Included in the UGC-CARE list (Group B Sr. No 172)
વસ્તુ, સંવેદન, અભિવ્યકિત અને ભાષાની દ્રષ્ટિએ ' નકલંક '

' નકલંક ' વાર્તામાં દલિત નાયક અને સવર્ણ સ્ત્રીના સંબંધનું આલેખન અને અંતે સામાજિક અધ:પતનમાંથી ઊગરી જતાં નાયકની મન:સ્થિતિનું ચોટદાર નિરૂપણ થયું છે. દલિતચેતના સંદર્ભે આ વાર્તાના વસ્તુ, સંવેદના, અભિવ્યકિત અને ભાષા સંદર્ભે માણવી ગમે તેવી છે.

વાર્તાનું વસ્તુ જોઇએ-વાર્તાનાયક કાંતિ રોજગારી માટે ગામ છોડીને શહેર જઇ વસેલો, પરંતુ શહેરમાં મિલ બંધ પડી જવાને કારણે બેરોજગાર કાંતિ તેની પત્નિ રાધા અને દીકરી રમા સાથે વીલે મોઢે પાછા ગામડે આવીને રહે છે. વર્ષોથી છોડી દીધેલું બાપદાદાનું વણાટકામ ફરી પાછું હાથમાં લે છે. પણ શહેરની મિલમાં કામ કર્યા પછી વણાટકામમાં એનું મન લાગતું નથી. એ સમયની કાંતિની મન:સ્થિતિ જોવા જેવી છે. જુઓ : "કાંઠલો લઇને પાછો સાળમાં ગોઠવાયો. તૂટેલા તારને વેજા પર મૂકી ને એણે વણવા માંડ્યું. જે જગ્યાએ તાર તૂટેલો હતો, ત્યાં ચીરું દેખાતું હતું. ઊંચાનીચા થતા રાચ અને કાપડ પર ઠોકાતી ફણી કાંતિને અત્યારે અળખામણાં લાગી રહ્યાં હતા. એનો એક પગ જોરદાર રીતે પાવડી પર ઠોકાયો. ફટાક કરતી રાચને બાંધેલી દોરી તૂટી ગઇ. રાચ વેજા પર લબડી પડયાં. એક હાથ હાથા પરથી છટકી ગયો. બીજા હાથે પકડેલી ગિલોલી પર હાથનાં આંગળાંની છાપ ઊપસી આવી. ઘડીભર તો એણે લમણે હાથ મૂકી દીધા..." ( પૃ. 17 )

