Download this page in

ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે થયેલ સંશોધન – સંપાદનની કામગીરીની રૂપરેખા

મનુષ્યમાત્રનો સંબંધ કલા સાથે રહ્યો છે. સ્થાપત્યકલા, શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા, નૃત્યકલા અને સાહિત્યકલાના કેન્દ્રમાં માણસ છે. માનવજીવન છે. માનવીયમૂલ્યો અને માનવસમાજના વિવિધ પ્રકારના ભાવો કલાનો વિષય બને છે. જે તે સર્જક, કલાકાર પોતાની રસ-રુચિ અનુસાર કલાનું સર્જન કરે છે. તે પોતાની માન્યતા, ધારણા અને સમજદારી કલા નિમિત્ત પ્રગટ કરે છે. કલા માનવજાતિનું અભિન્ન અંગ છે. માણસ જન્મે ત્યારથી લઈને તે મૃત્યુ પામે ત્યાંસુધીમાં તેમણે અનેક કલાઓને પ્રમાણી લીધી હોય છે. જાણેઅજાણે તે અનેક કલાઓનો દીવાનો બની ચૂક્યો હોય છે. એકપણ કલામાં રસ-રુચિ ન હોય એવા માણસની કલ્પના કરવી મુશ્કેલ છે. અભણ, અજ્ઞાની, જંગલમાં વસવાટ કરતો મનેખ પણ કલાને પ્રમાણે છે. સર્જે છે અને સર્જન કરવા પ્રેરે છે. તેથી કલા વગરના મનુષ્યજીવનને કલ્પી શકાય નહીં.

વિવિધ કલાઓમાં સાહિત્યકલાને શ્રેષ્ઠ કલા તરીકે સ્વીકારવામાં આવી છે. સૂક્ષ્મ ઉપાદાનના કારણે સાહિત્યકલા અન્ય કલાઓથી શ્રેષ્ઠ સાબિત થઈ છે. એકાધિક વિષયોના કારણે સાહિત્યને જુદા જુદા ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. એમાં શિષ્ટસાહિત્ય, ચારણીસાહિત્ય, દલિતસાહિત્ય, નારીવાદીસાહિત્ય, આદિવાસી સાહિત્ય, ગ્રામીણસાહિત્ય, સંતસાહિત, લોકસાહિત્ય વગેરેને ગણાવી શકાય. અહીં લોકસાહિત્યને ચર્ચવાનો ઉપક્રમ છે. લોકોથી સર્જાયેલું અને લોકો માટે સર્જાયેલું સાહિત્ય એટલે લોકસાહિત્ય. લોકસાહિત્યનો લોકો સાથે સીધો સંબંધ છે. લોકસાહિત્ય લોકોમાંથી જન્મે છે. જ્યાં લોકો છે ત્યાં લોકસાહિત્ય છે. લોકસાહિત્યના મૂળિયાં ઘણાં ઊંડા છે. “ લોકસાહિત્યનો ઉદ્ગમ મનુષ્ય પોતાના વિચારો પથ્થર અને ઝાડની છાલ ઉપર આલેખરૂપે અથવા બીજી રીતે કોતરીને નોંધવા લાગ્યો તે પહેલાંનો છે. ‘લિખ’ ધાતુનો મૂળ અર્થ આવી કોતરણી કરવી, એવો થાય છે. ચિત્રકાર પણ આ અર્થમાં પોતાને ચિત્રનો ‘લેખક’ કહે છે. આમ લોકસાહિત્ય લિપિના યે ઉદ્ગમ પહેલાંનું છે, એમ કહીએ તો હરકત નથી. લોકજીવન અને લોકસાહિત્ય એ બેમાંથી કોનો જન્મ પહેલાં થયો હશે તે નક્કી કરવું અઘરું છે. કદાચ બંને સાથે અસ્તિત્વમાં આવ્યાં હોય.” [૧] (‘પ્રવેશ’માંથી) લોકસાહિત્ય મનુષ્યજાતિની ઉત્પત્તિ સાથે જ જોડાયેલું હોવાથી સહેજે પ્રશ્ન જન્મે કે, લોકસાહિત્ય એટલે શું ? લોકસાહિત્ય કોને કહી શકાય ? આ અને આ પ્રકારના સવાલોને લોકાહિત્યક્ષેત્રે પ્રદાન કરનાર લોકસાહિત્યકારોના શબ્દોમાં જ સમજવાનો પ્રયત્ન કરીએ.

* લોકસાહિત્ય એટલે શું ?

ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યક્ષેત્રે ઘણા અભ્યાસી વિદ્વાનોએ કામ કર્યું છે. અહીં આપણે ઝવેરચંદ મેઘાણી અને દુલેરાય કારાણીએ લોકસાહિત્યની આપેલી સમજણને સમજીએ.
“ લોકસાહિત્ય એટલે લોકકવિઓ દ્વારા અનાયાસે રચાઈ ગયેલું સાહિત્ય. વાંસનો અંકુર ધરતીનું પડ ફાડીને બહાર નીકળી આવે છે તેમ લોકસાહિત્યના શબ્દો લોકકવિના અંતર-પ્રદેશમાંથી આપમેળે બળ કરીને ફૂટી નીકળે છે. ” [૨] - દુલેરાય કારાણી

* લોકસાહિત્યની વ્યાપકતા :

લોકસાહિત્યનું ક્ષેત્ર ઘણું વિસ્તૃત છે. લોકસાહિત્યના કેન્દ્રમાં મનુષ્ય છે. તેથી મનુષ્યની દરેક પ્રવૃત્તિ લોકસાહિત્યનો ભાગ બને છે. ખાન-પાન, રહેણી- કરણી, વાર-તહેવાર, વેશભૂષા, ઉત્સવો વગેરે લોકસાહિત્યનો હિસ્સો છે. મનુષ્યજીવજીવનમાં આવતાં રહેતાં સુખ-દુ:ખ સાથે ગમા-અણગમા પણ લોકસાહિત્યનો વિષય બને છે. શ્રી જોરાવરર્સિહ જાદવ લોકસાહિત્યની વ્યાપકતાનો ખ્યાલ આપતા લખે છે. “ લોકસાહિત્ય એટલે લોકજીવનનો સ્મૃતિગ્રંથ. એ સ્મૃતિગ્રંથના સીમાડા નિર્બધ રીતે વિસ્તર્યા છે. લોકો જે શબ્દોમાં ગાય છે, હશે છે, રોવે છે અને રમે છે એ બધાંને લોકસાહિત્યમાં સમાવી શકાય. આમ, લોકસાહિત્યની વ્યાપકતા માનવના જન્મથી માંડીને મૃત્યુ સુધીની છે.” [૩]

