Included in the UGC-CARE list (Group B Sr. No 172)
મહાભારતના અતિગૌણ પાત્રની વિશેષતા ઉપસાવતી લઘુનવલ: ‘વિકર્ણ’

કલ્પેશ પટેલ રચિત ‘વિકર્ણ’ (૨૦૧૫) ધ્યાનપાત્ર લઘુનવલ છે. આ લઘુનવલમાં સર્જકે મહાભારતનું અતિ ગૌણ પાત્ર ‘વિકર્ણ’ જે કૌરવ બંધુ છે, જેને દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે ભરીસભામાં પોતાના બંધુઓ (કૌરવો)નો વિરોધ કર્યો હતો આ નાનકડા પ્રસંગને બાદ કરી આખા મહાભારતમાં વિકર્ણ અતિ ગૌણ પાત્ર રહ્યો છે. વેદવ્યાસે વિકર્ણ માટે સભાપર્વનાં ‘ધૂતપર્વ’ નિમિત્તે ૬૮મા અધ્યાયમાં માત્ર ૧૬ શ્લોક રચ્યાં છે. શકુનિએ યોજેલા ધૂતપ્રપંચનો વિરોધ કોઈએ નથી કર્યો તે વિરોધ મહાભારતનું અતિ ગૌણ પણ વ્યક્તિમત્તામાં ઉચ્ચકોટીનાં એવા બે પાત્રોએ કર્યો છે. એમાં પહેલાં મહામના વિદુર અને બીજા છે ગાંધારીપુત્ર ‘વિકર્ણ’ પ્રસ્તુત લઘુનવલમાં સર્જકે વિકર્ણના પાત્રને ઉપસાવ્યું છે. વિકર્ણ વિશે મહાભારતમાં પણ ઝાઝો ઉલ્લેખ નથી અગાઉ કર્ણ, અર્જુન, દ્રૌપદી, યુધિષ્ઠિર જેવાં મુખ્ય પાત્રોને ધ્યાનમાં રાખી નવલકથાઓનું સર્જન થયું છે પણ આવા અતિગૌણ પાત્ર જેના વિશે મહાભારતમાં બહું ઉલ્લેખ નથી તેવા અતિ ટૂંકા કથાવસ્તુ ધરાવતા પાત્રને લઘુનવલમાં વિસ્તારપૂર્વક આલેખ્યો છે જે સર્જકની સિદ્ધિ ઘણાય તેથી જ પ્રસ્તાવનામાં રમેશ ર. દવે નોંધે છે કે : “ જેના જીવનની આ મહત્વપૂર્ણ પરંતુ એકમાત્ર ઘટનાનું નિરૂપણ થયું હોય એવા પૌરાણિક ચરિત્ર પર લઘુનવલ લખવા બેસનાર કલ્પેશ સમક્ષ, કોઈ વિભૂતિના પગના અંગૂઠાના ટેરવા માત્રના દર્શન થકી એ વિભૂતિની મહિમામંડિત શિલ્પકૃતિ ઘડવાનું કસોટીકારક આહવાન હતું ! આનંદની વાત એ છે કે એ આહવાન નવલકથાકારે પર્યાપ્ત ક્ષમતા-સજ્જતાથી ઝીલ્યું છે.”[૧]

