Included in the UGC-CARE list (Group B Sr. No 172)
ગાંધીજીનું સાહિત્યિક પ્રદાન

સમસ્ત જગત જેમને ‘મહાત્મા’થી ઓળખે છે, જેમની નીતિથી એક ઈતિહાસ રચાયો અને જેમના ગયાને સાત-સાત દાયકા વીત્યા હોવા છતાં પણ તેમના વિચારો, મુલ્યો કે આદર્શોમાં જરા પણ ઓછપ આવી નથી, તેવા મહાત્મા શ્રી મોહનદાસ કરમચંદ ગાંધીથી કોઈ અજાણ નથી. આપણા ભારતના ‘રાષ્ટ્રપિતા’ ગણાયા અને લોકમુખે ‘બાપુ’ કહેવાયા. તેમજ આપણી ચલણી નોટોમાં જે સ્થાન પામ્યા છે તેવા ગાંધીજી તેમના જીવનને જ તેમનો સંદેશ આપી આદર્શ પૂરો પાડી વિશ્વને એક નવી જ રાહ બતાવી ગયા છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને કોઈ આધ્યાત્મિક પુરુષ કે રાજકારણના આદર્શ તરીકે જુએ છે. અનેક લોકો તો તેમને એક સમાજસુધારક ગણે છે, જયારે કેટલાંક તેમને નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોના રક્ષણકર્તા માને છે. તેઓ Jack of all and master of Satya and Ahinsa હતા, એથી પણ સરળ એવા એક સાહિત્યકાર પણ હતા, જોકે આ વાત તેમના સત્ય-અહિંસાના પુજારી અને મહાત્માની કીર્તિના પ્રભાવની સામે ઝાંખી પડી ગઈ છે. તેનું એક કારણ એ પણ હોય શકે કે તેઓએ સાહિત્યસર્જન તેમની સર્જકતાની અભિવ્યક્તિ માટે નહિ, પણ લોકહિત માટે કર્યું હતું, તળ કક્ષાના લોકો સુધી પહોંચે તે માટે કલમનો આશરો લીધો અને તેમના થકી ફક્ત ગુજરાતી ભાષામાં જ નહિ ભારતની અનેક ભાષાઓમાં તેમનો ‘સાહિત્ય યુગ’ ઉદ્ભવ્યો હતો. અમુક સાહિત્યકારોના સર્જન અને તેમના વિચારના પ્રભાવ થકી તેમના નામનો એક યુગ ઉદ્ભવ્યો હતો, જેમ કે ટાગોરયુગ, નર્મદયુગ, ગોવર્ધનયુગ. જ્યારે ગાંધીજી વ્યવસાયે સાહિત્યકાર ન હતા. તેમ છતાં પણ ફક્ત ગુજરાતી જ નહિ પણ ભારતની અન્ય ભાષાઓના સાહિત્યમાં પણ ‘ગાંધીયુગ’ અસ્તિત્વમાં આવ્યો. કારણ કે ગાંધીજીના આચાર-વિચારનું બળ અતિ વ્યાપક અને ઊંડું હતું. જેથી તત્કાલીન સમાજને મૂળથી અસર જન્માવી જ નહીં, તેને પરિવર્તિત પણ કરી. જેનું પ્રતિબિંબ તે કાળના સાહિત્ય પર પડ્યું હતું. ગુજરાતી સાહિત્યના અંગ્રેજી, ઉર્દુ અને ફારસી ભાષાઓના જાણકાર સાક્ષરોની સંસ્કૃત ભાષાની ઉચ્ચ કોટિની ભાષા સ્તરની કૃતિઓને સ્થાને સામાન્ય પ્રજાને (કોષિયો- કોષ હાંકનાર) પણ સમજી શકે તેવી સાદી-સરળ છતાં અસરકારક સાહિત્ય કૃતિઓનું સર્જન તે ગાંધીયુગનું સાહિત્ય.

