Download this page in

જીવનચરિત્ર અને અન્ય ગદ્યસ્વરૂપો

જીવનચરિત્ર અને નવલકથા :

ગુજરાતી સાહિત્યમાં દૃષ્ટિપાત કરતાં ખ્યાલ આવે છે કે નવલકથા કરતાં જીવનચરિત્રનો વિકાસ પ્રમાણમાં ઓછો રહ્યો છે. જીવનચરિત્ર અને નવલકથા - બંને સ્વરૂપો પશ્ચિમમાંથી જ આપણે ત્યાં આવ્યા અને અર્વાચીન ગદ્ય સ્વરૂપો તરીકે વિકસ્યા. જીવનચરિત્ર અને નવલકથા બંનેમાં મનુષ્યનું અને તેના દ્વારા જીવાતા જીવનનું વર્ણન હોય છે. એટલે અંશે તેમાં સામ્ય ખરું, પરંતુ તેમાં નોંધવા જેવો ખાસ ભેદ એ છે કે જીવનચરિત્ર વાસ્તવિક જીવનની સત્યકથા આલેખે છે, જ્યારે નવલકથામાં કલ્પિત પાત્રોની કલ્પિત કથાને વાસ્તવિક હોય એ રીતે રજૂ કરવામાં આવે છે. કેટલીક વખત તો નવલકથાકાર પોતાને થયેલ અનુભવોમાંથી કોઈક અનુભવ કે પોતાના આસપાસના જગતમાં બનતી ઘટનાઓમાંથી કોઈક ઘટના પસંદ કરી તેમાં પોતાની આગવી સૂઝથી વાસ્તવિક ના હોય એવા ઉમેરણો કરી એને યોગ્ય ઘાટ આપી નવલકથાનું સર્જન કરે છે. જીવનચરિત્રમાં તો ક્યાંય કાલ્પનિક પાત્ર, ઘટના કે અન્ય ઉમેરણો થાય એ બિલકુલ ના ચાલે. તેમાં તો વાસ્તવિક પાત્રો અને વાસ્તવિક ઘટનાઓ સાથે જ કામ પાર પાડવાનું હોય છે.

જેમ નવલકથામાં રસાત્મકતા, આનંદ, નિરૂપણશક્તિ, ભાષા-પ્રયોજના, સમજણ, વિવેક વગેરેની અપેક્ષા રહેતી હોય છે, તે જ પ્રમાણે જીવનચરિત્ર પાસેથી પણ આ અપેક્ષા રહે છે. આ અપેક્ષા સંતોષાય નહીં તો તેનું વાંચન નીરસ બની રહે.

નવલકથાના લેખકને પાત્રો અને ઘટનાઓની પસંદગીમાં જે છૂટછાટ મળે તેવી છૂટછાટ જીવનચરિત્રના લેખકને મળતી નથી. ચરિત્રનાયકનું વ્યક્તિત્વ ઊપસાવવા માટે આવશ્યક હોય એટલો જ અન્ય પાત્રોની પસંદગીનો તેને અવકાશ રહે છે. જ્યારે નવલકથાનો લેખક પોતાની ઇચ્છા પ્રમાણે પાત્રોનું સર્જન કરી, તેના માધ્યમથી કોઈપણ હેતુ, ભાવ કે વિચારનું પ્રગટીકરણ કરી શકે છે. પોતાને આવશ્યક લાગતી ઘટનાઓની અને પાત્રોની સૃષ્ટિ નિર્માણ કરવામાં તે પોતાની સર્જક-કલ્પના અને કલાનો છૂટથી ઉપયોગ કરી શકે છે. વળી, તે પાત્રોનાં ચિત્તના ઊંડાણમાં પ્રવેશી તેમનાં સંવેદનોનું નિરૂપણ કરે છે. વાસ્તવિક ઘટનાઓ અને વાસ્તવિક પાત્રો દ્વારા જીવનચરિત્રકારે પણ એ જ કાર્ય પોતાની રીતે કરવામાં પોતાની સૂઝબૂઝ, સર્જક-કલ્પનાનો આશ્રય તો લેવો જ પડે છે.

