Included in the UGC-CARE list (Group B Sr. No 172)
માનવીની ભવાઈઃ નવલકથા અને ફિલ્મમાં નારીછબીનું આલેખન

ઈ.સ. 1942થી 1947 દરમિયાન ‘માનવીની ભવાઈ’ની રચના થઈ છે. આ એક એવો સમય છે જ્યારે આખો દેશ આઝાદીની લડતમાં રમમાણ હતો. આઝાદીની લડત એના આખરી તબક્કામાં હતી, વિશ્વયુદ્ધોમાં ખૂંવાર થયેલાં અંગ્રેજોએ પણ મનથી સ્વીકારી લીધેલું કે હવે આ દેશને સ્વતંત્ર કરવો જ રહ્યો. આ પૂર્વે આ ભારતભૂમિ પર ક્યારેય નહીં જન્મેલું જનઆંદોલન આ ગાળામાં એની ચરમ અવસ્થાએ હતું. સમાજના લગભગ બધાં જ વર્ગો અને ખાસ તો સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં સ્વાતંત્ર્ય આંદોલનમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સામેલ થઈ ચૂકી હતી. સમાજમાં નારીની સક્રિયતા વધી હતી, નારીશિક્ષણ અને નારીસમસ્યાઓને કેન્દ્રમાં રાખતી ઘણી સંસ્થાઓ સક્રિય થઈ. આ બધી જ બાબતો ભારતીય ઇતિહાસ અને સમાજમાં અભૂતપૂર્વ ઘટના તરીકે જોવી જોઈએ. આ જ સમયગાળામાં પન્નાલાલ પટેલ આ સમગ્ર માહૌલથી સાવ અળગા રહીને પોતાની કૃતિમાં ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સીમાઓ પર રહેલા વિસ્તારની કથા માંડે છે. એમાં અંગ્રેજી શાસનનો પરોક્ષ ઉલ્લેખમાત્ર છે, બાકી એની કશી નોંધ નથી લેવાઈ.

આ સેમિનારનો વિષય જ છે ‘સાહિત્ય અને ફિલ્મમાં નારી છબીનું

આલેખન’ એટલે સ્વાભાવિક જ મને રસ એ બાબતમાં પડે કે પન્નાલાલ પટેલ નારી વિશે શું વિચારે છે ને એનું કશુંક સ્થાપન કરી શકું એવું કંઈ આ નવલકથામાં છે ખરું? આ મારી ભૂમિકા થઈ. જાણીએ છીએ કે પન્નાલાલ પટેલ ઔપચારિક એવું શિક્ષણ બહુ લઈ શક્યાં નહોતા. પાંચેક ચોપડી ભણેલાં. એમની પ્રતિભા અને એમણે જીવનમાંથી જે બળ મેળવ્યું એ મૂડી પર મોટા સાહિત્યકાર બની શક્યા. એટલે કે, એ કેળવાઈને ઓછા, જંગલમાં ફૂટતા વૃક્ષ જેવા સહજ સર્જક છે. સર્જક જ નહી, મેજર પોએટ છે. પન્નાલાલ પટેલ ધૂળમાંથી સર્જાયા છે, વાદ કે વિચારસરણીઓ આત્મસાત કરીને લખનારાં સર્જક નથી, એ તો જે સમયમાં જીવે છે, જે અનુભવે છે એ લખનારાં સર્જક છે. એટલે આ નવલકથામાં એમણે કોઈ ચોક્કસ ઉદ્દેશથી નારીનું ચરિત્ર કે ચિત્ર આલેખવાનો પ્રયત્ન કર્યો નથી. આ કથાનું પુરોવચન લખતાં દર્શકે જણાવ્યું છે એમ ‘આ આપણી પહેલી કાળપ્રધાન નવલકથા છે’, એમાં સમય અને ઋતુઓ માનવજીવન સાથે કઈ રીતે પ્રભાવક પરિબળ બની રહેતું હોય છે એનું આલેખન કેન્દ્રમાં છે. જ્યાં સુધી ગુજરાતી સાહિત્ય ટકશે ત્યાં સુધી પન્નાલાલને અવગણી શકાશે નહીં, એવું સહેજે કહી શકાય.

