Included in the UGC-CARE list (Group B Sr. No 172)
મેઘાણી પૂર્વે થયેલ લોકસાહિત્યનાં સંશોધન-સંપાદનમાં સ્ત્રીઓનું પ્રદાન

ઈ.સ ૧૮૫૧થી ઈ.સ ૧૯૨૩નાં સમયગાળાને મેઘાણી પૂર્વેનો સમયગાળો ગણી શકાય. આ સમયમાં મેરિયન પોસ્ટન, પૂતળીબાઈ વાડિયા, બાળાબહેન દિવેટિયા, ઈન્દિરાગૌરી રતિરામ, કુંદનગૌરી, બચુબાઈ હોરમજજી અને વિજયગૌરી એમ સાત સ્ત્રીઓનું પ્રદાન મહત્વનું ગણાય છે. અહીં મેરિયન પેસ્ટન, બાળાબેન દિવેટિયા અને ઈન્દિરાગૌરી રતિરામનાં સંશોધન-સંપાદન વિષે વાત કરવાનો આશય છે.

૧. મેરિયન પોસ્ટન:-

ગુજરાતનાં લોકસાહિત્યમાં પ્રથમ મહિલા સંશોધક તરીકે મેરિયન પોસ્ટનને લેવાં પડે. ૧૯મી સદીના આરંભનાં સમયમાં તેઓ થોડો સમય કચ્છમાં રહ્યાં હતાં. ત્યાં તેઓ કચ્છનાં લોકોનું જીવન, ત્યાંની ખેતીવાડી, રીત-રિવાજો, આબોહવા, ધર્મ, વિધિ-વિધાનોના પરિચયમાં આવ્યાં. ઈ.સ ૧૮૩૮માં લંડનથી ‘કચ્છ’ નામે પુસ્તક પ્રગટ કર્યું. ૨૮૪ પાનાં અને કુલ ૨૨ પ્રકરણોનાં આ પુસ્તકમાં કચ્છનાં લોકજીવનનાં ધબકારને ઝીલ્યો. તેમણે આ પુસ્તકની શરૂઆતમાં તમામ પ્રકરણોમાં સમાવિષ્ટ મુદાઓની ટૂંકમાં ચર્ચા કરી છે. તેના પછી EMBELLISHMENTS(કલ્પિત ઉમેરા)નું લિસ્ટ અને જૂના સિંધ પ્રદેશનો નકશો આપી ‘કચ્છ’ પ્રાંતની ભૌગોલિક સ્થિતિની વાત કરી છે. ‘THE VOYAGE’ શીર્ષક હેઠળ પ્રથમ પ્રકરણમાં દરિયાઈ સફર, બોમ્બે બંદર, પ્રસ્થાન, આગમન વગેરેની વાત કરી છે. ‘MANDAVIE’ નામક પ્રકરણમાં માંડવીની વસ્તી, વેપાર-વાણિજ્ય, માંડવી પ્રદેશની લાક્ષણિકતા, મહેલ, શિલ્પકાર રામ સિંગની વાર્તા, સ્ત્રીઓનાં પોશાક, રાયપુર શહેર, વીર અને વિક્રમાદિત્યની કથા વગેરે આપ્યાં છે. ‘HILL FORT, AND CITY OF BHOOJ.’ પ્રકરણમાં તે સમયનાં ભુજ શહેરનાં બાંધકામો, ત્યાંનાં રાવ દેસુલજીનો મહેલ, તેમના શાહી રક્ષકો, સૈન્ય, ઘોડેસવારો તથા અન્ય ઘટનાઓની વિસ્તારથી વાત કરી છે. ‘HINDU TOMBS’ પ્રકરણમાં જુદી જુદી કબરો વિષે માહિતી આપી છે. તેમાં કબરોની બનાવટ અને કોતરણી, તેમાં વપરાયેલા લાલ પત્થરોની માહિતી તથા કબરો સાથે સંકળાયેલી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. ‘ANJAR’ નામક પ્રકરણમાં અંજારનાં મંદિરો, ગરીબોનાં રહેઠાણો, ભટકતા ફકીર અને ભિક્ષુકો, અંજારની વસ્તી, ઈ.સ. ૧૮૧૯નો ધરતીકંપ, કચ્છનું ભૌગોલિક ચિત્ર વગેરે દ્વારા તે સમયના અંજાર શહેરનો પરિચય આપ્યો છે. ઈ.સ. ૧૮૧૯ના ધરતીકંપ વિશેનો શિલાલેખ મળે છે. તેને મેરિયન પોસ્ટને અંગ્રેજીમાં મૂક્યો છે તેનું ઉદાહરણ જોઈએ,
“In the year of Vicram, 1875, in the month Jét (or june), on the ninth of the dark half, an earthquake happened, at which time the fort of Anjar was destroyed; but during the minority of the illustrious Maharaja Rao Daisuljee, the regency ordered its re-erection; and in the beginning of the month Assar, (or July) in the year of Vicram, 1882, the work was commenced, the subjects were made happy, and the city was rendered flourishing. At that time, Ambaram Rajaram, of the village of Arnhar, was Kamdar, (The town collector and magistrate) and superintended the work, the head workman being Jugnaal peetamber.”[1]

