Included in the UGC-CARE list (Group B Sr. No 172)
નિરીશ્વર અસ્તિત્વવાદી સાહિત્યચિંતક તરીકે સાર્ત્ર

ફ્રેન્ચ ફિલસૂફ તત્વચિંતક, રંગદર્શી, બુદ્ધિવાદી, યુગમુર્તિચિંતક અને કિર્કેગાર્ડના અનુયાયી સાર્ત્રએ વીસમી સદીના મધ્યભાગમાં લગભગ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવનાર અસ્તિત્વવાદી તરીકેનું વ્યક્તિત્વ સાહિત્ય જગતમાં ઉભરી આવ્યું. તે પહેલાં કિર્કેગાર્ડએ માનવીમાં અસ્તિત્વ વિષયક પગરણ કરતાં એમણે ઈશ્વરની પ્રાપ્તિને જીવનનું ધ્યેય ઘણ્યું છે. જયારે સાર્ત્ર ઈશ્વરનો જ ઇન્કાર કરે છે. એ બંને દ્વંદ્વ વચ્ચે આસ્તિત્વવાદનો પ્રભાવ પ્રસરવા લાગ્યો હતો. સાર્ત્રએ પોતાના અભ્યાસકાળમાં તત્વજ્ઞાન તેમજ ફીનોમિનોલોજીના અભ્યાસ દ્વારા ઘડાયા હતા. જર્મનમાં યુદ્ધકેદી તરીકે તેમના સાથીઓ સાથે હાઇડેગરની ફિલસૂફીનો પણ પરિચય મેળવ્યો. સાર્ત્ર આ સમયગાળામાં જગત માટે નવાવિચારોનું ભાથું મનુષ્યના અસ્તિત્વની ઝંખનાને સમાજ સમક્ષ રજુ કરવાના ઉદેશ્યથી વહેતો મૂકે છે.

સાર્ત્ર નિરીશ્વરવાદી તત્વચિંતક અને અસ્તિત્વવાદી સાહિત્યવિચારક તેમજ દરેક પાસાઓમાંથી પસાર થતા જણાશે કે સાર્ત્રનું જીવન સત્તાવાદી, સામ્રાજ્યવાદીઓની વચ્ચે તેમનો ઉછેર કેટલો સંઘર્ષમય રહ્યો હશે અને તેની અસર તેમના સામાજિક અને સાહિત્યજગત પર કેવી રહી હશે એ એમની નવલકથાઓ, નાટકો અને ચિંતનાત્મક સર્જન અને તત્વજ્ઞાન તરીકેની છબી આપણી સમક્ષ ઉભી કરે છે.

સૌ પ્રથમ કિર્કેગાર્ડ અસ્તિત્વવાદી વિચારક તરીકે પ્રસ્તુત થાય છે. તે આસ્તિક ઈશ્વરવાદી અસ્તિત્વવાદી હતા. ઈશ્વરે માનવના જીવનમૂલ્યો સાર્થક અને યોગ્ય રાહ ચીંધનાર તરીકેની વિચારણા પ્રગટ કરી હતી. જ્યારે સાર્ત્રએ મનુષ્યને તેમના કર્મો માટે જવાબદાર ગણે છે. માણસથી ચડિયાતું બીજું કશું જ નથી. માણસ જ સર્વેનો આદિસ્ત્રોત અને સર્જક છે. માણસ પોતાના આંતરિક મૂલ્યોને લક્ષમાં લઈને આગળ વધવું જોઈએ. આ આત્મલક્ષી ભાવ પાછળ નો પ્રભાવ એ જર્મનના ફિલસુફ હાઇડેગરનો સત્ વિષયક વિચાર દ્વારા સ્થાપિત થયો છે. સત્ અંગે તે પ્રશ્ન ઉઠાવે છે. અંગ્રેજીમાં ‘To be’, સંસ્કૃતમાં ‘અસ્તિ’, લેટિનમાં ‘esti’ વગેરે પ્રયોજાય છે. આ સત્ અને અસ્તિત્વ અંગેનો તત્વચિંતન સાર્ત્રના અસ્તિત્વવાદી વિચારો માં જોવા મળે છે. આ સંદર્ભે હાઇડેગરથી પ્રભાવિત સાર્ત્રને કેટલાકે ‘ફાસીસ્ટ’ તરીકે પણ ઓળખાવ્યા હતા. પરંતુ, સાર્ત્રએ ફાસીવાદ અને સરમુખત્યારી નો વિરોધ કર્યો હતો.

