Included in the UGC-CARE list (Group B Sr. No 172)

16 November 2010

દિવસ મારા માટે કલાક જેવો. જાણે કાંસાનો વાટકો. અઠાવાડિયું દિવસ જેવું. જાણે હેન્ગર પર લટકતું ખમીસ. ને મહિનાઓ ઍથવાડિયા. કપાયેલા ઊડતા પતંગ. સમય ભગાડે. અમારા કેલેન્ડરમાં દિવસો કે અઠવાડિયાં ન હોય, મહિનાઓ હોય. જાત સાથે વાત કરવાનું યાદે ય ન આવે. ૨૦૦૭થી ૨૦૦૯ દરમ્યાન ખાસ એવું બન્યું. એલ્જિબ્રાનો કશો દાખલો ગણતા હોઈએ એવી ચોકસાઈથી વિઝા-પેપરો તૈયાર કરવાનાં, વહુને દાગીના સોંપતા હોઈએ એમ કુરિયરવાળાને સોંપવાનાં. ખબર હોય કે પ્હોંચે જ પ્હોંચે. તોય પૂછવાનું- પ્હોંચશેને. અમેરિકન કોન્સ્યુલેટના અનુકૂળ ઉત્તરની રાહ જોવાની- જાણે છોકરાવાળાની ‘હા’ માટે જોતા હોઈએ. આગળની કાર્યવાહી માટે બીજાં પેપરો તૈયાર કરવાનાં, તે પછીના ઉત્તરોની પણ તેવી જ રાહો જોવાની. વિઝાના ઈન્ટર્વ્યુની તારીખ મળ્યે પ્હોંચી જવાનું. જાણે જાતના કે ગીગાના લગનમાં નીકળ્યાં. ટિકિટ બૂક કરાવવાની. એજન્ટ જોડે ઝીણવટભરી મસલતની જે મજા, જાણે આખેઆખું વિમાન ખરીદવા નીકળ્યા...! અમેરિકા પ્હોંચ્યા પછી જેમાં ગ્રીન-કાર્ડ આવે એ મેઈલની રોજ્જે રાહ જોવાની. નિરન્તર સર્વત્ર લીલું ભળાય. જોકે એવું ગ્રીન નથી હોતું, જેટલું કલ્પી લેવાય છે. આવ્યે પછી બધી ખબરો પાવાનું શરૂ થાય છે. સાથોસાથ, સાહિત્યના રોજિન્દાં કામો તો ખરાં જ. આ બધી વખતે સમય મને એવો વહાવે કે દિવસ કલાક લાગે, અઠવાડિયું દિવસ લાગે, મહિનાઓ અઠવાડિયાં...

જાત સાથે વાત કરવાનું યાદ ન આવે તેને ઘણા સુખ ગણે છે. તમારા ભટસાએબને તો ઘડીનીય નવરાસ કાં છે ? મિસિસ ભટ્ટ જ્યારે મળે ત્યારે કહેતાં હોય છે. ગામ જઈએ ત્યારે ફળિયામાં રામજીભાઈનાં વહુ ચમ્પાબા વાતવાતમાં કહેતાં હોય-ઈમને તો જનમદિયે યાદ ના ઓય, બોલો, એટલા બીજી ઓય છે ! ચમ્પાબાના મોંમાનું ‘બીજી’ અંગ્રેજી ના જોઇએ-વાળાના લમણે ઝીંકવાને મન થાવ, પાડ માનો ભગવાનનો. લોકોનો તો દા’ડોય ખૂટતો નથી. મને થાય, જિન્દગી ઝટ પત્યે સુખ ? કે દુ:ખ ? ના પત્યે દુ:ખ ? કે સુખ ? આ એવો સિક્કો છે જેની એક બાજુએ સુખ ચીતર્યું છે ને બીજી બાજુએ દુ:ખનો લપેડો છે. નાનપણમાં વરસાદના દિવસોમાં જુદી જુદી જાતની પણ જીવલેણ મજાઓ આવતી એમાંની આ અત્યારે યાદ આવે છે : એક-પૈસાના સિક્કાને ભીની જમીનમાં બરાબર ખોસવાનો, પછી એના પરની માટીને એડીથી દબાવીને એક ઝડપી ચકરડી લેવાની. બીજી બાજુ માટે, ફરીથી એમ કરવાનું. પૈસા ચકચકાટ ! એવું લાગે. એમાંનું તાંબુ આંખને આંજે છે. ઘડીમાં આગળથી તો ઘડીમાં પાછળથી નીરખ્યા કરું. સુખ-દુ:ખના સિક્કાને વારંવાર ફેરવી જોયો છે પણ નીરખ્યાનું વળતર કંઈ મળ્યું નથી. શુદ્ધ કંટાળો જરૂર આવ્યો છે.

