આ પુસ્તક તમે વાંચ્યું..
ડૉ. નરેશ શુક્લ

૧. (સોનેરી ચુંબન (નિબંધસંગ્રહ) લાભશંકર ઠાકર. પ્ર.આ. ૨૦૦૮, પ્ર. રન્નાદે પ્રકાશન, ૫૮। ૨, બીજે માળ, જૈન દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ-૧. કુલ પાનાં- ૨૨૪, કિંમત-૧૪૫-૦૦, કાચું પૂંઠું, ડિમાઈ)


લાભશંકર ઠાકરની સર્જક ચેતના સતત સળવળતી રહી છે અનોખી રીતે. એમની પાસેથી ૧૫ જેટલા નિબંધસંગ્રહો પ્રાપ્ત થયા છે. હજી પણ એ સંખ્યામાં વધારો થતો રહેવાની શ્રદ્ધા જાગે છે. કેમકે, નિબંધને એ જે સ્વરૂપે જોઈ રહ્યાં છે તે આગવી રીતના છે. પત્ર, પ્રતિભાવ, કશાક વ્યાખ્યાન નિમિત્તે કે પછી એમ જ ભાવનપ્રક્રિયાવેળાના પ્રતિભાવો આ નિબંધોમાં ઝીલાયા છે. મુક્ત સ્વરૂપ છે. લા.ઠા.ની લાક્ષણિકતા મુજબ કશું જ નિર્ધારીત એ નિયોજિત નથી. સભાનતા ખરી. સભાનતા બાબતે ઘડી પણ તેઓ અભાન નથી થતાં. પણ એ સભાનતા વિશિષ્ટ એ અર્થમાં છે કે એ સતત પોતાના ચિત્તને સભાનતાથી તાકતા રહે છે. એમાં ઉઠતાં નાનકડાં વલયને પણ એ પકડવા મથે છે. કોઈ કૃતિ, વિચાર, દૃશ્ય કે કંઈપણ ચિત્તની સામે ઝીલાય છે એવું જ ચિત્ત તેના વિશે શું પ્રતિક્રિયા જન્માવે છે, એ કેવા સ્વરૂપની છે - તેનું આલેખન કરવાની મથામણ એ લા.ઠા.ની પ્રિય પ્રવૃત્તિ રહી છે. બીજી વિશેષતા છે ભાષાઅભિવ્યક્તિની. પહેલી લાક્ષણિકતા ગણાવી તેને પૂરક અને કયારેક સ્પર્ધક રીતે જૂગલબંધી કરતી બીજી લાક્ષણિકતા છે અભિવ્યક્તિ માટે જે ભાષાને એ ખપમાં લે છે એ. ભાષાને પણ એ સભાનતાથી જૂએ છે. એમનું ચિત્ત બે રીતે કામ કરતું અનુભવાય છે. એક તો આગળની લાક્ષણિકતામાં જણાવ્યું તે રીતે અને બીજું છે ભાષાના કોઈ શબ્દના કારણે અર્થ વિશે. પછી, એના નાદ કે પછી ખેંચાઈ આવેલા અર્થને પણ એમનું ચિત્ત ફટ્ દઈને પકડે છે. એટલે ભષાનો લય અને ક્યારેક અર્થ સ્વતંત્ર રીતે કશીક દિશા આકારિત કરવા લાગે છે.
આ થઈ એમની લેખનની લાક્ષણિકતાઓ વિશેની વાત. પણ બીજા વિશેષો ઓછા આંકવા જેવા નથી. આ નિબંધસગ્રહની રચનાઓ લઈને જ વાત કરું તો અહીં એમણે ફોટાગ્રાફી, નિબંધલેખન અને સર્જનાત્મક ગદ્યના સર્જક શ્રી અશ્વિન મહેતાથી શરૂ કરીને રાધેશ્યામ શર્માની વાર્તાઓ વિશેના અમના ચિત્ત દ્વારા અપાયેલા પ્રતિભાવો સમાવાયા છે. ‘સોનેરી ચુંબન’- શીર્ષક એમને અશ્વિન દેસાઈના પ્રકાશિત થનાર ચિત્રો અને ફોટોગ્રાફર્સ ડાયરી (કેપ્શન)માંથી મળ્યું છે. અશ્વિન મહેતાની ડાયરી વાંચી નથી પણ લા.ઠા.એ એ ડાયરી વાંચ્યા પછી લેખકને જે પત્રો લખ્યાં છે એ વાંચીને આપણે અચૂક એ ડાયરી વાંચવા પ્રેરાઈએ તેવા સમૃદ્ધ છે. મૂળ તો સમૃદ્ધ હશે જ પણ એના વિશે લા.ઠા.નું જે ભાવકચિત્ત સક્રિય બન્યું છે એ એટલું તો સમૃદ્ધ અનુભવ કરાવનારું છે કે એના પ્રવાહમાં ખેંચાવાય છે.