રોમીયો અને જુલીયટ

ભાગ- 3.
મુખ્ય વાર્તા લેખક- માટ્ટઓ બેન્ડેલા.

અંગ્રેજી ભાષાંતર- વિલિયમ પેઇન્ટર

ગુજરાતી ભાષાંતર- મહેન્દ્ર ભટ્ટ

 

(રોમીયો અને જુલીયટ- ના નામથી અજાણ એવો કોઈ જણ શોધવો અઘરો પડે. વિશ્વભરમાં જાણીતા આ પ્રેમીઓના નામ અત્યંત પ્રસિદ્ધ છે. પરંતુ એ મૂળમાં એમની વાત શું હતી – એનાથી અવગત ન હોય એવા ભાવકોને આ રચનાની જાણકારી મળી રહે તે હેતુથી આ કથાને સાહિત્યસેતુમાં હપ્તાવાર પ્રકાશિત કરવામાં આવનાર છે. આશા રાખીએ છીએ કે આપ સૌ આ કથાનો આનંદ ઉઠાવો. પ્રતિભાવો આપશો એવી અપેક્ષા રાખીએ છીએ.    સંપાદક)
( શ્રી મહેન્દ્ર ભટ્ટ, મૂળે અંગ્રેજીના અધ્યાપક અને ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદમાં હાલ પ્રિન્સીપાલ છે. અંગ્રેજી સાહિત્યના નિયમિત વાચક, વિચારક અને અનુવાદક છે. આ પહેલા એમણે ઘણી વાર્તાઓના અનુવાદ કર્યા છે. ખાસ કરીને ગુજરાતી વાર્તાઓને અંગ્રેજીમાં અનુદિત કરીને પ્રશસ્ય સેવા કરી છે. એ જ રીતે અંગ્રેજી કાવ્યો, વાર્તાઓ અને ટૂંકી કથાઓના અનુવાદ ગુજરાતીમાં કરતા રહીને ગુજરાતી વાચકોને રસથાળ પીરસી રહ્યાં છે. )

-3-


ફ્રાયર લોરેન્સ એક અતિ ઉમદા આદમી હતાં. આધ્યાત્મવાદનાં ખરા જાણકાર. કુદરતના છૂપા રહસ્યોના શોધક, તે ખૂબ જ્ઞાની હતા. બાઇબલનો અભ્યાસ અને ધર્મોપદેશ તેમનો મુખ્ય ધંધો બની ચૂક્યો હતો. જાદુવવિદ્યાના તે જાણકાર, છતાં તેનો દુરૂપયોગ તેઓ કદી ન કરતાં. આ ફ્રાયરે પોતાના સદગુણ અને પવિત્રતાથી વેરોનાના લોકોના દિલ જીતી લીધા હતા. લોકો તેમની પાસે કરેલા પાપની કબૂલાત અર્થે નિર્ભય બનીને આવતા. દરેક વ્યક્તિના તે આત્મિયજન બની ગયા હતાં. બધા તેમને હ્ય્દયપૂર્વક માન ન આપતાં અને ચાહતાં. શહેરના ઉમરાવો તો તેમના આવા ડહાપણથી એવા તો પ્રભાવિત થઈ ગયેલા કે તેમણે કરેલા ભારેખમ ગુનાઓનો એકરાર તેમની પાસે કરી હળવાફૂલ બની જતા.
એ બધામાં પણ વેરોનાના મુખ્ય ગવર્નર એસ્કેલાના ઉમરાવનાં તે ખુબ માનીતા હતા. મોન્ટેસ્ચીઝ અને કેપેલેટ કુટુંબોમાં પણ તેમનો માન-મરતબો ઘણો ઊંચો, બહુ નાની ઉમરથી રોમિયોને તેમના તરફ સદભાવ. તેથી પોતાની દરેક ખાનગી વાત તે તેમને કહેતો.