સાર્ત્ર સત્ વિષય પર મનુષ્યનું હોવાપણું એટલે કે, ‘સત્ જે છે તે છે’ કહીને તેનું અસ્તિત્વ અને માનવના મૂલ્યો સાથે જોડીને સત્ ની વાત કરી છે. જેમાં સાર્ત્ર સત્ નાં ત્રણ મુખ્ય લક્ષણો દર્શાવે છે:

(૧) સત્ છે, (૨) સત્ પોતાનામાં સત્ છે, (૩) સત્ જે છે તે છે.

સત્ એ પોતે પોતાનું કારણ નથી અને પોતે કશામાંથી નિષ્પન્ન થતું નથી. માટે અહીં વસ્તુરૂપ સત્ અને ચેતનરૂપ સત્ નાં દ્વંદ્વની વાત જોડે છે. સાર્ત્ર અહીં નોંધે છે –
‘વસ્તુ સ્વરૂપ સત્ જે છે તે છે; જ્યારે ચેતનસ્વરૂપ સત્ જે છે તે નથી અને જે નથી તે છે’

આવી અભાવ વાચક નિષેધક પરિભાષા પ્રયોજીને અસ્તિત્વના મૂલ્યોની ઝાંખી કરાવે છે. કોઈપણ વસ્તુનું અસ્તિત્વ ધરાવવું એટલે કે તેનું હોવાપણાં અને ધારણા એ બંને સ્વતંત્ર ચલ નો નિર્દેશ કરે છે.

નિરીશ્વરવાદી સાર્ત્ર અહીં ઈશ્વરને સૃષ્ટિના સર્જક અને વિનાશ કરનાર તરીકે સ્વીકારે છે. પણ મનુષ્યની અસ્તિત્વની દ્રષ્ટિએ માનવ સત્ એ માત્ર મનુષ્યમાં રહેલા તત્વો, પદાર્થો પર આધારિત છે. કારણકે ઈશ્વરએ મનુષ્યના ચેતનરૂપ સત્ માં પડેલું સત્ ગણે છે. ઈશ્વરનું ખરેખર અસ્તિત્વ હોય તો, કાં તો વસ્તુરૂપ સત્ જેવું જડ અને અભિન્ન હોય અથવા તો ચેતનરૂપ સત્ જેવું અભાવરૂપ હોય. બંને અસ્તિત્વ સત્વની દ્રષ્ટિએ ભિન્ન છે. અહીં સાર્ત્રએ મનુષ્યને ઈશ્વરના ખ્યાલ સમક્ષ ‘સ્વ-વિરોધી’ તરીકે દર્શાવે છે. સાર્ત્ર માણસની એક નવી વ્યાખ્યા આપે છે: ‘માનવી એટલે એવું સત્ કે જે ઈશ્વર થવા મથે છે’ ઇશ્વરના નૈતિકગુણો જગતની વાસ્તવિકતા સાથે મેળ ખાતો નથી. અહીં માણસ ઈશ્વર પ્રત્યેની માત્ર ઝંખના ધરાવે છે, કલ્પના કરે છે. ઈશ્વર વિનાની સૃષ્ટિને માણસની દશા વિયોગમાં ઝૂરીને મરી જતા પ્રેમી જેવી છે. ઈશ્વર વગરની દુનિયા ઘણી દુઃખદાયક હકીકત તરીકે જણાવે છે.