ઊંધું પણ થાય. કે મેં મને પાંજરે પૂર્યો છે ને સમયને કીધું છે કે તું તારે, જવું હોય ત્યાં જા. એણે મને નહીં, મેં એનેન ભગાડયો છે. સતત સમયના સકંજામા જ હોઉં. આજે તારીખ ૧૬ થઈ, પણ ચિત્ત ૨૧, ૨૪, ૨૭-૨૮, ૪-૫ કે ૧૦-૧૧માં સંડોવાયા કરે, દેખાયા કરે, કેમકે તે તારીખોએ માઋએ વ્યાખ્યાનો માટે જવાનું હોય. વિષય-વસ્તુઓની ફકરાબન્ધ અવરજવર. વચ્ચેના કલાકો દિવસો અઠવાડિયાં મને દેખાય જ નહીં. ઉંદરકરણી યાદ આવે છે. ત્યારે તો ‘ઉંદરકઈની’ કહેતા. સવારે એ ત્રણ-ચાર ના-સમજને સપડાયેલા જોવાથી થતું. અરે વાહ ! જાણે શી યે ધાડ મારી ! દિવસભરનો આનન્દ ગટક કરતોક કોઠામાં ઊતરી જતો. સ્કૂલમાં કહેતા, તેં કેટલા ? મેં તો પુરા પાંચ ! જોકે એમને ઉકરડે છોડવા જવાની એક વધારાની મજા હતી. કોકને તો એવું ગમી ગયું હોય, નીકળવું ન હોય, ટપલા મારવા પડે. પિતાજી કહેતા, એવો ઉંદર ફૂંકીને કરડનારો હોય; માણસો પણ એવા હોય છે, ધ્યાન રાખવું. સવાલ એ છે કે ધ્યાન ક્યારે રાખવું – કરડાઈ રહીએ પછી જ ને ? છૂટેલા બધા જુદી જુદી દિશામાં દોડ્યા જાય. જોકેરાત પડ્યે ઘરોમાં એ જ બધા પાછા દોડી આવતા હશે. અનિષ્ટ ચક્રાકારે ફરતું હશે કેમકે એ અવિનાશી હોતું હશે. મને થાય, ઉંદરકરણીમાં ‘ગલ’ મૂકી-કરીને ગોઠવ્યાની ઘડીથી રાહ જોતો’તો તે કોણ ? એ ય પુરાયેલો હતો કે કોઇ બીજું ? ટ્રેપમાં બીજાને પૂરીએ કે તરત એક ઉઘાડા પોલાણમાં જાતે જ પુરાઈ જવાતું હોય છે, એટલા ઉકરડાની જુદી, નામજોગ, વ્યવસ્થા પણ નથી હોતી.