આ લઘુનવલમાં વિકર્ણની મન:સ્થિતિ આપવાનો અને સત્યનો સાથ આપનાર એક નિડર તેજસ્વી યુવાન તરીકેની છબી ઉપસાવવા સર્જકે ૧૫૦ પાના ખપમાં લીધાં છે. લઘુનવલને પ્રકરણમાં વિભાજિત કરીને નહી પણ ફૂંદડી પાડી જૂદાં-જૂદાં ગદ્ય ખંડકોના ટૂંકડાઓ ધ્વારા કરી છે. ૨૦ જેટલા ગદ્યખંડકો સળંગ સૂત્રમાં મૂકી એક જ પાત્ર વિકર્ણને ઉપસાવવાનો યથાર્થ પ્રયાસ કર્યા છે. સર્જકની આ લઘુનવલમાંથી પસાર થતાં તેમની સર્જનસિદ્ધિનો સ્પર્શ થાય છે. વિકર્ણના મનોસંઘર્ષને નિરૂપવામાં સર્જકને ધારી સફળતા સાંપડી છે . પ્રથમ પુરુષ એકવચનનાં કથન ધ્વારા વિકર્ણ પોતે જ પોતાની કથા કહે છે. લઘુનવલનો પ્રારંભ પણ અસરકારક રીતે કર્યો છે. વિકર્ણ વિચારી રહ્યો છે કે રાજસૂય યજ્ઞમાં જે કઈ બન્યું તે શુભ નથી અને તેની ચિંતા તેને સતાવી રહી છે. લઘુનવલના પ્રારંભમાં જ સર્જકે વિકર્ણને એક વિચારશીલ યુવાન તરીકે આલેખ્યો છે.કૃતિના આરંભે જ વિકર્ણના માંનોસંચલનો દ્રષ્ટિમાન થાય છે. લઘુનવલનું મુખ્ય પાત્ર વિકર્ણ અને મહામના વચ્ચ્ચેની વિચારગોષ્ઠી તત્વ ચિંતનથી ભરેલ છે. રાજસૂય યજ્ઞમાં બધાજ રાજવીઓની વચ્ચે કૃષ્ણએ શિશુપાલનો વધ કરેલ તેના વિશે વિકર્ણનો વિચાર પણ બહું જ ઉત્તમ રહ્યા છે.

આ લઘુનવલમાં મહામના અને વિકર્ણના સંવાદમાં સર્જકે વિકર્ણના પાત્રની ઉચ્ચ વિચારસરણી બતાવી છે. લઘુનવલમાં વિકર્ણ સતત પોતાના ભાઈઓની કૂટનીતિઓથી હતાશ બતાવ્યો છે. રાજસૂય યજ્ઞ પછી દુર્યોધન હેરાન પરેશાન રહે છે. યુધિષ્ઠિરના રાજ્યની ભવ્યતા અને તેમની સંપત્તિ જોઈ તે મનોમન ઈર્ષાના ભાવથી બળી રહ્યો છે. સાથો-સાથ દ્રૌપદી ધ્વારા તેનો જે ઉપહાસ થયો તેનાથી પણ તે બહું જ લજ્જા અનુભવી રહ્યો છે. આ બધાં જ કારણો દુર્યોધનને પીડા આપી રહ્યા છે. મામા શકુની ધ્વારા પાંડવોને હરાવવા ધૂતસભા યોજવાનું આયોજન દુર્યોધન જોડે લેવડાવે છે અને તેની પિતાશ્રી જોડે સંમતિ પણ લઈ લેવામાં આવે છે.

પ્રસ્તુત લઘુનવલમાં વિકર્ણ એક વિચાર યોધ્ધા બતાવ્યો છે. જે સતત ધૂત સભા અને દ્રૌપદી વસ્ત્રાહરણ બંને અટકાવવા તર્ક, વિતર્ક કરતો રહ્યો છે. વસ્તુંસંકલના પણ વિશિષ્ટ રહી છે. પૂરી લઘુનવલ વિકર્ણના વિચાર પ્રદેશમાં જ પ્રારંભી છે અન એ અંત પણ તેના મનોવિચારોમાં જ થાય છે. કથાવસ્તુમાં ક્યાંય વિક્ષેપ થતો દેખાતો નથી બનાવોની ઘટમાળા પણ માર્યાદિત છે, પરંતું છે તો પ્રભાવક જેમકે ધૂતસભાનું આયોજન, યુધિષ્ઠિરનું પરાજિત થવું, દ્રૌપદી વસ્ત્રાહરણ પ્રસંગે વિકર્ણ એ કરેલો વિરોધ, પ્રજાનો વિરોધ, દક્ષનું મૃત્યું, પાંડવોનો દ્રાદશ વનવાસ, યુયુત્સુનું અંત સમયે પાંડવ પક્ષે જવું, વિકર્ણનું ભાતૃપક્ષે રહી ભીમ સાથે યુદ્ધમાં ઉતરવું વગેરે પ્રસંગો ક્રમબદ્ધ એવીરીતે સરસ વણી લીધાં છે કે ક્યાંય આપણને વાર્તારસ તૂટતો અનુભવાતો નથી તે સર્જકની વિશેષતા રહી છે, વળી પાત્ર વિભાવના પણ મહાભારત કરતાં નૂતન અર્થઘટન તરફ લઈ જાય છે.

