Included in the UGC-CARE list (Group B Sr. No 172)
લોકસાહિત્યના સંનિષ્ઠ અભ્યાસી : ડૉ. શાંતિભાઈ આચાર્ય

વિવિધ પ્રદેશોની બોલીમાં લોકકથાઓ એકઠી કરનાર, પ્રાપ્ત સામગ્રીને આધારે તેનું ભાષાવૈજ્ઞાનિક પદ્ધતિએ સંશોધન-સંપાદન કરનાર તથા ગુજરાતી લોકસાહિત્યમાં અને ભાષાવિજ્ઞાન એમ બંને ક્ષેત્રે સુઝબૂઝ રીતે કાર્ય કરનાર એવા ડૉ.શાંતિભાઈ આચાર્ય બીજા બધા વિદ્વાનો કરતાં ઘણી બધી રીતે અલગ પડે છે. ડૉ.શાંતિલાલ પુરુષોત્તમ આચાર્યનો જન્મ જામનગર જીલ્લાના લતીપુરમાં થયો.પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામનગરમાં આલીયાબાડાથી બી.એ અને એમ. એ.નું શિક્ષણ મેળવ્યું. આ ઉપરાંત ૧૯૬૦માં ડૉ.પ્રબોધ પંડિતના માર્ગદર્શન હેઠળ ‘હાલારી બોલી’ પર સંશોધનકાર્ય કરીને પીએચ.ડી થયાં. અભ્યાસકાળ દરમ્યાન કોશવિભાગ (ગુજરાત વિદ્યાપીઠ) સાથે સંકળાઈને વ્યવાયિક કારકિર્દીનો આરંભ કર્યો.ભાષાભવનમાં મદદનીશ સંશોધક તરીકે જોડાયા. આ ઉપરાંત ૧૯૬૪થી ગુજરાત વિદ્યાપીઠમાં આદિવાસી સંશોધન કેન્દ્રના અધિકારી અને ૧૯૬૭ થી ઉપનિયામક તરીકે ફરજ બજાવી. ૧૯૭૯માં અમેરિકાના વરમોન્ટ રાજ્યના બ્રેટલબરો નગરની ‘સ્કુલ ઓફ ઇન્ટરનનેશનલ’ ટ્રેનીગમાં અમેરિકન વિદ્યાથીઓને ગુજરાતી શીખવ્યું.

તેમના પ્રકાશિત સશોધનકાર્યને મુખ્ય ત્રણ વર્ગમાં વહેંચી શકાય. કોશકાર્ય: ‘કચ્છી શબ્દાવલિ’ (૧૯૬૫), ‘ભીલી ગુજરાતી શબ્દાવલી’ (૧૯૬૫), બોલી અભ્યાસ: ‘સેગ્મેન્ટલ ફોનીમ્સ ઓફ કચ્છી’(૧૯૬૬), ‘ગુજરાતી ભીલી વાતચીત’(૧૯૬૭), ‘ભાષા વિવેચન(૧૯૭૩)’, ‘બોલીવિજ્ઞાન:કેટલાક પ્રશ્નો’(૧૯૮૪), કચ્છી ગદ્ય(લોક કથા) અને તેમનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન’(૧૯૮૭), ‘સીદી-કચ્છી વાર્તાઓ’(૧૯૮૮), ‘હેંડો વાત મોડીએ(૧૯૯૦)’, ‘સાબરકાંઠાની ભીલી વાર્તાઓ’(૧૯૯૨), ‘ઉત્તર ગુજરાતની ભાષા: સર્વેક્ષણ અને અભ્યાસ’(૨૦૦૧), ‘અમે બોલીઓ છીએ’(૨૦૦૯) લોકસાહિત્ય: ‘સંખેડા તાલુકાના તડવીઓમાં મંડાતી લવઘણાની વાર્તા:તેના પરિસરમાં’(૧૯૯૧), આદિવાસી લોકસાહિત્ય’(૨૦૦૧), ‘દક્ષિણ ગુજરાતની કુંકણી વાર્તાઓ ’(૨૦૦૧), (બગડાવત લોકકથાનું ભીલી રૂપાંતર) ગુજરાનો અરેલો: એક તુલનાત્મક સમીક્ષા’(૨૦૦૨), ‘દેવ કનસરીની કથા: એક તુલનાત્મક સંશોધન’(૨૦૦૩) પ્રકીર્ણ: ‘ડૉ.પ્રબોધ પંડિત’(૧૯૭૭), ‘રૂસી શીખીએ હોંશે હોંશે’ (૧૯૯૬).

