Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ડાયસ્પોરા અને સાંસ્કૃતિક સંધર્ષ: કેટલીક હિન્દી વાર્તાઓના આધારે

સ્થળાંતર એ ડાયસ્પોરાની શરૂઆત છે. વ્યક્તિ જ્યારે પોતાનું સ્થળ બદલે છે તેની સાથે તેણે ઘણા બધા બીજા પ્રશ્નોમાંથી પણ પસાર થવું પડે છે. સ્થળની સાથે સાથે સંસ્કૃતિ બદલાય છે, સમાજ બદલાય છે, વાતાવરણ બદલાય છે. આ બધા બદલાવો છતાં તે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મથે છે. અનુકુલન સાધે છે. તેમ છતાં અમુક બાબતો એ ક્યારેય બદલી શકતો નથી. સ્થળાંતરના લીધે ઊભી થતી સમસ્યાઓનું વર્ણન કરતી હિન્દી સાહિત્યની ચાર વાર્તાઓ: ‘ચિડિયા ઔર ચીલ’, ‘કોખ કા કિરાયા’, ‘પીઝા કી પુકાર’ અને ‘રૌની’ને આધારે સાંસ્કૃતિક ભેદભાવોને લીધે ઊભી થતાં સંઘર્ષને અહીં રજૂ કર્યું છે.

ચિડિયા ઔર ચીલ

‘ચિડિયા ઔર ચીલ’ સુષમ બેદીની વાર્તા છે. આ વાર્તા ભારતીય માતાપિતાના માનસને પ્રગટ કરે છે. ભારતીયોની અધૂરી રહેલી ઇચ્છાઓ અને અપેક્ષાઓ તેઓ પોતે પોતાના બાળક પાસેથી પૂરી કરાવવાનો હઠાગ્રહ રાખે છે; તેની આ વાર્તા દ્યોત્તક છે. પોતાના બાળકની પણ સ્વતંત્ર વિચારસરણી અને ઇચ્છા-અપેક્ષાઓ હોય એવું સ્વીકારી ન શકતી ભારતીય માતા-પિતાઓની નબળાઈ આ વાર્તાની વિષયવસ્તુ બને છે. આ વાર્તામાં મુખ્ય ત્રણ પાત્રો છે. દંપતી અને એની એકની એક દીકરી. સર્જકે આ પાત્રોને કોઈ નામ આપ્યા નથી પણ માતા તેની દીકરીને ચિડિયા કહી બોલાવે છે.

ચિડિયાના માતાપિતા બન્ને ડૉક્ટર છે. પોતે મૂળ ભારતીય છે પણ વિદેશમાં જ રહે છે. ચિડિયા પશ્ચિમની સંસ્કૃતિમાં ઉછરી છે. એટલે તેના પર ભારતીય સંસ્કૃતિ કરતાં પશ્ચિમી સંસ્કૃતિ તરફનો આકર્ષણ વિશેષ છે. વાર્તાના કેન્દ્રમાં એક જ પ્રશ્ન છે- સ્વતંત્રતા. કહેવાય છે ને કે ભારતીય સંતાનોની મોટા ભાગની જિંદગી તેમના વાલીઓ નક્કી કરે એ પ્રમાણે વીતે છે. પણ, ચિડિયા હવે ભારતમાં રહેતી નથી. પણ તેના માતા-પિતાનું માનસ હજી ભારતીય છે એટલે દરરોજ તેમના વચ્ચે ખટપટ ચાલ્યા જ કરે છે.

ચિડિયા હજી તો સાવ નાની છે ત્યાંથી જ તેની માતા ઇચ્છે કે ચિડિયા બાયોલોજીમાં સારા માર્કસ લાવે. જેથી કરી એ ડૉકટર બની શકે પણ તેના પિતાની ઇચ્છા છે કે એ સારું ભાષણ આપતા શીખે જેથી એ સારી વકીલ બને. આ બન્ને ક્યારેય ચિડિયાની ઇચ્છા શું છે તે જાણવાનો કે તેને સમજવાનો પ્રયત્ન કરતાં નથી.

