગઢમાં કાઢે છે. સતત સંત્રીઓથી વીંટળાઇને, સ્વજનોથી દૂર એકલા ને વારંવાર બદલાતા રહેઠાણ વચ્ચે અટવાઇ પડેલા લેખકના ચિત્તમાં જે ઝિલાય છે તે અહીં આલેખાયું છે. તળ પંજાબની છટપટાહટ અલપ-ઝલપ રીતે બેરગ્રાઉન્ડમાં અનુભવાય, એની ઉપર છંટાય છે બદલાતી ઋતુઓના પંજાબી રંગ, બનતી ઘટનાઓ, તાર-ફોન કે પત્રરુપે પ્રત્યક્ષ થતા સ્વજનો અને તે સમયે ઊભરી આવતી વતનની સ્મૃતિઓ. ત્રણેક સ્થળોના યાદગાર-ભવ્ય પ્રવાસો, પહેલો વરસાદ ને સતત નત મસ્તકે સાથે આપતો ટેબલ-લેમ્પ, તડકો અને વૃક્ષો, સંત્રીઓ અને તંબુઓ, બધું ધૂમાડા જેમ છવાયેલું છે. થોડી થોડી વારે દૃશ્ય, અદૃશ્ય ને બદલાતા આકારોવાળું, વિચારો અને એકલતાથી છટપટથી સર્જકચેતનાનો કલાનુભવ અહીં થાય છે. બધું પ્રવાહી રસાળ શૈલીએ વ્યક્ત થાય છે.
’આસોમાં ઊઘડતો અષાઢ’ લઇ આવ્યા છે યજ્ઞેશ દવે. શુદ્ધ સર્જકનિબંધના આશયથી લખતા કવિ યજ્ઞેશ દવે પાસેથી કેટલીક ઉત્તમ રચનાઓ મળે છે. પ્રકૃતિને વ્હાલ કરનારો આ નિબંધકાર ભારે નમ્ર છે. પ્રકૃતિપ્રેમ પણ કેટલાક નિબંધકારો માટે આત્મગૌરવ કરવાનું સાધન બનતો હોય ચે. જયારે અહીં હ્યદયની સચ્ચાઇ સ્પષ્ટ અનુભવાય છે. પ્રકૃતિત્ત્વો એના પૂરેપૂરા વૈભવ સાથે નિબંધકારના ચિત્તમાં વિલસતાં અનુભવાય. મૂળે કવિ એવા યજ્ઞેશ દવેના નિબંધોમાં ઘણી જગ્યાએ કાવ્યાનુભવ થાય !
ભોળાભાઇએ યોગ્ય ટકોર કરી છે કે નિબંધ એ નિબંધ છે, એ કવિતા બની જાય તો એ નિબંધપણું ખોઇ બેેસે છે. જો કે મોટાભાગની રચનાઓ નિબંધરુપ જાળવી રાખે છે. ટીંટોડી, બુલબુલ, હોલા જેવા પક્ષીઓ, વૃક્ષો, યાત્રા દરમિયાન હમસફર બની રહેલા સ્વામી-મહારાજ, રેમ્બ્રોનાં ચિત્રો જેવા બે યાદગાર પ્રસંગો, પ્રેમ શબ્દ અને એનાં સ્વરુપોની અનુભૂતિઓનું ચિંતન - તાજગીસભર છે. નિબંધને જુદી જુદી રીતે લખવા તરફ સભાન એવા લેખક અવનવી રીત ખપમાં લે છે પણ આંતરિક પૅટર્ન સમાન બની રહે તો કેટલીક બાબતો જેવી કે નિશા, કૂંજડીઓ,ઋણ ચુકવણી અને કેટલાક સ્વજનો તરફનો વિશેષ લગાવ અવારનવાર ડોકાઇ જાય છે.
કવિ-નવલકથાકાર રામચંદ્ર પટેલનો નિબંધસંગ્રહ ’સૂરજ અડધો સૂકો, અડધો લીલો ચાંદો’ એકી બેઠકે વાંચી જવાય તેવી રસસૃષ્ટિ ધરાવે છે. આ નિબંધકાર ગામડાનો જીવ તો ખરો જ પણ એથીયે વધીને પ્રકૃતિનો ઉપાસક. શબ્દે શબ્દે અનુરાગ છલકે. આ નિબંધોને ત્રણ ભાગમાં વહેંચી શકાય ઃ એક તો સીમ અને બાળપણની રખડપટ્ટી, બીજામાં સ્થળને કેન્દ્રમાં રાખીને વિસ્તરતા નિબંધો અને ત્રીજો પ્રકાર છે વ્યક્તિને કેન્દ્રમાં રાખી લખાયેલી રચનાઓ. આ ત્રણેય પ્રકારના નિબંધોમાં સર્વસાધારણ હોય તો તે છે સંવેદનપટુ સર્જકનો ઊંડો તલસાટ અને મુગ્ધતા. ચરેડી, મગોલું, સૂર્યમંદિર, રાજગઢી, રાણીવાવ - જેવા નિબંધોમાં એ સ્થળોની વિગતો રસવાહી બનીને આવે છે. ’ગામનાં પાંચ સૂર્યમુખી’માં લેખકના ગામ ઉમતાના વતની અને કલા કે સમાજસેવા વડે ગુજરાત અને દેશમાં નામના મેળવનાર વિભૂતિઓના અને ગામના બે સામાન્ય જનોનાં શબ્દચિત્રો ચિત્ત પર અંકિત થઇ રહે. ટૂંકા વાક્યોવાળી શૈલી આગવો વિશેષ બની રહે.
