Download this page in

અનુઆધુનિક સાહિત્યમાં નારીવાદ

નારીવાદ અનુઆધુનિક યુગની એકમુખ્ય વિચારધારા છે. ૧૯૭૦ પછી સંઘર્ષોના દ્વિતીય સપ્તકમાં પ્રવેશેલાં નારીવાદની વિશિષ્ઠ અભિવ્યક્તિનો પ્રભાવ કેવળ સાહિત્યક્ષેત્રે જ નહિં, ચિત્રકાર, ફોટોગ્રાફી, ફિલ્મો, નાટકો વગેરે પર પણ પડ્યો છે. આ આંદોલન પાશ્ચાત્ય પ્રદેશોમાં પ્રબળ પ્રચંડ ઝંઝવાત બન્યું છે. ત્યાં લેખિકાઓ પોતાની વાત આગવી અને અસરકારક રીતે રજૂ કરવા મથે છે. તેઓ ઈતિહાસ, સંસ્કૃતિ, સામાજિક પરિવેશને તથા પૌરાણિક કથાઓને ભિન્ન ભિન્ન રીતે અવલોકે છે. એવા ભિન્ન સંદર્ભોને પ્રયોજી નારીવાદને એની સાથે સાંકળી લે છે અને આમ પ્રયોગો, યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા વ્યક્ત થતાં નારીવાદ અને અનુઆધુનિકતા વચ્ચે સંબંધ સ્થપાઈ જાય છે. હિમાંશી શેલત કહે છે :
“અનુઆધુનિક સાહિત્યની કેટલીક લાક્ષણિક અભિવ્યકિતનો નારીવાદ સાહિત્યમાં ઉપયોગ થાય છે, તો નારીવાદ કૃતિનાં કેટલાંક લક્ષણો અનુઆધુનિકસાહિત્યની ઓળખ આપવા માટે ખપ લાગે તેવાં છે. અનુઆધુનિકસર્જક આધુનિકતાવાદીસર્જક પેઠે ચુસ્ત પાંડિત્યપૂર્ણ પરંપરાનો શુષ્કબૌદ્ધિક રહી નથી શક્યો, સર્જક દ્વારા સાંસ્કૃતિક અને સામાજિક ચેતના જાગૃત કરવાનું એનું લક્ષ્ય રહે છે. આ પક્ષે નારીવાદી અભિવ્યકિતને તો સામાજિક સંદર્ભથી વેગળા રહેવાનું ફાવ્યું જ નથી. આમ અનુઆધુનિકતા અને નારીવાદ વચ્ચે મેળ વરતાય છે.” [1]

નારીવાદ અને અનુઆધુનિકતા બંનેનાં લક્ષણો પૂર્ણ પ્રગટ થયાં હોય એવી બે કૃતિ છે. બંગાળી લેખિકા મહાશ્વેતા દેવીની ‘દ્રૌપદી’ (૧૯૮૧) અને ‘સ્તનદાયિની’ (૧૯૮૭). પ્રથમ કૃતિમાં લેખિકા ઈતિહાસ, પુરાણ તથા સાંપ્રત પરિવેશ એક સાથેનાની પણ વિસ્ફોટક ઘટનામાં પ્રયોજે છે. ભૂમિકા છે નકસલવાદી આંદોલનની શોધ છે દ્રૌપદીના પતિ દુલન અને એમના સાથીદારોની, એમના પર આરોપ છે આતંક મચાવવાનો દુલન પોલીસ અથડામણમાં મૃત્યુ પામે છે. પકડાઈ ગયેલી દ્રૌપદી પર સામુહિક બળાત્કાર થાય છે. બળાત્કાર કર્યા પછી સિપાઈઓ તેને સેનાનાયક પાસે લઈ જાય છે. શરીર ઢાંકવા માટે તેના પર ફાટેલા કપડાનો ટુકડો ફેંકવામાં આવે છે. દ્રૌપદી શરીર ઢાંકવા દેતી નથી. શરીર ઢાંકવું પડે એવો પુરુષ છે જ ક્યાં આ જમાનામાં ? નારીને નિરવસ્ત્ર કરવામાં જ એની સત્તા સમાપ્ત થઈ જાય છે. અહીં જનજાતિની દ્રૌપદીના ચિત્રણમાં લેખિકા રોમેન્ટિક અભિગમ અપનાવે છે. એ મહાભારતની દ્રૌપદી જેટલી જ ઓજસ્વી, પ્રખર લાગે છે, છતાં એનામાં કંઈક વિશેષ છે. પુરૂષ પ્રધાન સમાજની ભૂમિકા સાથે જનજાતિ આંદોલનની વાસ્તવિકતા અને દ્રૌપદીના પાત્ર સાથે એકરૂપ બનેલા પૌરાણિક સંદર્ભ સાથે આધુનિક નારીવાદી ચેતનાને કારણે કૃતિ પ્રભાવક બની છે. ‘સ્તનદાયિની’ પણ આવી જ દાહક અને જલદ રચના છે. પૌરાણિક પાત્રોનો સંદર્ભ લઈ સાંપ્રત પરિવેશની ભૂમિકા સાથે સ્ત્રીના સામાજિક દરજ્જાનું આલેખન અર્થગર્ભ અને કલાત્મક છે. આ બંને કૃતિઓ સાથે એન્જેલા કાર્ટરની ‘બ્લેકવિનસ’ મૂકીએ નો ‘પેરડિ’નો પ્રયોગ અવલોકી શકાય. પરીકથાની ઢબે કહેવાયેલી મૃણાલ પાંડેની હસમુખદેની વાર્તા પણ આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે.

ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીઓની સમસ્યાઓ વિષે લખવાનો પ્રારંભ તો સરોજિની મહેતા કે લીલાવતી મુનશીથી થાય છે. પણ પ્રારંભની રચનાઓમાં નારીની વ્યથાનું આલેખન જ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણપણે નારીવાદી કહી શકાય એવી કૃતિઓ અનુઆધુનિકયુગમાં જ વિશેષ પ્રમાણમાં સાંપડે છે. આવી કૃતિઓમાં કુન્દનિકા કાપડીઆની ‘સાત પગલાં ‘આકાશમાં’, ઈલા આરબ મહેતાની ‘બત્રીસ પૂતળીની વેદના’, વર્ષા અડાલજાની ‘માટીનું ઘર’, ધીરુબહેન પટેલની ‘કાદંબરીની મા’ સવિશેષ ઉલ્લેખનીય છે. આ ચારે નવલકથાઓ સ્ત્રીઓના જીવન સાથે સંકળાયેલી સમસ્યાઓ પર અવલંબિત છે. એમાં વિદ્રોહનો સૂર છે, પણ સ્ત્રીના વિકાસની સંભાવનાઓનું ચિત્ર અહીં મહત્વનું છે. નવલિકાઓમાં નારીવાદની વિવિધ છટાઓને ધારદાર પ્રગટ કરતી કૃતિઓની સંખ્યા ખાસ્સી છે પણ એમાં અનુઆધુનિકપ્રયુકિતઓ નોધ્યા ન પાત્ર પ્રયોગ શોધવો દુષ્કર છે. સરોજ પાઠકની ‘ડિવોર્સી’ નમૂના ખાતર તપાસી શકાય. ધીરુબહેન, વર્ષાબહેન, ઈલાબહેન, કુન્દનિકાબહેન, હિમાંશીબહેન વગેરે વાર્તાકારો પાસેથી એવી વાર્તાઓ ઠીકઠીક પ્રમાણમાં પ્રાપ્ત થઈ છે, જેમાં કોઈ વિશિષ્ઠ નારીવાદી ભાવ પ્રગટ થયો હોય. એ સાથે સ્ત્રીના આક્રોશને અભિવ્યક્ત કરતી દૂધાતની સશકતનવલિકા ‘બાયું’ની નોંધ લેવી પડે. કેટલીક બંડ ખોર વાર્તાઓ સંદર્ભે અમૃતા પ્રીતમ અને ઈસ્મત ચુઘતાઈને યાદ કરવાં પડે. કાવ્યમાં આ પ્રકારની લાક્ષણિક અભિવ્યકિત સંદર્ભે સરૂપ ધ્રુવને યાદ કરી શકાય.