કોઈ સામયિક હોય કે તેમણે લખેલ પુસ્તક હોય કે કોઈ લેખ હોય તેમનો લખવાનો મુખ્ય ઉદ્દેશ તો લોકજાગૃતિનો હતો એ તેમના સાહિત્ય સર્જનમાં સ્પષ્ટ જણાય છે. તેઓએ પુસ્તકો ઓછા લખ્યા છે પણ ‘હિન્દ સ્વરાજ’, ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’, ‘દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ’, ‘આરોગ્યની ચાવી’, ‘મંગળ પ્રભાત’ અને ‘અનાસક્તિ યોગ’ સિવાય કોઈને લખેલા પત્રો, વ્યાખ્યાનો, લેખો વગેરે પુસ્તકોમાં સંચિત છે. તે સિવાયનું તેમનું સાહિત્ય સામયિકોમાં પ્રકાશિત થયેલા લેખો છે. તેમના લખાણની સરળ અને સુપાચ્ય શૈલીના કારણે અલ્પશિક્ષિતોથી લઈને શિક્ષિત વાચકોને સ્પર્શી શક્યું છે. તેમનુ મિતભાષીપણું તેમના સાહિત્યસર્જનમાં પણ દેખાય છે, પરંતુ સીધા જ મુખ્ય વાત રજુ કરવાની કળાએ વાચકોને આકર્ષ્યા છે અને સમાજમાં નોંધનીય પરિવર્તન આણી શક્યા છે. અત્રે મહાત્મા ગાંધીજીના સાહિત્યસર્જન અને તેમના ફાળા વિશે ચર્ચા કરવાનો આશય રહેલો છે, જેમાં કેટલાંક તેમના પુસ્તકો છે જયારે કેટલાંક તેમના પત્રો, વ્યાખ્યાનો અને લેખોનું સંપાદન છે:

 1. સત્યના પ્રયોગો (આત્મકથા)
 2. હિન્દ સ્વરાજ
 3. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
 4. મંગલપ્રભાત
 5. આરોગ્યની ચાવી
 6. સ્ત્રીઓ અને સ્ત્રી જીવનની સમસ્યાઓ
 7. દિલ્હી ડાયરી
 8. સત્યવીરની આત્મકથા
 9. અનાસક્તિ યોગ
 10. રચનાત્મક કાર્યક્રમ - તેનું રહસ્ય અને સ્થાન
 11. પત્રો, સામાયિકોમાં લખાતા લેખો અને પ્રવચનો વગેરે

ઉપરોક્ત દર્શાવ્યાનુસાર તેમની પ્રત્યેક સર્જનકૃતિનો પરિચય મેળવીએ. સર્વપ્રથમ જે કૃતિ થકી તેઓ સાહિત્યજગતમાં વિશિષ્ટ સ્થાન પામ્યા તે એટલે કે તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’થી તેમના સાહિત્ય સર્જનની સફરનો શુભારંભ કરીએ.

સત્યના પ્રયોગો (આત્મકથા) :

ગાંધીજીના સર્જન સાહિત્યમાં અન્ય કોઈ કૃતિને ધ્યાનમાં ન લીએ તો પણ આ એક જ કૃતિ સક્ષમ છે તેમને સાહિત્ય જગતમાં ઉંચેરુ સ્થાન અપાવવા માટે. તેમની આ આત્મકથા ફક્ત ગુજરાતી ભાષાનું ગૌરવ જ નહિ પણ વિશ્વની ઉત્તમ આત્મકથા છે, તેના કારણે જ વિશ્વમાં ગુજરાતી ભાષા ‘ગાંધીજીની ભાષા’ તરીકે ઓળખાય છે. ‘સત્યના પ્રયોગો’ એ આત્મકથાનો આદર્શ છે.(1) ગુજરાતી સાહિત્યમાં આ પહેલા પણ જુજ આત્મચરિત્રો રચાયા છે પણ ત્યાં ક્યારેક ‘હું’ તો ક્યારેક સાતત્ય ખુટ્યુ છે. જયારે ગાંધીજીની આ આત્મકથામાં આત્મકેન્દ્રી તો નથી જ પણ તેમાં ‘સત્ય’ને નાયક બનાવવામાં આવ્યું છે, જેથી તે ફક્ત ગુજરાતી ભાષાની જ ન રહેતા વિશ્વની અનેક ભાષામાં અનુવાદ પામીને આદર્શ પૂરો પાડે છે. આ આત્મકથામાં ગાંધીજીએ તેમના જન્મથી લઈને ૧૯૨૦ સુધીના આયુકાળ દરમ્યાનનો જીવન વૃતાંત અને તેમાં કરેલા સત્યના પ્રયોગો આ કૃતિના મુખ્ય પાંચ ભાગના તેંતાલીશ પ્રકરણોમાં આલેખ્યા છે. જે પ્રથમ તો સાપ્તાહિક ‘નવજીવન’ સામયિકમાં 1925ની 29મી નવેમ્બરના અંકથી હપ્તાવાર પ્રસિદ્ધ થવા લાગી હતી અને ત્યારબાદ 1927માં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ.(2) પણ યોગ્ય સંપાદનની ક્ષતિનાં કારણે નાનામોટા પ્રકરણો અને શીર્ષક અપૂરતા રહ્યા છે. તેના પાંચ પ્રકરણોમાં જીવનના અનેક પાસાઓને પ્રગટાવ્યા છે. મહત્વની વાત તો એક કે ગાંધીજીએ સમગ્ર આત્મકથામાં જુજ સ્થાને જ સમયકાળ દર્શાવ્યો છે, તેમ છતાં સાતત્ય જળવાયું છે. તેમના જીવન અને કાર્ય એટલાં પારદર્શક હતાં કે તેમની ભાષા પણ એટલી જ સરળ અને નિર્મળ રહી છે. જન્મ અને બચપણની વાતો કહેતાં બે પ્રકરણો અન્ય કોઈના જીવનની આત્મકથા સમી જ લાગે પણ ત્યારબાદ ગાંધીજીના જીવનની ઘટનાઓનો ચિતાર અને એ બનાવોને સમજવાની આંતરદ્રષ્ટિ, તેમાં તેમની ભૂમિકા અને આ તમામ નિષ્કર્ષની વિગતો જગતના કોઈ પણ સામાન્ય કે વિશિષ્ટ વ્યક્તિની જીવની અને સર્જનશૈલીથી જુદી તરી આવે છે.

