Included in the UGC-CARE list (Group B Sr. No 172)
મધુ રાયનું વિશિષ્ટ એકાંકી: અશ્વત્થામા

આધુનિક એકાંકી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મધુ રાયનું નામ જાણીતું છે.

મધુ રાયની કૃતિઓમાં નગરજીવન અને સ્ત્રી-પુરુષના સંકુલ સંબંધો મોટેભાગે જોવા મળે છે. નવલકથા હોય કે નાટક આ વાત એમની કૃતિઓમાં કેન્દ્રસ્થાને હોય છે. આ વાતથી અલગ ‘અશ્વત્થામા’ અને ‘યુદ્ધના નિયમો’ એકાંકીઓ જોવાં મળે છે. બંને એકાંકીઓ પૌરાણિક છે અને મહાભારત પર આધારિત છે. અહીં ‘અશ્વત્થામા’ એકાંકીની ચર્ચા કરવાનો ઉપક્રમ છે.

મહાભારતમાં વેરની ભાવના – અરસપરસ બદલાની ભાવના અનેક પાત્રો સંદર્ભે જુદી જુદી રીતે વ્યક્ત થઇ છે. ‘અશ્વત્થામા’ એકાંકીનો સૂર પણ આજ છે. અહીં કોઈ સળંગ કથાવસ્તુ નથી, સંવાદો છે અને એમાંથી અશ્વત્થામાનું બિહામણું રૂપ પ્રગટ થાય છે. કૃષ્ણના શાપથી એકાંકીનો પ્રારંભ થાય છે અને સંવાદો ફ્લેશબેક પદ્ધતિએ ચાલે છે.

પોતાના પિતાની પાંડવોએ છળથી હત્યા કરી છે, એનો બદલો અશ્વત્થામા પાંડવોને નિર્વંશ બનાવવાની પ્રતિજ્ઞાથી લે છે અને ઉત્તરાનાં ગર્ભ પર દર્ભબાણથી પ્રહાર કરે છે. કૃષ્ણ ત્યારે શાપવાણી ઉચ્ચારે છે. ‘મહાભારત’માં કૃષ્ણની શાપવાણી આ શબ્દોમાં છે, “ પરંતુ તુઝે સભી મનીષી પુરુષ કાયર, પાપી, બારંબાર પાપકર્મ કરનેવાલા ઔર બાલ - હત્યારા સમજતે હૈ. ઇસ લિએ તૂ ઇસ પાપ-કર્મકા ફલ પ્રાપ્ત કર લે. આજ સે તીન હજાર વર્ષ તક તૂ ઇસ પૃથ્વી પર ભટકતા ફિરેગા. તુઝે કભી કહી ઔર કિસીકે સાથ ભી બાતચીત કરને કા સુખ નહિ મિલ સકેગા. તૂ અકેલા હિ નિર્જન-સ્થાનો મેં ઘૂમતા રહેગા...” (૧)

અશ્વત્થામાના જન્મ વખતે દ્રોણના મનમાં દ્રુપદ સામેની વેરની અગ્નિ પ્રજ્જવલિત હતી. એટલે જ દ્રોણ અશ્વત્થામાના જન્મ વખતે કહે છે, “ જેનો શબ્દ શતસહસ્ત્ર અશ્વોના નાદ જેવો પ્રચંડ છે, જેની ગતિ દશે દિશાઓમાં દોડતા અશ્વ જેવી અતુલ્ય છે, જેનું દેહબળ અશ્વોના સ્નાયુઓમાં સંચિત પાશવી ઉર્જાની સમકક્ષ છે, એવા આ શિશુનું અભિધાન હું ‘અશ્વત્થામા’ કરું છું.” (૨) અશ્વત્થામા પિતાના મૃત્યુનો બદલો લેવા એટલો બધો તત્પર છે, કે એને કાળનું પણ ભાન નથી. કૃતવર્મા એને રોકે છે ત્યારે એ જણાવે છે, “ વિધિસરનું યુદ્ધ તો સમકક્ષ યોદ્ધાઓમાં શોભે કૃતવર્મા, પાંડવોને તો નિ:શસ્ત્ર શત્રુઓના ક્રૂર સંહારનું વ્યસન છે, પાંડવોનું મૃત્યુ પણ નિ:શસ્ત્ર હોય ત્યારે જ પાંડવોચિત ગણાય, ઊઠો,ઊઠો, મારી સાથે ચાલો, પૃથિવીનો ભાર આપણે ઉતારવાનો છે.” (૩) પિતાના મૃત્યુનો પ્રતિશોધ લેવા અશ્વત્થામા આતુર છે એ જોઈ શકાય છે. દ્રોણે પુત્રમોહને કારણે દુર્યોધનના રાજ્યાશ્રયનો સ્વીકાર કર્યો હતો. એટલે જ પિતાના મૃત્યુ વખતે અશ્વત્થામા એટલો બધો વ્યથિત થાય છે, કે પાંડવોને નિર્વંશ કરવાની પ્રતિજ્ઞા લે છે.