અનુઆધુનિકસાહિત્યમાં હજી ઘણાં લક્ષણો ઉમેરાશે. કોઈ કહે છે કે એમાં ક્રાન્તિની કશી સંભાવના નથી. કેટલાકને એમાં આધુનિકતાના સાહસનો અભાવ અનુભવાય છે. અનુઆધુનિકતાની વિભાવનામાં હજી ઘણી સ્પષ્ટતાની અપેક્ષા છે. પણ નારીવાદને સાવ નિજીઅભિવ્યકતિ છે, પ્રતિકારની અને વિદ્રોહની અભિવ્યક્તિ. એની વિભાવના સ્પષ્ટ છે.

અનુઆધુનિકનવલકથાનું સ્વરૂપ આપણે જોઈ ગયા તેમ વીસમી સદીના સાતમા દાયકાના અંતમાં આધુનિતાના પરિરૂપ અને પ્રક્રિયા પ્રત્યે ર્નિભ્રાન્તિ જન્મી. એનું એક અગત્યનું કારણ એ હતું કે આધુનિકતાના પરિરૂપની પ્રક્રિયા દ્વારા જે પરિણામોની અપેક્ષા ઔધોગિક પ્રગતિની સાથેસાથે રાજકીય, આર્થિક, સામાજિક પરિવર્તનોમાં આવવા લાગી. વૈશ્વિકીકરણની પ્રક્રિયા ઝડપી બની. ઇન્ફોટેકની અનેક વિધ અને અવનવીન પદ્ધતિઓના આવિષ્કારથી સાઈબર યુગનો પ્રારંભ થયો. કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર ટેકનોલોજીના વિકાસથી અનેક ક્ષેત્રીય પ્રભાવ વર્તુળનો પ્રાદુભાવ થયો. આ બૃહદ સંસ્કૃતિક સમયગાળો અનુઆધુનિકતાનો સમયગાળો છે, ટેલીવિઝન, વિજ્ઞાપન, વાણિજ્ય ડિઝાઈન, પોપ વીડિયો વગેરેમાં વિસંગત ચિત્ર છાપ અને વિસંગત શૈલીઓનો છે. આને કારણે બોદ્રિલાર્ડ જેવા વિવરણકારો અનુઆધુનિકસંસ્કૃતિને ખંડિત સંવેદનાઓ, સારગ્રાહી અતીત રાગ, પ્રયુક્તન કલીપણું, સંકીર્ણ ઉપરછલ્લાપણાની સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે. બોદ્રિલાર્ડને અનુઆધુનિક કલામાં અધિવાસ્તવિકતા તરફની ગતિ જણાઈ છે. અધિવાસ્તવિક આલેખન દ્વારા અનુઆધુનિક કાલીન વાસ્તવિકતાને વધુ સચોટ બનાવવાનો પ્રયાસ હોય છે. આની અસર કલાક્ષેત્રમાં વાસ્તવિકતાના સ્થાને સાંકેતિક અભિવ્યક્તિના નિર્માણ પર પડી. પરિણામે પરંપરાગત ગહનતા, સંશ્વિલષ્ટતા, અર્થપૂર્ણતા, મૌલિકતા, પ્રામાણિકતા વગેરે દૂર ધકેલાઈ ગયાં અને અર્થહીનરિક્તસંકેતચિહ્નોની જિકર કરવામાં આવી. અને આવી બાબતો અનુઆધુનિકસ્થાપત્ય, ચિત્રકલા, ચલચિત્રકલા, શિલ્પકલા વગેરેમાં જોવા મળે છે. સાહિત્યકલા પર પણ આ અસરો થઈ છે. સ્થાપત્યકલાથી આરંભાયેલો અનુઆધુનિકતાવાદ સાહિત્યકલામાં પ્રવેશે છે અને નવલકથામાં સવિશેષ જોવા મળે છે.

સંદર્ભ સૂચિ :::

  1. પરબ સપ્ટેમ્બર ૧૯૯૩ પૃ-૯૧

ડૉ. વર્ષા એન. ચૌધરી, આ.પ્રોફેસર, ગુજરાતી, સરકારી વિનયન કોલેજ, અમીરગઢ,જિ. બનાસકાંઠા