પ્રસ્તુત લઘુનવલમાં મૂળકથાવસ્તુને વફાદાર રહી તેમાં નૂતન દ્રષ્ટિકોણ લાવવાનો સર્જકે યથાર્થ પ્રયાસ કર્યો છે. કથાવસ્તુમાં ક્યાંય અસ્ખલિતતા પ્રદર્શિત થવા દીધી નથી, તો વાર્તા વિકસાવવા ક્યાંય કથાવસ્તુને અપૂરક બનાવો પણ વર્ણવ્યા નથી. પૌરાણિક લઘુનવલ હોવાથી સર્જક પૌરાણિક વાતાવરણ ઊંભું કરવામાં પણ સફળ રહ્યા છે. લઘુનવલમાં સંસ્કૃત શબ્દોનો પણ વિનિયોગ કર્યો છે જેમકે- ‘ઉત્પીઠિકા’, ‘જિહ્વા’, ‘પન્યાંગના’, ‘શનૈ: શનૈ:’, ‘વૃકોદર’ જેવા શબ્દો ઉપયોગમાં લીધાં છે. પાત્રોના મુખે બોલાતી ભાષા ભલે તત્સમ ગુજરાતી છે, પણ તે સમયનો પરિવેશ ઊભો થાય તેવા છે.

લેખકે દ્રૌપદી વસ્ત્રાહરણ પ્રસંગમાં પણ કૃષ્ણને ચાલક બતાવ્યા નથી પણ તેમના ધ્વરા પ્રેરિત પ્રજા વિરોધ નોંધાવે છે.સર્જકનો આ નૂતન દ્રષ્ટિકોણ દ્રષ્ટિમાન થાય છે. સર્જકે નીરૂપેલ ઘટનાના ચાલક તો કૃષ્ણ જ છે પરંતું તે ચરિતાર્થ થાય છે હસ્તિનાપુરની પ્રજા દ્વારા આ નાનું પરિવર્તન સાંપ્રત સમયની ગતિવિધિ અને પરિણામો સૂચવે છે. આ જનજાગૃતિની ઘટના સાંપ્રત સમયમાં પણ પ્રજાએ અન્યાય સામે એક જૂથ થઈ પોતાનો વિરોધ નોંધાવો રહ્યો, કેમકે પૌરાણિક સમયમાં પણ પ્રજા વિરોધથી રાજસત્તા ડરતી હોય તો વર્તમાનમાં તો વધુ ડરે તે સર્જક બતાવવા માંગે છે. અને તેમાં તે સફળ પણ થયા છે. આ લઘુનવલમાં પાત્રનિરૂપણ પણ અસરકારક રહ્યું છે. સર્જકે ‘વિકર્ણ’ પાત્રને વિકસાવવા બીજા ગૌણ પાત્રો વિદુર, દક્ષ, યુયુત્સા, શુભદા, વગેરેનો સહારો લીધો છે. સર્જકે વિકર્ણને વિનયી, વિચારશીલ, સ્પષ્ટ વક્તા, સંવેદનશીલ, ભાતૃપ્રેમી, કર્તવ્યનિષ્ઠ તરીકેનું નિરૂપણ લઘુનવલમાં કર્યું છે. વિકર્ણ એક પ્રતાપી યુવાન તરીકે ઉપસી આવી ‘ધૂતપર્વ’ અને દ્રૌપદી વસ્ત્રાહરણનો વિરોધ કરે છે. પોતાના બંધુઓનો માર્ગ અસત્યનો અને પાંડવોનો માર્ગ સત્ય અને ધર્મનો છે તે સુપેરે જાણે છે. અને હંમેશાં સત્ય અને ધર્મનો સાથ આપે છે. વિકર્ણ પોતાની પત્ની શુભદાના પ્રત્યે પણ પ્રેમભર્યું વર્તન રાખતો દર્શાવ્યો છે. વિકર્ણ પર તો પોતાની માતા ગાંધારી પણ ગર્વ લેતા કહે છે કે : “એક તું જ મારો તેજસ્વી પુત્ર નીકળ્યો ! જેણે અધર્મને અધર્મ અન્યાયને અન્યાય કહેવાની નિર્ભયતાનાં દર્શન કરાવ્યાં ! તુંય ન બોલ્યો હોતતો... મારું દૂધ લાજત !.... માતૃત્વ લજાત મારું...”[૨]

આમ, ગાંધારી પણ જેના ઉપર ગર્વ લે છે તેવો વિકર્ણ નિડર, ધર્મવીર અને અસત્યનો વિરોધ કરનાર પ્રતિભાશાળી યુવક તરીકે પુરી લઘુનવલમાં ઉપસ્યો છે.