નાનપણથી જ રમવા કરતાં ભણાવવામાં અને કોઈ સારી કોલેજમાં એડમીશન લઈ ડિગ્રી મેળવવાનો જ પ્રયાસ આ દંપતી કરતું રહે છે. તેનું આ દૃષ્ટાંત ‘और क्या...इस देश में सफलता की यही कुंजी है।तुमको अपने अमरीकी साथियों से बेहतर ग्रेड्स लाने होंगे ।तभी तो तुम बढ़िया हाई स्कूल फिर आईवी-लीगी यूनिवर्सिटी में आ सकोगी ।’[1]

નિશાળના શરૂઆતના વર્ષોમાં જ બાળક સૌથી પહેલા A, B, C, Dનું રટણ કરતો હોય તો એ સ્વાભાવિક છે. પણ ચિડિયાની જિંદગીમાં સ્વાભાવિક પણે કશું ક્યાં થતું જ હતું. તેને તો પોતાના માતાપિતાના ઈશારે ઈશારે જ બધું કરવું પડતું હતું. આ બધામાંથી છૂટવાનો એક માર્ગ એને મળી ગયો હોય તેમ એક દિવસ નિશાળેથી ઘરે પરત ફરેલી ચિડિયા એક ટેલિફોન નંબર યાદ કરવાની કોશિશ કરતી હતી. તેની મમ્મીએ જ્યારે તે શું કરે છે એ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, ‘मॉम, लिंडा के मॉम डैड ने उसको इतना मारा कि वह मर ही गई...उसके मॉम और डैड को पुलिस पकड़कर ले गई.. मिस जॉनसन कहती हैं कि ये टेलिफ़ोन नम्बर चाइल्ड एब्यूज हैल्प का है... अगर तुम्हारे मॉम डैड तुमको मारें तो इस नम्बर पर फोन कर देना... फिर उनको भी पुलिस पकड़कर ले जाएगी । अब तुम मुझ पर गुस्सा करोगी न, तो मैं पुलिस को फोन कर दूंगी... मॉम, लिंडा अब कभी स्कूल नहीं आएगी... जब मर जाते हैं तो फिर कभी स्कूल नहीं जाते.....’[2]

ભારતમાં પણ હવે ધીમે ધીમે કંઈક અંશે પરિવર્તન આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને શાળામાં કોઈપણ પ્રકારની શારીરિક શિક્ષા કરવી હવે વિસરાતી જાય છે. પહેલા તો આપણે ત્યાં પેલી ગુજરાતી કહેવત ‘સોટી વાગે ચમ ચમ વિદ્યા આવે રૂમ ઝૂમ’ પ્રમાણે જ શિક્ષણ સંસ્થાઓ ચાલતી. કોઈપણ સ્કુલમાં જાઓ એકાદ બે તોફાની છોકરાઓ ઓરડાના ખૂણામાં અંગૂઠા પકડેલી મુદ્રામાં હોય જ. આપણે પણ ભણ્યા ત્યારે કોઈક જ એવા વિદ્યાર્થીઓ હશે જેમણે ક્યારેય સાહેબોના હાથનો માર નહીં ખાધો હોય. તેમાં પણ આ વાતની ફરિયાદ ઘરે કરીએ તો અધૂરામાં પુરૂં વાલીઓ પણ ‘વાંક તારો જ હશે’ એવું કહી વધારે મારતા. આવી શિક્ષણવ્યવસ્થામાં ભણી ડૉક્ટર થયેલા દંપતીને જ્યારે પોતાના જ બાળકના મુખેથી આવી વાત સાંભળવી પડે ત્યારે તેના પર જે વિતે તે તો જેના પર વિતી હોય એ જ સમજી શકે. આપણે તો માત્ર તેની કલ્પના કરવી રહી.

ચિડિયાએ લખેલા નિબંધમાં પણ બદલાતા સમય અને સમાજની છબી છે. ‘इस देश में हर साल करीब दस हज़ार टीन एजर्स आत्महत्या के शिकार होते हैं जिसकी वजह ड्रग, इंसिक्योरिटी, डिप्रेशन, और अकेलेपन के साथ-साथ, खासकर अप्रवासियों के बीच इसकी वजह किशोरों पर उनके माँ-बाप द्वारा बढ़ता हुआ दबाव हैं... अप्रवासी माँ-बाप अपनी ख्वाहिशों अधूरे सपनों को अपनी औलाद द्वारा पूरा करवाने के लिए किशोरों को बदहवास घोड़ों की तरह मार-मार कर चलवाए रखना चाहते हैं जिसका परिणाम बहुत भीषण होता है ।’[3]

મમ્મી સાથે એકવખત વાતવાતમાં ચિડિયા સંભળાવી દે છે કે, ‘तुम्हारा ज़माना तुम्हारा देश बहुत फ़र्क था... क्या तुम्हें भरोसा नहीं होता कि मेरी दुनिया तुमसे बहुत अलग हो सकती है...’[4]

