Included in the UGC-CARE list (Group B Sr. No 172)

શૈલને થયું પોતે આ સ્ત્રીને, શચીને કયારેય સમજી નહીં શકે. સ્ત્રીને સમજવી અઘરી છે. તેવું તેણે સાંભળ્યું હતું. પરંતુ એવા કોઇ અનુભવની ક્ષણ જીવનમાં આવી નહોતી. જોકે શચીને સમજવાની પોતાને જરૂર પણ કયાં છે ? શચી સાથે તેનો સંબંધ શું ? માત્ર પ્રોફેશનલ જ ને ? શચી તેની પી.એ. હતી અને પોતે શચીનો બોસ હતો. બસ..આટલું જ. પણ ના, આટલું જ હોત તો તો કોઇ સવાલ જ કયાં હતો ? એનાથી આગળ પણ કશુંક હતું, ચોક્કસ હતું. જેનો અહેસાસ તેને અવારનવાર થતો પરંતુ સમજી શકાતું નહીં.
શા માટે ? આખરે શા માટે આ સ્ત્રી તેની આટલી બધી અંગત કાળજી લે છે ? પોતે જમ્યો કે નહીં, આજે દવા બરાબર લીધી હતી કે નહીં ? સિગાર વધારે તો નથી પીધીને ? શચીને બધી વાતની ફિકર...અને તેને બધી જાણ હોય જ. કયારેક તો પોતે તેનો બોસ છે એ ભૂલીને પોતાને ધમકાવી નાખતાં પણ કયાં અચકાતી હતી ? અને પોતે આશ્ર્વર્યજનક રીતે ત્યારે મૌન કેમ બની રહેતો ? શચીને સમજવાનો પ્રયત્ન વ્યર્થ જતો. કયા અધિકારથી આ સ્ત્રી પોતાને આમ ખખડાવે છે ? અને પોતે પણ મૂરખની જેમ આ બધું કેમ સાંભળી લે છે ? જોકે પોતાને ધમકાવ્યા પછી કયારેક....
'સોરી સર, હું વધું પડતી બોલી ગઇ. પણ..’
બસ...આ 'પણ' ની આરપાર કંઇક તો ચોક્કસ હતું. જે પોતે પામી નહોતો શકતો. પોતાને ધમકાવી નાખ્યા પછી કયારેક તેની વિશાળ,પાણીદાર આંખોમાં બે બુંદનો અહેસાસ કેમ થતો હતો ? શચીના અસ્તિત્વમાં એક લય હતો. ચહેરા પર એક અસાધારણ ચમક..એક આંતરિક સૌન્દર્યની અનુભૂતિ શચીમાં પોતે કેમ મહેસૂસ કરી રહ્યો હતો ? તેના અવાજમાં એક મીઠાશ હતી. આ મીઠાશ કયારેક પરિચિત કેમ લાગતી હતી ? કયાંક કશું સ્પર્શતું હતું. પરંતુ શું ? એનો જવાબ તેને કોણ આપે ?
અને એનો જવાબ શચીની સુંદરતા નહોતી જ. શચી દેખાવે સરસ હતી. પરંતુ અસાધારણ સુંદર કહેવાય એવી તો નહીં જ. સુંદર સ્ત્રીઓ તેણે કયાં ઓછી જોઇ હતી ? અરે, પોતાની જ ઓફિસમાં શચીથી રૂપાળી યુવતીઓ કયાં નથી ? પરંતુ આજ સુધી કોઇ તેના મનને સ્પર્શી શકયું નથી. અને શચી તો યુવતી પણ કયાં હતી ? પોતાને ચાલીસ થવા આવ્યાં હતાં. શચી તો પોતા કરતાં પણ બે વરસ મોટી... અન્ય પુરુષોની જેમ આ ઉંમરે સેકન્ડ ઇનીંગ રમવાના તેને કોઇ અભરખા નહોતા. આમ પણ તે તો ફર્સ્ટ ઇનીંગ જ કયાં રમી શકયો હતો ?