ચિંતન અને અવતરણ મઢેલા નિબંધો - લેખોથી આપણાં સામયિકો અને વર્તમાનપત્રો ઊભરાઇ રહ્યાં છે. કોઇ સ્પષ્ટ ભૂમિકાને આધાર બનાવ્યા વિના માત્ર ઘટના કે અવતરણને ખીલે કૂદતા નિબંધકારો(!)ની લાંબી કતાર લાગી છે. એમાંથી મોટાભાગનામાં નથી ઊપસતો નિબંધકાર કે નથી ઊપસતો વિષય. પરિણામે માહિતી આપનાર, સંકલન-લેખ માત્ર બની રહે છે. સદ્નસીબે થોડા સંગ્રહોમાં આપણી ચિંતનાત્મક નિબંધ- પરંપરાને જીવંત રાખનારું કૌવત દેખાય છે. એવા બે સંગ્રહો મળે છે કવિ લાભશંકર ઠાકર પાસેથી, આ સંગ્રહોમાં સર્જનાત્મક કક્ષાએ વિસ્તરતું ચિંતન છે.  ’વિનિમય વૃક્ષ’માં ધર્મ, જીવન,ઇશ્વર આદિ તત્ત્વજ્ઞાનના પાયાના પ્રશ્નો, ચિત્ત વિચાર અને વિચારસરણીઓને લગતા પ્રશ્નો, સમાજ-માનવીય સંબંધો અને સાંપ્રત સમસ્યાને કેન્દ્રિત કરતા પ્રશ્નોના ઉત્તર લા.ઠા. પોતાની વિશિષ્ઠ શૈલી અને આગવા દૃષ્ટિકોણથી આપે છે. કામુ અને સાર્ત્ર જેવા વિચારકોથી રંગાયેલા આ કવિ ધર્મ-સંપ્રદાય-ક્રિયાકાંડોના અને એના ઉપરથી રચાયેલા સામાજિક માળખાને નકારે છે. એમાં ધિક્કારની કટુતા નથી પણ સ્વીકાર પણ નથી. ’ક્ષણ’ને જીવી લેવામાં માનતા લા.ઠા.ને રસ છે પોતાની ચેતનામાં ઊઠતાં આંદોલનોને પામવા-સમજવા અને આલેખવામાં. વાચકો તરફથી પત્ર ન આવતાં લા.ઠા. માં જન્મતો ઝંઝેડાટ, ઘૂંટણિયે પડેલા વિરાટ લા.ઠા.નું ચિત્ર તાદૃશ્ય થાય છે.
’ઢોળી ગયા જે તડકો’માં સ્વ-ચેતનાની ઓળખ માટે મથતાં સર્જકો, એમની વિશ્વપ્રસિદ્ધ રચનાઓ, નાટક, નવલકથા, કવિતા કે વાર્તાના ભાવનથી લા.ઠા.ના ચિત્તમાં જે અનુભવ થાય છે તે ભાવકને પ્રસાદરુપે મળે છે. ઇબ્સનનાં નાટકોથી શરુ કરીસ બૅકેટ,દોસ્તોએન્સકીથી માંડી ભારતીય કવિ-લેખકો અને ચાર્લી ચેપ્લીનથી માંડી ગુજરાતના કેતન મહેતા સુધીના સાચા અર્થમાં શુદ્ધ કલાપદાર્થને પામવા મથતાં કલાકારો અને કૃતિઓના વિશિષ્ટ સ્ફુલિંગો આપણી સામે મૂકી આપે છે. આ વિવેચન, સારલેખન કે આસ્વાદ લેખો નથી... આ લેખોમાંથી ઊભરી આવે છે લેખકનું વ્યક્તિત્વ. છલોછલ ભાવન-સમૃદ્ધિથી છલકતા સર્જક ચિત્તનો ઊભરો છે અહીં. અનેક વિષયના મૂલગામી ચિંતનમાં ઊતરી પડતા લા.ઠા. હળવા રહીને ગતિ કરે છે, ચિંતન ભારેખમ નથી બની રહેતું. છતાં ભાવક પાસે પણ સજજતાની અપેક્ષા તો ઊભી રહે જ છે. લા.ઠા. નિબંધમાંય બધાં માટે નથી. ભાષાની વિશિષ્ટ સજજતા આ નિબંધોનો વિશેષ છે.