જુલિયેટથી છુટો પડી રોમિયો પહોંચ્યો સીધો લોરેન્સ પાસે, જુલિયેટના પ્રેમનો એકરાર કરી તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા પ્રદર્શીત કરી અને છેવટે કહ્યું કે, જો તેની સાથે લગ્ન નહીં થાય તો મોત સિવાય અન્ય વિકલ્પ નથી. ફ્રાયરે જુદી જુદી ઘણી બાબતોનો વિચાર કરી આવા છૂપા લગ્નોમાં ઊભી થતી અડચણોની વાત તેને સમજાવી. અને હજી ફરીવાર પરિપક્વતાપૂર્વક વિચારવા ભારપૂર્વક સમજાવ્યું. તેમ છતાં રોમિયો પોતાના વચનમાંથી ડગવા બિલકુલ તૈયાર ન થયો. છેવટે તેની જીદને તાબે થઈ, ફ્રાયરે તેની વાત સ્વીકારી. તેમને પણ એક શક્યતા એવી દેખાતી હતી કે તેમના લગ્નના કારણે બન્ને કુટુંબો વચ્ચેનું વૈમનસ્ય કદાચ ઘટે પણ ખરું. લોરેન્સ સહમત તો થયા પણ આટલી ઉતાવળે નિર્ણય કરવો તેમને યોગ્ય ન લાગ્યો. – ‘એક દિવસ તો જોઇએ જ’. તે બોલ્યો. કોઈ શ્રેષ્ઠ માર્ગ કાઢવા, શાંતિથી વિચારી જોવા માંગતા હતા.
રોમિયો આ બાબતે જેટલો કાળજીપૂર્વક આગળ વધતો હતો તેટલી જ કાળજી જુલિયેટ પણ લેતી. તેણે પણ પોતાની વાત પોતાની તહેનાતમાં મુકાયેલ વૃદ્ધાએ આનાકાની કરી, ના પાડી, પણ જુલિયેટને ખાત્રી હતી કે અંતે તો તે તેને જરૂર મદદ કરશે. અને બન્યું પણ એવું કે, તેણે તેનાથી બનતું બધું કરી છુટવા વચન આપ્યું. સૌ પ્રથમ તો જુલિયેટે રોમિયો અને ફ્રાયર લોરેન્સ વચ્ચે જે કાંઈ વાત થઈ હતી તે કહી અને કહ્યું કે આખરી નિર્ણય લેવા ફ્રાયરે એક દિવસની મહેતલ માંગી હતી. અને હજી કલાક પહેલાં જ તે તેને ફરી મળી પાછો આવ્યો હતો. ફ્રાયર લોરન્સ સાથે થયેલ યોજના પ્રમાણે પછીના શનિવારે જુલિયેટ એકરાર કરવાના બહાને ચર્ચમાં જવાની રજા લઇ સેંટ ફ્રાંસિસના ચર્ચમાં રોમિયોને મળે અને ત્યાં બંને છૂપી રીતે લગ્નવિધિથી જોડાઈ જાય. રોમિયોએ એમ પણ કહ્યું કે, કોઇપણ સંજોગોમાં આ તક જવા ન દેવી. વૃદ્ધાએ આવીને રોમિઓએ નક્કી કરેલ યોજના જુલિયેટને કહી. જુલિયેટના આનંદનો પાર ન રહ્યો. તેણે પોતાની વાત માતા પાસે એવી તો સલુકાઈથી મુકી કે તેણે સંમતિ આપી દીધી. એવું નક્કી થયું કે એક આયા અને એક યુવાન કામવાળી બાઈ ને લઇ જુલિયેટ દેવળમાં જાય. નિશ્ચિત દિવસે અને સમયે જુલિયેટ પહોંચી. પહોંચતાની સાથે જ તેણે ફ્રાયર લોરેન્સને બોવાવ્યા. લોકોને તો પાપમુક્તિના એકરાર અર્થે તેઓ દેવળમાં જ હતા. જુલિયેટ આવ્યાના સમાચાર મળતાં જ દેવળના મુખ્ય ભાગમાં તેઓ આવી પહોંચ્યા. તેમણે આયા તથા કામવાળીને ઉપદેશ સાંભળવા અને સેવા કરવા દેવળમાં જવા કહ્યું અને કહ્યું કે, “જુલિયેટનો એકરાર હું સાંભળી લઇશ અને એ કામ પૂરું થતાં જ તમને જણાવીશ.”