ગુજરાતી લોકસાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે જ ઝીણવટપૂર્વક અને ચોકસાઈપૂર્વક કામગીરી બજાવનાર એવા શાંતિભાઈ આચાર્ય ઘણી બધી રીતે જુદા પડે છે. સર્વપ્રથમ તો કેન્દ્રની પસંદગી કેવી રીતે કરે છે? તો તેઓ આખા વિસ્તારને આવરી લેતા સંખ્યાબંધ કેન્દ્રોની પસંદગી કરે છે.જેમ કે ઉત્તર ગુજરાતના સમસ્ત વિસ્તારના કેન્દ્રોમાંથી ક્ષેત્રકાર્ય માટે કુલ ૨૮ કેન્દ્રો પસંદ કર્યા. આ કેન્દ્રોમાંથી બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જેવા જીલ્લાઓમાંથી પસંદ કર્યા છે. કોઈપણ બે કેન્દ્રો વચ્ચેનું અંતર આશરે ૩૦ થી ૩૫ કિલોમીટર રાખવામાં આવ્યું હતું. આમાં કોઈ વિશેષતાને કારણે જરૂર જણાય ત્યાં બીજા વધારના કેન્દ્રોમાં પણ ક્ષેત્રકાર્ય કરવામાં આવ્યું હતું. જેમ કે બનાસકાંઠાનું જ્ઝામ ગામ. આ ગામ કચ્છની સીમા પર આવેલું હોવાથી વધારાના કેન્દ્ર તરીકે ત્યાં પ્રશ્નાવલી અમલી બનાવીને ક્ષેત્રકાર્ય કરવામાં આવ્યું હતું.

શાંતિભાઈ આચાર્ય મહીતીદાતાની પસંદગી પણ સૂઝબુઝપૂર્વક રીતે કરે છે. સંશોધનના હેતુને ધ્યાનમાં રાખીને પ્રત્યેક કેન્દ્રમાંથી એક મુખ્ય ભાષકવિશેષને પસંદ કરે છે.(ઉદાહરણ તરીકે ‘હેંડો વાત મોડીએ’).અલબત્ત તેમના સહાયક જેવા બે ત્રણ ભાષકો પણ તેમની સાથે રહેતા. પ્રશ્નાવાલીને યથાર્થ રીતે અને ધીરજપૂર્વક સાંભળીને પોતાની ઉત્તમ જાણકારી પ્રમાણે તેના ઉત્તર આપી શકે તેવા ભાષકવિશેષો આચાર્ય પસંદ કરતાં. આ ઉપરાંત તેઓ નોંધે છે તેમ ભાષકવિશેષ –

  • • તપાસક્ષેત્રનો વતની હોય અને ઓછામાં ઓછી બે પેઢીથી ત્યાં વસવાટ કરતો કુટુંબનો વન્સજ હોય.
  • • જીભના અચકાવા જેવા તથા તોતડાપણા જેવા દોષોથી મુક્ત હોઉં તેવી સરેરાશ સ્વસ્થ વ્યક્તિ હોય.
  • • જેના બધાં જ દાંત સાબૂટ હોય.
  • • પુખ્તવયની વ્યક્તિ હોય.
  • • પ્રશ્નસુચિ પ્રશ્નાવલિ બંને માટે જવાબ આપનાર ભાષકવિશેષ કોઈ ઔપચારિક કેળવણી લીધી ણ હોય અથવા નજીવી લીધી હોય.
  • • આ રીતે શાંતિભાઈ આચર્ય માહિતીદાતાની પસંદગી કરે છે.(‘હાલારી બોલી’ ડૉ.શાંતિભાઈ આચાર્ય )