’દેવોનું કાવ્ય’ લઇને આવ્યા છે પ્રવીણ દરજી. આ નિબંધોમાં માનવ અને સમષ્ટિની ચેતના વચ્ચેના સંબંધોને પામવાની,સમજાવવાની મથામણ છે. ઉપનિષદથી માંડીને વિશ્વના મહાન ચિંતકો, વૈજ્ઞાનિકો, માનસશાસ્ત્રીઓ, શિક્ષકો, સંતો અને રાજપુરુષોએ આપેલા વિચારોને ખપમાં લેતા જઇ વર્તમાન મનુષ્યમાં વ્યાપેલા ભોગ-વિલાસ અને આડંબરને ખુલ્લો કરે છે. એમના નિબંધોમાં પ્રેમ,યુદ્ધ લોકશાહી,સમાજ વ્યવસ્થા, શિક્ષણ જેવા સીધા સ્પર્શતા વિષયોમાં કેવો અંધેર ચાલે છે અને આદર્શ શું હોઇ શકે ? તે રજૂ કરવા માટે દૃષ્ટાંતકથાઓ, સૂક્તિઓ, સાંપ્રત સમયે બનેલ વિધ્વંસક ઘટનાઓનો આશ્રય લે છે. માનવમાં રહેલ અફાટ ઊર્જા, પ્રેમની તાકાત વિશે અને અનેકવિધ વિચારસરણીઓ, ક્રિયાકાંડોને કારણે જન્મેલી વ્યાપક અજ્ઞાનતા, ટોળામાં જીવવાની આદતને પરિણામે ગુમાવી દીધેલ સ્વ-ની ઓળખ અને ઓળખવાની દિશા પણ ખોટે માર્ગે- જેવા પાયાના પ્રશ્નો અંગે ચિંતન મળે છે. ઉદાત્ત અને ખુલ્લા મનના આગ્રહી છે.
આ નિબંધકાર ઘણીવાર વ્યાસપીઠ પર બેઠેલા અનુભવાય છે,એટલે ભાવક અંતર અનુભવે. લગભગ બધા નિબંધનો ઉઘાડ, ખીલવણી- એકાદ અવતરણ કે ઘટનાનો ધક્કો અને વિચાર-વિમર્શની રચનારીતિ જણાઇ આવે !
’અજબ ભયોજી ખેલ’માં વિજય શાસ્ત્રી ખીલ્યા છે. સરેરાશ માણસને સ્પર્શતા રોજબોજના પ્રશ્નો અને સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને વર્તમાનપત્રમાં કાૅલમરુપે લખાયેલા આ લેખોમાં કટાક્ષ ભરપુર છે. સરકારી કર્મચારી અને ફરજ પ્રત્યેની બેદરકારી, શિક્ષણમાં વ્યાપેલી બદીઓ, શૈક્ષણિક  સંસ્થાઓ, અણઘડ ટ્રસ્ટીઓ, દેશની ટોળાશાહી,ટી.વી.,ફિલ્મોનો દુસ્પ્રભાવ ને વૃદ્ધાવસ્થાની કરુણા જેવા વિષયો પર વ્યંગ મળે છે. આ લેખોની ભાષા સાવ અખબારી નહીં તોય વાચકભોગ્ય તો છે જ. સામાન્ય માણસ જે વિચારે છે, સમજે છે એને ર્તાિકક રીતે અહીં મૂકી અપાયું છે. સ્વરુપની દૃષ્ટિએ આ લેખો સ્વયંસંપૂર્ણ નિબંધ બનતા નથી. વિષય ઉભરે છે એટલું જ.
’આનંદની આરાધના’ અને ’ઉજાસનાં એંધાણ’ એ બે નિબંધસંગ્રહો રમણ પાઠક ’વાચસ્પતિ’ના છે. ભારત અને વિશ્વની પ્રજા ધર્મ, સંપ્રદાયો, ચૂસ્ત સમાજવ્યવસ્થા અને ખોખલી રાજય વ્યવસ્થાઓના જમેલાઓમાં અટવાઇ પડી છે. કેવા કેવા કાલ્પનિક અને અદૃષ્ટ ખ્યાલો વડે પીડાય છે- એનું આલેખન આ રેશનલ નિબંધોમાં કરાયું છે. ચોક્કસ ઉદ્દેશથી લખાયેલા આ નિબંધોમાં દરેક વિચાર કે આચારનું ખંડન-મંડન વૈજ્ઞાનિક રીતે કે ર્તાિકક રીતે કરાયું છે. ઇશ્વરનો તદ્દન અસ્વીકાર અને આનંદપ્રાપ્તિના ધ્યેય સાથે લખતા વાચસ્પતિની ભાષા અસરકારક, સ્પષ્ટ અને શિષ્ટ છે. ’સંશય’નો મહિમા કરવામાં આવ્યો છે. એમને શ્રદ્ધા છે કે સુધારાવાદી-વિજ્ઞાનવાદી વિચારો ધીમે પણ મક્કમ રીતે ફેલાઇ રહ્યા છે ને એટલે જ સર્વત્ર વ્યાપેલા અંધકારમાં જુએ છે ઉજાસના એંધાણ.
