Download this page in

આંગળિયાત - વિશે તપાસ

જાસેફ મેકવાનની નવલકથા આંગળિયાત વિશે ખાસ્સી ચર્ચા થઇ છે. ઘણાં વિદ્વાનોએ એને પોંખી છે. ઉમાશંકર જાશીએ આ લેખક માટે ખાસ્સી આશાઓ સેવી હતી. દલિત સાહિત્યકારોમાં જાસેફ મેકવાન આગલી હરોળમાં સ્થાન પામ્યાં છે. બસો-અઢીસો પાનાઓમાં વહેંચાયેલી આ કથામાં ચરોતરના ગામડાનાં ય ખૂણે વસતા ને અસ્પૃશ્યતા તથા અનેક શોષણના ભોગ બનેલા દલિત સમાજને આ કથામાં આલેખવામાં આવ્યો છે. આઝાદી મળવાની હતી ને એ મળી - એ વર્ષોના સમયગાળાને આ કૃતિમાં આલેખવામાં આવ્યો છે. સવર્ણ વર્ગ દ્વારા દલિતોના થતાં શોષણને અહીં આલેખવામાં આવ્યું છે. સાથો સાથ દલિત યુવા પેઢીમાં જન્મી રહેલી જાગૃતિ, અન્યાય સામે અવાજ ઉઠાવવાની પ્રબળ બનતી જતી ઇચ્છાનો તંતુ પણ આલેખ્યો છે. ધીમી પણ મક્કમ ગતિએ આવી રહેલા બદલાવને લેખકે આ કથામાં આબાદ રીતે ગૂંથ્યો છે. આ દેશ અંગ્રેજાની ગુલામીમાંથી છૂટ્યો પણ એનાથીએ ખતરનાક એવા દેશી નેતાઓના ચૂંગાલમાં ફસાવા જઇ રહ્યો હોવાનું જાતાં કથાના કેટલાક પાત્રોનું આલેખન સરસ રીતે કરાયું છે. સમાજમાં દેખાય નહીં પણ આવી રહેલા બદલાવને લેખકે તાદૃશ્ય કર્યો છે.

જોસેફ મેકવાન પોતે દલિત વર્ગમાંથી આવે છે ને એટલે જ વણકરવાસને, માનસને બરાબર પિછાને છે. સ્વાનુભવમાં સિંચાયેલું આ કથાબીજ એટલે જ કેટલીક સચ્ચાઇનો ભેટો કરાવી આપે છે. ટીહારામ અને મેઠી વચ્ચે જન્મતા સ્નેહાંકુર ભલે સામાજિક રીતે વિચારીએ તો આગળ જઇને ઊગી ન શક્યા પણ એક આખા નવ-સમાજનું, વિચારવંટોળ જન્માવવામાં સફળ રહેતા જણાય છે. એ સિદ્ધિ નાની ન ગણાય. એ અર્થમાં આ કથા વ્યક્તિથી સમષ્ટિ તરફ વિકસવાની કથા છે. સાવ નગણ્ય લાગે એવી ઘટના કેવા કેવા વમળો જન્માવીને કેટલાયના જીવનમાં ઉથલ-પાથલ સર્જી દે- તે આ કથામાં બખૂબી આલેખાયું છે.