આખરે માતાપિતાના ત્રાસથી કંટાળેલી ચિડિયાને એક મિત્ર મળતાં તે મહેલોના સપનાઓ છોડી ભાડાના મકાનમાં તેના મિત્ર સાથે રહેવા લાગે છે. નાની એવી નોકરી કરે છે. પણ પેલો મિત્ર થોડા સમયમાં ચાલ્યો જાય છે. આથી નાની અમથી નોકરીના સહારે ઘરના ભાડા-ભથ્થાં ભરવું હવે ચિડિયાને માટે અશક્ય થઈ પડે છે. પશ્ચિમી સંસ્કૃતિમાં જેમ બાળકો પુખ્તવયના થયા પછી તેમના વાલીઓથી અલગ થઈ પગભર થઈ એકલા રહેવા લાગે છે; એવું કરવાની આશાએ નીકળેલી ચિડિયા હવે હતાશ થઈ જાય છે. પોતાને ભાન થાય છે કે પરદેશી મિત્રો જેમ જીવતાં તેને હજી આવડ્યું નથી. પેલું ભારતીય માનસ હજી પૂરેપૂરો બદલાયો ન હોવાથી તે પાછી માતા-પિતાને ત્યાં રહેવા ચાલી જાય છે.

લગ્ન વિશેની વાત નીકળે છે ત્યારે પણ ચિડિયા પોતાનો અભિગમ સ્પષ્ટ રીતે મમ્મી સમક્ષ રજૂ કરતાં કહે છે, ‘आई बिलीव इन कमिटमेंट ऑफ हार्टस... शादी तो आदमी तब करे जबकि सामाजिक स्वीकृति कुछ मायने रखती हो..... ।’[5]

વિદેશમાં વસતાં ભારતીય માતાપિતા એવી અપેક્ષાઓ રાખે છે કે તેમના સંતાનો પરદેશમાં ભણીગણીનેડિગ્રી મેળવી, સારી એવી નોકરી મેળવી મૂળ લોકોના બાળકોથી પણ આગળ વધે. પણ સાથે સાથે તેઓ એવી અપેક્ષા પણ રાખે છે કે તેમના બાળકોનો આટલો વિકાસ થયા પછી પણ તેમના જીવનના મહત્ત્વના નિર્ણયો તો તેઓ જાતે જ લે. ભારતીય સંતાનોની જેમ તેમના સંતાનો પણ વડિલોનો આદર કરી તેમના દરેક નિર્ણયને વફાદાર રહે. કહો ને કે બાળકોના જીવનનો દોરી સંચાર તેમના હાથમાં રહે. ભારતીય માનસિકતા ધરાવતા આવા ડાયસ્પોરા ઈચ્છે છે કે તેમના બન્ને હાથમાં લાડુ હોય. આવું બાળકો સ્વેચ્છાએ કરે તો સારી વાત છે પણ તેઓ જ્યારે કોઈપણ ભોગે પોતાના બાળકોને આવું કરવા મજબુર કરતા હોય છે ત્યારે તેના પરિણામો ભયાનક આવે છે. આ જ વાસ્તવિકતાને આ વાર્તા રજૂ કરે છે.

ઘર પરત ફર્યા પછી પણ પેલી ખટપટ ચાલુ જ રહે છે. પોતે ન તો પૂરેપૂરી ભારતીય બની શકે છે ન તો પૂરી રીતે વિદેશી સંસ્કૃતિને અપનાવી શકે છે. આ બે સંસ્કૃતિઓ વચ્ચે પોતે પીસાયા કરે છે. માનસિક અને શારીરિક સંઘર્ષ સતત ચાલ્યા કરે છે. આખરે એક દિવસ ચિડિયા કોઈને પણ કહ્યા વગર એકલી ઘર છોડી ચાલી જાય છે કોઈક અજાણી સફરે...

પીઝા કી પુકાર

‘પિઝા કી પુકાર’ અશ્વિન ગાંધીની વાર્તા છે. વાર્તાનાયક અશોક ઘણા વર્ષોથી કોલેજનો પ્રેફેસર છે. અત્યાર સુધી કોલેજના વર્ગો વર્ગખંડમાં લેવાતા હતા પણ અચાનક વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા હવે કોલેજના થિયેટરમાં વર્ગો લેવાના શરૂ થાય છે. કોલેજમાં સળંગ છ કલાક વર્ગો લેવાય એ રીતે સમયપત્રક નક્કી થાય છે. આ છ કલાક વચ્ચે વિદ્યાર્થીઓને નાસ્તા-પાણી માટેનો કોઈ બ્રેક મળતો ન હોવાથી બધા વિદ્યાર્થીઓ ચાલુ વર્ગોમાં નાસ્તો કરતા હોય છે. નાસ્તા તરીકે મોટા ભાગે પીઝા જ હોય છે. ભણાવતી વખતે અશોકની ઈચ્છા એવી હોય છે કે વિદ્યાર્થીઓનું ધ્યાન તેના તરફ હોય પણ સામેનું દૃશ્ય કંઈક અલગ જ હોય છે. અશોકને જ્યારે પણ વિદ્યાર્થીઓને કંઈક લખાવવું હોય, સવાલો પૂછવા હોય કે વાર્તાલાપ કરવો હોય ત્યારે હંમેશ કોઈકને કોઈક વિદ્યાર્થી પીઝા ખાતો જ હોય. ભારતીય કોલેજોમાં આવા દૃશ્યો તમને જોવા ન જ મળે. અશોક પણ આવી શિક્ષણવ્યવસ્થાથી ટેવાયેલો નથી આથી તે બહુ અકળામણ અનુભવે છે. તેને ઇચ્છા થાય છે કે તે વિદ્યાર્થીઓને ચાલુ વર્ગખંડમાં પીઝા ખાતા અટકાવે પણ તે એવું કરી શકતો નથી.

