‘ગાંઠ છૂટયાંની વેળા’ આદિવાસી સમાજજીવનની વ્યથા-કથા
ડૉ. શિવાંગી પંડ્યા


વર્ષા અડાલજાએ ૧૯૬૬માં લેખન - કારકિર્દીની શરૂઆત ફેશન કોલમિસ્ટ અને પત્રકાર તરીકે કરી. ત્યાર બાદ તેમણે ટૂંકીવાર્તા અને નવલકથા લખવા માંડી. તેમના સર્જનમાં મુખ્યત્ત્વે સામાજિક નવલકથા. આ નવલકથાઓનું કથાવસ્તુ આપણી આસપાસ બનતી કોઈ સત્ય ઘટના, સામાજિક સમસ્યા, પ્રશ્નો કે એવા કોઈ બનાવો જે આપણે આપણા સામાજિક માળખાં કે મનુષ્ય- મનુષ્યના સંબંધો વિશે ફરીથી વિચારતાં કરી મૂકે એવું હોય છે.
સત્ય ઘટનાઓ પર આધારિત નવલકથાઓ માટે જયાં જયાં શકય હતું તે જગ્યાએ જવાનો, એ વિષે વધુ માહિતી ભેગી કરવાનો અભિગમ લેખિકાનો રહ્યો છે. જેમ કે ‘ગાંઠ છૂટયાની વેળા’ વખતે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કઠ્ઠિવાડાના જંગલોમાં લેખિકાને રહેવાનું બને છે. આમ, પ્રત્યક્ષ અનુભવ થયા પછી જ તેમણે ‘ગાંઠ છૂટયાની વેળા’ નવલકથા આપવાનો પ્રયાસ કર્યો છે.
પ્રથમ કચ્છમાં અને પછી ગુજરાત તથા મધ્યપ્રદેશની સરહદે મધ્યપ્રદેશમાં આવેલા ઝાબુઆ જિલ્લાના કઠ્ઠિવાડ પ્રદેશમાં માધવલાલ મહારાજે જે કંઈ કર્યું એની કથા અહીં રજૂઆત પામી છે.
સમાજના સાવ છેવાડે એક આખા સમૂહના જીવનની દિશા બદલવા જંગલમાં સેવાની ધૂણી ધખાવી બેઠેલા ચુનીલાલ મહારાજ (માધવલાલ) ના જીવનના અનુભવો વાર્તા રૂપે લેખિકાએ અહીં ગૂંથ્યા છે. આ કૃતિ સામાજિક કથાની સાથે-સાથે સામાજિક જીવનનો દસ્તાવેજ પણ છે.
માધવલાલ મનથી દયાળુ અને પરગજુ સ્વભાવના હતા. એ વાત પણ લેખિકાએ શબ્દચિત્ર દ્વારા ઉપસાવી છે, "પણ મનનો પ્રવાહ જીવનથી ઊલટી દિશામાં વહેતો રહેતો. એના મનની મોજ તો હતી બીજાનું કામ કરવામાં ! બીજા લોકો માટે જીવવામાં, વહેલી સવારથી હોસ્પિટલો, મજૂરોનાં ઝૂંપડાંઓ, અનાથાશ્રમોમાં ફર્યા કરવું, જેનું કોઈ ન હોય એની પડખે ઊભા રહેવું, એમના અધિકારો માટે લડવું. દવાઓ ... કપડાં... અનાજ... પ્રેમ સઘળું જ ગરીબોમાં વહેંચી દેતાં. દાણાબંદરના વહેપારીઓએ મહારાજનું બિરૂદ એને આપ્યું હતું...નામની સાથે જ એ અટકની જેમ વળગી ગયેલું" (પૃ. ૮)
કામધંધા વિનાનો પાણી માટે ફરતો, વ્યસનોમાં ડૂબેલો આ માનવસમૂહ ! શિક્ષણની સદંતર ઉપેક્ષા... સ્ત્રીઓની ગુલામથી યે બદતર દશા... હરિજનોની કનડગત... અફીણ, તમાકુ અને ચ્હાના બંધાણી... વહેમ અને અંધશ્રદ્ધા... સ્વાતંત્ર્યનાં દસ વર્ષ પછી યે તરસ્યાં રહેતાં લોકોની વાત ભાવકને હચમચાવી મૂકે છે.