આખીએ કથાનો સૌથી મોટો જો કોઇ વિશેષ હોય તો તે છે વણકર સમાજનું અંદરના પરિમાણથી થયેલું અ-પૂર્વ આલેખન. આ કથા પૂર્વે પણ ઘણાં લેખકો દ્વારા નાની- મોટી રચનાઓમાં દલિતસમાજનું અછડતું આલેખન થયું હોવાના દાખલા મળે છે પણ એમાં કથા પર મંડાયેલો કેમેરા બહારથી હતો. પહેલીવાર એક દલિત લેખક દ્વારા દલિત સમાજને વ્યાપક ફલક પર અંદરથી આલેખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિણામે કેટલીક અંદરુની બાબતો પહેલી જ વાર વ્યાપક સમાજની સામે આવ્યો. ટીહાલાલ, દાનજી, ભગત અને શિક્ષક(માસ્તર) જે વિચારે છે, એમના વિચારોમાં જે મંથન ચાલી રહ્યું છે, સવર્ણો દ્વારા થતાં શોષણના કારણે એમના ચિત્તમાં જન્મતા આંદોલનો અને સાથોસાથ દલિતો પોતે પણ ક્યાં અને શા માટે જવાબદાર છે- એ બાબતનું એમનું ચિન્તન અસરકારક રીતે ઉભરી આવ્યું છે. આ કૃતિના પ્રાગટ્ય સમયે સાવ નવી દીશાનું ચિન્તન હતું. આ જાગૃત પેઢીના નાનાં નાનાં વૈચારિક બળવાઓથી સમાજમાં અને ખાસ કરીને દલિતોના જીવનમાં બહુ મોટું પરિવર્તન તો નથી આવ્યું પણ એક નાનકડી જ્યોત જલી છે એ નોંધપાત્ર છે.

કથાની આલેખન રીતિ, ઘટનાઓની ગૂંથણી અને આટાપાટાઓની માંડણી આ કથાના પ્રાગટ્યવેળાએ નવી નહોતી રહી. જાનપદી નવલકથાઓમાં આ પ્રકારનું આલેખન પન્નાલાલ પટેલ, ઇશ્વર પેટલીકરમાં જાવા મળે છે. હા, ભાષાનું પોત આગવું છે. બાકી એક ભગતનું વિશિષ્ટ પાત્ર, પ્રેમની આદર્શભરી ટેક, પ્રેમની તાવણી અને આકરી કસોટીઓ, કરુણાન્તભરી કથા નવી નથી. ગામના કેટલાક નફ્ફટ લોકો, ઉતાર એવા લોકો દ્વારા મુખ્ય પાત્રોની થતી કનડગત, મેલી મુરાદોવાળી ગંદી રમતો ને રંઝાડોનું આલેખન પણ આ પહેલા આપણે માણી ચૂક્યા છીએ એટલે મારી દૃષ્ટિએ જાસેફ મેકવાનની વિશેષતા કથા આલેખનમાં નથી. એ એમને થોડાં વર્ગભેદે મળેલું જ હતું પણ એમની જે આગવી સિદ્ધિ છે એ છે આગવું નિરાળું ભાવવિશ્વ. સમાજના સાવ છેવાડાના માનવોમાં ધબકતું જીવનતત્ત્વ, એમની ખુમારી અને એમની ટેક, એમના ચિત્તમાં જન્મતો સાચો આક્રોશ અને ભલે નાનો પણ મક્કમ પ્રતિકારકરવાની વીરતા - આ કથાને વિશિષ્ટ બનાવનારી મહત્વની બાબતો આ છે. બીજી નોંધપાત્ર બાબત તે એ કે, લેખક આ કૃતિ દ્વારા અનેકવિધ લક્ષ્ય સિદ્ધ કરવા માંગતા હોવા છતાં- ખાસ તો દલિત સમાજની વિડંબણાઓ આલેખવા માગતાં હોવા છતાં(પ્રસ્તાવના વાંચતા આ વાત સ્પષ્ટ સમજાય છે.) આંગળિયાત કથામાં એમણે દલિતોના બીચારાપણાંને નહીં પણ ખુમારીને કેન્દ્રમાં રાખી છે. મને આ વાત વધારે સ્પર્શી ગઇ. એ ધારેત તો નિર્મમ એવા સવર્ણોના ત્રાસને જ આલેખી શક્યા હોત, આપણને અરેરાટી છૂટે અને સવર્ણો પર તિરસ્કાર છૂટે એવું આલેખન કરીને પોતે તારસ્વરે વાત કરી શક્યા હોત પણ એક કલાકારની નિસબતને તેઓ સમજે છે. એ સંયમ જાળવીને કથાને બેલેન્સ કરી શક્યા છે. ટીહારામ આરંભથી અંત સુધી એકધારો અડીખમ છે, એ ઘડીભર લાચારી અનુભવતો નથી. નિયતી(અહીં લેખક) અને માનવસર્જિત(અન્ય પાત્રો) દ્વારા અપાયેલ આપત્તિઓમાં એ અડિખમ રહીને એના સમાજમાં અપૂર્વ કહેવાય એ રીતે સામનો કરે છે ને ખરા અર્થમાં હિરો બની રહે છે. એ એના સમાજમાંથી અનેક રીતે ઉપર ઊઠી શક્યો છે. એ સાહસિક અને ખંતિલો વેપારી છે તો એવો જ હામભર્યો ભડવીર પણ છે, એ ખૂંખાર આખલાને નાથે છે, લૂંટારુઓનો ભય હોય એવા માર્ગેય વકરાના પૈસા લઇને આવતા ગભરાતો નથી, એ પરગામની કન્યાની થતી છેડતી સાંખી શકતો નથી, એ વહેવારમાં કે પ્રસંગોએ વિનાવિલંબે મદદે પહોંચી જાય છે. પોતાના મિત્રએ પોતાના માટે થઇને જીવ ખોયો એનો અફસોસ માત્ર એની વાણી જ નહીં એના વ્યવહારમાં ય વણી લે એવો છે. પોતાને જ સર્વસ્વ ગણે છે ને પોતે પણ જેને પ્રેમ કરે છે એવી મેઠી પર પણ એક માત્ર ટેકને ખાતર આંખ બગાડતો નથી એવો યોગી પણ છે. ટૂંકમાં આદર્શ નાયકના જે કોઇ મૂલ્યો સમાજમાં ગણાવાયા છે એ બધા આ ટીહારામમાં જાવા મળે છે . અન્ય પાત્રો પણ કોઇને કોઇ આદર્શ અને ટેકને લઇને જીવે છે. જાસેફ મેકવાન આ રીતે પ્રશિષ્ટ કથા આલેખે છે. નવલકથામાં અનિવાર્ય એવા ભાવપલ્ટા, ઘટનાબાહુલ્ય, નાટ્યાત્મક વળાંકો, ખલપાત્રો અને વર્ણનો- આ એક પ્રશિષ્ટ નવલના લક્ષણો છે. એમાના ભાગ્યે જ કોઇ લક્ષણોથી આ કથા વંચિત રહી છે. આ મેકવાનની મોટી સિદ્ધિ જ ગણવી રહી.

