જાત સાથે વાત (સામાને કહેવા માટે)
સુમન શાહ

કાર્પેટ અને સ્લીપર


ક બીજા ભા-ને અને એમના મળતિયાઓને હમેશાં પસીનાની બૂ આવે છે. કોઇનો પરસેવો વેઠી શકતા નથી. વિચારતા નથી કે માણસને પરસેવો પડ્યો તે કેમ પડ્યો. બૂઊઉ એવું લંબાવે કે ભા-નું મોઢું ગંધાતું જણાઇ જાય. એક વાર એમને અમેરિકન પરફ્યુમ લગાડવા ગયો : અરે અરે શું કરે છે ? મને પશ્ચિમની ચીજ માત્રની સૂગ છે! : સૂઊગ એવું બોલેલા,મોઢું ગંધાતું બીજી વાર જણાઇ ગયેલું. મેં પૂછેલું, સાંજે પશ્ચિમ દિશાના આકાશમાં ને ધરતી પર પણ, પાતળા તડકાનો જે પ્રસરાવો થાય છે, તમને તે ય નથી ગમતો--? કહે, તારો આ પ્રસરાવો  શબ્દ બરાબર નથી. મેં કહ્યું, પ્રસરવું  ઉપરથી તો છે ! તો બોલ્યા : હા પણ, ના ચાલે, કેમકે પ્રચલનમાં નથી : જોકે આ ભા દાંતે મીઠું ઘસે છે અને તે ય ખાલી આંગળીથી ! કહે, ટુથબ્રશ ઘોડાના વાળમાંથી બને છે : મારાથી પુછાઇ ગયું, ને પેસ્ટ ? : એમાં ય શું-નું-શુંહશે, એ પર ધ્યાન ન આપવું. આમ તો એમને કોઇપણ બાબતના મૂળ લગી જવાની આદત છે. સુટેવ. પણ અમુક વખતે નથી જતા. એ કટેવ.મેં આ બાબતે જ એમને બે સવાલ કરેલા :૧: ભા, પશ્ચિમમાં આગળ-ને-આગળ જઇએ તો પૂર્વ આવે કે કેમ :૨: પરસેવાના મૂળમાં શું હશે--હું હજી પૂરું બોલી રહું એ પહેલાં જ બોલ્યા--  પ્રસ્વેદ ! મેં પૂછ્યું, પણ તેના મૂળમાં--? તો કહે, સ્વેદ.મેં એમને પજવવા આગળ પૂછ્યું, ને એના મૂળમાં--? તો બોલ્યા, માથું તારું ! મેં કહ્યું, બરાબર. પણ ભા, શરીરને પરસેવો માથાને કારણે પડે એવું બને--? એ બોલ્યા, જરૂર પડે, મારું જ દૃષ્ટાન્ત વિચારને ! મને કેટલો પડે છે ! કપાળે કશું ન્હૉતું છતાં હથેળી ફેરવતા એ હસ્યા ને એમના મોંમાંથી, પાછી ગંદી વરાળ... મેં કહ્યું, પણ ભા, જે લોકોનું માથું તમારા જેવું નથી ને તો ય પરસેવો પડે તો શું સમ-- હું બોલી રહું એ પહેલાં જ બોલ્યા--  સમજવાનું કે એ તારા જેવો ગગો છે ! ને સાંભળ, પશ્ચિમમાં જઇએ તો પૂર્વ આવે કે કેમ તે નથી જાણતો, પણ મારે જવું જ નથી તો તું શું કરે ? : મેં કહ્યું, તમને કશું કરાય એવું છે જ નહીં. સારું ભા, તમને એ ખબર છે, કોલગેટવાળાઓએ એક ટૂથપેસ્ટ મીઠાવાળી પણ કાઢી છે ? : તો તરત બોલ્યા : આઇ હેટ મલ્ટીનેશનલ્સ ! મેં પૂછ્યું, કોલગેટની પેસ્ટ દુનિયાના કોઇપણ ગામમાં મળે છે,તોપછી એ વસ્તુને હું જો યુનિવર્સલ કહું --હું પૂરું કરું એ પહેલાં જ બોલ્યા--  તારે જે ક્હૅવું હોય એ ક્હૅ ! એની જનની તો એ જ ને ! મારા મને મને સમજાવ્યું કે ભા મલ્ટીનેશનલને જનની કહે છે, સારું કહેવાય, પણ જોકે, એના જણતરને નથી સ્વીકારતા, તો શું કરવાનું ? મારા મને મને કહ્યું, તું જરા સમજ, કે એમ સંસ્કૃતમાં ક્હૅવાની એમને સુટેવ છે; હકીકતમાં તો, એવી સ્ટાઇલમાં ભાંડવું હોય છે, ને ભાંડે છે !માટે સુટેવ સુટેવ નથી, કટેવ છે ! થોડી વાર પછી મારા મને મને કહ્યું, તને ગગો કહ્યો એ વાતને પણ એમ જ સમજ. વધુ માટે પૂછ, એમના મળતિયાઓને. પણ એ પહેલાં, હા એ પહેલાં, હૃદયમાં કોતરી રાખ કે કોઇ બોલી રહે એ પહેલાં વચ્ચે બોલવાથી મોં ગંધાતું થવાનો, સમજ, નોંધી રાખ, કે મોં ગંધાતું થવાનો રોગ થાય છે, રોગ, મુખરોગ. હું ચૂપ ને મન પણ ધીમેથી પછી જપી ગયું.