મહારાજ કચ્છથી પોતાની પત્નિ (બીજી) વનિતા અને બાળકોને મળવા મહુવા પહોંચે છે ત્યારે વનિતા મૃત્યુ પામી હોય છે. વનિતાની બા મહારાજ આગળ પોતાની વ્યથા ઠાલવે છેઃ "એને વેણ ઊપડી ત્યારે તો હું નંઈ. તમારી મામીએ ઘરમાંથી ખાટલો ખેંચી, એને નાખી દીધી ફળિયામાં. કે’ કે તું ને તારો ઘણી ઢેઢડાં ભેળાં રયો છો તે આંઈ પડી પડી નાખ બોકાસા.... અસ્પતાલનાં માણસને મેં વાત કરતાં સાંભળ્યાં’તા, આ તો ઓલા કોંન્ગ્રેસવાળાની વહુ છે, ખાદીવાળી. એના ઘણીને કે ને, કે ઢેઢડો દાકતર લાવીને જણતર કરે... હાથે કરીને રતન ધૂળમાં રોળાઈ ગયું..." (પૃઃ ૧૩૭-૮)
કથાનાયક - મહારાજ સર્વોદય યોજના કેન્દ્ર (કચ્છ)ના કાર્યકર તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ગુજરાત - મધ્યપ્રદેશની સરહદ પર મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લાના કઠ્ઠિવાડા પ્રદેશમાં જવા તૈયાર થાય છે. એ પહેલાં તેમના લગ્ન બેવડિયા ગામમાં રહેતી બાળવિધવા કુમુદ સાથે થાય છે. કુમુદને મહારાજ પોતાની બીજી પત્નીની યાદમાં વનિતા કહીને જ બોલાવે છે.
મહારાજ મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લાના અલીરાજપુરમાં રહી શોષક આદિવાસીઓની સ્થિતિ સુધારવા પોતાનું જીવન સર્મિપત કરી દે છે. આ પ્રદેશ એવો હતો કે આખા એશિયામાં સૌથી વધુ હત્યાનો આંક અહીં નોંધાયો હતો. લીલું નારિયેળ વાઢી નાખે એમ માણસોનાં માથાં વધેરાઈ જતાં અને એ ગુન્હો સરકારી દફતરમાં ઊંડે ઊંડે દટાઈ જતો.
અલીરાજપુરમાં મહારાજને સૌથી પહેલો અનુભવ થાય છે એક પોલીસ અધિકારી દ્વારા આદિવાસી સ્ત્રીની છેડતીનો. જેને લેખિકાએ આ રીતે શબ્દચિત્ર દ્વારા આપણી સમક્ષ રજૂ કર્યોં છેઃ " .. ત્રણ-ચાર આદિવાસી યુવતીઓ પાથરણું પાથરી બેઠેલા ફેરિયા આગળ આવીને નીચે બેઠી છે. ચીંથરા જેવા ફાટેલા સાડલા સિવાય શરીરે કશું નથી. સાડલાને શરીરે બે-ત્રણ આંટા લઈ વીંટાળી દીધો છે. ત્યાં ત્રણ -ચાર પોલીસોમાં ઊંચી પાયરીનો દેખાતો પોલીસ અમલદાર આગળ આવ્યો. એણે નીચા નમી, ફેરિયાના પાથરણા પરથી ખોટી વીંટી ઊંચકી અને અચાનક બાજુની યુવતીના સાડલામાં હાથ નાખી એના ઉઘાડા સ્તનને હથેલીમાં દબાવવા લાગ્યો. યુવતીની તરફડતી ચીસ પર થઈને પોલીસના ખડખડાટ હસવાના અવાજોથી એ આઘાત પામી ચારે તરફ જોઈ રહે છે" ( પૃઃ ૧પર)
આ દૃશ્ય જોઈ મહારાજ એક ઝાટકે આદિવાસી યુવતીનો હાથ પડકી છોડાવે છે તેથી પોલીસ અફસરની આંખો ફાટી જાય છે અને એક લાંબી નજરમાં મહારાજનો ચહેરો મનમાં મઢી લઈ ત્યાંથી નીકળી જાય છે. આ ઘટના બનવાથી ફરિયાએ મહારાજને કહ્યું: "અહીં તો રોજ આવું થાય છે બાબુજી. પોલીસ જ અહીં ચોર છે. તમે મરી જશો કે જશો જેલમાં. કોઈ નહીં સાંભળે, શું સમજયા ! જરા છાતીને રમાડી લીધી એમાં શું ગયું !" (પૃઃ ૧પ૩)
આ સાંભળીને મહારાજને થાય છે કે, આ લોકોના શરીરમાં લોહી હતું કે બરફ ! આ એવી જગ્યા હતી કે અહીં તો ફરિયાદ કરવી એ જ અપરાધ હતો ! વાડ ઊઠીને ચીભડાં ગળે એમ ખુદ પોલીસ જ દમનનો કોરડો વીંઝતી હતી ! શાકાહારો પણ શેરડીના સાંઠાની જેમ રાંક લોકોનું ટીપટીપે રસ ચૂસતા હતા.