લોકસાહિત્ય લોકોનાં વાણી-વર્તન અને વ્યવહારમાંથી જન્મ્યું છે. લોકસાહિત્યનો જન્મ ક્યારે થયો અને એનો કર્તા કોણ છે એ કહેવું ઘણું જ મુશ્કેલ કામ છે. લોકસાહિત્યનો કોઈ કર્તા હોતો નથી એવું ઘણાખરા અભ્યાસીઓનું માનવું છે. આ વાતને પણ અત્યારસુધી આપણે સ્વીકારીને ચાલ્યા છીએ પરંતુ ગુજરાતી ભાષાના જાણીતા વિદ્વાન કે. કા. શાસ્ત્રી કંઈક અલગ વાત કરે છે. તેમના મતે લોકસાહિત્યનો પણ કર્તા હોય છે. તેઓ લોકસાહિત્યના કર્તા સાથે લોકસાહિત્યની વ્યાપક્તા વિષયક પોતાનો મત સ્પષ્ટ કરતાં કહે છે, “ વૈદિક સંહિતાઓથી લઈ છેક પુરાણો – ઉપપુરાણો – જ્ઞાતિપુરાણો એ સંસ્કૃત સાહિત્યને પણ ‘લોકસાહિત્ય’માં ગણવાનો મેં અનુરોધ કર્યો છે. પરંતુ ઉપરની વ્યાખ્યા પણ અધૂરી લાગે છે. એવું પણ લોકસાહિત્ય મળે છે કે જેનો કોઈ એક નિશ્ચિત કર્તા પણ હોય; અને છતાં એ માત્ર લોકોની જીભે જ વ્યાપક્તા ધારણ કરી રહ્યું હોય. હું આમાં માંધ્ય્કાલના રાસ-ફાગુ- આખ્યાન પ્રબંધો જેવાનો સમાવેશ કરવાના મતનો સર્વથા નથી, પરંતુ કેટલાંક ગીતો – ભજનો – જોડકણાં જે તે કર્તાની રચનાઓ હોય, અરે એ રચના ગ્રંથસ્થ પણ કદાચ થઈ હોય છતાં પણ એ લોકસાહિત્ય છે.” [૪]

* લોકસાહિત્યના પ્રકારો :

વ્યાપક્તા અને વિષયસમૃદ્ધિને કારણે લોકસાહિત્યને વિવિધ પ્રકારોમાં વહેંચવામાં આવ્યું છે. ડૉ. કે. ડી. ઉપાધ્યાયે લોકસાહિત્યને પાંચ પ્રકારોમાં વર્ગીકૃત કર્યું છે.
૧. લોકગીતો
૨. ગીતકથાઓ
૩. લોકકથાઓ
૪. લોકનાટ્ય – ભવાઈના વેશો
૫. લોકકહેવતો, જોડકણાં, લોકોક્તિઓ વગરે [૫]

* લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિનો સંબંધ :

લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ વચ્ચે પાયાનો ભેદ છે. લોકસાહિત્ય એ લોકસંસ્કૃતિનો એક અંશ છે. લોકસંસ્કૃતિ વિશાળ ફલક પર પથરાયેલ છે. લોકસંસ્કૃતિનું ક્ષેત્ર અમર્યાદિત છે. એની તુલનાએ લોકસાહિત્ય પ્રમાણમાં સાંકડું છે. એમ છતાં બંને વચ્ચેનો સંબંધ ગાઢ છે. લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતા લખે છે : “ લોકસંસ્કૃતિ એ આદિમાનવની મનોવૈજ્ઞાનિક અભિવ્યક્તિ છે. તેમાં પ્રચલિત ધર્મ, લોકવિશ્વાસ, શ્રદ્ધા – અંધશ્રદ્ધા, રીતરિવાજો, વાર્તાઓ, ગીતો, ભૂતપ્રેતની કલ્પનાઓ, વશીકરણ, તાવીજ, ભાગ્ય, શુકન, રોગ, મૃત્યુ, ઉત્સવો, તહેવારો, યુદ્ધ, હથિયારો, પશુપાલન, ખેતી ઉપરાંત લોકોએ ભૌતિક રીતે અને માનસિક રીતે જે કઈ કંઈ મેળવ્યું છે તે બધું જ આવી જાય. બીજી રીતે કહીએ તો લોકસાહિત્ય એ લોકસંસ્કૃતિનો એકમાત્ર ભાગ છે. લોકસંસ્કૃતિને જો વિશાળ વડલાની ઉપમા આપીએ તો લોકસાહિત્યને તેની એક નાનકડી શાખા કહી શકાય. લોકસંસ્કૃતિનું ક્ષેત્ર વિસ્તૃત છે. જ્યારે લોકસાહિત્યનું ક્ષેત્ર પ્રમાણમાં સાંકડું છે. લોકસંસ્કૃતિ માનવજીવનના તમામ પાસાંને સ્પર્શે છે, જયારે લોકસાહિત્ય, લોકગીતો, લોકકથાઓ, કહેવતો અને લોકનાટ્ય પૂરતું સીમિત રહે છે. તેમ છતાં લોકકથાઓ લોકસંસ્કૃતિના અભ્યાસનું મહત્વનું અંગ છે એ ન ભૂલવું જોઈએ.” [૬]

* ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે થયેલું સંશોધન – સંપાદન :

સાહિત્યિક સંશોધનના ક્ષેત્રે લોકસાહિત્ય સંશોધનનું ક્ષેત્ર વિશિષ્ટ છે. કારણ કે તેના સંશોધકને ક્ષેત્રકાર્ય વિના ચાલી શકે નહીં. અર્થાત લોકસાહિત્યના સંશોધક – સંપાદકને ક્ષેત્રકાર્ય અનિવાર્ય જ નહીં આવશ્યક પણ થઈ પડે છે. લોકોમાં રહેલ કંઠોપકંઠ સાહિત્યને ગ્રંથસ્થ કરવા માટે તે લોકોને મળવું પડતું હોય છે. આ માટે તેનો સંશોધક પણ સજ્જ અને વિશિષ્ટ હોવો જોઈએ.