બીજી બાજુ જેના અંતગાળાના પાંચ-સાત વર્ષ સુધી સાવ નિકટ રીતે અવારનવાર મળવા-હળવાનું બન્યું એવા ગુજરાતી ફિલ્મજગતના દિગ્ગજ એવા ઉપેન્દ્ર ત્રિવેદીને નજીકથી ઓળખું છું. ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ લખાય ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદીનું નામ પણ ક્યારેય ભૂલી ન શકાય એવું છે. ગુજરાતી ફિલ્મોમાં રહેલી વિશેષતાઓ અને મર્યાદાઓથી આપણે સૌ પરિચિત છીએ. ઉપેન્દ્ર ત્રિવેદીનું વાચન વ્યાપક હતું, સાર્ત્ર, કામુ, કાફકા પણ વાંચેલા. વિશ્વનાટક અને સિનેમાના એ અભ્યાસી હતા. એટલે કે, એમને કલાવિશ્વનો ગાઢ પરિચય હતો જ હતો. સાથોસાથ એ પણ હકીકત છે કે ગુજરાતી ફિલ્મના નાનકડાં કૂંડાળાની બહાર એ ક્યારેય ન આવ્યા. ઇચ્છાથી હોય કે સંજોગોથી પણ એકને એક પ્રકારની ફિલ્મો, પાત્રો, સંવાદો અને ફિલ્મનિર્માણના વાતાવરણમાંથી ભાગ્યે બહાર આવવાનો પ્રયત્ન પણ કર્યો. પરિણામસ્વરૂપ એ વેડફયા એવું સ્પષ્ટપણે કહી શકાય. એવા અભિનયસમ્રાટ ‘માનવીની ભવાઈ’ ફિલ્મને લઇને મારી સામે છે.

ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ફિલ્મ બંન્ને ક્ષેત્રના દિગ્ગજ એવા અનુક્રમે પન્નાલાલ પટેલ અને ઉપેન્દ્ર ત્રિવેદીની મોટી પ્રતિભાનો સંસ્પર્શ પામેલી આ કૃતિઓ વિશે મારે વાત કરવાની છે. આ બંન્નેની પ્રતિભાનો જેને સ્પર્શ થયો છે એવી કથા અને ફિલ્મમાં ‘નારીછબી’ સંદર્ભે મારાં કેટલાક નિરીક્ષણો રજૂ કરવા છે.

00000

હું એવી ભૂમિકા શોધતો હતો જ્યાં રહીને પન્નાલાલનું નારી વિશેનું સ્પષ્ટ સ્ટેન્ડ પ્રગટતું હોય. એ માટે ત્રણચાર વખત કૃતિમાંથી પસાર થવાનું બન્યું. પન્નાલાલ પટેલ આ પૂર્વે ‘મળેલા જીવ’ આપી ચૂક્યા છે. એ પ્રેમકથા લોકહ્ય્દયમાં એક મજબૂત સ્થાન ધરાવે છે. ‘માનવીની ભવાઈ’ના કેન્દ્રમાં પ્રેમકથા નથી. આ કૃતિનો નાયક તો કાળ એટલે કે સમય છે. બદલાતા સમય સાથે માણસના તાણાવાણા કેવી રીતે ગૂંથાતા હોય છે એનું આલેખન મુખ્ય છે. આ કૃતિને ત્રણ ભાગમાં વહેંચીને જોઈ શકાય. એક- સાઠ વર્ષના વાલજી ડોસા પુત્રજન્મની આશા સેવી રહ્યાં છે ત્યાંથી શરૂ કરી કાળુના જન્મ અને વેવિશાળ સુધીની કથા. બે. કાળુ અને રાજુ વચ્ચેનો ઘૂંટાતો પ્રેમ અને ત્રીજો ખંડ એટલે દુષ્કાળની તાવણીમાં તપતા ગ્રામજનો અને આ યુગલનું તપ.

કાળુ વાલા ડોસાનો પાછોતરી ઉમરે થયેલો પુત્ર છે. એ મોંઘી આરત પછી જન્મ્યો છે. ત્યાં સુધીમાં વાલાડોસાની પડતી થઈ ગઈ છે બધી રીતે. એ આર્થિક, સામાજિક અને કૌટુંબિક રીતે ઘસાઈ ગયા છે, એક વખત જેની હાક હતી એ વાલજીડોસા હવે ક્રમશઃ હાંસિયામાં ધકેલાઈ ચૂક્યા છે. એવા પરિવેશમાં જન્મેલ કાળુને સંઘર્ષમાં મુકાવું પડે એ એની નિયતી બની ચૂકી છે. બાળપણમાં જ સગાઈ નિમિત્તે જોડાયેલા અને પછીથી એ જ સમાજે બંન્નેને જે રીતે કાકીસાસુ- જમાઈના સંબંધે જીવવા મજબૂર કર્યા એવા કાળુ અને રાજુના ચિત્તમાં જન્મતાં સંવેદનો આ કથાની કરોડરજ્જુ બની રહે. એમાં નાનકડાં કણબીસમાજના કાવાદાવા, માન્યતાઓ, સામાજિક મૂલ્યોના બંધનો ને ઉમેરાતી વિવિધ કુદરત પ્રેરીત આફતો, તાવણીઓ કાળુને જિંદગીભરના સંઘર્ષમાં ધકેલે છે. કથા બહુ જાણીતી છે એટલે એમાં જવાનું કોઈ કારણ નથી.