ગાંધીજીની આત્મકથાના પાંચેપાંચ ભાગમાં એક તંતુ આરંભથી સમાપન સુધી જળવાય રહે છે અને તે છે બાહ્યાડંબર રહિત શબ્દવિન્યાસ, નાની અને સરળ વાક્યરચના અને વિચારોની સુસ્પષ્ટતા. તેઓએ મોહન કે મોનિયા તરીકે કરેલી પિતાની સેવા અને માતૃભક્તિની વાત આલેખી છે, તે જ સહજતાથી તે માંસાહાર અને ચોરીની વાત પણ આલેખી છે. આત્મકથાના લેખન વખતે સર્જક ધારે તો કેટલીક બાબતોને છુપાવી શકે પણ આ સત્યશોધક મોહન પોતાની એક પણ ત્રુટિને ઢાંક્યા વિના બધું જ એટલી જ સહજતાથી લખે જેટલી સહજતાથી અન્ય બાબતો આલેખી છે.

હિન્દ સ્વરાજ :

ગાંધીજીનું ‘હિન્દ સ્વરાજ’ તેમની આત્મકથાની હરોળમાં મૂકી શકાય તેવું દીર્ઘજીવી પુસ્તક છે. 1909ની સાલમાં, લંડનથી પરત ફરી રહ્યા હતા ત્યારે કિલડોનિયન જહાજમાં આ પુસ્તક લખાયું છે, લખતા તેમનો જમણો હાથ થાક્યો ત્યારે ડાબા હાથે લખ્યું. દક્ષિણ આફ્રિકાથી પ્રગટ થતા ‘ઇન્ડિયન ઓપીનિયન’ માં મૂળ ગુજરાતીમાં લેખ સ્વરૂપે લખાયેલ અને બાદમાં પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થતાં જ બ્રિટિશ સરકારે તેની પર પ્રતિબંધ મુક્યો હતો.(૩) આ પુસ્તકને માત્ર હિન્દના જ નહીં, સમસ્ત વિશ્વના સમુચિત વિકાસ તથા માનવ માત્રના જીવનને યોગ્ય માર્ગે લઇ જનાર એક પથદર્શક ગણી શકાય. 1909માં લખાયેલ ‘હિન્દ સ્વરાજ’ ને 1921માં ગાંધીજીએ ખુદે ‘જીવનના સંપૂર્ણ સિદ્ધાંત’ તરીકે ઓળખાવેલ. તેમજ 1938માં તેમણે કહેલું, “મને તે વખતે લખેલ મારા લખાણમાં દર્શાવેલ વિચારોમાં ફેરફાર કરવાને સારુ એક પણ કારણ જડતું નથી.” પ્રસ્તુત પુસ્તકમાં તે વખતના પ્રચલિત અને સ્વીકાર્ય ગણાતા દરેક રાજકીય અને આર્થિક સિદ્ધાંતોને પડકાર ફેંક્યો છે, જે આજે પણ તેમના એ વિચારોને ભાગ્યે જ કોઈ પડકારી શક્યું છે. એટલું જ નહીં નૈતિકતા, આધુનિકતા, શોષણમુક્ત સમાજરચના વગેરે સૂત્રોચ્ચાર સાથે આજે અનેક દેશોમાં વિવિધ રાજકીય અને આર્થિક ચળવળો ચાલી રહી છે, જે સૌને ‘હિન્દ સ્વરાજ’ માં ગાંધી ચિંધ્યામાર્ગે જાણ્યે અજાણ્યે ચલાવે છે. આ સાબિત કરે છે કે જે સાહિત્ય સમય, કાળ અને સ્થળને અતિક્રમીને દીર્ઘાયુ બને તે લેખકના અનુભવથી મળેલ જીવનનો પરિપાક હોય છે. જોકે તેના ગ્રામસ્વરાજના વિચારો અત્યારના સમય મુજબ ચાલી શકે તેમ નથી, પણ અલ્પ વિકસિત અને વિકાસશીલ દેશો માટે તેમની પરંપરાને અનુસંધાન જાળવવું હિતાવહ છે. તેઓ રસ્કિનને અનુસરતા હોવાથી સ્પષ્ટ કહેતા હતા કે ‘વકીલ અને વાળંદનો પગાર સરખો હોવો જોઈએ’ આ તેમની આવકની સમાન વહેંચણીનો ભાવ આજે પણ એટલો જ ઉપયોગી પુરવાર થાય છે. અહીં ગાંધીજીનું ક્રાંતિકારી તત્વજ્ઞાન બળકટ શૈલીમાં પ્રગટ થયેલ સ્પષ્ટ જોઈ શકાય છે. ગાંધીજીનાં હિન્દ સ્વરાજનું અર્થશાસ્ત્ર માનવ- અર્થશાસ્ત્ર છે. તેઓએ 1945માં જવાહરલાલ નહેરુને પત્રમાં લખ્યું હતું ‘1909માં હિન્દ સ્વરાજમાં જે કઈ લખ્યું છે તેની સત્યતાન પુષ્ટિ સ્વાનુભવથી થઈ છે’ તેમની આ વાત જ ‘હિન્દ સ્વરાજ’ની પ્રમાણભુતતા પ્રદર્શિત કરે છે. આ પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદ સ્વરૂપે આલેખાયેલું છે.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ :

ગાંધીજીના સાહિત્ય સર્જનમાં તેમની આત્મકથા પહેલા પણ 1923થી આરંભીને 1925 સુધીમાં લખાયેલ અને નવજીવનમાં પ્રકરણવાર છપાયેલ. આ પુસ્તક તેનું અનેરું સ્થાન ધરાવે છે, તેનું એક કારણ એ કહી શકાય કે આ પુસ્તકમાં તેઓએ દક્ષિણ આફ્રિકામાં કરેલ સત્યાગ્રહને આલેખ્યો છે. જ્યાંથી વિશ્વને મોહનદાસ ગાંધીમાંથી મહાત્મા ગાંધીજી મળ્યા છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડ્યો એનું અહીં તટસ્થ નિરૂપણ છે.(4) આ પુસ્તકમાં તેમના દક્ષિણ આફ્રિકાના અનુભવો, પ્રસંગો અને સંઘર્ષ સામેની લડાઈનું આલેખન ફક્ત નોંધ તરીકે નહિ પરંતુ પાત્રો, ઘટનાઓ, સંવાદો, ટીકા-ટીપ્પણીઓને ત્યાંના ભૂગોળ સાથે રસિક અને રોચક આલેખન થયેલું છે. તેમની આત્મકથાની માફક મૂળ ગુજરાતીમાં લખાયેલ આ પુસ્તક ઈતિહાસ અને સાહિત્યની દ્રષ્ટિએ મહત્વનું ગણવામાં આવે છે. તેનું એક કારણ એ પણ છે કે ભારતીય સ્વતંત્રતાના આંદોલનના બીજ અહીં રોપાયા હતા અને આફ્રિકામાં ભારતીયો સાથે થતા દુરાચારોને દુર કરવા હેતુ કરેલા પુરુષાર્થનું આ પુસ્તકમાં સવિસ્તાર નિરૂપણ થયેલું છે. જેના દ્વારા ગાંધીજીએ તેમનો સત્યાગ્રહનો સિધ્ધાંત સમજાવીને લોકોમાં વહેતો કર્યો છે. એટલે જ આફ્રિકાએ કહ્યું છે કે ‘તમે અમને મોહનદાસ આપ્યા હતા અને અમે તમને મહાત્મા પરત કર્યા’. આ પુસ્તકમાં વિષય નિરૂપણની સાથે અન્ય ઘટકોની પણ નવીનતા દાખવતું ગાંધીજી તેમજ ગુજરાતી નિબંધાત્મક સાહિત્યનો એક અનોખો ગ્રંથ બને છે.(5) તેમના રેખાચિત્રો, સ્થળ વારના કે પ્રસંગનું તાદૃશ વર્ણન વાચકને પ્રત્યક્ષતા બક્ષે છે.