અર્વાચીનકાળમાં અંગ્રેજોના કારણે આપણામાં ધરબાયેલા સાહિત્યને છૂટો દોર મળે છે. સાહિત્યના અનેક સ્વરૂપો, વિષયો ઉપરાંત સંશોધન – સંપાદન જેવી પ્રવૃત્તિઓ પણ આ જ સમયમાં વિકસે છે. વિદેશી વિદ્વાનોને આપણા સાહિત્યે આકર્ષ્યા. પરિણામે ફાર્બસ જેવાએ શ્રી દલપતરામ સાથે મળીને ‘રાસમાળા’નું સંપાદન કર્યું ત્યાંરથી લોકસાહિત્યના સંશોધનકાર્યનો આરંભ ગણાવી શકાય.

લોકસાહિત્યના સંશોધનમાં અનેક સાહિત્યકારો, સંશોધકોએ ફાળો આપ્યો છે. જે નીચે મુજબ છે.

શ્રી ફાર્બસસાહેબ :

ઈ. સ. ૧૮૪૮માં એલેકઝાન્ડર ફાર્બસ નામના અંગ્રેજ અમલદારે ભોળાનાથ સારાભાઈની મદદથી દલપતરામને શિક્ષક તરીકે રોકીને ગુજરાતના ઇતિહાસનું સંશોધન આરંભ્યું. તેમાં દલપતરામ ઉપરાંત અનેક ચારણ, બારોટ વગેરેની મદદથી ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રચલિત લોકવાર્તાઓ અને ઐતિહાસિક કથાઓનો સંગ્રહ ‘રાસમાળા’ નામે પ્રગટ કર્યો હતો. તે સંગ્રહ પ્રથમવાર લંડનથી પ્રગટ થયો હતો. તેનો ગુજરાતી અનુવાદ ‘રાસમાળા’ના નામે શ્રી રણછોડ ઉદયરામે ઈ. સ. ૧૮૬૯માં પ્રગટ કર્યો. આ બૃહદકાય ગ્રંથમાં ગુજરાતની પ્રચલિત અનેક લોકકથાઓ સંગ્રહાયેલી છે. ‘રાસમાળા’ના બીજા ભાગના ચોથા વિભાગમાંના દસમાં પ્રકરણમાં ગુજરાતના લોકજીવન, લોકસંસ્કૃતિના વિવિધ પાસાં રજૂ થયાં છે. તદુપરાંત ‘રાસમાળા’માં જયદેવ પરમાર, રા’ખેંગાર, રાણકદેવી વગેરે દંતકથાઓ પણ રજૂ થઈ છે. આમ, લોકસાહિત્યના ક્ષેત્રે સંશોધક તરીકે તેમનું અમૂલ્ય પ્રદાન છે.

ફ. બ. માસ્ટર :

ફ. બ. માસ્ટર અંગ્રેજ હોવા છતાં આપણા સાહિત્યમાં રસ લઈને ખાસ કરીને લોકસાહિત્યના ક્ષેત્રે તેમણે મહત્વનું કાર્ય કર્યું છે. તેમણે ‘ઈન્ડિયન એન્ટિક્વેરી’નો ‘Folk Lare’નો પ્રથમ ‘રજવાડાની કથા’ અને ‘ગુજરાત તથા કાઠિયાવાડ દેશની વાર્તા - ભાગ -૩’માં કરે છે. લોકસાહિત્યક્ષેત્રે તેમનું મહત્વનું પ્રદાન કચ્છની વાર્તાઓ છે. તેમણે કચ્છના ગામડે ગામડે ફરી, કચ્છની વાર્તાઓનું સંશોધન –સંપાદન કરી ‘રજવાડાની કથા’ લોકવાર્તા સંગ્રહ આપ્યો છે.

શોરાબજી ફોરમજી ચીકન :

ગુજરાતી લોકસાહિત્યના ક્ષેત્રમાં જેમ ફાર્બસ જેવા અંગ્રેજોનો ફાળો છે તેમ અનેક પારસી લેખકોનો પણ મહત્વનો ફાળો છે. તેમાં શોરાબજી ચીકન જાણીતા છે. તેમણે ચારેક જેટલા સંગ્રહો પ્રગટ કર્યા હતા. તેમાં ‘રમૂજી ગરબાવલી’, ‘રમૂજી ગરબાઓની ચોપડી’, ‘રમૂજી ગરબાઓની નવી ચોપડી’ અને ‘હિન્દુઓના રાસ ગાવાની ચોપડી’ને ગણાવી શકાય. તદુપરાંત તેમણે લગ્ન સમયે બેઠા બેઠા ગાવાના ગીતોનો સંગ્રહ પણ પ્રગટ કર્યો છે. જેમાં ઘણાં લગ્નગીતો સંગ્રહાયેલાં છે.

બમનજી પટેલ :

બીજા પારસી સર્જક બમનજી પટેલનો પણ લોકસાહિત્યક્ષેત્રે નોંધપાત્ર ફાળો છે. તેમણે ‘ગુજરાત કાઠિયાવાડ દેશીની વારતા’ના ત્રણ ભાગો પ્રગટ કર્યા હતા. તેમાં સૌરાષ્ટ્ર – ગુજરાતમાં પ્રચલિત અનેક લોકકથાઓ સંગ્રહાયેલી છે.

ઝવેરચંદ મેઘાણી :

સમગ્ર ગુજરાત જેને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખે છે એવા શ્રી ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્યના સંશોધન – સંપાદનમાં સૌથી મહત્વપૂર્ણ કામ કર્યું છે. ફાર્બસથી શરૂ કરેલા લોકસાહિત્યના સંશોધનનું કાર્ય મેઘાણી વડે પરાકાષ્ઠાએ પહોંચે છે. લોકસાહિત્ય વિષયક આટલું વિશાળ અને અમૂલ્ય પ્રદાન શ્રી ઝવેરચંદ મેઘાણી સિવાય કોઈએ કર્યું નથી. મેઘાણીની પહેલાં રણજીતરામ મહેતાએ ‘લોકગીત’નો સંગ્રહ કરીને આ કાર્યના શ્રી ગણેશ કર્યા હતા. જેને મેઘાણીએ વટવૃક્ષ બનાવી દીધું.

શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ગામડે ગામડે, નેસડે નેસડે ફરીને લુપ્ત થઈ જતાં ગુજરાતના ઉત્તમ વારસાને સંગ્રહિત કરી પિતૃકર્મ કર્યું છે. તેમણે ‘ડોસીમાની વાતો’, ‘દાદાની વાતો’, ‘સૌરાષ્ટ્રની રસધાર ભાગ – ૧ થી ૫’, ‘સોરઠી બહારવટિયા ભાગ – ૧ થી ૩’, ‘કંકાવટી ભાગ – ૧ થી ૨’, ‘સોરઠી ગીતકથાઓ’, ‘સોરઠી સંતવાણી’, ‘રંગ છે બારોટ’, ‘રઢિયાળી રાત ભાગ – ૧ થી ૪’ અને ‘સોરઠી દુહા’ વગેરે ગ્રંથોનું સંશોધન –સંપદાન કર્યું છે. અંત:પ્રેરણાથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કરેલું આ કાર્ય તેમના સાક્ષર જીવનની સિદ્ધિરૂપ છે. સૌરાષ્ટ્રના ખમીરવંતા ઇતિહાસને અને તેની પ્રજાના બળવાન વ્યક્તિત્વને પુન:જીવીત કરવાનું શ્રેય તેમેને ફાળે જાય છે. તેમણે ખૂબ મહેનત કરીને અનેક ગીતો અને ભજનોના પાઠ બેસાડ્યા છે. સંખ્યાબદ્ધ વાર્તા અને દંતકથાઓની પ્રમાણભૂતતા પણ ચકાસી હતી. કોઈ એકાદ સંસ્થ ન કરી શકે એવું કાર્ય એકલે હાથે કરનાર આ અભ્યાસી સાહિત્યકારે તેમના જીવનના અનેક વર્ષો આ કાર્ય માટે આપ્યાં છે. લોકસાહિત્યનું શાસ્ત્રીય સંશોધન કરીને એ દિશામાં ઉચ્ચ પ્રણાલિકા સ્થાપી આપી. પહાડના બલકે લોકસાહિત્યક્ષેત્રે કરેલાં આ મૂલ્યવાન પ્રદાનને પોંખતા શ્રી દિનેશ કોઠારી લખે છે : “ અર્વાચીન યુગના આરંભકાળથી જ લોકસાહિત્યના પડ ઉકલતાં આવતાં હતાં. છતાંય સાચા આરંભકાર તો મેઘાણી જ ગણવાને પાત્ર છે કારણ કે તેમના પુરોગામીઓનું મૂળભૂત કાર્યક્ષેત્ર લોકસાહિત્ય ન હતું, કેટલાક તો શિષ્ટસાહિત્ય તરફથી યથાવકાશ લોકસાહિત્ય તરફ વળ્યા હતા, જયારે મેઘાણીનું મૂળભૂત કાર્યક્ષેત્ર જ લોકસાહિત્ય છે. લોકસાહિત્ય જ તેમને આંગળી ઝાલીને શિષ્ટસાહિત્ય તરફ દોરી જાય છે. તેમના પુરોગામીઓની જેમ તે સાહિત્યની એકાદ શાખા પર અછડતી નજર ફેરવવાને બદલે તેની શાખા – પ્રશાખાઓને ફંફોસી વળે છે. મેઘાણીએ અપૂર્વ લગન અને ધગશથી લોકસાહિત્યના સંશોધનને પોતાની સર્વ શક્તિ અર્પણ કરી દીધી. એટલે જ તો આજેય આપણને મેઘાણી અને લોકસાહિત્ય જાણે કે અભિન્ન લાગે છે.”૭ લોકસાહિત્યના સંશોધક તરીકે શ્રી ઝવેરચંદ મેઘાણીની સેવા વર્ષો સુધી યાદ રહેશે.

પુષ્કર ચંદરવાકર :

અમદાવાદ જીલ્લાના ભાલવિસ્તારના ચંદરવા ગામે જન્મેલા પુષ્કરભાઈ ગુજરાતીના અધ્યાપક હતા. તેમણે ગુજરાતી સાહિત્યમાં નવલકથા, એકાંકી, વાર્તાસંગ્રહ વગેરે ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપી છે. લોકસાહિત્યના સંશોધન-સંપાદનક્ષેત્રે પણ તેમનું પ્રદાન મહત્વનું રહ્યું છે. લોકસાહિત્યના સંશોધન – સંપાદનની કામગીરીને આગળ લઈ જવામાં તેમણે ખૂબ પુરુષાર્થ કર્યો છે. લોકકથા અને લોકગીતનાં સંપાદનો તેમણે આપ્યાં છે. લોકવાર્તામાં તેમણે ‘સોપ્યા તુજને શીશ’, ‘સોનાની ઝાળ’, ‘ઓખા મંડળની લોકકથાઓ’, ‘બહારવટિયા ફોજદાર’, ‘ખેતરના ખેડૂ’, લોકગીતોમાં ‘નવો હલકો’, ‘ચંદર ઉગ્યે ચાલવું’, ‘વાગે રૂડી વાંસળી’, ‘પ્રીતના પાવા’, ‘ચૂડ વિજોગણ’ જેવા ગ્રંથો આપ્યા છે. ગઢવાલી લોકગીતોનો સંચય તથા કાશ્મીર, પંજાબ, આસામ, બિહાર, રાજસ્થાન, આંધ્રપ્રદેશ વગેરે પ્રદેશોના લોકગીતોનો સંચય ‘ઓલ્યા કાંઠાના અમે પંખીડાં’ નામે આપ્યો છે. તેણે વર્ષો સુધી રાજકોટમાં લોકસંસ્કૃતિ અને ચારણી વિભાગમાં સેવા બજાવીને લોકસાહિત્યના સંશોધન – સંપાદનનું કાર્ય કર્યું છે.