આખી નવલકથામાં પાંચ સ્ત્રીઓ મુખ્ય છે. ફૂલી ડોશી, માલી ડોશી- જે ખલનાયિકા તરીકે આલેખાઈ છે. ત્રીજી સ્ત્રી એટલે કાળુની મા રૂપા. આ ત્રણ સ્ત્રીઓ ગૌણરૂપે જ આલેખાઈ છે પણ મહત્ત્વની સાબિત થાય એવું ચિત્રણ થયું છે. માલીડોશીને ખલનાયિકા તરીકે આલેખાઈ છે, વિવેચકોએ એને ઘાટારૂપે ખલનાયિકા ચિતરી આપી એટલી મને લાગી નથી. હા, એ કર્કશા છે, ખાસ કરીને એના જેઠ વાલાડોસા અને પછીથી જન્મેલા કાળુ માટે જરા જેટલો ય સારો ભાવ ધરાવતી ન હોવાથી એનું ખરાબ કરવા કોઈપણ હદે જઈ શકે એવી છે- પણ આ વૃત્તિ ધરાવતી સ્ત્રીનું ચરિત્ર માનવસહજ લાગે એ રીતે જ આલેખાયું છે. આખીએ કથામાં પન્નાલાલ પટેલનું તાટસ્થ્ય ગજબનું છે. એ કોઈ પાત્રો- ખુદ કાળુ-રાજુને પણ બહુ ઘાટારૂપે આલેખતાં નથી. લેખકે સમયને જ કેન્દ્રમાં રાખ્યો છે. સહજ રીતે જીવાતું જીવન જ આલેખવાનો સ્પષ્ટ ધ્યેય છે. સમય જે કરાવે તે સહજક્રમે જીવતા પાત્રો અનુભવાય છે. ફૂલી અને રુપાનું પાત્ર પણ ગૌણરૂપે આલેખાયું હોવા છતાં મહત્ત્વનું બની રહે. બીજી બે સ્ત્રીઓ એટલે રાજુ અને બીજી કાળુની પત્ની ભલી.

‘ફૂલી’ ડોશી જે અત્યંત આરંભે સાવ થોડી રેખાઓમાં આકારિત થઈ હોવા છતાં મારા માટે અત્યંત મહત્ત્વનું પાત્ર બની રહી. કાળુના જન્મસમયે વધામણી આપનાર, સૂયાણી તરીકે હાજર રહેનાર, ગામમાં જ નહીં, આજુબાજુના ગામ સુધી શાખ ધરાવનાર, સામાજિક મુશ્કેલીઓ વખતે ફૂલીડોશી ઉપયોગી નીવડતી, એના આવા કૌશલ્યની ધાક એવી છે કે આસપાસના ગામમાં એ ખ્યાત છે. એને સહજરીતે જ વાલાડોશા તરફ વિશેષ લાગણી છે ને એટલે જ એનું સાવ નબળું ઘર હોવા છતાં રાજુ જેવી ખાધાપીધે મજબૂત ઘરની છોકરી સાથે એની બાળવયે જ સગાઈ કરાવી આપે છે. ફૂલી ડોશીના કૌશલ્ય અને સક્રિયતાને કારણે કેટલાક લોકો પીઠ પાછળ કાળાકામ જાણનારી ડાકણ તરીકે બોલાવતા હોય છે. ફૂલી મૂડમાં હોય ત્યારે નવી વહુઆરુંઓ મજાક મજાકમાં મોઢા પર જ પૂછે છે- ‘હેં ફૂલીમાં..તમને લોક ડાકણ કેમ કહે છે...? ‘ આ પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે જે જવાબ મળ્યો એમાં પન્નાલાલનું સ્ત્રીઓ માટેનું સ્ટેન્ડ સ્પષ્ટ થાય છે. સાથોસાથ ફૂલીડોશીની તેજસ્વીતા પણ પ્રગટી આવે છે. એ કહે છેઃ ‘કુણ જાણે બુન, પણ એટલું ખરું, ડાકણ ડાકણ કહે છે તે બંધાંય ફૂલીમાને સારે-હીણે અવસરે તેડે છે. મરશે ત્યારે. ગોળીને મોઢે ગળણું દેવાય, કૂવાને મોઢે થોડું દેવા જવાય...? ને મારે શું નથી..?’ - આ જવાબમાં સભાનતા સાથેની લાપરવાહી પણ ભળી છે. એવું નથી કે એને ડંખ નથી. પન્નાલાલે ઓછા સંવાદમાં ઘણું કહી બતાવ્યું છે. લાભશંકર ઠાકરે પન્નાલાલ પટેલની સ્ટોરી ટેલિંગની તાકાત વિશે જે કહેલું. આ એનું ઉદાહરણ છે. આ પછી ફૂલીડોશીએ કહ્યું તે મહત્ત્વનું છેઃ ‘હા, ન્યાયમાં તો મોટા બાદશાહ આવે ને તોય હું દાબી દબાવાની નથી. એમના મનથી એમ, કે બૈરાં મનેખમાં કંઈ જાણ્યા વગર આટલું બોલવાનું હિંમત ન પડે.!!’ (પૃ.21) આ સંવાદમાં મને પન્નાલાલનું સ્ત્રી વિશેનું સ્પષ્ટ સ્ટેન્ડ મળી રહે છે. આ લેખકનું વિઝન છે. ફૂલી ડોશી આગળ કહે છેઃ ‘પણ મારાં રોયાં એટલું ય નથી જાણતા કે બૈરાંમનેખ તો રાજ ચલાવે છે. વિકટોરિયા રાણી રાજ કરે છે, ત્યારે એનામાં અક્કલ હશે ત્યારેને ?પણ આપણો લોક સમજે નહીં..! .’ મને લાગે છે કે ‘માનવીની ભવાઈ’માં પન્નાલાલે સ્પષ્ટપણે સ્ત્રી વિશેની પોતાની માન્યતા અને જે આલેખવા ધારેલો છે એ લોકનું માનસ પણ પ્રગટાવી આપ્યું છે.

