Included in the UGC-CARE list (Group B Sr. No 172)
મનોહર ત્રિવેદીની વાર્તામાં બોલીનો બળકટ વિનિયોગ

ગુજરાતી સાહિત્યમા સમયાંતરે કંઇક ફેરફાર થતા જ રહ્યાં છે અને એટલે જ સાહિત્ય એ સમાજનું દર્પણ છે એ કથન સર્વાંગ સંપૂર્ણ યથોચિત લાગે છે. આ સચરાચર જગતમાં ભોજ્‍ય પદાર્થ ઘણાં બધાં છે. જેને આપણે સૌ હોંશે હોંશે આરોગીએ પણ છીયે તેમ છતા પરિતૃપ્તિનો ઓડકાર આવતો નથી. જેથી આ પેટ ભંભોડાયેલું રહે છે ને શૂળ પેદા કરે છે. પછી ના છૂટકે ત્રિવિધ ઓસડીયાનું ચૂર્ણ લેવા ફરજ પડે છે. ને પેટ હળવું થાય છે. આપણાં સહિત્ય જગતમાં પણ કઈક આવું જ બન્યું છે. સાહિત્ય સ્વરૂપ તરીકે વાર્તા કેટકેટલાં વાદવિવાદમા વલોવાતી રહી અંતે વાર્તા તો નક્કર સ્વરૂપ ધારણ કરે જ છે પરંતુ સર્વજન સુખાય: બનતી નથી. એ ત્યારે જ શક્ય બને છે જ્યારે (તેને) ભોંયમાં ફૂટેલાં ફણગાને એ જ ભોંયમાં રહેવા દઈ સંપૂર્ણ નૈસર્ગિક રીતે વિકસિત થવા દેવુ પડે તો જ. અર્થાત વાર્તાકારના મનોજગતમા આકારિત થતો વાર્તા વિચાર પોતીકી પ્રત્યાયનની ભાષા બોલીમા થાય છે એ વિચારને થોડો પરિમાર્જિત કરી માન્યભાષામા રજૂ કરતા થોડો અંતરાય ઊભો થાય છે. જે પ્રત્યાયન બાધક છે. આ વાતને આધુનિકોત્તર સર્જકો બરોબર અનુસરે છે. એટલે કે નેવુંના આ સમયગાળાના દરેક વાર્તાકાર પોતાના પ્રદેશની આગવી અને લોક હૈયે વહેતી બોલીમા વાર્તાઓ આપવાનું વધારે અનુંસ્યુત લાગ્યું.

આવા જ એંશીના દાયકાના ગ્રામ પરિવેશનાં કવિ તરીકે ઓળખાયેલ તે વાર્તાકાર મનોહર ત્રિવેદી પાસેથી ‘ગજવામા ગામ’ (૧૯૯૮) અને ‘નાતો’(૨૦૧૦) – એમ બે સંગ્રહમાં વહેંચાયેલી આડત્રીસ જેટલી વાર્તાઓ મળે છે. જેમાંથી દસેક જેટલી પરિષ્કૃત વાર્તાઓને અગ્રણ્ય વિવેચકોએ હોંશે હોંશે પોંખી છે. આ દરેક વાર્તામાં વાર્તાકારનો આગવો તળભાષાનો મિજાજ ધ્યાનાર્હ રહ્યો છે. જેમાં શબ્દો, લહેકા-લઢણ, કહેવતો, રૂઢિપ્રયોગ અને વાક્યખંડો ગોહિલવાડની લોકબોલીની રસાળ ભૂમિનો તરોતાજા અનુભવ કરાવે છે. વાર્તામાં આવતા શબ્દોને વારંવાર મમળવાનું ઘેલુ લાગે તેવી લવચિકતા જોવા મળે છે. વાર્તાકારનું તળશબ્દોનું જ્ઞાન અતળ અને ગહન છે. પ્રત્યાયનું માધ્યમ પૂરતી બોલી સિમિત ન રહેતા વાર્તારસના સેન્‍દ્રિય દ્રાવણમાં ઓતપ્રોત થયાનું ભાવક બહુધા વાર્તામાંથી પસાર થતા અનુભવે છે.