માનવીની ભવાઇ હોય કે મળેલા જીવ- આ કથાઓના પાત્રો દલિત ન હોવા છતાં માનવ અવળચંડાઇ, ગંદી રમતો, પ્રેમીઓના વિરોધીઓના ભોગ બનતા જ આવ્યા છે. અહીં સવાલ એ નથી રહેતો કે આ પાત્રો કઇ જ્ઞાતિમાંથી આવ્યા છે, સવાલ એ છે કે એમના જીવનની તાવણીમાં એ કેવા ખરા ઉતરે છે, માનસિક લડાઇમાં કેવી રીતે એ અડિખમ રહી શકે છે - એ મહત્વનું છે. રઘુવીર ચૌધરીએ સાચું જ કહ્યું છે કે, એમને(જાસેફ મેકવાન)ને દલિત લેખકની મુદ્રા વાગી ગઇ અને એમણે એ નિર્વિરોધ અપનાવી લીધી પણ વાસ્તવમાં એ ધર્મપ્રેરિત વ્યાપક માનવતાવાદના પુરસ્કર્તા છે.- એટલે આ કૃતિને દલિતકથાનું લેબલ છોડીને જોવામાં આવે તે વધારે ઉચિત છે. એ માનવતાનો પુરસ્કાર કરનારી, પ્રશિષ્ટ ધારાના એક ડગલું આગળ વધારનારી રચના ગણવી જાઇએ.’

