Download this page in

‘ધ ઇન્ડિયન એન્ટીક્વેરી’ સામયિકમાં મેજર જે. ડબલ્યુ. વોટ્સનનું લોકસાહિત્ય ક્ષેત્રે પ્રદાન

સતત વિસ્તરતા રહેતા, જૂજવે રૂપે અનંત ભાસતા જગતની સામગ્રીને વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં જીવંતરૂપે રજૂ કરવામાં સાહિત્યિક સામયિકો અગત્યનો ફાળો રહ્યો છે. આ બાબતે ‘ધ ઇન્ડિયન એન્ટીક્વેરી’ સામયિકની પણ બહુ મોટી ભૂમિકા રહેલી છે. આ સામયિક ઈ.સ. ૧૮૭૨મા જેમ્સ બર્ગેસ દ્વારા મુંબઈ માં શરુ થયેલું અને ઈ.સ. ૧૯૩૩ સુધી એમ કુલ ૬૨ વર્ષ ચાલતું રહ્યું. આ સામયિકમાં ભારતના જુદા જુદા વિષયોને લગતા લેખોનો સમાવેશ થાય છે. તેમાં લોકસાહિત્ય, પુરાતત્વશાસ્ત્ર, ભૂગોળશાસ્ત્ર, ઇતિહાસ, ભાષા, સાહિત્ય, સિક્કા શાસ્ત્ર, તત્વજ્ઞાન, ધર્મ વગેરે વિષયો મુખ્ય છે. આ સામયિકમાં ગુજરાતી તથા ભારતીય સંશોધક-સંપાદકો ઉપરાંત વિદેશી (યુરોપિયનો) સંશોધક-સંપાદકોનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. તેમણે જુદાં-જુદાં વિષયોને લગતા લેખ આ સામયિકમાં આપ્યા છે. જી. બુલ્લર, જે. એફ. ફ્લેટ, જેમ્સ બર્ગેસ, વિલિયમ ફોસ્ટર, જે. ડબલ્યૂ. વોટ્સન, એફ. જે. રીચાર્ડ, ડબલ્યુ. રામસિ, ઈ. રેહતશેક, શંકર પાંડુરંગ પંડિત, રામચન્દ્રજી, દલપત પ્રાણજીવન ખાખર, ડી. જી. ગાંગુલી, આર. આર. હોલ્ડર જેવા સંશોધક-સંપાદકોએ ઇતિહાસ વિષયક લેખ આપ્યાં છે. આ ઉપરાંત જે. એફ. ફ્લેટ, જી. બુલ્લર, સેલ્વિંગ લેવી, રામક્રિષ્ના ગોપાલ ભંડારકર, મેજર જે. ડબલ્યુ. વોટ્સન, ભગવાનલાલ ઇન્દ્રજી પંડિત, કાશીનાથ ત્રિમ્બક, એચ. એચ. ધ્રુવ, વ્રજશંકર ગૌરીશંકર, સી. આર. સિંધાલ, ડબલ્યુ. એચ. મોરલેન્ડ જેવા સંશોધક-સંપાદકો પાસેથી સિક્કાશાસ્ત્ર અને પુરાતત્વશાસ્ત્ર વિષયક લેખ પ્રાપ્ત થયા છે. આ બધા વિષયોની સાથે ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ માં ભારતના જુદાં-જુદાં પ્રદેશોના લોકસાહિત્ય વિષયક લેખોનો સમાવેશ થયો છે. તેમાં પંજાબ, બંગાળ, કાશ્મીર, મહારાષ્ટ્ર, કોંકણ તથા દક્ષિણ ભારતના લોકસાહિત્યની સાથે ગુજરાતના લોકસાહિત્યનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના લોકસાહિત્યક્ષેત્રે જેમ્સ બર્ગેસ, મેજર જે. ડબલ્યુ. વોટ્સન, આર. ઈ. એંથોવન, કપ્તાન ઈ. વેસ્ટ, ઈ.જી. ક્રવ્ફોર્ડ જેવા યુરોપિયનનો તથા પૂતળીબાઈ ધનજીભાઈ વાડિયા, ગિજુભાઈ બધેકા, શોરાબજી કાવસજી ખંભાતા, કે. રઘુનાથજી જેવા ગુજરાતી-ભારતીય સંશોધક-સંપાદકોએ પોતાનો ફાળો આપ્યો છે. તો અહીં ‘ધ ઇન્ડિયન એન્ટીક્વેરી’ સામયિકમાં ગુજરાતના લોકસાહિત્ય ક્ષેત્રે જે. ડબ્લ્યુ. વોટ્સને જે પ્રદાન કર્યું છે તેના વિશે વિસ્તારથી વાત કરવાનો આશય છે.