જાણીતા પત્રકાર કાન્તિ ભટ્ટ ચેતનાની ક્ષણે શ્રેણીને આગળ ચલાવી ચેતનાનો ઉજાસ નામે નિબંધો આપે છે. બહોળા વાચક વર્ગને આંજી નાંખનારી,પકડી રાખનારી શૈલીએ સાંપ્રતથી માંડી મિથના અડાબિડ જંગલોમાં વિહાર કરે છે. દેશ-વિદેશની કથાઓ, કલાકારો, રાજનેતાઓ, ચિંતકોના જીવનની ઘટનાઓ, કવિતાઓને કુશળ રીતે મૂકી આપી સંકલનકલાનો પરચો આપે છે. આ રચનાઓમાં વિષયને જલદરુપે મૂકી આપવા ઉપરાન્ત પોતાની સીધી સંડોવણી દ્વારા ભાવક સાથે જોડાય છે. સંસ્કૃતિઓ, વિષયો, અનેક પ્રશ્નો પર કૂદતી નજર ઘણું બધું ઘણા વ્યાપ સાથે ઝીલે છે. અપાર માહિતીઓમાં ફંટાતું કેન્દ્ર ભાવકને ઝંઝેડનારું નીવડે, ચિત્તમાં કશુ જડાઇ ન રહે !
ફાધર વર્ગીસ પોલ આ વર્ષોમાં ઢગલાબંધ નિબંધોનો ફાલ લઇ આવ્યા છે. સુખની કેડીએ,દિવ્યતાનો અનુભવ, પ્રેમની સંસ્કૃતિ, સિદ્ધિના પગલાં, પ્રેમનું ઓજસ, સંબંધોનો તહેવાર જેવા સંગ્રહોમાં ચિંતન, મનન અને ઊર્ધ્વગામી જીવન સિદ્ધ કરવાની નેમ સાથે લખતા ફાધર વર્ગીસ પોલ ભારતીય સંસ્કૃતિ સાથે પ્રગતિશીલ વિચારોને ગૂંથતા જઇ આ નિંબંધો આપે છે. વિવિધ પ્રસંગો, પુરાકલ્પનો, મહામાનવોના જીવનપ્રસંગોને પોતાની વાતના સંદર્ભે ખપમાં લેતા જઇ લખે છે. એમાંથી લેખકનું મૃદુ અને પ્રેમાળ વ્યક્તિત્વ ઊપસી આવે છે. સર્વધર્મ સમભાવની વાત કરતા આ લેખકની ઘણી રચનાઓમાં સ્વભાવિક જ ખિ્રસ્તી રંગ લ્હેરાય છે. તેઓ અભ્યાસી, બહુશ્રુત અને ખુલ્લા મનના હોવા છતાં સરેરાશ વાચકને સાંપ્રદાયિક ગંધ વરતાયા કરે.
દિલિપ ભટ્ટનો ચિંતનગર્ભ નિબંધસંગ્રહ ’હ્ય્દયકુંજ’ આગવી લેખનરીતિને કારણે નોંધનીય છે. આ પ્રકારના ચિંતનપ્રધાન નિબંધોમાં બહુધા લેખક અને ભાવક વચ્ચે અંતર રહેતું હોય છે. જો કે દિલીપ ભટ્ટની શૈલી વિચાર-વિનિમયની છે. પરિણામે વાચકના હ્ય્દયકુંજમાં રણઝણાટ જન્મે છે. ’રાગ અતીત’ એ બકુલ બક્ષીનો ઇતિહાસ પટ ધરાવતા લેખોનો સંગ્રહ છે. ઇતિહાસ પૂર્વેના પુરાણકાળથી માંડીને નજીકના ભૂતકાળ સુધીના ઇતિહાસને નવી રીતે, નવા દૃષ્ટિકોણથી જોવા-સમજવાનો ઉપક્રમ છે. રામાયણ, ટ્રોયના ઘોડાની વાત, દ્રૌપદીનું પાત્ર, ગ્રીક ઇતિહાસ, પિરામિડોની સૃષ્ટિ, સિંધુ એ ખીણની નહીં પણ નગરની સંસ્કૃતિ - એની ભવ્યતા અને વિનાશ, તત્કાલીન બૅંકિંગ અને અર્થવ્યવસ્થા વિશે મૌૈલિક વિચારો ર્તાિકક રીતે મૂક્યા છે.
