Included in the UGC-CARE list (Group B Sr. No 172)
સામાન્યમાં અસામાન્ય દર્શન કરાવતી નાટ્યકૃતિ ‘વાડીલાલ ડ્રેસવાલા યાને કુકર્મોની કહાની’

(વાડીલાલ ડ્રેસવાલા યાને કુકર્મોની કહાની, ‘સંજ્ઞા’ સામયિક, ૧૯૭૩, ઓકટોબર માસ, તંત્રી-સંપાદક: જ્યોતિષ જાની)

રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય ચિત્રકળા ક્ષેત્રે ભૂપેન ખખ્ખર ખૂબ જ પ્રતિષ્ઠિત નામ છે. સમાજના વર્ગ ઊભા થયેલા છે. તેમાં શહેરના મધ્યમ વર્ગની બધીજ વાસ્તવિકતા તેઓ પોતાના ચિત્રોમાં દર્શાવે છે. સાદાં-સમાટ ચિત્રોમાં રંગથી ઝીણી ઝીણી બાબતોને આપણી સમક્ષ ચાક્ષુસ કરે છે. પણ એ જોવાની તસ્દી લઈએ તો જ ખબર પડે. સમાજ નો એક વર્ગ એવો છે કે ધંધા માટે-રોજી-રોટી માટે સતત સંઘર્ષ કરે છે. ઘણી વખત જાણી બુઝીને અવળા રસ્તા અપનાવે છે. તો ધનીક વર્ગ સામાન્ય અને મધ્યમ વર્ગને બધી તરફથી પીસી નાખી પોતાની વાહવાહ કરાવવામાં જ રસ છે. આ સમસ્યાને ઢાંક-પિછોડા વિના રજૂ કરીને વાચા આપતા ચિત્રકારે ‘વાડીલાલ ડ્રેસવાલા યાને કુકર્મોની કહાની’ બે અંકના નાટક દ્વારા સગા-સંબધીઓની સ્વાર્થતા, તરત બંધતા અને તૂટતા સંબધોની પોકળતા, સત્તા લોલુપ જણ પાસે કલાનું કે કલાકારનું કોઈ મહત્ત્વ નથી એ બાબતની વાસ્તવિકતા આગવી રીતે રજૂ કરી છે.

આ નાટક ૧૯૭૩ ના ઓકટોબર માસના ‘સંજ્ઞા’ સામયિકમાં છપાયેલું. તંત્રી અને સંપાદક જ્યોતિષ જાની હતા. એક સમયે ગુજરાત અને મુંબઈમાં નાટક મંડળીઓ ચાલતી. નાટકોની આવી નાની નાની મંડળીઓ જ્યાં જ્યાં નાટક કરે ત્યાં એમને પોતાની નાટકની કથાના આધારે ડ્રેસ મળી રહેતા. એવો ધંધો શરૂ કરનારા પણ દરેક ગામડે હતા. ભૂપેન ખખ્ખરે લખેલું વર્ષો પહલાંનું આ નાટક પરોક્ષ રીતે આજે પણ એટલું જ સાર્થક ઠરે છે. સમાજમાં મધ્યમ અને નીચલા વર્ગને નડતી સમસ્યાઓ આજે પણ ઓછી નથી. નાટક અને એની સાથે જોડાયેલા લોકો અંદરો અંદર કેટલા હિન ધંધા કરતા એનું વાસ્તવ ચિત્ર અહીં જોવા મળે છે.