ટ્રાફિક-જામ નામનું એક શહેરી દુ:ખ છે, કાયમી છે. છતાં દરેક જામનું પ્રવાહણ થાય, ટ્રાફિક ધીમો પડે, ને એકાદ મિનિટનો ખાલી એવો પટ્ટો પડે. તેમાંથી તમે પ્રેમથી પસાર થઈ શકો. ચાલવા નીકળીએ ત્યારે એવા પટ્ટામાંથી પસાર થતાં લાગે, દુનિયા કેટલી તો સંવાદી ધોરણે ચાલે છે. આ નાનું એવું શહેરી સુખ છે. છકી જઈ, તમે કહી શકો : લાવો લાવો, જેટલાં લવાય એટલાં વાહન લાવો. નવી નવી કારો લાવો, નિસાનવાળાની માઈક્રા લાવો, ફીઆઋવાળાની લીનિયા લાવો, ફોર્ડની ફીગો લાવો; રૂડી રૂપાળી દોડતી નાસતી બાઈકો લાવો. કશી સાડીબારી નથી, મને મારગ જડી ગયો છે. મારગ જેને જેને જડી ગયો લાગતો હોય છે તેઓ બધા આવી બૂમો પાડતા પણ હોય છે. ત્રીસ વરસથી માણેકચોકમાં સેટ થયેલા ચન્દુભાઈ મને અવારનવાર કહે : ભાઈ, શહેરમાં સુખ, શોધે તેને મળે જ મળે. મને થાય આ-નું-આ વાક્ય પરમ દિવસે તો બોલેલા. હું હા ભણું એટલે કાતરેલી સોપારીનો ચૂરો થોડો મને આપી બાકીનો પોતાના મોંમા ઓરી જાય ને સૂડીને ધ્યાનપૂર્વક પાનપેટીમાં ગોઠવે. એમને સોપારીભર્યા મોંએ બોલવાની ટેવ છે. આંખો ચકળવકળ ને શબ્દોની તૂરાશ વાતાવરણમાં જે છંટાય-અભિવ્યક્તિની શી અદા ! ત્યારે મને ચન્દુભાઈનું ડાચું પોચા લાકડાનું લાગે. જોકે વાહનોને તો બ્રેક હોય છે, દેખીતી, સ્પષ્ટ લગાડાયેલી. પણ માણસોને નથી હોતી. મેં વારંવાર તપાસ્યું છે, શરીરના કોઈ ભાગમાં છે નહીં. શહેરમાં સુખ શોધે તેને મળે જ મળે... ચાર દિવસ લગી આ વાતે મારો કેડો નહીં મેલેલો...

20 November 2010

૨૦ નવેમ્બરે શું થયું, ખબર છે ? ના, તમને ખબર ના હોય : સ્વામી અસીમાનન્દની ધરપકડ. પાડોશી મનહરભાઈ શાસ્ત્રી ભાષાજ્ઞાની – હું એમને કાઠિયાવાડી સ્ટાઈલમાં શાસ્ત્રીભાઈ કહું છું- તે તરત બોલ્યા: માણસ અ-સીમ આનન્દનો સ્વામી થવા નીકળ્યો હોય તો શું થાય, સુમનભાઈ ? ‘અ’-ને ડાગળી ખસેડતા હોય એમ ‘સીમ’-થી ખસેડીને બોલેલા. મેં કહ્યું, પણ, સિગારેટ પીતી ઐશ્વર્યા રાયનાં હોર્ડિન્ગ્સ બાબતે ડૉક્ટરોનો મોરચો પણ નીકળ્યો છે. મને ઐશ્વર્યા અસીમાનન્દી, અ-સીમાનન્દી, લાગેલી, છતાં મેં પૂછ્યું, એ અંગે તમે કંઈ ભાષિક પ્રકાશ પાડો ખરા ? વેઈટ વેઈટ, શાકાહારી શૈલીનો પ્રચારક જહોન અબ્રાહમ ઝિંગા વગેરે દરિયાઈ જીવો ખાતાં ઝડપાયો છે. એ અંગે પણ કંઈ ? અરે શાસાહેબ, તમે યાર, આટલાથી ખુશ થાવને ! ના ખુશ થવાનું ક્યારે છોડશો ? ભાષા છે, ને છાપાં છે, તો આટલું પ્રકાશમાં આવ્યું ! બાકી શું ? મનેય થયું, બાકી શું પણ પછી ઐશ્વર્યા રાયને સિગારેટ ફૂંકતી કલ્પવાની મજા આવી. થયું, ત્યારે મિસ્ટર બચ્ચન ક્યાં બેઠા હશે-? સામેની બાલ્કનીમાં બેઠેલી માંજરી બિલાડીને છીંક આવી. બપોરે જમતો’તો ત્યારે મેં ટીંટોળાનું શાક ખાતા જહોન અબ્રાહમને વિચારી જોયો...ખાતો’તો જોકે હું...

