કાવ્યાસ્વાદઃ આત્માને ઇચ્છાનું વળગણ
- અજિત મકવાણા


ઢોલિયે
અમે અજાણ્યા ક્યાં લગ રે’શું?
કહો તમારા ઘરમાં?
કહો તમારા ઘરમાંથી વળી
તબો - તમાકુ પંડ ઊઠીને ક્યારે લેશું?
દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,
ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં આવતાં ઘરનાં માણસ ભાળું,
બોલ તમારા સુણી માંહ્યથી
પાંપણ વાસી
અમો ખોલિયે દુવાર આડું!
જોઉં જોઉં તો બે જ મનેખે
લહ લહ ડોલ્યે જતો ડાયરો!
કોણ કસુંબા ઘોળે?
ઘૂંટે કોણ ઘેનનાં ફૂલ?
હથેલી માદક લહરી શી રવરવતી-
દિન થઈ ગ્યો શૂલ...
હમણાં હડી આવશે પ્હોર-
રાતના ઘોડા ગોરી,
સાગ ઢોલિયે પાંખ ફૂટશે,
કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.
જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો.
અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો,
આલો શ્વાસ તમારો ઓઢું, જંપું.
અંધકારથી પડખાંનો આ-વેગ
હવે તો બાંધો
ઢળ્યે ઢોલિયે...
- રાવજી પટેલ (‘અંગત’, પૃ. ૨)