આઝાદી મળવાની હતી અને મળી એ સમયગાળો આ કથામાં આલેખાયો છે. એટલે બદલીતી ક્ષિતિજો પણ આછા ઉજાસરુપે કથામાં આલેખાઇ છે. જો કે, લેખક એ દીશામાં વધું તાકતાં નથી. એમનું લક્ષ્ય છે વણકર સમાજના પાત્રોનું જીવન, એમની વિડંબણાંઓ અને એમના જીવનમૂલ્યોનું આલેખન કરવું તે. સવર્ણો દ્વારા થતી રંજાડ તેમણે આલેખી છે પણ મુખ્યત્વે આલેખવો છે ટીહા-મેઠીનો નિર્વ્યાજ પ્રેમ. લેખક પ્રસ્તાવનામાં લખે છેઃ ‘અનુભવે હું ઘણું ઘણું જોતાં પારખતાં શીખ્યો છું. ભદ્ર સમાજ અને સંસ્કારી સોસાયટીઓ મેં જાઇ છે. હળ્યોભળ્યો છું એમની સાથે. સાવ નજદીક રહીને એમનાં આંતર જીવનમાં ભાગ ભજવીને એમનાં ચારિત્ર્‌ય મેં જાણ્યાં છે. ને ત્યારે મારો અહોભાવ આશ્ચર્ય વિમૂઢતામાં પરિણમ્યો છે. ને ત્યારે જ નાતરિયા વર્ણની કહેવાતી આ અબળાઓનાં શીલ અને સંસ્કાર મને મહાકાવ્યના સુઘટ્ટ પોત જેવાં લાગ્યાં છે. એકભવમાં બીજા ભવ કરનારી કહેવાતી હલકી જાતિને વગોવે છે, એ જ જાતિનાં માન મર્યાદાનાં એમની દૃષ્ટિએ મનાતા હલકા ધોરણોને, પણ એક જ ભવમાં બીજા ભવ કરવાની કેવી કેવી સમાજગત, કુટુંબગત મજબૂરીઓ હોય છે એ તરફ કોઇનું ય ધ્યાન ગયું નથી.(પ્રસ્તાવના. પૃ.૯) લેખક આ કથા દ્વારા પોતાના આ વિચારોને મૂર્ત રુપ આપવા મથ્યાં છે. અને એ માટે થઇને ક્યાંક અતિ આલેખનનાં ભોગ પણ બન્યાં છે. કથાવેગ અદ્‌ભુત છે. એકી બેઠકે વાંચી જવાય એવા ફોર્સથી આખી કથાનું નિર્વહન થયું છે. પાત્રો સાથે સમસંવેદન અનુભવે એવું આલેખન લેખક બ-ખૂબી કરી શક્યાં છે.