અર્જુન અશ્વત્થામાએ કરેલા અધમ કૃત્ય બદલ એનો સંહાર કરત પણ દ્રૌપદી રોકે છે. કારણકે પુત્રવધની પીડા તે ભોગવી રહી છે અને હવે કોઈ માતા પુત્રથી વંચિત રહે એવું એ નથી ઈચ્છતી. દ્રૌપદીનો આ અભિગમ પણ એકાંકીને નવું પરિમાણ આપે છે. આ એકાંકીના કથાવસ્તુ અને ગૂંથણી સંદર્ભે દિનેશ કોઠારીએ આવી નોંધ કરી છે, “ એકાંકી ‘અશ્વત્થામા’માં, સાર્ત્રની જેમ, મિથનો અસ્તિત્વવાદી અભિગમ માટે વિનિયોગ કર્યો છે. જેને સફળતા મળી નથી. નાટ્યક્રિયાને બદલે રીપોર્ટીંગનું અવલંબન લઈને મહાભારતના વિવિધ પ્રસંગો અશ્વત્થામાના સૂત્રમાં પરોવાયા છે.” (૪) અગાઉ આ વાત નોંધી છે કે અહીં સળંગ કથાવસ્તુ નથી પણ સંવાદો છે. આધુનિક એકાંકીઓમાં તખ્તાલાયકીનો ગુણ વિશેષ જોવા મળતો હતો. આ એકાંકીની આ પ્રકારની ક્ષમતા વિશે સતીશ વ્યાસે નોંધ્યું છે, “ ધૃષ્ટદ્યુમ્ને છળથી પિતા દ્રોણની કરેલી હત્યા, રોષયુક્ત અશ્વત્થામાએ પાંડવપુત્રોની પ્રતિકાર્ય રૂપે કરેલી હત્યા, કૃષ્ણનો અશ્વત્થામા ઉપરનો શાપ અને એ બનાવોની આસપાસ રચાયેલી સવેદનસંકુલતા આ એકાંકીનો વિષય છે. એકાંકીનો પ્રારંભ નેપથ્યમાંથી સંભળાતા હજારો કાગડાઓને પીંખી ખાતા ઉલૂકના અવાજથી થાય છે.રંગમંચના રિક્ત અંધકારને ભરી દેવા માટે એ અવાજનો ઉપયોગ થયો છે. એકાંકીમાં મ્રત્યુ અને તજ્જ્ન્ય તીવ્ર શોક વિષયભૂત હોવાથી કાગડાઓના અને ઉલૂકના આ અવાજથી એકાંકીનો પ્રારંભ કરવામાં મધુ રાયે વાતાવરણનિર્માણની સમુચિત સૂઝ દર્શાવી છે.” (૫) - અ પ્રકારની સૂઝ સમગ્ર એકાંકીમા જોવા મળે છે.