સાર્ત્ર અહીં આ હકીકત સ્વીકારે છે: ‘મૂલ્યનો આધાર માણસ છે, પણ માણસનો કોઈ આધાર નથી.’ પણ શા માટે માણસના મૂલ્યોનો આધાર હોવો જોઈએ? તેવો પ્રશ્ન પણ કરે છે. માનવીના નૈતિક મૂલ્યોએ સ્વતંત્ર છે. માટે સાર્ત્ર કહે છે કે ઈશ્વર હોય તો પણ માણસને માટે તેનું અસ્તિત્વ ઉપયોગી નથી. કારણ કે, માણસ સ્વતંત્ર છે.‘ ધ ફ્લાઇઝ’ નાટકમાં ઓરેસ્ટિસ કહે છે, ‘ન્યાય માણસો વચ્ચેની બાબત છે. મારે કોઈ ની જરૂર નથી.’

આમ, નિરીશ્વરવાદ એ નૈતિક મૂલ્યોનું વિરોધી નથી. માણસનો વ્યવહારએ માણસ સાથે જોડાઈને નિરંતર ચાલતો જ રહે છે. અસ્તિત્વએ પરિવર્તનશીલ, મુક્ત અને કાળબદ્ધ છે. મનુષ્યનું નૈતિક, સામાજિક મૂલ્યએ સ્વનિર્ભર અને આત્મલક્ષી સર્જતું; અસ્તિત્વવાદએ ઈશ્વરથી વિમુખ કરવા માટે નહીં પણ માણસનો ‘સ્વ’ પરનો આવિર્ભાવ જળવાયેલો રહે તે મૂલ્ય સ્થાપિત કરવું છે. સાર્ત્ર ઈશ્વરના અસ્તિત્વનો તાર્કિક વિરોધ કરે છે. પરંતુ, અસ્તિત્વનો મૂળભૂત અજંપો અને તેનું દુઃખદ સ્વરૂપ એ કિર્કેગાર્ડની જેમ સાર્ત્ર અવશ્ય સ્વીકારે છે. સાર્ત્ર ઈશ્વરના ખ્યાલની સમીક્ષા કરતાં જણાવે છે કે તેઓ વસ્તુરૂપ સત્ અને ચેતનરૂપ સત્ નો સંપૂર્ણ વિરોધ દર્શાવે છે. ઈશ્વર આ બન્નેમાંથી એક રૂપે સંભવી શકે નહીં. માટે આ ખ્યાલ સ્વ-વ્યાઘાતી છે. તેવી દલીલ કરે છે. ઈશ્વર પ્રત્યેની માણસની જરૂરિયાત કેટલી જડ-ચેતન છે અને તે કેટલે અંશે અસંભવિત છે તેવા પ્રશ્નો ઉઠાવે છે. પણ અહીં સાર્ત્ર તેનું તાર્કિક વિધાનોની સાબિતી આપી શક્યા નથી. ઈશ્વરની પ્રાપ્તિ, ઝંખના એ સમન્વયાત્મક હોવો જોઈએ. તેનો ઉત્તર સાર્ત્રથી પ્રાપ્ત થતો નથી. સાર્ત્ર માત્ર વસ્તુરૂપ અને ચેતનરૂપ સત્ ને અલગ પાડીને માણસની ચેતના પર પ્રશ્ન મૂકી દીધો છે. જેથી તેનો ખ્યાલ અસંગત જ રહ્યો છે.

