કાવ્યાસ્વાદઃ વૃદ્ધોનું મનોરાજય
અજિત મકવાણા


શું ચીજ છે?
એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શું ચીજ છે?
ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ
સાવ ખાલીખમ્મ સડકને તાકવું શું ચીજ છે?
કઈ તરસ છે એ કે જેને આમ પાલવવી પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે?
રોજ એના એ જ સાલાં ફેંફસાં વેંઢારવાં
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે?
ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?
વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી, રમેશ
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?
- રમેશ પારેખ (વિતાન સુદ બીજ, છ અક્ષરનું નામ)


આધુનિક જીવનશૈલી, સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ જેવી છે. ૨૧મી સદી જેટયુગની સદી છે. લાઇફસ્ટાઇલ એટલી બધી ફાસ્ટ બની છે કે માણસને ખુદને મળવાનો સમય જ નથી મળતો. ઇન્સ્ટન્ટના આ યુગમાં, પશ્ચિમી સંસ્કૃતિની અને ટીવી-ફિલ્મોની અસર હેઠળ આપણી કુટુંબવ્યવસ્થા પણ પડી ભાંગી છે. પહેલાં સંયુક્ત પરિવારોની બોલબાલા હતી; જયાં જુઓ ત્યાં દાદા-દાદી-પોતરાં-પોતરી સૌ એક છત નીચે, એક જ વરંડામાં જીવનનો લહાવો માણતાં; આજે, હુતો-હુતી બે જણનો જ પરિવાર છે. સરકારની વસતિનીતિએ પણ પરિવારો નાના કરી નાખ્યા છે. પહેલાં સૂત્ર હતું: અમે બે, અમારાં બે. અત્યારેઃ અમે બે , અમારું એક. સમય જતાં કદાચ સૂત્ર આવેઃ અમે બે, એકલાં એકલાં, અલગ. ગામડાંની જેમ કુટુંબો ભાંગતાં જાય છે ત્યારે સૌથી વધુ કરુણ સ્થિતિ વયોવૃદ્ધોની થાય છે. વૃદ્ધાશ્રમો સમાજના લમણે થયેલું ગૂમડું છે. ઘરમાં આજે વડીલની આમન્યા જળવાતી નથી. પરિણામે વડીલો શું કરે? સાઠી વટાવી ચૂકેલા વ્યક્તિ અને નાનકડાં બાળકો વચ્ચે ઘણું સામ્ય હોય છે. એમાંનું એક તે જીદ. બીજું તે ચીડિયો સ્વભાવ. પોતાની ગમતી વાત મનાવવા જીદ કરે અને તેમ ન થાય તો ચીડ-ગુસ્સો પ્રગટ કરે. પરિણામે ઘરનાં જ વ્યક્તિઓ, પેટનાં જણેલાંઓને એવું બધું નથી ગમતું... તો પરણીને સાસરે આવેલી વહુને તો ક્યાંથી રુચે? એટલે... હવે, વડીલો કાં વૃદ્ધાશ્રમમાં જાય છે કાં પોતાનો મોટા ભાગનો સમય ઘરની બહાર મંદિરે કે બાંકડે બેસીને વિતાવે છે. કવિ કહે છેઃ
‘એકલા સાંજ બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શું ચીજ છે?’
બુઢ્ઢા થવાની વેદના તો જે અનુભવે તેને જ ખબર પડે. જીવનસંધ્યાએ ઘરમાં પોતીકું કહેવાય તેવું કોઈ ન હોય ત્યારે... એકલા એકલા બાંકડે બેસી રહેવાની ક્રિયા આમ તો સામાન્ય છે, પણ વેદના ભરેલી છે. એકાંત માણસને ખાઈ જાય છે; તો એકાકીપણું માણસને અંદરથી કોતરી કાઢે છે. એનો વલોપાત બુઢ્ઢા કે બુઢ્ઢી ક્યાં જઈ ઠાલવે? કદાચ એટલે જ સખાવતીઓ ઠેર ઠેર બાંકડા મુકાવતા હશે. વળી, ઘરડા માણસની એકલતા અને બાંકડાની એકલતા વચ્ચેય સામ્ય છે - એકલતાની. બાંકડોય સચરાચરમાં સૌથી જુદો એકલો જ પડ્યો હોય છે. આવનાર આવે-જાય છે પણ બાંકડાને કશી સંવેદના નથી થતી કે નથી થતી આવનાર-જનારને બાંકડા વિશે.