મેજર જ્હોન ડબલ્યુ. વોટ્સનનો જન્મ ઈ.સ. ૧૮૩૮ની ફ્રેબ્રુઆરીની છઠ્ઠી તારીખે થયો હતો. તેઓ ઇગ્લેન્ડના બ્રિસ્ટોલ પરગણાના ક્લિફટન ગામે જન્મેલા. વોટ્સન માત્ર સોળ વરસની ઉંમરે લશ્કરમાં જોડાઈને ભારત આવેલા અને પુણે, મુંબઈ, રાંચી, ગોંડલ, કોલ્હાપુર, ભાવનગર વગેરે સ્થળોએ લશ્કરી હોદ્દા સંભાળેલા. ભારતમાં તેઓ ચોત્રીસ વર્ષ સુધી રહ્યા હતા. તેમને ઇતિહાસ અને પુરાતત્વમાં ઊંડો રસ હતો. તેઓ સૌરાષ્ટ્રના અત્યંત સફળ અને લોકપ્રિય પોલિટિકલ એજન્ટ હતા. સમગ્ર સૌરાષ્ટ્રની જમીન, પ્રજા, ઇતિહાસ, ઉપજ, રીત-રિવાજો, ખેતી, ઉદ્યોગો, વેપાર, અર્થતંત્ર, ન્યાયતંત્ર, શિક્ષણધર્મ, હોસ્પિટલો, જોવાલાયક સ્થળો અને પુરાતત્વનો અભ્યાસ કરી ઈ.સ. ૧૮૮૬માં ‘કાઠિયાવાડ ગેઝેટિયર’ નામનો સર્વસંગ્રહ આપ્યો. આ ઉપરાંત વોટ્સને સૌરાષ્ટ્ર, જૂનાગઢ, જામનગર, ભાવનગર, ધ્રાંગધ્રા, પોરબંદર અને ગોંડલ વગેરેની આંકડાકીય માહિતી આપતા ગ્રંથો ‘સ્ટેટિસ્ટિકલ એકાઉન્ટ્સ’ પણ આપ્યા છે. આ ગ્રંથોમાં જે તે રાજ્યની ઇતિહાસ સહિતની આંકડાકીય વિગતો છે. વળી, વોટ્સને ‘હિસ્ટ્રી ઑફ કાઠી’ પુસ્તક લખ્યું હતું. પરતું એ હજુ સુધી પ્રકાશિત થયું નથી. વલ્લભજી હરિદત્ત આચાર્ય સાથે મળીને વોટ્સને સૌરાષ્ટ્રમાં ઘણા પ્રવાસો કરેલા. એલેક્ઝાન્ડર કિન્લોક ફોર્બ્સની ‘રાસમાળા’ની પ્રસ્તાવના પણ તેમણે લખેલી. ઊંઘની દવાના વધુ પડતા ડોઝથી ઈ.સ. ૧૮૮૯ના માર્ચની ચોવીસમીએ માત્ર પચાસ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયેલું.