પહેલાં જ પ્રકરણમાં અનોખો ટીહો આકારાવા માંડે છે. એ એકલવીર છે. ભડવીર છે ને મા-બાપ પાછળ ન્યાત ન જમાડીને ચીલો ચાતરનાર છે. વણાટકામમાં પાક્કો ને એવો જ પાક્કો વેપારી પણ છે. એની આગવી શાખ બંધાયેલી છે ને એને લઇને જ તે વાલજી સાથે કસ્બામાં થતી હરાજી છોડીને શીલાપુર જેવા નાનકડાં ગામમાં હરાજી માંડવા જાય છે. આવડતને કારણે સારો નફો પણ કરે છે. હરખા ઠાકોર સાથેની વાતચીતમાં ડેલાવાળાની આછી રેખાઓ અંકિત થવા લાગે છે જે કથાના અંતભાગે અત્યારના રંગ બદલતાં કાચંડા જેવા નેતાઓમાં પરિણમે છે. કથાના આરંભે જ વાલજી અને કંકુના સંવાદોથી ટીહાનો જીદ્દી સ્વભાવ અને એની બહાદૂરી તથા બાહોશી ઉઘડતી જાય છે. આ પ્રકરણાં નેરેટર રુપે કહે છેઃ ‘કરમની કઠણાઇ હતી. ગાડામાં ગજિયાં મેલાય, ગજિયાનાં વણનારાંને ન બેસાડાય, નહીં તો અભડાઇ જવાય.’- આ લેખકની દીશા નક્કી કરનારું ને જેના કારણે આ કથાને દલિત કથા તરીકે પ્રસિદ્ધ કરવા પ્રેરે એવું વાક્ય છે. આવી તકલાદી અને સગવડિયા આભડછેટ અહીં કથામાં સારી રીતે આલેખાઇ છે. સમાજના આટાપાટાંના આલેખનાં લેખકે ખાસ્સો કસબ દાખવ્યો છે. એ ગામડાંના આતર સંબંધોને,માનવીના મનને બરાબર પિછાને છેઃ ‘ખેતરાંમાં બગાડ કર્યાં પછી હજી તો સામું ચોમાસું આવવાનું હતું. બાજરી-કઠોળનું બિયાવું પટેલોને ત્યાંથી જ લાવવાનું હતું. ને ટીહાના પરાક્રમ પછી આલા-ઢુલા જેવાં પહોંચતાં કામોએ જે દાડિયાં પોષાતાં હતાં એમને ય પટેલોએ બોલાવવા બંધ કર્યાં હતાં. મોતી અને હીરા ખાનાની સામાજિક શાખ અને ધાકને લીધે વાસવાળા હજી સુધી એમને વતાવી શક્યાં નહોતાં પણ પટેલોનું ઝાઝું દબાણ આવે, કામકાજનાં તમામ નાકાં કાપી નાખે અને ચાર-પાંચ જણાને ફોડી લે તો આ નગણી જાત એમને ન્યાત બાર મુકવામાં પાછી પડે એમ નહોતી.’ - જૂઓ બહુ ઓછા વાક્યોમાં તે ગામની પરિસ્થિતીનો ચિતાર આલેખી આપે છે. ટીહાનું શીલાપરનું પરાક્રમ ગામના દલિતો પર કેવી અસર જન્માવે તેમ છે તે અને સાથો સાથ દલિતો પણ કેવા નગૂણાપણ બતાવી શકે- તેનું તટસ્થતાપૂર્વકનું આલેખન કર્યું છે.

કેટલાક પ્રસંગો જેવા કે – વાલજીનું મેઠીના હરણ અને અપ-મૃત્યુનો આખો પ્રસંગ, એ પછીની ફોઝદારની કાર્યવાહી અને ખાસ તો વિલન એવા ખૂશલો મેતરની મારપીટવાળું દૃશ્ય આંખ સામે તાદૃશ્ય થાય તે રીતે આલેખાયું છે. કંકુનું કલ્પાંત હચમચાવી મુકનારું છે. નાતના મુખીઓની ગંદી રમતો અને પોતાના લાભ શોધતા રહેવાની વૃત્તિ અહીં અસરકરક રીતે આલેખાઇ છે. ફોજદારની કાર્યવાહીનો પ્રસંગ જૂઓ ‘ખૂશલાથી ત્રાસેલાં પાંચેક ગામની આગેવાની હીરાએ લીધી હતી. અને પોતાની દીકરીના ફારગતીના સવાલમાંથી હીરો એને પાઠ ભણાવવા માગતો હતો. હીરાનો પેંતરો પાધરો ના પડે એવા જોગ-સંજોગ ઊભા થયા એનો ખૂશલાએ પૂરે પૂરો લાભ લેવા તાક્યું હતું પણ વાલજીના કમોતે એની આબરુના મરશિયા નોતરી આણ્યા હતાં.’