મહારાજ આ પ્રદેશમાં આદિવાસી ભીલ જેવો કોસ્ટો-નાનકડી લંગોટી પહેરી સાવ ઉઘાડા થઈ, ચશ્મા ઉતારી જંગલોમાં રખડયા કરે છે અને એ રીતે આ પછાત -રાંક પ્રજાને રીઝવવા અથાગ પરિશ્રમ કરે છે.
મહારાજ હાટબજારની એક બંધ દુકાન પર થાક ખાવા બેસે છે ત્યાં જ તેમને એક અત્યંત કરુણ ચીસ સંભળાય છે અને એ દિશા તરફ જોવે કે વિચાર કરે ત્યાં તો " ફટાક દઈ ધારિયાથી ઉડાવી દીધેલું લોહીથી લથપથ માથું લાલચટ્ટક કલંગરની જેમ ઊછળીને એમની સામે આવીને પડયું. એની ફાટી ગયેલ આંખો... બહાર લબડી પડેલી જીભ... ઢાળવાળા રસ્તા પરથી ગબડતું ગબડતું એમના પગ આગળ આવીને અટકી ગયું... ઘડની જ બાજુમાં ક્રોધથી કાંપતો લોહી ભરેલું ધારિયું ઉગામી ખૂની આદિવાસી ઊભો હતો. અચાનક જ બાજ પક્ષી ઝપટ મારી પક્ષીની કુમળી ડોક મરડી નાખે અને તત્ક્ષણ એનો તરફરાટ શમી જાય, એમ બિહામણા ભયે તમામ અવાજોની ડોક મરડી નાખી" (પૃઃ ૧૬ર-૩)
મહારાજને આવો ભયંકર વરવો દેખાવ જોઈને કમકમાં છૂટી જાય છે. આ બનાવ તેમને માટે આશ્ચર્ય સાથે આઘાત આપે તેવો હતો. "આ આદિવાસી સાવ જંગલી છે, સગ્ગા બાપને તીરથી વીંધી નાખેં"- વાઘેલાનું આ વાકય તરત તેમની સ્મૃતિમાં ઝબકી જાય છે.
અલીરાજપુરમાં નાના સરખાં ઘરમાં મહારાજ પત્ની અને બાળકો સાથે રહે છે. એક રાત્રે મહારાજ ઓટલા પર સૂતા હતા ત્યારે પોલીસ તેમને ઘેરીને ઊભી હતી. અવાજ થતાં વનિતા ફાનસ સંકોરતા હાથમાં લાઠી લઈ દરવાજો ખોલે છે અને પોલીસને જોઈને મહારાજને બચાવવા વનિતા લાઠી હવામાં જોરથી ફેરવે છે. આ દૃશ્ય જોઈ પોલીસ ચોંકી ઊઠે છે. એમને માટે એક સ્ત્રીનો આ અનુભવ નવો હતો. તેમને મન - "સ્ત્રીને તો મોઢે રૂમાલ બાંધી, ખભે ઊંચકીને જીપમાં પોટલાની જેમ નાખી દેવાની. ચપટી વગાડવા જેવું સહેલું કામ. બે દિવસમાં એ ચૂંથાઈ જાય એટલે જંગલમાં છોડી મૂકવાની. બાંધેલી હરણીની જેમ એ દોડી જાય." ( પૃઃ ૧૭૧) પણ સ્ત્રીનું આ સ્વરૂપ નવું હતું.
