Included in the UGC-CARE list (Group B Sr. No 172)
દલપતરામ અને નર્મદાશંકર એ બન્ને આપણા પ્રથમ પિંગળકારો

કવિતામાં વિવિધ છંદો પ્રયોજતાં હોય છે. આવા છંદોની સમજ જે શાસ્ત્ર આપે છે તે શાસ્ત્રને છંદશાસ્ત્ર કહે છે. છંદશાસ્ત્રને ‘પિંગળ’ કે પિંગળશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. છંદશાસ્ત્રના મૂળરચયિતા પિંગળાચાર્ય હતા, એમ પણ કેટલાક વિદ્વાનો માને છે. આપણે ત્યાં ‘પિંગળપ્રવેશ’, ‘ગુજરાતી પિંગલ’, ‘રણપિંગળ’, ‘બૃહદ્ પિંગળ’ વગેરે આવા ગ્રંથો છે. ગુજરાતી ભાષામાં લગભગ ૧૮૫૦ સુધીમાં છંદો વિશે ક્યાય વ્યવસ્થિત રીતે વાત થયેલી જોવા મળતી નથી. તેથી એ સમયગાળામાં કવિતા રસિકો અને કવિઓ માટે આ મુઝવણનો મુદ્દો હતો. આ સમસ્યા નર્મદ અને દલપતરામ જેવા સાહિત્યવિદોને સમજાઈ; અને તેમણે સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી વગેરે જેવી ભાષામાં છંદો વિશેની શોધ આરંભી. અને એ રીતે ગુજરાતીમાં છંદો વિશેની સમજ વિકસી. તેથી એમ કહેવાય કે નર્મદ અને દલપતરામે પ્રથમ આપણી ભાષામાં છંદોનો આવિષ્કાર કર્યો. અહીં અભ્યાસ લેખમાં મેં દલપતરામ અને નર્મદાશંકર બંનેના પિંગળગ્રંથોને તુલનાત્મક દૃષ્ટિકોણથી તપાસી આપવા ઉપક્રમ સેવ્યો છે; તે પહેલા આપણે પિંગળ એટલે શું ? એ વિશે આછો-પાતળો ખ્યાલ બાંધી લઈએ.

‘પિંગળ' શબ્દનો સામાન્ય અર્થ ‘છંદશાસ્ત્ર' કરવામાં આવે છે. ગુજરાતી અને હિન્દી ભાષાના શબ્દકોશો આ શબ્દના અર્થ માટે તપાસીએ તો, ગુજરાતી શબ્દકોશ ‘ભગવદ્ગોમંડલ’માં ‘પિંગળ’ શબ્દના ત્રિસેક જેટલા અર્થો પ્રાપ્ત થાય છે, જે પૈકી આ સંદર્ભમાં ત્રણ અર્થ મુખ્ય છે. (૧) એ નામના ઋષિ જેમણે છંદશાસ્ત્ર પર આઠ સૂત્રગ્રંથો લખ્યા છે. (૨) જે શાસ્ત્રને અનુસરીને કવિતામાં છંદોના બંધારણ-ગણ અથવા માત્રા, યતિ, તાલ વગેરે યોજવામાં આવે છે, તે શાસ્ત્ર એટલે છંદશાસ્ત્ર. (૩) પિંગળ નામનો એક છંદવિશેષ જે મંગળવસ્તુ છંદનો એક ભેદ છે અને તે ૮૮ માત્રાનો છે. રણછોડભાઈ ઉ. દવે પિંગળ શબ્દના ત્રણેય વર્ણો પરથી તેનો અર્થ સમજાવે છે. “પિંગળ શબ્દમાં ત્રણ વર્ણો છે. ‘पिं’ એટલે પિંડ અથવા આકાર, ‘ग’ એટલે ગુરુ ‘ल’ એટલે લઘુ. અર્થાત્ જે શાસ્ત્રમાં લઘુ અને ગુરુના બંધારણ દ્વારા છંદોનો પિંડ બંધાય છે, આકાર સ્પષ્ટ થાય છે તેને પિંગલ અથવા પિંગળ પણ કહેવામાં આવે છે.”[૧]