વિકર્ણને ચરિતાર્થ કરવા ઉપયોગમાં લીધેલ પાત્ર વિદૂર જે વિકર્ણના મતે તો ગુરું સમાન છે. જેમના જ્ઞાનનો લાભ વિકર્ણને મળે છે. વિદૂરની વાણીમાં સત્યતા પ્રગટ થતી અનુભવાય છે. વ્યક્તિમત્તામાં પણ વિદૂરનું પાત્ર ધ્યાનાકર્ષક બની રહે છે. તેમના શબ્દે શબ્દમાં તત્વજ્ઞાન, નીતિમત્તા પ્રગટ થતી દર્શાવી છે. વિદ્દૂરના પાત્રને પણ સર્જકે હુબેહું ઉપસાવી જાણ્યું છે. જે વિકર્ણના પાત્રને ઉપસાવવામાં સહાયરૂપ નીવડ્યું છે. ધૂતએ એક પ્રપંચ છે તે જાણતા હોવા છતાં રાજપ્રતિનિધિ હોવાથી ધૂતનું નિમંત્રણનું કામ પણ મહામના વિદુરને નિભાવવું પડે છે તે મનોવ્યથા તેમણે કોરી ખાય છે વિદૂરને પ્રતાપી-તપસ્વી ઋષિઓ પાસેથી જ્ઞાન મળ્યું છે એવા તપસ્વી દર્શાવ્યા છે. તો ‘દક્ષ’ એક કાલ્પનિક પાત્ર તરીકે સર્જકે લીધું છે, જે વિકર્ણનો ગુપ્તચર અને મિત્ર બતાવ્યો છે. દ્રૌપદી વસ્ત્રાહરણ ટાણે લોકવિરોધનું મુખ્ય દોરી સંચાલન દક્ષ ધ્વારા થયેલું તે દુર્યોધન પણ જાણતો હતો. દક્ષ પણ વિકર્ણની જેમ સતત ધર્મ તરફી કાર્ય કરતો રહે છે. આ પાત્ર વિશે પ્રસ્તાવનામાં સર્જક નોંધે છે : “દક્ષના કાલ્પનિક પાત્રને વિકર્ણના ગુપ્તચર તરીકે મૂકવાની યોજના પછી તો એથીયે આગળ વધી અને એને પ્રજાના એક પ્રતિનિધિનું ગૌરવ આપવા સુધી લઈ ગઈ.”[૨] આમ, દક્ષનું પાત્ર સજીવ કરવામાં સર્જકને ધારી સફળતા સાંપડી છે. તો યુયુત્સુ કે જે ધુતરાષ્ટ્રનો દાસી પુત્ર બતાવ્યો છે જે પોતાની અને માતાની થયેલી ઉપેક્ષાથી નારાજ બતાવ્યો છે તેથી જ કૌરવોને ધીક્કારે છે પણ એક વિકર્ણ તેના માટે ભાઈ સમાન છે તેવું તે માને છે. યુધ્ધના પ્રારંભે જ યુધિષ્ઠિરના આમંત્રણને માન આપી ધર્મના પક્ષે પાંડવોની પક્ષે રહી યુદ્ધમાં ઝંપલાવે છે.

આમ, પાત્રકલાની દ્રષ્ટિએ પણ સર્જકની કલમ ધ્યાનાર્ષક રહી છે. જેમાં વિદૂર, દક્ષ, યુયુત્સુ, શુભદા, ગાંધારી જેવાં પાત્રો વિકર્ણને જીવંત કરવામાં લાભદાયી નીવડ્યા છે તો મામા શકુનિ, દુર્યોધન, કર્ણ, દ્રૌપદી, યુધિષ્ઠિર, ભીમ, અર્જૂન વગેરે પાત્રો પણ લઘુનવલ વિકસાવવામાં ઉપકારક નીવડ્યા છે. મુખ્ય અને ગૌણ બંને પાત્રોને ન્યાય આપવાનો સર્જકે યથાર્થ પ્રયત્ન કર્યો છે. પાત્રોની સૂક્ષ્મ સંવેદનાઓના આલેખનમાં કર્તાની ચરિત્રકલાનો અંદાજ આવે છે. બાબુ દાવલપુરા નોંધે છે કે : “વિકર્ણના કેન્દ્રસ્થ ચરિત્રને ઊભારવામાં આવશ્યક હોય તેવાં-તેટલાં જ આની પાત્રો અને પ્રસંગોના ચયનમાં લેખકે પ્રમાણભાન જાળવ્યું છે.”[૩]