જીવનચરિત્રકાર સત્યને અને નવલકથાકાર સંભાવ્યને વળગી રહે છે. નવલકથા કલાકૃતિ રચવાના આશયથી લખાતી હોય કે પોતાની ગરજે લખાતી હોય પણ જીવનચરિત્ર તો વિષયની યોગ્યતા, સમાજ અને સમયની અનિવાર્યતા – આ પરિબળોમાંથી કોઈ પરિબળ જીવનચરિત્રકારને પ્રેરે ત્યારે જ જીવનચરિત્ર લખાતું હોય છે. જીવનચરિત્ર અને નવલકથા બંનેના લેખકો પોતાના ચરિત્રનાયકનું વ્યક્તિત્વ યોગ્ય રીતે રજૂ કરવા ઉત્સુક હોય છે. બંને વાતાવરણ, પશ્ચાદભૂ, સાંસ્કૃતિક પરિવેશ વગેરેની વાત કરે છે. જીવનચરિત્રકાર આવી સામગ્રીને નામઠામ સાથે રજૂ કરે છે, જ્યારે નવલકથાકાર કાલ્પનિક નામઠામ આપે છે. બંને સ્વરૂપો પાત્રોના મનોવ્યાપારનું પૃથક્કરણ કરે છે, તેમનાં સંઘર્ષ અને જીવનની સિદ્ધિ-અસિદ્ધિ વર્ણવે છે.

જીવનચરિત્ર અને આત્મચરિત્ર :

સૌ પ્રથમ તો ‘જીવનચરિત્ર’ અને ‘આત્મચરિત્ર’ આ બંને પશ્ચિમમાં ઉત્પન્ન થઈને વિકાસ પામેલાં સાહિત્યસ્વરૂપો છે. ઇ.સ.૧૬૬૨માં ફૂલરે ‘Biographia’ શબ્દ પ્રયોજ્યો હતો. જ્યારે ‘Autobiography’ શબ્દ ઓક્સફર્ડ ડિક્શનેરીમાંની નોંધ મુજબ ઇ.સ.૧૮૧૮ પહેલાં પ્રયોજાયેલો જોવા મળતો નથી. જેમ્સ બોઝવેલે લખેલ ડૉ. જહૉનસનનું જીવનચરિત્ર ‘The Life of Samuel Johnson’ (૧૭૯૧) અંગ્રેજી સાહિત્યનું પ્રથમ શકવર્તી જીવનચરિત્ર ગણાય છે. જ્યારે જહૉન સ્ટુઅર્ટ મીલે લખેલ ‘My Autobiography’ (૧૮૭૩) પ્રારંભકાળના નોંધપાત્ર આત્મચરિત્ર તરીકે સ્થાન ધરાવે છે.

જીવનચરિત્ર એ આત્મચરિત્ર કરતાં સ્વતંત્ર ગણી શકાય એવો સાહિત્યપ્રકાર છે. બંને વચ્ચે મહત્વનો ભેદ એ છે કે આત્મચરિત્રમાં લેખક પોતે પોતાની વાત કરતો હોય છે, જ્યારે જીવનચરિત્રમાં લેખક અન્યના જીવનની કથા કહેતો હોય છે. આમ, આત્મચરિત્ર આત્મલક્ષી અને જીવનચરિત્ર પરલક્ષી સ્વરૂપ છે. જીવનચરિત્રમાં નાયક અને લેખક બંને જુદી વ્યક્તિ હોય છે. જ્યારે આત્મચરિત્રમાં તે બંને વ્યક્તિ વચ્ચે કોઈ ભેદ હોતો નથી. નિરૂપણની દ્રષ્ટિએ લેખકના પોતાના જીવન સાથે સંબંધ ધરાવનાર વિગતપૂર્ણ વિવરણ, સંસ્મરણ, ડાયરી, પત્ર કે જે પોતે લખ્યું હોય તે બધાંનો સમાવેશ આત્મચરિત્રના પ્રકારમાં થતો હોય છે. જ્યારે જીવનચરિત્ર પ્રકારમાં રેખાચિત્ર અને ચરિત્રનિબંધનો સમાવેશ થાય છે.