- ‘આ હેપનિંગ્ઝની આકસ્મિક ક્ષણ પછી તમે જે ચૈતસિક ક્ષણોની નાની નોટ્સ મૂકી છે તે મારા માટે સાનંદ આશ્ચર્યનો અનુભવ કરાવનારી સ્ફોટક છે. ઈચ્છામૃત્યુ (ડેથ-અૅટ-વિલ) વિશેનો સાવ સાચો અર્થ તમે સ્ફુટ કર્યો છે. તેનો પહેલીવાર મારી અર્થચેતનામાં સ્ફોટ થતાં હું સાનંદ ચકિત થયો. પોતાની ઇચ્છા પ્રમાણે ઈચ્છાબળે, માંદગીમાં કે માંદગી વગર, અગાઉ નક્કી કરેલા સમયે ડાઈંગ-અૅટ-વિલ- એટલે ઇચ્છામૃત્યુ એવો અર્થ સમજાવાયો છે તે તો સર્વથા ખોટો અર્થ છે. તમે લખો છો તેમ ઈચ્છામૃત્યુ એટલે -ઈચ્છા નું મૃત્યુ...હા, પછી મૃત્યુના આગમનનો અણસાર છીંકના આગમનના અણસાર જેવો જ લાગે. સાનંદ અટકું.’ (પૃ.-૫)
અશ્વિન દેસાઈ એમની ડાયરીમાં ફોટોગ્રાફસની સાથો સાથે એ લેવાની ક્ષણને, ચિન્તનને આલેખે છે. તેને લાભશંકરની ભાવક ચેતનાનો જે સંસ્પર્શ મળે ચે તે અહીં અનન્ય રીતે ઉદ્ઘાટિત થતો અનુભવાય છે. સમૃદ્ધ સર્જકને સમૃદ્ધ ભાવક મળે ત્યારે કેવું અર્થવિશ્વ અને ભાવવિશ્વ સર્જાતું હોય છે તે જાણવું હોય તો આ પત્રો વાંચવા રહ્યાં. આ સંગ્રહમાં એ રીતે ભરતનાયક (જનમ-નિબંધ), ન્હાનાલાલ (વિહંગરાજ તરસ્યા ઊડે રે..કાવ્યરચના), બ.ક.ઠા.(શાપું ત્હને-કાવ્યરચના), રવીન્દ્રનાથની કાવ્યરચના, રાધેશ્યામ શર્મા,પતીલની રચના હોય કે પછી ચેખોવની વાર્તાઓ વિશે તેઓ પોતાની અંદર રહેલા ભાવકના પ્રતિભાવોને કાગળ પર ઉતરતા જોવા ઈચ્છે છે. એ પોતે પોતાની જાતને અલગ તારવીને આ આખીએ  લેખનપ્રવૃત્તિને માણે છે. લા.ઠાને રસ છે સર્જકભાષામાં ઝીલાતા દૃશ્યોમાં, ઈન્દ્રિયોને સંતર્પક એવા સંદર્ભોમાં. એ આ રચનાઓમાં ખાસ ભાષાની રમણિયતાનો ચેતોવિસ્તાર સાધતા અનુભવાય છે. જૂઓ- ‘ઉકળતા પાણીની ‘બાફ’ બળતણમાં પ્રયોજાતા શેરડીના કૂચા, ચા - ની ઊડતી બાફથી થરકતી તુલસીની બે પાંદડી અને ધીરુકાકાનો ચાનો સબડકો ! કહો, ભાવકની આંખો સામે, કાન સામે, નાક સામે, રસના સામે થાળ નથી પિરસાયો ? અને અનન્ય એવું ચલત્ ચિત્ર અદૃશ્ય કૅમેરાની નજરથી ઝિલાયું છે, તે ધીરુંકાકાનું નમણું મોઢું - બાફ પાછળ પાણીમાં ભંગાતા ને હાલ્યા કરતા ઓળા જેવું ! ના, ના, ના, આ ભાવકે શબ્દકળામાં ક્યારેય પાણીમાં ભંગાતા ને હાલ્યા કરતા ઓળા જેવું મુખ જોયું નથી, સર્જકની પ્રજ્ઞાને અપૂર્વ નિર્માણક્ષમા કહેવી પડે. એ અપૂર્વ ‘વસ્તુ’ ભાવકને વિસ્મયનો અનુભવ કરાવે છે.’ (પૃ-૩૦)
અહીં જોઈ શકાશે કે આ આસ્વાદ અનોખો છે. કશીય શાસ્ત્રીય માંડણી નથી. સરળ રીતે, સર્જનાત્મક રીતે કરાતો આસ્વાદ આપણને અનુસર્જનનો અનુભવ કરાવે છે. નવી જ તરાહથી આસ્વાદવાની ટેવ આપણામાં આરોપિત કરતા જાય છે. મારે મન આ અત્યંત મહત્વની પ્રવૃત્તિ છે. આધુનિકગાળાના આ અગ્રણી સર્જકની કવિતાને પામવામાં ભલે ગુજરાતી ભાવકોએ ઠેબા ખાધા હોય પણ હવે આ જ સર્જક ભાષાને, સર્જક કર્મને પામવા માટેના ઓજારો ઘડી આપે છે, કીમિયાઓ ચીંધી આપી આપણને સમૃદ્ધ કરી રહ્યાં છે તે આ સંગ્રહમાં ઠેરઠેર નજરે પડે છે.