બન્ને ગયા કે ફ્રાયર લોરેન્સ જુલિયેટને એક કોટડીમાં લઇ ગયા. આદત મુજબ દરવાજો બરોબર બંધ કર્યો. રોમિયો ત્યાં જ હતો. બંને એકાંતમાં મળ્યા. સમય હતો માત્ર કલાકનો. બન્નેના એકરાર સાંભળી પછી લોરેન્સ બોલ્યા. પુત્રી,  રોમિયોએ મને અધિકૃત કર્યો છે. જે રીતે રોમિયો તને તેની પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છે તે રીતે તું તેને તારા પતિ તરીકે સ્વીકારવા તત્પર છે કે નહીં તે મને કહે, તમે બન્ન એકબીજાને સ્વીકારો છો...બન્નેની દૃઢ ઇચ્છા પામી જઇ લોરેન્સે તેમને લગ્નનું મહાત્મ્ય સમજાવ્યું. લગ્ન સંસ્થાની પ્રસંશા કરતો ઉપદેશ સંભળાવ્યો અને છેવટે દેવળની વિધિના શબ્દો ઉચ્ચાર્યા. રોમિયોએ જુલિયેટ વીંટી પહેરાવી અને બન્ને ઊભા થયા. ફ્રાયર લોરેન્સ સમક્ષ બન્ને નત મસ્તકે ઊભા ત્યારે લોરેન્સે કહ્યું. – “બોલો, હવે તમારે વધારે કાંઈ કહેવાનું હોય તો કહો, ઝડપ કરજો, સમય બહુ ઓછો છે અને રોમિયોએ ચૂપચાપ અહીંથી રવાના થવાનું છે, માટે કહી દો જે કહેવાનું હોય તે.”
રોમિયોને જુલિયેટથી આ રીતે છુટા પડવાનું ગમ્યું નહીં. તેને થોડી ગ્લાનિ, થોડી દિલગીરી પણ થઈ. તેણે જુલિયેટને પેલી વૃદ્ધાને તેની પાસે મોકલવા કહ્યું અને જે દોરડાની નિસરણી તેની સાથે તે મોકલાવે તે તૈયાર રાખવા કહ્યું. રાત્રે તેના શયનખંડમાં ખાનગીમાં નિરાંતે આગળ શું કરવું-તેની યોજના વિચારવાની વાત પાકી કરી બન્ને છુટા પડ્યા અને લગ્નના એક કલાકના સહવાસને વાગોળતાં વાગોળતાં સુખદ સંતોષ સાથે પોતપોતાના ઘરે પહોંચ્યા. રોમિયોએ ઘરે પહોંચી પોતાના અત્યંત વફાદાર સેવક, જેમાં તેને પોતાની કરતાં પણ વધારે વિશ્વાસ હતો તેવા પેટ્રોને બોલાવ્યો અને બંને છેડા પર લોખંડના હૂક લગાવેલા હોય તેવી દોરડાની બનેલી એક નિસરણી લાવી રાખવા કહ્યું. તરત જ પેટ્રોએ તેની વ્યવસ્થા કરી, ઇટાલીમાં તે સમયે તે ખુબ વપરાતી.
જુલિયેટે બરાબર પાંચ વાગે પોતાની વૃદ્ધ આયાને રોમિયો પાસે મોકલી અને તેણે જે વ્યવસ્થા કરી હોય તે લઈ આવવા કહ્યું અને નિયત સમયે પોતે હાજર રહે તે માટે યાદ અપાવવા પણ કહ્યું.