સાર્ત્ર માનવસ્વાતંત્ર્યની વાત કરતા કહે છે કે, ‘સ્વાતંત્ર્ય હેતુલક્ષી હોય છે. માનવીની ચેતના પરિસ્થિતિનું અતિક્રમણ કરીને ભાવિલક્ષ્યો તરફ અભિમુખ થાય છે. એટલે માનવીનું કાર્ય માનવીય સત્ ઉપર આધાર રાખે છે.’ કશાક કાર્ય કરવાના હેતુથી માનવીનું સત્ એ સ્વાતંત્ર્યરીતે અસ્તિત્વમાં આવે છે. દાત. ખૂબ ઠંડીથી બચવા કોઈ વ્યક્તિ અગ્નિ પ્રગટાવીને બેસે છે તો વ્યક્તિ ક્યારેક આવેશમાં આવીને ભય, ક્રોધ કે ઈર્ષ્યાથી મજબૂર થઈને પોતાના વર્તન પરથી કાબૂ ગુમાવી બેસે છે. આ ફેરફાર થવા પર માનવીના ચેતનાપ્રવાહ પર તેનો હેતુ, ધ્યેયો, કારણો અને પરિણામો બધું સહજ રીતે સાર્ત્ર તેને નિયત ગણીને ઉલ્લેખ કરે છે. માનવ સ્વાતંત્ર્યનો અર્થ એવો નથી કે માણસ ધારે તે કરી શકે, પણ તેનો ખ્યાલ એ કલ્પવૃક્ષના ખ્યાલ જેવો છે. ખરેખર આમ હોય તો તે સ્વાતંત્ર્ય નથી. ‘સ્વાતંત્ર્ય’ નો અર્થ જાદુઈ થતો નથી. સ્વાતંત્ર્ય ‘પસંદગી કરવી’ તે બાબતમાંથી ‘મેળવવાને સમર્થ હોવું’ તે બાબત ફલિત થતી નથી. જો એ શક્ય હોય તો જેલનો કેદી છટકી જવાનો ધ્યેય મુક્ત રીતે પસંદ કરે છે અને તે સંદર્ભે જેલમાંથી છટકી જવું હંમેશ માટે સફળ થવાની ખાતરી આપતું નથી. માટે અંતે આવી સ્વાતંત્ર્ય એ મિથ્યા ઠરે છે. માણસનું સ્થાન એક કલ્પનાથી પર જઈને કશુંક મેળવવાનું નથી. પણ અસ્તિત્વ ને મજબૂત બનાવવાનો છે. એ પ્રત્યે તેની જાગૃતતા અને સભાનતા પણ તેની ચેતનારૂપે કામ માંગી લે છે.

સાહિત્ય વિષયક ચર્ચામાં સાર્ત્ર સાહિત્ય અંગે સ્વરૂપ અને કાર્યની વિચારણામાં તેમના નિબંધ ‘સાહિત્ય શું છે?’ (What is literature?) માં વ્યક્ત થઈ છે. સાર્ત્ર સમાજમાં કાર્ય કરવું અને સાહિત્ય સર્જન કરવું બંને સામાજિક કાર્ય તરીકે સ્વીકારે છે. માણસમાં રહેલો ફિલસૂફ એ શબ્દોના વર્તણૂક અને તેમનો સઃહેતુક ઉપયોગ કરવા પર તેનો આધાર રહેલો છે. જેમાં સર્જકની પ્રમાણિકતા, સ્વાતંત્ર્ય, સાહિત્ય લખવા પાછળનો ઉદ્દેશ એ તમામ બાબતોને લક્ષમાં લઈને સર્જન થવું જોઇએ તેવી હિમાયત કરી છે. જડતા, અજ્ઞાન, વહેમ, પૂર્વગ્રહ, જુલમ, મિથ્યાભિમાન અને સરમુખત્યારી સામે લેખકોએ કલમ ઉઠાવવી જોઈએ. જો તે આમ ન કરે તો લેખક અસંવેદનશીલ છે; પણ તે સર્જક નથી. તેવું માલુમ પડે છે. જગત સાથેની સંગતતા, સામાજિક, તાર્કિક ધ્યેયો કે માણસનો અસ્તિત્વ એ તમામ પાસાઓને સાહિત્યની દ્રષ્ટિએ સમાજ સામે મૂકવાનું કાર્ય એ સર્જકનું છે અને તે યોગ્ય ધ્યેય પૂરું પાડે છે.