આજના સમયે લખાતી વાર્તાઓ બે પનામા વહેંચાયેલી જોવા મળે છે. એક માન્યભાષામા અને બીજી પ્રાદેશિક લોક બોલીમાં. આ સર્જકની મારે મન વિશેષતા એ રહી છે કે તેઓએ બહુધા સાહિત્ય લોક બોલીમા જ રચ્યું છે જેના કારણે જ ગુજરાતી સાહિત્યમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી શક્યા છે. કેમ કે તૈયાર ચોક્કસ માપ બંધના શબ્દોથી આજની સદીનો માણસ ઉબાઈ ગયો છે ને યંત્ર સાથે રહી લાગણી વિહિન ઝડતાને આરે આવી ગયો છે. એમને પોતીકું – રમ્ય અને હદયમાંથી પ્રફુલ્લિત આનંદ આપતી કોઇ ચીજ હોય તો તે છે પ્રાદેશિક લોકબોલી. જે બોલતાની સાથે જ માણસને સહજતા, પ્રકૃતિ અને સ્નેહાળતાનો ઋજુ સ્પર્શ અનુભવ કરાવે છે. જે કૃતકને પણ નવપલ્લવિત કરે છે.

વાર્તાના દરેક ઘટક તત્વને બરોબર વળ ચડાવવામાં, ધાર્યુ પરિણામ, સંઘર્ષ, વાતાવરણ અને પાત્ર પરિચયમાં શબ્દની ઝડઝમકથી દૂર રહી એકદમ નાના લોકબોલીના શબ્દોને બખૂબી રીતે કામે લગાડ્યા છે. જે માન્ય ભાષામાંના અર્થથી પર દ્વૈતિયિક અર્થ છાયા પ્રગટાવે છે. ગ્રામ પરીવેશ પ્રધાન વાર્તામા વિષયાનુરૂપ રજૂઆતમા આ વાર્તાકારે આબેહુબ તાદશ્ય ચિત્રણો રજુ કર્યા છે.

જૈફ વયના વડીલો ચોરે, ઓટલે કે પાદરે બેસી ગામ આખાની કે દેશ આખાની કે અંદરોઅંદર મજાક મસ્તીની વાતો કરી ટાઇમપાસ કરી જીવનનો બોજ હળવો થયાનું-ગોહિલવાડી સમાજની લોક બોલીનું અદ્‍લ ચિત્ર જુઓ. “કાન્‍ત્યો મિસ્ત્રી બેઠકનો માણસ કે’ તો ‘નટુ અદાના હાથમા જ જાદુ, તે થાય જ ને રાજી, બાયું, અદો બલાઉઝની કટોરિયું એવી બનાવે કે દોરાવાય ફેર નો પડ. ગામ અમથું થાનોલાના કારીગર કેતુ હશે?’, ‘ઘેલસફ્‍ફીના, ઘર્યે વોવ આવી. હવે તો કાંક સુધર્ય, દીધ્યે જ જા છ તે નાનડિયા!’, પ્રારંભે એમ, વાક્યને છેવાડે પણ ગાળના એક પછી એક ટીપા ઝવે, હોઠથી. એમાય શેત્રુજીમાં ગાગડિયો ભળે એવો જીતુ માસ્તર હાજરાહજુર હોય. બોલશે ‘મિસ્ત્રી હાચી વાતુ મેરાયથી નઈ જીરવાય. બીજું સિવવામાં એને રસ જ ક્યાં છે? મે ઝભ્ભા ને પેન્‍ટ બે મઈનાથી આપ્યા છે. રોજ આપણે એની સામે ખોડ્યા હોંઇ ‘ખમી જાને, અમથો અથર્યો થા છ, અઘરણી આવવાની છે તારે? ‘કાં તો કેશે’ ક્યાં ઉઘાડો ફરછ તે નાંડા તોડાવછ ‘આમ દિ’ ઠેકાડી દ્યે. સીવ્યે રાખો તમતમારે....’’ ‘માસ્તર મસગરી મેક્‍ય. સાચુ માનીશ, ચા પીવાની ય વૃતિ નથી થાતી. ‘માસ્તરે કાંડુ પકડી કહ્યું: ‘સુવાણ્ય તો છેને? મૂકો હવે. ઓછી તોડામણ વેઠી છે? આમ તો કાંય કરાગ દેખાતો નથી! ઊલટાનું ટાઢું બોળ...’