નાટકની ત્રણ અંકની નાની વિશાળતા ખરેખર કાબિલે તારીફ છે. ત્રણ અંકના રચના પ્રપંચ દ્વારા નાટ્યકારે ત્રણેય અંકમાં જુદી જુદી બાબતો લઈને કથા આલેખી છે. શરૂઆતમાં પ્રથમ અંકમાં વાડીલાલ ડ્રેસવાલાનું ઘર છે. એમાં એક બાઈ કચરા પોતું કરી રહી છે. બીજી બાઈ રતન એક ખુરશી પર બેઠી છે. એ વારે વારે એક જ પ્રશ્ન પેલી કામવાળી બાઈને પૂછે છે કે જમનાદાસ કયાં ગયા છે. અહીં એ નોંધવું જોઈએ કે જમનાદાસ અને વાડીલાલ બંને સગા ભાઈ છે. એમણે આ ધંધો જ્યારથી શરૂ કર્યો ત્યારે શરૂ શરૂમાં સારી આવક થતી નહતી. પછી ધંધો મંદ પડી જતાં. બીજા ધંધામાં-કંચનલાલ શેઠ સાથે રોકાણ કર્યું. જેમાં ઉધાડે છોગ છેતરપિંડી અને પૈસા બનાવવાના ધંધામાં સહકાર આપે છે. આ બેઉ ભાઈ એ માટે એમણે ડ્રેસવાળાના ધંધા આડે નાટક મંડળી સ્થાયીને પોતે નાટકો કરવાનું પણ ચાલુ કરેલ છે. કંચનલાલને પ્રમુખ તરીકે સ્થાપેલ છે. આ અંકમાં વાડીલાલના ઘર-કમ દુકાનનો ચિતાર આપ્યો છે. વેશ્યાના વ્યવસાયમાં જોડાયેલી રતન હવે ૪૫ વર્ષની થઈ ગઈ છે. તેનો કોઈ ભાવ પૂછતું નથી. એ વાડીલાલના નાનાભાઈ જમનાદાસ સાથે લગ્ન કરવાનું નક્કી કરીને અહી બેઠી છે. પણ ખરેખર તો એ જમનાદાસને છેતરી રહી છે. એ તો વાડીલાલને પ્રેમ કરે છે. જ્યારે વાડીલાલે તો લગ્ન કરેલ બૈરીને પોતાને હાથે મારી નખેલ છે કેમ કે એની બૈરી પોતાને ઘેર (ડ્રેસ સીવવા) કામે આવતા શંકર સાથે પ્રેમે બંધાઈ ગઈ હતી. એ વાડીલાલથી સહન ના થયું. નાટકની શરૂઆતમાં પડદો ખૂલે છે ત્યારે ઓરડામાં જે દ્રશ્ય રજૂ કર્યું છે તેમાં રેડિયોનો આવાજ નાટ્યકારે મૂક્યો છે. એ અવાજની શરૂઆતની બે ત્રણ લાઈન આખા નાટકનો ધ્વનિ પ્રગટાવે છે. વાક્ય અવાજ આ પ્રમાણે છે. “....પણ સંયમ આખરે તો વસ્તુનું અસ્તિત્વ સૂચવે છે. જ્યારે ત્યાગમાં તો અસ્તિત્વ સુધ્ધાં ઓગળી જાય છે.” આગળ અવાજમાં બુધ્ધ ભગવાન, કર્ણ-કુંતી-પાંડવો, શીબી રાજા ના ઉલ્લેખો આવે છે. રતનું આ બધું સાંભળી કંટાળી જાય છે. ને રેડિયો બંધ કરી દે છે. નાટકની શરૂઆતમાં જ નાટ્યકાર ખખ્ખરે વાસ્તવિકતા બતાવી દીધી કે મનુષ્ય ને ઉપભોગમાં જ રસ છે. પોતાના આત્મા ના કલ્યાણ કે સમાજના કલ્યાણ ની કોઈ જ પડી નથી. જમનાદાસ ને મોતિયો છે, પણ વાડીલાલ ઉંમરને પહોંચી વળ્યા છે. એની સાથે પ્રેમના ફાગ ખેલવા રતને અને વાડીલાલે જે કારસો રચ્યો છે. તેનાથી જમનાદાસ બે ખબર છે. આ નાટકમાં નાટ્યકારે પાને પાને નાની સમસ્યાઓને વણી લીધી છે. કોઈ મિટિંગમાં કંચનલાલ વાડીલાલ અને જમનાદાસ પાસે પાંત્રીસ હજાર રૂપિયાની માંગણી કરે છે. એ જેમ તેમ પતાવી તેઓ ઘરે