Included in the UGC-CARE list (Group B Sr. No 172)
‘વિદિશા’ લલિત અને પ્રવાસ નિબંધોનો અનોખો સંગમ

મહીપતરામ નીલકંઠ દ્વારા રચાયેલ ગુજરાતી સાહિત્યના પ્રથમ શિષ્ટ પ્રવાસ નિબંધ ‘ઇંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન’(૧૮૬૨)થી શરૂ થયેલ પ્રવાસનિબંધની પરંપરા પંડિતયુગના સુધારાવાદી દીર્ઘદ્રષ્ટા અભિગમો પામીઅને ત્યાર બાદ ગાંધીયુગીન સર્જકો વચ્ચે પોષણ પામી.આ દરમિયાન કાકાસાહેબ કાલેલકર અને સુંદરમ્ જેવા સર્જકો દ્વારા લલિત પ્રવાસ નિબંધ શૈલીનો વિકાસ જોવા મળ્યો. આ પ્રકારના નિબંધ પ્રવાસ નિબંધની ચિત્રાત્મકતા ઉપરાંત સર્જકના આગવા ચિંતનનો પાશ પામી ભાવકને સૌંદર્યરસની સાથે-સાથે જ્ઞાનરસનું પાન કરાવે છે.

ભોળાભાઈ પટેલ રચિત ‘વિદિશા’એ આધુનિકગુજરાતી સાહિત્યની લલિત અને પ્રવાસ નિબંધની લાક્ષણિકતા ધરાવતી કૃતિ છે. ‘વિદિશા’એ કુલ ૧૧ નિબંધોનો સંકલન ધરાવતો સંપૂટ છે. તેમાં અનુક્રમે વિદિશા,ભુવનેશ્વર, માંડુ, ઇમ્ફાલ, જેસલમેર, ચિલિકા, બ્રહ્મા, ખજુરાહો, કાશી અને રામેશ્વરમ્ એ લલિત પ્રવાસનિબંધો અને અગિયારમા નિબંધ સ્વરૂપે તેષાં દિક્ષુ લલિત નિબંધનો સમાવેશ થાય છે. આ પૈકી ચિલિકા એ સંસ્કૃતિ સામાયિકમાં અને કાશી તેમજ તેષાં દિક્ષુ સિવાયના બાકીના આઠ નિબંધો સાહિત્યત્રૈમાસિકમાં પ્રગટ થયેલા છે. ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતા આ નિબંધો રચવા માટે ભોળાભાઈને સાહિત્ય સામયિકના તંત્રી નિરંજન ભગત દ્વારા સૂચન થયું હતું.

આ શ્રેણીના પ્રથમ નિબંધ વિદિશા પૂર્વે ભોળાભાઈ માત્ર વિવેચન લેખ લખતા હતા તેથી સર્જનની દ્રષ્ટિએ આ તેમનો પ્રથમ સાહિત્ય નિબંધ હોવાની પુષ્ટિ સ્વયં ભોળાભાઈએ કરી છે.‘વિદિશા’નિબંધની શરૂઆત તેઓ બંગાળી કવિ જીવનાનંદ દાસની પંક્તિ ‘ચુલ તાર કબેકાર અંધકાર વિદિશાર નિશા’થી કરે છે. વિદિશાના અંધકાર વિશેની અનુભવેલી કલ્પનાને તેઓ ભૂતકાળની વિદિશા નગરી સાથે જોડે છે. ત્યારબાદ નગરની વર્તમાન હાલત અને પરિવેશનું વર્ણન આવે છે. વિદિશાની ગુફાઓ જોવા જતા એ રથમાં બેઠ્યાંની કલ્પના કરે છે. ‘મેઘદૂત’ના મેઘની કલ્પના, માલવિકા અને અગ્નિમિત્રના પ્રણય તેમજ સ્વયં કાલિદાસના સાનિધ્યને માણતાં તેઓ વિદિશાનો ભવ્ય ઇતિહાસ નજર સામેથી સડસડાટ વહેતો જુએ છે. વેત્રવતી નદીમાં લગભગ સ્નાન કરી કારખાનાની ચીમની અને કાલિદાસના સમયના પ્રમોદવન વચ્ચે તુલના કરે છે. ત્યાંથી ઉપર જતાં આવતો ઉદયગિરિ તેઓ કાલિદાસ દ્વારા વર્ણવાયેલ નીચૈ: પહાડ તરીકે કલ્પે છે. ત્યાં વિલાસીની પુણ્યાંગનાઓ સાથે રસિકોનો વિચાર કરે છે અને સાથે સાથે ભગ્ન અવશેષોની અને તત્કાલીન શોભાની ઝાંખી કરે છે, ત્યાંથી આગળ જઈ ‘બાબા કા ખંભા’નામે ઓળખાતો ‘ગરુડધ્વજ’જુએ છે અને ઇતિહાસનું ચિંતન કરે છે. ફરીથી એક વખત જીવનાનંદાસની ઉપમાને આજના અંધકાર સાથે સરખાવી ઉદ્વિગ્ન મને ‘વિલાસપુર એક્સપ્રેસ’માં તેઓવિદિશા છોડી જાય છે.