વૃદ્ધની, સમાજ-ઘરથી અવહેલના પામતા વ્યક્તિની દુર્દશા-કરુણતાની આ કવિતામાં અભિવ્યક્તિ છે. એથી વિશેષ તો નષ્ટ થતી ભારતીય પરંપરાની હૃદયદ્રાવક રજૂઆત છે. અનુભવસિદ્ધ હોય તેવી અભિવ્યક્તિ અને એકાકીપણાની લાગણીના ભાવને જે શબ્દો-કલ્પનો દ્વારા રજૂ કર્યો છે તે - બન્ને પાસાં કવિને દાદ દેવા પૂરતાં છે.
બેંતાળીશની ઉંમરે બેંતાલાં આવે પછી આંખે મોતિયો ને ઝામર, એ ઉંમરની અસર છે. ને છેલ્લે ઝળઝળિયાં એ પરિવારની. ઢળતી ઉંમરે આંખે ઓછું દેખાવું ને કાને ઓછું સંભળાવું એ વિજ્ઞાનસિદ્ધ નક્કર હકીકત છે (આ તથ્ય આજની પેઢી સમજી લે તો એમના મોટા ભાગના પ્રશ્નો સાૅલ્વ થઈ જાય.) આંખોના એ ઊંડા ગોખમાં માત્ર એક જ આશાનો દીવડો ટમટમતો હોય છેઃ હવે, ક્યારેક તો મૃત્યુ આવશે ને હું મીંચાઈશ. ઘરડાં, વડીલ, વૃદ્ધોની આંખોમાં હવે કશો ભાવ જોવા મળતો નથી એવા ભાવ સાથે કવિ એને ‘ચીજવસ્તુ’ તરીકે ઓળખાવે છેઃ
‘ચીજવસ્તુ થઈ ગયેલી આંખે પૂછી જુઓ
સાવ ખાલીખમ્મ સડકને તાકવું શું ચીજ છે?’
ભાવ-અભાવવિહોણી માત્ર લાગણીનો કે ઓળખનો એકાદ અંશ ઝંખતી, મૃત્યુની વાટ જોતી આંખ બાંકડે બેઠી બેઠી શું કરે? બાંકડે બેઠેલા વૃદ્ધ પાસે બીજી તો કશી પ્રવૃત્તિ હોય નહીં, એટલે, આવતા-જતા લોકો નિહાળ્યા કરે. પણ એમની હૃદયવ્યથા એવી હોય છે કે એ વિચારોમાં ગરક થઈ જતા હોય છે. ઘણી વખત એમને નજીકનું કે દૂરનું કશું દેખાતું નથી હોતું. એમાં આંખની ઝાંખપની મર્યાદાની સાથે ક્યારેક વેદનાનાં ઝળઝળિયાંનોય સાથ હોય છે.
ઘરડેરાંઓ પાસે સમય પસાર કરવાનું કશું સાધન-માધ્યમ નથી હોતું. ઘરમાં તો ઉપેક્ષાનો અજગર ભીંસતો રહે છે. પુત્ર-પુત્રવધૂ પોતાના સંસારમાં મસ્ત, નોકરી-ધંધા-કામમાં વ્યસ્ત હોય, તો પૌત્ર-પૌત્રી સ્કૂલ-કૉલેજ, મિત્રોમાં અસ્તવ્યસ્ત. ઘરમાં ટીવી-રેડિયો જોવા-સાંભળવાનું પણ આજનાં વડીલોને તો શેં ગમે?! વડીલોને જોવું-સાંભળવું હોય ર્ધાિમક-સામાજિક અને ટીવીમાં તો બધું ચાલતું હોય ધમાલિયું. એટલે એ માર્ગ તો વડીલો માટે બંધ છે. બાળકો વડીલોને હવે બહુ ભાવ નથી આપતાં એટલે વડીલોના મનોરંજનનાં સાધન-માધ્યમ બહુ ઓછાં-ટાંચાં થઈ ગયાં છે. એક, બાંકડે બેસવું; બે, કથા-વાર્તા-સપ્તાહ સાંભળવા જવું; ઘરનાં નાનાંમોટાં બિલ-બજારનાં કામ કરવાં (જો સોંપાય તો); અને છાપું વાંચવું. બસ, બાકી સમય સમયની બલિહારી. યમનો દૂત આવે તેની રાહ જોવાની ક્રિયા એ એની અભિપ્સા જ બની ગઈ હોય છે. ક્યારે આવે ને છૂટું આ જળોજથામાંથી, એ ભાવ સતત એનાં વિચાર-વાણી-વર્તનમાંથી ડોકાતો રહે છે. આ વેદનાને, વૃદ્ધોની સમય પસાર કરવાની એક સર્વસામાન્ય ટેવને, કવિએ બહુ સુંદર રીતે રજૂ કરી છેઃ
‘કઈ તરસ છે એ કે જેને આમ પાલવવી પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શું ચીજ છે?’
વૃદ્ધો છાપું વાંચતાં નથી હોતાં, અનુભવે જોયેલું છે કે તેઓ છાપું પી જતાં હોય છે - આકંઠ. હેડલાઇનથી લઈ ખૂણેખૂણો ફરી ફરી વાંચીને છેક છેલ્લા પાનાની છેલ્લી લાઇન સુધીનું બધું જ વડીલો વાંચી જતાં હોય છે. ઘણી વખત તો બબ્બેવાર. કવિએ વડીલોની આ વૃત્તિને ‘તરસ’ સાથે સરખાવી છે. આ તરસનો વ્યંગ્યાર્થ સરસ છે.