લાઠી ફેરવતા વનિતાએ એ બંને ફરતો એવો ગઢ રચી દે છે જેથી કરીને મહારાજાને ચૂપચાપ પકડી લેવા અશક્ય નહીં બલકે મુશ્કેલ પણ હતું.
સૌરવા ક્ષેત્ર સૌથી પછાત અને જંગલિયતથી ભરપૂર હતું. ખુદ પોલીસ પણ ત્યાં પગ મૂકતાં ડરતી હતી. ભીનમોરેના ડાકુઓનો સરદાર સામંતસિંઘ મધ્યપ્રદેશના પોલીસ ખાતામાં જોડાય છે. એમ જાણે કે કાળાં કામો કરવાનો ખુલ્લે આમ પરવાનો મળ્યો હતો. એનાં કૃત્યો પર કાયદાની જાણે કે મહોર લાગી હતી. એના નામથી આદિવાસી સ્ત્રીઓ પારેવાની જેમ ફફડતી, લપાતી.
સામંતસિંઘ રાત્રે સ્ત્રીની શોધ કરતાં ઠૂંઠી- આદિવાસી યુવતીને ત્યાં ભૂખ્યા વરુની જેમ આવી પહોંચે છે. તેનો પતિ બહારગામથી પરત આવ્યો ન હતો તેથી તેની એકલતાનો લાભ ઉઠાવી ચીસો પાડતી, તરફડતી ઠૂંઠી પર સામંતસિંઘ અને તેનો સિપાઈ વારાફરથી બળાત્કાર કરે છે.
આ વિસ્તાર એવો હતો કે જયાં રોજ આદિવાસી યુવતી પર બળાત્કાર થતો. જે પાણી પીવા જેવી સામાન્ય બાબત લેખાતી. એમની ઈચ્છાને તાબે ના થનાર યુવતીઓની યોનિમાં વીજળીના કરંટ અપાતા તથા એમના બાપ કે ભાઈને જીપમાંથી પેટ્રોલ કાઢી પોલીસ ચોકીમાં જ જીવતા સળગાવી દેવામાં આવતા.
અલીરાજપુરના દેવહાટથી ચૌદ માઈલ દૂર કઠ્ઠિવાડા. શિવજી શેઠ મહારાજને રાણા જયદીપસિંહ પાસે લઈ જાય છે. જેઓ એક સમયના કઠ્ઠિવાડાના રાજના વંશજ હતા. તેઓ મહારાજને કઠ્ઠિવાડાના જંગલમાં રોકાવાનું કહે છે અને આદિવાસીના જીવન વિશે જણાવે છે કેઃ "યહાં કે આદિવાસી કે જીવન તો પશુસે ભી બદતર હૈ. ઉસકે પાસ ન ઘર હૈ, ન પશુ હૈ, ન ખેતી હૈ. ઔર ઉપર સે શાસક વર્ગકા જુલ્મ, શોષણ, અન્યાય ! હમારી ઔર તો પૂર્વગૃહ હૈ. હમ કભી અવાજ ઉઠાતે હૈ તો કહ દેતે હૈં, તુમ્હારા રાજ ગયા. સાલિયાણા ગયા. ઈસી લીયે જલન કે મારે બોલ રહે હો" (પૃઃ ૧૯ર)
આ સ્થિતિ જોઈને મહારાજ સપરિવાર કઠ્ઠિવાડા જંગલમાં રહેવાનો નિર્ણય કરે છે. આમ, મહારાજા આખો દિવસ ગમે ત્યાં હોય પણ રાત્રે અચૂક અહીં જંગલમાં સુવા આવતા. અહીં આવતા જ તેમને વિચારોના ઘોડાપૂર દોડી આવતા અને તેમને ભીંસમાં લેતાં "...હું એકલે હાથે શું કરી શકીશ ! છેક જંગલી અભણ પ્રજા. કાચી માટીનો લોદો. એમાંથી ઘાટ ઘડવો કેટલો દુષ્કર... (પૃઃ ૧૯૬)
મહારાજ માટે માથું કાઢી ગયેલી અફસરશાહી, સ્વાર્થી રાજકારણીય નેતાઓ અને લાલચુ સેવકો- દલિતોનાં અજ્ઞાન અને ગરીબી કરતાંય વેંત ચડે એવા કટ્ટર દુશ્મનો હતા.