ગામ જઉં ત્યારે મોચીઓળમાં થઇ કડિયાવાડમાં ગરકું ને ઝટપટ શણગારવાડી વટાવતો ભાડભૂંજાવગેથી પહોંચું કુંભારવાડે. આજે પણ એ જ રૂટ લઇને ગયો. કબો કુંભાર ને હું તીજીમાં જોડે. એક વાર એના ઘરનો ચુનિયો ગધેડો બહુ માંદો પડ્યો. ગધેડો, છતાં ભા. એવો હુંશિયારકે પોતાનો ભાર, જેને લોકો મળતિયા કહે છે એ સાથી ગધેડાઓને આરામથી ભળાવી દે. બે સાથી તો ખાસ હતા. એ બન્નેને સમજ એવી પાડેલી કે આપણે તો બન્ધુ છીએ, સહ-સાથી છીએ. વાતે ય સાચી, બન્નેને અગલબગલમાં જ રાખે ! બેમાંથી જેએક ના માને, તેને તતડાવે, નમાવે; કાઢી મેલીશ કહે.પણ ચુનિયાના કરમની કઠણાઇ એવી કે ગર્દભસમાજમાં એની સૌને સૂગ ઘણી. મુખ્ય કારણ તો એ કે હરેક જગાએ ભૂલો કાઢે, સુધારા બતાડ્યા કરે, આમ કરવું જોઇએ, તેમ ના કરાય, પેલો જૂઠો છે, ઓલો ખોટો છે  --ટૂંકમાં, ભા-ગીરી કરે. ને ભા-ગીરી કરવાને સૌ પહેલાં પેલા બે પાસે બધે લાતોડિયાં શરૂ કરાવે. જોકેપણ વિરોધી જૂથનાગધેડાઓ ચલાવી લે થોડા ? જાત તો એક જ ને ! તેપેલા બન્નેને તો એડીઓ મારી-મારીને અધમૂઆ કરે ને ઓછું હોય એમ ચુનિયા પાછળ કૂતરાં દોડાવે. તો, ચુનિયો ગધેડો દોડતો તો થાય, કેમકે અસલમાં તો,અસલામતીથી પીડાતો, બીકણબાયલો !જોકે પણ વૅર લીધા વિના છોડે નહીં એવોય ખરો જ વળી.બધું બરાબર થઇ ગયું એમ સમજી પેલાવિરોધીઓમાં જે નિરાંતની ઊંઘ લેતા હોય, ઘસઘસાટ ઊંઘતા હોય, તેને જઇને દરેકને એક મોટું બચકું ભરી આવે. કહે છે, ચુનિયાની એ સ્ટાઇલ બની ગયેલી. પણ એવી લાઇફ-સ્ટાઇલને લીધેશું થયું ખબર ? એના દાંત બગડ્યા. એટલે કબો ને એનો બાપ ચુનિયાને લઇને ગયા મનાપોર ચકલે દાંતના દાક્તર જગમોહનને બતાવવા. જગમોહને કબાના બાપને કીધું, આના તો બધ્ધા હરી ગ્યા છે, એકોએક દાંતમાં જીવડા છે : કાઢી નાખો : મારી કને કાઢવાનાં ઓજાર નથી, અંદાવાદ લૈ જાવ :બાપે કીધું, તું લઇ જા, મને નૈ ફાવે. કબો એને લઇને નીકળ્યો તો ખરો, પણ એ લોકનાં ભાયગ ગણો, કે કમભાયગ,મહેમદાવાદ લગીમાં તોચુનિયાનારામ રમી ગયા !
