Download this page in

ઊર્મિ દેસાઈ – ‘ગુજરાતી ભાષાનાં અનુરણનો’

‘’બુદ્ધિનો ઉપયોગ યોગ્ય દિશા અને કામ માટે ન થાય તો એ કોઈપણ વયે જતી રહે’’ – આ વિધાન કરનાર ઊર્મિ ઘનશ્યામ દેસાઈ ૮૦ વર્ષની ઉંમરે, એકચિત્તે કાર્ય કરનાર, એકાગ્રતા ધરાવતું વ્યક્તિત્વ છે. ગુજરાતી ભાષાની એબીસીડી શીખવનાર પુસ્તિકાથી લઈ વ્યાકરણના તલસ્પર્શી અભ્યાસના ઘણાં પુસ્તકો તેમણે લખ્યાં છે.

ગુજરાતી ભાષાવિજ્ઞાન ક્ષેત્રે સ્ત્રી ભાષાવૈજ્ઞાનિકોમાં, ભાષાને અસરકારક રીતે આત્મસાત્ કરી શકાય એ માટેનું પાયાનું કામ કરનાર ભાષાવૈજ્ઞાનિકોમાં ડો. ઊર્મિ દેસાઈ અગ્રસ્થાને છે. ભાષાવિજ્ઞાન ક્ષેત્રે તેમના ઘણાં પુસ્તકો પ્રગટ થયા છે. જેમકે; ભાષા શાસ્ત્ર શું છે? (૧૯૭૬); ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો (૧૯૭૨,૧૯૯૪); ચાલો ગુજરાતી લખતાં શીખીએ (૧૯૮૮,૧૯૯૯); વ્યાકરણ વિમર્શ (૧૯૯૨,૨૦૧૨,૨૦૧૬); LET US LEARN TO WRITE GUJARATI (1999); સ્મૃતિ-સંચિત શબ્દભંડોળ (૨૦૦૧) ; ભાષાશાસ્ત્રની કેડીએ (૨૦૦૧) ; ભાષાનુષંગ (૨૦૦૩); રૂપશાસ્ત્ર-એક પરિચય (૨૦૦૭); ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ (૨૦૧૪) ; ગુજરાતી ભાષાના અનુરણનો ...............વગેરે

‘ગુજરાતી ભાષાના અનુરણનો’ ઉપર કામ કરવાનું સૂચન તેમને તેમના ગુરુ હરિવલ્લભ ભાયાણી સાહેબ દ્વારા મળેલું; ઘણા સમયના અંતે ઊર્મિબહેન દ્વારા તે વિચારીને અમલમાં મૂકવામાં આવ્યો. એક સંશોધિત પુસ્તકની ઢબે લખાયેલ આ પુસ્તક ચાર ખંડમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે ;
ખંડ-૧: અનુરણનોની સૈદ્ધાંતિક વિચારણા
ખંડ-૨: ગુજરાતી ભાષાનાં અનુરણનોનો અભ્યાસ
ખંડ-૩: અર્થવહ અનુરણન ઘટકોનો અભ્યાસ
ખંડ-૪: અનુરણન કોશ

આ પુસ્તકનો મુખ્ય હેતુ-ગુજરાતી ભાષામાં મૂળગત રહેલ અનુરણનો છે. ભાષાવિજ્ઞાન વિષય અંતર્ગત – ‘’અનુરણન’’ વિષયને ન્યાય આપવામાં આવેલ છે. ૫૨૪ પાનામાં સમાવેલ આ પુસ્તક યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા (પ્રથમ આવ્રૃત્તિ -૨૦૧૬) પ્રકાશિત કરવામાં આવેલ છે.

‘’અનુરણનોની સૈદ્ધાંતિક વિચારણા ખંડ-૧ માં વિષયપ્રવેશ કરતાં અનુરણનની વ્યાખ્યા આપાતા જણાવે છે કે; ‘અનુરણન એટલે ધ્વન્યાત્મક, દ્રશ્યાત્મક, સ્પર્શાત્મક, ગત્યાત્મક.......વગેરે સંવેદનાનું ધ્વનિ દ્વારા થતું અનુકરણ કે નકલ.’ (પૃ.૧) અનુકરણાત્મક પ્રતિધ્વનિ કે જેમાં અમુક શબ્દો તેમનો જે અર્થ હોય તેના જેવા ખરેખરા સંભળાય. આવા શબ્દો અનુરણાનાત્મક કહેવાય. પડઘો પાડતા-પ્રતિધ્વન્યાત્મક અવાજ. જેમકે; કૂતરાના ભસવાનો અવાજ વાઉવાઉ, બિલાડીએ કરેલો અવાજ મ્યાંઉ-મિયાંઉ; ધાતુના ટુકડાના ભેગા અથડાવાનો અવાજ ખણખણાટ.