પુષ્કરભાઈના ખંત અને ચીવટ તેમને લોકસાહિત્યના અભ્યાસ કરતાં કરતાં પઢાર પ્રજાના સંશોધન તરફ ખેંચી જાય છે. પરિણામસવરૂપ ‘પઢાર : એક અધ્યયન’ મળે છે. લોકવિદ્યા અને લોકવાંડમયનું અધ્યયન કરતા એમના અન્ય પુસ્તકોમાં ભીલ, પઢાર, છારા, ઠાકરડા લોકોમાં ગવાતાં નૃત્યગીતો, નાટ્યગીતો, મરશિયાં, રાજિયા અને પદ, ભજન જેવી સામગ્રીનું સંપાદન ‘નવો હલકો’ અને પૌરાણિક – ઐતિહાસિક ક્થાઘટકો ઉપર આધારિત રાસડા, ગરબા અને લોકગીતોની પચ્ચીચ રચનાઓ ધરાવતું ‘ચંદર ઉગ્યે ચાલવું’, ‘વાગે રૂડી વાંસળી’ વગેરે મળે છે. તેમણે માત્ર ગુજરાતમાં જ નહીં, ગુજરાત બહારના લોકસાહિત્યનો અભ્યાસ કર્યો છે. લોકસાહિત્ય સંશોધનની વિચારસરણી, વૈજ્ઞાનિકતા, શાસ્ત્રીયતા વગેરે પુષ્કરભાઈ પાસે છે. તેથી આજના જમાનામાં લોકસંસ્કૃતિનો કેવો મહિમા છે તેની છણાવટ સુંદર રીતે કરે છે. તેથી મેઘાણી કરતાં તેઓ વધુ જાગૃત સંશોધક છે એમ કહી શકાય.

જીવરામ અજરામર ગોર :

લોકસાહિત્યના સંશોધક-સંપાદક તરીકે શ્રી જીવરામ અજરામર ગોરનું પણ નોંધપાત્ર પ્રદાન છે. તેમણે ‘કચ્છ ભૂપતિ’, ‘કચ્છની જૂની વાર્તાઓ’, ‘કાવ્ય કળાધર’, ‘દાદાભાઈ સ્ત્રોત્ર’, ‘પ્રેમ પંચોતરી’, ‘ભગવત પિંગળ’, ‘મોજદીન મહેતાબ’, ‘વાર્તાવિનોદ’, ‘વિદુર નીતિ’, ‘કાન્તાર કન્યા’ જેવા ગ્રંથો તેમણે આપ્યા છે. ‘વાર્તાવિનોદ’ એ તેમનો ધ્યાનપાત્ર લોકવાર્તા સંગ્રહ છે. જેની સાથે ‘લાખો ફૂલાણી’ નામની વાર્તા પણ ગ્રથસ્થ થાય છે. આ ઉપરાંત ઊઢો – હોથલની પ્રેમકહાણી ૧૯૦૩માં પ્રગટ કરે છે. જેમાં ઐતિહાસિક વાર્તાની ચર્ચા કરી સામગ્રી આપનારના નામ, દુહાના પાઠાંતરો પણ આપે છે. પાદટીપ પણ મૂકે છે. પ્રેમની દ્યોતક એવી વાર્તા ‘સિમા ચારણીનું પરાક્રમ’માં સંખ્યાબદ્ધ દોહાઓ સાથે વાર્તા આપી છે. આમ, જીવરામ ગોર અજરામર ગોરે લોકસાહિત્યક્ષેત્રે પ્રશસ્થ કાર્ય કર્યું છે. તેથી કહી શકાય કે, “ વાર્તાની માંડણી, મૂળ તળપદી ભાષા, એમાંનાં વર્ણનો ને પદ્ય, એ બધી દૃષ્ટિએ જીવરામના સંગ્રહો નોંધપાત્ર છે.” [૮]

ગોકલદાસ રાયચૂરા :

સોરઠના ભાલગામમાં લોહાણા જ્ઞાતિમાં જન્મેલા શ્રી રાયચૂરા લોકસાહિત્યના પુનરુદ્ધારક અને પ્રચારક હતા. આમ તો તેઓ મુંબઈ શેરબજાર સાથે સંકળાયેલા હતા. પણ સાહિત્યશોખને કારણે સાહિત્ય અને લોકસાહિત્ય તરફ વળે છે. બત્રીસમાં વર્ષે સાહિત્યને શરણે આવનાર આ સર્જક સંપાદક લોકસાહિત્યના અનેક સંપાદનો આપે છે. તેમાં ‘રાયચૂરાની રસીલી વાતો’, ‘કાઠિયાવાડની લોકવાર્તાઓ’, ‘વ્યાસજીની વાર્તાઓ’, ‘સોરઠી વિરાંગનાની વાર્તાઓ’, ‘દાલચીવડાની દસ વાર્તાઓ’, ‘પારેવા દુહાની રમઝટ’ વગેરે તેમના મહત્વનાં સંપાદનો છે. લોકસાહિત્ય તરફ જાગેલા આકર્ષણથી અભિપ્રેત થઈ કાઠિયાવાડની લોકવાર્તાઓના તેઓ વિવિધ ભાતના સંપાદનો કરે છે. સોરઠમાં લોકવાર્તાનો જે ભંડાર છે તેને બહાર લાવવાનું પોતાનું કર્તવ્ય ગણી પ્રગટ કર્યો છે. ‘દુહાની રમઝટ’માં તેઓ એક જ પ્રકારના દુહા ચૂંટીને મૂકે છે. આમ, લોકસાહિત્યના સંશોધક – સંપાદક તરીકે શ્રી રાયચૂરા ઉલ્લેખનીય છે.

મનુભાઈ જોધાણી :

મનુભાઈ જોધાણીએ પણ લોકસાહિત્યક્ષેત્રે સંશોધન-સંપાદન કરી ગુજરાતી ભાષાની સેવા કરી છે. તેમણે ‘રાંદલનાં ગીતો’, ‘જનપદ’ અને ‘સુંદરીઓના શણગાર’માં તેમણે સ્ત્રીઓને આદર્શરૂપ એવી ૨૧ લોકકથાઓ સંગ્રહી છે. તેમના મતે લોકસાહિત્ય લોકજીવનની આગવી સંપત્તિ છે. આગવી ઓળખ છે. લોકસાહિત્યનું મહત્વ દર્શાવતા ‘લોકગુર્જરી’ના અધ્યક્ષસ્થાનેથી તેઓ લખે છે : “ લોકહૈયાંના ધબકાર અને ઊર્મિઓના તાલે તાલે સર્જાયેલ, દુશ્મની અને દિલાવરી, ખુમારી અને વિરતા, ખાનદાની અને ખુટલાઈ, દયા, દાન અને ઉદારતા, વેર અને વહાલ, રાગ અને ત્યાગની, કસુંબલ વાતોથી રંગાયેલું લોકસાહિત્ય એ લોકજીવનની આગવી મૂડી છે.” [૯]