’ઝલક નવરંગ’માં સુરેશ દલાલ કાવ્યપંક્તિ કે વાક્ય કે વિચારને સામે રાખીને ચિત્તમાં જે પ્રત્યાઘાત જન્મે તે આ લેખોમાં આલેખે છે. ઇશ્વરમાં શ્રદ્ધા રાખતા આ કવિ સરેરાશ વિચારકોની જેમ વિચારે છે. ચિંતા અને િંચંતન આ લેખોના કેન્દ્રમાં છે. ઉપદેશ પ્રધાન કે વાસ્તવલક્ષી વાર્તાઓ, ટૂચકો, દૃષ્ટાંતો આ નિબંધોમાં વણાયાં છે. ભાષા સપાટ છે, સરણ-સરેરાશ ચિંતન અને પોતાની જ લખાવટની ઘરેડમાં અટવાઇ પડેલા કવિ સુરેશ દલાલ શા માટે ઝલક શ્રેણી વિસ્તારે છે એવો પ્રશ્ન થાય !
યાસીન દલાલ સમાજમાં વ્યાપેલી ખોટી માન્યતાઓ- અંધશ્રદ્ધાઓ દૂર થાય, ભોળી પ્રજા ચમત્કારોમાં ન અટવાય તેવી વાત અને વિચારો વિચાર માધુરીમાં આલેખે છે. વ્યકિતનો મહિમા કરનારી આપણી માનસિકતા પર પ્રહારો કર્યા છે. ર્ધાિમક મેળાવડાઓ, સભાઓ દ્વારા થતા ખોટા ખર્ચ, એમાં જન્મતું પ્રદુષણ, ખનિજ તેલ અને માનવકલાકોનો થતો વ્યય વગેરેને તેઓ ગંભીરતાથી લે છે. નીડર પત્રકાર નામ સાથે વાત કરે છે. હજીએ સમાજમાં બનતી ચમત્કાર, ભૂવા-ડાકલા અને બલિદાનની ઘટનાઓ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરે છે. યાસીન દલાલની ભાષા સૌમ્ય છે. તેઓ પોતાના વિચારો મૂકવા રમણ પાઠક જેવી સ્ફોટક રજૂઆત નથી કરતા.
’હજીએ ન જાગે મારો આતમરામ’ના લેખોમાં ભારતીય વર્ણવ્યવસ્થા અને મનુવાદી વિચારો સામે બળવો પોકારતી ઉગ્ર વાણી દ્વારા રતિલાલ ચૌહાણે આક્રોશ ઠાલવ્યો છે. અનામત પ્રથાનું સમર્થન, નેતાઓની ચાલબાજી, સંસદીય પ્રણાવી અને સમાજના દંભી નિયમો, તિલકધારીઓ, હિન્દુ ધર્માંધો પ્રતિ એમનો આક્રોશ છે. સ્વભાવિક જ નિબંધ સ્વરુપ કે સાહિત્યકલા સાથે લેવા દેવા નથી. જોડણીના સ્વીકારમાં પણ બ્રાહ્મણી પરંપરા જોતા લેખક ઊંજા જોડણી સ્વીકારે છે. પુસ્તકના આરંભે અને અંતભાગે ઢગલાબંધ પ્રશંસાપત્રો, પ્રમાણપત્રો સમાવવામાં આવ્યાં છે !
મૃત્યુ નામના પ્રદેશમાં, ચિંતનની પળોમાં, જીવનચિંતન, ચિંતનની સાથે સાથે જેવા સંગ્રહો આપનાર જનક નાયક ઊંડા ચિંતનને તાકે છે. કવિઓ,ચિંતકોનાં અવતરણોનો આધાર લઇ પોતાની વાત માંડે છે. જીવનસાગરમાં અટવાતા માનવોને નજર સામે રાખી ઉગારવાની નેમ સાથે લખતા નાયક આપણા ભવ્ય ચિતનવારસાનું વહન કરે છે.
ઉરુદ્વારના મોતી(રસિક ચંદારાણા),મનોમન(ડાૅ. કાન્તિ રામી), ચાલો, જીવનને આનંદમય બનાવીએ(જયોતિ થાનકી),વાતવાતમાં(તરુલતા દવે),મનહરનો મ (રતિલાલ ’અનિલ’), મન કી આંખે ખોલ બાબા (સફર પાલનપુરી) જેવા સંગ્રહોમાં ચિંતનકણો, સમસ્યાઓ અને સરળ જીવન વિશેના વિચારો મળે છે. સંદર્ભો, ટીકાટિપ્પણીની જાણીતી રેસિપી મોટાભાગના સંગ્રહોમાં છે.