અનુરણનાત્મક શબ્દો હંમેશા જે ભાષાના હોય તેની ધ્વનિશાસ્ત્રીય વ્યવસ્થામાં બંધ બેસે તેવા હોય છે. જેમકે; ગુજરાતી – ગણગણ, ગણગણવું; નેપાલી - ગનગન, ગનગનાઉનું, હિન્દી - ગુનગુન, ગુનગુનાના, ઉડિયા-ગણગણ, મરાઠી-ગણગણણેં. ઊર્મિ દેસાઈ અંગ્રેજી, તુર્કી, એશિયન એમ વિવિધ ભાષાના ઉદાહરણ દ્વારા તેમજ વિદ્વાનોના સંદર્ભ દ્વારા આ વાતની પુષ્ટિ કરે છે.

તેઓ જણાવે છે કે, મનુષ્ય ભાષામાં વિવિધ સંવેદનાઓને વિશિષ્ટ ધ્વનિરચના દ્વારા મૂર્ત કરે છે. પરંતુ તે આ સંવેદનાઓને યથાતથ ,પરિપૂર્ણ રીતે ધ્વનિમાં ઉતારવા માટે સમર્થ નથી. માટે તે અવાજોનું અમુક અંશે અનુકરણ કરે છે.જેને ધ્વનિપટલલેખ પર નોંધતાં સ્પષ્ટ તફાવત તરી આવે છે.

ડો. ઊર્મિદેસાઈ રવાનુકારીને ‘’અનુરણન’ શબ્દ દ્વારા પુષ્ટિ કરતાં જુદી-જુદી ભાષા ને સમયગાળા દરમિયાન અનુરણનોમાં રહેલી વિવિધતાને ઉદાહરણ દ્વારા મૂકી આપે છે. તેઓ જણાવે છે કે વૈદિક સંસ્કૃત અને પ્રાક્રૃત ભાષામાં અનુરણનો બે પ્રકારનાં મળે છે (૧) સાદાં - જેવા કે સંસ્ક્રૃત નામો (૨) દ્વિરુક્ત – જેવાં કે ઉત્તરકાલીન સંસ્ક્રૃત. તેઓ મ્ધ્ય ભારતીય આર્ય,પ્રાચીન ભારતીય આર્ય અને નવ્ય ભારતીય આર્ય સુધી અનુરણનના રૂપોનો વિકાસ દર્શાવે છે.

અનુરણન સંજ્ઞાની સમજ

અનુરણનાત્મક શબ્દને અંગ્રેજીમાં Onomatopoaic word કહેવામાં આવે છે.મૂળ ગ્રીક શબ્દ Onama = અભિધાન અને Poein = બનાવવું. પરથી બનેલ શબ્દ Onomatopoeia એટલે કુદરતી ધ્વનિમાંથી અપાતું અભિધાન કે અભિધાનની રચના.

અનુરણનની સમજ આપતાં ઊર્મિ દેસાઈ તેને સાર્થ જોડણીકોશમાં દર્શાવવામાં આવેલ ‘રવ’ શબ્દ સાથે જોડે છે. જેમાં શબ્દની બાજુમાં આપવામાં આવેલ વ્યાકરણમાં કૌંસમાં (રવ.) લખવામાં આવે છે. જેને રવાનુકારી કહ્યા છે.