હમેશા સફેદ આંખી બાંયના શર્ટમાં તેનું આગવું વ્યક્તિત્વ નીખરતું. આવડી મોટી કંપનીનો સી.ઇ.ઓ. હોવા છતાં તેના વર્તનમાં રૂઆબની કોઇ છાંટ નહોતી. સ્ટાફમાં બધાને તેના માટે આદર હતો. સન્માન હતું. છોકરીઓ તેની ઓફિસમાં નિ:સંકોચ કામ કરી શકતી. તેના ચારિત્ર્ય માટે કોઇને બેમત નહોતો. અને તેથી ઓફિસનું વાતાવરણ તંદુરસ્ત રહેતું. તેના વર્તનમાં એક ગરિમા ઉભરતી. કોઇ તેની સાથે કયારેય ગમે તેમ વાત કરી શકતું નહીં. કામમાં ખૂબ કડક અને પરફેકશનનો આગ્રહી.
પણ....આ શચીની વાત કંઇક અલગ હતી. શું અલગ ? બસ.. એ જ નહોતું સમજાતું.
આ ગયા શનિવારની જ વાત લો ને..પોતાને એક અગત્યની મીટીંગમાં જવાનું હતું. શચી પણ તેની પી.એ. તરીકે સાથે હતી. થોડું મોડું થઇ ગયું હોવાથી તેણે ડ્રાઇવરને કારની સ્પીડ વધારવા કહ્યું હતું. અને શચીનો મિજાજ છટકયો હતો.
‘આટલી ઉતાવળ કરવાની કોઇ જરૂર નથી. બે પાંચ મિનિટ મોડું થશે તો કશું લૂંટાઇ જવાનું નથી.'
પોતાને ધમકાવી તેણે જ ડ્રાઇવરને સ્પીડ ન વધારવાની સૂચના આપી દીધી હતી.
પોતે અકળાયો હતો. ‘સમજે છે શું તેના મનમાં ? આજે તો કહેવું જ પડશે. આવી દાદાગીરી તે ન જ ચલાવી લે. પરંતુ હમેશની માફક ફરી એકવાર મૌન. શબ્દો બહાર નહોતા નીકળી શકયાં.
શચીના અવાજમાં શું છે કે પોતે મૌન બની સાંભળી લે છે ? એને કેમ અવગણી શકાતી નથી ?
જોકે શચીના દરેક ગુસ્સાની પાછળ પોતાને માટેની કાળજી તે અનુભવી શકતો. અને આ અનુભૂતિ જ કદાચ તેને મૌન કરી દેતી. કામમાં શચી પણ તેની જેમ જ પરફેકટ હતી. અને બાકી કોઇ વાતમાં તે કયારેય ડખલગીરી કરતી નહીં.
શચી કંઇ રોજ આમ નહોતી કરતી. તેનો સ્વભાવ શાંત અને ઓછાબોલો હતો. કામ સિવાય તેને કોઇ સાથે કશી નિસ્બત નહોતી. સ્ટાફમાં બધાને શચી માટે માન હતું. કામમાં તે બધાને મદદ કરતી રહેતી. તેના કુટુંબમાં બીજું કોઇ નહોતું. તે એકલી જ રહેતી હતી. પોતાની અંગત વાત કરવી તેને કયારેય ગમતી નહીં. કોઇ પૂછે તો પણ તે ટાળી દેતી કે કયારેક એકાદ અક્ષરમાં જવાબ આપી દેતી. તેથી કોઇ ખાસ પૂછપરછ કરતું નહીં.
શૈલ પણ જીવનમાં તદન એકાકી...વરસો પહેલા થયેલ ધરતીકંપે તેની જિંદગી તબાહ કરી નાખી હતી. તેના આખા કુટુંબમાંથી તે એક જ બચવા પામ્યો હતો. આ હોનારતે બીજી બધી વાતમાંથી તેનો રસ છિનવી લીધો હતો. ધરતીકંપના એક ઝાટકાએ તેના સ્વજનોને ઝૂંટવીને તેની સંવેદનાને બુઠ્ઠી બનાવી દીધી હતી. લગ્ન કરવાનો કે તેના એકાકીપણાને ટાળવાનો કોઇ વિચાર તેને સ્પર્શતો નહોતો. મિત્રોએ ઘણાં પ્રયત્નો કરી જોયાં હતાં. પરંતુ તેની અંદર કશુંક થીજી ગયું હતું. જે પીગળવાનું નામ નહોતું લેતું. બસ હવે જીવન આમ જ....