‘THERUNN’ પ્રકરણમાં ભારતીય પશુપાલકનું જીવન, રણનાં પ્રાણીઓ, સૂવરનો શિકાર, જંગલી ગદર્ભ(ગધેડો), ભારતીય રમતો, કવિતા અને સંગીત, પવિત્ર પક્ષીઓ જેવા મુદ્દાઓની વાત કરી છે. ‘THE NAGA PACHAMI’માં નાગની દંતકથા આપી છે. ‘RELIGIOUS SECTS IN CUTCH’ પ્રકરણમાં જુદાં-જુદાં ધર્મો, જૈનોના સંપ્રદાય, જૈન મંદિરો, તેમના નિયમો, વસ્ત્રો અને ઘરેણાં, દ્રુમનાથની કથા, જેવા વીસેક મુદ્દાઓની વિસ્તારથી વાત કરી છે. ‘THE MILITARY TRIBES OF CUTCH’માં રાજપૂત સ્ત્રી, જાડેજાઓની ઉત્પતિ, રાજકુમાર કેસરની હત્યા વગેરે ઘટનાઓને રજૂ કરી છે. ‘CASTLES IN CUTCH’માં કિલ્લાઓની માહિતી આપી છે તેમજ ‘INFANTICIDE IN CUTCH’ પ્રકરણમાં જુદાં-જુદાં પ્રકારે થતી બાળહત્યાઓની વાત કરી છે. અન્ય પ્રકારણોમાં કચ્છમાં આવેલાં ખંડેરો અને અલગ અલગ કળાઓમાં કુશળ કારીગરો વિષે માહિતી આપે છે. ‘MINSTRELSY OF CUTCH’માં વાદ્ય સંબંધી સંગીત, વીણા, સિતાર, સારંગી વગેરેને ચિત્ર મૂકીને સરસ રીતે સમજાવ્યાં છે. આ ઉપરાંત ‘ITINERANT MUSICIANS’ શિર્ષકના પેટા વિભાગમાં માહિતીની સાથે વાજિંત્ર પકડેલ સ્ત્રી-પુરુષનું ચિત્ર મૂક્યું છે. ‘ON THE BARDS AND BARDIC LITERATURE OF CHTCH’માં પૂર્વીય કાવ્યરચના, પારસી વાર્તાઓ, કચ્છના ભાટ ચારણ, લાખો ફૂલણી, સૂસી અને પુનુ જેવી કથાઓ નોંધી છે. આમ, આ પુસ્તકમાં કચ્છની લોકવિદ્યા અંગે પાયાનું કામ થયું છે. આ ઉપરાંત કચ્છનાં ઉલ્લેખો ધરાવતા દશેક પુસ્તકો એમણે આપ્યાં છે.