મોહાંધ બનેલ બન્ને પ્રેમીઓને આ સમયયાત્રા અતિ લાંબી લાગી. ક્ષણે ક્ષણ યુગો જેટલી લાંબી લાગી. જો કે બીજો કોઈપણ સમયગાળો તેમને ટલો જ લાંબો અને કસોટીરૂપ લાગત તે નિશંક હતું. તેમનું જો ચાલે તો કાળા ડિબાંગ વાદળોના પડછાયામાં રાત પાડી દે તેવી અધિરાઈ અનુભવતા હતા તેઓ બન્ને. એવી હતી તેમની એકબીજાને મળવાની તાલાવેલી..અને અંતે આવી પહોંચી એ મેળાપની ઘડી. રોમિયોએ ઘડકતાં દિલે નવો પોષાક ધારણ કર્યો. તેનું હ્ય્દય ક્ષણે ક્ષણે એક તો ધબકારો ચૂકી જશે એવું લાગતું હતું. પરંતુ સદનસીબે તે વધારે વેગથી ધબકતું હતું. પોતાના નિશ્ચયમાં અડગ, ધડકતાં હ્ય્દયે રોમિયો પહોંચ્યો એ બગીચામાં અને રમતવાતમાં બગીચાની દિવાલ કૂદાવી બરોબર જુલિયેટના શયનખંડની બારી નીચે આવી ઊભો. ત્યાંથી જ જુલિયેટને નિહાળી. તેણે પણ રોમિયોને ઉપર ચડવા નિસરણી બરોબર બાંધી રાખી હતી. કોઈ ભય વગર તે નિસરણીના સહારે ઉપર ચડી ગયો અને પહોંચ્યો જુલિયેટના શયનખંડમાં. દીવાની શગમા પ્રકાશમાં જુલિએટનો શયનખંડ ઝળહળતો હતો. રાત્રી પોશાકમાં સજ્જ જુલિયેટને રોમિયો જોઇ રહ્યો. દીવાના પ્રકાશમાં તેનું સૌંદર્ય કંઇક ઓર જ નિખરી રહ્યું હતું. રોમિયોને જોતાં જ તેણે તેને પોતાના બાહુપાશમાં જકડી લીધો. અને વારંવાર ફરી ફરીને અનેક ચૂંબનો કરી દબાવી દીધો.
શબ્દોની જગ્યા પણ બચી ન હતી તે બંને વચ્ચે. હતા ફક્ત ઉનાં ઉનાં નિસાસા. આજે રોમિયો તેની અત્યંત નજીક હતો. આટલી નજીકથી તેણે રોમિયોનો ચહેરો કદી જોયો ન હતો. તે તેને અનિમેષ નયને તાકી રહી. મન ભરીને નિરખી રહી પોતાના પ્રિયતમને..તેની આંખોમાં અપાર પ્રેમમય કરૂણા હતી. જાણે રોમિયો સાથે જીવન-મરણના કોલ ન દીધા હોય.. પણ પછી તેણે જાત પર કાબુ મેળવ્યો. સંભાળી લીધી તેની જાતને. ભાનમાં આવ્યા પછી જાણે હ્ય્દયના ઊંડાણમાંથી ન બોલતી હોય તે રીતે બોલી.  – “રોમિયો, સદગણોના આવિષ્કાર સમા મારા પ્રિયતમ, હ્ય્દયપૂર્વક તારું સ્વાગત હો..! તારી ખોટ સાલતી હતી. તારી ગેરહાજરીમાં આંસુઓના એટલા ઉભરા આવ્યા કે હવે ઝરણું સાવ સૂકાઈ ગયું. પરંતુ હવે તેને મારી બાહોમાં પામી, મૃત્યુ કે નસીબ, જેને કંઈ કરવું હોય તે ભલે કરે. મને ભૂતકાળમાં અનુભવેલા મારા તમામ દુઃખોનો બદલો મળી ગયો તેનો સંતોષ છે. આ બધો પ્રતાપ તારી હાજરીનો છે ભલા, રોમિયો પણ સજળ આંખે બોલ્યોઃ મારી વહાલી, આજ પહેલાં નસીબે પણ આવી યારી કદી આપી નથી. કેમ સમજાવું તને કે તું