એ પ્રેમચંદની વાર્તા હોય કે ચેખોવની વાર્તા- જોવાની આસ્વાદવાની રીતે નોંખા પડે છે. એમાં વિવિધ વિચારકોના સહજ આવતાં સંદર્ભોને, વિચારોને પણ ખપમાં લે છે પણ સાવ પ્રવાહિતરૂપે. લા.ઠા. મધ્યકાળના પ્રેમાનંદથી માંડી ન્હાનાલાલ, બ.ક.ઠાકોર જેવા પંડિત યુગના સર્જક કે ટાગોર-ચેખોવ, પ્રેમચંદ જેવા રાષ્ટ્રીય કે વૈશ્વિક રીતે પોંખાયેલા સર્જકોને પોતાની ભાવક ચેતનામાં રસાવીને નવા જ પરિમાણો સાથે આપણી સમક્ષ રજૂ કરે છે. રમણલાલ જોશીનું વ્યક્તિચિત્ર આલેખતા લા.ઠા. અંગત સંબંધોનેય બિનંગત રીતે આલેખી શકે છે એ તો આગળ ઉપર પણ આપણે માણી ચૂક્યા છીએ. સુમન શાહની વાર્તા વિશેનો આસ્વાદ હોય કે કવિની પોતાની કેફિયત આલેખવાની હોય એ બને એટલા લા.ઠા.ને કોરાણે મુકીને સુસજજ ભાવક તરીકે જ જયારે પ્રવૃત્ત થાય છે ત્યારે આપણા માટે કંઈક અનેરા પરિમાણો પ્રગટતા અનુભવાય છે. સલામ લા.ઠા.દાદાને.


૨. (હવે સ્પર્શનું સ્મરણ છું હું (સ્મરણકથા) દેવયાની દવે. પ્ર.આ. ૨૦૦૯, પ્ર. સ્વયં પ્રકાશિત. પ્રાપ્તિ સ્થાન- નવભારત સાહિત્ય મંદિર. ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨, રતનપોળ નાકા સામે, ગાંધીરોડ, અમદાવાદ-૧. કુલ પાનાં-૧૮૫, કિં.૧૫૦-૦૦, કાચું પૂંઠું, ડિમાઈ)


દેવયાની દવે લિખિત સ્મરણકથા હ્ય્દયના ઊંડાણમાંથી સર્જાયેલી કથા છે ને વાંચતી વેળાએ અનેક વખત ‘એસ્થેટિક ડિસ્ટન્સ’ ન જાળવી શકાય તો આંસુઓ પર રોક ન લગાવી શકાય એવી લાગણીસભર પળો એમાં ઝીલાઈ છે. પતિ હરિહર દવે કૅન્સરના કારણે અવસાન પામ્યા પછી લેખિકા જે એકલતાનો અનુભવ કરે છે તે અહીં એની પૂરી ગહેરાઈથી આકારિત થયો છે. આમ જુઓ તો સાવ સામાન્ય પતિ-પત્નીના સંબંધો અહીં ઉઘડે છે, રોજિંદી અને ધ્યાનમાં પણ ન આવે એવી ઘટનાઓથી જ આખું પુસ્તક આલેખાયું છે પણ એમાંથી ઉપસતો પરસ્પરનો ભાવ, એકબીજાનો સંગાથ અને તેમ છતાં બંનેનું આગવું, અલગ જ વ્યક્તિત્વ અહીં આકારિત થતું જાય છે. વીસનગર પાસેના વાલમ પાસેની નાગરકન્યા કેવા સંજોગોમાં વાલમથી નીકળીને દેશના મહાનગર મુંબઈમાં પોતાના મૂળિયા જમાવે છે, કશા પણ આયોજન વિના, કોઈ ઊંચી અપેક્ષાઓ કે સ્વપ્નો સેવ્યાં વિના જ સહજ ચાલતી જિંદગીને એકબીજાના સથવારે કેવા માધુર્યમાં ફેરવી નાંખે છે તેની આ કથા છે.
