Included in the UGC-CARE list (Group B Sr. No 172)

સ્વાતંત્ર્ય પછીના સમયગાળામાં ગુજરાતી સાહિત્યમાં ધરમૂળથી ફેરફારો આવ્યાં છે. એક તો ઘર આંગણે ચાલેલી સ્વાતંત્ર્યની ચળવળ અને વિશ્વકક્ષાએ થોડા જ સમયમાં આવી પડેલા બે વિશ્વયુદ્ધોએ ખાસ્સી અસરો જન્માવી હતી. આ ઘટનાઓએ જીવાતા જીવનને જોવાની દૃષ્ટિમાં જ તદ્ન ફેર પાડી દીધો. આદર્શો અને વાસ્તવ વચ્ચેની ખાઇ એટલી તો પહોળી અને દૃશ્યમાન થવા લાગેલી કે સંવેદનશીલ કલાકાર ભાગ્યે જ તેને જોયા-સ્પર્શ્યા વિના રહી શકે. એમાં ય નાટક તો અન્ય સાહિત્યસ્વરુપોની સરખામણીએ વધારે ધબકારથી જીવાતા જીવન સાથે સંકળાયેલું હોવાથી એમાં આ વાત જલદી પહોંચી હતી. ગુજરાતમાં એનાથી ઉલટું થયું. ગુજરાતી સમાજ તે કલા-આંદોલનથી યોજનો દૂર હતો, એને કશી લેવા દેવા નહોતી અને ગુજરાતની એ વખતની સર્જક પેઢીએ ગુજરાત કરતાંય યુરોપના કલાઆંદોલનો સાથે જાણે વધારે નિકટતા અનુભવી ! એમણે જે અનુભવ્યું, વાંચ્યું તે ગુજરાતીમાં લાવવા મથ્યા. વિદેશભૂમિ પર યુદ્ધોત્તર ગાળામાં જન્મેલો નિર્વેદ, અસ્તિત્તવવાદ, અસહાય જેવી અવસ્થા અને એબ્સર્ડની અનુભૂતિ જન્મી હતી - એ અહીં નહોતી. જે અહીં નહોતું અનુભવ્યું તે આધુનિકગાળાના આ સર્જકોએ અહીં એકાંકીઓ-નાટકો અને બીજા સ્વરુપોના માધ્યમથી આલેખવાનું શરું કર્યું હતું. આજે એ વાતને બે-ત્રણ દાયકાઓ જેટલો સમય વિતી ગયો છે. અશાંત થયેલા વલયો આસરી ગયા છે. હવે નિદાન કરીને કહી શકાય એવું છે કે એ આયાતી સંવેદનો ઝિલાયા એના કરતાંય થોડા સમય માટે એ જીવાયેલા હોત તો કદાચ ગુજરાતી નાટક અને પ્રતિભાઓને દીર્ઘકાલીન ટકે એવી કૃતિઓ સર્જાવાનો લાભ મળ્યો હોત.

આ હકીકતને નજરમાં રાખ્યાં પછી પણ ગુજરાતી તખ્તાને ચાર-પાંચ એવી પ્રતિભાઓ આધુનિક ગાળામાંથી મળી જે કાળાન્તરે પણ પોતાના સર્જન વડે ટકી રહે તેમ છે. એમાંના એક એટલે લાભશંકર ઠાકર. મધુરાય કલકત્તાથી અહીં આવ્યા પછી અમદાવાદમાં “આકંઠ સાબરમતી”-ના નામે જે નાટ્યપ્રવૃત્તિ શરુ કરી એમાં તત્કાલીન રે-મઠના યુવાન કવિઓ પણ શામેલ થયા ને લીલા-નાટ્યની પ્રવૃત્તિ શરુ કરી. અત્યાર સુધી મોટાભાગે એવું બનતું હતું કે શિષ્ટ પ્રવાહના કવિ-લેખકો તખ્તાથી દૂર રહીને નાટકો આપતા હતા એટલે એ ભજવવા શક્ય નહોતા બનતા અને બીજી બાજુ જે તખ્તા સાથે જોડાયેલા લોકો જે નાટકો લખતા હતા તે મુખ્ય ધારામાં સ્વીકારાય તેવા નહોતા રહેતા ! આકંઠ સાબરમતીના આ લીલાનાટ્યના પ્રયોગોમાં એ વિષમતા દૂર કરવાનો અને ખાસ તો યુરોપીય કલાઆંદોલનોની અસરથી જન્મેલી વિચારસરણીઓ આલેખતાં નાટકો સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