મારા અસ્તિત્વ પર કેટલી છવાઈ ગઇ છે..! આટ આટલા દિવસ સુધી ભોગવેલી યાતના, તને પામવાની આ ક્ષણ સુધી, તારા વિરહની વેદના, કેટલી અનુભવી...? મૃત્યુ કરતા પણ વધારે વેદનામય હતી અને એ વિરહનું આવું આશાકિરણ મને નજરે પડ્યું ન હોત તો મારું જીવન તો ક્યારનુંય આથમી ગયું હોત. પરંતુ મને લાગે છે હવે મારી યાતનાઓનો બદલો મને મળી ગયો. આ મિલને મને ખુબ શાતા આપી. હું ખુશ છું. દુનિયા આખી મારા હવાલે હોય તેવું લાગે છે. પરંતુ હવે આપણઆ લાગણીસભર હ્ય્દયને મળેલ સુખ-શાંતિ કાયમ કેમ બની રહે તે બાબતે પણ વિચારી લેવું જરૂરી છે. હવે આપણે ડહાપણ અને બુદ્ધિપૂર્વક, વિવેકબુદ્ધિથી, કૂનેહપૂર્વક કામ લેવું પડશે જેથી જિંદગીના બાકી રહેલા દિવસો આપણે શાંતિથી જીવી શકીએ.
જુલિયેટ જવાબ આપવા જતી હતી કે વૃદ્ધ આયા તેના ખંડમાં પ્રવેશી. વાતોમાં જે સમય વિતાવે છે તેને તે સમય કદી પાછો મળતો નથી. તે બોલી. – “ગમે તે દુઃખ અનુભવ્યું હોય, ભૂલી જાવ અને આવો તમારા માટે મેં સજાવેલ શૈયા પર અને મળો શાંતિથી.” વૃદ્ધાની વાતથી બન્નેને ખુશી થઈ અને શૈયા પર બંને તેમના પ્રેમને અનુકૂળ એવા કોમળ આલિંગનોમાં વિંટળાઈ વળ્યા. કૌમાર્યની બધી જ સીમારેખા રોમિયો એક પછી એક ઓળંગતો ગયો. તેનું સામ્રાજ્ય છવાઈ ગયું. કોઈ અંતરાય હતો નહીં ત્યાં.
આ રીતે સંપન્ન થયું તેમનું લગ્ન. સવારનો પ્હો ફાટકતાં જ રોમિયોએ વિદાય લીધી. ફરી એક બે દિવસમાં એ જ સ્થળે મળવાનું નક્કી કરી. ગમે તે ભોગે, નસીબ યારી આપે અને દુનિયા સમક્ષ તેમનું પવિત્ર બંધન જાહેર કરવાની તક સાંભળે ત્યાં સુધી આ રીતે મળવા આવતા રહેવાનું વચન આપીને તે ગયો. આમને આમ એક બે મહિના સંતોષ – આનંદમાં પસાર થયા. પણ નસીબની ગતિ ન્યારી, દૈવ કળ હોય છે, તેમ એકાએક બધું બદલાયું..! નસીબની બલિહારી એવી રહી કે મળેલા તમામ સુખોને, માણેલા આનંદને તેમે વ્યાજ સાથે પાછું લીધું. અને તેમને ધકેલ્યા દુઃખની ઊંડી ગર્તામાં. કેમ જાણે તેને તેમના સુખથી ઇર્ષ્યા ન ઉપજી હોય... અને બદલામાં આપ્યું એટલું ક્રૂર અને દયાજનક મૃત્યુ કોઈએ કલ્પના પણ ન કરી હોય..!
આ તરફ વેરોનાના ઉમરાવના અનેક પ્રયત્નો છતાં કેપેલેટ અનો મોન્ટેસ્પીઝ કુટુંબના સંબંધમાં કોઈ સુધારો થયો ન હતો. ભારેલા અગ્નિ માફક જૂના વૈમનસ્યના તણખાઓ હજી રહી ગયા હતા જે કોઈ પ્રસંગનું બહાનું મળતાં જ ભડકી ઊઠે એવી પૂરી શક્યતા હતી. એવામાં ઇસ્ટરના દિવસોમાં એક ઘટના બની.