બંને પતિપત્નીનો રોજનો એક નિત્યક્રમ. સૂરજ ઉગતાની સાથે આદિવાસી છોકરાંઓને પકડી લાવવાના. ભાગી જાય એટલે ફરી પકડી લાવવાના. મહારાજના કામ કરતા વનિતાનું કામ ખૂબ કપરું હતું. આદિવાસી છોકરાંઓને પડકીને આશ્રમમાં વનિતા લઈ આવતી. આ બાળકો જન્મ્યા પછી ન્હાયા જ નથી હોતા અને શૌચ જઈને સાફ કરવાનું તો પેઢીઓથી રિવાજમાં નહોતું. બેય કૂલા સુધી મેલું સુકાઈ સુકાઈને પોપડા બાઝયા હોય. એની પર મચ્છર અને માખીનાં ઝુંડના ઝુંડ વળગ્યાં હોય. માથે તો જાણે સુગરીનો માળો ! નાકમાંથી સતત ગળતી લીંટ, અને એ લીંટને લહેજતથી ચાટવા ઘડી ઘડી લબડતી જીભ.
આ આદિવાસી બાળકોની પરિસ્થિતિ હતી. આવાં છોકરાંઓને પકડીને લાવ્યા પછી મહારાજ ધારદાર કાતર અને અસ્ત્રો લઈને સમૂહ- હજામત કરતા. મહારાજના બાળકો કૂવેથી પાણી સીંચે અને વનિતા ચોળી ચોળીને વર્ષોનો મેલ, પરસેવો, મેલુ સાફ કરતી. વળી અહીં પેટ ભરીને ખાવા મળતું એટલે સૌ બાળકો થોડી- થોડી વારે શૌચ માટે દોડે અને તે પણ ઘર- આંગણામાં જ. વનિતા ટોપલી લઈ મોંએ સાડલાની બુકાની બાંધી બધાનું મેલું ઊંચકવા નીકળે. કૂવેથી પાણી લાવી ફરીથી બાળકોને વનિતા સ્વચ્છ કરતી. બાળકો પોતાના ઘરે જાય ત્યારે મા-બાપ ચિડાઈને કહેતાઃ "છી છી ! આ તે કેવું ! વાળ કાપવાના, ઓળાવાના, નખ કાપવાના અને શરીરે પાણી રેડવાનું" (પુ.ર૦૩)
આશ્રમના બાળકો એક દિવસ માધોસિંગને આશ્રમમાં લઈ આવે છે. એ દેખાવે ગંદો હતો તેથી મહારાજે તેના વાળ કાપ્યા અને બીજા બાળકોએ તેને ઘસી ઘસીને નવડાવ્યો. પરંતુ તે નાસી જાય છે. બે -ત્રણ દિવસ પછી છોકરાંઓ વનિતાને સમાચાર આપે છે કે બા પેલા માધોને તેના બાપ બહુ મારે છે. આ સાંભળી વનિતા તેને બચાવવા તેને ઘરે જાય છે અને જુએ છે તો એનો બાપ ઝાડની સુકકી ગાંઠવાળી સોટી લઈને રૌદ્રરૂપે માધુને મારતો હતો. છેલ્લી ચીસ નાંખી માધુ બેભાન થઈ ઢળી પડે છે. એના શરીરે સોળ પડયા હોય છે અને તેની મા એમના દેવ પિઠોરાની સામે બેસી શાંતિથી મહુડાનાં બી ફોલતી રહે છે. આ દ્રશ્ય જોઈ વનિતા માધુના બાપને પડકાર ફેંકી પૂછે છેઃ "હેતરા મોટલા પોરિયાને ઠોકતાં તને કંઈ અવલ લાગતેલો ! " તે સામે જવાબ આપતા કહે છે. " બા મેં પોરિયાને ની ઠોકતેલો. યો ભૂતનો સાળો મટાડવા