આવે છે. ત્યારે છાપાના સમાચાર દ્વારા આજના છાપામા આવતા ખૂન, ચોરી, લૂંટફાટ, મોંઘવારી, માલની ખરીદી વિશે વાત કરી છે. પછી પોતે ભાડૂઆત તરીકે રાખેલા માણસોનો પગાર વહેંચે છે. એમાં એક માણસ જોડે વાડીલાલને વાંકું પડે છે. એને બોચી પકડી બહાર લઈ જાય છે. ત્યારે રતન અને જમનાદાસ એકલાં પડે છે. ત્યારે એ બેઉ જણની વાત આપણેને ટીખળ અને ઉપહાસ ભરી તથા મજાક લાગે છે. ભાવક તરીકે આપણને સમાજની પોકળતા નજરે ચડે છે. લોકો ઉપભોગ અને બીજાની મિલકત માટે કેવાં લટુડાં-પટુડાં કરે છે. એનો ચિતા અહી જોવા મળે છે. નાટકની એક પ્રયુક્તિ તરીકે (પરંપરાવાદી પ્રયુક્તિ જેમાં નાટકમાં પાત્ર ભજવનાર વચ્ચે વચ્ચે પ્રેક્ષકોને સંબોધે અને પરિસ્થિતિ કે પાત્ર વિશે જણાવે) પ્રેક્ષકને સંબોધન યુક્તિ અજમાવી છે. જમનાદાસ પણ પોતાનો ચિતાર આપે છે. રતન પણ પોતાનો ચિતાર આપે છે. રતન અને જમનાદાસની લગ્ન સંબંધી વાતો અને પ્રેમાલાયની અતિસયોક્તિ વ્યક્તિની પોકળતા બતાવે છે. આજનો માનવી ખોટી પ્રસંશા અને ચાપલૂસી કરે છે. એ પણ જોઈ શકાય છે. રતન અને જમનાદાસ બાળકના પુતળાની સાક્ષએ લગ્ન કરે છે. એ પુતળું પ્રતીકાત્મક રીતે અગત્યનું છે. તેને પોતાનો પુત્ર માનીને-પોતે બાળકને નહીં જન્મ આપે એવી રતનની વાત આધુનિક નારીની ઉપભોક્તાવાદી વિચારસરણી બતાવે છે. રતન અને જમનાદાસના લગ્ન પછી વાડીલાલ રતનની બે છોકરીઓને લઈને આવે છે. સાથે જમાવાનું લાવે છે તે બધાં સાથે જમીને ટેબલ ફરતે ગોળ-ગોળ ફરી ગીત ગાય છે ત્યારે સ્ત્રી-પુરુષ આવીને જણાવે છે કે અમારે નાટક કરવું છે એ માટે ડ્રેસ જોઈએ છે તો આ સ્થળનું નામ સૂચવાયું છે તો અહીં આવ્યાં છીએ. ત્યાં એ પુરુષ અને સ્ત્રી વસંત અને રમા નામ ધરાવે છે. તેઓ નાટક ભજવાની વાત કરે છે. પરંતુ વાડીલાલ એ માટે ના પાડે છે. ત્યારે વાડીલાલ સિવાય બધા જ રમા-વસંતની વાત સાંભળવા આતુર છે. રમા પોતાની પર વિતેલી વાત કરે છે. એમાં એક નાટક કંપનીના મેનેજર લીલાધરનું કહું થઈ ગયું. કેવી રીતે થઈ ગયું. એવી વાત થાય છે. અહીં પ્રથમ અંકનું પ્રથમ દૃશ્ય પૂર્ણ થાય છે. દૃશ્ય બે માં વાડીલાલ પોતાની પત્ની સાથે વાર્તાલાપ કરે છે. જેનું ખૂન પોતેજ કરેલું. એ વાર્તાલાપથી આપણને જાણ થાય છે કે વાડીલાલ અને એની પત્નીનું ચરિત્ર કેવું હતું. આ દ્રશ્યના અંતમાં રતન અને વાડીલાલની પ્રેમલીલા દેખાઈ છે. આ જ દૃશ્યમાં સુરેશ નામના પૂતળાનું મહત્વ વધી જાય છે. જેનામાં વાચા મૂકીને નાટકની ભજવણીમાં નવો રંગ ઉમેરાયો છે. આમ તો આ આખું દૃશ્ય જ આપણને નવી દુનિયામાં લઈ જાય છે. નવાઈ પમાડે છે.