આ સમસ્યાના ઉપાય તરીકે અશોકને એક વિચાર એ પણ આવે છે કે કદાચ શરૂઆતની પાંચ દસ મિનિટ જ બધા વિદ્યાર્થીઓ પીઝા ખાતા હશે. આથી તે જાણી જોઈને પાંચ-દસ મિનિટ ભણાવવાનું મોડું શરૂ કરે છે. તેને એવું લાગતું હતું કે આ સમયમાં બધા વિદ્યાર્થીઓ પીઝા ખાઈ લેશે પછી કોઈ વિદ્યાર્થી પીઝા ખાશે નહીં. પણ તેના આ પગલાની પણ વિદ્યાર્થીઓ પર કોઈ જ અસર થઈ નથી એવો ખ્યાલ બહુ થોડા જ દિવસોમાં તેને આવી જાય છે. અશોક જ્યારે પણ વિદ્યાર્થીઓ તરફ જોતો ત્યારે કોઈને કોઈ તો પીઝા ખાતો હોય એવો વિદ્યાર્થી તેને નજરે પડતો જ. આ દૃશ્ય જોઈ તેને ભણાવવું ગમતું નહીં.

અશોકના માનસમાં ગડમથલ જામે છે, ‘जनता को कैसे बताएँ कि मेरे लेक्चर देने के कार्य में विक्षेप हो रहा है। हर लेक्चर के पीछे बहुत सी मेहनत रहती है और मुझे संतोष नहीं मिल रहा है । पढ़ाई को आनंदमय अनुभव बनाने की कोशिश पर वार हो रहे हैं । अगर ये प्यारी जनता खाने में मशगूल है तो मुझसे बात कैसे कर सकेगी ? नोट्स कैसे ले सकेगी ? पढ़ाई में ध्यान कैसे केन्द्रित कर सकेगी ? उन लोगों का क्या जो खाना नहीं खा रहे हैं ? पूरा माहोल खराब हो रहा है । क्या मैं ये सोच लूँ कि मुझे पगार मिलती है तो लेक्चरबाजी कर न लूँ, और बाकी सब भूल जाऊँ ? उपेक्षित रहूँ और सहन कर लूँ ? नहीं, ऐसा नहीं हो सकता । अगर समस्या है तो समाधान करना होगा ।’[6]અશોકના આ મનોસંચલનો એ તરફ દિશાનિર્દેશ કરે છે કે પશ્ચિમી સંસ્કૃતિની શિક્ષણ વ્યવસ્થા ભારતીય મૂળના પ્રોફેસર અશોકને માફક આવતી નથી. પોતે આ શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરે છે. કોલેજના સત્તાધીશોનું આ બાબતે ધ્યાન દોરી આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું વિચારે છે પણ આખરે સમસ્યા તરફ બધા આંખ આડા કાન કરી દે છે. કોઈ અશોકની વાતને ગંભીરતાથી લેતાં નથી.

અશોકને પણ સમજાય છે કે આ પરિસ્થિતિ હવે બદલી શકાય તેમ નથી. આખરે બધું ન ગમતું હોવા છતાં મજબૂર અશોક જેમ ચાલતું હતું તેમ ચાલવા દે છે. પણ પેલા અશોકનું ચિત્ત તો હજી મુંઝાયા કરે છે, અકળાયા કરે છે.