જમ્યા પછી હું મારા ગામને ઘરે, હીરાભાગોળે, જતો’તો. શાકાહાર-માંસાહારને સુખ-દુ:ખના પેલા સિક્કાની જેમ ફેરવવા કરતો’ તો પણ; એકાએક; ઘરેથી કશા માટે ‘વકીલના બંગલે’ નામના ઠેકાણે ગયેલો, એની બાજુના ઊંચા ઓટલાવાળા એક મકાનમાં મારા કોળેજ-મેટ રણછોડને મળવા. રણછોડ પ્રખ્યાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયેલો, હું કોમર્સમાં બે વાર નાપાસ થયેલો. રણછોડ રાજેશ કહેવાતો, પણ મને એ નામ સાલું મોઢે ચડે જ નહીં ! નાપણની ટેવો પણ કેવી જળો હોય છે. ઘર અવાવરુ ને ઉજ્જડ છે એમ સમજું ત્યાં બદામી બરમૂડા પહેરેલો એક વિદેશી દેખાતો, અંગ્રેજ જેવો, ગટુડો જણ અંદરના ઓરડેથી ઉમ્બરા ઓળંગતો ને અંધારું ખસેડતો ખસેડતો ભાર આવ્યો. બહુ ગોરો હતો. પણ એટલો જ ગટ્ટો. ઉપર કંઈ પ્હેરેલું નહીં તે એની છાતી સ્તનવાળે લાગતી’તી. વાળ ન્હોતા. પૂછ્યાગાછ્યા વિના મારી હથેળી જોવા લાગ્યો : યુ આર મેડ ટુ લાસ્ટ : વ્હોટ ! ? યુ હેવા લોન્ગ લાઈફ : તમે પામિસ્ટ છો ? મારા પિતાજી પણ પામિસ્ટ હતા, મારે શીખવું છે, શીખવશો ? ડુ યુ હેવા લેપ્ટોપ ? : ય્યાયા ય્યાયા ! બટ નૉટ વિથ મી હેયર; અબ્બીહાલ લઈ આવું; ઊભા રહેજો હાં : હીરાભાગોળના ઘરે લેપટોપ લેવા દોડ્યો. ઘૂસ્યો, બગલમાં દબાવ્યું, પણ ઘરની બ્હાર નીકળાય જ નહીં ! શી ય હતી એ ટ્રેપ ! આંખો ખૂલી ત્યારે બેડરૂમની છત મારા પર તૂટી પડેલી. મને થાય, સપનાની બ્હાર નથી નીકળી શકાતું કેમકે સપનાને ન દેખાતી દીવાલો હોય છે. એ તોડીને જ બ્હાર અવાય છે. ત્યારે અંદર અને બ્હાર વચ્ચે એક નાનું પણ અતિ ઝડપી યુદ્ધ ખેલાયું હોય છે. નાનપણાનું પણ એમ જ હશે ?