૨. બાળાબહેન દિવેટિયા:-

મેઘાણી પૂર્વે લોક સાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર અન્ય મહિલા બાળાબહેન ભોળાનાથ દિવેટિયા છે. નર્મદે કરેલા ‘નાગરી નાતનાં ગીતો(૧૮૭૦)નાં સંપાદનના બે જ વર્ષ બાદ પિતા ભોળાનાથ દિવેટિયાની પ્રેરણાથી ઈ.સ ૧૮૭૨માં બાળાબહેન દિવેટિયાએ ‘અમદાવાદનાં વડનગરા નાતની સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો સંગ્રહ’ આપ્યો. આ પુસ્તકની પ્રસ્તાવનામાં બાળાબહેન નોંધે છે કે, “જનોઈ તથા લગ્નનાદિ શુભકાર્યોમાં ગીત ગાવામાં આવે છે. તેમાં બીજી ન્યાતો કરતાં વડનગરા નાગરોમાં તેમાં વળી અમદાવાદના વડનગરા નાગરના ગીત ઘણાં સારા છે. તેનો સંગ્રહ કરવો એમ મારા પિતાના મનમાં આવ્યાથી તેમણે મને આજ્ઞા કરી, તે ઉપરથી ગીતોની ચોપડીઓમાં તથા મોઢે યાદ હતા તે ઉતારી આ પુસ્તકમાં સંગ્રહ કર્યો. કેટલાંક ગીત એવાં છે કે લગ્નમાં અને જનોઈમાં એક જ ગવાય છે. માટે તે જુદાં-જુદાં ન લખતાં લગ્નનાં ગીતોમાં દાખલ કર્યા છે.”[2]

આ સંગ્રહમાં પાપડ વણતાં ગાઈ શકાય એવાં ગીતો, લગ્ન ગીતો- પીઠી, માલણ, ગજેરો, મંડપ મુહૂર્ત, વરઘોડો, કન્યાવિદાય, બનડા તથા અન્ય પ્રકીર્ણ ગીતો મળે છે. તેમણે સંપાદિત કરેલાં ગીતોમાં પ્રથમ ગીત ‘જોડે રહેજો રાજ’ ખૂબ પ્રખ્યાત થયેલું લોકગીત છે. જે પાપડ વણતી સમયે ગવાય છે. બાળાબહેને સંપાદિત કરેલા લગ્નગીતોમાં પીઠીનાં ગીતનું એક ઉદાહરણ જોઈએ.
“રાતો રાતો રે કુંકાવરણીનો છોડ રાતો રાતો મે તો નિરખ્યો સોહે રે,
મારા મુજીઆજી રે તમને ચાંલ્લા કરીશ આજ મારે ઘેર સોહયરો,
પીળો પીળો રે હળદીનો છોડ પીળો પીળો મે તો નિરખ્યો સોહે રે,
મારા મુજીઆજી રે તમને પીઠી ચોળીશ આજ મારે ઘેર સોહયરો,
લીલો લીલો રે નાગરવેલનો છોડ સોહે રે લીલો રે મે તો નિરખ્યો,
મારા મુજીઆજી રે તમને બિડલાં આપીશ આજ મારે ઘેર સહિયરો.”

દરેક સમાજનાં લગ્નમાં પીઠીનું આગવું મહત્વ રહેલું છે. દરેક જ્ઞાતિનાં રીત-રિવાજ પ્રમાણે જુદી-જુદી રીતે હળદર વિધિ કરવામાં આવે છે અને તે દરમિયાન ગીતો ગવાય છે. પ્રસ્તુત ગીત વરને પીઠી ચોળતી વખતે ગવાય છે. તેમાં વિશેષણોનો વધુ ઉપયોગ થયેલો જોવા મળે છે જેમ કે, રાતો કુંકાવરણીનો છોડ, પીળો હલદીનો છોડ, લીલો નાગરવેલનો છોડ, કાળો કસ્તુરીનો છોડ વગેરે.