‘’અનુરણન એટલે વસ્તુના નિર્દેશ્ય કે તેની સાથે જોડાયેલી ધ્વનિની પ્રત્યક્ષ નકલ ધ્વારા થતું શબ્દોનું ઘડતર, એટલે ધ્વનિના અનુકરણાત્મક કે વર્ણનાત્મક શબ્દો તે અનુરણન કહેવાય.’’(પૃ. ૭) આ વાતની પુષ્ટિ કરતાં તેઓ શ્રી ભાયાણી સાહેબે તેને માટે આપેલ સંજ્ઞા - રવાનુકારી, અનુરણનાત્મક, અનુકરણાત્મક શબ્દો આપી ધ્વનિ, દ્રશ્ય, સ્પર્શ, ગતિ જેવી વિવિધ સંવેદનાનું અનુકરણ હોય તેને ઉદાહરણ દ્વારા મૂકે છે. જેમકે; ‘ઝગમગ’ શબ્દ દ્વારા પ્રકાશની વિવિધ છાયા વ્યક્ત થાય છે. ‘સળવળ’ શબ્દોમાં ગતિ દેખાય છે. એટલે તે દ્રશ્ય સંવેદન. ‘ગદગદિયાં’માં સ્પર્શનું સંવેદન વ્યક્ત થાય છે. આ પ્રકારના શબ્દોને ડૉ. ભાયાણી ‘સપ્રયોજનવાળા શબ્દો’ કહી ઓળખાવે છે. અને જણાવે છે કે; શબ્દના રૂપ માટે ધ્વનિ મુખ્ય અભિપ્રેરણા પૂરી પાડે છે.

જુદાં-જુદાં વિદ્વાનોએ પોતાના પુસ્તકોમાં રવાનુકારીને ‘અનુકરણ’ શબ્દ તરીકે સમજાવતાં કરેલ વાતને ઊર્મિબહેન ઉદાહરણ દ્વારા મૂકે છે. “કેકોબાદ મંચરેશા પાલનજી પોતાના વ્યાકરણ The Principles Of GujaratiI Grammar (1904) માં ‘અનુકરણવાચક’ એવો શબ્દ પ્રયોજે છે. (પૃ.૧૨૭.) તેઓ જણાવે છે કે આમાં વસ્તુ કે પ્રાણીઓના અવાજો જેવા શબ્દો ઘડાય. જેવા કે; ગગડાટ,સડાસડ,ચક ચક,કા કા,શું શું, બેં-બેં, ભાં ભાં,ખદડુક ખદડુક,ખણખણાટ,છમછમ.(પૃ. ૭, ૮)

‘’કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી (૧૯૧૯- પહેલી આવ્રૃત્તિ) ગુજરાતી ભાષાનું બુહ્દ વ્યાકરણ’માં આ પ્રમાણે નોંધે છે: કેટલેક સ્થળે દ્વિરુક્તિમાં શબ્દો અનુકરણ વાચક હોય છે’ (પ્રકરણ-૩૧)’’

ઊર્મિદેસાઈ ભાષાની ઉત્પત્તિ માટેના સિધ્ધાંતો આપતા જણાવે છે કે; ભાષાની ઉત્પત્તિ માટેના જે પાંચ સિધ્ધાંતો પ્રચલિત હતા તે અનુરણનાત્મક શબ્દો ઉપર જ આધારિત હતા. જેમ કે; (૧) બાઉબાઉ થિયરી (૨) પુહ પુહ થિયરી (૩) ડિંગ ડોંગ થિયરી (૪) યો-હે-યો થિયરી (૫) લા-લા થિયરી.

અનુરણન શબ્દોની ધ્વન્યાત્મકતાની વાત કરતાં જણાવે છે કે; ભાષાએ ભાષાએ આવા શબ્દો જુદા પડતાં હોય છે.ઉદા- ઘંટનો અવાજ અંગ્રેજીમાં dingdong, જર્મનીમાં binbam, ગુજરાતી –હિન્દીમાં ટનટન આમ,અનુરણનાત્મક શબ્દના ઘડતર માટે વ્યક્તિ પાસે ઘણી સ્વતંત્રતા હોય છે.તેમજ તેની વ્યુત્પત્તિ પણ મળે છે.

અનુરણનોની અર્થાત્મક કોટિમાં તેઓ ૫ કોટિ દર્શાવતાં જણાવે છે કે; પ્રથમ ત્રણમાં ગુજરાતી ભાષાનાં મોટા ભાગના અનુરણનો આવી જાય છે. જે પાંચ કોટિ આ મુજબ છે.
(૧) ધ્વનિનું અનુકરણ
(૨) ક્રિયા વડે થતા અવાજની સાથે ક્રિયાનું અનુકરણ
(૩) ક્રિયાની રીતનું અનુકરણ
(૪) સંવેદનાત્મક લાગણીઓ-જેમાં માનસિક અને શારીરિક લાગણીનો સમાવેશ થાય છે.
(૫) અસ્તિત્વની સ્થિતિ