અહીં બેકાર દલિત યુવાનની મન:સ્થિતિનું લેખકે કરુણ આલેખન કર્યું છે. ગામનો સવર્ણ મુખી મંગળદા કાંતિનો સહાધ્યાયી મિત્ર છે. મુખી પૈસેટકે સુખી છે. તેને ખેતરો છે ઉપરાંત તેને રોડનું કામ પણ મળ્યું છે. મુખી કાંતિને રોડના કામની દેખભાળ માટે રાખે છે. આથી મુખીના ઘરે કાંતિની અવરજવર વધે છે. મુખીની પત્નિ દીવા પણ કાંતિની સાથે ભણતી હતી. દીવા અને કાંતિની જૂની મિત્રતા ફરી પાછી જીવંત થાય છે.દીવા ધીરે ધીરે કાંતિ તરફ આકર્ષાય છે. બીજી તરફ કાંતિ પણ દીવા તરફ આકર્ષાય છે. ધીરે ધીરે કાંતિ અને દીવાના પ્રણય સંબંધો વિકસતા જાય છે. દીવા અને કાંતિના કિશોરાવસ્થામાં થયેલો મનમેળનો આધાર લઇ સર્જક કુશળતાપૂર્વક વાર્તામાં પ્રણયના રાગ પૂરે છે. દીવાનો ઊંચો હાડેતી દેહ હવામાં હિલ્લોળાતો અને ખીલેલાં વક્ષ:સ્થળ જોઇ કાંતિ કયારેક ઘડીભર ભાન પણ ભૂલી જાય છે. ત્યારે દીવા કહે છે : " જોજો આ તડકો તમનઅ બાળી ના મૂકઅ. " ( પૃ.28 ) ત્યારે કાંતિ તેનો અર્થ પામી જતાં કહે છે : "બાળી મૂકશે તોય વતનનો છે. " ( પૃ.28 ) મુખીની ગેરહાજરીમાં બંને એકબીજાને મળતા રહે છે. તે બંને જણ જે રીતે મજાક-મસ્તી અને અડપલાં કરતાં તે મુખીના ભાઇ સેંધાને ખૂંચે છે. બંનેના સુંવાળા સંબંધોની સેંધાને ઇર્ષ્યા આવે છે. આથી સેંધો મંગળદા મુખીની અનેકવાર કાનભંભેરણી કરે છે પણ મંગળદાને તો કાંતિ પર વિશ્વાસ છે, એના કામથી પણ સંતોષ છે. કાંતિ પણ મુખી સાથે વિશ્વાસઘાત કરવા નથી માગતો, પણ એકાંતનો લાભ મળતા જ દીવા કાંતિને કહે છે : " તમારઅ હવારઅ વે'લા ભરભાંખળે આંય આવવાનું છે. " ( પૃ.32 ) દીવાનું નિમંત્રણ સાંભળી કાંતિ મૌન ધારણ કરે છે. થોડી ગડમથલ પછી તે 'હા' પાડી દે છે. એજ રાત્રે ખોડાને ત્યાં ભજનમાં જવાનું હતુ પણ કાંતિ તો દીવા સાથે બનાવેલા પ્લાન પ્રમાણે સવારે વહેલા દીવાને મળવા માટે જવાનું હોવાથી ભજનમાં જવાને બદલે ખાટલો ઢાળીને ઉંઘવા લાગ્યો, એટલે પત્નિ રાધાએ કહ્યું : "અત્યારથી ઉંઘવા માંડયા? ભજનમાં નથી જવું ?" ( પૃ.32 ) કાંતિએ ના પાડી ત્યારે રાધાએ કહ્યું : " અરે, એમ ચાલતું હશે! નહિ જાઓ તો લોકો શું ધારશે ? વાંક મારો જ ગણાશે. " ( પૃ.32 ) છતાં પણ કાંતિ તો રાધાની વાતને અવગણીને સવારે વહેલું જવાનું હોવાથી ઉઠી ન શકાય એવું બહાનું બતાવે છે, ત્યારે રાધા તેને વહેલા ઉઠાડવાનું કહે છે. આથી કાંતિ મૂઝવણમાં મુકાઇ જાય છે. કાંતિ વિચારે છે કે ભજનમાં ગયા પછી રાત્રે બે- ત્રણ તો સહેજે વાગી જશે, જો મોડું થશે તો આખુ આયોજન બગડી જશે. ઘરમાંથી નીકળતાં કોઇ જોઇ ન જાય એટલા માટે તો દીવાએ મને વહેલી સવારે બોલાવ્યો છે. એવું વિચારતો હતો તે જ ઘડીએ એના મનમાં બીજો પ્રશ્ન ઉદ્બભવ્યો : " ભજનમાં નહિ જવાય તો નહિ ચાલે ? " ( પૃ.32 ) પણ પાછો મનમાં પ્રત્યુત્તર વાળ્યો " ભજનમાં નહિ જાઉ તો લોકો મને નાસ્તિક ગણી કાઢશે, ને બીજા દિવસે ખોડો જ આવીને ઠપકો આપશે. ત્યારે પોતે શું જવાબ વાળશે ? " ( પૃ.32 ) કાંતિ બરાબરનો ભીંસમાં મુકાય છે. એક ભજનમાં જવાનું મન થતું હતું, તો બીજી તરફ દીવાનો ચહેરો નજર સામે અલપ - ઝલપ થયા કરતો હતો તો ત્રીજી તરફ અતીતમાં રાધાએ આપેલા સધિયારાનું સ્મરણ થાય છે : " મિલમાં ચડયોય નહોતો અને પોતાના લગ્ન થઇ ગયા હતા. એ વખતે તો માબાપ જીવતા હતા છતાં બંને