આતો થઈ પિંગળ શબ્દના અર્થ સ્પષ્ટતાની વાત, વિશેષ વાત માંડીએ તો દલપતરામે આપણી ભાષામાં છંદો આણવામાં પ્રથમ પ્રયત્ન આદર્યો, તેમણે ૧૮૫૫ ઓક્ટોબરથી બુદ્ધિપ્રકાશમાં માત્રામેળ છંદો વિશે હપ્તાવાર લખવા માંડ્યું હતું. ‘આ લેખશ્રેણીમાં એક વર્ષ દરમિયાન માત્ર તેમણે ૧૬ માત્રા સુધીના છંદો વિશે માહિતી આપી હતી.’[૨] તે પછી ૧૮૬૦ સુધી બુદ્ધિપ્રકાશમાં છંદો વિશે લેખો પ્રકાશિત કર્યા. અને એ પછી ૧૮૬૨માં આ લેખોનું વ્યવસ્થિત રીતે સંકલન કરી ‘ગુજરાતી પિંગળ' એ નામે પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં દલપતરામે ૩૯ માત્રામેળ છંદો અને ૧૨૪ અક્ષરમેળ છંદોના બંધારણ સહિત વિવિધ ઉદાહરણો મૂકી આપ્યા છે.

એજ સમયગાળા દરમિયાન નર્મદાશંકરે પણ ૧૮૫૭માં ‘પિંગળપ્રવેશ'નું પ્રકાશન કર્યું. ‘ને પ્રસ્તાવનામાં લખ્યું કે: ‘ગુજરાતી ભાષામાં કોઈ પણ કવિએ કોઈ પણ રીતનું પિંગળ બાબતનું પુસ્તક બનાવ્યું નથી.’ આમ, કવિ નર્મદાશંકરે છંદ વિશેનું પહેલું પુસ્તક પ્રકાશિત કર્યું. દલપતરામ બુદ્ધિપ્રકાશ વિશેની લેખમાળા પૂરી કરે તે પહેલા, દોઢ-બે માસની મહેનતથી જ આ લઘુગ્રંથ પૂરો કરી તેમણે તેમના પર સરસાઈ પણ મેળવી. આ પુસ્તકમાં નર્મદાશંકર ૨૫ માત્રામેળ છંદ અને ૭૫ જેટલા અક્ષરમેળ છંદોની લક્ષણ સહિત સમજૂતી આપે છે. બુદ્ધિપ્રકાશના ૧૮૫૭ના જૂન મહિનાના અંકમાં દલપતરામ, નર્મદાશંકરની પ્રશંસા કરતા લખે છે કે: ‘ગુજરાતી ભાષામાં કવિતાને જાણવાનો ગ્રંથ આજ સુધી કોઈએ બનાવેલો નહોતો તે હાલ મુંબઈમાં ભાઈ નર્મદાશંકરે બનાવીને છપાયો છે... એ પુસ્તક બનાવતા તેમને ઘણી મહેનત પડી હશે અને એ વિશેનું પુસ્તક ગુજરાતી ભાષામાં પહેલ વહેલું થયું છે.’[૩]

દલપતરામના ‘ગુજરાતી પિંગળ’ને તેની ૨૨મી આવૃત્તિમાં ‘દલપત પિંગળ’ નામ મળ્યું છે. આ આવૃત્તિમાં કેશવ હર્ષદ ધ્રુવે સુધારીને કેટલાક ફેરફારો કર્યા હતા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ૧૯૨૨ સુધીમાં આ પુસ્તકની ૮૬ હજાર નકલો ફેલાવા પામી છે. એવી જ રીતે નર્મદાશંકરના ‘પિંગળપ્રવેશ’ને પણ કેટલાક સુધારા વધારા સાથે રમેશ મ. શુક્લએ કવિનર્મદ યુગાવર્ત ટ્રસ્ટ સૂરતના સહયોગથી ૧૯૯૯માં ફરીથી સંપાદિત કર્યું.