કામ, કામ અને કામ..બસ તે હમેશાં ભરચક્ક કામના નશામાં ડૂબેલો રહેતો. જીવનના એકાકીપણાને ભૂલવા કે પછી ખાલીપણાને ભરવા તેણે કામનો આશરો લીધો હતો. મોડી રાત સુધી તે ફાઇલોમાં ખોવાયેલો રહેતો. રાત્રે થાકીને સીધો ઉંઘના આગોશમાં.....
પરંતુ હમણાં મનની મોસમ બદલાઇ રહી હતી કે શું ? થીજેલી સંવેદનાઓ આ કઇ ઉષ્મા પામીને વરસો પછી પીગળતી હતી ? લાગણીઓનું આ વાવાઝોડું કયાંથી પ્રગટીને તેને ઝકઝોરી રહ્યું હતું ? એક ખળભળાટ... કોઇની હૂંફની ઝંખના...સૂકા ભઠ્ઠ વૃક્ષમાં કોઇ લીલીછમ્મ, નાજુક સંવેદનનો સંચાર છાને પગલે થઇ રહ્યો હતો.
શચી તેને ધમકાવતી તો તે અંદરથી ખુશ કેમ થતો હતો ? કોઇ તો એવું છે જે તેના પર આમ રોફ કરી શકે છે. બાકી આમ હક્કથી ખખડાવવાવાળું હવે જીવનમાં કોઇ કયાં રહ્યું હતું ? વરસોથી અડ્ડો જમાવીને બેસેલ પાનખરને હળવેથી હડસેલો મારીને વસંત હળુ હળુ અંદર પ્રવેશી રહી હતી. મનની મરુભૂમિમાં કોઇ લીલીછમ્મ કૂંપળ ડોકિયું કરી રહી હતી કે શું ?
અને હવે આ નાનકડી કૂંપળ કોઇ રાજકુંવરીની માફક વધતી જતી હતી. શચી જાણે તેના પર સત્તા ચલાવતી હતી અને પોતે તેમાં ઓગળતો જતો હતો.
દિલની વાત તેને કરવી કે નહીં ? તેના મનમાં શું હશે ? તેને કેવું લાગશે ? પોતા માટે શચીને લાગણી તો છે જ...શચીનું એકએક વર્તન તેને એ વાત કહેતું હતું. શચીના મનમાં પણ જરૂર આવી જ કોઇ વાત...નહીંતર કોઇ સ્ત્રી આમ પોતાના બોસને બિંદાસપણે ધમકાવી શકે ખરી ? શચી તો કેવા હક્કથી.....
પરંતુ તે સ્ત્રી હતી અને પોતે તેનો બોસ હતો તેથી કદાચ પહેલ ન કરી શકતી હોય કે પછી.... પોતે પહેલ કરે એવી પ્રતીક્ષામાં...
તો પોતે જ પહેલ કરવી રહી. પણ કઇ રીતે ? વિચારોના વમળમાં ગોથા ખાતો શૈલ આજે એક પછી એક સિગારના ધૂમાડા છોડતો ગયો. નવી સિગાર સળગાવવા જતાં ખલાસ થઇ ગઇ જણાઇ. તેણે બેલ મારી પટાવાળાને બોલાવ્યો. અને સિગારનું પેકેટ લાવવા કહ્યું. પટાવાળો મૌન બની ઉભો રહ્યો.
'સંભળાયું નહીં ?'
‘સર..સર..’
પટાવાળો જરા થોથવાયો.
'શું છે ? કોઇ પ્રોબ્લેમ છે ? રજા જોઇએ છે ? પહેલાં સિગાર લઇ આવ પછી તારા પ્રોબ્લેમની વાત.....'
'ના, સર એવું કંઇ નથી. પણ..’
'તો પછી આ “પણ” શું છે ?'
શૈલના અવાજમાં હવે થોડો ગુસ્સો ભળ્યો.
‘સર, શચી મેડમે વધારે સિગાર લાવવાની મનાઇ કરી છે. મને કહ્યું છે કે સાહેબ મગાવે તો પણ ના પાડી દેવાની.'