ધીરુભાઈ ઠાકર જણાવે છે કે - “જીવનચરિત્ર અને આત્મચરિત્ર વચ્ચે મોટો ફરક બંનેના નિરૂપણમાં રહેલો છે. બંનેના લેખકો સત્યના શોધક હોય છે, પણ સત્યને ગ્રહવાની બંનેની પદ્ધતિ ભિન્ન હોય છે. જીવનકથાનો લેખક ચરિત્રનાયકના જીવનની માહિતી તેની રોજનીશીઓ, પત્રો, પુસ્તકો, વ્યાખ્યાનો, પરિચિત વ્યક્તિઓ આદિ બાહ્ય ગણાય તેવી સાધનસામગ્રીની સહાયથી એકત્ર કરે છે, અને તેમાંથી ઇતિહાસકારની ઢબે મહાપરિશ્રમે સત્યનું સંશોધન કરે છે. આત્મકથાકારને બાળપણની કેટલીક ભુલાઈ ગયેલી વીગતો સિવાય પોતાના જીવનની માહિતી મેળવવા સારુ બહારનાં સાધનોનો આશ્રય લેવા જવાનું હોતું નથી. જીવનની કિતાબ તેની પાસે ખુલ્લી પડી જ હોય છે. તેમાં નિ:સંકોચપણે દ્રષ્ટિ ફેરવીને સત્ય હકીકત કહી નાખવાની નૈતિક હિંમત તેનામાં આવે એટલે જીવનકથાકારને કદાચ કદી ન પ્રાપ્ત થાય તેવી હકીકત પળવારમાં જાહેર થઈ જાય છે.” [૧] (‘રસ અને રુચિ’ પૃ.૧૦૦)

જીવનચરિત્ર સ્વરૂપના ઉદ્ભવ પાછળ વ્યક્તિપૂજા, વીરપૂજા, આદરભાવ, સ્વજનો પ્રત્યેનો સ્નેહ કારણરૂપ છે, જ્યારે આત્મચરિત્રના લેખન પાછળ લેખકના સ્વાનુભવોની લહાણી કરવી, અમરત્વની ઝંખના કે આત્મ-આવિષ્કારની ઇચ્છા વગેરે પરિબળો કારણરૂપ છે. જીવનચરિત્રનો લેખક પોતે એકઠી કરેલી સામગ્રીના આધારે કથાનાયકનું બાહ્યવ્યક્તિત્વ આલેખી શકે છે, પરંતુ આત્મચરિત્રમાં જેમ લેખકને પોતાના ભીતરને, પોતાના મનોસંચલનોને યથાતથ નિરૂપવાનો અવકાશ હોય તેવો અવકાશ જીવનચરિત્રકારને મળતો નથી. જીવનચરિત્રકારને ચરિત્રનાયકના જીવનની સામગ્રીનો સંચય કરવા જેટલો શ્રમ કરવો પડે છે એટલો શ્રમ આત્મચરિત્રકારે કરવો પડતો નથી. જીવનચરિત્રકારે ચરિત્રનાયકના જીવન વિશેની માહિતી મેળવવા અન્ય વ્યક્તિઓ કે સામગ્રી (પત્ર,ડાયરી) પર આધાર રાખવો પડે છે. જયારે આત્મચરિત્રકારે તો માત્ર બાળપણનાં ચાર-પાંચ વર્ષોની માહિતી સ્વજનો પાસેથી મેળવવાની રહે છે. કારણકે એ ઉંમરે જે બન્યું તે બધું કંઈ યાદ હોતું નથી. આત્મચરિત્રકારમાં નિખાલસતા અને સત્યકથન માટેની હિંમત હોવી જરૂરી છે. તેમ જીવનચરિત્રકારે પણ ચરિત્રનાયકના જીવનની પ્રાપ્ત હકીકતોને ચકાસણી કર્યા બાદ સત્ય હકીકત જ રજૂ કરવાની હોય છે. આત્મચરિત્ર અને જીવનચરિત્ર બંને સ્વરૂપોમાં તેના સર્જકે નિરૂપણરીતિનો ખ્યાલ રાખી વ્યવહારુ ભાષાને સર્જનાત્મક રીતે પ્રયોજવાની છે તો જ આત્મચરિત્ર કે જીવનચરિત્ર સાહિત્યકૃતિ તરીકે આસ્વાદ્ય બને.