‘ભુવનેશ્વર’માં ભુવનેશ્વર શહેરની મુલાકાતો વર્ણવી છે. જેમાં તેઓ પ્રથમ મુલાકાતમાં માત્ર પ્રસિદ્ધ લિંગરાજ મંદિરના દર્શન કરી મંદિર જોઈ મન તૃપ્ત કરે છે. રસ્તા પરના સરકારી સાઈનબોર્ડ જોઈ ઓડિયા લિપિ શીખવાની પ્રેરણા મેળવે છે. બીજી વખતની મુલાકાતમાં ગોપીનાથ મહંતની મુલાકાત ઉપરાંત નવાં ભુવનેશ્વર અને જુનાં ભુવનેશ્વર વચ્ચેની સરખામણીના સંદર્ભે આધુનિક શહેરો ગાંધીનગર અને ચંદીગઢનું દ્રષ્ટાંત વણી લે છે. ભુવનેશ્વરનો ઇતિહાસ અને વળી ઈતિહાસની નજરે તત્કાલીન ભુવનેશ્વરનું વર્ણન પણ કરે છે. પોતાનું ઓડિયા વિશેનું જ્ઞાન તથા પોતાના પ્રિય રવીન્દ્રનાથનો ઉલ્લેખ કરવાનું તેઓ અહીં ચૂકતા નથી. એ પછી આવે છે ભુવનેશ્વરના વિવિધ મંદિરો, તેમાં કલાકારની રસભાવના,મુક્તતા અને આનંદનું વર્ણન, કુમારસંભવની પાર્વતી અને લિંગરાજની પાર્વતીની તુલના, દક્ષિણનાં મંદિરો, વિવિધ સૂર્યમંદિરો વગેરેના શિલ્પોનો સંદર્ભ,શિલ્પ-સ્થાપત્યનો અભ્યાસુ જ કરી શકે તેવી વિવિધ સરખામણીઓ અને વળી પાછું એનુંય રસદર્શન. તો શાલભંજિકાઓ અને અલસકન્યાઓના ભાંગી ગયેલા મસ્તકના સ્મિતનું કલ્પન વખતે લેખકનો રસિક જીવ અહીં છાનો રહેતો નથી.વળી પાછા વર્તમાનમાં આવીને યુનિવર્સિટી, ધવલગિરિ ખંડગીરીના રસ્તાનું વર્ણન,વરસાદી માહોલ, ઉદયગીરીની ગુફાઓનું વર્ણન, ખારવેલની ગુફા વગેરેનું વર્ણન. ધૌલી-અશોકના હૃદયપરિવર્તન સ્થાન અને ‘દયા’નદીનો સંબંધ, નદીઓના નામ અને ‘દયા’શબ્દનો નિસ્બત, અશોક અને તેના સમયનું વાતાવરણ, હાલનો ખાલીપો અને દૂરની નગર સભ્યતાથી વળી પાછું ઓડિયા સાહિત્ય - ગોપીનાથ મહંતી - તેમના ઘરની મુલાકાત - અને ત્યારબાદ ભુવનેશ્વર છોડતાં પહેલાં સમગ્ર ઘટનાક્રમનું ફ્લેશબેક. અંતે ભુવનેશ્વરથી વિદાય લેતી વેળા વરસાદ બંધ થતા ભુવનેશ્વર પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરતા વર્ણવે છે કે, ‘વરસાદે કૃપા કરી હતી, જોકે હજી સડકો ભીની હતી. હું પણ.....’(પૃ.૩૭)