વૃધ્ધ હોવાથી એમની સેવા કરવાની, દિવસે વણવાનું, તેમાંથી પરવર્યાય ન હોય ને રાત્રે પાછી સાંધણી સાંધી રાખવાની. આ બધામાં રાધાએ પોતાને કેવો સધિયારો આપ્યો હતો ! મિલમાં જોડાયો ત્યારે બદલીઓ ય કયાં મળતી હતી ? મહિનામાં વીસ વીસ દિવસ પાછા આવવાનું બનતું. ઘરે રાધા મજૂરી કરીને માબાપને સાચવતી હતી, ને પોતે અમદાવાદમાં માંડ પોતાની વીશી પૂરી કરી શકતો હતો. માબાપ ગુજરી ગયાં. એમની પાછળ બારમુ કરવુ પડયું-કુટુંબીઓના દબાણને વશ થઇને. પોતે દેવાદાર બની ગયો. રાધાને અમદાવાદમાં લાવ્યો. પોતે કાયમી થયો ત્યાં સુધી બિચારીએ કારખાનામાં મજૂરી કૂટી છે," ( પૃ.34 ) અહીં કાંતિની કંગાળ પરિસ્થિતિનું વર્ણન થયું છે. પોતાની પત્નિ સુખદુખમાં કેવી રીતે સાથ આપતી હતી તેનુ તાર્દશ ચિત્ર કાંતિના ચિત્તમાં ઉપસી આવે છે. કાંતિ રાધાને સુખી રાખવા ઇચ્છતો હતો. અંતે ખૂબ જ મૂઝવણને અંતે તે દલા સાથે ભજનમાં જાય છે. ભજનના કાર્યક્રમમાં ચા-પાણી વખતે અનામત આંદોલનની વાત નીકળી. રતિલાલ માસ્તરે અમદાવાદમાં ચાલતા તોફાનોની વાત કરીને કહ્યું : " સારું છે કે આપણા ગામમાં શાંતિ છે. પેલા એક ગામમાં તો હરિજનોના ઘરો બાળી નાખ્યાં. " ( પૃ.35 ) આ વાત સાંભળતાં જ કાંતિને થયુ કે, " કદાચ ગામની શાંતિ હણાય તેના કારણરૂપ હુ તો નહિ બનુને... ગઇ કાલે દીવા જોડે હુ ઉભો હતો ત્યારે પટેલોના બેચાર બૈરા શંકાભરી નજરે જોતા જોતા જતાં હતા. ને સેંધો તો મારા પર કાળઝાળ છે જ. ન કરે નારાયણ ને સેંધો અમારા સંબંધોની વાત વહેતી કરે પણ ખરો, તો તો અહીં પણ અશાંત પરિસ્થિતિ સર્જાય ખરી..." (પૃ.35) એવો ભય કાંતિને લાગ્યો. ચા-પાણી પીને ફરી હરજી ભગતે ભજનો શરૂ કર્યા. ત્યાર પછી દલાએ પણ ભજનો ગાવા માંડ્યા. દલાના ભજન સાંભળી ને તો કાંતિ દંગ થઇ ગયો. દલાનુ ભજન ' દેખો છો ડુંગર છતા કાં ચડો ..' ને કાંતિ સાંભળીને દિંગ થઇ ગયો. સામે ડુંગર ની હારમાળા એને દેખાઇ. તેમા ખીણો હતી. કાંતિને ચક્કર આવી ગયાં. પોતે ડુંગર ચઢતાં ખીણમાં ગબડી પડયો હોવાનો અનુભવ કરવા લાગ્યો. આ ભજનથી વાર્તામાં નવો વળાંક આવે છે. એક સાચા દલિતનું હ્રદય પરિવર્તન થાય છે.ભજનનાં ગૂઢ રહસ્યને કાંતિ પામી જાય છે. ભજન પછી ભકિતની વાતોમાં બધાંની સાથે કાંતિ એટલો બધો લીન થઇ ગયો કે સવારે છ વાગી ગયા તોય ખબર ન રહી. ભરભાંખળા તરફ નજર કરતાં તેને દીવા સાંભળી આવી છતાં પણ તે દીવાને મળવા જવાને બદલે પોતાના ઘેર જાય છે ને સાળમાં ગોઠવાયને વણવાનું શરૂ કરી દે છે. કાંતિને સાળમાં બેઠેલો જોઇને પત્નિ બોલી : "તમે મુખીના ઘેર ના ગયા?" (પૃ.36) ત્યારે કાંતિ કહે છે : "બસ, નથી જવું કયાંય જવુ નથી. હું તો આજથી વણવાનો હવે...." (પૃ.36) બસ આ જ કાંતિના હ્રદયપરિવર્તન પછીની સ્થિતિ છે. આભી બનીને રાધા ઘર વચ્ચોવચ ઊભીઊભી કાંતિ સામે જોઇ રહી હતી ત્યાં બેની દોડતી આવી અને રાધાને કહે છે : "ભરભાંખળે સેંધાભૈએ મુખીની વહુની લાજ લીધી." (પૃ.36) આ સાંભળતા જ કાંતિનો પગ જોરથી પાવડી પર પછડાયો અને રાચની દોરી તૂટી જાય છે. રાચ વેજા પર લબડી પડે છે. એ સાથે વાર્તા પૂર્ણ થાય છે. વાર્તાના અંતે કાંતિની સામાજિક નૈતિકતા એને કલંકિત થતાં બચાવે છે. મુખીની પત્નિ દીવાની લાજ એના દિયર સેંધા દ્રારા જ લૂંટાય છે. એ રીતે કાંતિ વાર્તાના અંતે નકલંક રહે છે.