કોખ કા કિરાયા

‘કોખ કા કિરાયા’ તેજેન્દ્ર શર્માની વાર્તા છે. આ વાર્તામાં તેમણે સરોગેસી જેવી બાબતને પોતાની વાર્તાના કથાવસ્તુ તરીકે આલેખી છે. તેની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી સંસ્કૃતિની વચ્ચે જીવતા પાત્રોનો સંઘર્ષ પણ આલેખ્યો છે. વાર્તામાં મુખ્ય ચાર પાત્રો છે. મનપ્રીત ઉર્ફે મૈની અને તેનો પતિ ગૈરી. જયા અને તેનો પતિ ડેવિડ. એમાં પણ કથાના કેન્દ્રસ્થાને મૈની છે. મૈનીને બે બાળકો છે: દિકરી રીટા અને દિકરો કાર્લ. મૈની, ગૈરી, જયા અને ડેવિડ ચારેય સારા મિત્રો છે. મૈનીનો પતિ ગૈરી એસ.એસ.સી. સુધી જ ભણ્યો હોવાથી રેલ્વેમાં ડ્રાઈવરની નોકરી કરે છે. આ નોકરીમાં વધારે આવક નથી. તેમ છતાં ઘરની જરૂરિયાતો પૂરી થઈ જાય એટલા પૈસા તો કમાઈ જ લેવાય છે. મૈની પણ નોકરી કરે છે. તેણે છેલ્લા દસ વર્ષમાં સાત નોકરીઓ બદલી છે. તે કોઈપણ જગ્યાએ લાંબો સમય ટકતી નથી. જ્યારે ડેવિડ એ ફુટબોલનો ખેલાડી છે. તેની આવક પણ સારી છે અને જીવનશૈલી પણ. ડેવિડની ફુટબોલની રમતને લીધે ઘણી બધી છોકરીઓ તેની આસપાસ હોય છે. છોકરીઓનો તે માનીતો છે. દરેક મેચ પછી છોકરીઓ સાથે તેના ફોટોગ્રાફ અને વિડિયો મીડિયામાં આવતા રહે છે. ડેવિડ જયાને ખૂબ જ પ્રેમ કરે છે. તે જયા પ્રત્યે વફાદાર પણ છે. એકરીતે કહીએ તો ડેવિડ પાસે દુનિયાની તમામ ખુશીઓ છે સિવાય કે તેને કોઈ સંતાન નથી. છેલ્લા દસ વર્ષોમાં ડેવિડ અને જયાએ તમામ ડૉકટરો, દવાખાનાઓ અને મંદિર-મસ્જીદના પણ ચક્કર પણ લગાવી લીધા છે. તેમ છતાં હજી સુધી જયાનો ખોળો ભરાયો નથી. આ એક જ બાબતની કમી જયા અને ડેવિડના જીવનમાં છે.

દેશના મોટાભાગની છોકરીઓની જેમ મૈની પણ ડેવિડને મનોમન ચાહે છે. આ વાતની ગંધ ગૈરીને પણ આવી ગયેલી છે. કેમકે, ડેવિડ ફુટબોલની રમતમાં જીતે કે ગોલ કરે ત્યારે જીતની ખુશીમાં તે જયાને હોઠે ચુમી લેતો. મૈની પણ ઉત્સાહમાં છે એવો ઢોંગ કરી ડેવિડને ગાલના બદલે હોઠે ચુમી લેતી. ત્યાં સુધી કે ‘यदि डेविड मैनी मैं थोड़ी सी भी रुचि दिखाए तो वह एक बार फिर सारी सीमाएं तोड़ने को तैयार है।’[7]પરિણીત ભારતીય નારીને પરપુરુષ પ્રત્યે આ પ્રકારની લાગણીઓ હોય એ ભારતીય સંસ્કૃતિમાં એક પાપ જ ગણાય છે. મૈનીને એ પાપ કે પુણ્યની કોઈ ચિંતા નથી. તે તો ડેવિડનો એકવખતનો સહવાસ ઈચ્છે છે. ઈશ્વરને પણ કંઈક આવું જ મંજુર હોય એમ મૈનીને સામેથી આવી એક તક મળે છે.

જયાને પુત્ર દત્તક લેવાનો વિચાર પણ આવેલો. પણ ડેવિડને એ મંજૂર નહોતું. આથી હવે સરોગેસી માતા શોધવી એ જ આખરી ઉપાય તેમના જીવનમાં બચે છે. વળી, ડેવિડ એવું પણ ઈચ્છતો હોય છે કે સરોગેસી માટે તૈયાર થનાર મહિલા એશિયન હોય. કારણ કે જયા એશિયન છે. જેથી જ્યારે બાળક જન્મે ત્યારે તે ઘઉંવર્ણો જન્મે. જો કોઈ ગોરી મહિલાને સરોગેસી માટે પસંદ કરવામાં આવે તો જન્મનાર બાળક ગોરો થાય તો ભવિષ્યમાં પ્રશ્નો ઉભા થાય એવી ચિંતા પણ ડેવિડને હતી.