ડૉ. ઉપેન્દ્ર ર. ભટ્ટ જણાવે છે – “જીવનચરિત્ર અને આત્મચરિત્ર બંને સાહિત્યપ્રકારો માનસશાસ્ત્રની સમાન ભૂમિકા ઉપર જ અવલંબે છે. જીવનચરિત્રકાર ચરિત્રનાયકની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી તેમને પ્રેરનારી માનસિક પ્રક્રિયાઓનું અને તે પ્રવૃત્તિઓના મૂળભૂત હેતુઓનું અન્વેષણ કરે છે. આત્મચરિત્રકાર આંતરદર્શન કરે છે અને પોતાની ચિત્તપ્રવૃત્તિઓ અથવા તેમને પ્રેરનારી વૃત્તિઓ અને પ્રવૃત્તિની વિચારણા કરે છે. આમ, જીવનચરિત્રકાર બહિર્મુખ અને આત્મચરિત્રકાર અંતર્મુખ હોય છે.” [૨] પરંતુ ઘણીવાર આત્મકથાકારે આત્મલક્ષિતાને ત્યાગી જાતને કડક પરીક્ષામાંથી પસાર કરવી પડે છે. તો એ જ રીતે જીવનચરિત્રકારે ચરિત્રનાયક સાથે સમભાવ દાખવીને ન્યાય કરવાનો રહે.

જીવનચરિત્રકાર નાયકના જન્મથી મરણ સુધીની કથા જીવનચરિત્રમાં આવરી લે છે. જયારે આત્મચરિત્રકારે તો પોતે જ પોતાની કથા લખવાની હોવાથી મૃત્યુ સુધીનું સંપૂર્ણ જીવન આલેખવું શક્ય નથી. જીવનચરિત્ર અને આત્મચરિત્રમાં જે રીતે સમગ્ર જીવન આલેખન પામે છે એ રીતે અન્ય કોઈ સાહિત્ય સ્વરૂપમાં ભાગ્યે જ જોવા મળે.

જીવનચરિત્ર અને રેખાચિત્ર :

જીવનચરિત્રની જેમ રેખચિત્ર પણ પશ્ચિમમાંથી આવેલ સાહિત્યસ્વરૂપ છે. જીવનચરિત્ર અને રેખાચિત્ર વચ્ચેની મુખ્ય ભેદરેખા વ્યાપની છે. હિન્દી સાહિત્યકાર વિનયમોહન શર્મા જીવનચરિત્ર અને રેખાચિત્ર સ્વરૂપ વચ્ચેનું અંતર દર્શાવતા નોંધે છે –
“રેખાચિત્ર મેં જીવની કે સમાન ઘટનાઓં કા સંકલન, તિથિક્રમ નહીં હોતા. ઉસમેં ઘટનાઓં કા પૂર્ણ આકલન ભી નહીં હોતા. ઉસકે લિએ જીવન કી એક હી ઘટના પર્યાપ્ત હોતી હૈ, ક્યોંકિ વહ જીવન કી વિશેષતાઓં કી દ્યોતક રેખાઓં સે નિર્મિત હૈ.” [૩]