આમ જુઓ તો વાચકોને સીધા લક્ષ્યમાં લેવાયા પણ નથી. આ તો પતિ-પત્નીની ગોષ્ઠિ છે. પતિ હવે હાજર નથી પણ પત્ની એને સતત પોતાની પાસે, આસપાસ હોવાનો અનુભવ કરીને એની સાથે ગોઠડી માંડે છે. આખીએ કથા સતત ફલૅશ-બૅકમાં અને વર્તમાનમાં અવળ-સવળ વણાતી જાય છે. સર્જકકર્મ કરી રહ્યાં હોવાની સભાનતા પણ નથી. એ કારણે પણ આખીએ કથા જે રૂપ ધરે છે તે અરૂઢ છે. કથાવેગ આપવાની કોઈ ટૅકનિક એમણે સ્વીકારી નથી, આગળ કહ્યું તેમ જીવનમાં એવી કોઈ મોટી હોનારતો, પ્રસંગો, ઉતાર-ચઢાવ પણ નથી કે જે કથાને વેગ આપે તેમ છતાં છલકતું સંવેદનમઢ્યું વિશ્વ આપણને અવશ રીતે પોતાનામાં પ્રવાહિત કર્યે જાય છે. આ કારણે જ પ્રસિદ્ધ લેખિકા ધીરુબેન પટેલે આવું નિરીક્ષણ નોંધ્યું છેઃ ‘અતિશ્યોક્તિ અને કલ્પનાંના ઉડ્ડયનોથી દેવયાનીબહેન દૂર જ રહ્યાં છે. એટલે ક્યારેક આ સ્મૃતિકથા એક અહેવાલનો ભાસ કરાવે છે. પરંતુ એ જ કારણે એ વધારે પ્રતીતિકર પણ લાગે છે. ઉન્નત ગિરિશૃંગો અને અંધારઘેરી ખીણોમાં કે નદીઓના ઉન્મત ઘુઘવાટમાં જ સૌંદર્ય જોવાને ટેવાયેલી આપણી આંખો ક્યારેક સપાટ મેદાનની શાંત રમણીયતા માણે એ પણ જરૂરી છે. એ દૃષ્ટિએ હું આ પુસ્તકની વાચનક્ષમતા સ્વીકારું છું ’ (જેવું વ્યક્તિત્વ તેવી જ અભિવ્યક્તિ-લેખ)
ગામડું વાલમ અને એનો પરિવેશ, ત્યાં વસતા નાગર બ્રાહ્મણોના રીત-રિવાજો, પ્રસંગો, તહેવારો, ગામની ઈતર જ્ઞાતિઓની લાક્ષણિકતાઓ, ત્યાંની કન્યાશાળાથી શરૂ કરીને વિસનગરની કાૅલેજમાં અભ્યાસ કરવાની મેળવેલી સિદ્ધિ, એ સમયે પડતી ર્આિથક મુશ્કેલીઓ, અંતર્મુખી સ્વભાવ અને ઓછા દેખાવડાંપણાની માનસિકતાએ સર્જેલી ઠરેલ યુવતીના મનોભાવો, એની સ્વસ્થતા, હરિહર દવેને બાળપણથી જ જે સ્વરૂપે જોયાં હતા તે તે બદલાતા રૂપો સાથેનું આલેખન- સંઘર્ષમય સ્થિતિમાં બંનેનું વિશિષ્ટ રીતે જોડાવાની સજજતા કેળવવા જેટલી બંનેની સ્વસ્થ સમજ, પછીનું દાંપત્યજીવન, બંનેના વ્યક્તિત્વમાં રહેલ નોંખાપણું સાવ સાદી-સરળ અને કશા પણ અલંકરણ વિનાની ભાષાશૈલીથી ઘટનાઓ આલેખાતાં જાય છે. સૌ ઘરમાં હોય છે તેવા જ માણસો-એમની રિંસામણાં-મનામણાં, ર્આિથક સંકડામણોથી માંડી મનની સંકડામણો આલેખીને આછા લસરકે આલેખાતાં અન્ય સગા-સંબંધીઓની મર્યાદાઓને સાવ આછી રીતે અને એમની મદદને થોડી ઘાટી રીતે ઉપસાવતો લેખિકાનો અભિગમ આપણાં ચિત્ત સામે પાંચ-છ દાયકાઓના બદલાતા જીવનને કંડારી આપે છે.
વાલમ, વિસનગર, સુરત, મુંબઈ, ઔરંગાબાદ આદિ શહેરોની આછી પૂષ્ઠભૂમાં ઉભરતી તાસીર પણ મજા કરાવે તેવાં છે. આ પરિવેશ, કુટુંબીઓ, સાવ નીકટના સ્વજનો, નોકરી, ર્આિથક સંઘર્ષો, ક્રમશઃ સમૃદ્ધ થતું જીવન- બધું ધ્યાનથી જોઈએ તો આલેખાયું છે પણ એ બધું પછી પહેલું તો ઉપસે છે પતિ-પત્નીનું વ્યક્તિત્વ. વધારે ખુલીને કહું તો પતિ કરતાં પણ લેખિકાનું વ્યક્તિત્વ જે રીતે પ્રબળ બનીને ઉપસે છે તે મજાનું છે. દેવયાનીજીએ પતિને આગળ કરવાના પૂરા પ્રયાસો કર્યા છે. પણ સ્વાભાવિક જ સામેનો છેડો હવે સ્થિર છે, ચૂપ છે. એમનો પક્ષ મૌન છે. લેખિકા એમના પતિની નાની નાની લાક્ષણિકતાઓ ઉપસાવવા મથ્યાં છે. એમનો તરવરાટ, વ્યવહારિકતાથી અલગારી વ્યક્તિ, બાળક જેવા તોફાનો, કલાઓમાં પડતો રસ, લોકો સાથે ભળી જવાની સરળતા, બહિર્મૂખી લાગતો સ્વભાવ, સમાજ-કુટુંબ માટે કંઈક કરી છૂટવાની મથામણ, દૃઢ નિર્ણય શક્તિ, ગુસ્સો કરીને તરત જ શાન્ત થઈ જવાની સરળતા- આ બધું એમાંથી નિપજી આવે છે. પણ એ બધું કર્યા પછીએ જે વ્યાપક રીતે ઉપસ્યું તે છે દેવીને આગળ કરવાની એમની વૃત્તિ, પોતાને પ્રમાણમાં વધુ ન ખુલવા દેવાની જાત સાથેની જીદ.