કૃતિનો અંત પણ સર્જકે ઉત્તમ રીતે મૂક્યો છે. વિકર્ણને ભાઈ અને નીતિ બંનેમાં કોનો પક્ષ લેવો તે માટે મનોમંથન કરતો દર્શાવ્યો છે. અને નીતિનો જ પક્ષ લે છે છે. પણ ભાતૃઋણ અર્થે તે કૌરવ પક્ષે રહી યુધ્ધભૂમિમાં ઉતરે છે. પાંડવો માટે પણ વિકર્ણ સૌથી પ્રિય છતાં યુધ્ધમાં ભીમની સામે જ વિકર્ણને ઉતારવામાં આવે છે. યુધ્ધ દરમિયાનના વિકર્ણ અને ભીમ વચ્ચેના સંવાદો હ્રદયદ્ધ્રાવક રીતે સર્જકે વર્ણવ્યા છે. સર્જકે વિકર્ણના વિચાર જગતમાં બાળપણના પ્રસંગોમાં ભીમ તેને આમ્રફળ પાડી આપે છે. આના ધ્વારા સર્જક ભીમ વિકર્ણ વચ્ચેના યુધ્ધને વધુ કરુણાંત બનાવાવવા મૂક્યો છે અને એમાં સર્જકને ધારી સફળતા પણ મળી છે.

આ લઘુનવલમાં સર્જકે નવા જ માનવીયમૂલ્યોનાં દર્શન કરાવ્યા છે. તો વિકર્ણનું મનોમંથન અને સતત પોતાના વિચારને વળગેલા રહેવાની ધગશ જ શુભ સ્થળે પોહંચવાનો મંગળ માર્ગ છે. એ પ્રતીતિ લઘુનવલકથાકાર વિકર્ણના માધ્યમથી જાણે યુવાધનને પોહંચાડવા માગે છે. તેથી જ પ્રસ્તાવનામાં સર્જક કહે છે કે: “સાંપ્રત સમયમાં પણ ‘યુવાન’ જ એક એવી શક્તિ છે. જેનામાં આપણે શ્રધ્ધા મૂકી શકીએ.”[૪] તો વર્તમાન સમયમાં યુવાનોએ ગમેતેવા કઠિન સમયમાં સામે પોતાના સગાવાહલા હોય છતાં નિતતિમત્તાનો પક્ષ લેવાનો છે તે સમજવા મળે છે. સમગ્ર રીતે જોતાં આપણને ખ્યાલ આવે છે કે પૌરાણિક પાત્રોને નૂતન દ્રષ્ટીએ ચરિતાર્થ કરવામાં સર્જકને ધારી સફળતા સાંપડી છે. ક્વચિત અરબી ફારસી શબ્દોનો ઉપયોગ વચ્ચે થયો છે પણ તે બાદ કરતાં પૂરી કૃતિ માણવા-પ્રમાણવા લાયક છે. વાંચક માટે તો મહાભારત કોઈ નવો વિષય નથી પણ તેને વર્તમાન નૂતન પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં સર્જકને સફળતા મળી છે. ખરેખર મહાભારત કથાવસ્તુ આધારિત નવલકથાઓમાં આગવું સ્થાન મેળવે એવી કૃતિ છે.

સંદર્ભગ્રંથો:

  1. ‘વિકર્ણ’ : કલ્પેશ પટેલ : પ્રસ્તાવના
  2. એજન
  3. સાહિત્યવિશેષ: બાબુ દાવલપુરા: પાશ્વ પ્રકાશન, પ્રથમ આવ્રુત્તિ-૨૦૧૬, પુષ્ઠ:૧૨૮
  4. ‘વિકર્ણ’ : કલ્પેશ પટેલ : પ્રસ્તાવના


પરેશકુમાર કચરાભાઇ ચૌધરી, રિસર્ચ સ્કોલર, મોડાસા, જિ.અરવલ્લી મો. ૯૪૨૮૭૪૮૫૩૦