લાભશંકર ઠાકરે 1973માં ‘મરી જવાની મજા’, 1982માં ‘બાથટબમાં માછલી’, અને 2003માં‘સ્વપ્નાક્ષરી’ નામના ત્રણ એકાંકીસંગ્રહો આપ્યાં છે. આ ઉપરાન્ત પૂર્ણકદના ચાર નાટકો આપ્યા છે એમાંથી ‘પીળું ગુલાબ અને હું’, અત્યંત ખ્યાત થવા સાથે અનેકવાર ભજવાયું પણ છે. ભાષા વિશેનો આગવો ખ્યાલ અને એનો ઉપયોગ લાભશંકરની નિજી ઓળખ બની રહે છે.

ગુજરાતમાં 1935 આસપાસ સુધી ધંધાદારી રંગભૂમિનો સુવર્ણકાળ રહ્યો. એ પછી બીનધંધાદારી રંગભૂમિ અને 1950 પછીના સમયગાળામાં યુનિવર્સિટી-થિયેટરની પ્રવૃત્તિઓ ખીલી ઊઠે છે. કોલેજો અને યુનિવર્સિટીઓના યુથ-ફેસ્ટીવલોમાં વિદ્યાર્થીઓ અને કેટલાક અભ્યાસુ અધ્યાપકોના સહિયારા પ્રયત્નોના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ દૃઢ બનવા સાથે નવાં નવાં પરિમાણો પણ જન્મી આવે છે. નાટકના મુકાબલે એકાંકીને વધારે પ્રોત્સાહન મળે છે. ખુબ લખાય છે અને ભજવાય પણ છે. લાભશંકર ઠાકરના એવા ખુબ ભજવાયેલા એકાંકીઓમાંથી પસંદ કરીને સતીશ વ્યાસે આ સંપાદન કર્યું છે. સંપાકીય લેખમાં એમણે લખ્યું છેઃ ‘લાભશંકર ઠાકરના એકાંકીઓમાં વિસ્મય,સરપ્રાઇઝિસ, તિર્યકતા આદિનો તો ભરપુર અનુભવ થાય છે પણ એ સમયને પણ અવળસવળ કરી દે છે, ક્યારેક એનું અતિક્રમણ(ઓવરલેપિંગ) પણ કરે છે. એમની કેમેરા આઇ દૂર રહેલા બે સમયખંડોને એકસાથે મૂકી આપે છે. આને કારણે ઘણીવાર એમની રચનાઓમાં સમયરહિતતાનો અનુભવ થાય છે. આથી અમે પણ અહીં જે ક્રમમાં આ રચનાઓ લખાઇ છે એ ક્રમ સાચવવાને બદલે કે રચનાઓને કોઇ વિશિષ્ટ ક્રમમાં ગોઠવવાને બદલે સ્વૈર રીતિએ ક્રમ આપ્યો છે. ક્રમ તો, કહોને કે સગવડ છે બાકી બધી રચનાઓ આજે એક જ સમયપટ પર મૂકીને જોવા-તપાસવાનો અહીં ઉપક્રમ છે.[1]