મૂળની ભાષા, મૂળની વાણીને યથાતથ જાળવતો પાઠ શાંતિભાઈ આચાર્યએ રજૂ કર્યો છે. તેમણે પોતીકું ઉમેરણ કર્યું નથી જેમ કે ‘હેંડો વાત મોડીએ’ તથા ‘અમે બોલીઓ છીએ’ આ સંગ્રહમાં કથાઓની જીવંતભાષા, શૈલી, તાજગી તથા બળ, તેમાં ધબકતા લોકજીવન અને લોકભાવના કશી જ ભેળસેળ વિના આપણને આપે છે. મૂળના આરોહ–અવરોહ, લહેકા અને વાફછટા સાથે કથાઓનાં ધ્વનિમુદ્રણ સંભળાતા ભાષકવિશેષની વાણીની પ્રભાવકતા પણ જોવા મળે છે.

શાંતિભાઈ આચાર્યે લોકકથાઓનો તુલનાત્મક અભ્યાસ પણ કર્યો છે. શાસ્ત્રીય પદ્ધતિએ તુલના કરી તેમણે ‘ગુજરાંનો અરેલો’નો અભ્યાસ કર્યો છે. આ માટે તેમણે ગુજરાતમાંથી અરેલાની જે સામગ્રી પ્રાપ્ય બની છે તે તમામ સામગ્રીને ભેગી કરી છે.૧.ડામોર હરજીભાઈની સામગ્રી ૨.કોદરભાઇ પટેલની સામગ્રી ૩. શાંતિભાઈ આચાર્યની સામગ્રી ૪. ડૉ.ભગવાનદાસ પટેલની સામગ્રી ઉપરાંત ડૉ.એલ ડી. જોશીનો ‘ભોજો ગુર્જર’ લેખ પણ આ અંગેનો હોઈ,તેની પણ યથાસ્થાને પણ નોંધ લેવાઈ છે.આ તમામ લેખકોની કથાસામગ્રી જુદા જુદા પરિશિષ્ટમાં મૂળ પાઠ આપ્યા છે.જેથી શાસ્ત્રીય રીતે તુલના થઇ શકે ડામોર હરજીભાઈથી કોદરભાઇ પટેલ કઈ રીતે જુદા પડે છે એવી તમામ બાબતોની નોંધ શાંતિભાઈ આચાર્યે લીધી છે. અરેલાંની સંરચના, કથાવસ્તુ, ગાયક, વર્ણનો, પાત્રો આદિની વિગતે ચર્ચા કરી છે. આ ઉપરાંત ‘સીદી–કચ્છી’ વાર્તાઓમાં તેમણે જામનગર નજીકના બેડીના સીદીઓની ત્રણ વાર્તાઓનું સંપાદન કર્યું છે. ‘લવઘણાની વાર્તા’માં સંખેડા તાલુકાના તડવીઓના પરિસરને વર્ણવીને તેના સામાજિક પૃથક્કરણ દ્વારા તેમાં પ્રગટતી તડવીજીવનની વિગતો આપે છે.’દક્ષિણ ગુજરાતી કુંકણી વાર્તાઓ’માં કુણબી આદિવાસીઓના જીવનચક્ર, ઋતુચક્ર તથા ભાષા–બોલી આદિની નોંધ લીધી છે.

આ ઉપરાંત શાંતિભાઈ આચાર્યની બીજી નોંધનીય બાબત એ છે કે તેમણે બોલીવિજ્ઞાન ક્ષેત્રે પણ અભ્યાસ કર્યો છે. પિંકી પંડ્યા તેમના બોલીવિજ્ઞાનના અભ્યાસને બે ક્ષેત્રમાં વહેંચે છે.૧.વિવિધ બોલીઓના કોશની રચના ૨. ગુજરાતમાં વિવિધ પ્રદેશ અને તેમાં વસ્તી જ્ઞાતિઓની બોલીઓનો ધ્વનિગત, રૂપગત તથા વ્યાકરણગત અભ્યાસ.