બીજી સ્ત્રી ‘રૂપા’. કાળુની મા. એ વધુ આલેખાઈ નથી પણ એને કેન્દ્રમાં રાખતાં ત્રણ પ્રસંગો મહત્ત્વના બની રહે છે. રૂપાના આંતરરૂપને પ્રગટાવનારી આ ત્રણ ઘટનાઓમાં રૂપા તો ઉપસે જ છે પણ કાળુમાં રહેલા ગુણો ક્યાંથી આવ્યા છે એ પણ પ્રગટે છે. રૂપામાં ગાઢ એવું ઠરેલપણું ઠાંસીને ભરેલું છે. કાળુના જન્મ વખતનો પ્રસંગ જોવા જેવો છે. કાળુનો જન્મ થયો ત્યારે વધામણી ખાતી ફૂલી ડોશી અને માહૌલ આનંદજનક છે ત્યારે મહેણાં મારતી અને ક્રોધિત થયેલી માલીકાકીને ના-છૂટકે થાકીને સુવાવડી રૂપા જે રીતે ક્રોધિત બની મુંગી કરી દે છે તે પ્રસંગ. બીજો- કાળુની જોશ જોવાની વિધિ વખતે એવો જ પ્રસંગ રચાય છે ને માલીના કવેણ વાગે એવા છે ત્યારે રૂપો ગુસ્સામાં આવીને એનો ઘોઘરો દબાવી દેવા સુધી પહોંચે છે. આ રૂપાનું પ્રગટીકરણ છે. અને ત્રીજો પ્રસંગ બહુ જાણીતો. વાલાડોશાનું મૃત્યુ થઈ ગયા પછી, કાળુ હજી બહુ નાનો છે, હળ ચલાવી શકે એવી સ્થિતિ નથી, અને વાવણી ન થાય તો ભૂખ્યા મરવાનો વારો આવે એમ છે. બીજી બાજુ ‘સ્ત્રી જો હળ ચલાવે તો વરસાદ ન આવે’ એવી લોકમાન્યતા વ્યાપેલી છે. તો રૂપા મનોબળ દૃઢ કરીને લોકાપવાદની પરવા કર્યા વિના હળ ચલાવવા જાય છે. ગામ આખું એના આ પગલાથી ચિંતીત છે, વરસાદ પણ ખેંચાઈ રહ્યો છે. એ માટે રૂપાને જવાબદાર ગણવામાં આવે છે. પ્રશ્ચાતાપ માટે હળ નીચેથી રૂપાને પસાર થવું પડે એવા સંજોગો નિર્માય છે, રૂપા અડગરીતે સામનો કરે છે. એ પ્રસંગ રૂપાના મજબૂત વ્યક્તિત્વને અને નારીચેતનાના પ્રગટીકરણ રૂપે જોઈ શકીએ. જો કે, આ આપણું આરોપણ ગણાય. પન્નાલાલ તો સહજક્રમે જ પ્રસંગને આલેખે છે.

કાળુની પત્ની ભલી. ભલી ખરેખર તો ભલી સ્ત્રી છે. નવલકથામાં પન્નાલાલે સામાન્ય દેખાવવાળી, મોંઢા પર ચાઠાં છે ને આકર્ષક નથી એવું વર્ણન કર્યું છે. એ મહેનતુ છે, એના બોલવાના પ્રસંગો ઓછા છે, બોલે ત્યારે પ્રગટ થાય કે બરછટ અને બળતરા સ્વભાવની હશે- એવું જણાઈ આવે. થોડો તેજોદ્વેષ સ્વાભાવિક જ હોય એવો છે, રાજુ તરફ એને અભાવ હોય, તે છે. બાકી પ્રગટપણે ઓછી વ્યક્ત થઈ છે. વધારાની કશીયે અપેક્ષા વિના સરળ સહજ જીવ્યે જાય છે. કાળુ માટે વચ્ચે વચ્ચે થોડી સમસ્યાઓ સર્જી આપે, પણ વધારે નહીં. ખાસ તો દુષ્કાળના સમયે એ ધૌર્ય ખોઈ બેસી પાણીના બદલામાં શરીરનો સોદો કરી લેતા અચકાતી નથી. એનું આવું વિપથગામી થવું ય બહુ આંચકાજનક ન નીવડે એવી રીતે પ્રતિત થાય છે. નર્યા માનવીય વિશેષો અને મર્યાદાઓથી ખચિત આ નવલસૃષ્ટિરૂપે જ અહીં પ્રતિત થાય છે. ભલીનું પાત્ર ગૌણ છે, પ્રમાણમાં વધારે બદલાવો સીવાય આલેખાયું છે. સામાન્ય કહી શકીએ એવી જિવંત નારી તરીકે આપણી સામે ઉભરી આવે છે.