આ સંપાદનમાં કુલ-સાત એકાંકીઓ છે. આગળ કહ્યું તેમ આ એકાંકીઓ અવારનવાર ભજવાયાં છે. આ લખાયા જ ‘લીલાનાટ્ય’ સ્વરુપે એટલે એની પહેલી વિશેષતા છે એની તખ્તાલાયકી. જો કે, આ વિશેષતા ન કહેવાય. નાટકની અનિવર્ય શરત જ એ છે કે નાટક કે એકાંકી ભજવાવું જ જોઇએ. ભજવાય નહીં ત્યાં સુધી એ નાટક કેમ કહેવાય ? વચ્ચેના સમયે મનોભૂમિ પર ભજવાતા નાટકોનું ચાલ્યું હતું-પણ એ વાત ટકે નહીં. મનોભૂમિ ઉપર તો બધા જ કલા સ્વરુપો ભજવાય છે એટલે કંઇ એ બધાં નાટક ન બની જાય. લીલાનાટ્યની વિશેષતા એ ગણી શકાય કે એ અનેક પ્રત્યક્ષ પ્રયોગોમાંથી પસાર થઇને, દિગ્દર્શક, પ્રેક્ષક, અભિનેતાથી માંડીને તખ્તાને સ્પર્શતા દરેકની ટપલી ખાધા પછી તૈયાર થયેલા આ એકાંકીઓ સફળતાથી સિધ્ધ થયેલા છે. આ એકાંકીઓમાં આલેખાયેલા વિષયો, એની સંકુલતા- ને એને વ્યક્ત કરવા માટેની પ્રયુક્તિઓ, ભાષાનો પ્રયોગ નવા છે, અ-પૂર્વ છે. એ આ એકાંકીઓની વિશેષતા છે.

એકાંકી સ્વભાવિક જ લક્ષ્યગામી હોય છે. એમાં કશુય વિસ્તારથી, વિગતે આલેખવું પાલવે નહીં. સડસડાટ કહી દે જે કહેવાનું છે એ. પંચ મારવો, ટૂંકી વાર્તા માટે કહેવાયું છે એમ છેલ્લે જતાં વીંછીનો ડંખ જેવી અનુભૂતિ કરાવે છે આ સ્વરુપ. આ સ્વરુપગત લાક્ષણિકતા અહીં સર્વત્ર જળવાઇ છે. ડંખનો અર્થ અહીં આંચકો લાગવાના અર્થમાં નથી લેવાનો. ચત્ત કશોક સંક્ષોભ અનુભવે, ચિત્તમાં કશીક ઝણઝણાટી જન્મે ને લેખક જે સંવેદન કે વિચાર આરોપિત કરવા ઇચ્છતો હોય તેના પટ પર જો ચિત્ત ચાલવા માંડે તો એ એકાંકીની સફળતા છે. ‘વૃક્ષ’માં ચકુનો પિતા ચંપક અચાનક જ વરસાદમાં નહાતા નહાતા વૃક્ષમાં ફેરવાઇ જાય છે! - આ ઘટના કઇ રીતે પ્રેક્ષકના ચિત્તમાં ઝિલાય છે ? આમ થવાના કારણો તપાસવા તરફ વળે કે પછી એનાથી જન્મેલી પરિસ્થિતી તરફ ? એકાંકીમાં, નાટકની જેમ કોઇ એક રસને ઘૂંટવા માટેને અને ભાવોદ્રેક સુધી લઇ જવાનો અવકાશ નથી હોતો એટલે વાત અઘરી થઇ પડે છે. કશુય ઘૂંટાયા વગર જ ઠઠાડી દેવાય તો તત્ત્કાલીન અસર જન્માવીને સ્મૃતિમાં ટકવાના બદલે વિલિન થઇ જાય છે. આવા લઘુ સ્વરુપોની કૃતિઓમાં આવું થવાનો ભય સતત રહે છે. ચંપક વૃક્ષ બની ગયો તે પછીનું આલેખન લાભશંકર બરાબર સંભાળી શક્યા છે. ડોકટર અને ભૂવાને અજમાવ્યા પછી એ દિશામાં વધવાની અને સહેલી પ્રયુક્તિઓમાં જવાની સ્થિતીમાં એ જાતને સંભાળી શક્યાં છે.તરત જ દૃશ્ય-2માં પિતા અને પત્ની ઇન્દીરા કઇ રીતે ચંપકનો વિરહ અનુભવી રહ્યાં છે તે મુકીને માનવચિત્તની લાક્ષણિકતાઓ આલેખવા માટેની ભૂમિકા તૈયાર કરી લે છે. જે અંતે આવનારા વળાંક માટેની પૂર્વ તૈયારી છે. માણસમાં જન્મતો સ્મશાનવૈરાગ્ય અને પછીથી વળગી પડતી સામાજિક ઝંઝાળો કેટલી પ્રબળ હોય છે-તેનું માર્મિક આલેખન એ આ વૃક્ષ એકાંકીનો ધ્યેય છે. પિતા માટે પુત્ર, પત્ની માટે પતિ અને બાળક માટે પિતા- આ બધાના સંબંધમાં સમય અને ભૌતિક સુખ કેવો ભાગ ભજવે છે તેનું અસરકારક આલેખન કરવામાં આવ્યું છે. જે આ સમૃદ્ધિનું કારણ છે એ જ મૂળે તો પિતા અને પછીથી વૃક્ષ પણ પછીથી નવા પ્લાનિંગમાં નડતરરુપ હોવાથી કાઢી નાંખવાનો જડ આદેશ આપતી ઇન્દિરા ! ડૂસકું ભરતી ચકુ ! આપણાં ચત્તિને ઝંઝેડે છે.