લગ્નપ્રસંગમાં ફૂલ, ફૂલહાર, ગજરો વગેરેની જરૂર પડતી હોય છે. આથી માલણને ઉદેશીને પણ ગીત ગવાય છે. ‘આવો માલણ બેસો રે… લાખે બે લાખે મારો મોગરો રે, અધલાખે ચાંપલીઆનો છોડ.’ અને ‘ગુથી લાવજે રે માલણ ગેન ગજરો’ જેવાં ગીતોમાં અતિશયોક્તિ જોવા મળે છે. લગ્નમાં વરપક્ષે વરઘોડો કાઢવામાં આવે ત્યારે જે ગીતો ગવાય છે, એવા ગીતો બાળાબહેનનાં સંપાદનમાં જોવા મળે છે. એનું એક ઉદાહરણ જોઈએ.
“શુકન જોઈને સંચરજો રે,
શુકનમાં મળીયો રે માળીડો રે,
ચોસર આપીને પાછો વળીયો રે,
શુકનમાં મળીઓ રે ગાંધીડો રે,
શ્રીફલ આપીને પાછે વળીયો રે.”

આ ગીતમાં વરરાજાને સારા શુકન જોઈને ઘોડે ચઢવાની વાત કરી છે. તથા સામે મળતા કારીગરો જેવા કે, માલીડો, ગાંધીડો, સોનીડો, ડોશીડો વગેરેને કાંઈક વસ્તુ આપીને પાછા વળાવે છે. તે જોતાં એવું કહી શકાય કે કદાચ તેમને આ બધુ આપવાનો રિવાજ હશે. આ વરઘોડાનાં ગીતમાં પંક્તિનાં છેડે અંત્યનુપ્રાસ જળવાયેલો જોવા મળે છે. અન્ય ઉદાહરણ જોઈએ
“ચંચળ ઘોડી તુ ચાલને
મથુરાં થકી આઈ ઉર ઉર ઘોડીના દાબડાં
પાએ મેંદી લગાઈ લાડી પૂછે વર લાડણાં,
ઘોડીલે કેસે મંગવાયે હમારા દાદાજીના રાજમાં,
સોદાગર ભેટે જ લાયા, ચડીને દેખાડો વર લાડણાં
તીરી જોઉ ચતુરાઈ અચ્છો બન્યો વર ફાંકડો.”

પ્રસ્તુત ગીત અલગ શબ્દોની છાંટવાળું હોવાથી વિશિષ્ટ પ્રકારનું બને છે. આ ગીતમાં કન્યા વરને પૂછે છે કે મારા દાદાજીના રાજમાં તમે ઘોડી શી રીતે લાવ્યા? હવે લાવ્યા જ છો તો ચઢી દેખાડો. આમ કહી કન્યા વરની પાની ચઢાવે છે. વરઘોડાનાં ગીતો ઉપરાંત બાળાબહેન પાસેથી બનડાનાં ગીત અને વર તોરણ પર હોય ત્યારે ગવાતાં ગીત મળે છે. અંતે તેઓ પ્રકિર્ણ ગીત પણ આપે છે તેનું ઉદાહરણ જોઈએ,
“મોર બોલે, ઊંચા રે આવાસમાં મોર બોલે છે
આગે જાઉં તો નદીઓ કિનારે રે મોર બોલે છે
પીછે જાઉં તો સુરત- બંગાલ રે મોર બોલે છે
મોર બોલે કિયા ભાઈના કાનમાં રે મોર બોલે છે
મોર બોલે કિયા ભાઈના સાનમાં રે મોર બોલે છે.”