મંગલ પ્રભાત :

ગાંધીજી યરવડા જેલમાં રહીને આશ્રમવાસીઓ માટે પ્રાર્થના પછી દર મંગળવારે પ્રજાના આધ્યાત્મિક વિકાસ માટે ભાષણ આપતા. આ ભાષણો પ્રાર્થના અને મંગલભાવના માટે વકતવ્ય અપાયેલા લખાણોનો સંચય છે. સાબરમતી આશ્રમવાસીઓના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા છે એમ વિચારીને ગાંધીજીએ દર મંગળવારે પ્રાર્થના બાદ એક પ્રવચન લખી મોકલવાનું શરૂ કર્યું. એ પ્રવચનસંગ્રહ તે આ ‘મંગલપ્રભાત’. 22 જુલાઈ 1930થી શરૂ થયેલ એ પ્રેરણાદાયી પ્રવચનો 14 ઓક્ટોબર 1930ના સમાપ્ત થયાં. (6) મુખ્યત્વે અગિયાર વ્રતોની વાત એક વત્સલ પિતા તેના સંતાનોને કહે તેવી શૈલીથી લખાયેલ છે. તેમાં આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં સુત્રોનું સાદગીપૂર્ણ શૈલીમાં આલેખન કર્યું છે. આ પુસ્તક તેમના જેલવાસ દરમ્યાન કરેલા સમયના સદુપયોગ અને તેમના આધ્યાત્મિક વિચારોનો સક્ષાત્કાર કરાવે છે.

આરોગ્યની ચાવી :

ગાંધીજીએ આઝાદીની લડતના 1942-44ના જેલવાસ દરમિયાન આરોગ્ય વિશે સામાન્યજ્ઞાન હેતુ આ પુસ્તકના પ્રકરણો લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિના હેતુથી લખ્યા હતા. ગાંધીજીને મન આરોગ્ય એક યોગ-સાધના જ હતી. રોજના તેમના અનુભવનો નીચોડ સ્વરૂપે લખતા જતા અને સમય મળ્યે નજર ફેરવતા, તેમને મન શરીર કે આરોગ્ય ભોગ કે ઇન્દ્રિયારામની વસ્તુ ન હતી પણ માનવજીવનની સફળતાનું ઈશ્વરે બક્ષેલું સર્વોત્તમ સાધન હતું.(7) મૂળ ગુજરાતીમાં લખ્યું હતું પણ જેલવાસ દરમિયાન જે તેનું હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ જોઈ શક્યા હતા. જોકે આ લખાણ પુસ્તક સ્વરૂપે તો તેમના ગયા પછી 1948માં જ આવ્યું હતું.

સ્ત્રીઓ અને સ્ત્રી જીવનની સમસ્યાઓ :

ભારતની સ્ત્રીઓ અને તેમના જીવનની સમસ્યાઓ વિશે ગાંધીજીના લખેલ લેખો આ પુસ્તકમાં સંપાદિત થયા છે. સામાન્ય રીતે સ્ત્રીજીવનની સમસ્યાઓને સ્પર્શતા અત્યંત સંવેદનશીલ અને અંગત કહી શકાય તેવા કેટલાંક મુદ્દાઓની ચર્ચા ગાંધીજીએ લેખો/ પત્રો/ ડાયરીની નોંધોમાં કરી હતી, તેમનો સંગ્રહ આ પુસ્તકમાં થયો છે. આ પુસ્તકમાં સ્ત્રી જીવનને લગતી સમસ્યાઓ ત્રીસથી પાંત્રીસ મુદ્દામાં આલેખી જેમાં તેમની ભાષાપ્રયોજન શૈલી, સ્ત્રીઓને સ્પર્શતા વિવિધ વિષયો પરની જાણકારી અને તેને સંયમિત સ્વરૂપે સાદર રજૂ કરવાની તેમની અભિક્ષમતાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે.