વડીલો જીવનનો ભાર વેંઢારીને થાકી ગયાં હોય છે. કમર-બાવડાં-ખભા વળી ગયાં હોય છે. હવે તો કોઈ ઊંચકીને ચોકડી રચી દે તો ઘણું, એવું વિચારતા વડીલોની મનોવ્યથા આ પંક્તિઓમાં સાદ્યંત રજૂઆત પામી છેઃ
‘રોજ એનાં એ જ સાલાં ફેફસાં વેંઢારવાં
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે?’
ફેફસાંને ‘સાલા’ જેવી ગાળ દઈને બોલચાલનો પ્રયોગ કર્યો છે એટલું પૂરતું નથી. એ ‘સાલા’માં પ્રગટતો તિરસ્કારનો ભાવ માણવા જેવો છે. રોજ રોજ હાંફી જતાં ફેફસાંને ક્યાં સુધી વેંઢાર્યાં કરવાનાં. હવે શ્વાસની આ ધમણ અટકે તો સારું એવો ભાવ છે. ખાસતાં ખાંસતાં ‘જીવ પર આવી જવા’ની ને છતાં જીવી ગયાની વેદના પણ અહીં સુપેરે પ્રગટી છે.
‘ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ,
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?’
દુનિયા-પૃથ્વી ગોળ છે, સૂરજ-ચાંદોય ગોળ છે, આંખે છે એ ચશ્માંય ગોળ છે. ‘ગોળ’ ‘ગોળ’ શબ્દોની આવલિ વડે કાવ્યાત્મકતા ઊભી થાય છે તો એનો અર્થસંકેત ચકરાવા સુધી લઈ જાય છે. વેદના માણસને રડાવી દે છે. એથી ઊમટતાં ઝળઝળિયાં પણ ગોળ છે. પૃથ્વીનો છેડો ઘર છે એટલે રસ્તાય ગોળ વળી ગયા છે, ને ‘જીવ’, એ ય ગોળ. અહીં પુનર્જન્મની વાતને સાંકળવી હોય તો સાંકળી શકાય. એક યોનિમાંથી બીજી યોનિમાં પ્રવેશતો જીવ યોનિ બદલ્યા કરે અને આખરે પુનઃ પુનઃ જન્મ ધરતો ફર્યા કરે, ગોળ ગોળ. પણ ના, અહીં ‘ગોળ જીવે હાંફવા’માં તો પેલો વલોપાતનો ભાવ છે. જીવ સતત વલોવાયા કરે છે, વમળાયા કરે છે એ ભાવ મુખર થાય છે.
ગઝલની અંતિમ પંક્તિઓ- ‘હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?’ માણસની લડાયક વૃત્તિ, એમાં જીત મેળવવાની જિજીવિષા અને નાસીપાસનો ભાવ વ્યક્ત કરે છે. જીતવાની ઝંખના સૌ કોઈને હોય એટલે ઝૂઝતા તો હોય જ. વૃદ્ધોની સ્થિતિ જુદા આયામની છે. એમણે ઝૂઝવાનું છે જાત સામે. એમને મન હોડ, હાર, જીત બધું નકામું છે. પ્રશ્નવાક્ય દ્વારા વિધાનવાક્યની ગરિમા રચી આપીને કવિએ પોતાની ભાષાસિદ્ધિ દ્વારા ચમત્કૃતિ સર્જી છે.
કાવ્યના ભાવજગતને માણ્યા પછી થોડુંક એમાંના શબ્દો વિશે- આ ગઝલમાં બોલચાલના શબ્દોનો ખાસ વિનિયોગ થયો છે. તળપદાં ભાવ-ભાષા-શબ્દો એ રમેશ પારેખની શૈલી છે. ચીજવસ્તુ, ખાલીખમ્મ, પાલવવું, આખેઆખું, સાલાં, ઝળઝળિયાં, હોડ જેવા શબ્દ લોકબોલીનો પ્રયોગ છે. અહીં લોકબોલીનો એક નવતર પ્રયોગ માણવા-જોવા જેવો છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ‘ચીજ’ સ્ત્રી-લિંગ છે. એની આગળ આવતો ‘શું’ એ નાન્યેતર છે. ‘શું ચીજ છે’ને બદલે ‘શી ચીજ છે’ હોવું જોઈએ, પણ કવિને એ બંધનો નડે છે એટલે એણે લોકબોલીનો આશરો લીધો છે.

અજિત મકવાણા
(સેક્ટર-૧૩ એ, પ્લોટ નં. ૬૬૨/૨, ગાંધીનગર, મો. ૯૩૭૪૬ ૦૬૫૫૪)

 

Home    ||   Editorial Board    ||    Archive   ||  Submission Guide   ||   Feedback   ||  Contact us   ||  Author Index