જયા એક વખત વાતવાતમાં પોતાની મુંઝવણ મૈનીને જણાવે છે. મૈનીને તો જાણે ગમતું મળી જાય છે. મૈની ત્યારે જ રાજી થઈ જાય છે. મૈનીનું સરોગેસી માટે રાજી થવું ગૈરીને ગમતું નથી. ગૈરી મૈનીએ લીધેલા નિર્ણય વિશે તેને ફેરવિચાર કરવાની સલાહ આપે છે. તેને સમજાવતાં ગૈરી કહે છે કે, ‘पूरे नौ महीने हमारा सारा घर इस ख्याल के साथ लड़ता रहेगा कि हमारे घर में एक बच्चा आने वाला है जिसका बाप में नहीं डेविड है । ...यह सब इतना आसान नहीं है, जितना तुम समझ रही हो ।’[8]

આ બધા વચ્ચે મૈનીના મનમાં એક નવો જ વિચાર જન્મ લે છે. મૈની મનોમન ડેવિડને ચાહતી તો હોય જ છે. તે ડેવિડ સામે પ્રસ્તાવ મૂકે છે કે ડેવિડ તેને ટેક્નોલોજીની મદદથી નહીં પણ પ્રાકૃતિક રીતે માત્ર એકવખત શરીરસંબંધ બાંધીને પોતાને ગર્ભવતી બનાવે. ડેવિડ આ માટે રાજી થતો નથી. ત્યારે મૈની મનોમન વિચારે છે કે, ‘कभी कभी हैरान भी होता है मैनी कि अंग्रेज होकर भी डेविड पारिवारिक बंधन और सीमाओं का इतना आदर कैसे कर लेता है । यहा तो हर कोई किसी भी दूसरे के बिस्तर में घुसने को तैयार रहता है ।’[9]

આખરે મૈની પ્રાકૃતિક રીતે ગર્ભવતી બનવાનો વિચાર માંડી વાળી ડેવિડ અને જયાની મરજી મુજબ ડોકટરો અને ટેક્નોલોજીના સહારે ગર્ભવતી બનવા માટે તૈયાર થઈ જાય છે. મૈનીના આ નિર્ણયના લીધે ગૈરી તેનાથી નારાજ થઈ જાય છે. ગૈરી અને મૈની વચ્ચેના મતભેદના લીધે સહન કરવું પડે છે તેના બાળકો રીટા અને કાર્લને. ‘कार्ल और रीटा सहमे रहते हैं । उनके डैडी – मम्मी के बीच चलती तकरार पूरे घर को तनावग्रस्त बनाए रखती है । वे हेरान हैं, परेशान हैं । यह सब क्या हो रहा है, दिमाग छोटे हैं, समस्याएँ बड़ी हैं ... समझ आए भी तो कैसे? वे दोनों जानए को बेचेन हैं कि उनके माता-पिता को अचानक हुआ क्या है?... माँ अचानक बीमार क्यों रहने लगी है, और वो पिता जो माँ के छींकने भर से उसके लिए दवाइयाँ लाने को बैचेन हो उठता था, अचानक उसकी बीमार माँ को डांटने क्यों लगा है? माँ तो अस्पताल ले चक्कर लगा रही है, फिर भी पिता इतना निष्ठुर और कठोर व्यवहार कर रहा है । और माँ को अस्पताल ले जाने के लिए विशेष तौर जया आंटी लेने आने लगी हैं ।’[10]

ભારતીય સમાજની આદર્શ ગણાતી સમાજવ્યવસ્થા સામે પ્રશ્ન થાય અને તેમાં રહેલી પોચટતા મૈનીના પાત્ર દ્વારા પ્રગટ થાય છે. જ્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં બધું છીછરાપણું જ છે તેવી માન્યતા ધરાવનારા લોકોને ડેવિડ જેવા પાત્ર પર માન થઈ આવે તેવું તેનું પાત્રનિરૂપણ છે. આમે ભારતીય દંડ સંહિતામાં વ્યભિચાર જેવો ગૂનો માત્ર પુરુષ જ કરી શકે એવું માનવામાં આવે છે ત્યારે સ્ત્રીને હરહંમેશ પીડિતા તરીકે જ ગણવામાં આવે છે. સ્ત્રી પણ ક્યારેક ગુનેગાર હોઈ શકે એ વાતની પ્રતીતિ આ વાર્તા કરાવે છે.