આ જ વાર્તામાં આગળ પારિવારિક કલહમા પડોશીએ આવી સુલેહ સમાધાનની ભાંજગડ કરાવે છે. આ સ્થિતિમા પરિસ્થિતિ પ્રમાણે મધ્યસ્થિતિનો રૂઆબ અને આજુબાજુના વાતાવરણનો ચિતાર આ વાક્યમા મળી રહે છે. ગુસ્સાની ચરમસીમા જુઓ: ‘કમા આ શુ માંડ્યું છ ખરા તત્તડિયાનુ? અડખે પડખે તમારી ભૂંડડા કૂતર્યા રે’ છે? તો સામે એટલી જ સ્વસ્થતાથી શાંત ચિત્તે શિખામણ જુઓ મે કીધુ ‘કમલો જ શુ લેવા મલકનેય જી કે’ વું હોય ઈ મર’ કે પણ બટા, આટલી સેંથકની રીહ? હમણાં હુ નો હોત તો તારે હાથે કેવો અનરથ થૈ જાત, જાણે છ તું? આ પુંખડાવની યે દયા નો આવી તને? જલમટીપમા પડવુ’ તું તારે? તારો બાપ જલમટીપમા ગ્યો’ તો તે શી વલે થૈ’ તી તમારા ભાંડરુંની, નથી ખબર્ય તને?

હળવી અને તિર્યકી બોલીમાં લખાયેલ વાર્તા ‘નાતો’ નો એક પ્રસંગ જુઓ’ ‘એ સૌમાં જાજરમાન લાગતી પ્રૌઢાએ પોતાનો રોશ વહેતો કર્યો ‘વેવાણ તો રોવા કુટવામાંથી ઉચે આવે તો આપણો છુટકારો થાયને? ઘણી ગયો તે બાય, ગામતરાના ટાણે ગ્યો છ, એમાં તો ગામ આખ્ખું મોંભારે ચડાવ્યું. નકર પાંચની લોકલમા ઓહોના નીકળી હક્યા હોત ને ક્યુંના ઘરભેગીનાય થૈ ગ્યા હોત. આ અદમીય, નવરીના તિમા, આપણને મેકીને લોકલમા તંતરાવી મેલ્યા. ન્યાં પોગીને ઘોડિયાની દોરી ખેચવાનો ખોટીપો થતો હશેને?”

આ વાર્તાકારે મહતમ શબ્દ શક્તિનો ઉપયોગ બોલી રૂપે કર્યો છે એટલે કે દ્વિ અર્થી બોલીનો પ્રયોગ ખૂબ જ સફળ રહ્યો છે જે વાર્તાને બરોબર વળ ચડાવી સંઘર્ષને કેન્‍દ્ર સ્થાને લઈ આવે છે. અને પાત્રના સ્વભાવ વર્તનને રજૂ કરે છે. જુઓ દ્રિઅર્થી બોલી વિનિયોગ: “એણે અણગમાથી જ ગોધ્યા હામે આંખ્ય ઉંચકી, અવેડો સુંઘાડ્‍ય, અવેડો સુંઘાડ્‍ય,છાનો મુનો, તારાં ડોબાવને, હલામણ. વાડ્‍યના પાણકા પીળા કરી મેક્‍યા છ તે. હારો હાર્ય તારી કંકાવટીનેય બે ચાંપવા બતાડ જે. ખરપરડી જામી ગૈ હશે.

આ વાર્તાકારે બહુજ સહજતાથી આપણી વિસરાઈ ગયેલી લોકબોલીનાં શબ્દોનો ભરપૂર ઉપયોગ કર્યો છે એટલું જ નહી એના અર્થો પાસથી વાર્તાતત્વનું જબરજસ્ત કામ લીધુ છે. વાર્તામાં પ્રયોજાયેલ લોકબોલીનાં શબ્દો સતત વાર્તારસને જાળવી રાખી ઓગળી જાય છે. આ શબ્દોની સતત હાજરીથી રોમાંચ અને તાજપ અનુભવાય છે. સાથો સાથ બોલી વારસાની ઓળખ પ્રસ્થાપિત કરી વાચક-ભાવકને તળભાષાનુ શબ્દભંડોળિય જ્ઞાન પૂરું પાડે છે.

આ વાર્તાકારની વાર્તાનો વિષય સામાજિક રહ્યો છે. તેમા ખાસ પરિવાર, કુટુંબ ભાવના અને શાશ્વત પ્રેમતત્વને પામવા માટે કદાચ તળ લોકબોલી જ પર્યાપ્ત છે, ભાષા નહીં. કારણ લોકબોલી સાહજિક છે. જે સંબંધ સાથે જોડાયેલી છે. નૈસર્ગિક છે અને એટલે જ સાચી લાગણી, પ્રેમને આ રીતે વહતાં મૂક્યા છે. એ પછી નટુ મેરાઇ, મન્યો, મનકો, કાનો, ઇશ્વર, રાજદા, દેવો, ગોમતી, મોટીબા, રાણું શીતુ વગેરેએ પોતાની સંવેદના તળબોલીમા વહેતી મૂકે છે. એ સિવાય છૂટકો જ નહોતો. ક્યારેક આ સમાજની નરી વાસ્તવિકતા ય આ રીતે નજરે ચડી આવે છે. જુઓ ‘રાંડુ ન્યા ભણવા જાવ છો કે પ’ણવા....? કરે તો ખરી મારી મરજી વગર લગન. વાટકી એને ય પાય દશ પરાણ્યે ને હું ય ગટગટાવીને સોડ્‍ય તાણી લૈશ ‘તો આનાથી વિપરીત – ‘દેખી પેંખીને ટીકડા જેવી છોડીને કૂવામાં ફેંકી દેવાની?’ – આ દ્વન્‍દ્વ વચ્ચે કરૂણ વાસ્તવિકની માર્મિક ટકોર પણ આ રીતે કરી છે. આ વાત ગ્રામ પ્રદેશમાં હજુ ક્યાંક ને ક્યાંક ગુપ્ત રીતે છુપાયેલી છે ને સક્રિય પણ છે.