આ લોકગીતમાં તેમની ભાષા શુદ્ધ અને અર્વાચીન જોવા મળે છે. મોર ક્યાં ક્યાં બોલે છે તેનું વર્ણન કર્યું છે. તથા સુરત અને બંગાળ એવા બે શહેરોનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તેમાં હિન્દી શબ્દોનો પ્રયોગ થયેલો જોવા મળે છે. જેમ કે, ‘આગે જાઉં’, ‘પીછે જાઉં’, ‘કિયા’ વગેરે.

બાળાબહેને ગુજરાતી સાહિત્યની પ્રથમ સામાજિક નવલકથા ‘સાસુવહુની લડાઈ’માં કેટલાંક ગીત આપ્યાં છે. મહીપતરામ રૂપરમ નીલકંઠે એ ગીત કેટલાંક પ્રકરણમાં ટાંકયાં છે. નવલકથાના પાંચમાં પ્રકરણમાં ‘ફાગણમાસે વસંતના દહાડા, ઘરમાં વહુવારુએ માંડયારે રાડા’ જેવુ સુદીર્ધ ગીત આપે છે. આ જ પ્રકરણનું અન્ય ગીત જોઈએ,
“દક્ષણ દેસથી ચાંદોરે આવ્યો,રાજનગરમાં ગવાયો રે.
એરે ચાંદલીઆના ઝાકમઝોળા, લોની મોડાંતી મુખ રોળારે.
જ્યારે રે રવિનારાયણ જાઈયા, એની માડીએ માંડયા જાગરે.
ધરણીએ પગ દઈ જાઈઆ, નીછટે વધેર્યો નાળરે.
પાણી સાથે દુધડે નવડાવીઆ*, તો ચોખા સાથે મોતીડે વધાવ્યા રે.”

આ ગીતમાં ‘નવડાવીઆ’ શબ્દ પ્રયોજ્યો છે એમાં ‘ડ’નાં સ્થાને કેટલીક જગ્યાએ ‘ર’ વપરાય છે આથી ‘નવરાવીઆ’ એમ બોલાય છે. જેમકે, સુરતમાં ‘ધવડાવું’ ને અમદાવાદમાં ‘ધવરાવવું’, ‘ખવડાવવું’ ને ‘ખવરાવવું’ વગેરે. આ ઉપરાંત કેટલાંક ગીતોમાં ગીત ગાનારાં પોતાના વખાણ અને સામા પક્ષવાળાની નિંદા કરે છે. એનું એક ઉદાહરણ જોઈએ,
“એની માડીએ પાણીડાં મોકલીરે, એછે ધેણરાણી.
એને વાટે તે તડકલા લાગશેરે, એ છે ધેણરાણી.
એનો મોતીરામ બાપ તે ચીથરાં વીણશેરે, એ છે ધેણરાણી.
હમારા સૂરજનારાયણ તે ચંદરવા બંધાવશેરે, એછે ધેણરાણી.
એની માડીએ પાણીડાં મોકલીરે, એછે ધેણરાણી.
એને વાટે તે કાંકરા ખુચશેરે, એ છે ધેણરાણી.”

આ ગીતમાં બાપને ચીથરાં વીણતો અને ભાઈને કાંકરા વીણતો બતાવ્યો છે. આ રીતે સામાપક્ષની મશ્કરી કરવામાં આવી છે. આ ગીત માટે મહીપતરામ નીલકંઠ નોંધે છે કે, “આ ગીતમાં ‘ધેણરાણી’ આવે છે માટે રૂપ બદલીને પીએરીમાંથી ગવાતું નથી. આમાંના ઘણાંક ગીતોમાં ધેણને ઠેકાણે બેન મૂકીને પીએરીઆં પોતાના વખાણ કરે છે અને સાસરીઆંને ભાંડે છે. સસરાને ઠેકાણે બાપને મૂકે અને બાપને બદલે સસરો પકડાય.”[3]

આમ, ગુજરાતી લોકસાહિત્યનાં સંશોધન-સંપાદનક્ષેત્રે બાળાબહેન દિવેટીયાનું યોગદાન ખૂબ મહત્વનું બને છે.