‘ઇરાદો’, ‘બાથ ટબમાં માછલી’ અને ‘કાહે કોયલ શોર મચાયે રે..’ એકાંકીઓમાં મને કશુક સળંગસૂત્રતાવાળું નજરે પડે છે. આ એકાંકીઓના પાત્રો મોટાભાગે આઉટસાઇડર છે, અથવા બીજી રતે કહું તો એમના પોતાના વિશ્વમાં રમમાણ રહેનારાં છે.

‘મારો કોઇ ઇરાદો નહોતો’- કહેતો નાયક(સદાશિવ)નો ‘કોઇ ઇરાદો’ નથી. એ બીજા કહે તેમ કર્યા કરે છે. એનું એકનું એક વાક્ય – મારો કોઇ ઇરાદો નથી, કે નહોતો-નું સતત થતું આવર્તન આમ તો મજા કરાવે. બે ચાર વાર બોલાયા પછી પ્રેક્ષકો એને ઝીલી લેતા હોય એમ બનતું હોય છે. પણ મને એ ગિમિક્સ અહીં બહુ સ્પર્શી નથી. આ બોલવામાંથી કોઇ રીતે એના માનસમાં જઇ શકાતું નથી. છેક સુધી એ અકળ જ રહે છે. જ્યારે લાભશંકર આ જ પાત્રને કેન્દ્ર બનાવીને ચાલતા હોય ત્યારે એના વ્યક્તિત્વની કોઇ રેખા ખેંચાયા વિના જ રહી જતું હોવાથી સહ્યદયોને બહુ સ્પર્શે નહીં. એ બધું કરે છે ને એનો ઇરાદો નથી. આ કહેવાય છે વારંવાર, ઠોકી ઠોકીને એ પ્રેક્ષકને ઉતારવા મથાય છે પણ એવું કેમ છે ? એનો કોઇ જવાબ પ્રત્યક્ષ કે પરોક્ષરુપે ય સાંપડતો નથી. પરિણામે લાભશંકરની જાણીતી ભાષારમતથી વિશેષ કંઇ ન લાગે. જયંતિ દલાલે આ પ્રકારના એકાંકીઓ લખાતા થયાં તે જ વખતે એક અન્ય સંદર્ભે આવી ટેકનિક વિશે ટકોર કરતાં લખ્યું હતુઃ ‘નાટકમાં ઉક્તિનું પુનરાવર્તન અને પુનઃ પુનઃ ઉચ્ચારણ એ ઘણી અસરકારક કરામત, ડિવાઇસ છે. એબ્સર્ડના બેકેટ અને આયોન્સ્કો જેવા બે સમર્થકોએ આ પુનરુક્તિની જુક્તિમાંથી નવા અર્થ તારવ્યાં છે એ સંપૂર્ણપણે લાક્ષણિક છે- અહીં એવું થાય છે ખરું ? હા, સમયખંડનું ઓવરલેપિંગ અને ન્યાય કરવાની