જહૉન વોટ્સને ‘ધ ઇન્ડિયન એન્ટિક્વેરી’ સામયિકમાં ઈ.સ. ૧૮૭૩થી ઈ.સ. ૧૮૭૯ના વર્ષાના અંકોમાં કાઠિયાવાડને લગતી કેટલીક લોકકથાઓ પ્રગટ કરી હતી. એમાં જૂનાગઢના ચુડાસમા રાસ, રાણી પિંગળા, મારવાડના સ્થપાયેલ રાઠોડ રાજ્ય, રજપૂતોની ડાભીશાખા અંગેની લોકકથાઓનો સમાવેશ થાય છે. વોટ્સને આ કથાઓનો કાળનિર્ણય કરવાનો તેમજ એના સાંસ્કૃતિક સંદર્ભોની ચર્ચા કરી છે. વળી એક જ દંતકથા અનેક પ્રદેશોમાં અને જુદી-જુદી બોલીઓમાં મળતી હોવાથી વોટ્સને આ કથાઓનું તુલનાત્મક અધ્યયન પણ કર્યું છે.

ઈ.સ. ૧૮૭૩નાં ઓગષ્ટના અંકમાં ‘Story of Rani Pingla’ નામનો લેખ મળે છે. આ કથામાં ચંદ્રાવાતીના પરમાર વંશનાં રાજા હૂણ અને રાની પીંગળાની વાત છે. રાજા એક વખત શિકાર કરવા ગયા. ત્યાં પહેલેથી એક પારધી શિકાર માટે આવ્યો હતો. તેવામાં સાપના ડંખથી પારધીનું મૃત્યુ થયું. થોડા સમય પછી પારધીની પત્ની પતિની શોધમાં આવી. પતિને મૃત્યુ પામેલો જોઈને રૂદન કરવા લાગી. પછી લાકડાં ભેગા કરી પતિના શબ સાથે ચિત્તા પર બેસી અને સતી થઈ. આ બધુ સંતાઈ રહેલા રાજાએ જોયું. મહેલમાં આવીને રાણીને આખી વાત કરી. પોતે આજ સુધી પારધીની પત્ની જેવી સતી સ્ત્રી જીવનમાં ક્યારેય જોઈ નથી એમ રાજાએ કહ્યું, આ સાંભળીને રાણીએ કહ્યું કે, ‘ખરી સતી સ્ત્રી એ જ છે જે પતિના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ મૃત્યુ પામે’. આ ઘટના બન્યા પછી રાજાએ રાણીની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. તેઓ યુક્તિ કરી શિકારનાં બહાને મહેલની બહાર નીકળી ગયા. થોડા સમય પછી એક રબારીના હાથે પોતાના મૃત્યુના સમાચાર રાજાએ રાણીને મોકલ્યા. રાજાના મૃત્યુના સમાચાર સાંભળતા જ રાણી પિંગળા મૃત્યુ પામ્યાં. રાજાની ગેરહાજરીમાં દાસીઓએ રાણીના મૃતદેહને મહેલમાં જ સાચવી રાખ્યો. જંગલમાં રહેલા રાજાને રાણીના મૃત્યુના સમાચાર મળતા તેઓ અત્યંત દુ:ખી થયા અને રાજકાજ છોડીને વૈરાગ્યના માર્ગે વળ્યા. ગુરૂ ગોરખનાથે ખૂબ સમજાવ્યા પણ રાજા હૂણ માન્યા નહીં. તેથી ગુરૂ એ સંજીવની વિદ્યા દ્વારા રાણી પિંગળાને સજીવન કર્યા અને રાણીને આખી વાત કરી તથા રાજાને રાજ્ય ન છોડવા સમજાવવા કહ્યું. પણ રાજાએ રાણીની વાત પણ ન માની. તેમને કહ્યું કે, ‘તે ફરીથી રાજા તરીકેનું જીવન જીવવા માગતા નથી પણ ગુરૂ ગોરખનાથના શિષ્ય તરીકે જ રહીને વૈરાગી જીવન જીવવા માગે છે.’ આ સાંભળીને રાણી પિંગળાએ રાજા તરફ ઠપકાભરી નજર કરી પછી અદ્રશ્ય થઈ ગયાં. થોડા સમય પછી શેષમલજી ચૌહાણે એક રાજા-રાણી વગરના અવ્યવસ્થિત રાજ્યને જોઈને હુમલો કર્યો અને આ રીતે રાજા હૂણ સાથે પરમાર રાજવંશનો અંત આવ્યો.