’વગેરે અને આપણે’માં દિલીપ રાણપુરા આગવી લખાવટ અને પરોક્ષરુપે જિવાતા જીવન વિશેના પોતાના ખ્યાલ મૂકે છે. ’ગમનલાલ’ પાટનગરમાં રહે, ફરતા રહે, એકલા એકલા કે મેળાવડાઓમાં એમનું ચિત્ત સદાય ’જરાં હટકે’ વિચારતું રહે. ખાસ કરીને માણસોની વિવિધ લાક્ષણિકતાઓ પકડવી, એને ખુલ્લો પાડવો અને સાણસામાં લઇને એને હલબલાવી મૂકવો અથવા સભાન બનીને એના અહ્મને  પોષવો, સમજવો એ ગમનલાલની ગમતી પ્રવૃત્તિ. આવા પાત્ર દ્વારા, પ્રસંગો ઉપજાવી અનેક દિશાઓ અને ઊંડા ચિંતનમાં સરતા જાય છે. આપણી આસપાસ બનતી ઘટનાઓ યથાતથ આલેખી છે. એક વાર આ લેખોની નસ હાથમાં આવી જાય પછી પાછળના લેખો એકધારા બની રહે છે. આ લેખો આપણી વાત કરે છે વગેરે ને સાથે રાખીને.
યોસેફ મેકવાન ’કાન હોય તો સાંભળે’ની ધમકી સાથે આપણને સંભળાવે છે. શિક્ષણના પ્રશ્નો, કોમી રમખાણો, વિદ્યાર્થી પાસેથી કામ લેવાની શિક્ષકની આવડત જેવા મુદ્દે અનુભવસિદ્ધ વાતો પ્રાપ્ત થાય.
’ન જાને સંસાર’ એ પ્રસિદ્ધ લેખિકા વર્ષા અડાલજાનો નિબંધસંગ્રહ છે. જીવનમાં બનતી ઘટનાઓ, પુરાણી ઘટનાઓને સહજ વણી લઇને રસાળ ગદ્યમાં પોતાની વાત મૂકતાં વર્ષા અડાલજાની રચનાઓમાં પ્રકૃતિના વિવિધ રુપો, માનવ તરફનો અનુરાગ અને જીવનનો આનંદ ઊભરી આવે છે. સંસારનાં બહુવિધ રુપો ઝીલતા આ લેખક ચિંતનગર્ભ લલિત નિબંધો આપે છે.
આ ઉપરાન્ત ચિંતન-વિચાર અને અનુભવજ્ઞાનની ભૂમિ પર ખેડાતા અન્ય નિબંધો છેઃ સરસ વાતો(બેપ્સી એન્જિનિયર), થોભ નહીં તો થાકી જઇશ (હરિભાઇ કોઠારી),અર્થની વેણુ(સુરેન ઠાકર’મેહુલ’), ક્યાં ગઇ મારી નયના ?(ધૌર્યબાળા વોરા), વગેરે. આ સંગ્રહોમાંથી ઘણી રચનાઓ નોંધનીય છે પણ સ્થળ અને સમયની મર્યાદાના કારણે માત્ર ઉલ્લેખ જ કરું છું.


હાસ્ય


હંમેશની જેમ આ વર્ષોમાં પણ હાસ્ય નિબંધોમાં બહુ સારો વર્તારો મળતો નથી. કોઇ નવું નામ ઊભરી આવતું નથી.
આપણાં નીવડેલા હાસ્યલેખક બકુલ ત્રિપાઠીની કલમે ઇન્ડિયા અમેરિકા હસતાં હસતાં- પ્રવાસ કર્યો છે. પ્રવાસ અને હાસ્ય સાથે સાથે ચાલે છે. અમેરિકા પ્રવેશ, ત્યાં નિવાસ અને ભારત પરત થયા પછીની સ્મૃતિ - એમ ત્રણ તબક્કામાં વહેંચાયેલ આ સંગ્રહમાં સતત ઊડતા હાસ્યની પછવાડે આકારિત થાય છે અમેરિકાની મહાનતા પાછળનાં કારણો, ત્યાંની પ્રજાનું ખુલ્લાપણું, શિસ્ત અને દેશ પ્રત્યેનો લગાવ... ને સાથો સાથ આકારાય છે આપણો નિરાળો, વિચિત્રતાઓથી ભરેલો ભારત દેશ. જો કે, એ પછીએ લેખકનો ભારત મોહ તો અદ્ભુત કારણોથી છે ! તુલના અને પ્રસંગો દ્વારા સરળ ભાષામાં તેઓ હસતા-હસાવતા રહે છે. લેખકની કલમ ચલાવવાની શક્તિ માન જન્માવે !
ચંદ્રહાસ ત્રિવેદી ’અષ્ટમ્ પષ્ટમ્’ લઇને આવ્યા છે. સામાન્ય રીતે ચિંતનપ્રધાન લેખો લખતા ચંદ્રહાસ ત્રિવેદીએ હાસ્યને હાથવગુ કરવાના ઉધામા માંડ્યા છે. અષ્ટમ પષ્ટમ વાંચવાની મજા પડે છે, ભલે ખડખડાટ ન હસો, હોઠમાં કે હોય તો મૂછમાં અવશ્ય હસતા રહેશો. પોતાના પર હસી શકતા ત્રિવેદી પ્રસંગો પકડી શક્યા છે પણ પૂર્ણરુપે ખીલવી નથી શક્યા.