અજાયબ વૈજ્ઞાનિક રીતિ- મજા કરાવે છે, સાથે ચિત્તને જુદા જ અર્થો અને પરિમાણો તરફ ધકેલે છે એ આ એકાંકીની સિદ્ધિ ગણવી હોય તો ગણાય. પ્રેક્ષકમાંથી પાત્રનો પ્રવેશ, રંગમંચ બહારથી મજૂરો-પાત્રોનો પ્રવેશ- અને શરુઆતથી જ નાયિકાનું પ્રેક્ષકો સાથેનું સીધું સન્ધાન ગુજરાતી રંગભૂમિ પર પહેલવહેલા પ્રયોજાયા આ એકાંકીમાં એ નાવિન્યનો સ્વીકાર જરુર થઇ શકે. ટૂંકમાં, અર્થ વિસ્તાર થઇ શકે છે ચિત્તમાં પણ ભાવવિશ્વને બહુ રિઝવી શકે તેમ નથી આ એકાંકી. યુવાનોને મજા ખાતર જોવું ગમે.

‘કાહે કોયલ શોર મચાયે રે’ - આ એકાંકીને પછીથી લાભશંકર ઠાકરે ત્રિઅંકી નાટક પણ બનાવ્યું છે. આ એકાંકીનું કથાનક અને એની માવજત મજાની છે. નાયિકા માધવી જીવે છે ભૂતકાળમાં. એ પંદર વર્ષ પહેલા એક પબ્લીક પાર્કમાં પહેલીવાર મળ્યા હતાં એ ઘટનાને અભિનય કરીને જીવન્ત કરવા ઇચ્છે છે ને એ વખતે ક્યાંક વાગતું હતું એ ગીત ‘કાહે કોયલ શોર મચાયે રે..’ ને પણ એ ટેપ પર વગાડવા મથે છે. રિ-વાઇન્ડ કરવાની એની આ મથામણ દર્શકોમાં હાસ્ય ફેલાવવા સાથે ગંભીરતાથી આંતરિક છટપટાહટને પણ આલેખે છે. નવીનમાં વાસ્તવનો સ્વીકાર છે. ઉમરનો સ્વીકાર છે. માધવી એ બેયથી છૂટવા મથે છે ને પકડવી છે જીવનની વિતી ગયેલી મધુર પળને ! આ એની એકની જ ક્યાં મથામણ છે ? આપણે બધા ક્યાંકને ક્યાંક આ થોડા ફેરફારે કરતા જ હોઇએ છીએને ? પણ મળે છે નિષ્ફળતા. લાભશંકર ઠાકરને સમયના પરિમાણમાં ખાસ્સો રસ પડ્યો છે. એ કાળને જુએ છે ટગર ટગર, અળસીયાની ગતિએ ધપતો, ક્યાંક ઝપ્પ દઇને લપકતો સમય એમની કવિતાથી માંડને નાટકમાં પણ અવનાવા રુપે આલેખાતો રહ્યો છે.