પરિણીતાનો વિરહઘેલો પતિ સાસરામાં પહોંચ્યો હોય, ને સાસરે જમાઈને મળતી આગતા-સ્વાગતા વચ્ચે પોતાની પ્રિયતમા પત્નીને મળવાની ઝંખના ધખતી હોય તેવા નાયકની આંતર-વ્યથા-કથા કહેતી હોય તેવી આ કવિતા. પુરુષનું સાસરાનું ઘર - તેનું પોતાનું જ ઘર કહેવાય, પરંતુ એ પોતીકા ઘરમાંય જમાઈએ તો ‘મહેમાન’ની જેમ જ રહેવું પડે છે અથવા રાખવામાં આવે છેઃ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. એ મર્યાદા છે અથવા દસમા ગ્રહની આમન્યા. જમાઈ ઘરનો સભ્ય ખરો પણ એણે સાસરીમાં જાતે ઊઠીને પાણીનો લોટોય ભરવાનો ન હોય. ધારો કે એમ કરે તો... લોકનિંદાનો ભોગ બનવું પડે એવો સંભવ ખરો! આવા વિરહી પતિને સાસરીમાં પોતાની પત્નીના મિલનની ઉત્કટ ઝંખના હોય, તારામૈત્રક રચાયા કરતું હોય, પણ મુલાકાત શક્ય ન બને. એટલે કવિ કહેઃ
‘જતાં-આવતાં ઘરનાં માણસ ભાળું;’
નાયકે જોવાની ક્રિયા કરવાની છે. પરંતુ એનું આંતરમન તો પ્રિયતમાને ઝંખે-તલસે છે; એટલે એના કાન સરવા છે; કોલાહલ વચ્ચેય, અનેકની હર-ફર વચ્ચેય એણે તો પેલી ઝાંઝરીનો મધુર રવ સાંભળવો છે; પત્નીના બોલને સાંભળવો છે. ત્યાં-
‘બોલ તમારા સુણી માંહ્યથી
પાંપણવાસી
અમો ખોલિયે દુવાર આડું.’
એમ કહી કવિ ‘માંહ્યલી’ વાત કરે છે. અંતરમાં પડઘાતા અવાજને અંતરથી ઝીલવાની વાત છે. પાંપણને રસ્તે - આંખોથી ઊતરીને હૃદયમાં સમાતી પ્રિયતમા માટેની આ પંક્તિ હૃદયસ્પર્શી પણ બને છે. અને ત્યાં અંતરમાં તો...
‘...બે જ મનેખે
લહ લહ ડોલ્યે જતો ડાયરો!’ છે.
ત્યાં આસપાસની કોઈ સૃષ્ટિ નથી; સજીવ-નિર્જીવ. ત્યાં તો બસ છેઃ પ્રિયા અને પ્રિયતમ. બધું હોવા થતાં બન્ને એકલાં છે. માત્ર બે જણનો સંવાદ - ‘ડાયરો’ શબ્દનો પ્રયોગ દ્વારા કવિએ તળગ્રામ્યપ્રદેશને જીવંત કર્યું છે.
પછી, શમણાંની વાત.
રાતના ઘોડા સાથે સરખાવી કવિએ ‘હમણાં હડી આવશે પ્હોર’ કહી આવનારા પ્રભાતની ચાડી ખાધી છે. વચ્ચે આખી રાત છે. રાત્રે શું થઈ શકે? કાં મિલન, કાં શમણું...
ને એટલે જ સાગ ઢોલિયે ‘પાંખ ફૂટશે’ -
અહીં પરીનો નિર્દેશ પણ જોઈ શકાય.
‘કમાડ પર ચોડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે’
જેવી ઉત્તમ પંક્તિઓ આ કવિતાને એની ઊંચાઈએ લઈ જાય છેઃ પ્રતીકાત્મક રીતે કન્યાને ચકલી કલ્પી છે. એય પાછી કમાડ પર ચોડેલી. આપણી પરંપરામાં દીકરીને પારકું ધન ગણાય છે; એને આમેય ‘ઊડણ ચરકલડી’ કહી છે. એ ચકલી (દીકરી) પછી સ્મરણ રૂપે કે શમણાં રૂપે જ ઘરમાં ફડફડશે, એવો કરુણગર્ભ અર્થ નીપજી શકે.
કાવ્યનાયક મિલનની ઉત્કટ પળને માણવા આતુર-અધીરો બન્યો છે; કદાચ એટલે એની ઊંઘ વેરણ બની છે. પરંતુ એને ઊંઘની ગંધ લેવી છે. અહીં ઇન્દ્રિય વ્યત્યયના પ્રયોગ દ્વારા લાક્ષણિક રીતે બીજો અર્થ પણ નીપજે. પ્રિયામિલનની વેળા શ્વાસ-શ્વાસ એકાકારની ઇચ્છા કાવ્યનાયકને હોય ને એમ બને પછી જ; મિલનની ઇચ્છાર્પૂતિ પછી ગાઢ નિદ્રા આવે એવો કશો ભાવ આ પંક્તિઓમાં પ્રગટે છે.