3. ઈન્દિરાગૌરી રતિરામ:-

ઈ.સ ૧૮૯૯માં ઈન્દિરાગૌરી રતિરામે ‘રીતિદર્પણ’નામના પુસ્તકમાં સુરતના વડનગરા નાગરના લગ્નગીતો અને રિવાજો આપ્યા છે, તથા વિવિધ પ્રસંગે ગવાતાં ગીત ટાંક્યાં છે. ૨૪૮પાનાનાં આ પુસ્તકમાં ૧૧ પ્રકરણો છે. તેમાં લગ્ન, જનોઈ, સીમંત વગેરે પ્રસંગોની રીતભાત પ્રકરણ પ્રમાણે વિગતે આપી છે. તેમણે ‘રીતિદર્પણ’માં આપેલી પ્રસ્તાવના જોઈએ,
“દહાડે દહાડે લોકોનાં આચાર તથા વિચારમાં ફેરફાર થતો જોવામાં આવે છે. અને જુના જમાનાની રૂઢિ વિષે ઉછરતી પ્રજાનું અજ્ઞાન વધતું જાય છે. ઘણે પ્રસંગે તો પરિપક્વ ઊંમરે નહીં પહોંચેલી સ્ત્રી ઉપર ગૃહકાર્યનો બોજો આવી પડે છે અને પોતાની સંતતિના લગ્ન વગેરે ટાણે તેને પોતાનું ગૃહિણીપણું સાચવતાં ઘણી મુંઝવણ પડે એ સ્વાભાવિક છે. જેમને અનુકૂળતા હોય તેઓ એવે પ્રસંગે વૃદ્ધ, અનુભવી સ્ત્રી અથવા પુરુષની વારંવાર સલાહ લઈ કામ કરે છે. પરંતુ એવી સલાહ સહુને સુલભ નથી. તેમજ એમ કરવાથી કાલાંતરે ભ્રાંતિ તથા મતભેદ થવાનો સંભવ રહે છે. આ કારણથી જુદી જુદી ન્યાતના આચાર, રૂઢિ અથવા રીતભાતનો સંગ્રહ તે તે ન્યાતના લોકોને ઘણો જ ઉપયોગી થઈ પડયા વિના રહે નહીં. એમ માની મારી અલ્પમતિ પ્રમાણે મેં આ રીતિદર્પણ નામનું પુસ્તક તૈયાર કર્યું છે. જેમાં સુરત નિવાસી વડનગરા નાગર ગૃહસ્થની ન્યાતની રીતભાતનો સમાવેશ કરેલો છે. જનોઈ, લગ્ન, સીમંત વગેરે પ્રસંગે થતી રીતભાત તથા ગવાતાં ગીતનાં સંગ્રહ ઉપરાંત એમાં ગરબાઓનો સારો જથ્થો આપેલો છે. અને તરુણ સ્ત્રીને વિશેષ કરી ઉપયોગી પાકવિધિનું પણ છેવટનું પ્રકરણ રાખવામાં આવ્યું છે. માટે આશા છે કે ખાસ જે ન્યાત માટે આ પુસ્તક રચ્યું છે તે ઉપરાંત બીજી જ્ઞાતિઓના લોકોને પણ એ રુચિપાત થશે અને એમાંથી તેમને કંઈ કંઈ પણ ગ્રહણ કરવા યોગ્ય લાગશે. પુસ્તકમાં જે કંઈ ખામી હોય તેને સુજ્ઞ વાંચનાર દરગુજર કરશે એવી આશા છે.”[4]