બીજા અંકના પ્રથમ દૃશ્યમાં વાડીલાલ, રતન, રમા, વસંત, માણસ-૧, કંચનલાલ બધાં રામાયણના દૃશ્યનું રિહર્ષલ કરે છે જે ભજવાનું છે. નવી નાટકમંડળી સ્થપાઈ ચૂકી છે જેના પ્રમુખ કંચનલાલને નિમવવામાં આવ્યા છે. તે આ નાટક ભજવતા પેહલાં કેવી સ્પીચ આપશે એની વાત પણ આ દૃશ્યમાં વણી લેવાઈ છે. નાટક કઈ રીતે તૈયાર કરાવવું, અણધડ કલાકારો ને કેવી રીતે અભિનય શિખવવો અને નાટકના મુખ્ય સૂત્રધારો વચ્ચે કેવી હંસાતુંસી થાય છે. એવો પ્રસંગ વણી લઈને લેખક નાટક મંડળીની પોકળતા ખુલ્લી પડતાં હોય એમ લાગે છે. આ અંકના બીજા દૃશ્યમાં કંચનલાલ શેઠની અડોડાઈનાં દર્શન થાય છે. પોતાના ધંધામાં વાડીલાલને ખેંચી જે રીતના કાવાદાવા કરે છે એમાં વાડીલાલ કંચનલાલ શેઠ પર ખૂબ ગુસ્સે થાય છે. આવા મોટા માણસો નાના માણસોનું જે રીતે શોષણ કરે છે. એમાં ખેડૂત જેવા લોકોએ તો પોતાનો જીવ પણ આપી દેવો પડે છે. જ્યારે કંચનલાલ જેવા શેઠ તો માણસ મારે ને કૂતરું મારે બધું એક સમાન ગણે છે. એમને તો લાચાર-બે વસ મનુષ્યની કોઈ જ ફીકર નથી. આવા લોકોને તો પૈસા સાથે જ મતલબ છે. આ દૃશ્યની કથા શહેરમાં ચાલતા મજદૂર અને માલદાર વચ્ચેના દ્વંદ્વ ને સાર્થક કરે છે. નાટકના અંતિમ અને ત્રીજા અંકમાં આગળના બે અંકોમાં જે જે લોકોએ ગુના કર્યા એના કેસની સુનાવણી આલેખાઈ છે. સૌ પ્રથમ કંચનલાલનો કેસ ચાલે છે. કંચનલાલનો દબદબો એવો છે. કે ખુદ ન્યાયાધીશ તેમણે ખુરશી આપે છે. ખેડૂતના ખૂન વિષે પૂછતાં કંચનલાલ તે હસતા મુખે કબૂલે છે. અને એક યુવાન દંપતીના જીવનમાં છોકરાની આશા છોકરીનું ખૂન કરાવડાવે એવી વાત ન્યાયાધીશ કરે છે. ત્યારે કંચનલાલ અંતે કહે છે કે વીસ માણસોનો ખૂની નિર્દોષ હોય શકે છે. ત્યાર બાદ રતનનો કેસ ચાલે છે. જેમાં રતને પોતાની છોકરીઓને પણ દેહવિક્રયના વ્યવસાયમાં જોડી દીધી છે. એનો એને છોછ નથી. એની દીકરીઓ પણ હવે એ ધંધામાંથી પછી ફરવા નથી માંગતી. એ કેસની સુનવણી વખતે રતનને દસ દિવસની જેલ થાય છે. અંતિમ કેસ રમા અને વસંત નો ચાલે છે. તેમાં અચાનક વસંતે મારી નાખેલા લીલાધરને સાજો-જીવતો બતાવીને અંતમાં નાટ્યાત્મકતા લાવવાનો પ્રયાસ થયો છે. રમા ખરેખર તો લીલાધર ને ચાહતી હોય છે. હવે તે બેઉ લગ્ન કરશે અને નાટકમાં વસંત-રમાની જોડી કાયમ રાખશે. અહીં નાટકના ત્રીજા અંકનો અંત આવે છે નાટક પૂરું થાય છે.