આ એકાંકીની સાથેસાથે બીજાં બે દીર્ઘકાવ્યો- નલિન રાવળ કૃત ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’ અને યજ્ઞેશ દવે કૃત ‘અશ્વત્થામા’નું સ્મરણ પણ થાય છે. જન્મ લેનાર પ્રત્યેકને મૃત્યુ છે, કેવળ અશ્વત્થામા જ વર્ષોથી નિરર્થક ભટકી રહ્યો છે. એની વેદના ‘અશ્વત્થામા’માં આ રીતે વ્યક્ત થઇ છે-
“મારા શ્વાસમાં બેઠેલું મૃત્યુ શોધે છે મને,
ને હું શોધું છું મૃત્યુને.” (૬)

કૃષ્ણના શાપને કારણે જન્મોજન્મ જે મૃત્યુની શોધ માટે એ ભટકતો રહ્યો એ મૃત્યુનો હવે એને ખપ નથી, મ્રત્યુ હવે એના જીવનનો ઉદ્દેશ પણ નથી. માનો કે મૃત્યુ મળી જાય તો એનોય કોઈ ઉદ્દેશ રહ્યો છે કે કેમ? ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’ની આ પંક્તિઓ જુઓ-
“ હું ક્યાંથી નાસું
મારા સમયને પગ નથી
હું ક્યાંથી નાસું
ચારેકોર પડછાયાઓની ખીણો ખખડે છે
હું ક્યાંથી રડું
મારા સમયને આંખ નથી.
હું ક્યાંથી જન્મું
મારો સમય મરતો નથી.
હું ક્યાં છું? (૭)

કૃષ્ણ તો કુરુક્ષેત્રના એક અશ્વત્થામાને શાપ આપે છે પણ અશ્વત્થામા માત્ર એક જ ક્યાં છે? એ પછી પણ ઘણા અશ્વત્થામાઓનો જન્મ થયો. અશ્વત્થામાનો અંતિમ સંવાદ આખા એકાંકીને જુદો અર્થ આપે છે, “ પરંતુ પૃથિવી પર આજે કરોડો, અબજો અશ્વત્થામા, મારા વંશજો વૈરની શૃંખલાની કડીઓ વહેશે, વિજય મારો થશે પરમેશ્વર, વિજેતા હું, અશ્વત્થામા બનીશ, તું સર્વશક્તિમાન નહીં.. ત્યારે એકેએક જીવ અશ્વત્થામા હશે, એકેએક જન દુર્ભેદ્ય વનોમાં એકાકી પર્ણની જેમ વાયુમાં ફેંકાશે, એકેએક સ્થળ શિબિર બનશે. જીવેજીવને માટે અસ્તિત્વ માત્ર અસહ્ય શાપવાણી બની જશે..(૮) બે વિશ્વયુદ્ધો અને સાંપ્રત વિશ્વ અશ્વત્થામાનો આ સંવાદ સાચો ઠેરવે છે. આજે અશ્વત્થામા ઘણા છે પણ શાપવાણી ઉચ્ચારનાર કૃષ્ણ ક્યાં છે? આવા અશ્વત્થામાઓને કારણે જ જીવન શાપ બનતું જાય છે.

સંદર્ભ

  1. મહાભારત, ચતુર્થ ખંડ, શ્લોક ૯ થી ૧૧, ગોરખપુર: ગીતા પ્રેસ, પા.૪૩૬૭
  2. અશ્વત્થામા, મધુ રાય. અમદાવાદ: વોરા એન્ડ કંપની. જાન્યુઆરી ૧૯૭૩. પા.૫૦
  3. એ જ પા. ૫૨
  4. એકાંકી અને ગુજરાતી એકાંકી, સં.જયંત કોઠારી. ‘એકાંકી: આધુનિક અને સાંપ્રત’, દિનેશ કોઠારી. અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. ૨૦૧૯(બી.આ.), પા.૧૬૫
  5. એકાંકી અને ગુજરાતી એકાંકી, સં.જયંત કોઠારી. ‘ગુજરાતી એકાંકીના જ્યોતિર્ધરો’, સતીશ વ્યાસ. અમદાવાદ: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. ૨૦૧૯(બી.આ.), પા.૧૮૯.
  6. જળની આંખે, યજ્ઞેશ દવે. અમદાવાદ: કુમાર કાર્યાલય.પ્રથમ આવૃત્તિ પા. ૧૩
  7. અવકાશ, નલિન રાવળ. અમદાવાદ: આર.આર. શેઠની કં. પા. ૯૮
  8. સંદર્ભ ૧ મુજબ. પા. ૫૯


ધ્વનિલ પારેખ, C-૨૦૪, વૈદેહી રેસિડેન્સી-૧, વાવોલ, ગાંધીનગર-૩૮૨૦૧૬ મો. -૯૪૨૬૨૮૬૨૬૧