આખીએ કથા સાદ્યંત મજા કરાવે, આપણાં ચિત્તને સંવેદનસમૃદ્ધ બનાવે અને આગળ કહ્યું તેમ સત્યકથાનો અનુભવ કરાવવા સાથે શ્રીફળ જેવા અંદર-બહારના વ્યક્તિત્વોની ઝાંખી કરાવે છે. અંદર ઘણું ઘૂઘવે છે, એમાં ભલે ધીરુબેનને ન દેખાયા હોય પણ ગિરિશૃંગો પણ છે અને ગમગીનીની ગોરંભાતી ખીણો પણ છે. બહાર બધું સપાટ મેદાન જેવા દેખાતા આ વ્યક્તિઓએ અંદર ઉકળતા ચરુને પૂરી સ્વસ્થતાથી ઢબૂર્યા છે ને એકબીજામાં ન્યોચ્છાવર થઈ જવાની માનવની અદ્ભુત ઈચ્છાને ર્મૂિતમંત કર્યા છે- એ બાબત મને તો હચમચાવનારી લાગી છે. દરેક પતિ-પત્નીએ પોતાના હ્ય્દયભાવોને ર્મૂિતમંત થતાં અનુભવવા અને દરેક એકલપંડ જીવનારાં એ શું ગુમાવ્યું છે તે સમજવાય આ કથાને વાંચવી રહી.


૩. (પડદો જાણે ઊઘડતો નથી...(નાટ્યલેખ સંગ્રહ) હસમુખ બારાડી. પ્ર.આ.૨૦૧૦, પ્ર. થિયેટર મિડિયા સેન્ટર, નવા રાણિપ,જી.એસ.ટી. -ચેનપુર રોડ,ખોડિયાર મંદિર નજીક, અમદાવાદ-૭૦. કુલ પાનાં- ૧૮૬, કિં.૭૦-૦૦. કાચું પૂંઠું, ડિમાઈ)


હસમુખ બારાડી જાણીતા નાટ્યકર્મી છે. ગુજરાતી રંગભૂમિ માટે સર્મિપત વ્યક્તિઓમાં એમનું પણ નામ લેવું પડે એવી એમની સક્રિયતા આપણા માટે અજાણી નથી. મૌલિક નાટકો ઉપરાન્ત અનુવાદ, રૂપાન્તરિત નાટકોનું લેખન,દિગ્દર્શન- મંચન, અભિનય એમ તમામ પાસાઓથી રંગભૂમિને સેવનારાં બારાડી એમના નાટ્ય આસ્વાદો, વિવેચન, નાટ્યનો ઈતિહાસ, વર્કશોપમાં પ્રત્યક્ષ તાલીમ આપવા ઉપરાન્ત ગુજરાતમાં નાટ્યનો માહોલ સર્જવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં છે. ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયની ર્આિથક સહાયથી પ્રકાશિત થયેલા આ પુસ્તકને એના લેખકે - પાત્રો, પ્રવાહો, પ્રેક્ષકો, પડકારો, પ્રચારકો, ટેલિસ્કોપ, માઈક્રોસ્કોપ જેવા વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ગુજરાતના ખ્યાતનામ નાટ્યકર્મીઓ ચંદ્રકાત સી. મહેતા, જયંતિ દલાલ,મધુરાય, નાટ્ય અને ફિલ્મ લેખક રામજી વાણિયા ઉપરાન્ત હબીબ તન્વીર, કુરૂસોવા જેવા રંગભૂમિ સાથે સંકળાયેલ કલાકારોની માંડીને વાત કરવા સાથે એમની સેવાની ઉચિત, ઉમળકાભેર નોંધ લેવા સાથે વિશેષો અને એમના પ્રદાનને ગુજરાતી રંગભૂમિના વ્યાપક ફલક પર યથોચિત મુકી આપવા સાથે એમના વિચારોને મૂલવે છે. એમાં એમની અપેક્ષાઓ અને અભ્યાસ આપણી સામે પ્રગટે છે.