આ કથામાં રાજુનું પાત્ર સરસ રીતે ઉપસી આવે છે. આરંભે બાળકી તરીકે તેજીલી ને પછી ઉર્જાવાન યુવતી જે સ્ત્રીસહજ સંવેદનાઓથી ભરી ભરી છે. એ કાળુને ઝંખે છે પણ એટલે જ કાળુ સાથે અબોલા લીધેલા છે. ઝંખના અને સામાજિક કારણે જાળવવાના અંતર વચ્ચે જીવનને આનંદથી માણનારી રાજુ ન ગમતે સાસરે ગયા પછી ગંભીર, ઘરરખ્ખુ, ટેકીલી ને ખુમારીભરી નારીમાં પરિવર્તિત થઈ જાય છે. ‘મારે તો પતિ જ પરમેશ્વર’ની એની જીદ (‘પ્રમાદધન મુજ સ્વામી સાચા’-ની નાયિકા સ્મરણમાં સહજ આવે) અને સમાન્તરે જ આંતરમનમાં વિરાજેલો પ્રેમી કાળુ- આ બંન્નેને સાચવી શકતી, બંન્ને વ્યવહારોમાં નોંખી જ પ્રતિભાથી નિખરી આવતી રાજુ આપણા ચિત્તમાં વિશિષ્ટ જગ્યા બનાવવામાં સફળ રહે એવી છે. એનો મતલબ એવો જરા પણ નથી કે લેખકે આ પાત્રને મનોવૈજ્ઞાનિક તરીકાથી આલેખ્યું છે. એવું ન કહી શકીએ પણ એક આકર્ષક અને કોઠાડાહ્યી નાયિકાનું વ્યક્તિત્વ ઘડવાનો પ્રયત્ન સફળતાપૂર્વક કર્યો છે.

કાળુની પત્ની તો ન થઈ, પણ સંજોગો એવા નિર્માણ પામ્યા કે સાવ અજાણ્યા થઈને ય જીવી લેવાય એવી સ્થિતિ ન આવી. રાજુ સંબંધે કરીને કાળુની કાકીસાસુ બની છે, એટલે અવાર-નવાર મળવું પણ પડે અને મદદે પણ આવવું પડે. એવા જ એક પ્રસંગે ખેતીમાં મદદ માટે ગયેલા કાળુ સાથેનો એનો સંવાદ જોવા જેવો છેઃ ‘તમે મને આમ પૂછો છો..? દુનિયાને એમ છે કે રાજુ આદમી મરી જાય એની વાટ જોઈને બેઠી છે...? ! પણ’ કાળુ સામે ગૌરવ છલકતી આંખો માંડી. ‘શું કરવા...? શા સુખ માટે...? તમે બધા જાણો છો કે રાજુને દુઃખ છે’ એની સિકલ ઉપર લાપરવાહી તરી આવી અને પૂછ્યુઃ ‘શું દુઃખ છે મારે ? મા-બાપ સરખા જેઠ-જેઠાણી છે. છોકરાંય બધા મારાં વખું છે. ને આદમીયે...’ એણે હસવા પ્રયત્ન કર્યો. ‘તમારા સરખો છેલ-છબીલો હોત ને તો દનમાં દસ-વીસ ગાળો દેત. જ્યારે આ તો કહ્યાગરો, ડગલે ને પગલે જીવ બાળે એવો છે-‘(પૃ.152) અહીં રાજુનું ઠરેલપણું જોવા મળે છે. ‘તમારાં જેવો છેલછબીલો’- શબ્દથી કાળુ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કરી દે છે ને સાથોસાથ એ ન મળ્યો એનો રંજ પણ સરસ રીતે પ્રગટ કરી દે છે. લક્ષ્યાર્થનો સબળ વિનિયોગ અહીં જોવા મળે છે.

સામે ‘ગણ્યાના ફેર’ પ્રકરણમાં કાળુના સ્વગત કથનોમાં પ્રગટતી રાજુ કેવી તેજસ્વી છે એ જોવા જેવું છે. – ‘આ એકાદ વરસમાં મારે છોકરું ન થાય તો, કે એ રંડાય તો પંચને કરવું હોય એ કરે પણ મારે રાજુડીને લુગડા પહેરાવ્યે છોડું.’ (પૃ.162) રાજુ માટે જ કેમ આવી લાગણી એનો જવાબ પણ એના જ આત્મસંવાદમાંથી મળે છે- ‘ભલેને નાનીયાની પેઠે કજિયાની ધૂમ મચે ને માને આપેલું વચનેય તૂટે, પણ એક ચોટ તો પેલા અધૂરાં ઓરતા પૂરા કરું જ. નાનપણના સમણાંને સાચાં પાડું અને મોંમાં પાણી આવી ગ્યા હોય એમ એ બોલી ઊઠ્યો- ધરતી ઉપર રાજુડી જ જણી છે. શું કરું...? આ એક નાનકડાં વાક્ય ખંડમાં રાજુનું ચિત્ર ઉપસે છે. ‘રાજુડી સરખી મારા પાસામાં હોય તો..! ‘ પોતે ખેડૂત છે, એટલે એની કલ્પના પણ એવી જ કે રાજુડી સાથે હોય તો પોતે કશું સૂકું ન રહેવા દે. બધું લીલુંછમ કરી નાંખે. એની આ ઝંખના રાજુની તેજસ્વીતાભર્યું વિત્ત આપણને અનુભવાય છે.