અનુરણનોમાં ભાષા પાર દેખાતું સામ્ય-વૈષમ્ય

એક જ કુળમાંથી ઉતરી આવેલી ભાષામાં સામ્યતા જોવા મળે છે.જેમ ક; કોયલનો અવાજ. અંગ્રેજી-cuckoo, ફ્રેંચ-coucou, સ્પેનિશ-cucullo, ઈટાલિયન-cuculo, રુમાનિયન-cucu, જર્મન-kuckuck, ગ્રીક-kokkyx, રશિયન-kkuska, હંગેરિયન-kakuk, ફિનિશ-kaki ભારતીય આર્ય ભાષાની વાત કરીએ તો કોયલનો અવાજ: ગુજરાતી કૂહુ કૂહુ, હિન્દી-કૂહુ, બંગાળી-કૂ કૂ, મરાઠી-કોક્કો ઓકો, સિંધી-કુહુ કૂહુ. આમ, જુદી જુદી ભાષામાં અનુરણનો એક સરખાં કે એકબીજાને મળતાં આવતાં લાગે છે.

આમ છતાં, ઘણી જગ્યાએ ભાષાઓ વચ્ચે વૈષમ્ય પણ અસ્તિત્વ ધરાવે છે. જેમ કે; કૂતરાનો અવાજ: અંગ્રેજીમાં-bow vow , ઈરાનિયનમાં-amh amh, સર્બિયનમાં અને ક્રોએશિયનમાં-av av …. બારણું ભટકાવાનો અવાજ: અંગ્રેજીમાં-bang ,ડચ-plof, રશિયન-bats……….

ઓટો યેસ્પર્સન, બ્લૂમ ફિલ્ડ, એમેનો, હોકેટ, સપિર, જેવા વિદ્વાનોના સંદર્ભ દ્વારા તેઓ અનુરણનને ભાષાના સર્વવ્યાપી તત્વ તરીકે ત્રણ પ્રકારમાં વિભાજિત કરી આપે છે. ૧) ધ્વનિ અનુકરણ, ૨) ધ્વનિ પ્રતીકતા અને ૩) પ્રતિધ્વન્યાત્મક રૂપો. તેઓ જણાવે છે કે; દ્વિરુક્ત ન હોય એવાં અનુરણનોમાં માત્ર બાહ્ય – ભાષાશાસ્ત્રીય અનુકરણ હોય છે, જ્યારે દ્વિરુક્ત અનુરણનોમાં બાહ્ય – ભાષાશાસ્ત્રીય તેમજ આંતર-ભાષાશાસ્ત્રીય બંને પ્રકારનું અનુકરણ હોય છે. તેમાં પ્રાકૃતિક અવાજો કે ક્રિયાનું અનુકરણ ભાષાકીય એકમ બની જાય છે. જેનું અનુકરણ દ્વિરુક્તિમાં થાય છે. સોસ્યૂર જેવા અમૂક ભાષાશાસ્ત્રીઓને લાગે છે કે ભાષા માત્ર યાદચ્છિક છે અને ધ્વનિપ્રતીકતા માત્ર સુશોભિત પ્રતીતિ વિષય છે. પ્રતિધ્વન્યાત્મક રૂપો વિશે જણાવતા નોંધે છે કે; દ્વિરુક્તિમાં મોટેભાગે પ્રતિધ્વન્યાત્મક વલણ દેખાય છે. જેમકે; કાગળ બાગળ, આડોશી પાડોશી, કાચરકુચર, ચુપચાપ, અડધું-પડધું, તાજું માજું, હોશકોશ.

અનુરણનોના વપરાશની વાત કરતાં ઊર્મિબહેન કહે છે કે, બોલચાલની ભાષામાં નિત્યના વ્યવહારની ભાષામાં અનુરણનોનો વપરાશ વધુ વ્યાપક રૂપે થતો હોય છે. વયસ્કો કરતાં બાળકો અનુરણનોનો વપરાશ વધુ કરતાં હોય છે. તેમજ નવાં અનુરણનો ઘડતાં પણ હોય છે. જે સમયે સમયે લુપ્ત પણ થઇ જતાં હોય છે.