દુલેરાય કારાણી :

મુંદ્રા (કચ્છ)માં જન્મેલા દુલેરાય કારાણી કચ્છના મેઘાણી તરીકે ઓળખાય છે. વ્યવસાયના કારણે કચ્છના ગ્રામપ્રદેશોમાં પ્રવાસ કરવાની મળેલી સુવિધાનો ઉપયોગ એમણે સંત – ભક્તકથાઓ તથા ભજનો, છંદ, પિરોલી, ઉખાણા, કચ્છી કહેવતો, કાફીઓ એમ અનેક પ્રકારનું લોકસાહિત્ય એકત્ર કરવામાં કર્યો છે. કચ્છી લોકસાહિત્યના ક્ષેત્રે અનેક પ્રકારના સંશોધનો – સંપાદનો કરીને તેમ જ તેના ડુંગરા, ગુફાઓ, વનસ્પતિ, નદીઓ અને રણનો પણ લોકોને પરિચય કરાવ્યો છે. તેમણે ‘કચ્છની રસધાર ભાગ – ૧ થી ૪’માં સંગ્રહિત લોકસાહિત્ય આધારિત વીર અને અદ્ભૂત રસની વાર્તાઓ આપી છે. ત્યારબાદ કચ્છી ઉખાણાનું સંપાદન ‘કચ્છ પિરોલી’ તથા ‘કચ્છની કહેવત કથાઓ’, ‘કચ્છનું વિવિધલક્ષી લોકસાહિત્ય’ વગેરે લોકસાહિત્યનાં સંશોધન – સંપાદન મળે છે. કચ્છપ્રદેનું કેટલુંક લોકસાહિત લુપ્ત થઈ ગયું છે ને કેટલુંક કેટલાક પાયાના પ્રયાસોથી બચી ગયું છે. આ સંદર્ભે એક જગ્યાએ તેઓ લખે છે : “ કચ્છનું ઘણું લોકસાહિત્ય આજે લુપ્ત થઈ ગયું છે, કારણ કે કચ્છડો આજ લગી એકલો અટૂલો હોવાથી ભાગ્યે જ એના સાહિત્ય તરફ કોઈની દૃષ્ટિ જતી. પરંતુ હવે તો નવો યુગ આવ્યો, યુગ પલટો થઈ ગયો, ભારત ભૂમિ આઝાદ થઈ અને અલગ પડી રહેલો કચ્છડો ભારતમાતાની ગોદમાં આવી ગયા. કાળના પ્રવાહમાંથી વહી જતાં બચી ગયેલું લોકસાહિત્ય પણ હવે ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ તરફથી પ્રગટ થતું રહે છે, એ કચ્છનાં અહોભાગ્ય છે.” [૧૦]

પ્રેમજીભાઈ પટેલ :

સાબરકાંઠામાં આવેલ તલોદ તાલુકાના વતની ડૉ. પ્રેમજીભાઈ પટેલ તલોદની આજુબાજુ પથરાયને પડેલાં ગામડાઓને ખૂંદીને ગ્રામીણ સમાજની લોકવાર્તા, તેમની માન્યતાઓ, રબારી, વાઘરી, ઠાકોર જેવા સમાજોમાં થતી જાતરા, તેમાં ગવાતી રોડી વગેરે ગ્રંથસ્થ કરીને લોકસાહિત્યનાં પુસ્તકો લોકજણસ, ચૌદલોક, ત્રેપનમી બારી વગેરે આપ્યાં છે.

જોરાવરસિંહ જાદવ :

શ્રી જોરાવરસિંહ જાદવે ધરતી ઉપર કાળના કેડે પડેલાં પગલાં ઉપરથી થરને આઘા ખસેડીને ગ્રામજનોમાં રહેલા મહાપ્રાણનો પરિચય કરાવ્યો છે. તેમણે ‘મરદ કસુંબલ રંગ ચડે’, ‘સજે ધરતી શણગાર’, ‘મરદાઈ માથા સાટે ભાગ – ૧-૨-૩’ વગેરે લોકકથાઓ આપી છે. ‘લોકજીવનનાં મોતી’, ‘ગુજરાતની લોકસંસ્કૃતિ’ વગેરે લોકસંસ્કૃતિનાં પુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત ‘રાજપૂત કથાઓ’, ‘સિંધુ રાગ સોહામણા’, ‘ભાલપ્રદેશની લોકકથાઓ’, ‘આપણા કસબીઓ’, ‘ટહુકે સાજણ સાંભરે’, ‘સાજણ આયા, હે સખિ’, ‘લોકસાહિત્યની નાગકથાઓ’, ‘લોકસાહિત્યની અશ્વકથાઓ’, ‘લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ’, ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’ વગેરે પુસ્તકો લખ્યાં છે. શ્રી જાદવસાહેબની આ સિદ્ધિને બિરદાવતા કાલિદાસ સોલંકી ‘લોકસાહિત્યના ઉપવનમાં ટહૂકતો કળાયેલ મોરલો’ શીર્ષકતળે નોંધે છે : “ શ્રી જોરાવરસિંહ જાદવ તો લોકસાહિત્યના ઉપવનનો કળાયેલ મોરલો છે. કોઈ જોગંદર ધૂણી ધખાવીને અલખની આરાધના કરે એમ એમણે લોકસાહિત્યના ક્ષેત્રે ધૂણી ધખાવી છે. આ ક્ષેત્રે રાતદિવસ જોયા વિના એમણે નિષ્ઠાભર્યો પુરુષાર્થ કરીને જાત નીચોવી નાખી છે. હૈડું ઠરીને હીમ થઈ જાય એવા લોકસાહિત્ય, લોકસંસ્કૃતિ અને લોકકળાના એક એકથી અદકા મૂલ્યવાન સચિત્ર સંગ્રહો એમણે ગરવી ગુર્જરીને ચરણે ધર્યા છે.” [૧૧]

જયમલ્લ પરમાર :