થોથવાતા અવાજે હિંમત કરીને પટાવાળાએ કહી જ દીધું.
શૈલ એક મિનિટ મૌન.
'જા મેડમને મોકલ.’
પટાવાળો પોતે છૂટયો હોય તેમ હાશ અનુભવતો ભાગ્યો. હવે સાહેબ જાણે ને મેડમ જાણે.
બે મિનિટમાં શચી હાજર થઇ. ‘યસ સર..’
'મારી સિગાર લાવવાની.......’
'પટાવાળાને મેં ના પાડી હતી'
વચ્ચે જ શચીએ કહ્યું.
'પૂછી શકું શા માટે ?'
'સિગાર હેલ્થ માટે નુકશાનકારક છે એ તમે ન જાણતા હો એવું હું નથી માનતી.’
'મારી હેલ્થની ચિંતા હું કરીશ. તમારે કરવાની જરૂર નથી.’
શૈલથી જરા ઉંચા અવાજે બોલાઇ ગયું.
'કયારેક કરવી પડે..કોઇ જાતે ન કરતું હોય ત્યારે બીજાએ ચિંતા કરવી પડે.’
'વોટ ડુ યુ મીન ? તમને એવો અધિકાર કોણે આપ્યો ?'
'કેટલાક અધિકારની રાહ જોવાતી નથી.’
'એટલે ?’
શૈલ ઠંડો પડતો જતો હતો.
'એ તમને નહીં સમજાય.'
'તો તમે સમજાવો'
'સમજાવવાની કોઇ જરૂર મને જણાતી નથી.'
કહી શચી ઓફિસની બહાર નીકળવા ગઇ.
ત્યાં વીજળીની ત્વરાથી શૈલ અચાનક ઉભો થઇ ગયો. આ તક ચૂકવા જેવી નથી.
‘શચી, પ્લીઝ, વેઇટ.. I want to tell u something.'
'Sorry..I don’t want to hear anything regarding sigar… No argue please….And this is my final decision. અને સિગાર......’
બોલતાં બોલતાં અચાનક શચી અટકી.પોતે આ શું બોલી ગઇ ? તેના બોસનો ફાઇનલ ડીસીશન લેવાવાળી પોતે કોણ હતી ? શચી પાસે આવી શૈલ એકીટશે તેની સામે જોઇ રહ્યો. શચી મૌન બની નીચું જોઇ રહી.
એકાદ ભારી ભરખમ ક્ષણ..
'સોરી, મને ડીસીશન લેવાનો કોઇ હક્ક નથી. હું વધારે પડતી પઝેસીવ.....’ શચી જલદીથી બહાર નીકળવા ગઇ.
શૈલ તેની આડે ઉભો રહી ગયો.
'ના, ના શચી. હું ઇચ્છું છું કે તમે જિંદગીભર મારા બધા ડીસીશન લો..’
'એટલે ?'
‘ન સમજાયું ?'
શચીએ નકારમાં ડોક હલાવી.
'શચી, મારી લાઇફમાં હું તમને આવકારું છું. હમેશ માટે. I want you to be my life partner. I like you. Infact….i..i think, I love you.
એકી શ્વાસે શૈલ બોલી ગયો.અને પ્રત્યાઘાત માટે શચી તરફ જોઇ રહ્યો.
શચી ધ્રૂજી ઉઠી.
ધરતીકંપ ? પોતે આ શું સાંભળી રહી છે ?
એકાદ મિનિટ મૌન.
અને શચીની જોરદાર થપ્પડ શૈલના ગાલને ચમચમાવી રહી.
શચીની આંખમાં ધોધમાર પાણી...શૈલ કશું બોલે, કશું સમજે તે પહેલાં તે લગભગ દોડતી ઓફિસની બહાર નીકળી ગઇ.
શૈલ ગાલ પંપાળતો એકલો ઉભો રહી ગયો.
આ શું થઇ ગયું ? આવી તીવ્ર પ્રતિક્રિયા કેમ? આવું બની જ કેમ શકે ? ના પાડવાનો તેને પૂરો હક્ક હતો. પણ આમ ?મેં કંઇ તેની છેડતી કરી હતી ? જો તેને મારે માટે જરાયે ફીલીંગ્સ નહોતી તો પછી કયા હક્ક દાવે તે આજ સુધી મારી ઉપર રોફ જમાવી રહી હતી ? સમજે છે શું તેના મનમાં ? હું કંઇ આલતુ ફાલતુ વ્યક્તિ છું ?