વેરોનાના જુના કિલ્લા તરફ જતાં રસ્તા પરના બૂઝારી દરવાજે કેપેલેટ અને મોન્ટેસ્ચીઝના જુથો આમને સામને આવી ગયાં. પછી તો પૂછવું જ શું...? શરૂ થઈ ગયા ઘૂરકીયા, કેપેલેટના જૂથમાં જુલિયેટનો પિતરાઈ થીબાલ્ટ હતો. તે યુવાન અને શસ્ત્રો વાપરવામાં પારંગત હતો. તેણે પોતાના સાથીઓને મોન્ટેસ્ચીઝના માણસોને બરાબરનો પાઠ ભણાવવા ઉશ્કેર્યા અને મોન્ટેસ્ચીઝનું નામોનિશાન મીટાવી દેવા તત્પર કર્યા.
તકરારની ખબર વાયુ વેગે વેરોનાના ખૂણે ખૂણે પહોંચી ગઈ. શહેરનાં લોકો પહોંચ્યા તેમને છૂટા પાડવા. રોમિયો પોતાના મિત્રો સાથે તે પણ ઝડપથી ઉપડ્યો. અને પહોંચ્યો જ્યાં તેના સગાવહાલાની ઘતકી હત્યા થઈ હતી. ઇજા પામેલા, આપસમાં લડતાં ને તેણે સમજાવવાની કોશીષ કરી. પોતાના સાથીઓને ઉદ્દેશીને બોલ્યો..- “મિત્રો, ચાલો તેમને છુટા પાડો. એ બધાં એટલા તો ઉશ્કેરાયેલા છે કે, જો તેમને અત્યારે રોકશું નહીં તો જોત જોતામાં તો બધાનાં ટૂકડે ટૂકડાં થઈ જશે.” અને બોલતાની સાથે જ તેણે ઝઘડતા જુથોમાં ઝંપલાવ્યું અને એકબીજા પર થતા વારને ઝીલવા, અટકાવવા લાગ્યો. તે મોટેથી બોલતો જતો હતો, - “મિત્રો બસ કરો, હવે નહીં. અટકો, અટકી જાવ, ઇશ્વરને ખાતર પણ થોભી જાવ. ઇશ્વરનો ક્રોધ વહોરોમાં. આપણા બંને કુટુંબો દુનિયા આખીમાં બદનામ થાય છે અને સમાજમાં અવ્યવસ્થાના કારણરૂપ બને છે.”
પરંતુ તે બધા એકબીજા પર ગુસ્સાથી એટલા તો હાવી થઈ ગયેલા હતા કે રોમિયોની વિનંતીઓ કાને ન ધરી. એકબીજાના જાન લેવા મચી પડ્યા હતા. લડાઈ એટલી તો ઘાતકી અને હિંસક બની ગઈ ગઇ હતી કે જોનારાઓ પણ હતપ્રભ બની ગયા હતા. હવે અટકવું તેમને મન કાયરતા હતી. શસ્ત્રો છવાઈ ગયા હતા. બધાનાં મન ઉપર અને જમીન પર વેરણ-છેરણ પડ્યા હતા. કપાયેલ હાથ કે પગ. લડાઈમાં કોણ જીતે તે કહેવું મુશ્કેલ હતું. એવામાં જુલિયેટના પિતરાઈ ધી બાલ્ટનું ધ્યાન રોમિયો પર પડ્યું અને ગુસ્સામાં તે તલવાર લઇને દોડ્યો વાર કરવા. ઘા એટલો તો બળપૂર્વકનો હતો કે રોમિયોએ પોતાના બખ્તર પર એ ઘા ઝીલી ન લીધો હોત તો તેના બે કટકા થઈ જાત. આ જોઈ રોમિયો બોલ્યો- “થિબાલ્ટ, તું જાણે છે કે, મેં હજી ધીરજપૂર્વક કામ લીધું છે. અહીં સુધી હું તારી સાથે લડવા નથી આવ્યો. હું તો શાંતિ અને સુલેહ ઇચ્છું છું. તું જો એમ માનતો હોય કે હું કાયર છું તો ભૂલ કરે છે. મારા સ્વમાનને ઉશ્કેરમાં. અન્ય થા આરોપ  કર, નિંદા ન કર. આટઆટલાના જાન જઈ ચૂક્યા છે. બસ કર હવે, તારી લોહીની તરસનો અતિરેક ન કર. મારી શુભકામના અને મનનાં તમામ બંધનો તૂટી જાય એટલો ઉશ્કેર નહીં મને.”