‘Legends of the earlier Chudasama Ras of Junagadh’ લેખ ઈ.સ. ૧૮૭૩ના નવેમ્બરનાં અંકમાં મળે છે. તેમાં પાટણના રાજા અને વંથલી જૂનાગઢનાં પાંગરતા રાજવાશોની કથા, એ બંને વચ્ચે થયેલા યુદ્ધો, એ યુદ્ધો નિમિત્તે લખાયેલા દુહાઓની દંતકથાનું સંપાદન કરવામાં આવ્યું છે. જે. ડબલ્યુ. વોટ્સન પોતે ગુજરાતી કે ભારતીય નથી પણ યુરોપિયન હોવા છતાં લોકકથામાં જે દુહા આવે છે તે દુહાઓનું કેટલું બધું મહત્વ છે, તેનો આ સંશોધકને પૂરો ખ્યાલ છે. આથી તેમણે લોકકથાઓના સંશોધન-સંપાદનમાં દુહાઓનો સમાવેશ કર્યો છે. જેમ કે,
“કાલીંદ્ર મંદીરમે દેવગર દરપે સકળંક લલકે સહી ǀǀ
ગઢ સાત્રીસ રાઊ ગરનારે ગારીએ કનોજ ગ્રહી ǀǀ
પંડ રાજેંદ્ર દલ પાંગલો લીલાવતો સહેસ લીધો ǀǀ
કાઢે અરી મુળ કલોધર પૂર્વે સાગર જળ પીધો ǀǀ
સહુ વેદેશ તણા રાઅ ચુડ હરા બોલાવી થાનકે બેસારીયા ǀǀ
પ્રસવ વેરાટના વધુંસે પટોધર ગઢ પરબત અણગારીઆ ǀǀ
ગઢ પરબત ગવાલર ગંગ ત્રઠ આખી પુરવ ધર કરી આપણી ǀǀ
અસપત ગજપત નરપત ધર ઊભે ગારીઓ થયો ધણી ǀǀ” November,1873. Pg, 313)

આ જ રીતે પાટણના રાજાએ સોમનાથની યાત્રા વખતે વંથલીના રાજકુમારી પ્રત્યેના પ્રેમ માટે અને એની પ્રાપ્તિ માટે કરેલા યુદ્ધાની કથા પણ અહીં જોડાય છે. વાલા વારસિંહજીના પુત્ર વાલારાજની કથાને પણ આ લેખમાં સાંકળી છે. કુમારપાળના સમયમાં વલ્લભીનગર ગુજરાતનું પાટનગર હતું. તે સમયની કથાઓને વોટ્સને આ લેખમાં વણી લીધી છે. તેમજ રામરાજને પુત્ર ન હોવાથી તેની બહેનને નગરઠઠ્ઠામાં પરણાવી છે. તેનો પુત્ર જુનાગઢનો પ્રથમ ચુડાસમા રાજા બને છે. તેમના યુદ્ધોને દુહાઓમાં વર્ણવાયા છે. આ ઉપરાંત રા’નવઘણ સવંત ૮૭૪મા સોરઠનો રાજા થાય છે. તેની સાથે અખેરાજ સીરોહિનો રાજા થાય છે. તેની કથાને પણ જોડવામાં આવી છે.