શાંતિભાઈ આચાર્યએ બોલીના કોશરચનાકાર્યની શરૂઆત ડૉ.પ્રબોધ પંડિતના માર્ગદર્શન હેઠળ ૧૯૬૬માં ‘કચ્છી શબ્દાવલિ’ અને ‘ભીલી-ગુજરાતી શબ્દાવલિ’થી કરી. ‘કચ્છી શબ્દાવલિ’ માં લગભગ ૨૫૦૦ શબ્દો ગુજરાતી અને અંગ્રેજી પર્યાય સાથે આપ્યા છે.‘ભીલી ગુજરાતી શબ્દાવલિ’માં લગભગ ૧૩૦૦ શબ્દો સંગ્રહ્યા છે. સાબરકાંઠા વિસ્તારમાં વસતા આદિવાસીઓની ભીલી બોલી ગુજરાતી ભાષક સરળતાથી બોલી શકે એ રીતે લગભગ ૪૬૦ જેટલા વાક્યોનો વાક્યકોશ ’ગુજરાતી ભીલી વાતચીત’ આપ્યો છે. ગુજરાતીથી જુદા પડતાં કેટલાક વિશિષ્ટ ભીલી ઉચ્ચારણો કઈ રીતે કરી શકે તની સમજૂતિમૂલક નોંધ આપી છે. જેમ કે; ગુજરાતી ઇ /ઈ નાં ઉચ્ચારણમાં અર્થભેદ થતો નથી જયારે આ બોલીમાં બંને ઈ/ઇ ના ઉચ્ચાર ગુજરાતી ‘ઈ’ અને ‘એ’ની વચ્ચેનું કરવું. દા.ત. રામ રામ, કેમ છો? જેનું રૉમ રૉમ કિમ સૉ?. આ ઉપરાંત સંગ્રહને અંતે ૩૦૦-૩૫૦ જેટલા ગુજરાતી-ભીલી શબ્દોનો નાનો કોશ પણ આપ્યો છે. એ જ રીતે ‘ભીલી ગુજરાતી શબ્દકોશમાં’ તેમણે ખેડબ્રહ્મા વિસ્તારમાં હાલમાં પ્રવર્તતા ભાષાસ્વરૂપના ધ્વનિતંત્ર તથા રૂપતંત્રનું વિશ્લેષણ ધરાવતા આ કોશમાં લગભગ ૪૫૦૦ ઉપરાંતના શબ્દો આવરી લેવાયા છે. ચોધરી ભાષાના કોશ ‘ચોધારીઓ અને ચોધરી શબ્દાવલિ’માં ચોધારીઓની ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનો સમાવેશ કર્યો છે.તથા ૨૭૫૫ શબ્દોનો સંચય કર્યો છે.આ શબ્દકોશની વિશેષતા એ છેકે તેના ગુજરાતી અને અંગ્રેજી અર્થો આપ્યા છે. ‘સેગ્મેન્ટલ ફોનીમ્સ ઓફ કચ્છી’માં વૈજ્ઞાનિક અભિગમથી તારવેલા કચ્છી ધ્વનિઘટકોની યાદી આપી છે , ઉપરાંત ૪૦૦ જેટલા કચ્છી શબ્દોના અંગ્રેજી, ગુજરાતી તથા સિંધી અર્થો આપ્યા છે.’હાલારી બોલી’માં હાલારી બોલીના વિભાજ્ય ધ્વનિઘટકોનો વિગતે અભ્યાસ કર્યો છે.