અનુરણનોમાં અર્થની વિવિધતા જોવા મળે છે જેમકે સંસ્કૃત શિષ્ટ સાહિત્યમાં ઋતુઓનાં વર્ણનમાં,યુધ્ધકળાના વર્ણનમાં અનુરણનોનો ઉપયોગ તેના ધ્વનિ અને લાગણીઓ સબંધિત અર્થછાયાઓ પ્રગટ કરવામાં પ્રચુરતાથી કરવામાં આવ્યો હોય છે. સર્જનાત્મક સાહિત્યમાં અનુરણનોનો વારંવાર ઉપયોગ થતો જોવા મળે છે તેમજ સંદર્ભ પ્રમાણે ઘડી કાઢવામાં પણ આવે છે. ચારણી સાહિત્ય અનુરણનોની પ્રચુરતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડે છે.

વાર્તામાં અનુરણન જ કૃતિનું બીજઘટક બનતું જોવા મળે છે, તે સમજાવતાં તેઓ ઘનશ્યામ દેસાઇની બાળવાર્તા‘ચાર લક્કડખોદ’ નું ઉદાહરણ આપે છે. જેમકે; ટકટક/ ઠકઠક અનુરણન ધ્વનિ જ તેનું બીજઘટક છે.

ગુજરાતી ભાષાનાં અનુરણનો ચાર રૂપવર્ગોનાં હોય છે. જેવા કે; સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને આખ્યાત. ઘણાં અનુરણનો વિશેષણ, ક્રિયાવિશેષણ બંને તરીકે વપરાય છે.જેને તેઓ ઉદાહરણ ધ્વારા મૂકી આપે છે.

ગુજરાતી ભાષાનાં અનુરણનોનો અભ્યાસ ખંડ-૨ માં અભ્યાસનો હેતુ દર્શાવતા જણાવે છે કે; આ અભ્યાસમાં માત્ર અનુરણનાત્મક શબ્દો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અનુરણનનું સ્પષ્ટ ચિત્ર આપવા અનુરણનોનું વિશિષ્ટ ધ્વન્યાત્મક અને વ્યાકરણીક પૃથકકરણ કરીને તેનાં વિશિષ્ટ લક્ષણો તારવવા એ આ અભ્યાસનું લક્ષ્ય છે. એટલે સમગ્ર રીતે અનુરણનના બંધારણની ખાસિયતો તપાસવાનો હેતુ રાખેલ છે. ગુજરાતી ભાષામાં મળતા પાયાના શબ્દોને એકત્રિત કરી, વર્ગો પાડી તેનું વર્ગીકરણ કરવું તે પ્રથમ હેતુ. બીજો હેતુ-અનુરણનાત્મક શબ્દોમાં વપરાતા એકલ ધ્વનિમાંથી અર્થવહ અનુરણનઘટક તારવવા અને તેનો અર્થ કે પ્રયોજન શોધવાનો પ્રયત્ન કરેલ છે. આ જાતના શબ્દોમાંથી ધ્વન્યાત્મક, દ્રશ્યાત્મક, સ્પર્શાત્મક, ગત્યાત્મક વગેરે સંવેદનાની અર્થછાયાઓ તારવાનો હેતુ છે.

આ અભ્યાસ વિષયની ક્ષેત્રમર્યાદા એ છે કે તેમાં અનુરણનોનો વર્ણનાત્મક અભ્યાસ રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વ્યુત્પત્તિમૂલક અભ્યાસ કરેલ નથી.

આ અભ્યાસ સામગ્રીના સંકલન માટે મુખ્યત્વે બે કોશનો આધાર લેવામાં આવ્યો છે. (૧) ગુજરાત વિદ્યાપીઠનો "સાર્થ જોડણીકોશ" અને (૨) ભાનુસુખરામ મહેતા અને ભરતરામ મહેતા કૃત " The Modern Gujarati-English Dictionary Vo.1,2 "- આ બે કોશમાંથી અનુરણનાત્મક શબ્દો જુદા તારવીને એની નોંધ કરવામાં આવી છે.

ઉર્મિ દેસાઈએ બંધારણની ર્દષ્ટિએ અનુરણન ઘટકોને ચાર પ્રકારમાં વિભાજિત કર્યા છે. (૧) પાયાનાં (૨) વિસ્તારિત (૩) દ્વિરુક્ત અને (૪) સાધિત અનુરણન ધટકો. તે મુજબ કોષ્ટક પ્રમાણે તેમણે અનુરણનોને વર્ગીકૃત કરી આપ્યાં છે.