એમનું ખૂબ જ ચર્ચાયેલું, ભજવાયેલું એકાંકી એટલે ‘બાથટબમાં માછલી’. એબ્સર્ડ-રીતિના આ એકાંકીમાં વિનાયકનું અલગપણું અને સમય સાથેનો એનો નાતો, અને અસબદ્ધતા જે રીતે ઉભરી આવે છે તે અનન્ય છે. આરંભે જ વિનાયક બેઠા છે નળમાંથી ટપકતા પાણીના ટીપાને નિરખતાં.ચહેરા પર ઉત્સુકતા, આશ્ચર્યના ભાવો છે. રંભા અને રસિક આવે છે આ વિનાયક પાસે નવું નાટક માગવા માટે. વિનાયક તલ્લીન પાણીના ટીપાને કુતૂહલથી જોવામાં, વિનાયકને મજા પડે છે દૂધની બોટલ ખોલવામાં, દૂધને તપેલીમાં કાઢવામાં, એને ગરમ થતું જોવામાં, પછી દહીં મેળવવામાં- પ્રતિપળે એ ક્ષણેક્ષણને માણે છે, એના નાનાં બદલાવને રસપૂર્વક નિહાળે છે. પડોશીઓ આવતા જાય છે, દહીં લઇ જાય છે. પહેલા પાંત્રીસ આવતા, એમાંથી એક થોડા દિવસ પહેલા જ ગુજરી ગયા એટલે હવે ચોત્રીસ આવે છે. આ બધું એ નિરખે છે, રંભા રસિકને નવું નાટક કહે છે – ‘બેઠકરુમમાં બાથટબ..સ્ટુલ પર ઊભા રહીને એમાં ગલ નાંખવાનો, બાથટબમાંથી માછલી પકડાશે-ની ઉત્કંઠાપૂર્વક રાહ જોવાની’. એકદમ આઘાત અને આશ્ચર્યથી વિનાયકની આ હરકતોને નિહાળતા રસિકથી રહેવાતું નથી તે છેલ્લે પૂછી બેસે છેઃ– “જસ્ટ એક કુતૂહલ જેવું છે. આ તમે ઊભા છો, બાથટબમાં માછલી પકડવાનો ગલ નાખીને તે છેવટે, એન્ડમાં, આઇ મિન નાટકના અંતમાં માછલી પકડાશે ખરી...?”

જવાબમાં વિનાયક હસી પડે છે, કહે છેઃ “ના. પૂછો શા માટે ના...”
રંભાઃ “શા માટે ના...?”
વિનાયકઃ બાથટબમાં માછલી ના હોય.
(રસિક-રંભા ડઘાઇને જોઇ રહે છે)
હોય...?

- માનવ જાતનું સ્ટોપ રનિંગ, સિસિફસનું શિલાવરોહણ,અશ્વસ્થમાનું ભટકવું- આ બધાં ઉદાહરણોથી જે અર્થશૂન્યતા સૂચવવાની મથામણ થઇ છે તે અહીં નાટ્યોચિત રીતે લાભશંકર ઠાકરે મૂકી આપી છે.

આ ત્રણેય એકાંકીઓના પાત્રોમાં સમયને જુદા જુદા રુપે જોવાની મથામણ ચાલી છે. આ એકાંકીમાં ટાઇમનું પરિબળ ચાવીરુપ ભૂમિકામાં આલેખાયું છે. એકધારાપણામાંથી છૂટવાની મથામણ, પહેલામાં અપર પિતાની હત્યા કર્યાનો ડંખ,’કાહે કોયલ શોર મચાયે રે..’માં સરી ગયેલ રોમાંચક પળમાં જીવનનો અર્થ શોધતી માધવી અને બાથ ટબમાં માછલી ન જ હોય – એની પાકી સમજ સાથેય રસપૂર્વક ગલ નાંખીને ઉભેલા વિનાયક ! આ ગુજરાતી રંગભૂમિને સાવ બદલી નાંખનારાં, અનેક વૈચારિક વમળો સર્જનારાં પાત્રો છે. એના થકી લાભશંકર ઠાકર ગુજરાતી સાહિત્યમાં પોતાનું સ્થાન મજબૂત કરી ઊભા છે.