‘અમે બોલીઓ છીએ’માં શાંતિભાઈ આચાર્યેએ પાંચ વિભાગમાં (૧.કચ્છી બોલી ૨. સૌરાષ્ટ્રી બોલી ૩. ઉત્તર ગુજરાતની બોલી ૪. ઉત્તર ગુજરાતની સીમા પરની રાજસ્થાની બોલી ૫. આદિવાસી પ્રદેશોની બોલી) કુલ ૩૨ જે તે બોલીમાં બોલાતી વાર્તાઓ મૂકી છે. ડૉ.શાંતિભાઈ આચાર્ય આ પુસ્તક વિષે નોંધે છે કે “માનવશાસ્ત્રોના વિકાસ પૂર્વે દરિયો ઓળંગીને જઇયે એટલે એવા દેશો છે, જેમાં માણસોનાં મોઢાં કૂતરાં જેવાં છે, રાક્ષસ જેવાં છે,પગ અવડા મોટા હોય છે કે સૂતી વખતે તેની છત્રી કરી રાખે.-આવાં વિધાનો નોંધાયેલા વાંચવા મળે છે. આવી કપોળકલ્પિત દંતકથાઓ પાછળ વિભિન્ન પ્રજાઓ વચ્ચેની દ્વેષભરી સ્પર્ધા અને તિરસ્કાર વગેરે જેવાં કારણો સંભવિત હોય છે.... આથી અહીં આપેલી વાર્તાઓ વડે વાચકોનો વાર્તારસ પોષાય તે તો ઠીક જ છે; પરંતુ ગુજરાતી ભાષી સમાજમાંથી આવી આડાશો કંઇક અંશે ઓછી થાય તે હેતુ મુખ્ય રહેલો છે”. આ રીતે સમાજમાં રહેલી લોકોની આડાશને દુર કરવા અંગે પણ શાંતિભાઈ વિચારે છે. અહીં શાંતિભાઈ એક સંશોઘકથી એક મહાન વિચારક બને છે, આપની પ્રાદેશિક ભિન્નતા ઘટાડે છે.

શાંતિભાઈ આચાર્ય બોલીની એકત્રિત સામગ્રીનો એક નિયત ઢાંચો તૈયાર કરી રાખ્યો છે.જેમાં ,
૧.પૂર્વભૂમિકા ૨. કેન્દ્ર પરિચય ૩. ભાષકવિશેષ ૪. ભાષા-બોલી સામગ્રી ૫. ભાષાપૃથ્થકરણ ૫.૧ ધ્વનિતત્વીય ૫.૨. રૂપતત્વીય ૫.૩. શબ્દતત્વીય ૫.૪. વાક્યતત્વીય ૫.૬.સમાજતત્વીય.

આ પ્રકારની સામગ્રી શિક્ષણકરોને વિશેષ ઉપયોગી બને કેમ કે આદિવાસી બાળકોને પ્રાથમિક શિક્ષણ માન્ય માતૃભાષામાં આપવામાં આવે છે.આવા સંજોગોમાં જે તે વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં આની વિશિષ્ટ તાલીમ પામેલા શિક્ષકોને મુકીને આનું નિવારણ લાવી શકાય છે.

ડૉ. આચાર્યએ વિવિધ લોકકથાઓ તથા વિવધ બોલીઓના અભ્યાસ સમયે જે ક્ષેત્રકાર્ય કર્યું અને તે સમયે એમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્રની પસંદગી તેમની સાથેની કાર્યરીતિ, ધ્વનિમુદ્રણ, શુદ્ધ ધ્વનિની તારવણી જેવા અનેક બોલીલેખન સંદર્ભે ઉપજતા પ્રશ્નો અને સમસ્યાઓનું નિરૂપણ ‘બોલીવીજ્ઞાન:કેટલાક પ્રશ્નો’માં ઝીણવટપૂર્વક નોંધે છે અને તેના ઉદાહરણરૂપે ‘ભાડાનો વર’ વાર્તાની ભાષાસામગ્રી લીધી છે.