સરોગેસી ભારતમાં પણ હાલ બહુ ચર્ચાતી બાબત છે. હાલમાં જ સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાને લીધે તેના પર અંકુશ લાવવામાં આવ્યું છે. ભારતમાં વસ્તી વધારે છે જેના લીધે ગરીબીની પણ સમસ્યા રહે છે. વિદેશી લોકો કે પછી ક્યારેક પૈસાદાર ભારતીયો પણ ગરીબ લોકોને પૈસાની લાલચ આપી સરોગસી માટે રાજી કરી લેતા હોય છે. સરોગેસી માટે તૈયાર થનાર મહિલાને બદલામાં સારા એવા પૈસા મળતા હોઈ તે તૈયાર થઈ જાય છે. આ જ દુષણને રોકવા માટે સર્વોચ્ચ ન્યાયાલયે પોતાના ચુકાદો આપતાં એવો કાયદો બનાવ્યો છે કે હવે કુંટુંબીના સભ્ય હોય તેવા જ વ્યક્તિ માટે સરોગેસી કરી શકાશે એ પણ અનિવાર્ય સંજોગોમાં જ.

સર્વજ્ઞ કથનકેન્દ્રથી કહેવાયેલી આ વાર્તાના થોડા વિધાનો ભારતીય અને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચેના ભેદો બહુ સારી રીતે ઉજાગર કરી આપે છે.

 1. इंग्लैण्ड का भी अजब सिलसिला है कि सोलह वर्ष से कम उम्र की लड़की दुकान से सिगरेट नहीं खरीद सकती, किन्तु माँ बन सकती है । वयस्क हुए विवाह नहीं हो सकता किन्तु माँ बना जा सकता है । .... ‘सोशल-सिक्योरिटी’ की सहायता ज़िन्दाबाद ।[11]
 2. इंग्लैण्ड में डिग्रियों के पीछे भागने का सिलसिला भी तो भारतीय मूल ले लोगों ने ही आकर शुरू किया है । मध्यमवर्गीय भारतीय अपनी संतान को ज़मीन-जायदाद तो दे नहीं पाता, बस पढ़ाई और डिग्री ही उनके लिए जायदाद हो जाती है ।[12]
 3. भला लंदन में भी कोई गलियों में खेलता है ? यहां तो प्रत्येक काम पूरे कायदे औए सलीके से होता है । यदि खेलना हो तो ‘लेजर सेन्टर’ जाओ । वहा स्विमिंग करो, बेडमिन्टन खेलो, जिम में व्यायाम करो, जो भी करो एक दायरे में बंधकर । दायरे से... नियम से बाहर कुछ नहीं कर सकते ।[13]

મૈનીએ પોતાની મમ્મીને આપેલા એક જવાબમાં પણ આ જ તફાવત જોવા મળે છે કે, ‘दुनिया आवाज़ की गति से तेज उड़ान भर रही है और माँ अब तक गाय के चक्कर में पड़ी है । कितनी अनपढ़ है माँ भी, बीफ को बीफ न कह कर गाय का मीट कहती है ।’[14]

રૌની

પરિવાર અને સમાજ વિહોણા બાળકની હાલત કેવી થાય તેનું ઉદાહરણ છે ‘રૌની’. આ વાર્તાના સર્જક છે ઉષા વર્મા. એક બાળકના સર્વાંગી વિકાસ માટે પરિવાર અને આદર્શ ભાવનાઓ ધરાવતું સમાજ ખૂબ જ જરૂરી છે. પશ્ચિમી સંસ્કૃતિમાં જ્યારે યુવાનો ક્ષણિક આકર્ષણને કારણે શરીરસંબંધ સુધી પહોંચી જાય છે ત્યારે તેના પરિણામો તેમના સંતાનને ભોગવવા પડે છે. સિંથિયાએ પણ ક્ષણિક આકર્ષણના લીધે બ્રિટનના એક યુવાન ફ્રેંક સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. થોડા જ દિવસોમાં ફ્રેંક સિંથિયાને છોડીને ઈંગ્લેન્ડ પાછો આવી જાય છે. સિંથિયા પોતાના પુત્ર રૌનીને લઈને ફ્રેંકને શોધવા ઈંગ્લેન્ડ આવી જાય છે. ફ્રેંક ક્યાંય મળતો નથી. પિતા વિહોણા પુત્રથી માતા પણ છૂટી પડી જાય છે. સાવકા માબાપ રૌનીને પ્રેમ અને હુંફ આપવના બદલે તેના પર અત્યાચાર ગુજારે છે. પરિવારનું સુખ રૌનીને ક્યારેય મળતું જ નથી.

વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વૈશ્વિકતાનો પર્યાય ગણાતી પશ્ચિમી સંસ્કૃતિમાં પણ ચામડીના રંગના લીધે ભેદભાવો થાય છે. અંગ્રેજો પોતાને ગોરા ગણાવી આફ્રિકન અને એશિયનોને હલકી જાતિના ગણાવે છે. આ રંગભેદની નિતિનો અનુભવ શાળામાં અભ્યાસ કરતા માતા-પિતા વિહોણા રૌનીને થાય છે. શાળાના શિક્ષક તેને ‘બ્લડી નિગર’ કહીચીડવે છે. ‘(मि. ह्यूबर्ट) उनकी रगो में सुद्ध एंग्लोसैक्सन खून बहता था और वह शुद्ध अंग्रेजी या जिसे क्वीन्स इंग्लीश कहते हैं, बोलते थे । रौनी जैसे ब्रोकन अंग्रेजी बोलने वाले को बड़ी ही नीची निगाह से देखते थे ।’[15]વિદ્યાર્થીઓ પણ રહી સહી કસર પૂરી કરી નાંખે છે. ‘रौनी का दुर्भाग्य कि बच्चे भी उसे नीची निहाग से देखते थे । उसे बैठना होता था सलीम और रहीम के साथ, जो उसे बिल्कुल पसंद नहीं करते थे, ‘साले अफ्रिकन’ और गाली देते । ... ‘सलीम मेरे अब्बा कहते हैं सिद्दि न, मतलब काले सारे के सारे चोर होते हैं, साले दुकान से स्वीट चुरा ले जाते हैं ।[16]પોતાનો કોઈ વાંક- ગુનો ન હોવા છતાં માત્ર પેલી રંગભેદની નીતિના કારણે તેને અપમાનો સહન કરવા પડે છે. તેનું બાળમાનસ એ સમજી નથી શકતું કે આવા ભેદભાવો શા માટે થતું હશે. જ્યારે તેને એવું સમજાય છે કે તેની સાથે ભેદભાવ માત્ર શરીરના રંગ અલગ હોવાને લીધે થઈ રહયો છે ત્યારે તે તેનો બાળ સહજ માનસ ઉપાય પણ વિચારે છે.‘मेरा रंग काला है न । गॉड मुझे, नहीं, नहीं मैं कल मिसेज विल्सन का पावडर लगाकर जाऊँगा । खूब सफेद, तब मिस्टर ह्यूबर्ट शायद गुस्सा न हों ।’[17] પણ તેને એ કોણ સમજાવે કે આ સમસ્યા એટલી જલ્દી બદલી જાય તેવી નથી. આખરે તે પણ બધા પર ગુસ્સો કરતો થઈ જાય છે. શાળામાં તોફાનો કરે છે. ભણવામાં તેનું મન જરાયે લાગતું નથી. વર્ગખંડમાં તેને હંમેશા માર પડે છે.

સંદર્ભનોંધ:

 1. પ્રતિનિધિ પ્રવાસી કહાનિયા, સંપાદક: ડૉ. સુરેશચન્દ્ર શુક્લ ‘શરદ આલોક’, પ્રકાશક: હિન્દી પ્રચારક પબ્લિકેશન પ્રા. લિ., વારાણસી, પ્રથમ આવૃત્તિ: ૨૦૦૪, પૃષ્ઠ સંખ્યા ૨
 2. એજન પૃષ્ઠ સંખ્યા ૩
 3. એજન પૃષ્ઠ સંખ્યા ૪
 4. એજન પૃષ્ઠ સંખ્યા ૬
 5. એજન પૃષ્ઠ સંખ્યા ૮
 6. એજન પૃષ્ઠ સંખ્યા ૨૫
 7. એજન પૃષ્ઠ સંખ્યા ૧૪
 8. એજન પૃષ્ઠ સંખ્યા ૧૮
 9. એજન પૃષ્ઠ સંખ્યા ૧૪
 10. એજન પૃષ્ઠ સંખ્યા ૨૨
 11. એજન પૃષ્ઠ સંખ્યા ૧૨
 12. એજન પૃષ્ઠ સંખ્યા ૧૨
 13. એજન પૃષ્ઠ સંખ્યા ૧૧
 14. એજન પૃષ્ઠ સંખ્યા ૧૨
 15. એજન પૃષ્ઠ સંખ્યા ૬૦
 16. એજન પૃષ્ઠ સંખ્યા ૬૧
 17. એજન પૃષ્ઠ સંખ્યા ૬૨


ધોરિયા દિલીપકુમાર રામજીભાઈ, આસિસ્ટન્ટ પ્રોફેસર, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલા,રાજપીપલા, જિ: નર્મદા, ૩૯૩૧૪૫મોબાઈલ: ૮૦૦૦૨૮૫૧૪૩ઇમેઇલ:ddhoriya@gmail.com