પ્રવાહો-નામના ખંડમાં ગુજરાતી રંગભૂમિની ગઈકાલ અને આજની દશા અને દિશા સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એમાં આવેલા ક્રમશઃ બદલાવને પારખવા સાથે ગુજરાતી થિયેટરને લઈને મૌલિક નાટકોનો અભાવ - જેવો સૌનો જે સૂર છે એની સામે તાર્કીક રીતે, આધારો સાથે મુકી આપે છે કે ગુજરાતી રંગભૂમિ પર ખાસ્સી માત્રામાં મૌલિક નાટકો મુકાયા છે. તેમ છતાં આબોહવા ન ફેલાવા પાછળના કારણોની પણ વિગતે ચર્ચા કરી છે. લખે છે- ...એ જ રીતે મુદ્રિત નાટકો, નાટ્યક્ષમ કથાઓ કે પ્રસંગોનો આંકડો છેલ્લા દોઢસો વર્ષના ઈતિહાસમાં ગુજરાતી રંગભૂમિ ગરીબ બાપડી ન રહે તેવો મોટો છે.  ‘જૂની’ તરીકે ભંડાયેલી વ્યવસાયી રંગભૂમિના પણ કેટલાંય નાટકો (ડાહ્યાભાઈ ધોળશાજી, નૃસિંહ વિભાકર, મૂળશંકર મૂલાણી, કવિ જામન, રઘુનાથ ભટ્ટ, પ્રભુલાલ ત્રિવેદી) વગેરે પણ સામયિક નવસંસ્કરણ પામી આપણી ‘નવી’ને સોળે શણગારે સજી શકે. અને ગુજરાતનું જીવન-સ્વાતંત્ર્ય પછીનો સમય લઈએ તોય- એટલું જટિલ રહ્યું છે, કે મૌલિક નાટ્યસર્જનનું માળખું રચી આપે..(પૃ.-૫૭) અહીં જોઈ શકાય છે કે એ કઈ શ્રદ્ધાથી ગુજરાતી રંગભૂમિને સેવે છે. આ ઉપરાન્ત આજની રંગભૂમિ વિશેનો સંવાદ આકાશવાણી અમદાવાદ-વડોદરાથી પ્રસારિત થયો હતો એમાં પણ ગુજરાતી રંગભૂમિના વર્તમાને સક્રિય એવા સુભાષ શાહ, જનક દવે, પરેશ નાયક અને આ લેખકનો સંવાદ અહીં સમાવવામાં આવ્યો છે. એમાં જે તલસ્પર્શી અને મૂળગામી નિરીક્ષણો પ્રાપ્ત થાય છે. શ્રી બારાડીએ અત્યારની રંગભૂમિને ઉચિત રીતે જ ત્રણ ભાગમાં વહેંચી આપી છે. ૧. મુંબઈ અને ગુજરાતના મોટા શહેરોમાં શાૅ ગોઠવી રૂપિયા રળતી મેઈન સ્ટ્રીમ રંગભૂમિ.(એમાં ફિલ્મી, સિરિયલોના પ્રસિદ્ધ એકટરો છેલ્લી ઘડીએ રિહર્સલ કરીને ડ્રેસ,ડાયલોગ અને ડાન્સ પર નભતા કલાકારોના નામ પર નાચતો પ્રેક્ષકવર્ગ છે)   ૨. કેટલાક અવેતન નાટ્યજૂથે કુટિરઉદ્યોગની જેમ પ્રાયોગિક ધોરણે મૌલિક કે રૂપાન્તરિત નાટકો તૈયાર કરીને બહુ નાનાં પ્રેક્ષક વર્ગ સામે થોડાં શાૅ કરે છે. ૩. ગામડાઓમાં,ઝૂંપડાઓની વસ્તીઓમાં, શેરી-ગલીના નાકે અને આદિવાસીઓના ડુંગરાઓમાં નાટ્યશિબિરો કે પછી લોક-જાગૃતિ માટે પ્રવૃત્તિઓના ભાગરૂપે.
આ ઉપરાન્ત એમણે ગુજરાતના બાળકો માટેની રંગભૂમિ હોવા પર ભાર મુક્યો છે. નાટકોના વિવેચનની હાલત વિશે- કૃતિના આધારે થતાં વિવેચનના બદલે પ્રયોગોના વિવેચનની અપેક્ષા મુકવા સાથે એ માટેની સજજતા કેળવવા પર, એ પાછા પ્રેક્ષકો સુધી પહોંચે અને રૂચિને સમૃદ્ધ કરે તે માટે સામયિકો, વર્તમાનપત્રો અનેદ દૃષ્ય-શ્રાવ્ય માધ્યમો કેવી રીતે ઉપયોગી નીવડી શકે તેની વિચારણા આપે છે. નાટકમાં પદ્ય અભિન્ન હિસ્સો રહ્યો છે અને ગુજરાતમાં ન્હાનાલાલથી માંડી કાન્તના ખંડકાવ્યો, સંસ્કૃત નાટકો, જૂની રંગભૂમિ પર થતી બેતબાજી, લોકભવાઈના રાગ-ઢાળ,લાભશંકર ઠાકર, ચિનુ મોદીથી દુર્ગેશ શુક્લ  સુધીનાએ પદ્ય આદિના પ્રયોગો સ્વીકાર્યા છે - એ બધામાંથી સાંપ્રત રંગભૂમિ કશુંક અપૂર્વ, સર્વને રસ આપનારું નાટક નીપજાવી ન શકાય ? તેવો પ્રશ્ન ખરેખર નાટ્યસર્જકો, દિગ્દર્શકો, નટ આદિને એ પૂછે છે. આ પ્રશ્નોના જવાબોમાં જ કદાચ ગુજરાતી રંગભૂમિની આવતી કાલ રહેલી છે. એ જ રીતે આજના અત્યંત પ્રચલિત બની ગયેલા સમુહમાધ્યમો રંગભૂમિને કેવી રીતે વિકસાવવામાં મદદરૂપ થાય, રંગભૂમિએ પણ એ માધ્યમો સાથે કેવા સંબંધો સ્થાપવા આદિને ચર્ચા-વિચારણા એ એમની નાટ્યધધકને વ્યક્ત કરનારી છે.  