પિંગળના ગ્રંથો સંસ્કૃતકાળથી પદ્યમાં લખવાની પદ્ધતિ હતી, આ બંને પિંગળકારો તેને અનુસર્યા છે. ‘પિંગળપ્રવેશ’માં નર્મદાશંકરે પદ્યમાં લક્ષણ આપી ગદ્યમાં તેની સમજણ વ્યવસ્થિત રીતે આપી છે, નર્મદ લક્ષણને સમજાવવા પૂરતું જ દૃષ્ટાંત આપે છે અને તેને ટીકામાં સ્પષ્ટ કરી આપે છે, જ્યારે ‘ગુજરાતી પિંગળ’માં દલપતરામ માત્ર ઉદાહરણો આપી અટકી ગયા છે એટલે કે ગદ્યમાં છંદ સમજૂતી આપી નથી.

પિંગળની આવશ્યકતા વિશે દલપતરામ અને નર્મદની વિચારણા...

પિંગળની સમજણ કે એના અભ્યાસ વિના કોઈ કાવ્યનું સર્જન કરે તો ઉત્તમ કવિતા બને કે નહી એવું જે મનાતું હતું તેની સામે પણ દલીલો હતી. દલપતરામે ‘ગુજરાતી પિંગળ’માં આરંભે લખ્યું છે કે:
‘પિંગળપાઠ પઢયા વિના,
કાવ્ય કરે કવિ કોઈ;
વળી વ્યાકરણ વિના વદે,
વાણી વિમળ ન હોય.’ (ગુજરાતી પિંગળ, પૃ. ૫)

પિંગળનું જ્ઞાન મેળવ્યા વિના કોઈ કવિ કાવ્યનું સર્જન કરે તો સારું કાવ્ય બનતું નથી. દલપતરામે આમાં જે કહ્યું છે તે સર્વાંશે સ્વીકારી લેવા જેવું નથી. પરંતુ છંદતત્ત્વની સમજ વિના કે તેની ઉપેક્ષા કરનારને કાવ્યતત્ત્વને પ્રગટ કરે તેવી સુઘડ રચના સુલભ બનતી નથી.

પિંગળની આવશ્યકતા વિશે પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં નર્મદાશંકર નોંધે છે કે: “ગુજરાતી ભાષામાં કોઈ પણ કવિએ પિંગળ બાબતનું પુસ્તક બનાવ્યું નથી; ને હિંદુસ્તાની ભાષાના ગ્રંથો ઉપરથી શીખવાને ઘણું કઠણ પડે છે; ને એમ થવેથી કવિતા તરફ થયલું વલણ પાછું હઠી જાય છે અને તેથકી કાવ્યવિદ્યાનો ઘટાડો થાય છે. આ ઉપર લખેલી અડચણો દુર થવા સારું અને લોકોનો કવિતા પ્રવેશ થવા સારું આ ગ્રંથ મેં મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે બનાવ્યો છે.” આ બને પિંગળકારો એ છંદો વિશે વાત કરતાં પહેલાં ગુજરાતીના વર્ણો, લઘુ-ગુરુ, માત્રા, ચરણ, ગણ વગેરેની સમજ સ્પષ્ટ કરી છે, પરંતુ આ પ્રાથમિક મુદ્દા પર વધુ વાત ન કરતાં આપણે સીધા આ બને પિંગળકારોમાં જોવા મળતા સામ્ય-ભેદો તપાસીએ. દલપતરામ એમના પિંગળમાં ‘લઘુ’ અક્ષર માટેનું ચિહ્ન ‘ | ' ઊભી રેખા, ‘ગુરુ’ અક્ષરનુ ચિહ્ન ‘ઽ’ (સંસ્કૃતના લોપચિહ્ન જેવું) પ્રયોજે છે. જ્યારે નર્મદ ‘લઘુ’ અક્ષર માટે અર્ધચંદ્રાકાર ‘U’ અને ‘ગુરુ’ અક્ષર માટે ‘—’ રેખા દર્શાવે છે.

પિંગળના ક્ષેત્રમાં જેમની મોટી નામના છે, એવા પિંગળશાસ્ત્રીઓએ માત્રામેળ છંદોમાં તાળનુ મહત્ત્વ સ્વીકાર્યું છે. દલપતરામે માત્રામેળ છંદોમાં તાલની સંખ્યા અને સ્થાન દર્શાવ્યા છે. આ બાબતમાં તેઓ સૌપ્રથમ છે. નર્મદે તાલની બાબતનો નિર્દેશ કર્યો નથી.
‘સમપદ ચારે સમપદો,
અર્ધ અર્ધસમ તેહ;
વધે ઘટે તે વિસમસમપદ
ત્રણ છે છંદ તરેહ.'

