ઝાટક્યો પલંગ ત્યાં તરત બહાર નીકળ્યા
ઓશિકાની ખોરમાંથી પણ વિચાર નીકળ્યા

રાતભર એ નીકળ્યા અને ધરાર નીકળ્યા
સંસ્મરણ સતત મગજની આરપાર નીકળ્યા

આંખ આસપાસ ચિન્હ રહી ગયા છે આજ પણ
શીતળાની જેમ આંસુ એકવાર નીકળ્યા

ચેતતા રહ્યા અમે છતાં બચી શક્યા નહિ
પૂમડા રૂના હતા જે ધારદાર નીકળ્યા
એ કરે છે ફોન રોજ 'ને મને કહે છે સત્ય
જાત સાથેના સબંધ જોરદાર નીકળ્યા
હું કરોડો જન્મથી બંધક બનેલો એક ખલાસી
જિંદગી છે ચાચિયો 'ને છે મને એની ઉદાસી

આંખ બીજું કઈ નહિ બસ આત્મહત્યાનું નગર છે
રોજ અહિયાં જન્મ લઇ લાચાર સપના ખાય ફાંસી

ઉડવાના વાદમાં કુદરતથી વિખુટો પડ્યો એ
પ્લેન જોઈ પંખીઓ કરતા હશે માનવની હાંસી ?

આટલું મારા પરિચયમાં કહું તો પુરતું છે
સાવ સીધા છે વિચારો હો ભલે ને આંખ ત્રાંસી

બેસણું રાખ્યું છે એનું કોઈ તૂટેલા હૃદયમાં
લાગણી આપણને છોડી ’ને થઇ છે સ્વર્ગવાસી

કુલદીપ કરિયા
" ભવાની કૃપા "
૨, વિદ્યુતનગર, પ્લોટ નં. ૩૭
રૈયા રોડ, રાજકોટ- ૩૬૦ ૦૦૭
મોબાઇલ નં:૯૦૯૯૦ ૧૮૯૯૦

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index