વાર્તાના અંતે વાર્તાનાયક કાંતિ નકલંક રહે છે એ સંદર્ભે રઘુવીર ચૌધરી નોંધે છે : " ...એમાં ઔચિત્ય છે, એક આશ્વાસન પણ છે. કાંતિ દીવાનો બોલાવ્યો ગયો હોત તો બંને નું પતન થાત. સેંધાના બળાત્કારે માત્ર એનું એકલાનું જ પતન થયું." 15

સગા દિયર સેંધા દ્રારા દીવા પર થતો બળાત્કાર વાર્તાની મહત્વપૂર્ણ ઘટના છે. વાર્તાકારે આ ઘટનાના સંકેતો વાર્તામાં વેરી દીધા છે તેથી આ સહજ લાગે છે પરંતુ આ બનાવ અંગેની માહિતી થોડીક જ વારમાં વાયુવેગે આખા ગામમાં પ્રસરી જાય છે તે મેલોડ્રામેટિક લાગે છે.

વાર્તાની કેટલીક મર્યાદાઓ છતાં પણ વાર્તાના આરંભે આવતું વણકરવાસનું આબેહૂબ વર્ણન પાત્રોના મનોભાવોને વ્યકત કરવામાં મહત્વનો ફાળો આપે છે. વણાટકામ, ખેતમજૂરીની પાશ્વભૂમિકા જીવંત પરિવેશ રચી આપે છે. વણાટકામના સંદર્ભો વાર્તાના કેન્દ્રસ્થ સંવેદનાને ધારદાર બનાવતા વસ્તુલક્ષી સહસંબંધકો નીવડે છે. કાંતિના વણાટકામનું ર્દશ્ય જોઇએ : "એણે ફળુ ભર્યુ, ને પછી વણવાનું શરૂ કર્યું. વણતાં વણતાં રાચમાં એક તાર ભરાયો, ને કાંઠલો ઊછળ્યો, દીધો જ દીવાલે ભટકાયો. માટીની દીવાલમાં ખાસ્સો એવો ગોબો પડયો. 'હત્ તારી.... ' બબડીને ટુવાલ કમર પર લપેટીને એ ઊભો થયો. રાધા એકદમ દોડી આવી. કાંતિ. કાંતિ સામે જોતાં બોલી : 'આજ આમ કેમ થાય છે ?' 'બસ, હવે એવું જ થવાનું.' કહીને કાંતિ મૌન રહ્યો." (પૃ.1,2)

વાર્તામાં પરિવેશનો પણ વ્યંજનાગર્ભ વિનિયોગ થયો છે. વણકરવાસની પ્રવૃત્તિઓનું, એમના રીત-રિવાજોનું, વ્યવસાયનું, એમની આગવી બોલીએ વગેરે દ્રારા અસરકારક પરિવેશનું નિર્માણ થઇ શકયું છે. વાર્તામાં પાત્રમુખે ઉત્તર ગુજરાતની તળપદી બોલીનો સમર્થ વિનિયોગ થયો છે. લોકબોલીના રોજબરોજના વ્યવહારમાં બોલાતા શબ્દો જે સુધરેલા સમાજને અશ્લીલ લાગે, પણ તેવી બોલી વાસ્તવિકતા દર્શાવે છે. સંવાદ કે કથન વર્ણન બેઉ સ્તરે ભાષાનો સધન-સભાન વિનિયોગ થયો છે.