કોઈ ચિત્રનો પરિચય આપતા હોય એવી પ્રયુક્તિથી એક ઘર અને દુકાનના વર્ણનથી આરંભ થતું આ નાટક વાડીલાલના જીવનમાં કેવી અવળચંડાઈ છે. તેનો નિર્દોષ પાત્રો દ્વારા કરાવી આપ્યો છે. વાડીલાલ, જમનાદાસ, રતન, કામવાળીબાઈ, માણસ-૧, માણસ-૨, પોલીસ, છોકરી-૧, છોકરી-૨, રમા, વસંત, લીલાધર, કંચનલાલ, ન્યાયાધીશ, ખેડૂતો, બાળકનું પૂતળું, રેડીયોનો અવાજ વગેરે પાત્રો દ્વારા નાટ્યકારે મુખ્ય પાત્ર વાડીલાલની મહત્વાકાંક્ષા અતિશય છે તે બતાવી છે. જે વ્યસનો નથી એટલા ઓછાં ધરાવતા વાડીલાલ શહેરના મધ્યમ વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલા જ અંકના અંત સુધી આવતાં આપણને થાય કે કથાવસ્તુની માયાજાળ આપણે જઈ ચડયા છીએ. પાત્રોના સંવાદ-અભિનયથી એમનું વ્યક્તિત્વ છતું થતું જાય છે. એ નાટ્યકાર ભૂપેન ખખ્ખરની ભાષાશૈલીની પકડની સાક્ષી પૂરે છે. પાત્રમાનસ અને પરિસ્થિતિને ભાષા સાદી હોવા છતાં બળકટ રીતે વ્યક્ત કરે છે. ત્રણ અંકમાં પલટાતી પરિસ્થિતિઓ નાટકની કથાને વધુ સંકૂલ બનાવે છે. ઘણા વિવેચકોની દ્રષ્ટિએ આ નાટક નાનું છે. અધૂરું છે એમ પણ જાણવા મળે છે. પરંતુ વસ્તુ, શૈલી અને ચરિત્રોના લોક દ્વારા ભૂપેન ખખ્ખરે ઊભું કરેલું વિશ્વ વાસ્તવિકતાની ખૂબ નજીક લાગે છે. નાટક વાંચીએ ત્યારે થાય કે જીવાતા જાહેર જીવનની એકાદ ઘટના કે પ્રસંગ લઈને અથવા જુદી જુદી જીંદગીમાં બનતા બનાવોને એકતંતુ એ બાંધી નાટકનો સ્વતંત્ર પિંડ બંધાયો છે. ત્રણ અંક માં ત્રણ જુદા જુદા પ્રસંગો લઈને એ પ્રસંગોને આધારે વણી લઈને રચાયેલું આ નાટક ડ્રેસવાલા જેવા પ્રપંચીઓથી સમાજમાં બધે જ કાવાદાવા સતત રહેવાના એવો ચિતાર આપે છે. બીજા અંકમાં નાટકના પાત્રો નાટકની ભજવણી વખતે રામાયણના એક પ્રસંગ- રામને વનવાસની ભજવણીનું રિહર્સલ કરે છે. તે વખતે ચાલુ સંવાદમાં સૂચનો થાય છે. તે જિંદગીનું રહસ્ય બતાવે છે કે નાટકમાં સૂચના કે ફરીથી પાત્ર-પ્રસંગ ભજવવાની તક મળે પરંતુ જીંદગી નહીં એ મુદ્દો પણ ટાંકી શકાય. પહેલા અંકમાં વાડીલાલનું પોતાની મૃત પત્ની (જેને પોતેજ મારી નાખેલ છે.) ના ભૂત સાથેની વાતચીતનું કપોલકલ્પિત દૃશ્ય નાટકને નવું જ રૂપ આપે છે. પોતે જ મારી