શ્રદ્ધાવાન હોવા સાથે આંખો બંધ કરીને બેઠેલા નિરીક્ષક નથી અને એટલે જ વાસ્તવિકતાનો ચિતાર પણ એમની પાસે છે જ, અત્યારે તો જૂની રંગભૂમિ વખતે જે - કેટલાક નાટ્યકંપનીઓના માલિક દ્વારા- પ્રકારનું કલાહનન ચાલતું હતું તેનાથી એ ખરાબ રીતે - ગયા બે દશકની સૌથી આઘાતજનક ઘટના તે ‘બોક્ષ આૅફિસ’ની જગા થિયેટરમાંથી નાબૂદ થઈ, તે છે. એનું સ્થાન આજે કોન્ટ્રેક્ટ શાૅ, સોલ્ડ આઉટ હાઉસ અને બેનર-સ્પોન્સરશીપે લીધું છે. એક સર્વે મુજબ, નેવુંથી પંચાણું ટકા નાટકો નટમંડળીના મંત્રી અને જ્ઞાતિમંડળો। ક્લબોના મંત્રીઓ વચ્ચેની વાટાઘાટોને અંતે બ્લોક બુકિંગને ધોરણે ર્વાિષક અહેવાલો અને હારતોરાનાં ભાષણોની વચ્ચે થાય છે...આ કોન્ટ્રાક્ટ શાૅની પદ્ધતિ એ ગુજરાતી રંગભૂમિને અમદાવાદીઓની દેન છે, એ જાણીને આશ્ચર્ય ન થવું જોઈએ. મુંબઈનાં જૂથો કે, જો કે, એ વિના અમદાવાદ નાટક કરવા આવતાં પણ નથી ! (પૃ.-૧૮૫) આ આક્રોશ સ્વાભાવિક જ એમના કથનમાંથી નીકળતો અનુભવાય છે. અને એટલે જ છેલ્લે નિરાશાનો સૂર નીકળે છે- પડદો જાણે ઊઘડતો જ નથી. નટ-પ્રેક્ષકમાંથી એક બગાસુ થાય છે અને બીજો માૅં વકાસીને બેસી રહે છે...(પૃ.૧૮૬)
હસમુખ બારાડી અને બીજા રંગકર્મીઓએ ક્યાંકને ક્યાંક આ રંગભૂમિ નબળી પડવા પાછળ ગુજરાતી પ્રજા માનસને કારણરૂપ ગણ્યું છે. વેપાર-ધંધામાં અટવાયેલા આપણે ગુજરાતીઓ ફિલ્મ જેવી કલાઓમાં કદાચ ધંધાના દૃષ્ટિકોણથી જ મોટી માત્રામાં પડ્યા હોઈશુ- પણ આપણા વારસાને સાચવવા, નાટ્યમાં મળતા ખરાં આનંદને પામવામાં ય પાછા નહીં પડીએ તો કદાચ ભવિષ્ય ઉજળું બને આપણી રંગભૂમિનું. બાકી તો  ‘પડદો જાણે ઊઘડતો નથી...’


૪. કાન્તના પત્રો (પત્રોનું સંપાદન) સં. દર્શના ધોળકિયા. પ્ર.આ. ૨૦૦૯. પ્ર. ગુજરાત સાહિત્ય અકાદમી. ગાંધીનગર-૩૮૨૦૧૭. કુલ પાનાં- ૪૯૬. કિં. રૂ. ૨૧૫-૦૦.  પાકું પૂંઠું, ડિમાઈ)


‘મૂળથી મને પત્રસાહિત્યનું હંમેશાં આકર્ષણ રહ્યું છે. પત્રમાં વ્યક્તિ જેટલી ખૂલતી હોય છે, તેટલી અન્ય સર્જનમાં ખૂલતી હોતી નથી. આ રીતે વ્યક્તિના પત્રો તેમનું આ પ્રકારનું આત્મચરિત્ર બનતા હોય છે. તેમાં ભળતું યુગચિંતન, એ યુગના દસ્તાવેજની ગરજ પણ સારતું હોય છે. વળી બળવંતરાયે પણ ‘મણિશંકરનું જીવન એમના પત્રોમાં છે’ કહીને આ વાતને સમર્થન આપ્યું છે.’- એમ કહીને આ સંપાદન પાછળનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરતાં દર્શનાબેન કાન્તના શક્ય તેટલા પત્રો એકઠા કરવાનો પ્રયાસ કરે  છે. આ પ્રયત્નના ફળ રૂપે કુલ ૬૯૫ જેટલા પત્રો તેમને મળ્યા છે. આ સિવાય જે કેટલાક રહી ગયા તેની નોંધ પણ ઉચિત રીતે જ લે છે. એ રહી જવાના કારણો પણ આપે છે. એ રીતે જોતાં એક સ્વસ્થ અભ્યાસીની દૃષ્ટિએ થયેલું સંપાદન આપણને પ્રાપ્ત થયું છે. કાન્તના વ્યક્તિત્વને, એમના સર્જનવિશેષોને સમજવામાં પણ આ સામગ્રી આપણને ઉપયોગી નીવડે તેમ છે. કેમકે, કવિ કાન્તના ચિત્તમાં ચાલતા વિચારો, એમણે મિત્રો-સ્વજનો સાથે કરેલ વિચારવિમર્શમાંથી જે મંથનપ્રક્રિયા જન્મી છે તે સીધી જ આ પત્રોમાં ઉતરી આવેલી અનુભવાય છે. સ્વાભાવિક જ આ પત્રો જાહેરજનતા માટે લખાયેલા નથી એટલે જાહેરમાં રજૂ થતી વેળાએ આવી જતી સભાનતાથી અહીં નથી. એ સ્વજનો સાથેનો વિનિમય છે એટલે વિચાર અને લાગણી બંનેને સ્પષ્ટ, જેવા છે તેવા સ્વરૂપે આલેખવામાં આવ્યા છે. - તે અહીં સાદ્યંત અનુભવાય છે. એમાંથી પ્રગટતા વ્યક્તિત્વનો ખસ્સો વ્યવસ્થિત એવો ગ્રાફ આપણી સમક્ષ રચાતો આવે છે, તે ચયનકર્તાની અભ્યાસદૃષ્ટિ પણ સૂચવે છે.