ઠોકતેલો." વનિતા સામે જવાબમાં કહે છેઃ " યે ભાયા ! ભૂત કાજે પોરિયાને ઠોકીન, ભૂતને ની લાગે, તારો પોરિયો મોર જાશે." ચર્ચા નિરર્થક લાગતા વનિતા માધોસિંગને ઊચકીને દોડે છે અને તેના બાપને કહે છેઃ " યે રામલા. તારા પોરિયા કાજે ઓહો કાંઈ કોર્યો, મારી પૂંઠળ આવતો‘તો પોલીસ થાણે ઠોકાવી ઘાલીશ." (પૃઃ ર૧૪-પ)
મૂળ વાત એમ હતી કે મહારાજ અને વનિતાએ બાળકોને સાભ્ય બનાવવા જહેમત ઉઠાવી હતી. તેઓ સવારે બાળોકને પ્રાર્થના કરાવતા, મા બાપને પગે લાગતા શીખવાડતા. તેથી માધોસિંગ મા-બાપને પગે લગતાં તેા મા-બાપ માને છે કે માધુમાં ભૂત પેઠું છે. જેને કાઢવા માટે તેનો બાપ તેને એટલી હદે મારે છે કે માધોસિંગ બેભાન થઈ જાય છે. આ ભૂતથી નહીં ડરનારી પ્રજા પોલીસના નામથી થરથર કાંપતી હોય છે.
એક સરકારી અધિકારી લક્ષ્મીપ્રસાદ બે-ત્રણ કેસોની જાત તપાસ માટે અલીરાજપુર આવે છે. એ સમય દરમિયાન બે-ત્રણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરત જ મસાલામૂર્ગીની વ્યવસ્થા કરી પહોંચી જાય છે અને કહે છેઃ "સાહેબ અસ્સલ મહુડાનો છે. મોકલાવું ? અને સાહેબ ! મહુડાના દારૂથી યે વધુ ઘેન ચડાવે એવી ભીલડી પંદર વરસની...સોળ વરસની... પછી કહો તો ગર્ભવતી. એની યે મજા છે સાહેબ ..." આ સાંભળી લક્ષ્મીપ્રસાદ ગુસ્સેથી તાડીની મટકીઓને લાત મારી તોડી નાખે છે અને કહે છેઃ " સોલહ સાલકી તો મેરી બેટી હે. કયા આપ અપની બેટિયોંકો, બહેનોકો સબકે સામને નજરાના રખાતે હો" ? (પૃ રર૦) આ સાંભળી પોલીસ ઓફિસરો પર વીજળી પડી હોય એમ સ્તબ્ધ થઈ જાય છે અને પોલીસ અફસર થોથવાતા કહે છેઃ "જી ...બાત યે હૈ કિ સબ લોગ યહાં આ કે યેહી ચીંજે હમસે માંગતે હૈ ઈસી લીયે આદત-સી હો ગઈ." (પૃ રર૦-૧)
આ ચિત્ર ઉચ્ચ પોલીસ અધિકારીઓનું માનસ છતું કરે છે તે જોઈ શકાય છે.
લક્ષ્મીપ્રસાદ, મહારાજાના આશ્રમની મુલાકાત લે છે. અને એક રિપોર્ટ તૈયાર કરે છે. આ રિપોર્ટને આધારે એક દિવસ મહારાજને એક કાગળ મળે છે. મહારાજાને મન માનવતા હજી જીવે છે એનું જીવતું જાગતું ઉદાહરણ આ કાગળ હતો. આખા લીમડામાં એક ડાળ મીઠી તે આનું નામ, એ સાબીત થાય છે. આ માત્ર ઝૂંપડીઓ જ નહોતી; એમની ધીરજ, આત્મબળ અને સહનશીલતાની જીવંત ઈમારતો હતી.