“બાકીના પાંચસે કાઢ્ય નહીં તો અહીં જ તારા રામ રમાડી દૈશ” - કહેતા ફોજદારે એના બહાર પડતા ખભામાં પૂરા જારથી લાત લગાવી. અધમૂઓ ખૂશલો બેવડ વળી ગયો. ..’

લેખક પાસે વર્ણનકલાની શક્તિ અદ્‌ભુત છે. પ્રસંગ કોઇ પણ હોય એને સરસ રીતે બહેલાવી જાણે છે. જા કે, કથાપ્રપંચ રચવા જતાં કેટલીકવાર લેખકનો આયાસ સ્પષ્ટ થઇ જાય છે. જેમકે મેઠીને શીલાપરથી ઉઠાવવાનું કામ આમ જુઓ તો ટીહાએ જ કરવાનું હોય. એણે જવું જાઇતું હતું પણ લેખક શરુમાં ડરપોક દર્શાવેલા વાલજી પાસે આ કામ કરાવીને કંકુને વિધવા બનાવી, દીયરવટુ અને આંગળિયાત બાળક સુધી જવાનો માર્ગ અપનાવ્યો. કથામાં વેગ લાવવા માટે થઇને વાલજીનું અપમૃત્યુ કરાવ્યું હોવાની ગંધ આવ્યા વિના ન રહે. આખીએ કથામાં ટીહો ભલે કેન્દ્રસ્થ પાત્ર હોય પણ એ ખરા ટાણે જ પાણીમાં બેસી જતો હોય એવું લાગ્યા કરે છે. આદર્શોની જાળમાં ફસાઇને એ પોતાની નૈતિક ફરજો પણ ચૂકી જાય છે. દાનજી- કંકુના લગ્ન કરાવવા, મેઠીને ઘર આપવું, પોતાના પુત્રોના લગ્ન ઉકેલવા- જેવા અનેક પ્રસંગો એ જવાબદારીથી પાર પાડે છે પણ એની કેટલીક જીદ ન સમજાય અને અકારણ લાગે એવી જ રહે છે- ને એમ કરવામાં લેખકની હાજરી સતત રહે છે. એ પાત્રોને પ્રકૃતિગત રાખવાને બદલેપોતાની દોરીથી નચાવતા રહે છે.

કથાનો અંત અસરકારક છે. ટીહાનો આંગળિયાત પુત્ર ગોકળ પિતાની યાદ જિવન્ત રહે તે હેતુથી હાઇસ્કુલ બંધાવવાની ટહેલ નંખાતી હતી ત્યારે સાત હજાર ને એકનું દાન કરીને ‘ટીસાભાઇ ગોપાળભાઇ પરમાર’નું નામ ઓરડાની તકતી પર લાખાય તેવું કરે છે. આ જીત છે ટીહાની.અને એ પણ મંત્રી બનીને આવેલા ડેલાવાળાની હાજરીમાં થતી! નવા સમયના એંધાણ છે. ટીહાએ જીવનમાં ઘણું ગુમાવ્યું પણ એનાથીએ અનેકગણું એ પામ્યો છે. એણે આખી નવી પેઢીમાં નવી હવા ફૂંકી છે. ડેલાવાળા જેવા ડામિસ ભલે નેતા થયા, કાવાદાવા કરીને સમૃદ્ધિમાં રાચતાં થયાં પણ એક એવી જ્યોત એમની સામે જલી છે જે આગળ જઇને થનારાં ઉજાસનો ભાસ કરાવે છે !- આવા હકારાત્મક અંત સાથે આ કથા વિરમે છે.

સંદર્ભ સૂચિ :::

  1. આંગળિયાત લે. જાસેફ મેકવાન. પ્ર.આ. ૧૯૮૫. પ્રકાશકઃ- આર.આર. શેઠની કંપની, મુંબઇ-૨,અમદાવાદ-૧. પૃ.સંખ્યા-૨૭૦, રુ. ૧૫૦, પાકું પૂંઠું, ક્રાઉન

નરેશ શુક્લ, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત-7