‘માંડુ’ નિબંધ સમગ્ર માંડુના ઈતિહાસ, ભૂગોળ અને સ્થાપત્યનો સમાવેશ કરતી કૃતિ છે. અહીં બાજઅને રૂપમતીની કથા સાથે સર્જકે પોતાનું બાળપણ વાગોળ્યું છે. ‘રૂપમતી’નવલકથા, અમદાવાદના પ્રેમાભાઈ હોલમાં જોયેલું ‘રૂપમતી’નાટક, ‘રાની રૂપમતી’ફિલ્મ, માંડુ વિષયક દસ્તાવેજી ચિત્ર જોતા લેખકની માંડુ જોવાની તાલાવેલી અને ધાર પ્રદેશના ભૂગોળની સાથે સાથે ઇતિહાસનું સગપણ વગેરે બાબતો આલેખી લેખક માંડુ પહોંચી જાય છે. ગાઇડ દ્વારા દંતકથાઓનું કસોટીની એરણે પૃથ્થકરણ કરતા લેખક જાણે ભાવકના કાનમાં ગાઈડ સાંભળી ન જાય તેની કાળજી રાખી વાત કરતા હોય તેવા લાગે છે.વળી તેની સાથે સાથે પ્રમાણિત ઇતિહાસ પણ છેડતા જાય છે અને રૂપમતીની જીવનકથા અને હાલમાં તેના પર થયેલા સાહિત્યિક કામોની ઝલક આપે છે. તે પછી રેવા કુંડ, અશરફી મહેલ, હોશંગશાહનો મકબરો, હિંડોલા મહેલ, જહાજ મહેલ, મુંજ તળાવ, ચંપા બાવડી જોતા જોતા ઇતિહાસના નજારા કલ્પે છે. પ્રમાણિત ઇતિહાસ આપતી વખતે લેખકનું ઇતિહાસ જ્ઞાન અચરજ પમાડે તેવું છે. બીજા દિવસનું વર્ણન પ્રવાસ વર્ણન તો સહેજ પણ નથી. ભારોભાર લાલિત્ય ધરાવતું આ વર્ણન રોમહર્ષણ છે. ‘દિવસ-રાતની આ સંધિ વેળાએ આ ખંડેરો સંમોહન પાથરતાં જતા હતાં. હમણાં જાણે આ ક્ષુધિત પાષાણોમાંથી એક પ્રેતસૃષ્ટિ વહી આવશે. આ કપૂર તળાવના ભાંગેલા ઓવારા પર, આ બાકોરા જેવા મહેલના ઝરૂખા પર, આ જર્જરિત મહેલને ઓરડે તેની રાત્રિરમણા શરૂ થઇ જશે. કોઈ અવગતિક જીવ પોકાર કરી ઊઠશે...( કોણ સાંભળશે?)’ (પૃ.૫૨) આ ખંડેરોમાંથી બહાર નીકળી એક ઊંડી રઘવાટ ભર્યી પણ ઉદ્વિગ્ન ‘હાશ’ભણી લેખક નિબંધ પૂર્ણ કરે છે.