પ્રથમ વ્યાખ્યાનમાં ક્ષેત્રકાર્ય પૂર્વેની સજ્જતા, ક્ષેત્રની પસંદગી, ભાષકવિશેષોની પસંદગી અને તેમની સાથેની કાર્યરીતિ વગેરે જેવા પ્રશ્નો સામે કેવી રીતે સજ્જ રહેવું તે ઉદાહરણસહિત જણાવે છે.તો વ્યાખ્યાનના બીજા ભાગમાં બોલીના લેખનગત પ્રશ્નો અંગેની ચર્ચા કરી છે. જેમાં ધ્વનિપટ્ટી પરથી ઉતારવામાં આવેલી માહિતીમાંથી માહિતીદાતાના ભાષાગત અને બિનભાષાગત ધ્વનિઓ તથા માનવેતર અવાજો ગાળવા. વ્યક્તિગત ખાસિયતની લટકણિયા જેવી ઉક્તિઓને વિવેક વાપરીને અળગા કરવા. આ બધું ગળ્યા પછી કામયાબ ધ્વનિઓની તારવણી કરવી.પ્રત્યેક ધ્વનિને લિપિચિહ્ન આપીને તેનું લિપ્યંતર કરી શકાય. તો કેટલીકવાર કામયાબ ધ્વનિ અર્થે અલગ ચિહ્ન ન હોય તો તે માટે ઉમેર્રીને જે તે બોલી અર્થેની લિપિમાળા રચવી જોઈએ. આ ઉપરાંત ઉક્તિ પરનો સૂર, સ્વરભાર, આરોહ, અવરોહ, વિરામ ઇત્યાદિ તારવીને લિપ્યંતરમાં ચિન્હો વડે અંકિત કરવામાં ન આવે ત્યાં સુધી લિપ્યંતરની રજૂઆત અધુરી જ ગણાય.

ભાષાવિજ્ઞાન ક્ષેત્રે કામ કરવા માટે તેમણે લોકકથા સાહિત્યની સામગ્રી એકત્રિત કરી છે. જેમ કે ‘કચ્છી ગદ્ય (લોકકથાઓ)અને તેમનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન’ ડૉ.શાંતિભાઈ આચાર્ય કચ્છી ભાષા અધ્યયન સંદર્ભે ત્રણ ભાષકવિશેષો ૧.હોસેન સુમાર મોકરસી ૨.હરિદાસ કૃષ્ણદસ ઠાકર ૩. વલીમામદ જુસબ મીયાજી પાસેથી લોકકથાઓ એકઠી કરી ત્યારબાદ આ કથાસામગ્રીને આધારે તેનું ભાષાગત પૃથક્કરણ કર્યું છે. કચ્છી ભાષામાં અત્યાર સુધી પદ્યમાં કામ થયું હતું ડૉ.આચાર્યએ સૌપ્રથમ કચ્છી ગદ્યની લોકકથાઓને આધારે અભ્યાસ કર્યો.

ડૉ.હરિવલ્લભ ભાયાણી તેમના વિશે નોંધે છે તેમ-“આખા વિસ્તારને આવરી લેતા સંખ્યાબંધ કેન્દ્રો પસંદ કરી પર્ત્યેક કેન્દ્રમાંથી ભાષકવિશેષ પસંદ કરી, તેમની બોલીના નમૂનાઓ ધ્વનિમુદ્રિત કરી, તે પરથી પાઠ તૈયાર કરી, તેનું વિશ્લેષણ કરવાનું વ્યાપક અને વ્યવસ્થિત સંશોધનકાર્ય પહેલી જ વાર કરવાનો યશ અને ધન્યવાદ ડૉ.આચાર્યને ફાળે જાય છે”. ડૉ.શાંતિભાઈ આચાર્યના લોકસાહિત્ય ક્ષેત્રના સમગ્રતયા અભ્યાસને આધારે નીચે મુજબના કેટલાક તારણો કાઢી શકાય.