આ જ પ્રકરણમાં કાળું અને એનો સમાજ સ્ત્રી માટે શું વિચારે છે એ પણ આ જ પ્રકરણમાં સ્પષ્ટ રીતે ઉભરી આવે છે, કાળું રાજુના ઓરતા વિચારે છે ત્યારે પત્ની ભલી માટેનો વિચાર પણ ઝબકી જાય છે ચિત્તમાં ને ત્યારે વિચારે છે એ જોવા જેવું છે- ને આમ ગણો તો આ (ભલી) બિચારી ખોટીય શું છે..એ જરા ટૂંકી બોલીની છે, બાકી કામમાં તો સાત બૈરાં ભાંગીને એક ઘડેલું છે...ને રાજુબાઈમાંય શા મોર ટાંક્યા છે..ઠીક..બે ચૈડવા લોહી છે ત્યાં લગી એ રૂપ ને બધુંય...ચાર દનની ચાંદની છે..આપણે કણબી ભાઈને તો એ ચાર દનની ચાંદની માણવાનીય ક્યાં નવરાશ છે..મેંઠું મેઠું બોલ્યાં એટલે શા દન વળ્યા...આપણે તો જોઈએ ગદ્ધાવૈતરું કરે એવું બૈરું...(પૃ.163) લોકસમજમાં જે નારી છે તેને અહીં પન્નાલાલ પ્રગટ કરે છે.

00000

હવે થોડી વાત ફિલ્મ વિશે. ફિલ્મ બહુ જ નબળી. ઉપેન્દ્ર ત્રિવેદી જેવો વાંચનારો અને જાણતલ માણસ જેણે ‘નૂતન માનવચિન્તન’ પચાવ્યું હોય, વિશ્વ અને ભારતીય ફિલ્મોની પરંપરાઓનો જાણકાર અને સમીક્ષક હોય એ જ્યારે આ ફિલ્મ નિર્માણ કરે ત્યારે સ્વાભાવિક જ અપેક્ષાઓ જન્મે. એ આવી નબળી ફિલ્મ કઈ રીતે કઈ શકે એ જ પ્રશ્ન થાય ! પહેલી જ સમસ્યા કથાના સ્વીકાર(એડપ્ટેશન)માં રહેલી છે. ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ એવી આ નવલકથાનું જે હાર્દ છે એને સમજવામાં જ થાપ ખાઈ ગયા છે. અહીં દિગ્દર્શકને છૂટ હોય કે એ કોઈ વાર્તા કે વિચારને પોતાની રીતે રજૂ કરે પણ કમનસીબે એવું કોઈ અર્થઘટન પણ અહીં જોવા નથી મળતું. મૂળકથાનો નાયક સમય છે. દુષ્કાળ એ આ કથાની પ્રમુખ એવી સમસ્યા છે, એ વિવિધ વ્યક્તિઓ પર કેવી અસર પાડે છે, એક આખા પંથકને કઈ રીતે અંદર-બહારથી હચમચાવનારો છે એ આલેખવા તરફ પન્નાલાલ પટેલનું ધ્યાન છે, ફિલ્મમાં એ બધું ગૌણ થઈ ગયું છે, અરે દૂર દૂર પણ પ્રતિત ન થાય એવી નબળી રીતે આલેખાયું છે. પ્રેમકથાને મુખ્ય કરી નવલકથનો આત્મા હણી નાંખવામાં આવ્યો છે.

ભૌગોલિક પરિબળો, સામાજિક મૂલ્યો ને રીત-રિવાજો તથા આર્થિક પાસાઓ કઈ રીતે વ્યક્તિજીવન, લગ્નજીવન પર અને એ રીતે માનવજીવન પર ઘેરી અસરો જન્માવતાં હોય છે એ આલેખવા નિમિત્તે પન્નાલાલે સાંકળતી આછી અમથી પ્રેમકથા અહીં નિરૂપી છે. ખાલી પ્રેમકથા તો એમણે ‘મળેલા જીવ’માં આલેખી હતી. એટલે એ રીતે જોઈએ તો કથાનકનું એડપ્સન જ ખોટી દિશામાં થયું. ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ ટાઈમ-લાઈન અને લોકાલથી માંડી ઘણી બધી બાબતે પોતાની રીતે સુધારા-વધારા અને ઉમેરાં કર્યા છે એ પણ સ્વાભાવિક જ માન્ય ઠરે એવા કે પછી આગવી રચના તરીકે ય પ્રતીતિજનક નીવડે એવા નથી.