દલપતરામ આમ પદની દૃષ્ટિએ છંદોના ત્રણ પ્રકારો પાડી આપે છે. ૧. સમપદ ૨. અર્ધસમપદ ૩. વિષમપદ. નર્મદે પણ આ વાત કરી છે.

હરિગીત માત્રામેળ છંદનું બંધારણ આપતાં નર્મદે લખ્યું છે:
‘વિષમ ચરણે ચૌદ કળ ને બાર સમમાં આણવી,
‘ર’ગણ રાખે અંતમાં નિત ગતિ હરિગીત જાણવી.’ પૃ. ૪૭

નર્મદ હરિગીત છંદને અર્ધસમ ગણીને તેના વિસમ પદોમાં (પહેલા- ત્રીજામાં) ૧૪-૧૪ માત્રા અને સમપદો (બીજા-ચોથા)માં ૧૨-૧૨ માત્રા યોજવાનું લખે છે. જ્યારે સમપદોને અંતે ‘રગણ’ લાવવો જોઈએ એમ પણ સ્પષ્ટ કર્યું છે. આમ નર્મદે ૨૬ માત્રાનો હરિગીત પ્રયોજ્યો છે. જ્યારે દલપતરામ આ છંદના દરેક ચરણમાં ૨૮ માત્રા અને ચરણને અંતે ગુરુ વર્ણ પ્રયોજે છે. ૧૬ અથવા ૧૪ માત્રાએ યતિ આવે છે. ઉપરાંત ૩, ૬, ૧૦, ૧૩, ૧૭, ૨૦, ૨૪ અને ૨૭મી માત્રાએ તાળ યોજે છે.

અલક છંદ વિશે દલપતરામે અલક છંદને ‘ચરણાકુળ' સમપદ પરિપૂરણ' કહીને એનું બંધારણ આપ્યું છે. અલક છંદના પ્રત્યેક ચરણમાં ૧૬ માત્રા હોય છે. આ છંદને તેમણે ‘અરિલ્લ’ નામ પણ આપ્યું છે. નર્મદાશંકરે અરિલ (અરીલ) છંદને ૨૧ માત્રાનો છંદ ગણાવી જુદી રીતે સમજાવ્યો છે.

પદ્ધરી છંદનો પ્રયોગ મુખ્યત્વે અપભ્રંશ અને ડિંગળમાં થયો છે, દલપતરામે પદ્ધરી છંદનું બંધારણ આ મુજબ આપ્યું છે. પદ્ધરી ૧૬ માત્રાનો છંદ છે. દરેક ચરણની અંતે ‘જ’ગણ હોવો અનિવાર્ય છે. ૩, ૬, ૧૧ અને ૧૪ માત્રા પર તાળ આવે છે. જ્યારે પદ્ધરી છંદમાં નર્મદે યતિની જરૂર હોય તો દસ માત્રાએ ને ચરણના અંતે યોજવાની વાત કરી છે.

પ્લવંગમ છંદના દરેક ચરણમાં ૨૧ માત્રા આવે છે. ૧૧મી માત્રાએ યતિ યોજાય છે. અને ૧, ૫, ૯, ૧૩ અને ૧૭મી માત્રાએ તાલ હોય છે. અહીં દલપતરામે, “આદિ ગુરુ, ગુરુ અંત પ્લવંગમ ચાલે” એમ લખ્યું છે. એટલે કે ચરણને આરંભે અને અંતે ગુરુ વર્ણ યોજવાનું લખ્યું છે. અને આ છંદના ચાર દૃષ્ટાંતો પણ મૂકે છે. પરંતુ નર્મદે ‘પિંગળપ્રવેશ’માં પ્લવંગમ છંદની નોંધ લીધી નથી, ત્યાં અરીલ છંદનું બંધારણ આપ્યું છે. તે પ્લવંગમને મળતું છે. અરીલ છંદમાં પણ દરેક ચરણમાં ૨૧ માત્ર હોય છે, નર્મદે ૨૧ માત્રાના આ છંદમાં ૧૧ અને ૨૧મી માત્રાએ યતિ આવતો હોવાનું નોંધ્યું છે.