અનુરણનોની વ્યાપકતા એટલે પાયાના,દ્વિરુકત તેમજ સાધિત ઘટકો કેટલા પ્રમાણમાં મળે છે તે. તેની સંખ્યા કેટલી છે તે. અહી કુલ ૩૭૮૩ અનુરણન ધટકો એકત્ર કરી તેને અનુરણન કોશ તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

અર્થવહ અનુરણન ઘટકોનો અભ્યાસ ખંડ-૩ માં વ્યાખ્યા આપતા જણાવે છે કે "અનુરણનાત્મક શબ્દમાંથી જયારે અર્થનું વહન કરતો કોઈ એક ઘટક જુદો તારવાય છે ત્યારે તે ઘટક લેખે અર્થવહ અનુરણનઘટક તરીકે ઓળખાવાય છે. જેને અંગ્રેજીમાં Phonaestheme કહે છે. " (પૃ.૨૩૦) જેમકે; અંગ્રેજીના bash, clash, crash માં અંત્ય-ash ઘટક જે હિંસા અથડામણ કે ટકકર સૂચવે. ગુજરાતીના ‘ફટ, ખટ, સટ, ધડ, ફડ, તડ ‘ શબ્દોમાં રહેલાં અંત્ય '-ટ' કે '-ડ' અથડામણ કે ટકકર સૂચવે.

"અર્થાત્મક રીતે સંબંધિત ઘણા શબ્દોમાં એકલ ધ્વનિ કે વર્ણો સરખા લાગે છે. જેમકે: અંગ્રેજીના મોટા ભાગના પ્રશ્ર્નાર્થક શબ્દો wh-થી શરૂ થાય છે. જેવા કે ; what, when,where, which, why, whom, whose,……. ગુજરાતીમાં આવા પ્રશ્ર્નાર્થક શબ્દો 'ક' કે 'શ' થી શરૂ થાય છે. જેવા કે: કોણ, કયું, કયાં, કયારે, કોને, કોણે, કોનું, કેમ, શું, શાથી શાનું, શામાં........(પૃ. ૨૩૧)

આ સમજાવવા તેમણે અંત્ય આવતા શબ્દોને વિવિધ ઉદાહરણ અર્થ સાથે રજૂ કરેલ છે.

ખંડ-૩માં ઊર્મિ દેસાઈએ ત્રણ પરિશિષ્ટ આપેલ છે. જેમાં (૧) વિવિધ ભારતીય - આર્ય ભાષાના અનુરણનાત્મક શબ્દોની સરખામણી (૨) વિદેશી અનુરણનાત્મક શબ્દોનું ભારતીય-આર્ય ભાષાના અનુરણનાત્મક શબ્દો સાથે સામ્ય (૩) સર્જક પોતાની સર્જનશીલતા દ્વારા નવાં અનુરણનો રચી શકે. જેમાં તેમણે વાર્તા અને અનુરણનાત્મક શબ્દોના પ્રયોગવાળી કવિતાનાં ઉદાહરણો આપ્યાં છે.

ખંડ-૪માં ઊર્મિબહેને "અનુરણનકોશ" આપેલ છે. જેમાં અંગ્રેજી અર્થ દ્વારા ગુજરાતી શબ્દોને સમજાવેલ છે. સંદર્ભગ્રંથોની સૂચિ, ડિક્ષનરી અને એનસાઈકલોપીડિયા, અંગ્રેજી-ગુજરાતી/ગુજરાતી-અંગ્રેજી પારિભાષિક સંજ્ઞા આપેલ છે.

આ અભ્યાસમાં કુલ ૩૭૮૩ અનુરણનો નોંધવામાં આવેલ છે. અનુરણનો એ વિશિષ્ટવર્ગના શબ્દો છે. જે દુનિયાની દરેક ભાષામાં મળે છે. અનુરણનોનું ભાષામાં કેટલું મહત્વ છે તે જણાવતાં નોંધે છે કે;
- અનુરણનોની પ્રક્રિયા ભાષામાં સમગ્ર બંધારણનો મહત્વનો અંશ છે.
- અનુરણનોમાં દ્વિરુક્તિ પાયાનું લક્ષણ છે.
- દ્વિરુક્તિની પ્રક્રિયા માટે અનુરણન પાયાનું એકમ છે.
- અનુરણનો માટે રૂપ અને અર્થ બંને મહત્વનાં અંગો છે.
- પ્રતિધ્વન્યાત્મક રૂપોના ઘડતરમાં આંશિક દ્વિરુક્તિ હોય છે.
- કેટલાક એવા અનુરણનો છે જે દ્વિરુક્ત નથી હોતા આથી અનુરણનો (૧) અ- દ્વિરુક્ત - સાદા અને (૨) દ્વિરુક્ત. એમ બે પ્રકારનાં મળે છે.
- અર્થને આધારે અનુરણનો બે રીતે વિભાજિત થઈ શકે.