નખેલી પત્ની પોતાની સાથે વાત કરે છે; એમાં રહેલો દાંમ્પત્ય જીવનની વિડંબનાનો ધ્વનિ સ્ત્રીની લાચારી અને સંવેદના તરફ અંગુતીનિર્દેશ કરે છે. નાટકમાં ખેડૂતનો ખૂનનો પ્રસંગ આમ આદમીની રોટીની સમસ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. કોર્ટમાં ભજવાયેલું દ્રશ્ય નાટ્યાત્મક બન્યું છે. ગુનાની કબૂલાત વખતે કંચનલાલનું માનસ જે રીતે નફફટાઈ બતાવે છે અને ખૂન માટેની માફીનો દાખલો બેસાડવા એક પતિ-પત્ની દ્વારા પોતાની નાની બાળકીનાં લોહીથી નહવાની વાત અને પછી એમને ત્યાં બાળકનો પુત્ર તરીકે જન્મ વગેરે બાબતો ભણેલા અને સમજદાર લોકોની અંધ-શ્રધ્ધા પર પ્રકાશ ફેંકે છે. તો રતનની છોકરીઓ જે વ્યવસાયમાં છે તેમાંથી પછી ફરવાનો ન્યાયાધીશ નો આદેશ અને એના દાખલા રૂપે નિશાળમાં ચોરી કરતા બાળકને એની માતા પીઠબળ આપે એ જૂની વાર્તા ફેરફાર સાથે કહેવાઈ છે. જે સમાજમાં ફેલાયેલી ઘડતર વિનાની યુવા પેઢી અને ઘડતર તરફ આંખ આડા કાન કરતી કુટુંબના માણસોને વ્યક્તિઓ ને તમાચો છે. ભૂપેન ખખ્ખરની સામાન્યમાંથી અસમાન્યની ઝાંખી કરાવવાની અનોખી રીત આ નાટકના આવા બધા પ્રસંગોમાં ડોકાય છે.કોર્ટમાં રજુ થતો અંતિમ કેસ રમા અને વસંતનો છે રમાનો પ્રેમી લીલાધર અંતે જીવતો કોર્ટમાં હાજર થાય એ કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું બનાવટી બની ગયું છે. નાટકના અંતમાં એકદમ વણી લીધું હોય એવું લાગે છે. આવી એકાદ બે મર્યાદાઓને બાદ કરતાં નાટક સામાજિક બની શકયું છે એ એના સર્જકની સફળતા છે. યોગ્ય દિગ્દર્શનમાં ભજવાય તો દરેક કાળે દરેક સમયે ભજવાય એવું છે. એક બાબત એ નોંધવી રહી કે પરિસ્થિતિઓ અને પ્રસંગોનું વૈવિધ્ય હોવા છતાં બધા બિંદુઓ એક રેખામાં ગોઠવાઈને કૃતિનો પીંડ બાંધી આપે છે. શૈલી અને ત્વરિત બદલાતા પ્રસંગો બે ઘડી ભાવકને મૂંઝવણમાં નાખી દે છે. પરંતુ ચિત્રકાર ખખ્ખરની રીત નોખી-અનોખી છે. બધી જ બાબતોમાં ઉફરા ચાલવાનું વલણ અહીં દ્રષ્ટિગોચર થાય છે.

પરમાર મિતેષકુમાર ચંદ્રકાંતભાઈ, એમ.ફીલ., ગુજરાતી વિભાગ. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર. મો: ૮૮૬૬૧૯૪૦૨૦, montuparmar92@gmail.com