શ્રી જયમલ્લ પરમારે પણ લોસહિત્યના ક્ષેત્રે પ્રશંસનીય કાર્ય કર્યું છે. તેમણે ‘ધરતીની અમીરાત’, ‘ધરતીની મહેક’, ‘ચાતુરીની વાતો’ વગેરે લોકવાર્તા સંગ્રહો આપ્યા છે. ‘આપણી સંસ્કૃતિ’, ‘લોકસાહિત્ય અને સંસ્કૃતિ’, ‘આપણા રાસગરબા’ વગેરે લોકસાહિત્યના ગ્રંથો પણ આપ્યા છે. આ ઉપરાંત ‘દેશ-દેશની લોકકથાઓ ભાગ – ૧-૨’, ‘પરીકથાઓ ભાગ- ૧-૨’, ‘રૂપકથાઓ ભાગ-૧’ વગેરે જેવાં ગ્રંથો પણ તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. ગૌડબંગાળ, બુંદેલખંડ, કઠિયાવાડ, રાજસ્થાન, પંજાબ વગેરે પ્રેદેશોની વાર્તા તેમની લોકકથા ગ્રંથાવલિનો એક ભાગ બને છે. લોકસાહિત્ય અને લોકપ્રવૃત્તિઓ એ તેમનું મનગમતું ક્ષેત્ર રહ્યું છે. લોકોમાંથી તેમને કંઈકને કંઈક નવું શીખવા મળ્યું છે. તેના આધારે જ તેમની અભ્યાસપ્રવૃત્તિ આગળ વધી છે. જોઈએ તેમના જ શબ્દોમાં, “ મેં લોકોમાંથી લોકસાહિત્ય ઝીલ્યું છે અને ઝીલાવ્યું છે. લોકકલ્યાણની મારી પ્રવૃત્તિઓની આધારભૂ આ લોકસાહિત્ય જ રહેતું આવ્યું છે. એના અનુભવ ઉપર મારો અભ્યાસ આગળ વધ્યો છે.”૧૨ આમ, લોકસાહિત્ય નિમિત્તે લેખક લોકકલ્યાણની પ્રવૃત્તિઓ તરફ વળતા જણાય છે.

* અન્ય કેટલાક સંશોધકો - સંપાદકો :

લોકસાહિત્યનું સંશોધન – સંપાદન અવિરત થતું રહ્યું છે. સંશોધન – સંપાદનની આ પરંપરા બળવંત જાની ( શંકરતડવી ), ભગવાનદાસ પટેલ ( ભીલોનું ભારત ), શાંતિભાઈ આચાર્ય ( લવઘણાની વાર્તા ) અંબાલાલ રોહડિયા, રતુદાન રોહડિયા, વગેરે જેવા લોકસાહિત્યના સંશોધકોએ સંશોધન – સંપાદનક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. લોકસાહિત્યના ક્ષેત્રે ભગવાનદાસ પટેલનું નામ ઘણું જાણીતું છે. ગામડાની ધરા ખૂંદીને તેમણે એકઠું કરેલું લોકસાહિત્ય ગુજરાતી લોકસહિત્યની મૂડી છે. આ ઉપરાંત મંજુલાલ મજમુદાર, દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, જશવંત શેખડીવાળા, ખોડીદાસ પરમાર, પિંગળશીભાઈ ગઢવી, હસુ યાજ્ઞિક વગેરેના યોગદાનથી ગુજરાતી લોકસાહિત્ય સમૃદ્ધ થયું છે. આ બધા સંશોધકો અને સંપાદકોએ લોકસાહિત્યના અન્ય કેટલાંક વણખેડાયેલાં સ્વરૂપોમાં ઉલ્લેખનીય કામ કર્યું છે. લોકસાહિત્યના વિકાસમાં નાના-મોટા સંશોધકોએ યથાયોગ્ય ફાળો નોંધાવી લોકસાહિત્ય પ્રત્યેની પોતાની નિસબતના દર્શન કરાવ્યા છે.

એક એવો સમયગાળો હતો કે જયારે લોકસાહિત્યને સાહિત્ય તરીકે જ સ્વીકારવામાં આવતું ન હતું. સમય જતાં સાહિત્યના ક્ષેત્રમાં લોકસાહિત્યનો સ્વીકાર થયો. આજની તારીખે લોકસાહિત્ય ગુજરાતી સાહિત્યનુ અમૂલ્ય અંગ છે. લોકસાહિત્યને પ્રકાશમાં લાવવાનું કામ શ્રી ઝવેરચંદ મેઘાણીના હાથે થયું. એમની પહેલાં પણ લોકસાહિત્યક્ષેત્રે કામ તો થયું જ હતું. પણ જે કામ શ્રી ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે એ કામે જ ગુજરાતી સાહિત્યમાં, ગુજરાતમાં લોકસાહિત્યને નવી ઓળખ આપે છે. શ્રી ઝવેરચંદ મેઘાણી વગરના લોકસાહિત્યની કલ્પના કરવી અઘરી છે. આપણા ગુજરાતી લોકસાહિત્યમાંથી આપણે જો શ્રી ઝવેરચંદ મેઘાણીના પ્રદાનને બાદ કરી દઈએ તો આપણું લોકસાહિત્ય પાંગળું બની જાય. શ્રી ઝવેરચંદ મેઘાણી ગુજરાતી લોકસાહિત્યના પિતામ: છે. શ્રી મેઘાણી હતા તો લોકસાહિત્ય આમ લોકો અને વાચકો અમે રસનો વિષય બની શકે છે. લોકસાહિત્યમાં રહેલી ગહનતાને તેમણે લોકબોલીમાં વ્યક્ત કરી. તેથી લોકસાહિત્ય લોકભોગ્ય બને છે. શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અનન્ય સેવાને શ્રી જોરાવરસિંહ જાદવ કંઈક આ રીતે બિરદાવે છે : “ શ્રી ઝવેરચંદ મેઘાણીએ ગુજરાતી લોકસાહિત્યનું ખૂબ ખેડાણ કર્યું છે. લોકકથકોના કંઠ પરના લોકસાહિત્યને શબ્દસ્થ ને ગ્રંથસ્થ કરવામાં તેમનો ઘણો મોટો ફાળો છે ને એક સંસ્થા ન કરી શકે તેટલું જબ્બર કામ તેમણે કર્યું – એકલા હાથે.” આગળ જતાં લખે છે, “ મેઘાણીના લોકસાહિત્યના કર્યે ગુજરાતના શિક્ષિતજનોમાં લોકસાહિત્યને આદરભર્યું સ્થાન આપ્યું છે.” [૧૩]