ત્રિભંગી છંદના પ્રત્યેક ચરણમાં ૩૨ માત્રા હોય છે. તેના નામ અનુસાર ત્રણ યતિખંડ હોય પણ ૩૨ માત્રના ચરણમાં ૧૦, ૧૮, ૨૬ અને ૩૨ એમ ચરણાંતે ચાર યતિખંડો હોય છે. નર્મદે એની ટીકામાં ચરણમાં ‘ગણ અંતે આવે, જેમ જેમ ફાવે, સગણ સુહાવે’ એમ લખીને ‘સગણ’ આવે તો વધુ અનુકૂળ રહે એમ લખ્યું છે. નર્મદે ‘યતિ આણવો ‘ને બદલે ‘દમ ખાવો’ જેવો પ્રયોગ કર્યો છે જે દલપતરામ કરતા અસ્પષ્ટ છે.

ચોપાઈ છંદમાં તેના દરેક ચરણમાં પંદર-પંદર માત્રાઓ હોય છે. જેમાં નર્મદ ‘યતિ કંઈ આઠે સાતે જોય' એમ સૂચવે છે. એ મુજબ નર્મદ દરેક ચરણમાં આઠ અને અંતે પંદરમી માત્રા એ યતિ યોજવાની વાત કરે છે. જ્યારે દલપતરામે આઠમી માત્રાએ યોજાતા યતિને સ્વીકાર્યો નથી. આમ ચોપાઈ છંદ વિશે બંનેએ આપેલા લક્ષણો સરખા નથી. નર્મદ પ્રત્યેક ચરણને અંતે જગણ (લગાલ) અથવા તગણ (ગાગાલ) અથવા રગણ (ગાલગા) અથવા સગણ (લલગા) આવે એવી સ્પષ્ટતા કરે છે. ચોપાઈ છંદમાં નર્મદ ચરણને અંતે ગાલ અથવા લગા બંનેની વૈકલ્પિક સ્થિતિ સ્વીકારે છે. જ્યારે દલપતરામ ચોપાઈ છંદના ચરણની અંતે ગાલ જ આવે એમ કહે છે. જે નીચેના ઉદાહરણમાં જોઈ શકાય.
મત્ત ચરણમાં પંદર હોય ||
યતિ કંઈ આડે સાતે જોય ||
જતરસ ગણને અંતે ધરે ||
વૃત્ત ચાલ ચોપાઈ કરે || - પિંગળપ્રવેશ, પૃ. ૪૯

જે કરિ છંદ બરાબર જોય,
અંતે ગુરુ લઘુ અક્ષર હોય;
તે તો છંદ તણું આ ઠામ,
ચતુર કહે ચોપાઈ નામ. - ગુજરાતી પિંગળ, લક્ષણ-૭૪

અહીં લક્ષણફેર છંદના માપ વિશે અસ્પષ્ટતા ઉભી કરે છે. કોનું લક્ષણ સાચું છે એ સમજવા માટે તે બંને સિવાયનો કોઈ આધાર તપાસવો ઘટે.

ચરણાકુલક છંદ, પ્રવેશપિંગળ…
ચરણ ચરણમાં માત્રા સોળે
અંતે બે ગુરુ અક્ષર બોલે
નવમી માત્રા થડકે વારૂ
ચરણાકુલક વૃત્તો બહુ સારું (૫૬)

ચરણાકુલક છંદ, ગુજરાતી પિંગળ...
ચરણ ચરણમાં માત્રા સોળે,
તાળ ધરો ચોપાઈ તોલે;
છે ગુરુ બે જો છેવટ ઠામે,
છંદ નકી ચરણાકુલ નામે. (૭૯)

ચરણાકુલક છંદના લક્ષણ માટે યોજેલી પંક્તિ ‘ચરણ ચરણમાં માત્ર સોળે’ એ પંક્તિ પિંગળપ્રવેશ અને ગુજરાતી પિંગળમાં સમાન છે. પરંતુ તેને આધારે તે એકબીજામાંથી લીધી એમ કહેવું અયોગ્ય છે. નર્મદે માત્રામેળ છંદોમાં તાળનો નિર્દેશ કર્યો છે; દલપતરામે પણ તાલનું તત્ત્વ સાચવ્યું છે. નર્મદ સંગીતનો જાણકાર હતો, તેથી તેનામાં આ પ્રકારની શોધ જોવા મળે છે, પરંતુ માત્રામેળ છંદોમાં તાળ વ્યવસ્થાની સૌ પ્રથમ વ્યવસ્થિત રીતે વાત કરનાર તો દલપતરામ જ કરે છે.