’હાસ્ય ચુમ્માલિસા’માં ઢગલાબંધ હાસ્ય નિબંધો છે. નાગરી ભાષા અને તત્સમ શબ્દો અને દીર્ઘ સમાસ ધરાવતા શબ્દોનો વ્યાપ વધુ છે. પુસ્તકમાંથી પસાર થયા પછી લાગે કે વાલ્મિક મહેતા હાસ્ય વિશે બહુ ગંભીર છે. વાંચવામાં અતિશય ધ્યાન પરોવવાથી હાસ્ય અને લેખકની સૂક્ષ્મ હાસ્યવૃત્તિ સુધી પહોંચી શકાય !
સુપ્રસિદ્ધ હાસ્યલેખક મધુસૂદન પારેખનો હાસ્ય સંગ્રહ ’સન્ડે સ્માઇલ’ નોંધનીય છે. હાસ્ય જન્માવવા તેઓ ઉચ્ચ મધ્યમ વર્ગમાં બનતી ઘટનાઓનો આશ્રય લઇને માનવસ્વભાવની એકાદ લાક્ષણિકતા પર કેન્દ્રિત થઇ હાસ્ય પ્રગટાવે છે. ક્રિયાઓ પ્રમાણમાં ઓછી, સંવાદો અને પરિસ્થિતીમાંથી હાસ્ય જન્માવવું - એ એમની લાક્ષણિકતા છે. લેખક સૂક્ષ્મ નજરે જોઇ માનવવર્તન અને વૃત્તિને પકડે છે. આ રચનાઓ નિબંધ કરતા ’કથા’ વધુ બને છે.
નવા લેખકોમાં રાજેન્દ્ર જોશી આશાસ્પદ છે. ’બારે માસ બારમો ચન્દ્રમા’ના લેખો વાંચતા ગંભીરતાપૂર્વક હસી પડાય. પરિચિત વાસ્તવનો આધાર, એમાં કંઇક અવળચંડો અૅંગલ ઉમેરી, સભાનરુપે રજૂ થતાં લેખક મજા કરાવે છે. ’એક અનોખો અપહરણકાંડ’,’કવિતાનો આસ્વાદ’,’લશ્કરના જવાનો ટપાલ વહેંચણીમાં’,અને  એકાદ બે સંશોધનલેખો નોંધપાત્ર છે. શબ્દસેવીઓના સ્વભાવ લક્ષણો અને એમની હાલત પરના મીઠા કટાક્ષ ખડખડાટ હસાવે.
’લાફિંગ ક્લબમાં લલ્લુ’ને લઇ આવતા વિનોદ જાની ૨૦૦૦ના વર્ષમાં કુલ ચાર પુસ્તકો પ્રગટ કરે છે.’ઇતિ વિનોદમ્’હું અને ગાંધીજી’,’શ્રીમદ્ વિનોદગીતા’અને’લાફિંગ ક્લબમાં લલ્લુ’. વર્તમાન ઘટનાઓ, લગ્નજીવન, કવિઓથી માંડી દેવીઓ અને વ્રતકથાઓ અને મહાનુભાવો, રાજકારણીઓની લાક્ષણિકતાઓ પર ધારદાર કટાક્ષ કરે છે. ભાષા સરળ અને સર્વભોગ્ય અને બહુધા અભિધા-વ્યપારમાં સીમિત રહેતા આ લેખો વાચકોને ગમે એવા છે.

પ્રવાસ


દક્ષિણ આફ્રિકાની પ્રદક્ષિણા- એ વ્યવસાયે તબીબ એવા ડાૅ. રાજીવ રાણેનું પ્રવાસ પુસ્તક છે. પ્રવાસના આરંભથી લઇને પરત આવવા સુધીનું બયાન વિસ્તારપૂર્વક આપતા હોવા છતાં સાદ્યંત રસ ટકી રહે છે. આ પ્રવાસ માત્ર ભૌગોલિક સ્તરે ન રહેતાં ભાતીગળ માનવજાતને નવા રુપે મળવાનો, નવા સ્થળે મળવાનો- જે છે તે રુપે માણવાનો પ્રવાસ છે.