નવલકથાની મધ્યવર્તી સમસ્યા તરીકે દુષ્કાળ છે, દુષ્કાળમાં સૌની તાવણી થાય છે, પ્રકૃતિ તત્ત્વોથી લઈને પશુ-પક્ષીઓ અને માનવજાત તો ખરી જ. બધાં જ આકરી તાવણીનો ભોગ બને છે એનું આલેખન પન્નાલાલ પટેલે ઝીણવટભેર કર્યું છે. એનું ફિલ્માંકન પ્રમાણમાં બહુ જ અઘરું છે, ધીરજ માંગી લે એવું અને ખર્ચાળ પણ છે. મને લાગે છે કે એ એકય બાબત આ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક, પટકથાલેખકથી માંડી છેવટના કલાકારોમાં જોવા મળે એવી કોઈ શક્યતા જ નથી. પ્રકૃતિના આવા બીહામણાં રૂપોને ફિલ્મમાં કંડારવાની શક્યતા દૂર દૂર પણ દેખાતી નથી. સમાજના સાવ છેવાડાના માનવીઓ, જંગલીવાસીઓથી માંડી, બાવાઓ, લોકકલાકારો ને બજાણીયાઓ સુધીનો વ્યાપક સમાજ નવલકથામાં ઉપરતળે જ નથી થયો, એમની લાક્ષણિકતાઓની લકીરો લઈને જીવંત થયો છે. એની સામે ફિલ્મ એ બધાને ઉપસાવવામાં કંગાળ સાબિત થાય છે. એકાદ ગાયના હાડપીંજરને કે સૂક્કા ભંઠ થોર કે કાંટાળા વૃક્ષ બતાવી દેવાથી દુષ્કાળ જિવંત ન થાય જ્યારે હટ્ટાકટ્ટા હિરો-હિરોઈનોના ચહેરા પર ભૂખની એક લકીર પણ ન ઉપસે !! બાળક-યુવાન અને પછી પ્રૌઢ એવો કાળુ ફિલ્મમાં બાળ અને યુવાન વયે બદલાયા પછી સ્થિર છે, રાજુનું ય એવું જ. ભલી પણ રૂપાળી ને નવલકથાથી અલગ પડતી, એ આંખ સામે કોઈ રીતે ઠરતાં જ નથી. કોમેડિયન રમેશ મહેતા વિના ગુજરાતી ફિલ્મો ત્યારે ચાલતી નહોતી, રમેશ મહેતા પણ સાઠ વટાવી ચૂકેલા ને વૃદ્ધાવસ્થા ચાડી ખાતી હોય ત્યારે યુવાન રોલ કરાવવાના ધખારા શા માટે છોડ્યા નહીં હોય ? મૂળમાં નથી એવું બહુરૂપીનું પાત્ર સાવ ઉભડક, આયાસી અને આઉટસાઈડર જ બની રહે છે.

વારંવાર અપાતા ‘કટ’, થીંગડા મારેલા નાનાં નાનાં દૃશ્યો, ટેક્નિકલ રીતે ય ખામીભર્યો કેમેરાનો ઉપયોગ, એવા જ ડ્રેસિંગ ને મેકઅપ, મૂળ નવલમાંથી ઉપાડેલા ને પછી મારી મચડીને બોલાવાતા સંવાદો, બોલી - ભાષામાં ય કલાકારોની લાક્ષણિકતા મુજબ આવતાં લેયર તો આ ફિલ્મનું સૌથી નબળું પાસું બની રહે.