ધૂંધવાતા શૈલે ગુસ્સામાં જોશથી બેલ મારી. દોડીને આવેલ પટાવાળાને ખીજાઇને મોટેથી સિગારના બે પેકેટ લાવવા કહ્યું.
સમય વરતી પટાવાળો દોડયો.
એક પછી એક સિગારની ધૂમ્રસેર ઉંચે ચડતી રહી. તેની આરપાર તાકતો શૈલ કયાંય સુધી સૂનમૂન....
‘તબિયત સારી નથી' કહી વહેલી ઘેર આવી ગયેલી શચીના પ્રાણમાં એક અજંપો... શૈલે આવી હિંમત કેમ કરી ? પોતાની લાગણીનો આવો અર્થ કાઢયો ? કોઇ સ્મૃતિઓ યુગોની પીડા લઇ, કાચની તીણી કરચ બનીને, તેના સમગ્ર અસ્તિત્વને સતત ચૂભતી રહી છે. આખી રાત આંખ ફરતે આંસુનું નાજુક આવરણ છવાયેલું રહ્યું. અને ધૂંધળી બનેલી આંખો સામે અંતરમાં થીજી ગયેલું વરસો પહેલાનું એક દ્રશ્ય.....
‘અચાનક આવી ચડેલ ધરતીકંપનો એક જોરદાર આંચકો......નાનકડા પુત્રને સ્તનપાન કરાવતી પોતે આખી કયાં ગરકાવ થઇ ગઇ હતી તેની સમજણ નહોતી પડી.
કેટલીવાર પછી પોતાની આંખ ખુલી હશે તેનું ભાન પણ કયાં થાય તેમ હતું ? નિતાંત અંધકારમાં તેનો હાથ પુત્રને શોધવા ચારે તરફ ફરતો હતો.પગમાંથી લોહી નીકળતું હતું. આખા શરીરમાં ભયંકર વેદના..તેની ચીસ સાંભળવાવાળું પણ ત્યાં કોઇ કયાં હતું ? તે કયાં હતી ? સ્થળ,કાળની કોઇ ગતાગમ નહીં. અસ્તિત્વ હતું તો ફકત વેદનાનું, આઘાતનું, ભયાનકતાનું, ગભરાટનું...ડરનું..
પરિસ્થિતિને સમજવાનો, સ્વીકારવાનો પ્રયત્ન પણ કયાં આસાન હતો ? અને છતાં....
સ્વજનો..પતિ, માસૂમ પુત્ર..પુત્રનો ખ્યાલ આવતાં તે બેબાકળી થઇ ઉઠી. અંધકારમાં તેનો હાથ પુત્રને શોધવા મથી રહ્યો. પણ......
ન જાણે કેટલી વાર તે એમ જ સૂનમૂન પડી રહી હશે પીડાના,અસહ્ય વેદનાના ઓથારમાં ક્ષણો વીતી, કલાકો વીત્યા કે પછી યુગો ..?
અચાનક કયાંકથી કોઇના કણસવાના અવાજે તેને ચોંકાવી દીધી. આસપાસ કશું દેખાય તેવું નહોતું. અંધકારથી ધીમેધીમે આંખ ટેવાતી જતી હતી. આખું શરીર તૂટતું હતું. છાતીમાં વેદના જાગી હતી. દૂધ ઉભરાતું હતું. પણ કોઇ નાનકડા હોઠ કયાં ?
એક અસહ્ય વેદનાનો અંબાર...તે થોડીવાર ફરીથી એમ જ પડી રહી. કોઇના કણસવાનો અવાજ ધીમે ધીમે વધતો જતો હતો. અવાજની દિશામાં તે ધીમે ધીમે ઘસડાતી ઘસડાતી આગળ વધી. કદાચ પોતાનું જ કોઇ સ્વજન....મરણિયા બની અંધકારને ફંફોસતા તેના હાથને અચાનક કોઇનો સ્પર્શ..... તે ચોંકી ઉઠી.