‘માંડુ’નો અંત, તો ‘ઇમ્ફાલ’ની શરૂઆત લાલિત્યથી થાય છે. લેખક ધુમ્મસ અને સરિતાના વર્ણનમાં નજીકથી જોયેલા પર્વતને ‘હરિતજંઘા’અને સંતાકૂકડી રમતી નદીને ‘જળરેખા’વિશેષણથી નવાજે છે. તેઓ અર્જુનની ભ્રમણવૃત્તિને ‘હોમરના ગ્રીક નાયક ઑડિસિયસની જેમ વ્યાસના અર્જુનને પગેય ભમરો હતો.’(પૃ.૫૪) કહી નવાજે છે. ત્યાર બાદ આવતું વર્ણન એક સામાન્ય પ્રવાસ નિબંધ જેવું છે પરંતુ આગળના વર્ણનનો મોહભંગ થાય ત્યાં સુધીમાં પુનઃ થોડું લલિત વર્ણન આવીને આગળ વાંચવા માટે પ્રેરણા આપી જાય છે. ઈશાન ભારતની ખંબા-થોઇબીની દંતકથાને પામવા માટેના પ્રવાસના વર્ણન બાદ મણિપુર સાહિત્ય અકાદમી દ્વારા ઉજવાતા નાટ્યોત્સવના સાક્ષી બની ત્યાં ભજવાયેલા નાટકોનો રસાસ્વાદ કરાવી લેખક બીજા દિવસની વાત માંડે છે. મણિપુરના પરંપરાગત વસ્ત્ર ' ફનેક' અને ' કુરિત'ની લાક્ષણિકતાઓ તથા કામરૂ પ્રદેશ અંગેની પોતાની માન્યતા અંગેના પુરાવા લેખકની સૂઝ બદલ માન ઉપજાવે છે. લેખકે મણિપુરની વૈષ્ણવ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિમાં તેનો સમાવેશ ન ગણવાનો સ્થાનિકોમાં રંજ અને ત્યાંની આદિવાસી સંસ્કૃતિનું વર્ણન સાહજિક ભાષામાં કર્યું છે. પ્રખ્યાત લક્ષ્મી બજારમાં ખરીદી કરી છેતરાઇને ઇમ્ફાલ વોર સેમિટરીની મુલાકાત લેતા લેખક ત્યાં દફન પામેલાં જવાનોના કુટુંબીજનોના સંદેશો વાંચી ભાવુક થઈ જાય છે. ગોવિંદજીના મંદિરનું વાતાવરણ પણ લેખકે વિવિધ મંદિરો સાથે તુલના કરી વર્ણવ્યું છે. કોહિમા પહોંચવાની જરૂરિયાત અને પ્રવાસ દરમિયાનની અગવડ ભોગવતાં ટ્રકમાં બેસી અંતે તેઓ ઇમ્ફાલનું પાદર વટાવી જાય છે.

‘જેસલમેર’એ રણપ્રદેશનું વર્ણન કરતો અન્ય નિબંધ કરતાં થોડો વધુ ચિંતનાત્મક લાલિત્ય ધરાવતો નિબંધ છે. રેતીને જોતાં ઘણા સર્જકો ચિંતનશીલ બની જતા હોય છે. સ્વાભાવિક રીતે ભોળાભાઈ પણ તેમાંથી બાકાત રહી શક્યા નથી. અહીં પ્રવાસનું લક્ષ્ય ઓછું અને રણપ્રદેશના પરિવેશનું, તે પરિવેશના ચિંતનનું લક્ષ્ય વધુ જોવા મળે છે. ઊંટ, જેસલમેર જતી સડક, મરુભૂમિનું હરણ, મૃગતૃષ્ણા, શાગુણા પક્ષીઓ અને અરેબિયાના શાહજાદાઓની વાત દરેકે દરેક વાતમાં છુપાયેલું છે લાલિત્ય. સામાન્ય માનવીને પણ જે સ્વાભાવિક લાગે તેવી નીરવતાને લેખકે લલિત બનાવી વર્ણવી છે. થોડી દંતકથા અને ઇતિહાસની વાત પછી ફરી પાછા લાલિત્યમય બની લેખક દેરાસર, જૂના મહેલો, નગર રચનાઓ, જ્ઞાનભંડારો, પટવાઓની હવેલીઓનું વર્ણન કરે છે. હવેલીઓ સાથે હવેલીઓની અંદર ભૂતકાળમાં બનતી ઘટનાઓને લેખક પોતાની આંખ સામે જોઈ મારવાડી સંસ્કૃતિની લાક્ષણિકતા વર્ણવે છે. ત્યારબાદ જેસલમેરના દિવાનોનો ઇતિહાસ અને તેમની હવેલીઓના વર્ણન દ્વારા જેસલમેરની પડતી અને અવદશાની કથા આલેખી ચોકમાં ઊભા રહી જેસલમેરનું પરાદર્શન કરે છે. તંદ્રા તૂટતા તેઓ વર્તમાનમાં આવી પડે છે. નિબંધને અંતે તેઓ જેસલમેરનું કલ્પન ઊષર ઉજ્જડ મરુભોમમાં બેસી પડેલ એક વિરાટ ઊંટના રૂપમાં કરે છે.