રાવજી પટેલ લય હિલ્લોળનો કવિ છે. ગીત કવિતા જેવી આ કવિતા પ્રથમ દૃષ્ટિએ આવા વિરહી, પત્નીઘેલા નાયકની આંતર વ્યથા-કથા રજૂ કરતી કવિતા લાગે. પણ ના, આ આભાસી ભાવ છે. મને લાગે છે કે રાવજીએ જેમ ‘મારી આંખે કંકુના સૂરજ’માં આભાસી મૃત્યુની પળો આલેખી છે, કંઈક એવી જ પળો અહીં આ કાવ્યમાં પણ પ્રતિબિંબિત કરી છે. આવું કહેવાનું પ્રથમ નિમિત્ત તે,
‘દખણાદી પરસાળ ઢોલિયો ઢળ્યો,’
આ પંક્તિમાં મૃત્યુની શાશ્વતતા રજૂ થાય છે. જુઓ, કાવ્યનાયકનું મૃત્યુ થયું છે. હજી ઉત્તરક્રિયા બાકી છે. શબ - મડદું ઘરમાં પડ્યું છે. ક્યાં? તો- ‘દખણાદી’ કહી ઇંગિત આપે છે. અને મૃત્યુ પામેલો ‘માણસ’ એમ તો ક્યાંથી કહી શકે કેઃ આ ‘મારું ઘર’ છે; એ તો આ ‘તમારું ઘર’ એમ જ કલ્પી શકે. યાદ આવે છે હિન્દી ગીતઃ વો દુનિયા મોરે બાબુલ કા ઘર, યે દુનિયા સસુરાલ. વળી, મૃત્યુ પામેલી વ્યક્તિ જાતે ઊઠીને તો કશું કરી શકે નહીં! એની તો ‘મહેમાન’ જેવી જ આગતા-સ્વાગતા થાય.
આવો એક કાવ્યનાયક, મૃત્ય પામેલો અને આત્મા સ્વરૂપે બધું નિહાળતો નાયક, શું જુએ છેઃ
‘ક્યારનો પડ્યો પડ્યો હું
જતાં આવતાં ઘરનાં માણસ ભાળું,’
‘ઘરનાં માણસ’ પોતાના માણસને જોવાની ક્રિયા છે - (પોતાના તો હવે કઈ રીતે કહી શકાય, શરીર જયાં અશરીર છે!).
પછીની પંક્તિઓમાં આવતો ‘ડાયરો’ વધુ ધ્યાનાકર્ષક છેઃ
‘જોઉં જોઉં તો બે જ મનેખે
લહ લહ ડોલ્યે જતો ડાયરો!’
મૃત્યુ પછીની આપણી માન્યતાને આ પંક્તિઓ સાદ્યંત અનુસરે છે. જીવને લેવા કાં યમદૂત આવે, કાં યમરાજ પોતે. એટલે, એક એ અને બીજો, જીવ પોતે. જીવ જુએ છે ઘરનાં માણસોને, પરંતુ ડાયરો તો આ બેનો જઃ આત્મા અને પરમાત્માનો. વળી, ઘેનનાં ફૂલ ઘૂંટાય છે એટલે ‘કસુંબો’ જેમ હથેળીમાં લઈ પિવાય તેમ મરેલા માણસની હથેળીમાં કસુંબો લેવાનો રવરવાટ છે. (આ બધી ઇચ્છા પેલા દૂર રહ્યે રહ્યે જોતા જીવની છે,).
‘દિન થઈ ગ્યો શૂલ
હમણાં હડી આવશે પ્હોર
રાતના ઘોડા ગોરી,’
અંધકારના આગમનનો ને અજવાળાના ગમનનો, એટલે, જીવન-મૃત્યુના આવાગમનનો જ ઇશારો જણાય છે.
‘સાગ ઢોલિયે પાંખ ફૂટશે’
અને
‘કમાડ પર ચાડેલી ચકલી
સમણું થઈ ઘરમાં ફડફડશે.’
પંક્તિઓમાંય મૃત્યુગંધ છે. જીવને ‘ચકલી’ સાથે સરખાવવાથી આ ઇંગિત પણ આભાસી મૃત્યુની છાપવાળું તરત જ લાગે. મૃત્યુ પછી સ્મરણો ને શમણાં જ હોય... એવુંય કંઈક ખરું.
આત્માએ ઘડી-પહોરને જોયા છે એટલે ‘ચાંદો’ય જુએ છે. અને પછીની કાવ્યની ઉત્તમ ગણી શકાય તેવી પંક્તિ. આત્માની ઇચ્છા; જે દરેક મનુષ્યની જિજીવિષા છેઃ મારે મરવું નથી - જીવવું છે,ની કવિ દ્વારા અભિવ્યક્તિ,
- આલો શ્વાસ તમારો -
તો એને ઓઢી લઉં; જીવી જાઉં; પણ ના, નિયતિ જુદી જ છે, એટલે,
‘હવે તો બાંધો’
કહી કવિ અટકે છે.
રાવજી પટેલ ક્ષયની પીડા ભોગવતા કવિજીવ હતા. એમણે એમની ઘણી કવિતામાં મૃત્યુના, દર્દના ભાવને વ્યક્ત કર્યો છે. ‘આંખે કંકુના સૂરજ’ એમની શિરમોર રચના ગણાઈ છે. પરંતુ આ રચનામાંયે આભાસી મૃત્યુની - બલકે મૃત્યુ પછીની તરતની ક્ષણોની આર્પૂતિ રજૂ થઈ છે.
000000000000000000000000000000000000

અજિત મકવાણા
(પ્લોટ નં. ૬૬૨-૨, સેક્ટર-૧૩-એ, ગાંધીનગર, મો. ૯૩૭૪૬૦૬૫૫૪)

 


Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index