એટલે પછી,કબો મને કહેવા લાગ્યો, મારા બાપે મને ના-ભણતો કીધો; ચુનિયાનાં વૈતરાં મને વળગાળ્યાં;પંડ્યના દીકરાને ગધેડાના કામે લગાડ્યો; સું કરું ? : હું કબાને જોતો’તો, ત્યાં મને ક્હૅ, તું તો મોટો  --સૉરી, તમે તો મોટા--  થૈ ગ્યા: મને મનમાં થાય, અંગ્રેજી સૉરીકબાના મગજમાં ને ગળામાં બેસી ગયું છે, ને કેવું તો સાચકલું છે !:મેં કહ્યું, નાઆરે, હજી એમ-નો-એમ તો છું. આનું નામ શું છે ? મેં કબાની બાજુમાં ઊભેલા નવા ગધેડા વિશે પૂછ્યું : મુનિયો છે એ. બાપુ મરી ગ્યા પછી લાયો : કબો થોડી વાર લગી આગળ બોલ્યો નહીં. પછી ક્હૅ, આ નવાના, મુનિયાનાલાયકના, મેં ટોપલી ભરાય એટલા રૂપિયા આલ્યા છે,પણ એટલો તો માથાભારે છે કે ન પૂછોની વાત ! તમને કૌ, મને થાય, આનાથી તો ચુનિયો હારો અતો;યાદ આવે છે, દેખાયા કરે છે. કબાની એ વાતથી મને તરત થયું, મુનિયો ય ભા હોવો જોઇએ.કરતો હશે નરી ભા-ગીરી.મેં પૂછ્યું, એવું તો શું કરે છે ? તો કહે : પેલા બધું મળીને ત્રણ હતા, આની જોડે પૂરા ચાર છે;એ,પાંચમો. ગામમાં હંધા, એ ય તમતમારે આપવડાઇના જલસા ને જાહોજલાલી કરે છે. કશું ના હૂજે તો લાતાલાતી ને હૉંચી-હૉંચીમાં ધૂળના એવા તો મોટા મોટા ગોટા ઉરાડેછે,કે મલક આખો ધૂળકોટ...ચગવે ચડેલું ગધેડાનગર જ જોઇ લો !...સું કરું ? ખરે જ, ચુનિયો હારો અતો...તારી વાત તો બરાબર લાગે છે કહીને હું પછી ચાલી નીકળેલો. રાત્રે મારા મને મને કહ્યું, ભા-લોકોમાં યચુનિયાથી ચડે એવો મુનિયો ને જતે દા’ડે મુનિયાથીયે ચડે એવો બુધિયો મધિયો કનિયો શનિયો એમ એક-એકથી ચડે એવા મળ્યા જ કરવાના, મળ્યા જ કરવાના --માટે તારે હામ રાખવી.પણ એ પહેલાં,હા એ પહેલાં, હૃદયમાં કોતરી રાખ કે કોઇને બચકાં ભરવાથી દાંત જરૂર સડી જાય છે ને દાક્તરો પાસે એનાં ઓજારનથી હોતાં. હું ચૂપ ને મન પણ ધીમેથી પછી જપી ગયું.
કાલે જ કોઇએ મને પૂછ્યું, સુમનભાઇ, આખી પૃથ્વી પર તમે કાર્પેટ પાથરી શકો ખરા --? મેં કહ્યું, ના ભૈ, એટલી મોટી તો કાંથી લાવવી ? ને ધારો કે લાવ્યો ને પાથરવા ગયો, તો પથરાય થોડી ? મારી એવી કશી પ્હૉંચ નથી. પણ, તમે મને આ પૂછ્યું તે કેમ પૂછ્યું ? કારણ શું ? : એટલા માટે કે મારે તમને એ ક્હૅવું’તું કે આપણે આખી પૃથ્વી પર કાર્પેટ નથી પાથરી શકતા પણ પોતાના પગમાં સ્લીપર તો પ્હૅરી શકીએ છીએ ! : મેં કહ્યું, ઓહો, વાત તમારી બિલકુલ બરાબર છે, પણબાય ધ વે, હું તો સ્લીપરોદુનિયામાં નીકળી, એ જમાનાથી પ્હૅરું છું ! : તો એ બોલ્યા, પણ આ તમારા ભા-લોકો નથી પ્હૅરતા, કાર્પેટો પાથરવાની બડાઇમાં ને બડાઇમાં ઉગડા ને ઉગડા મ્હાલે છે, તે ક્હૅજો એમને...એ પછી જે વિચારો આવ્યાતેને વિચાર્યા કર્યા. પણ એમ વિચારોને વિચારતું મન ધીમેથી પછી જપી ગયું. 
===


***
 
Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index