સાર્ત્રએ પોતાની આત્મકથા ‘ધ વર્ડ્ઝ’ માં પોતાના દસ-અગિયાર વર્ષના જીવનપ્રસંગોના અનુભવોને આધારે આલેખતા અને તેમાં સાહિત્ય સામાજિકકાર્ય અંગે કેટલાક સાહિત્ય વિશે તેમનો ભ્રમ ભાંગી ગયો છે. તેવું એ લખે છે,- ‘મારી કલમો મેં હથિયાર તરીકે લાંબો સમય ઉપયોગ કર્યો છે. આપણે કેટલાં અસહાય બની ગયા છીએ. તેની હવે મને પ્રતીતિ થઈ ગઈ છે… હું લખું છું, હું પુસ્તકો લખીશ. તેની જરૂર છે. ગમે તેમ તો પણ તેનો કોઈને કોઈ ઉપયોગ તો છે… પરંતુ સર્જન એ મનુષ્યનું જ સર્જન છે તે (પુસ્તકો) દર્પણ છે. વ્યક્તિને તે પોતાની સમીક્ષા કરવાની તક આપે છે.’ - (સાર્ત્ર)

તેમના આત્મચારિત્ર પ્રમાણે સાર્ત્ર શબ્દને ઘણું મહત્વ આપે છે. શબ્દને તે ભરેલી પિસ્તોલ સાથે સરખાવે છે. શબ્દ લક્ષ્યવેધી હોવા જોઈએ. લખવા ખાતર લખવું એ વાજબી નથી. માત્ર ધડાકા સાંભળવાના શોખથી બાળક પિસ્તોલ ફોડે છે, તેમ લેખક શબ્દો ન વાપરી શકે. શબ્દો વસ્તુ નથી, વસ્તુના સંકેત છે. શબ્દો દ્વારા સાહિત્યકાર ભાવક સમક્ષ ઉપસ્થિત થાય છે. અલબત્ત સર્જક ભાવનાશીલ, કલ્પનાશીલ હોવો જોઈએ. અહીં સાર્ત્ર કલ્પનાને કેન્દ્રમાં રાખીને મનુષ્ય સર્જકત્વને કેળવે છે. તેમજ માનવીની ઇન્દ્રિયવેદનાની ક્ષમતાને લીધે સત્ નું વૈવિધ્યપૂર્ણ અનાવરણ પણ કરે છે. માટે સર્જકે કલ્પનાને અને સંવેદનાને આધીન રહી કલાકાર કૃતિનું સર્જન કરે છે. આ આત્મલક્ષીતા, વસ્તુલક્ષીતા વગર સાહિત્યકૃતિ સાર્થક થવી અશક્ય છે. પોતાની નજરે કૃતિનું સ્વરૂપ સર્જવું અને બીજાની નજરે કૃતિનું કલ્પન પ્રાપ્ત કરવું એ બન્ને વચ્ચેનું તાત્વિક નિરૂપણ ભાવનિર્દેશ અને સર્જકની કલાકૃતિ ને આધારે આલેખાયું છે.

સાર્ત્ર અહીં લેખકની વ્યાખ્યા આપતા નોંધે છે કે, ‘લેખક મુક્ત માણસ છે અને બીજા મુક્ત માણસને તે સંબોધે છે. એટલે તેનો એક જ વિષય હોઈ શકે તે છે સ્વાતંત્ર્ય. ગદ્યની કલા એક જ તંત્રમાં સાર્થક થઇ શકે અને તે છે લોકશાહી’.

સાર્ત્ર અહીં ભાવનિષ્ઠ વસ્તુને સાહિત્યકૃતિમાં વસ્તુલક્ષીતાને પ્લેટો અને એરિસ્ટોટલની દ્રષ્ટિએ સાહિત્યકૃતિ ને યોગ્યતા દર્શાવવા તેમજ સત્વ-ઝંખનાનો અનુભવ વાસ્તવિક પ્રસંગોને આધારે અને જીવનની વેરવિખેર ક્ષણોને સ્મૃતિનું સંકલિત કરવામાં સર્જકનું સ્વાતંત્ર્ય અને વિષયવસ્તુને કેન્દ્રસ્થ દર્શાવ્યું છે.