દિલ્હી ડાયરી :

ગાંધીજી દ્વારા લોકકલ્યાણ હેતુએ ‘હિન્દુસ્તાની’ માં પ્રકાશિત થયેલા 139 પ્રાર્થના પ્રવચનોનું ગુજરાતી અનુવાદ અહીં ગ્રંથસ્થ થયેલા છે. ગાંધીજીના જીવનનો અંતિમકાળ આઝાદી મળ્યા પછીની દેશની કરુણ અને હિંસાત્મક પરિસ્થિતમાં વીત્યો. તે દરમિયાન તેઓ લોકકલ્યાણ હેતુ પ્રજાજનો શાંતિ અને સંયમ જાળવી રાખે તે માટે જે વ્યાખ્યાનો આપ્યા હતા તે આ અનુવાદિત ગ્રંથ ‘દિલ્હી ડાયરી’ નામથી સંપાદિત થયેલ છે. નોંધનીય એ કે આ ગ્રંથ મૂળ ગુજરાતી ભાષામાં ન હોવા છતાં પણ તેનું છાયાનુવાદ ગાંધીજી અને તત્કાલીન ભારતની પરિસ્થિતિથી વાકેફ કરાવે છે તેમજ ગાંધી સાહિત્યનો પરિચય આપે છે.

સત્યવીરની આત્મકથા :

ગાંધીજીએ ‘ઇન્ડીયન ઓપીનીયન’ માં ગ્રીક વિચારક સોક્રેટીસની જીવનકથા ‘એક સત્યવીરની આત્મકથા’ શીર્ષકથી સંક્ષિપ્ત સ્વરૂપે લખી હતી. તત્વચિંતક સોક્રેટીસથી પ્રભાવિત થયેલા ગાંધીજીના હૃદયમાં તેમના શબ્દો અને વિચારોની ઊંડી અસર પડી હતી. તેમની નીતિથી સમાજધર્મી બનવાની ઈચ્છાને ગાંધીજીએ આચરણમાં મુકીને તેમને અનુસર્યા હતા. જે તેમની જીવનશૈલી, સમર્પણભાવ અને મૃત્યુમાં પણ દેખાય આવે છે. આ સર્જનકૃતિ તેમની પ્રારંભિક સર્જકતાના દર્શન કરાવે છે. વિભૂતિવંદના વિષયક આ પુસ્તક તેમના સત્યની માફક સાદી અને સરળ શૈલીમાં હોવાથી ગુજરાતી સાહિત્યમાં પોતાનું સ્થાન મેળવી શક્યું છે.

પત્રકારત્વ અને અન્ય સંપાદનો :

સાહિત્યકાર તરીકે ગાંધીજીનું વ્યક્તિત્વ બહુમુખી પ્રતિભાવાન રહ્યું છે. તેઓએ આત્મકથા લેખન, નિબંધ લેખન, અનુવાદ, તત્વચિંતનની સાથે પત્રકરત્વમાં પણ નોંધનીય ફાળો આપેલો છે. પત્રકારત્વના ખેડાણ દ્વારા તેઓએ જૂની માન્યતાઓ તોડીને આંદોલિત ધોરણે પત્રકારત્વને એક ચોક્કસ વેગ પ્રદાન કર્યો. તેઓએ સામાન્ય જનજીવનને સ્પર્શતા પ્રત્યેક વિષયો સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક, વ્યવહારિક બાબતોના મુદ્દાને ઉજાગર કરીને તેમની પત્રકારીતાના દર્શન કરાવ્યા તેમજ પત્રકારત્વને એક રાહ બતાવી છે. તેનો આરંભ સૌપ્રથમ આફ્રિકામાં 1903થી 1915ના સમય ગાળામાં ‘ઇન્ડિયન ઓપીનીયન’થી કરી હિન્દુઓનાં સ્વમાનના રક્ષક બન્યા. આ સાપ્તાહિક દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી અને ઈંગ્લીશમાં પ્રકાશિત થતું, ત્યારબાદ થોડા સમય પુરતું તમિલ અને હિન્દીમાં પણ પ્રગટ્યું. ‘યંગ ઇન્ડિયા’ ભારતમાં 1919થી 1931 સુધી પ્રગટ થતું, જે ગુજરાતીમાં ‘નવજીવન’ નામથી પ્રકાશિત થતું અને ‘હરિજન’ 1933-1942 અને 1946-1948 દરમ્યાન પ્રગટ થતું જેના લેખો ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ પ્રકાશિત થતા હતા. આ બધા સામયિકોને ગાંધીજી ‘વ્યૂઝ પેપર’ થી ઓળખાવતા હતા. કારણ કે એ બધા તેમની રાજકીય અને સામાજિક ચળવળો લોકો સુધી પહોંચાડવાનાં માધ્યમો હતાં, જેમાં એ મુદ્દાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક ચર્ચાતા અને જે પ્રશ્નો માટે તાત્કાલિક પગલાં લેવાના હોય તેને સહાયરૂપ થતા. તેમણે એ સામયિકોનો ઉપયોગ લોકકેળવણી અને પ્રજા જાગૃતિ માટે કર્યો.(8) આટલી વ્યસ્તતા છતાં અને તેમજ રાજકીય ગૂંચવણોમાં અટવાયેલા રહેવા છતાં એ સાપ્તાહિકોમાં નિયમિત રીતે લખવાનું ચાલુ રાખેલું. તેઓએ ‘હરિજન’, ‘હરિજનસેવક’ અને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ કર્યું હતું. તેમના પત્રકારત્વની અને પત્ર લેખનની એક વિશેષતા એ રહી કે તેઓ ઔપચારિકતા દાખવી સીધા જ વિષય પર આવતા, મુખ્ય મુદ્દો રજુ કરીને વિનમ્રતાથી પુર્ણાહુતી લાવતા જે વધુ અસરકારક રહી છે.