“અરે ઓ વિશ્વાસઘાતી”- થીબાલ્ટ ગર્જ્યો. “સારી સારી વાતો કરીને પટાવ નહીં મને. લે, બચાવ તારી જાત. સંભાળજે. શબ્દો તારા શરીરનું રક્ષણ નહીં કરી શકે સમજ્યો...” આમ કહેતાની સાથે જ જે બળપૂર્વક તેણે રોમિયો પર તલવારનો વાર કર્યો.
રોમિયોએ તે ચૂક્વ્યો ન હોત તો તેનું માથું ધડથી અલગ પડી ગયું હોત. થિબાલ્ટ પોતાની જાત સંભાળીને ફરી વાર કરે તે પહેલા તો રોમિયો તૈયાર જ હતો. પોતાના પર વાર થવાના કારણે અને તેને ઇજા પહોંચાડવાના ઇરાદાથી થયેલા ઘાથી રોમિયો ગુસ્સે થયો. એવી ત્વરાથી તેણે વળતો ઘા કર્યો કે એક, બે અને ત્રીજા ઘાએ તો એને તો ઢાળી દીધો તેના દુશ્મનને, ગળામાં તલવારની અણી એવી તો ઘોંચી દીધી કે આરપાર નીકળી ગઈ અને બસ ખેલ ખલાસ. ખતમ થઈ ગયો ઝઘડો. થિબાલ્ટ તેમના જુથનો નાયક હતો, એટલું જ નહીં તે એક ઉમદા ઉમરાવ કુટુંબનો સભ્ય પણ હતો.
મેયરે તેના સૈનિકો મોકલ્યા અને રોમિયોને જેલમાં મોકલવાના આદેશો આપ્યા. રોમિયોને થયું, નસીબ એને આંબી ગયું. દુર્દૈવને દ્વાર ખખડાવું પામી જઈ રોમિયો ભાગ્યો અને ભરાયો ફ્રાયર લોરેન્સના દેવળમાં, પણવારમાં બાજી પામી ગયેલા લોરેન્સે તેને છૂપી જગ્યાએ સંતાડ્યો કોન્વેન્ટમાં. અને નસીબ પલાટાતા ત્યાંથી પરદેશ ભાગી જવા રાહ જોવા કહ્યું.
થિબાલ્ટના મૃત્યુની વાત શહેરમાં ફેલાઈ ગઇ. તેના મૃતદેહને વેરોનાના જાગીરદાર સમક્ષ મુકવામાં આવ્યો. કેપેલેટ કુટુંબે શોક મનાવ્યો અને અરજ કરી ન્યાય કરવા. તો સામા પક્ષે મોન્ટેસ્ચીઝ કુટુંબે પણ રોમિયાની નિર્દોષતાને આગળ ધરી. હુમલો થિબાલ્ટે કર્યો હતો એ વાતને દોહરાવી. પંચ એકઠું થયું. બંને પક્ષના સાક્ષીઓને સાંભળવામાં આવ્યા. શહેરના ઉમરાવ દ્વારા હથિયાર હેઠા મુકવા આદેશ થયો. રોમિયોનો ગુનો સાબિત થયો. જો કે, તેણે સ્વબચાવમાં થિબાલ્ટને માર્યો હતો એ વાતને લક્ષમાં રાખી તેને પંચ દ્વારા વેરોનામાંથી કાયમી હદપારની સજા કરવામાં આવી.