ઈન્દિરાગૌરીએ સંગ્રહની શરૂઆત અનુષ્ટુપ છંદના દુહામાં સરસ્વતી દેવીની આરાધનાથી કરી છે. તેમણે પ્રથમ પ્રકરણમાં છોકરાનું ચૂડામણ કરવાની વિધિ આપી છે તો બીજા પ્રકરણમાં જનોઈ કરવાની રીત,વૃદ્ધ શ્રાદ્ધના સામાનની વિગત, ગણપતિ પૂજનનાં વધામણની વિગત, છોકરાને મોસાળું કરવાની વિગત તથા અન્ય પરંપરાઓની વાત કરી છે. ત્રીજા પ્રકરણમાં વર તરફથી કરવાની રીત, કન્યા તરફથી કરવાની રીત, તથા વર્ષ દરમિયાનનાં તહેવારો અને શુભપ્રસંગે વર-વહુને આપવામાં આવતી લ્હાણીનું વર્ણન કર્યું છે. કન્યા તરફથી મોસાળાની રીતનું ઉદાહરણ જોઈએ,
“કન્યાને સારુ ઠાર કાંકણ, ખારેક, કોપરાનો હાર,સુતરાઉ પાનેતર વાર તથા જનસ અથવા રોકડ શક્તિ પ્રમાણે મોસાળ તરફથી આપવુ બીજા સગાને મોસાળનાં પ્રમાણમાં અને ગોરદક્ષિણા રૂ. ૩ આપવા. પરણ્યાથી એકીના વર્ષે છોકરીને કાળો થર પહેરાવો અને સાસુ સસરા જે મોટા હોય તેને પગેલાગણ આપવું તેમાં સાસુ સસરા દરેકને રૂ. ૧, કાકાસસરા, મામાસસરા, જેઠ, કાકીસાસુ, મામીસાસુ, ફોઈઆણસાસુ, જેઠાણી તથા મોટી નણંદ વગેરે ચોટાને એ રીતે દરજા પ્રમાણે આપવું.”[5] એ પછીના પ્રકરણોમાં સીમંતની વિધિ તથા વહુને વળાવવાની રીત, છૂટાછેડા વખતે કરવાની રીત, છઠ્ઠીની રીત, ઝોળની રીત, કુવારું જમણ, ખારેક કોપરાની હાર કરવાની રીત, ચાંલ્લા વ્રત કરાવે તેની રીત વગેરે આપી છે. દસમા પ્રકરણમાં માતાજીનાં ગરબાનો સંગ્રહ આપ્યો છે. તેમાં આદ્યશક્તિનાં ગરબા, સીતાના મહિના, રાધાના મહિના તેમજ સત્યભામાનું રુષણું આપ્યું છે. છેલ્લાં પ્રકરણમાં પાકવિધિનો સમાવેશ કર્યો છે. જેની અંદર વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવાની રીત બતાવી છે તેમાં કંસાર કરવાની રીત, શીરો કરવાની રીત, મીઠો ભાત કરવાની રીત, થુલી કરવાની રીત, વિવિધ શાક તેમજ રસોઈ કરવાની રીત વગેરેનો સમાવેશ થાય છે.

ઈન્દિરાગૌરીએ આ પુસ્તકમાં જુદાં-જુદાં ગીતો આપ્યાં છે. બાળાબહેનનાં સંપાદનમાં પીઠીનું ગીત ‘રાતો રાતો રે કુંકાવરણીનો છોડ’ થોડા પાઠભેદ સાથે રીતિદર્પણમાં પણ જોવા મળે છે. મોસાળુ લાવતી વખતે કંકોતરી નું ગીત ગવાય છે એનું ઉદાહરણ જોઈએ
“સુભદ્રા સંદેશો કહાવે, કોડે કંકોતરી લખાવે
મ્હારા વિરાજી અવસરે આવે, કંકોતરી મોકલોરે મહીયરમાં.”