ઝાંખા અંધકારમાં સ્પષ્ટ તો ન દેખાયું. પણ કદાચ કોઇ હતભાગી યુવક ફસાયો હતો અને બેભાન થઇને પડયો હતો. પોતાની બધી વેદના ભૂલી તેણે યુવકને ઢંઢોળવા પ્રયત્ન કર્યો. પણ કોઇ જવાબ મળ્યો નહીં. યુવકના ગળામાંથી કોઇ અસ્ફૂટ અવાજ....કદાચ યુવકનું ગળુ સૂકાયું હતું. પણ અહીં પોતે પાણી કયાંથી લાવે ? શું કરવું ? શું કરી શકે તે ?
બેભાનાવસ્થામાં યુવકનો કણસાટ વધતો જતો હતો. હવે ?
યુવક હવે તરફડિયાં મારી રહ્યો હતો. તેણે ધીમેથી તેના શરીર પર, માથા પર હાથ ફેરવ્યો. તેને પોતાના શિશુના ઉંહકારા સંભળાયા કે શું ? ભીતર માતૃત્વ સળવળી રહ્યું. આ અજાણ, બેભાન યુવક પણ કોઇનો લાલ હશે....
છાતીમાં વેદના વધતી જતી હતી. તેને પોતાના કપડાં ભીનાં ભીનાં અનુભવાયા. પ્રાણમાં એક તરફડાટ...અસ્તિત્વમાં ઉથલપાથલ...તે આખ્ખી હચમચી ઉઠી.....
ધીમેથી તેનો એક હાથ પોતાના સ્તન પર દબાયો. દૂધની ધાર થઇ. બીજા હાથે અંધકારમાં યુવકનું મોં શોધાયું અને યુવકના ખુલ્લા હોઠમાં તે અમૃત ધીમેથી......
થોડીવાર તો કશું ફાવ્યું નહીં. પણ ધીમે ધીમે આ આખી પ્રક્રિયા રીપીટ થતી રહી. હવે ત્યાં કોઇ યુવક નહોતો. કોઇ સ્ત્રી નહોતી. ત્યાં હતી માત્ર એક મા અને એક શિશુ...
યુવક કયારેક થોડી ક્ષણો માટે ભાનમાં આવતો અને કશુંક પૂછવા મથતો. પરંતુ કશો જવાબ મળે તે પહેલાં ફરીથી તે ભાન ગુમાવી બેસતો. એક મા અને એક “શિશુ” મોત સામે ઝઝૂમતાં રહ્યાં.
યુગો વીતી ગયાં કે પછી સમય થંભી ગયો હતો ?
કોઇ એક ક્ષણે અચાનક પ્રકાશનો એક ઝળહળ પુંજ......
'યસ..અહીં કોઇ બચ્યું હોય તેમ લાગે છે.'
પછી તો બધું ઝપાટાભેર થયું.કાટમાળ ખસેડાયો. પૂરા ત્રણ દિવસ અહીં વીતી ચૂકયાં હતાં. તેની ખબર તો પાછળથી પડી હતી. તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેની નજર તે યુવક તરફ પડી. યુવકે તેને જોઇ કે નહીં એ સમજાય તે પહેલાં તો તેમને હોસ્પીટલે લઇ જવાયા.
હવે તેની બધી લીમીટ પૂરી થઇ હતી. તે ચેતના ગુમાવી બેઠી.
હોસ્પીટલમાં જે દિવસે તેને ભાન આવ્યું ત્યારે જાણ થવા પામી હતી કે તેનું બાળક અને તેનો પતિ કુદરતની આ કારમી થપાટમાં હોમાઇ ગયાં હતાં. અને હવે તે એકલી હતી. સાવ એકલી..
અને તેના જેવા અભાગીઓની સંખ્યા કંઇ નાનીસૂની નહોતી.ધરતીકંપના ખપ્પરમાં તેના જેવા અનેક હતભાગીઓ હોમાયાં હતાં. છાપાઓમાં રોજ અનેક નવી નવી દાસ્તાન ઉભરાતી...આમાં પોતે પોતાની વ્યથા કે કથા કોને કહે ? પેલા યુવકના સમાચાર પણ તેને કોણ આપે ?