કમનસીબ કથા શહેરમાં જાહેર થઈ. લોકોએ વિલાપ કર્યો અને શોક મનાવ્યો. કોઈકે થિબાલ્ટના મૃત્યુને તેની શસ્ત્ર વાપરવાની નિપૂણતા અને અનુભવને લક્ષમાં રાખી તે કેટલો ઉપયોગી બની શકે તેમ હતો તેવી વાત કરી. તો કોઈએ રોમિયોની હદપારીની સજા માટે નિસાસા નાંખ્યા (ખાસ કરીને વેરોનાની યુવતીઓએ) તેની મોહકતા, લાવણ્ય અને કુદરતી આકર્ષણ ઊભું કરતી તેની છટા તથા સદગુણોથી તે દરેકને પોતા તરફ ખેંચતો. તેથી સારાયે શહેરના લોકોનો એક મત એવો હતો કે તેની હદપારીની બાબત ખુબ કમનસીબ ગણાવી. પરંતુ એ બધામાં સૌથી બદનસીબ તો હતી જુલિયેટ કે જેણે બે બે જણ ગુમાવ્યા હતા. થિબાલ્ટ જેવા પિતરાઈનું મોત અને અત્યંત પ્રિય તેવા વહાલા પતિની હદપારી. તેના નિસાસાઓથી હવા ગરમ થઈ ગઈ. તેના વિલાપે ભરાઈ ગયું સારુંય આકાશ. ઉશ્કેરાયેલી, દુઃખથી પીડાતી, રહેંસાતી તે ઉપડી પોતાના શયનખંડમાં અને પડી શૈયા પર, જ્યાં તેણે રોમિયો સાથે રાતો દરમિયાન મધૂર પળો માણેલી. પરંતુ તેના દર્દમાં ભાગીદાર થવા આજે કોઈ ન હતું. કહે પણ કોને ? દયા ઉપજે એવી કરુણ સ્થિતિ હતી તેની. બુદ્ધિ બહેર મારી ગઇ હોય એવી દશામાં બાઘાની માફક અહીં તહીં બહાવરી બની નજરો આમતેમ ફેરવી રહી હતી. જે બારીમાંથી રોમિયો પ્રવેશતો તે બારી પર નજર પડતાં જ તે ચિત્કાર કરી ઊઠી, ઘવાયેલી પંખિણીની માફક.
રે દુઃખીયારી અટારી, પ્રવેશ કેટલા બદનસીબ જેમાં વણાયેલા હતા મારી પર આવી પડનાર આ દુર્ઘટનાના તાણાવાણા. ઘૂંટાયા હતા કડવા વખ વિષ. તારાથી થયો હતો થોડો આનંદ, અન્યથા, અન્ય સમયે મળ્યું હતું અલ્પ ક્ષણિક સુખ. તો શું એ બધાનું ઋણ મારે આટલા બળપૂર્વક અને દુઃખ સાથે ચૂકવવું પડે ! નથી મારું કોમળ શરીર એટલું શક્તિમાન કે ન ખમી શકે તારો આઘાત. હવે તો શોધવી એવી જગ્યા, એવા દ્વાર જ્યાં આ જીવનનો ભાર ક્ષણિક મૂકી શકાય. અરે દૂર્ભાગી રોમિયો, આપણી પ્રથમ મુલાકાતે લલચાયા હતા મારા આ કાન તારા વચનને કારણે અને ખાત્રી કરાવી તેં ઘણાં સોગંદ વડે. એથી તો હજી હું માનવા તૈયાર નથી કે મૈત્રીથી આપણા કુટુંબો વચ્ચેના વૈમનસ્યને ટાળવાના બદલે તેં આવું હિચકારું શરમજનક કૃત્ય કેમ કર્યું...?

(હવે પછીના અંકમાં...)

000000000

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index