અત્રે મારી વિષય મર્યાદાનાં કારણવશ માત્ર નામોલ્લેખ કરી તેમના સર્જન સાહિત્યનો ચિતાર આપી સંતોષ માનું છું. તેમના ગ્રંથોમાં ‘અહિંસા’, ‘અસહકાર’, ‘ધર્મ યુદ્ધનું રહસ્ય’, ‘ગીતાબોધ’, ‘ધર્મ મંથન’, ‘નીતિધર્મ’, ગામડાની વહારે’, ‘રચનાત્મક કાર્યક્રમ’, ‘અસ્પૃશ્યતા નિવારણ’, ‘ધર્મ સંસ્થાપન’, ‘હિંદુ આચાર’, ‘હિન્દુધર્મની કસોટી’, ‘આખરી ફેંસલો’, ‘ગાંધી-વાઈસરોય પત્રવ્યવહાર’, ‘સો ટકા સ્વદેશી’, ‘ગાંધીવિચાર દોહન’, ‘અંગત વિચાર’, ‘ગાંધી ગિરામૃત’ તદોપરાંત ‘મારા જેલના અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ’ (૧૯૨૫), ‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’(૧૯૩૦), ‘અનાસકિતયોગ’(૧૯૩૦), ‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭), ‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮), ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮) વગેરે એમના અનેક પુસ્તકો, એમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનાં પ્રયાસો થયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ પરિચય સમાયેલો છે. જયારે ‘પાયાની કેળવણી’ (૧૯૫૦), ‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશનો થયા છે.

ગાંધીજીના સાહિત્યના પ્રમુખ લક્ષણો :

 1. તેઓનું સર્જન મુખ્યત્વે નિબંધાત્મક શૈલીનું રહ્યુ છે અને તે પણ સૂત્રાત્મક શૈલી સહ અને યથાયોગ્ય શબ્દ વિનિયોગ તેમનું જમા પાસું છે.
 2. તેઓએ સર્જન લોકો સુધી પહોંચાડવાના આશયથી ખેડયું હોવાથી સામાન્ય માણસ પણ સમજી શકે તેવી સરળ બોલીમાં છે, પણ તેમાં લોકબોલીનાં અસંખ્ય રૂઢીપ્રયોગો, કહેવતો, દ્રષ્ટાંતો, લોકોક્તિઓ અને સમાસોનો વિનિયોગ હોવાથી લોકોને પોતીકાપણું લાગે છે.
 3. બિનજરૂરી શબ્દ વિનીયોગનું આડંબરથી દુર રહીને તેઓ યોગ્ય શબ્દપ્રયોગ દ્વારા લક્ષ્યસિદ્ધ કરે છે.
 4. તેમની આગવી ગદ્યશૈલીનું મુખ્ય આકર્ષણ મિતાક્ષારી અને લાઘવતા છે, જેના દ્વારા તેઓ ગાગરમાં સાગર ભર્યાનું કાર્ય કરે છે.
 5. તેમના ગહન વિષયોનું સરળ આકલન, વિષય વૈવિધ્ય, નાનીમોટી બાબતોનું યોગ્ય નિરૂપણ અને સરળ અને પ્રાસાદિક શૈલીમાં વર્ણન એ તેમની ખાસ વિશિષ્ટતા રહી છે.
 6. તેઓને ક્યારે પણ સાહિત્યિક પ્રતિભા બનવાની લોલુપતા ન હતી છતાં પણ દેશના સાહિત્ય યુગના સ્વામી બન્યા તે તેમના સરળ અને સહજ લેખનની ક્ષમતા નિર્દિષ્ટ કરે છે.