જીવનચરિત્રમાં ચરિત્રનાયકના જીવનને ક્રમાનુસાર રજૂ કરવાનું હોય છે, પણ રેખાચિત્રમાં ઘટનાઓને ક્રમબદ્ધ રજૂ કરવાની જરૂર નથી. જીવનચરિત્રમાં ચરિત્રનાયકના જીવનની ઘણી બધી ઘટનાઓ જેમ કે, સફળતા-નિષ્ફળતા, તેણે કરેલા સંઘર્ષ, તેની ખૂબીઓ, મર્યાદાઓ, અન્ય વ્યક્તિ સાથેના તેના સંબંધો વગેરે હકીકતોનું આલેખન થતું હોય છે, પણ રેખાચિત્રમાં તો લાઘવતાપૂર્વક ચરિત્રનાયકના જીવનની એકાદ-બે ઘટનાઓ એ વ્યક્તિની છબી ઉપસાવવા પૂરતી છે.

મણિલાલ હ. પટેલ નોંધે છે કે – “જીવનકથા-આત્મકથાકારની જેમ રેખાચિત્રકાર પાસે પણ પ્રમાણભૂત, તટસ્થ અને જીવનની બધી બાજુઓનું સચ્ચાઈપૂર્ણ આલેખન કરે એવી અપેક્ષા રહે છે.” [૪]

જીવનચરિત્રનો નાયક મનુષ્યસૃષ્ટિમાંથી જ કોઈક હોય પણ રેખાચિત્ર તો મનુષ્યેતર સૃષ્ટિના પાત્રો કે નિર્જીવ પદાર્થોના પણ હોઈ શકે. આછી રેખાઓ વડે ચિત્ર ઊપસાવી શકાય તેમ ઓછામાં ઓછા શબ્દોથી વ્યક્તિની છબી ઊપસાવી શકાય તે માટે ચિત્રાત્મક શૈલીનો વિનિયોગ વધુ અસરકારક નીવડે છે, કારણ કે રેખાચિત્રનું સ્વરૂપ ચિત્રણપ્રધાન હોય છે. જ્યારે જીવનચરિત્રનું સ્વરૂપ ખાસ કરીને વર્ણનપ્રધાન હોવાથી તેમાં પ્રવાહી શૈલી વધુ ઉપયોગી પુરવાર થાય છે.

જીવનચરિત્ર અને રેખાચિત્ર બંને સ્વરૂપો પરલક્ષી સાહિત્યસ્વરૂપો છે. બંનેમાં ચરિત્રકાર અને ચરિત્રનાયક જુદી જુદી વ્યક્તિઓ છે. બંને સ્વરૂપોના ઉદભવ પાછળ વ્યક્તિપૂજા, વીરપૂજા, આદરભાવ, સ્વજનો પ્રત્યેનો સ્નેહ કારણરૂપ રહ્યો છે. છતાં એ નોંધવું જોઈએ કે જીવનચરિત્રકારે એવી જ વ્યક્તિનું ચરિત્ર આલેખવાનું છે જે સમાજ માટે આદર્શરૂપ બને, કપરા સંજોગોમાં પણ જીવનને હિમ્મતથી જીવવાની પ્રેરણા આપે. જ્યારે રેખાચિત્રમાં જરૂરી નથી કે તેમાં આલેખાયેલ ચરિત્ર પ્રેરણારૂપ બને જ.

જીવનચરિત્રનું ફલક વિસ્તૃત હોવાથી તેના સર્જકે ચરિત્રનાયકના જીવન વિશેની બધી માહિતી એકત્રિત કરી, તેમાંથી જરૂરી માહિતીનું ચયન કરી તેને ચકાસવાની કસોટીમાંથી પસાર થવું પડે છે. જ્યારે રેખાચિત્રકારે મર્યાદિત ફલક પર ઓછામાં ઓછા શબ્દો વડે રેખાચિત્ર સર્જવાની કસોટીએ ચડવું પડે છે.