  • • તેઓ સંખ્યાબંધ કેન્દ્રોની પસંદગી કરે છે તથા કોઈક ગામની વિશેષતાને આધારે જરૂર પડતાં વધારાના કેન્દ્રોને સમાવે છે.
  • • ભાષકવિશેષ અને માહિતીદાતાની પસંદગી પણ ખૂબ સૂઝપૂર્વક કરે છે.પ્રશ્નાવલિ અને પ્રશ્નસૂચિઓ ભરાવે છે.જેથી પ્રાપ્ત વિગતોનો અંદાજ કાઢી શકાય.
  • • મૂળ કૃતિને જાળવતા યથાતથ પાઠ મૂકી આપે છે જેથી તે સમયની સાંસ્કૃતિક બાબતોની માહિતી પણ મળે.
  • • કેન્દ્રનો પરિચય સંપૂર્ણ રીતે આપે છે ગામની વસ્તી, ગામની સુવિધાઓ, ગામના નામ અંગેની ચર્ચા, અન્ય વિશેષતાઓ વગેરે.
  • • કચ્છી ગદ્ય પર સૌપ્રથમ શાંતિભાઈ આચાર્યએ અભ્યાસ કર્યો છે.
  • • સ્થળ-પ્રદેશની દંતકથાઓ તથા ઈતિહાસને પણ તપાસે છે તેનું મહત્વ પણ જણાવે છે.
  • • વાર્તાના રૂપાંતરો ભેગા કર્યા છે અને તેને ગ્રંથમાં સમાવ્યા પણ છે.
  • • લોકકથાની સામગ્રીને એકઠી કરવા વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.
  • • જયાનંદ જોશીએ સૌપ્રથમ ટેપરેકોર્ડરનો ઉપયોગ લોકસાહિત્યમાં કર્યો તો શાંતિભાઈ આચાર્યએ સામગ્રીનું રેકોર્ડિંગ કરી તેનું ધ્વનિમુદ્રણનું કામ કર્યું છે.
  • • ધ્વનિપટ્ટી પરથી સામગ્રીને વિશેષ રીતે manji માંજી ઉચિત સુર, આરોહ-અવરોહ સાથે લિપ્યંતર કરી ભાવકોને આપે છે.
  • • જરૂર હોય ત્યાં દરેક ગ્રંથને અંતે સંદર્ભસૂચિ તથા શુદ્ધિપત્રકો પણ આપ્યા છે.

સંદર્ભસૂચિ
  1. અમે બોલીઓ છીએ(૨૦૦૯), શાંતિભાઈ આચાર્ય, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  2. ઉત્તર ગુજરાતની ભાષા: સર્વેક્ષણ અને અભ્યાસ’(૨૦૦૧), શાંતિભાઈ આચાર્ય
  3. કચ્છી શબ્દાવલિ (૧૯૬૫), શાંતિભાઈ આચાર્ય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  4. કચ્છી ગદ્ય(લોક કથા) અને તેમનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન’(૧૯૮૭), શાંતિભાઈ આચાર્ય
  5. ગુજરાતી ભીલી વાતચીત(૧૯૬૭), શાંતિભાઈ આચાર્ય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
  6. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૭ (ગુજરાતી સાહિત્ય પરિષદ)
  7. (બગડાવત લોકકથાનું ભીલી રૂપાંતર) ગુજરાનો અરેલો: એક તુલનાત્મક સમીક્ષા(૨૦૦૨), શાંતિભાઈ આચાર્ય
  8. બોલીવિજ્ઞાન: કેટલાક પ્રશ્નો(૧૯૮૪), શાંતિભાઈ આચાર્ય,ભાષાવિમર્શ અંક-૪ પેજ.નં ૩-૨૩
  9. ભીલી ગુજરાતી શબ્દાવલી (૧૯૬૫), શાંતિભાઈ આચાર્ય
  10. સીદી-કચ્છી વાર્તાઓ(૧૯૮૮), શાંતિભાઈ આચાર્ય, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  11. હેંડો વાત મોડીએ(૧૯૯૦), શાંતિભાઈ આચાર્ય, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  12. હાલારી બોલી, શાંતિભાઈ આચાર્ય, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
આશાબેન રમેશભાઈ ઠાકોર (રીસર્ચ સ્કોલર), અનુસ્નાતક ગુજરાતી વિભાગ, વિદ્યાનગર, આણંદ ૩૮૮૧૨૦