સમાપન :

સાહિત્ય સર્જન ગાંધીજીને મન એક સાધન હતું, જેનું સાધ્ય તો લોકોમાં વૈચારિક અને અમલીકરણની ક્રાંતિ હતી જે માટે તેઓએ આ સાધનનો યથાયોગ્ય રીતે ઉત્તમ ઉપયોગ કર્યો. જોકે એક વાત અહીં નોંધવી યોગ્ય ગણાશે કે 1920માં ગુજરાતી સાહિત્ય પ્રમુખની ચુંટણી લડ્યા હતા અને હરગોવિંદ કાંટવાળા સામે પરાજય પણ પામ્યા હતા, જેનું તેમને દુખ તો થયું જ હતું પણ તે સમયે રમણભાઈ નીલકંઠે તેઓ સહોત્યકાર ન હોવાથી વિરોધ પણ કર્યો હતો. જોકે 1936માં મહત્મા બન્યા બાદ અમદાવાદ ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના બારમાં અધિવેશનના અધ્યક્ષ પણ ગાંધીજી રહ્યા હતા. જેનો સાહિત્યકાર ન હોવા તરીકે વિરોધ થયેલો અને એ અધ્યક્ષપદની ચુંટણી હારનાર એજ મોહનદાસ કરમચંદ ગાંધીની આત્મકથા સમગ્ર વિશ્વ માટે આદર્શ આત્મકથા કૃતિનું સ્થાન ધરાવે છે. તે કારણે તેમની માતૃભાષા ગુજરાતી ભાષા સમગ્ર વિશ્વમાં ‘ગાંધીગિરા’ નામથી ઓળખાય છે. ગાંધીજીને એક સાહિત્યકાર તરીકે મૂલવવા માટે તેમના વિચારોને અમલમાં મૂકવા કરેલ કાર્યોને સમજવા પડે. કોઈપણ પ્રકારનાં લેખન પાછળનો તેમનો હેતુ પોતાના જીવન કાર્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો જ રહ્યો હોવાથી આટલાં બહોળાં પ્રમાણમાં પણ આવશ્યક લખાણ જ તેમણે કર્યું છે. જે કોઈ ગાંધી લિખિત સાહિત્યનો અભ્યાસ કરશે તે અવશ્ય સહમત થશે કે તેમના એવા જ સાહિત્યપ્રકાર કે જેમાં કોઈ સાહિત્યિક અલંકારો, શોભાયુક્ત શબ્દભંડોળની ભીડભાડ કે અતિશયોક્તિથી ભારેખમ બનેલ લખાણની ગેરહાજરી હોવા છતાં પણ કદાચ એ લોકપ્રિયતાના શિખરો સર કરીને તેમનું સાહિત્યયુગ અસ્તિત્વમાં આવ્યું.

સંદર્ભ :

 1. ‘ગુજરાતીના ગૌરવ ગ્રંથો’, ડૉ. બહેચરભાઈ પટેલ, ગુજ. યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, પ્રથમ આવૃત્તિ-૨૦૧૮, પૃષ્ઠ ક્રમાંક: ૬૪.
 2. ‘ગાંધીજીની જીવનયાત્રા- એમના જ શબ્દોમાં’, સં. મહેન્દ્રભાઈ મેઘાણી, લોકમિલાપ ટ્રસ્ટ, પ્રથમ આવૃત્તિ- 2009, પૃષ્ઠ ક્રમાંક- 6.
 3. ગુજરાતી સાહિત્ય અકાદમીની માસિકી બેઠકમાં − ‘ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણી’ - નામક અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય; 06 ઑક્ટોબર 2018
 4. http://gujaratisahityaparishad.com/savishesh-Mahatma-Gandhiji.html
 5. ‘ગાંધીયુગીન ગુજરાતી કવિતામાં સત્યાગ્રહ અને અહિંસાનું નિરૂપણ : પ્રકરણ-૩, ડૉ. મસરીભાઈ સોલંકી, મહાશોધનિબંધ-2002, પૃષ્ઠ ક્રમાંક: 41.
 6. ગુજરાતી સાહિત્ય અકાદમીની માસિકી બેઠકમાં − ‘ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણી’ - નામક અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય; 06 ઑક્ટોબર 2018
 7. ‘આરોગ્યની ચાવી’, મોહનદાસ ગાંધી, આવૃત્તિ 1948, (પ્રકા.નું નિવેદન)
 8. ગુજરાતી સાહિત્ય અકાદમીની માસિકી બેઠકમાં − ‘ગાંધી સાર્ધશતાબ્દી ઉજવણી’ - નામક અવસરે રજૂ કરાયેલું વક્તવ્ય; 06 ઑક્ટોબર 2018


ટાંક સાધના આર. 9428074307, sadhnachandegra2012@gmail.com