મહારાજને લોક સેવાના કામાર્થે મૃત્યુનો અનેકવાર ભેટો થાય છે. મૃત્યુ કયારેક એમને ઘસાઈને ઉઝરડા પાડને સંતાઈ જતું તો વળી કયારેક વાઘણની સળગતી આંખોમાંથી ઘરકયું હતુ એ ય સાંભરે છે અને કયારેક વર્ષોથી નહીં મળેલા બાળપણના લંગોટિયા ભેરુની જેમ ઝાડ પાછળથી હાઉલકો કરતું દોડતું આવીને ઉમળકાથી એને બાથમાં લઈલે એમ પણ બને છે અને છેલ્લે માન્યા અને ગૌરીને બચાવે છે ત્યારે તો મૃત્યુ તેમને સ્પર્શીને દૂર ખસી જાય છે.
એક દિવસ વનિતા મહારાજ આગળ પોક મૂકીને રડે છે અને જમીન પર ઢગલો થઈ ઢળી પડે છે. થોડી વાર પછી ઉઠીને દૂર બેસે છેઃ "આંસુથી ભીના કદરૂપ ચહેરામાં લાલઘૂમ આંખો ચમકતી હતી. જાણે ચિતા પરથી મડું બેઠું થયું." (પૃઃ ર૮૮) એવો ચહેરો વનિતાનો હતો. તે પતિને ઘોઘરા અવાજે કહે છે કે બધા વાતો કરે છે કે માધોસિંગ સાથે મારે આડો સબંધ છે. આ જાણી તે ખુબ દુઃખી થાય છે અને વલોપાત કરે છે. મહારાજ તેને આશ્વાસન આપતા કહે છેઃ "આપણામાં અહં કેટલું ભર્યું છે એ જોવા સારું આ ઘણના ઘા છે. આપણે ઝાકળનું ટીપું હોઈશું તો સૂરજના તાપમાં વરાળ બની ઊડી જઈશું, અને નવલખું મોતી નીવડશું તો ઝગમગતા રહીશું." (પૃઃ ર૮૯)
મહારાજનું હૈયું આક્રંદ કરી ઊઠે છે અને કાનમાં તરફડતી વનિતાની વેદનાભરી ચીસો સંભળાય છે. તેમને હૃદયમાંથી એક અવાજ સંભળાય છેઃ " તારો અધિકાર માત્ર સપનાનાં વાવેતર કરવાનો. એમાંથી કયાં મહોરી ઊઠશે અને કયાં કરમાઈ જશે એ નકકી કરનારો તું કોણ ?" યજ્ઞની પવિત્ર વેદીમાં ઈંઘણ હોમાય, એમ પ્રવજલી ઊઠતા અગ્નિની જેમ એ અવાજ એક તેજથંભ બની ઊંચે ઊઠતો ગયો અને આકાશના ગુંબજને છાઈ દીધો. તેમની છોળથી સઘળું જ ઝળાંહળાં થઈ ગયું. (પૃઃ ર૯૧)
આ ક્ષણ મહારાજ માટે ‘ગાંઠ છૂટયાની વેળા’ બની રહે છે. સમાજના સાવ છેવાડે એક આખા સમૂહના જીવનની તરાહ બદલવા જંગલમાં વીસ વર્ષ સુધી સેવાની ધૂણી ધખાવી બેઠેલા ચુનીલાલ મહારાજના જીવનના આલેખની સાથે-સાથે આ કૃતિ મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લાના કઠ્ઠિવાડા પ્રદેશના આદિવાસી સમાજ- જીવનનો એક ડોકયુમેન્ટ - દસ્તાવેજ રજૂ કરતી સાચે જ" ગુજરાતી સાહિત્યમાં નવી દિશાનાં દ્વાર ખોલતી" બની રહે છે. લેખિકાને મન આ કથા એક આંતરશોધની યાત્રા બની રહે છે.

000000000000000000000000000000000000

ડૉ. શિવાંગી પંડ્યા,
૧૦૦૦/૧, સેક્ટર-૨/ડી, ગાંધીનગર-૩૮૨૦૦૨,
મો.૯૪૨૭૦૨૬૯૭૯

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index