ભી. ન. વણકર આ વાર્તા સંદર્ભે નોંધે છે : "શ્રી મોહન પરમારની 'નકલંક' વાર્તામાં યુગના સંદર્ભે સામાજિક વિશિષ્ટ પરીવેશ તેમજ સામાજિક વાસ્તવનું સૂક્ષ્મ અને સહજ મનોવિશ્લેષણ થયું છે. વ્યવહારમાંથી નિષ્પન્ન થતાં કલ્પનો; તાજગીસભર ભાષાકર્મ અને સ્વતંત્ર કલાભિવ્યક્તિને લીધે આ વાર્તા નોંધપાત્ર બની છે." 16

હરીશ મંગલમ્ આ વાર્તાને મૂલવતાં નોંધેં છે : " ' નકલંક ' (મોહન પરમાર) વાર્તાના કેન્દ્રમાં મિલનું બંધ થવું અને એને લીધે વાર્તાના નાયક કાંતિનું બેરોજગાર થવુ છે. પોતાના બાપ-દાદાઓનો ધંધો વણાટકામનો છે પરંતુ શહેરમાં ગયા પછી વણાટકામમાં એનો જીવ પરોવાતો નથી. ગ્રામજીવન માંથી શહેરીજીવનમાં ગયા પછી માણસ જે રીતે બદલાઇ જાય છે અને શહેરમાં બેરોજગારીનો ભોગ બન્યા પછી પોતાના મૂળ ગામમાં પાછા આવવું પડે છે - એનું નિરૂપણ લેખકે કાંતિના પાત્રની મન:સ્થિતિ દ્રારા સરસ રીતે કર્યું છે... કાંતિ વાયદા પ્રમાણે દીવા પાસે જતો નથી અને વહેલી સવારે ગામમાં વાત વહેતી થઇ કે- 'સેંધાએ મુખીની વહુની લાજ લીધી....!' અહીં વાર્તા પૂરી થાય છે. વિસ્મય સાથે કાંતિ નકલંક રહે છે." 17

' નકલંક ' વાર્તા રચનારીતિને કારણે પણ ધ્યાનપાત્ર છે. માનવને હેવાન બનતો અટકીને ખરે સમયે હ્રદયપરિવર્તન થતાં તેની માનવતા ટકી રહે છે. પાત્રોના આંતરસંબંધોની વાત ખૂબજ સૂક્ષ્મ રીતે મુખર બનવ્યા વિના ઉપસાવી છે. લેખકે મુખર બનીને એવું ર્દશ્ય દર્શાવ્યું નથી કે મંગળદા મુખીથી દીવાને જાતીય અસંતોષ હોય પણ એ નિ:સંતાન છે એ હકીકત વગર કહ્યે પામી શકાય છે. મુખીનું પાત્ર ગૌણ રહીને પણ સંકુલતા સાથે ઉપસી આવે છે. સેંધાનું પાત્ર ખલનાયક તરીકે ઉપસી આવે છે. કાંતિ નીતિ - અનીતિ વચ્ચે ઝઝૂમ્યા કરે છે. લેખકે કાંતિને સંસ્કારી, માનવતાવાદી અને સર્વગુણ સંપન્ન દર્શાવ્યો છે જે અસહજ લાગે છે. છતાં પણ વાર્તામાં બધા જ પાત્રો વાર્તાને ગતિશીલ રાખવા માટે મહત્વ નો ભાગ ભજવે છે.

ભાવના પટેલ, ૯૪/૧ ચ ટાઇપ સેકટર- ૨૦, (મો) ૯૮૯૮૫૧૩૪૬૦