સાહિત્યમાં માનવીય પરિસ્થિતિનું નિરૂપણ એ સાર્વત્રિક છે. તેમાં અસ્તિત્વને ચારેબાજુથી ઘેરી લેતી મર્યાદાઓ સાર્વત્રિક છે. તેવી પરિસ્થિતિનું વર્ણન સાર્ત્રના ‘ધફ્લાઇઝ’ નાટકમાં જોવા મળે છે. જેમાં નાટકમાં ઓરેસ્ટિસ દાખલ થાય છે ત્યારે તે ઇઝિથિયસ અને ક્લાઈટેમ્નેસ્ટ્રાનું ખૂન કરશે તેવું અનુમાન આપણે કરી શકતા નથી. ઓરેસ્ટિસને પોતાના સ્વાતંત્ર્યનું તીવ્ર ભાન થાય છે અને પછી તેને મૂર્ત કરે છે. અહીં ‘પરિસ્થિતિ’ ને કેન્દ્રમાં રાખીને વ્યક્તિના નિર્ણયો જવાબદારીપૂર્વક લક્ષમાં લે છે તેવું દર્શાવવામાં આવ્યું છે. માટે સાર્ત્ર સાહિત્યનાં બે પ્રકારના ભેદ દર્શાવે છે: (૧) ગુણલક્ષી-સ્થિરતા-પ્રધાન સાહિત્ય અને (૨) ગતિશીલ-કાર્યપ્રેરક સાહિત્ય. ગુણલક્ષીમાં ચરિત્ર-નિરૂપણ વધુ મહત્વનું છે. તેમાં પ્રેક્ષકો કે વાચકોને પાત્રની સમજ કે મનન થાય છે. જ્યારે ગતિશીલમાં તેવી સમજૂતીનો સંતોષ અપાતો નથી. કૃતિને વાચક પોતાની આંખે પ્રત્યક્ષ પાત્રોના નિરૂપણ અને વાતાવરણને ઊભું કરી શકે છે. તે ગતિશીલ-કાર્યપ્રેરકમાં સંભવતું નથી.

અસ્તિત્વવાદી તરીકે ઈશ્વર છે જ નહીં. એવું તહોતનામું પોકારનાર સાર્ત્ર સાહિત્યવિચારણા અંગે સાહિત્યકૃતિ વિષયક સર્જકની કલ્પના અને સાહિત્યમાં અસ્તિત્વનું સ્થાન કેટલી ચોકસાઈપૂર્વક નોંધ લીધી છે. તે માણસની કલ્પનાથી લઈને તેના જીવનના પ્રસંગો અને પરિસ્થિતિઓને આંખે ઊડીને વળગે તેવું ચરિત્ર નિરૂપણને અહીં સત્ ના સંદર્ભમાં સાર્ત્રએ કૃતિમાં વસ્તુલક્ષીતાને કેન્દ્રસ્થાને રાખ્યું છે આટલું જ નહીં, પણ અસ્તિત્વવાદી તરીકેનું સ્થાન નાસ્તિકતા તેમજ યુગચેતનામૂર્તિ સમકક્ષ સાર્ત્રનું જીવન અસ્તિત્વવાદી વિચારક તરીકે ચિરકાલીન રહેશે.

સંદર્ભ:

  1. બક્ષી, મધુસૂદન, સાર્ત્રનો અસ્તિત્વવાદ, પૃષ્ઠ નં. ૭, ઉમેરણ ૨૦૨૦, ૧ જાન્યુઆરી.
  2. બક્ષી, મધુસૂદન, સાર્ત્રનો અસ્તિત્વવાદ, પૃષ્ઠ નં. ૨૩૭, ઉમેરણ ૨૦૨૦, ૧ જાન્યુઆરી.
  3. પટેલ, ડૉ. બહેચરભાઈ, પાશ્ચાત્યસાહિત્ય મીમાંસાના સીમાસ્તંભો, પૃષ્ઠ નં. ૩૭૯.
  4. સાર્ત્રનો સાહિત્યવિચાર, શાહ, સુમન, પૃષ્ઠ નં. ૮૭, ઉમેરણ ૨૦૨૦, ૧ જાન્યુઆરી.


નિખિલકુમાર કિરીટભાઈ પીનારા, (એમ.ફિલ.) ગુજરાતી, કચ્છ યુનિવર્સિટી, ભુજ. E-MAIL:pinaranikhil@gmail.com