આગળ કહ્યું એમ નવલકથામાં પ્રેમકથા મુખ્ય નથી પણ ફિલ્મમાં એને મુખ્ય બનાવી દેવાઈ છે. એંસી નેવુંના દાયકામાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રામાપીર અને એમના આખ્યાનોનું ઘેલું ગામેગામ લાગ્યું હતું. દર બીજે દરેક ગામામાં એમના આખ્યાનો ભજવાતા હતા એવા સમયે આવેલી આ ફિલ્મમાં એ બાબતે લાભ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બે-ચાર ગીત અને રમેશ મહેતા પાસે રામાપીરનો વેશ લેવડાવીને હાસ્યાસ્પદ ઉમેરણો કરાવાયા છે. તો એ જ રીતે કલેશ્વરીનો મેળો, મેળાનું માયકાંગલું આલેખન, ઉપેન્દ્ર ત્રિવેદી જેવા હુસ્ટપૂષ્ટ કલાકારને કોઈ જ કારણ વિના દોરડા પર ચાલતો બતાવવાનો મોહ- એની યુવાની કે કૌવતના બદલે હસવાનું કારણ જ બનાવે છે. આવા બીનજરૂરી અને હાસ્યાસ્પદ લાગતા ફાઈટ સીન, નાનીયો દારૂ પીવે છે એ પ્રસંગ બહુ ‘ફની વે’માં લઇ જનારાં છે. દર સાત મિનીટે ગીત ઉમેરવામાં આવ્યું છે. આખા ગુજરાતના ભાતીગળ ગીતો અને નૃત્યોને સામેલ કરવાની ઘેલછા જોવા મળે છે. બીનજરૂરી લાગતા ગીતો અને નૃત્યો, ભવાઈની સામેલગીરી ફિલ્મને ઉપકારક નીવડતી નથી. નવલકથામાં પન્નાલાલે ઘણી જગ્યા એ ગીતો અને વિવિધ પ્રકારના લોકોત્સવોને સામેલ કર્યા છે પણ એ નવલકથાના અંગરૂપે અનુભવાય છે જ્યારે ફિલ્મમાં એ આગંતુક બનીને આવે છે. નાનીયાનું પાત્ર નવલકથામાં જે રીતે ઉપસી આવ્યું છે એ રીતે ફિલ્મમાં આકારિત થતું નથી. એ સમયે ચાલતું નર્મદા ડેમ બનાવવા માટેનું આંદોલન પણ અહીં સામેલ કરી દેવાયું છે. જે જરાં પણ બંધબેસતું નથી લાગતું. ઘણાં રાષ્ટ્રીય એવોર્ડ જીતેલી આ ફિલ્મમાં એડિટિંગના પણ ઘણા પ્રશ્નો જ છે, ટેક્નિકલ ખામીઓ દેખાય એવા દૃશ્યો, આડેધડ મરાયેલા કટ, સ્થળ પસંદગી, વચ્ચે આવતાં બીનજરૂરી ભજનો, ઝાલાવાડી હૂડો અહીં પણ આવી જાય છે, હા, ‘મનખો માણી લેજો રે લોલ...’એ મૂળ નવલકથાનું ગીત અહીં પણ સરસ રીતે વણી લેવાયું છે. પ્રફુલ્લ દવેના કંઠે ગવાયેલું આરંભનું ગીત પણ સરસ રીતે ગવાયું છે. આવા થોડાં સારા પાસાની વાત પણ થઈ શકે પણ જ્યાં કૃતિના આત્મા સાથે જ અન્યાય થયો હોય ત્યાં એવી વિગતોમાં ક્યાં જવું...? એવો પ્રશ્ન થાય. ‘ફિલ્મમાં નારીચિત્રણ’ જે આ સેમિનારનો વિષય છે એ પર તો ફિલ્મને આધાર રાખીને વાત જ થઈ શકે એમ નથી. ખરું કહું તો અહીં નારી આકારિત કરવાની વાત તો દૂર રહી, હિરોને સપોર્ટ કરનાર ગૌણરૂપે જ હાજરી પૂરાવ્યાં કરે છે. છેલ્લું અત્યંત ચર્ચાસ્પદ થયેલું અને વખણાયેલું દૃશ્ય- જેમાં કાળુ રાજુના અંકમાં છૂપાઈને તરસ છીપાવે છે એ દૃશ્ય આ ફિલ્મમાં સાવ બેકાર રીતે આલેખાયું ત્યારે તો હદ જ આવી ગઈ છે. બંને પાત્રોના અભિનયની રીતે, અંગભંગિની રીતે, સંવાદની રીતે, એંગલની રીતે- બધી જ રીતે ટોટલ નિષ્ફળતા મળે એવું આલેખન છે. છેલ્લે કહીશ કે, નવલકથામાંથી ફિલ્મમાં રૂપાન્તર કરતી વેળાએ શું ન કરવું એ જાણવા માટે આ ફિલ્મ ચોક્કસ જોઈ શકાય.

ભવિષ્યમાં કોઈ દિગ્દર્શક આ કથાનકને કચકડામાં કંડારવાની હામ ભીડે એવી આશા રાખીએ !! કદાચ સારું ફળ નીપજી પણ આવે !! આભાર.

સંદર્ભ ::

  1. માનવીની ભવાઈ(નવલકથા), પન્નાલાલ પટેલ, પ્ર.આ. 1947, (ચોવીસમી આવૃત્તિ) 2018, પ્ર.દૃષ્ટિ પટેલ, જી-14, યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ-380009, કિં.300.00રૂ.
  2. માનવીની ભવાઈ (ફિલ્મ) નિર્માતા, દિગ્દર્શક- ઉપેન્દ્ર ત્રિવેદી,, સહ કલાકારો- અનુરાધા પટેલ, રમેશ મહેતા. અરવલ્લી પ્રોડક્શન્સ, (કોપીરાઈટ- નવરંગ ઇલેકટ્રોનિક્સ, રાજકોટ.સી.ડી. કિં.75.00)


ડૉ. નરેશ શુક્લ, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના-મગદલ્લા રોડ, સુરત-395007, ફોન- 9428049235, Mail Id- shuklanrs@yahoo.co.in, www.sahityasetu.coa.in