જીવનચરિત્ર અને સંસ્મરણ :

જીવનચરિત્રનો લેખક અને નાયક બે જુદી વ્યક્તિ છે, જ્યારે સંસ્મરણમાં બંને વ્યક્તિ એક જ છે. સંસ્મરણમાં ‘સ્વ’ની ભાવના વ્યાપક રૂપે વિહરતી જોવા મળે છે. સંસ્મરણનો લેખક પોતાના જીવનમાં ઘણી વ્યક્તિઓ સાથે થયેલા પ્રિય-અપ્રિય વ્યવહારો આલેખવાનું ટાળી શકે, પરંતુ જીવનચરિત્રકાર એમ કરી શકતો નથી. તેણે તો ચરિત્રનાયકનું યથાતથ વ્યક્તિત્વ તેના ગુણ-દોષ સહિત સમાજ સામે મૂકી આપવાનું હોય છે. ચરિત્રનાયકના જીવનની વિગતો કોઈપણ પક્ષપાત વગર તટસ્થતાથી આલેખવાની હોય છે. જ્યારે સંસ્મરણમાં સર્જક પોતાની સ્મૃતિશક્તિને સહારે લખતો હોય અને સંસ્મરણો મૃત વ્યક્તિ સાથેના હોય તો તટસ્થતા ક્યારેક જોખમાઈ પણ શકે. કારણ કે એ વ્યક્તિના મૃત્યુ બાદ અપ્રિય લાગતી બાબતોને લેખક લખવાનું માંડી પણ વાળે, બીજું કે પોતાની છાપ સારી પાડવા માટે પોતાની નિર્બળતાઓને છુપાવીને વ્યક્ત થાય એમ પણ બને. સંસ્મરણ કેવળ અતીતનું જ હોઈ શકે પણ જીવનચરિત્રમાં ચરિત્રનાયક જો હયાત હોય તો એમાં વર્તમાન સમય પણ આલેખાય.

જીવનચરિત્રમાં અન્ય વ્યક્તિના જીવનની વિગતોનું પ્રમાણભૂત રીતે આલેખન થતું હોય છે, જ્યારે સંસ્મરણમાં લેખક કોઈ સામાન્ય કે અસામાન્ય વ્યક્તિ અથવા ચોક્કસ ઘટના કે સ્થળ-કાળને સંબંધિત સ્મૃતિનું આલેખન કરે છે. જીવનચરિત્રમાં ચરિત્રનાયકના જીવનની કથા મહત્વ ધરાવે છે, જ્યારે સંસ્મરણમાં લેખકના સંસ્મરણનું જ મહત્વ હોય છે.

જીવનચરિત્ર અને પત્ર :

પત્રમાં લેખકના અંગત ભાવો, આસપાસની કોઈ ઘટના કે તેના વિશેના પોતાના વિચારો પ્રગટ થતાં હોય છે. આવા પત્રો જીવનચરિત્ર માટે પ્રમાણભૂત સામગ્રી તરીકે મૂલ્યવાન નીવડે છે, તેમાંથી લેખકનું વ્યક્તિત્વ ઉપસી આવે છે તેમજ દસ્તાવેજી ઘટનાઓની જાણકારી પ્રાપ્ત થાય છે. જીવનચરિત્ર લખવા માટે તેના લેખક પાસે પરિશ્રમ, સતેજ સ્મૃતિશક્તિ અને દીર્ઘ ચિંતનશક્તિની અપેક્ષા રહે છે, જ્યારે પત્ર લખનાર માટે સુસ્પષ્ટ મનન, ચિંતન, વિશદ અને વેધક નિરૂપણ, ઊર્મિની ઉત્કટતા, શિષ્ટતાનો આગ્રહ તેમજ પત્ર વાંચનાર વ્યક્તિની રુચિનું જ્ઞાન હોય એ આવશ્યક છે.

લેખકે પત્રોમાં નિજ ભાવો-સંવેદનોને નિખાલસતાથી હૃદયને સ્પર્શી જાય એ રીતે રજૂ કરવાના હોય છે. આવા અંગત પત્રો લેખક નિકટતમ વ્યક્તિને જ લખે છે, જ્યારે જીવનચરિત્રકાર ચરિત્રનાયકના જીવનને સમાજમાં પ્રકાશિત કરવાના હેતુથી લખે છે.