જિંદગીએ એક નવો યુ ટર્ન લીધો. શચીની પિતા હજુ હયાત હતા. તેણે પુત્રીને આગળ ભણાવી.તેમને હતું કે સમય જતાં મનના ઘા થોડાં રૂઝાશે અને ફરીથી પુત્રીની જિંદગી વસી શકશે.પણ તે અરમાન પૂરા થાય તે પહેલાં જ તેમને પણ કાળે ઉપર બોલાવી લીધા. અને શચી ફરી એકવાર એકલી અટૂલી....
આ કંપનીમાં તેને નોકરી મળી ત્યારે ધરતીકંપની વાતને વરસો વીતી ચૂકયાં હતાં.
બોસની ઓળખાણ જયારે તેને કરાવવામાં આવી ત્યારે તે ચોંકી ઉઠી હતી.
આ...આ બરાબર ન જોયેલો આ ચહેરો તે કયારેય..કયારેય ભૂલી નથી..પોતાના માનસ સંતાનને તે કેમ ભૂલી શકે? પોતાની છાતીનું દૂધ જેને વાત્સલ્યથી પીવડાવ્યું હતું. તે અહીં આ રીતે મળી જશે તેની તો કલ્પના પણ કેમ આવે? એ ક્ષણને તો પોતે વરસોથી હૈયામાં સંગોપીને બેઠી છે. એ પળ આજે યે તેની ભીતર અકબંધ....
અને દસ વરસથી છાતીમાં ધરબાઇ રહેલી મમતા ફરી એકવાર સજીવન થઇ ઉઠી. આ બોસ થોડો હતો ? આ તો પોતાનું સંતાન..! જેને તે ધરતીકંપમાં ગુમાવી બેઠી હતી. અંતરમાં અધિકારની, મમતાની, સરવાણી આપોઆપ પ્રગટી હતી.
રાત ખરતી રહી. શચીની આંખોમાં આજે ઉંઘનું એકે કણસલું ડોકાયું નહીં.
અંધકારને હડસેલીને ભળુભાંખળું અજવાળું છાને પગલે પ્રવેશી રહ્યું ત્યારે શચીનું મન થોડું શાંત થયું હતું. એમાં શૈલનો શું વાંક ? તેણે તો પોતાને જોઇ પણ કયાં હતી ? તે તો બેભાન જ હતો.તેને કેમ ખબર પડે પોતાની આ સંવેદનાની ? વરસોથી એક મા અજાણ્યા યુવકને શિશુ સ્વરૂપે અંદર સંઘરીને બેઠી હતી. આજે એક માનું, તેના માતૃત્વનું અપમાન થયું હતું. તે ખ્યાલે તીવ્ર પ્રતિક્રિયારૂપે તેનાથી શૈલને એક તમાચો.....
પરંતુ તેમાં શૈલનો દોષ કાઢી શકાય તેમ કયાં હતું ? નિયતિ સિવાય કોને દોષ આપી શકાય ? અને તેની પાસે તો ભલભલા લાચાર.
હવે ?
આખો દિવસ તે એમ જ સૂનમૂન બેસી રહી. ઓફિસે જવાનું મન ન થયું.
એ યાદોના ઓથારમાં, બે દિવસ સુધી તે એમ જ છટપટાતી રહી.
ના, ના, આમ મૌન રહ્યે હવે નહીં ચાલે. શૈલને સાચું કારણ જાણવાનો પૂરો હક્ક છે.
ઓફિસમાં ધીમેધીમે શૈલનું મન પણ શાંત થયું હતું. તે બે દિવસથી શચીની પ્રતીક્ષા કરતો રહ્યો હતો. પોતે શચીની માફી માગી લેશે. કદાચ પોતે શચીને સમજવામાં ભૂલ કરી હતી.
ત્રીજે દિવસે ન જાણે કેમ શૈલથી રહેવાયું નહીં. તે શચીને ઘેર આવી ચડયો.
શચી ચોંકી ઉઠી. શું બોલવું તે સમજાયું નહીં.
થોડી મૌન ક્ષણો પછી.....