બકુલ ત્રિપાઠીનો અમેરિકા પ્રવાસ હસતા હસતા આલેખાયો છે તો ગંભીર રીતે ખેડાયેલા અમેરિકા પ્રવાસનાં અન્ય પુસ્તકો પણ મળે છે. રમેશ જાદવનું પુસ્તક ’અમેરિકા કેવું છે’માં અમેરિકાના સ્થળો, ઇતિહાસ કે ભૂગોળની માહિતી આપવાને બદલે ત્યાંના લોકજીવનને કેન્દ્રમાં રાખી લોકોનો અભિગમ, એમની પાયાની સગવડો, ત્યાંની અખબારી આલમ, ટી.વી.નું સ્થાન, પુખ્ત લોકશાહી, સંબંધોના મુક્ત અને આગવાં રુપો, ખોરાક, વાહનવ્યવહાર અને અમેરિકામાં વસતા ભારતીયોની દૃષ્ટિ, એમની લાલસાઓ અને ભરાઇ પડેલાઓની વાત મળે છે.
’વાહ રે અમેરિકા’ એ તુલસીભાઇ પટેલે કરેલ પ્રવાસ છે. જેમ ગુજરાતીઓ પૈસા કમાવવા અમેરિકા ભણી ભાગે છે એમ ગુજરાતી લેખકો પણ અનુભવસમૃદ્ધ બનવા માટે અમેરિકા તરફ વળ્યા હોય એવી હવા જામતી જાય છે. અમેરિકા જવાથી બીજું કંઇ નહીં તો એકાદ પ્રવાસ-પુસ્તક તો અવશ્ય લખાય જ.
અવનીતીર્થ(ડાૅ.ગિરીશ વીછીવોરા), શિવજીના સાન્નિધ્યમાં- માનસરોવર યાત્રા(એમ.ડી.પરમાર) અને મહેશ દવે દ્વારા કરાયેલ યુરોપ-યાત્રાનું પુસ્તક ચલો કોઇ આતે... નોંધપાત્ર છે.
...
આમ, વર્ષ- ૨૦૦૦-૨૦૦૧ના વર્ષોમાં પ્રકાશિત નિબંધોની વિપુલતા જોતાં લાગે કે ઘણાં સર્જકો આ ક્ષેત્રે સક્રિય છે. વિષયો, રજૂઆતરીતિ અને વ્યાપ તથા વર્તમાનપત્રો - સામયિકો દ્વારા પ્રસારની રીતે પણ નિબંધની બોલબાલા છે પણ કાકાસાહેબ કાલેલકર, ઉમાશંકર જોશી અને સુરેશ જોશીએ તાગેલી ક્ષિતિજોથી બહુ દૂર એવું ડગલું આ સ્વરુપે ભર્યું છે ખરું ? બહુ બહુ તો એકાદ-બે નામ આશ્વાસન પૂરું પાડે...
વર્તમાનપત્રોમાં નિયમિત લખાતી કોલમોના કારણે કદાચ વધારે વિષયો, વિચારો તરફ જવાયું હશે પણ એની સાથોસાથ કટિંગ-પેસ્ટિંગ અને પુનરાવર્તનો કે બીબાંઢાળ ચિંતાઓ - ચિંતન પણ એટલા મળ્યાં છે કે શુદ્ધ કલાપદાર્થ કહી શકાય, બ્રહ્મસહોદર આનંદ સુધી લઇ જાય એવા નિબંધો કેટલા ? નિબંધ એ માત્ર ચિંતાઓ વ્યક્ત કરવા કે ફરિયાદો કરવાનું સ્વરુપ જ નથી, નથી એ ગમતાં અવતરણો અને દૃષ્ટાંતો ઠાલવવાનું પાત્ર... મોટા ભાગના લેખકો નિબંધમાં સ્વતંત્ર ચાલવાને બદલે પરંપરાના કવિ-ચિંતકોનાં અવતરણો-વિચારોની લાકડી પકડી લે છે, એ સર્વથા યોગ્ય છે ?
વધારે પડતી સભાનતા, વધારે ઊંડાણ દેખાડવા ખૂંણેખાંચરેથી ખેંચી લવાતા તર્ક અને માહિતીઓથી વાચક પ્રભાવિત થતો હશે પણ હ્ય્દયસ્પર્શી અનુભૂતિ પામે છે ખરો ? એ પ્રશ્ને વિચારવાનો સમય પાકી ગયો છે. અન્યથા આ વૈચારિક કચરાનું પ્રદુષણ હટાવવાની ઝૂંબેશ ક્યારેક હાથ ધરવી પડે એવો વખત પણ આવી શકે.
અને છેલ્લે, નિબંધ એ કંઇ ઓગઠ કરવાનું સાધન નથી. વાર્તા, કવિતા કે નવલકથામાં ન મૂકી શકાયું હોય તે બધું નિબંધમાં ઓગઠરુપે ઠાલવતા લેખકો વધી રહ્યા છે. ૨૧મી સદીમાં પ્રવેશી ગયા ત્યારે નવા વિચાર, નવી અનુભૂતિ અને સાવ અજાણી ભૂમિને ખેડતા, નવા  નહીં પણ નિરાળા નિબંધોની અપેક્ષા રાખીએ.(પરબઃ૨૦૦૪,૩)

૦૦૦૦૦૦૦૦૦૦૦૦

 

 
Share us :