બહેન પોતાના ભાઈને ‘મોસાળુ’ કરવા કંકોતરી લખે છે જેમાં પોતાના સાસરિયાં માટે વસ્તુઓ લાવવાનું કહે છે. જેમાં પોતાના સસરા માટે રૂપિયા, સાસુ માટે કસબી સાડી, જેઠ માટે પામરી, દિયર માટે પાઘડી અને દેરાણી માટે સાળુ લાવવાનું કહે છે. આ ગીત ઉપરાંત અંગોળડી વખતે ગવતાં ગીત, ઘોડે ચઢતી વખતના ગીત, પોંખતી વખતે ગવાતાં ગીત, હાથ મળે ત્યારે ગવાતાં ગીત, મંગળફેરાના ગીત, પરણી રહ્યા પછીનું ગીત, વહુ વર આવતી વખતે ગવાતું ગીત વગેરે જેવાં ગીત આપ્યાં છે. મંગળફેરા વખતે ગવાતાં ગીતનું ઉદાહરણ જોઈએ,
“પહેલું મંગળ વરતીઉ રે, હજીએ છે બાપની બેટી તો,
સજન સાહેલડી રે,
બીજું ને મંગળ વરતીઉ રે, હજીએ છે માડીના પેટતો,
સજન સાહેલડી રે,
સગુણને મંગળ વરતીઉ રે, હજી એ છે બાળકુંવારી
સજન સાહેલડી રે.”

આમ, ગુજરાતી લોકસાહિત્યનાં સંશોધન-સંપાદનમાં આ પુસ્તક ખૂબ જ મહત્વનું બને છે તથા ૧૯મી સદીના ઉતરાર્ધનાં સુરતના વડનગરા નાગર સમાજનું પ્રતિબિંબ ઝીલે છે. રમેશ શુક્લ નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીત(રીતકથન સાથે)માં રીતિદર્પણ વિષે કહે છે, “સૂરતના નાગરમાં ગવાતાં ગીતોનું એક વધુ સંપાદન ‘રીતિદર્પણ’ તથા ‘પાકવિધિ’ (સં. ઈન્દિરાગૌરી રતિરામ વ્હાલ બ્હેન. આવૃતિ ૧-૧૮૯૯ આવૃતિ ૨- ૧૯૧૪) પ્રગટ થયું હતું જેમાંના મોટા ભાગના ગીતો નર્મદના સંપાદનમાંના છે જે સ્વાભાવિક છે.”

આ ઉપરાંત મેઘાણી પૂર્વે લોકસાહિત્યક્ષેત્રે કાર્ય કરનાર કુંદનગૌરી નવનીતરાયે બાળાબેનનાં સમયમાં ઈ.સ. ૧૮૭૨માં સાઠોદરા જ્ઞાતિમાં ગવાતાં ગીતોનું સંપાદન કર્યું. તેમના પછી વિજયાગૌરી પાસેથી ઈ.સ. ૧૯૨૧માં ‘રાષ્ટ્રીય ગરબાવળી’ અને ઈ.સ. ૧૯૨૨માં ‘રાષ્ટ્રીય ભજનાવળી’ એવા બે પુસ્તકો મળે છે.

પાદટીપ:-

  1. ‘કચ્છ’ (૧૮૩૮), મેરિયન પોસ્ટન, પૃષ્ઠ- ૮૪
  2. ‘સને ૧૯૦૦ પહેલાનાં નાગર કોમના લગ્નગીતો’ (૧૯૭૭), રતનસિંહ ભારતસિંહ પરમાર, પૃષ્ઠ- ૧૯ (અપ્રકાશિત)
  3. ‘સાસુવહુની લડાઈ’ (૧૮૬૬), મહીપતરામ રૂપરામ નીલકંઠ, પૃષ્ઠ- ૨૮
  4. ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીત’, રમેશ શુક્લ, પૃષ્ઠ- ૨૦
  5. ‘ગુજરાતી લોકસાહિત્યના સંશોધન-સંપાદનમાં દલપતરામ, બાળાબેન દિવેટિયા અને ઈન્દિરાગૌરીનું પ્રદાન’, મિતેશ ઉદેસિંહ પરમાર, થીસિસ નં- ૫૬૮, પૃષ્ઠ- ૬૩


ગાયત્રી આર. વસાવા, પીએચ.ડી શોધછાત્રા, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