વાર્તાકારે સર્જનાત્મક ગદ્યને લોકબોલીની કોરે હળવે રહીને ચડાવ્યું છે. રોજની એક ક્રિયાના નિત્યક્રમથી ઉબાઇ ગયેલી વાતો આ રીતે રજુ કરી છે. ‘એકાદુ વેણ કોઇનુ કાને પડે ને આંગળીને અંગૂઠા ઉપર ઇ વેણ લખવાની તલપ લાગે. આમ કેમ થાતુ હશે! આતો ખારચી ભોંમા ખેડ્‍ય. નૈ નિંદામણ, નૈ લાણી, નૈ વાવલવાનું. ખરી જધમારી ખેધે પડી ગૈ છ આવી આવી ધૂન.’

‘પાઠડી’ વાર્તામાં સર્જકે બોલી પાસેથી સૂક્ષ્મ રીતે કામ લીધુ છે પાઠડી શબ્દ એ બકરીના વયસ્ક બચ્ચા માટે વપરાય છે. શબ્દમા રહેલી વ્જંનાને જરાપણ અળપાયા વિના, જાતિય વાતને મુખર કર્યા વિના પાત્રના મનોસંચલનોને ખૂબ જ સંયમિત અને ગર્ભિત રીતે રજૂ કરે છે. જેમાંથી વ્યંજનાર્થ સ્કૂટ થાય છે. “ભોળિયો છપ્પરમા ગ્યો લાગે છ. એની બકરી એને બૌ વા’લી. પોર તો ખાલી ગ્યેલી. બબ્બેતંતણ વાર ઉપાયે આવેલી માનીને નોંધા ભરવાડનાં ચાળા ભેળી દોરી ગ્યેલો. બોકડાના બૂટણ છોડ્‍યે એમ થોડી ચંટાય જાય? પણ ભાય પોતે જ રહનું ઘોયું છે, તે રૈ ગૈ’તી ઠાલી.”

આ વાર્તાકારની વાર્તામાં કેન્‍દ્ર સ્થાને માનવ સંબંધ અતૂટ રીતે સાંકળ્યો છે. જે સંબંધમાં વ્યાપ્તિના દર્શન કરાવે છે. સાચી વાતને માટી સાથેના નાતે જોડી છે. ‘પૂછીશ મા’ વાર્તામાં આવુ વિધાન આવે છે જુઓ ‘પોતીકી ભોં કોય દિ’ કોયને જાકારો નથ આપતી, આપે છ તો હોંકારો આપે છ.’

-આ વાત વાત સૌ ભાવકે સમજવી, વિચારવી ઘટે...

આપણા સૌરાષ્ટ્રની લોકબોલી ધીંગી ગુજરાતી છે. આ બોલી પાસે શબ્દો-રૂઢિપ્રયોગ અને કહેવતનો અખૂટ ભંડાર છે. આથી આ બોલી ગજવેલ જેવી છે. ઉપરાંત બોલીની લઢણ અને લહેકમાં આખા ગુજરાતને ઘેલુ લગાડે એવી મીઠપ છે. આ મીઠાશમાં સમ્માન રહેલું છે. તેમાં આદર છે તોછડાઇ કે તુચ્છકાર નથી. નર્યા પ્રેમભર્યા સંબંધનું ઝરણું-ઘરેણું આ બોલી છે. તે આ વાર્તાકારની વાર્તામાંથી પસાર થતો ભાવક અચુક પણે અનુભવે છે. એ સ્વાનુભવ આ માન્યભાષામાં ઉતરવા અત્યારે પર્યાપ્ત નથી.