ઈ.સ. ૧૮૭૩ના ડીસેમ્બરના અંકમાં ‘Legend of the Rani Tunk’ નામની દંતકથા આપી છે. અરવલ્લીની ગીરીમાળામાં રાનીની ટૂંક આવેલી છે. આબુથી ડીસા તરફ જતા રસ્તામાં જોવા મળે છે. આ ટૂંક સાથે સિંઘના રાજા ચંદનસોડાની કથા જોડાયેલી છે. આ કથાનું જે. ડબલ્યુ. વોટ્સને વિગતે આલેખન કર્યું છે-
ચંદનસોડા રાજા શિકાર માટે જાય છે. તેઓ જંગલી સૂવરનો પીછો કરતા ખૂબ દૂર નીકળી જાય છે. લાખો ફૂલાણી પણ શિકારે આવે છે. હવે લાખો ફૂલાણી અને ચંદનસોડાના રાજ્યની હદમાં સૂવરનું મૃત્યુ થાય છે. બંને વચ્ચે સૂવર માટે બોલાચાલી થાય છે કે કોના રાજ્યની હદમાં સૂવરનું મૃત્યુ થયું. અંતે બંનેએ નક્કી કર્યું કે સૂવરનું પેટ ચીરવું, જો શેરડી નીકળે તો લાખા ફૂલાણીના રાજ્યની હદ અને તરબૂચનાં બી નીકળે તો ચંદનસોડાનાં રાજ્યની હદ ગણાય. સાથે શરત મૂકી કે જેનાં રાજ્યની હદમાં સૂવરનું મૃત્યુ થયું હોય તેણે પોતાની બેનના લગ્ન સામેવાળા રાજા સાથે કરાવવા. અંતે સૂવરનું પેટ ચીરતા તેમાંથી શેરડી નીકળે છે. તેથી લાખા ફૂલાણીના રાજ્યની હદમાં આવ્યું. હવે લાખા ફૂલાણીની બહેનનાં લગ્ન ચંદનસોડા સાથે કરાવવાની શરત મૂકી પણ ચંદનસોડા નીચી જાતિનો હોવાથી લાખા ફૂલાણીનાં પરિવારવાળા આ લગ્ન માટે રાજી ન થયા. અને લગ્ન રોકવા એક યુક્તિ ઘડી, ૨૪ કલાકમાં જ ચંદનસોડા લાખા ફુલાણીના નગર કેલાકોટમાં આવે તો લગ્ન થાય, નહિ તો લગ્ન ન થાય. એવી શરત લાખા ફૂલાણીએ મૂકી. ચંદનસોડા માટે એ અશક્ય હતું. તે કોઈ કાળે આટલા ઓછા સમયમાં કેલાકોટ પહોંચી ન શકે. તે મૂંઝાયો પણ તેના નગરના સુથારે ઉડતો ઘોડો બનાવી આપ્યો. તેથી ચંદનસોડા સમયસર પહોંચી ગયો અને લગ્ન થયા, આથી લાખા ફૂલાણીનાં લોકોએ સુથારને જેલમાં પૂરી દીધો. પણ લાખા ફૂલાણીની રાણી જલકું સુથારના પ્રેમમાં પડી અને જેલમાંથી છોડાવીને તેની સાથે ભાગી ગઈ. અંતે જલકું અને સુથાર મારુને સૂરબકારી પર્વતની ટોચ પરથી લાખા ફૂલણીએ ફેકી દીધા. તેમના આ બલિદાનનાં સ્મરણાર્થે ત્યારથી સૂરબકારી ટોચને ‘રાણીની ટૂંક’ તરીકે ઓળખવામાં આવે છે.