જોકે સપનાની જેમ જ દરેક શબ્દ પૂર્ણ હોય છે તે જ રીતે અપૂર્ણ હોય છે. કમલ શબ્દ એ જાતિના ફૂલ માટે છે. એ અર્થમાં પૂરો. પણ એથી વિશેષ કંઈ નહીં. એ જો પૂરોશૂરો છે તો એને પાછા કમળ પણ શું કામ કહે છે ? કમલ નિશાળે જાય છે-એ વાક્યમાં કમલ પરોવાય ત્યારે ફૂલ માટે ના હોય, એ નામના વિદ્યાર્થી માટે હોય. પૂરો હોય તો એવું થાય ? કમલ દોડતી દોડતી નિશાળે જાય છે – એ વાક્યમાં કમલ પરોવાય ત્યારે ફૂલ માટે તો નહીં જ, વિદ્યાર્થી માટે પણ નહીં, પણ એ નામની વિદ્યાર્થીની માટે હોય. એ પૂરો હોય તો એવું થાય ? જો ફૂલ માટે કમલ છે જ, તો લોટસ શા માટે છે ? પૂરો હોય પછી ? ભાષા પૂરી ખરી પણ આમ અધૂરીય ખરી. ભાષામાં ભરોસો રાખી શકાય, રાખવો જોઈએ, પણ ન પણ રાખવો જોઈએ. છતાં શાસ્ત્રીભાઈને પૂછીશ. ભાષાજ્ઞાનીને પૂછવાથી બધું સરળ થઈ જાય છે. એકને એક બે. એ લોકો એવા ઉસ્તાદ હોય છે. વિષયના ખાં. જોકે એક નુકસાન છે-ગૂંચવાયેલું તમારી કને રહી જાય...જેમકે પેલો ગોરો ગોરો પામિસ્ટ બાપડો... રહી ગયો છે મારી પાસે, મારી રાહ જોતો...એનું નામેય ના પૂછ્યું...કેવો છું...! ઓ ઊભા શાસ્ત્રીભાઈ-આંગળીઓ હલાવી બોલાવે છે. એક બેબીએ મને કહેલું, અન્કલ, એને, વેવ કરે છે કહેવાય. પણ મને ઠીક નહીં લાગેલું. એમને હું પૂછીશ, યુ આર મેડ ટુ લાસ્ટ, બરાબર છે-? એટલે શું સમજવાનું ? કહેવાના, રીફર કરવું જોશે, કાલે કહીશ. કોઈ ચીજ ચોપડીમાં જોયા વિના કહેતા જ નથી. ગ્રન્થાગારમાં ઊંડે વહ્યા જાય. મને થાય, મી હેવા લોન્ગ લોન્ગ લાઈફ તે કેટલા ઘણા સુખની વાત...ત્યાં જ, સિક્કો ઊંધો, ને પેલો લપેડો, જાણે છોભીલો પડી ગયો...!

બપોરના ત્રણ આસપાસ એક ગમ્ખવાર બનાવ બન્યો. કૂતરું ટૂંટિયું વાળીને ઘસઘસાટ ઊંઘતું’તું. અમારા એરિયાના કૂતરાં રાતે જાગે-કશી રોકટોક વગર ભેગાં મળી ખુલ્લાસથી ભસાય એ માટે. એક સજ્જનનો પગ એની પર એવો પડ્યો કે કૂતરાએ ડોક ઘુમાવી ડોળ કાઢી જોરદાર બચકું ભર્યું. મોટા છરા જેવું ડા’વુય નાખેલું સજ્જન શાણો, કેમકે પોપટિયું ભણેલો, ૧૪ ઈન્જેકશન ઝટ લઈ લીધાં. દાક્તર લોભિયો, તે ફટ આપી પણ દીધાં. છેવટે પરિણામ શું અવ્યું, જાણો ? ના, તમે નથી જાણતા. કુતરું બાપડું હડકાયું કહેવાયું, એરિયા આખામાં વગોવાઈ ગયું ! બધા એનાથી છેટા રહે ને દરેક જનું બીજાને કહેતું ફરે, હડાકાયું છે હાં, સાચવજો... વાવડ વાએ ફેલાયા ત્યારે પેલી બેબી બસ્સ્ટેન્ડે ઊભી’તી ને થોડી-થોડી વારે ઊંચી-ઊંચી થઈને બસની દિશામાં રાહ જોતી’તી. મને થાય, એને પાછી બોલાવી લઉં...પણ વેવ કર્યા વિના, જાતે જઈને...કદાચ બચાવી લેવાય...શું કહૉ છૉ ?

ડો. સુમન શાહ, જી । 730 શબરી ટાવર, વસ્ત્રાપુર અમદાવાદ-380015 ફોન- 079-26749635. મેઈલ આઈ.ડી. suman_g_shah@yahoo.com