અક્ષરમેળ છંદ વિશે ગુજરાતીમાં સૌ પ્રથમ વાત નર્મદ દ્વારા રજૂ થઈ છે. દલપતરામે તાળનો નિર્દેશ કરવા માટે અક્ષરમેળ છંદમાં અક્ષર ઉપર ઉભી રેખાઓ મૂકી નિર્દેશ કર્યો છે, જ્યારે નર્મદ એવો નિર્દેશ કરતો નથી અહીં તે સંસ્કૃત છંદના ગ્રંથોને અનુસર્યાનું જણાય છે.

અગાઉ નર્મદે માત્રામેળ છંદોમાં પદ્યમાં લક્ષણ આપી તેની ગદ્યમાં સમજૂતી પણ આપી છે પરંતુ અક્ષરમેળ છંદોમાં આ પદ્ધતિને તે છોડી દે છે. નર્મદ અક્ષરમેળ છંદોના કેટલાક ઉદાહરણોમાં યતિનું સ્થાન દર્શાવે છે, તો કેટલાક છંદોમાં તે યતિનું સ્થાન દર્શાવવાનું ચૂક્યો છે, જ્યારે દલપતરામ કોઈ પણ છંદમાં યતિનું સ્થાન દર્શાવતા નથી.

ઉપરાંત ગમક છંદ, વામ છંદ, મધુભાર છંદ, જેકરી, પ્લવંગમ, માલની, હાકલી, પદ્માવતી, લીલાવતી, ઉધોર વગેરે પિંગળપ્રવેશમાં નથી.

નર્મદે અને દલપતરામે બીજા કેટલાક છંદ પ્રયોગો કરી નવા છંદો પણ શોધ્યા છે. દલપતરામે પોતાના નામમાંથી આગળના બે અક્ષરો લઈને ‘દલ’ નામે અક્ષરમેળ છંદ આપ્યો. આ છંદના દરેક ચરણમાં ૧૨ વર્ણો યોજાય છે. અને તેમાં ભ, જ, સ, ય, ગણ આવે છે. નર્મદે પણ નર્મ છંદ શોધી આપ્યો છે, તેમાં ૩૨ અક્ષર હાય છે અને જ,ર,જ,ર,જ,ર,જ,ર,જ,ર,જ,ર અને ચરણાન્તે લગા આવે છે.

આમ, આ બંને પિંગળકારોએ આપણી ગુજરાતી ભાષામાં પ્રથમ છંદનો પાયો નાખ્યો, આ છંદો કેટલાક નવોદિત કવિઓને વરદાનરૂપ સાબિત થયા અને તેમનો કવિતા કરવા તરફ પ્રેમ વધ્યો. અંતે એમ કહીશ કે જુદી જુદી ભાષાના છંદશાસ્ત્રોમાં ગડમથલો કરી આ વિદ્વાનો એ ગુજરાતી ભાષાને અનુકૂળ છંદો શોધી આપ્યા, તે ઘણી મોટી અને પાયાની કામગીરી છે. અહીં કેટલીક વાત ટૂંકાવીને મૂકી છે, જ્યારે કેટલીક બાબતો છૂટી પણ ગઈ હશે. જે ફરી કોઈવાર પૂર્તિ કરીશ. આભાર !

આધાર ગ્રંથો

નર્મદાશંકર, પિંગળપ્રવેશ, ૧૮૫૭
દલપતરામ, ગુજરાતી પિંગળ, ૧૮૬૨

સંદર્ભ

  1. દવે, રણછોડભાઈ, રણપિંગલ ભાગ-૧, ૧૯૦૨, પૃ. ૩
  2. નર્મદાશંકર, મારી હકીકત, ૧૯૯૪, પૃ. ૪૫
  3. દલપતરામ, બુદ્ધિપ્રકાશ, ૧૮૫૭, જૂન, પૃ. ૪

પ્રવીણભાઈ વણકર, શોધછાત્ર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સ. પ. યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર-૩૮૮૧૨૦