ગુજરાતી લોકસાહિત્યક્ષેત્રે પ્રદાન કરનાર શ્રી ઝવેરચંદ મેઘાણી પછીનું બીજું મોટું પુષ્કર ચંદરવાકર અને જોરાવરસિંહ જાદવ છે. તેઓના પ્રદાનથી ગુજરાતી લોકસાહિત્ય ઘણું સમૃદ્ધ થયું છે. તો દુલેરાય કારાણી કચ્છના ઝવેરચંદ મેઘાણી સાબિત થયા એ ઘટના પણ નોંધપાત્ર છે. આ ઉપરાંત લોકસાહિત્યની શરૂઆમાં પારસી લેખકોએ લોકસાહિત્ય પ્રેત્યેની પ્રતિબદ્ધતા ભૂલવા જેવી નથી. ફાર્બસસાહેબથી શરૂ થયેલી આ પરંપરા અનેક ચઢાવ–ઉતાર સાથે આજે પણ આગળ વધી રહી છે. જ્યાંસુધી લોકો છે ત્યાંસુધી લોકસાહિત્ય છે . જોકે હાલના સમયમાં પણ ઘણું એવું સાહિત્ય છે કે જે લોકસાહિત્યના સંશોધકો અને સંપાદકોની રાહ જોતું પડ્યું છે. લોકસાહિત્ય સાથે જેનો ગાઢ નાતો રહ્યો છે, જેણે લોકસાહિત્યને ઘૂંટડે ઘૂંટડે પીધું છે ને જેણે પૂરી પ્રતિબદ્ધતાથી લોકસાહિત્યનું ખેડાણ કર્યું છે એવા વિદ્વાન, અભ્યાસી લોકસાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પ્રત્યે રુચિ ધરાવતા યુવાનોને આહ્વાન કરે છે : “ યથાશક્તિ મેં મારા એક જ પ્રાંતની લોકવાણીનું આટલું સંશોધન ને દોહન કર્યું. મનોરથ તો ગુજરાતભરના જુના વાણી-પોપડા ઉકેલવાનો હતો. પણ એ તો મનની મનમાં જ રહી. હવે હું યુનિવર્સીટીના મહાલયમાં વિચરનારા હજારો ગુજરાતી યુવાનોને આ સાદ પાડું છે : કે થોડાક તો નીકળો, કોઈક તો કમ્મર કસો ! આપણાં રાનીપરજ ને કાળીપરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી સુવિશાળ રત્નાકર – પટ્ટીના કંઠાળવાસી નાવિકો અને નાખુદાઓ, તેમની પાસે હજુયે સચવાઈ રહેલી લોકવાણીને વીણી લાવી, યુનિવર્સીટીને દ્વારે હાજર કરો. સાચો સુયશ તો જ ચડશે – આપણને ને આપણી વિદ્યાપીઠને.”૧૪ આ હાકલ તો તેઓએ ૧૯૩૯માં કરી હતી. તોયે આજે પણ કહેવું ઘટે કે, લોકજીવનના ધબકારસમું આ લોકસાહિત્ય ગુજરાતના ખૂણે-ખાંચરે હજુયે ધરબાયને પડ્યું છે. આશા રાખીએ કે લુપ્ત થઈ જાય એ પહેલાં આ અમૂલ્ય વારસો આપણને આપણાં ગ્રંથાલયોમાંથી ગ્રંથાકારે પ્રાપ્ત થાય.

સંદર્ભગ્રંથો :::

 1. લોકગુર્જરી, વાર્ષિક અંક પાંચમો , ૧૯૬૮, સં. મંજુલાલ મજમુદાર તથા અન્ય, ‘પ્રવેશ’માંથી.
 2. કચ્છનું વિવિધલક્ષી લોકસાહિત્ય, લે. દુલેરાય કારાણી, પૃ. સં. ૪૩.
 3. લોકગુર્જરી, વાર્ષિક અંક સાતમો , ૧૯૭૪, સં. મનુભાઈ જોધાણી અને અન્ય, ‘પ્રવેશક’માંથી. .
 4. લોકગુર્જરી, વાર્ષિક અંક છઠ્ઠો, ૧૯૭૦, સં. ગુજરાત રાજ્ય લોસહિત્ય સમિતિ, પૃ. સં. ૪.
 5. લોકગુર્જરી, વાર્ષિક અંક સાતમો , ૧૯૭૪, સં. મનુભાઈ જોધાણી અને અન્ય, પૃ. સં. ૪૫.
 6. એજ, પૃ. સં. ૪૬
 7. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ - ગ્રંથ-૪, બી. આ., સં. રમણ સોની, પૃ. સં. ૫૨૭.
 8. ઓગણીસમી સદીનું સંપાદિત ગ્રંથસ્થ ગુજરાતી લોકસાહિત્ય, લે. પ્રિયકાંત પરીખ, પૃ. સં. ૧૪૬.
 9. લોકગુર્જરી, વાર્ષિક અંક સાતમો , ૧૯૭૪, સં. મનુભાઈ જોધાણી અને અન્ય, ‘પ્રવેશક’માંથી.
 10. કચ્છનું વિવિધલક્ષી લોકસાહિત્ય, લે. દુલેરાય કારાણી, ‘પ્રવેશક’માંથી.
 11. સિંધુ રાગ સોહામણા, સં. જોરાવરસિંહ જાદવ, ‘પાછળનું પૃષ્ઠ’માંથી.
 12. લોકસાહિત્ય અને સંસ્કૃતિ ( અનુભવ અને અભ્યાસ ), લે. જયમલ્લ પરમાર, પૃ. સં. ૬.
 13. લોકગુર્જરી, (વાર્ષિક) અંક : અગિયાર, સં. જશવંત શેખડીવાળા અને અન્ય, પૃ. સં. ૧૭.
 14. લોકસાહિત્ય ધરતીનું ધાવણ ખંડ -૧, લે. ઝવેરચંદ મેઘાણી, પૃ. સં. ૭.

Dr. Naresh Magara, Gujarati Department, VNSGU, Surat – 07.