કાન્તના પત્રોનું સંપાદન કરવા સાથે કાન્તના આ પત્રો વિશેનું વિવેચન મારા માટે આકર્ષણનો વિષય હતો. દર્શનાબેન પત્રોના આધારે જે વ્યક્તિત્વ કંડારે છે તે ર્તાિકક અને સાધાર છે. કાન્ત વ્યક્તિ તરીકે અને કવિ તરીકેના વ્યત્વોને અલગ પાડીને તટસ્થ રીતે વિચારી શકે છે. પોતનામાં જ રહેલા કવિની સર્જકતાને સતત ટપારતા રહે છે તેની ઉચિત નોંધ લેવા સાથે ગુજરાતી કવિતાનો બાલ્યકાળ ચાલતો હોવાથી પોતે વધારે સારું સર્જન કરવામાં નિષ્ફળ ગયા હોવાનો ભાવ કાન્તની અતિ ઉચ્ચ એવી અપેક્ષાઓને પ્રગટ કરે છે - તે નિરીક્ષણ પણ સંપાદકની સભાનતાને ચીંધે છે. કાન્ત લખે છે- ‘લાંબા સમય સુધી ગંભીર પ્રયત્ન કર્યા પછી ગુજરાતીમાં સારી કવિતા રચવામાં હું નિષ્ફળ ગયો છું. એ ઘણી જ કઠિન કળા છે અને કદાચ એને મૂળ ઘાલવાને માટે સામાન્ય રીતે ઊંચી ભૂમિકાનો સમાજ આવશ્યક છે.’ (પૃ.૭. સંપાદકિય લેખ) કાન્ત અને બ.ક.ઠાકોર, કાન્ત અને કલાપી, રમણભાઈ નીલકંઠ, ન્હાનાલાલ આદિ સાથે સાહિત્ય અને ખાસ તો કવિતા સંબંધી જે વિચારણા કરે છે એ એમનામાં રહેલ સજજ વિવેચક અને ઉમદા નિખાલસ વ્યક્તિ તરીકે સ્થાપી આપનાર નીવડે છે. આ પત્રોમાં તે સમયની સામાજિક અને ખાસ તો સાહિત્યસંબંધી સ્થિતિનું ચિત્ર પણ સમાંતરે પ્રગટતું અનુભવાય છે.
કાન્તના જીવન સાથે ધર્માન્તરણનો મુદ્દો સતત જોડાયેલો રહેવાનો છે. કાન્તના ચિત્તમાં ચાલતા વિચારો, વમળો આ પત્રોમાં જોવા મળે છે. તેઓ સતત પોતાનો પક્ષ, પોતાની નબળાઈ, પોતાને પ્રાપ્ત થયેલ વિચાર અને શ્રદ્ધાને તે મિત્રો સાથે, સ્વજન સાથે પત્રવ્યવહારમાં વ્યક્ત કરે છે. એક બાજુ વિચાર અને બીજી બાજુ સંબંધો, લાગણીઓના અંતિમો વચ્ચે અફળાતા કાન્તનું નર્યું સાચું રૂપ પ્રગટાવતાં આ પત્રોમાં એક મિત્ર, એક પતિ, એક પિતા, શિક્ષક, સમાજચિંતક, સામાન્ય નાગરિક, ર્આિથક સંકડામણ અનુભવતો ગૃહસ્થ, પ્રભુકૃપા પામવા ઉત્સુક ભક્ત, શુદ્ધ કવિતા માટે મથતો સભાન સર્જક, કડક આલોચક અને જરૂર પડ્યે પોતાની ભૂલને નિખાલસતાથી સ્વીકારતો કેવળ મણસ પ્રગટી આવે છે. પત્રોમાં આવતી નાની નાની બાબતો, એમના રોજિંદા જીવનની સર્જાતી ઘટનાઓના નિર્દેશો કરી આપે છે.
આ બધી સામગ્રી અભ્યાસીઓ માટે, એક કવિના જીવનને, કવિના ચિત્તને સમજવા માટેની મોંઘી જણસ બની રહે તેવું સમૃદ્ધ સંપાદન અકાદમી અને દર્શનાબેન પાસેથી પ્રાપ્ત થાય છે ત્યારે એનો આનંદ વ્યક્ત કરું છું.

ડૉ. નરેશ શુક્લ. ૫૩-એ, હરિનગર સોસાયટી, મુ.પો. વાવોલ.જિ. ગાંધીનગર-૩૮૨૦૧૬

***
 
Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index