જીવનચરિત્ર અને ડાયરી :

જીવનચરિત્રમાં ચરિત્રલેખક અને ચરિત્રનાયક બે જુદા છે, પણ ડાયરીમાં તો લેખક અને નાયક બંને એક જ છે. ડાયરીમાં તેનો લેખક રોજબરોજ બનતી મહત્વની કે સામાન્ય લગતી ઘટનાઓની નોંધ કરતો હોય છે, જ્યારે જીવનચરિત્રમાં ચરિત્રલેખક ચરિત્રનાયકના જીવનસંબંધિત મહત્વની ઘટનાઓ કે પ્રસંગોનું આસ્વાદ્ય બને એ રીતે નિરૂપણ કરે છે. ડાયરી માટે ગુજરાતીમાં ‘વાસરિકા’,‘રોજનીશી’ જેવા શબ્દો પ્રયોજાય છે. જયારે ‘જીવનચરિત્ર’ માટે ‘જન્મચરિત્ર’, ‘જીવનવૃતાંત’, ‘જીવનરંગ’, ‘જીવનકલા’, ‘જીવનકથા’ ઇત્યાદિ પર્યાયો મળે છે.

મફત ઓઝા જીવનચરિત્ર અને ડાયરી વચ્ચેના ભેદને દર્શાવતાં નોંધે છે - “જીવનચરિત્રનો લેખક અન્યના જીવનની કથા લઈને આવે છે. જ્યારે ડાયરીમાં લેખક પોતે પોતાના જીવનની માર્મિક ક્ષણોને ઝડપી વિશ્લેષણ કરે છે. જીવનચરિત્ર એ ક્યારેક ઇતિહાસ છે તો ડાયરી એ વિશૃંખલ ઘટનાઓનું સાચું તારણ છે. જીવનચરિત્રકાર એ સામગ્રીસંચયનો વિવેક કરી એને ઓપ આપે છે. જ્યારે ડાયરીનો લેખક દિનપ્રતિદિનની ઘટનાઓને ચકાસે છે.” [૫]

જીવનચરિત્રકાર જીવનચરિત્ર દ્વારા ચરિત્રનાયકના વ્યક્તિત્વને સમાજમાં પ્રકાશિત કરી આપે છે. જ્યારે ડાયરી માહિતીનો દસ્તાવેજ રાખી નિજાનંદ માટે લખાય છે. તેમાંથી લેખકના વિચારો પણ જાણી શકાય છે. આથી જ તો ડાયરી જીવનચરિત્રના લેખક માટે કાચી સામગ્રી રૂપે ઘણી ઉપયોગી નીવડે છે. ડાયરીમાં તેનો લેખક માત્ર પોતાની જાતને સ્પષ્ટીકરણ કરતાં પ્રસંગોનું આલેખન કરતો હોય છે. જ્યારે જીવનચરિત્રમાં ચરિત્રકારે પોતે અળગા રહી ચરિત્રનાયકના જીવનને જ આલેખવાનું છે.

પાદટીપ :::

  1. ‘રસ અને રુચિ’, લે. ધીરુભાઈ ઠાકર, પૃ. ૧૦૦
  2. ‘ચરિત્રસાહિત્ય સ્વરૂપ અને વિકાસ’, લે. ડૉ. ઉપેન્દ્ર ર. ભટ્ટ, પ્ર. આ. ૧૯૬૬, પૃ. ૨૯
  3. ‘હિન્દી ઔર મરાઠી કે રેખાચિત્રોં કા તુલનાત્મક અધ્યયન’, લે. સુરેશકુમાર જૈન, પૃ. ૨૩
  4. ‘રચનલોક’, લે. મણિલાલ હ. પટેલ, પ્ર. આ.. ૨૦૦૩, પૃ. ૧૭૩
  5. ‘ઉદઘોષ’, લે. મફત ઓઝા, પ્ર. આ. ૧૯૯૭, પૃ. ૮૦

બીના વીર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, માનવવિદ્યા ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ - ૩૮૮૧૨૦