એમના અન્ય એકાંકીઓ કરતાં. મરી જવાની મઝા, કુદરતી, અને રમત- એ એકાંકીઓ મને થોડા જુદા લાગ્યાં છે

મરી જવાની મજાનું કેન્દ્રસ્થ પાત્ર રાજકુમારી એને મળેલ પરિસ્થિતીના કારણે ભૂખ,ઊંઘ,કુદરત,મોરથી માંડીને આખાય જગતને જોવાની એક સાવ વિશિષ્ટ એવી સમજ ધરાવે છે. એને ક્યારેય ફિનોમિનન સુધી જવું જ પડ્યું નથી. ભૂખનો એને અનુભવ જ નથી. મરણ- શબ્દ અને અર્થ એની આસપાસ ફરક્યાં જ નથી.એવી રાજકુમારી જ્યારે એનાથી તદ્ન વિપરિત એવા માહોલમાં જ જન્મેલા અને જીવેલા છોકરા સાથે મુકાય ત્યારે જે દેખીતું હાસ્ય અને એના પછવાડે જે કરુણતા જન્મે છે તેને આલેખતું મજબૂત એકાંકી છે. સમાજિક વિષમતા તો ઉભરે જ છે સાથો સાથે એક જ સમય,એક જ દેશ-પ્રદેશમાં પ્રવર્તતી આટલી મોટી ખાઇ અને એના કારણે વિચાર-ભિન્નતાના ભયાનક ગેપને પણ લેખકે આ નાટક દ્વારા આપણી સામે મુકી આપ્યો છે. ભજવવા માટે દિગ્દર્શક અને અભિયનય માટે અભિનેતાઓને કેટલીબધી શક્યતાઓ આ એકાંકીમાં મુકી આપવામાં આવી છે.

કુદરતી સ્વયંમ સ્પષ્ટ છે. પાપની વ્યાખ્યા સરસ કરી છે- ‘પુન કરવાનું પણ ઇનો વિચાર નઇ કરવાનો. થઇ જવું જોઇએ, કુદરતી’. લાભશંકર આ એકાંકીમાં ઝાલાવાડી બોલીનો પ્રયોગ સરસ રીતે કરી શક્યાં છે. એ ભાષા પાસેથી ગજબનું કામ લઇ શકે છે, પણ એ જ એમની મર્યાદા પણ બની રહે છે. એ પાત્રો પ્રમાણેની ભાષા ભાગ્યે જ સરજી શક્યા છે. બને ત્યાં સુધી દરેક પાત્રમાં લાભશંકર ઠાકરના પોતાના લહેકા સંભળાયા કરે છે. બીજું, એક સ્તરનું વિચારતા પાત્રોની શ્રેણી રચે છે. ‘કુદરતી’ એકાંકી નોંખી મુદ્રા સાથે ઉપસી આવે છે.

‘રમત’ એકાંકી મને વધારે અસરકારક લાગ્યું છે. આપઘાત કરવા તૈયાર થયેલી સ્ત્રી હેલ્પ લાઇન પર ફોન કરીને અંતિમ સમયમાંથી પસાર થઇ રહી છે- એ આખી સ્થિતી સર્જીને માનવચિત્તની અજીબ એવી તસ્વીર આપણી સામે આલેખી આપી છે તે અદ્ભુત છે. ફોનના બંને છેડે બેઠેલા વચ્ચે સીધો કોઇ નાતો નથી.નામ જાણતા હોય તેટલો પણ નહીં ! આવા પાત્રો વચ્ચે જેને સાવ અંગત કહી શકાય તેવી બાબતને મરણોન્મુખ એવી સ્ત્રી ક્રમશઃ જે રીતે ખોલતી જાય છે ને પુરુષ એને એ માટે પ્રેરતો જાય છે તે કશી પણ વધારાની આંગિક ક્રિયાઓ કરાવ્યા વિના માત્ર વાચિકથી પણ અસરકારક રીતે ઉપસાવાયું છે. બહુ સહેલાઇથી રેડિયો પર પણ ભજવી શકાય અને જુદી જુદી રીતે સ્ટેજ પર પણ ભજવી શકાય એવા આ એકાંકીમાં ચિત્તનો સંઘર્ષ, માનવીની પ્રબળ આધિકારભાવના અભિવ્યક્ત થઇ છે.