(૧) જેમાં ખરેખરા અવાજોનું અને / અથવા ક્રિયાનું અનુકરણ હોય અને (૨) જેમાં અવાજો અમુક સંવેદનાત્મક લાગણીઓ સાથે અને અસ્તિત્વની સ્થિતિ સાથે સંકળાયેલા હોય.

ભાવિ અભ્યાસની દિશા રજૂ કરતાં ઊર્મિ દેસાઈ જણાવે છે કે, આ અભ્યાસ વર્ણનાત્મ્ક દ્રષ્ટિથી કરવામાં આવ્યો છે. જે ઐતિહાસિક અને તુલનાત્મક દ્રષ્ટિથી પણ કરી શકાય.

આ અભ્યાસ કોશમાં સંચિત સામગ્રીના આધાર પર કરવામાં આવ્યો છે એટલે માત્ર પુસ્તકના કે કોશના ઉદાહરણ જ નહિ પણ વ્યક્તિ/સર્જક નવાં નવાં અનુરણનો ઘડી અનુરણનોનો અભ્યાસ કરી શકે.

કાવ્યમાં ધ્વનિ દ્વારા લયસિદ્ધ કરવા વપરાતા અનુરણનાત્મક પ્રયોગોને નોંધીને તેની અસર તપાસી શકાય.

"ગુજરાતી ભાષાનાં અનુરણનો" સંશોધાત્મક ઢબે લખાયેલ ભાષાવિજ્ઞાન વિષય અંતર્ગત વ્યાકરણલક્ષી પુસ્તકમાં "અનુરણનો’’ ને યોગ્ય ન્યાય આપવામાં આવેલ છે.

સંદર્ભગ્રંથો:::

  1. ‘ગુજરાતી ભાષાનાં અનુરણનો’ -ઊર્મિ ઘનશ્યામ દેસાઈ (પ્રથમ આવ્રૃત્તિ ૨૦૧૬) યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ,અમદાવાદ
  2. ‘વ્યાકરણ વિમર્શ’ – ડો.ઊર્મિ ઘનશ્યામ દેસાઈ, (પ્રથમ આવ્રૃત્તિ -૧૯૯૨) યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ
  3. ‘ભાષાનુષંગ’ - ડો.ઊર્મિ ઘનશ્યામ દેસાઈ (પ્રથમ આવ્રૃત્તિ -૨૦૦૩,)ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, અમદાવાદ
  4. ‘ગુજરાતી ભાષાના અંગસાધક પ્રત્યયો - ડો.ઊર્મિ ઘનશ્યામ દેસાઈ, (દ્વિતીય આવ્રૃત્તિ -૧૯૯૪) યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,ગુજરાત રાજ્ય, અમદાવાદ
  5. ‘વ્યુત્પત્તિવિચાર’ - હરિવલ્લભ ભાયાણી (દ્વિતીય આવ્રૃત્તિ -૨૦૧૬) , યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ,અમદાવાદ
  6. ‘ગુજરાતી ભાષાનું બુહ્દ વ્યાકરણ’ - કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, (પ્રથમ આવ્રૃત્તિ-૧૯૧૯), પાર્શ્વ પબ્લિકેશન: અમદાવાદ
  7. 'ગુજરાતી ભાષાના દ્વિરુક્ત પ્રયોગો’ - પ્રભાશંકર તેરૈયા (૧૯૭૦) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ભાવનગર
  8. સાર્થ ગુજરાતી જોડણીકોશ- ગૂજરાત વિદ્યાપીઠ (પાંચમી આવ્રૃત્તિ-એપ્રિલ-૧૯૬૭)

પ્રિસ્કીલા કાંતિભાઈ ચૌહાણ, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, માનવવિદ્યા ભવન, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, આણંદ-૩૮૮૧૨૦*