ઈ.સ. ૧૮૭૫નાં જુલાઈના અંકમાં ‘Snake Worship’ વિશેનો લેખ મળે છે. તેમાં નાગપૂજાના મહત્વના સ્થળોની વાત કરી છે. થાન ભારતના પ્રાચીન સ્થાળોમાનું એક છે. ત્યાં ત્રિનેત્રેશ્વરનું વિખ્યાત મંદિર આવેલું છે તથા વાસુકી અને ભંડુક નામના સાપના મંદિરો આવેલા છે. તેને ‘ભંડીયાબેલી’ પણ કહેવાય છે. આખા વિસ્તારને ‘દેવપાંચાલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દંતકથા મુજબ એવું મનાય છે કે, આ પ્રદેશ દ્રૌપદીનું વતન હતું. તેથી આખા પ્રદેશને પાંચાલ પણ કહેવામાં આવે છે. સ્કંધ પુરાણમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. તેને થાનપુરાણ પણ કહેવામાં આવે છે. અહીં સૂર્યનું જે મંદિર છે એ સતયુગમાં રાજમંધાતા દ્વારા નિર્માણ પામ્યું હતું. વોટ્સને આ નગરની વિગતો આપી છે. નાગપૂજાનું બીજું મહત્વનું સ્થળ સોનગઢ છે. ચોટીલા પણ નાગપૂજાનું સ્થાન છે. ત્યારબાદ વાંકાનેર પાસે હોલમાતાનું એક મંદિર છે અને ધ્રાંગધ્રામાં સુંદરીમાતાનું મંદિર છે. આ બધા નાગના મંદિરો છે. આ ઉપરાંત કાઠી પ્રજાની ઉત્પત્તિ વિષે આ લેખમાં વિગતે ચર્ચા કરવામાં આવી છે. તેમજ નાગની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેની પણ વિગતે ચર્ચા આ લેખમાં વોટ્સને કરી છે. આ બધા જ નાગ કશ્યપઋષિનાં સંતાનો છે. તેવો ઉલ્લેખ કર્યો છે. ઉપરાંત નાગના જુદા જુદા 12 સ્થાનોનો ઉલ્લેખ છે અને શેષનાગ, વાસુકી, કાલી, ભુજંગ, દુર્મુખ, તક્ષક વગેરે 12 પ્રકારના નાગ ગણાવ્યા છે. લોકસાહિત્યને લગતા લેખો ઉપરાંત તેમણે સિક્કાશાસ્ત્ર, શિલાલેખો, જાતિ વિષયક લેખો તથા ઇતિહાસ વિષયક લેખો પણ ‘ધ ઇન્ડિયન એન્ટિકવેરી’ સામયિકમાં આપ્યા છે. જે નીચે પ્રમાણે છે.

  • Speculation on the origin of the chavadas, (May-1875)
  • Notes on the Dabhi Clan of Rajputs, ( March-1874)
  • On the Relation between the kingdom of Kanauj and Gujarat with Remark’s on the Establishment on the Rather Power in Marwar, (February-1874)
  • A Road Stone Monument in Gujarat, (February-1874)
  • Anecdote of Rao Maldeva of Jodhpur, ( April-1874)
  • Historical sketch of the town of ‘GOGHA’, (Octobar-1874)
  • Sketch of the Kathis Especially those of the Tribe of Khachar and House of Chotila, ( November-1875)
  • Historical sketch of the principal chavada sellements in Gujarat, ( December-1876)
  • Historical sketch of the hill fortress pawagadh in Gujarat, (January-1877)
  • Fragments Releting of Anandapura in Saurastra, (January-1877)
  • The Fall Of Pathan Somnath, (June-1879) (પ્રેસિડેન્ટ રાજસ્થાનિક કોર્ટ કાઠિયાવાડ)
  • Notes on the seacoast of saurashtra with a few Remarks on the Extent of The Chudasama Fule, (July-1879) (પ્રેસિડેંન્ટ ઓફ ધ રાજસ્થાનીક કોર્ટ કાઠિયાવાડ)
આ રીતે મેજર જે. ડબલ્યુ. વોટ્સને ‘ધ ઇન્ડિયન એન્ટીક્વેરી’ સામયિકમાં મહત્વનું પ્રદાન કર્યું છે. યુરોપિયન હોવા છતાં આપણી સંસ્કૃતિને સહ્રદય વસાવીને તેમની જાળવણી કરવાનું ઉમદા કાર્ય તેમણે કર્યું છે. તેમનું આ પ્રદાન આપણી લોક સંસ્કૃતિના જતનનું અતિ મહત્વપૂર્ણ કાર્ય બની રહ્યું છે.

સંસંદર્ભ ગ્રંથ

  1. ‘ધ ઇન્ડિયન એન્ટીક્વેરી’ સામયિક વોલ્યુમ-૨(૧૮૭૩), વોલ્યુમ-૪(૧૮૭૫)
  2. ગુજરાતી વિશ્વકોશ ખંડ, ૨૧

ગાયત્રી આર. વસાવા, પીઍચ. ડી. શોધછાત્રા, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