આ સર્જકે ખપમાં લીધેલ કેટલાંક શબ્દો – વાક્ય ખંડો, કહેવત, રૂઢી પ્રયોગ પર એક દ્‍ષ્ટિપાત કરીએ તો સૌરાષ્ટ્રની લોકબોલીનો સાહજિક વાક્ય વિનિયોગ સુંદર થયો છે. બોલીરૂપના વાક્ય ખંડો જુઓ ‘મશની કોડીમાં આજદિ લગણ ઉજળો હબાણ રહ્યો છુ.’, મનનો રવાયો કાંક નોંખી જ ઘૂમરીએ ચડેલો છે.’, ‘બોલ્ય, તુલડા, પાઠડી કે’ને કે’ છો?’ ‘કણબીની જીભ જ કુવાડાની.... જધ્યનો....’, ‘મસગરી મસગરીને ઠેકાણે સારી લાગે...’, ‘શેની મજા? શેનું નાટક? બોલ તો ખરી’, ‘જામો કામી ને જેઠવા’, ‘સાડી સત્તર દાણ મારી ઢીંચી ગ્યાં કેડ્‍યે એક દાણ પિવારી.’ આ વાક્યાંશોને વારંવાર ઉચ્ચારવાનું મન થાય એવી લવચિકતા રહેલી છે.

ભાષાગત ખાસિયતો અહી બોલી રૂપે રજુ થઈ છે. ‘એ’ ના બદલે ‘ઇ’, પેલાના સ્થાને ઓલો, ‘ગયો હતો’ ના બદલે ગ્યો’તો, ઉપરાંત કેટલાંક શબ્દોનું બોલી રૂપ અદભુત રહ્યું છે. જેમાં મગસમારી, માર્ય અંગૂઠી, જોજ્‍યો એની હડફેટે, હંધીય, કાળ‍ક્‍યા, હંદરોજ, મોર્યની જ વાત, પેલીવારકુ, સબળ, ઉપાયે આવવું, બૂટણ, તેદુની, ઘોડ્‍યે, ઢૂંકડી, વધણ્યેચડવું, હૂંઝકો,પાધરા, હકે, કોંટો, તુલડો, ઢૂંગલું, કડુહલો, ખેપાની, સેંથકની, બકીયું, તિકેડ્‍યે, ટેમસર, લૂમખા, ઈટુકણ, ધડિંગશારાનો, રમરમાવવું જેવા લોકબોલીની શબ્દ જણસ ઉપરાંત ‘ધરમ કરતા ધાડ પડી’, ‘શેત્રુજીમાં ગાગડિયો ભળે’, ‘ખાટી છાશ ઉકરડા ભેળી થાય’, ‘દેવદેરા મેલીને હડમાનને હડિકા લ્યે’, ‘પાણી વલોવ્યે માખણનાં પીડાનો ઉતરે’, ‘બારેવો તો ઉકરડે જ નંખાય’, ‘નવરું મન ભૂત બંગલો કેવાય’, ‘સો ભામણને એક ભાણેજરુ’, ‘ઉડતા પંખી પાડે’, ‘રહના ઘોયા’, ‘મગ ચોખા ભળી જવા’, ‘રેતાળ ભોં ભેજનેય નિચોવી લ્યે’. ‘જેવી કહેવત, રૂઢીપ્રયોગ અને વિશિષ્ટ બોલી પ્રયાગ વિષયાનારૂપ સર્જનાત્મક રીતે કરી જાણે છે.

આમ, આ લેખકની બહુધા વાર્તામાં અસલ સૌરાષ્ટ્રની (કાઠિયાવાડ) લોકબોલી પ્રયોજી તાદશ્ય વાતાવરણ રચિ વાર્તાઓનું પ્રમુખ ઉદ્દીપક પરિબળ બની રહી છે. આ શબ્દચેતનાની તળપદી સુગંધ ભાવકને તરબતર કરી મૂકે એવી છે. આ તળપદા શબ્દોનું ઉચ્ચારણ સાથે જ મુખવિવર ,મન-હદય રોમાંચિત થઈ ઉઠે છે અને એટલે જ કહેવાનું મન થાય છે કે મનોહર સચ્ચે જ ચિત્તહર વાર્તાકાર છે.

સંદર્ભ

  1. ‘ગજવામાં ગામ’ (૧૯૯૮)
  2. ‘નાતો’ લટૂર પ્રકાશન, ભાવનગર ૨૦૧૦


કાન્‍તિ સોલંકી, મું.માંગુકા , તા.ગારિયાધાર, જિ.ભાવનગર, પીન.૩૬૪૫૦૫ મો.૭૮૧૯૦૯૯૩૫૫