‘શચી, સોરી, મારા વર્તનથી તમને ખરાબ લાગ્યું. પણ મેં ફકત મારી લાગણી રજૂ કરી હતી. તમે સીધી રીતે ઇન્કાર કરી શકયા હોત...પણ તેને બદલે તમે.... ખેર..! મને લાગે છે મેં તમને સમજવામાં ભૂલ....’
શૈલ વાક્ય પૂરું કરી ન શકયો.તેનો અવાજ રુંધાયો.
શચી મૌન. શું જવાબ આપે તે ?
ફરીથી બે પાંચ મૌન ક્ષણો.શચી કશું બોલ્યા સિવાય પાણીનો ગ્લાસ લઇ આવી અને શૈલને ધર્યો.
શૈલે પાણી પીધું. જરાવારે તે થોડો સ્વસ્થ થયો.
‘પ્લીઝ..મારા વિશે કોઇ ગેરસમજ ન કરતા. ફરગેટ એવરીથીંગ..અને કાલથી ઓફિસે આવવાનું ચાલુ કરશો ને ? બીજીવાર મારા તરફથી એવી કોઇ ભૂલ નહીં થાય.’
એકાદ મૌન ક્ષણ પછી તેનાથી રહેવાયું નહીં. તેણે ધીમેથી ઉમેર્યું.
‘તમે મારી સાથે જે હક્કથી....તેથી મારી ગેરસમજ...’
શૈલ આગળ બોલી ન શકયો. તેનો અવાજ રૂંધાયો.
હજુ પણ શચીના મૌનની દીવાલ તૂટી નહીં.
'પ્લીઝ, કંઇક બોલો..હું એવો ખરાબ માણસ નથી'
'શૈલ,’
સરને બદલે શૈલ ?
શૈલને આશ્ર્વર્ય થયું. તેણે શચી સામે જોયું.
'શૈલ...તમને યાદ છે ? વરસો પહેલા અહીં ધરતીકંપ આવેલ... ’
'એ કેમ ભૂલી શકાય ? એણે તો મને અનાથ અને એકાકી બનાવ્યો. આજ સુધી એ ઓથારમાંથી હું બહાર આવી શકયો નથી.’
'તમે એમાંથી કઇ રીતે બચી ગયા ?'
'પૂરી જાણ તો નથી. પરંતુ કોઇ ભલી સ્ત્રીએ પોતાનું દૂધ પીવડાવીને મને જીવતદાન આપેલ...એવો આછોપાતળો ખ્યાલ..’
'એ સ્ત્રી કોણ હતી એની તમને કયારેય જાણ થઇ ?'
'ના, હકીકતે મેં તેને શોધવાનો પ્રયાસ પણ કરેલ પણ એ સમય જ એવો હતો આવી કેટલીયે ઘટના બની હશે..અમુક પ્રકાશમાં આવી હશે..અમુક નહીં આવી હોય. અને મેં તો તે સ્ત્રીનો ચહેરો પણ કયાં જોયો હતો ? હું તો બેભાનાવસ્થામાં જ..’
'તે સ્ત્રીની તમને જાણ થાય તો ?’
'તો તેના પગ ધોઇને પૂજું.તે તો મારી જીવનદાતા..મારી મા સમાન..... પરંતુ આ બધી વાત અત્યારે ?'
શૈલ થોડો ગૂંચવાઇ રહ્યો.
'તમારે તે સ્ત્રીનો ચહેરો જોવો છે ?'
'તમે ઓળખો છો તેને ?'
'બરાબર ઓળખું છું. મળવું છે?'
'ઓહ ડેફીનેટલી...તે તો મારી માતા સમાન કહેવાય. તેને મળીને મને આનંદ થશે.’
'એક મિનિટ..’
શચી અંદર ગઇ. પાછી આવી ત્યારે તેના હાથમાં અરીસો હતો
શૈલ સામે અરીસો ધરતાં તેણે કહ્યું.
'દેખાય છે આમાં તે સ્ત્રીનો ચહેરો ? ઓળખાય છે એ સ્ત્રી ?'
અરીસામાં શચીનું પ્રતિબિંબ તેની સામે....
શૈલ સ્તબ્ધ......!
ફરી એકવાર તેના જીવનમાં ધરતીકંપ ...?

નિલમ દોશી, ભુવનેશ્વર