છેલ્લે લાભશંકર ઠાકરના આદર્શ એકાંકીઓ વિશે સમગ્રલક્ષી થોડી વાત કહીને મારું વકતવ્ય પુરું કરીશ.

આ એકાંકીઓ વિચારકેન્દ્રી વધારે છે. વિચારસરણીઓને વધારે પ્રાધાન્ય આપતા હોવાથી ભાવવિશ્વ સ્વભાવિક જ ઝાંખું પડે છે. તેમ છતાં ચકુના મૂંગા ડુસકા, રાજકુમારીનું અલ્લડપણું,કુદરતીનો સ્વર્ગારોહણ કરી આવેલો બાબુ અને નાનપણથી જ ઉછરેલ ભાઇ ઉપર અધિકાર અને પ્રેમભાવ ધરાવતી થઇ ગયેલી સ્ત્રીના સંવેદનવિશ્વની સાથે કંઇક અંશે આપણું ચિત્ત પણ જોડાય છે. ભાષાની છટાઓનું વૈવિધ્ય ઘણું છે. પહેલા એકાંકીથી આરંભીને છેલ્લા એકાંકી સુધી પહોંચતામાં ઘણું એવું છે જે તમને જકડી રાખે. પણ સાથો સાથે એ પણ હકીકત છે કે કુદરતી સીવાયના એકાંકીઓની ભાષા ખાસ કંઇ જુદી પડતી નથી. એની પાછળ એકમાત્ર વિચારપૂંજ સક્રિય હોય તેવું પણ લાગ્યા વિના રહેતું નથી. સમયને ઉલટસૂલટ કરવાની લાભશંકર ઠાકરની મથામણ તત્કાલીન અસર જન્માવવામાં તો કદાચ સફળ થતી હશે પણ પછીથી એ તો એના નિયમિત પ્રવહણની અવસ્થામાં જ અનુભવાય છે એ પણ હકીકત ભૂલવા જેવી નથી. રમત માત્ર રમત બની રહે છે, અનુભૂતિમાં બદલાવ કે ચોટ આપતી નથી.

આ એકાંકીઓએ ગુજરાતી યુનિવર્સિટી થિયેટર,બિનધંધાદારી રંગભૂમિને ઉર્જા અને ગતિ આપ્યા છે અને હજી પણ આપતાં રહે છે. મંચની ગૂંજાઇશને કઇ રીતે ખપમાં લઇ શકાય તે લાભશંકર ઠાકરની પેઢીએ ગુજરાતી તખ્તાને શીખવ્યું છે- તે બાબતને કોઇ અવગણી શકે તેમ નથી.

[1] પૃ-7. લાભશંકર ઠાકરના આદર્શ એકાંકીઓ. સં.સતીશ વ્યાસ. પ્ર.આ. 2004,2006. પ્ર.અરુણોદય પ્રકાશન, ગાંધીરોડ, અમદાવાદ,પૃ-16 +144, કિં.80

ડો.નરેશ શુક્લ, 53-એ, હરિનગર સોસાયટી, મુ.પો.વાવોલ. જિ.ગાંધીનગર, પીન-382016, ફોન નં- 94280 49235