‘ચિલિકા’ નિબંધમાં ભોળાભાઈ ચિલિકા સરોવરના સ્વરૂપનો સૌંદર્ય આસ્વાદ અલગ-અલગ દૃષ્ટિકોણે કરે છે. ‘કવિતા મહીં પ્રત્યક્ષ પ્રીછયા’પછી અને ‘કલ્પનામાં હુબહુ દીઠા’પછીના તાજમહેલનું દર્શન કરતો ભાવક કરે એ રીતે, ઓડિયા કવિ રાધાનાથ રાયની દ્રષ્ટિએ પ્રથમ વખત અને બુદ્ધ દેવની નજરે બીજી વખત ચિલિકાને નિહાળી લેખક ત્રીજી વખત રૂબરૂ મુલાકાત લે છે ત્યારે તેમના દ્વારા ઝીલાતાં સ્પંદનો નિબંધમાં અનુભવાય છે. ચિલિકાના કાંઠાનો ડાકબંગલો, ચિલિકામાં તરતી અને ગાયબ થતી હોડીના ઉદાહરણ દ્વારા તેઓ આ સરોવરનું સૌંદર્ય વર્ણવે છે. વળતા જતી વખતે તોડી દીધેલ પીપળાનું લાલ પલ્લવ ચિલિકાની યાદગીરી રૂપે સાથે રાખે છે અને એ દ્વારા સૂક્ષ્મ રીતે ચિલિકાના સૌંદર્યને સંગ્રહવાનો પ્રયત્ન કરે છે. નાવમાં બેસી પશ્ચિમે જોયેલા મેઘ અને વળતી વેળા પશ્ચિમ દિશા ખુલી છે એમ જણાવી ભાવકને કલ્પના કરાવે છે-ચિલિકાના અગાધ જળસમૂહની. ચિલિકાના દર્શનથી મત્ત થયેલા પોતે ભીડમાં ભળતી વેળા પણ અળગા રહેવા માંગતા હોવાનો ઈશારો કરે છે. ઉમાશંકર જોશી દ્વારા લખાયેલા પત્રને તેઓ ચોથું અને સ્વાતિબહેન પાસે સાંભળવાનું બાકી હોવા છતાં તેને પાંચમું ચિલિકા કહે છે. છેલ્લે પ્રિયકાંત મણિયાર દ્વારા ઉમાશંકરના કાવ્ય ચિલિકા પર લખાયેલ દર્શન લેખને કયું ચિલિકા કહેવું તે અવઢવ વ્યક્ત કરી દર્શનની અનંતતાને બિરદાવતા નિબંધ પૂર્ણ કરે છે.

‘બ્રહ્મા’ લેખક દ્વારા કરાયેલા ટ્રેકિંગ-હાઈકિંગના વર્ણન હેઠળ કરાયેલ જમ્મુ-કાશ્મીરના સૌંદર્યનો આસ્વાદ છે. સામાન્ય પ્રવાસોની સગવડને બાજુ પર મુકી અગવડો વેઠતાં થયેલ યાત્રા એટલે બ્રહ્મા. અત્યાર સુધી વણખેડાયેલ હોય તેવા ક્ષેત્રો ખેડવા માટે સર્જકની ધૂન અહીં સ્પષ્ટ જણાઇ આવે છે. ગુજરાતી સાહિત્યમાં જમ્મુ-કાશ્મીરના સેંકડો વર્ણનોમાં અગ્રસ્થાને આવતું વર્ણન એટલે ‘બ્રહ્મા’. આટલી નજીક જઈને આ પહેલા કોઈએ તેને જાણ્યું, માણ્યું અને વર્ણવ્યું નથી. આ વર્ણન કરાયું છે ટ્રેકિંગ દરમિયાન પ્રવાસીઓએ વેઠવી પડતી અગવડો,તેમની તાલીમ અને યાત્રા વિશે. આ ઉપરાંત પ્રવાસીની મનોસ્થિતિ અને કરવી પડતી તૈયારીઓ વિશે અહીં સારી જાણકારી છે.તેઓએ રસ્તામાં આવતી નદીઓ અને તેને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે સાંકળીને તાત્વિક વાત રજૂ કરી છે તો પર્વતોનું સૌંદર્ય ઢોળાવો અને ઊંચા વૃક્ષોમાંથી ચળાઇને આવતા તડકાનું પણ તેઓ તત્વદર્શન કરાવે છે. પર્વતોની આબોહવાની લાક્ષણિકતાઓ, ત્યાંની સંસ્કૃતિ અને જનસ્વભાવ અંગેનું ચિત્રણ લેખકે બખૂબી કર્યું છે. પ્રકૃતિ આગળ માનવીની લઘુતા અને નિઃસહાયતાનું વર્ણન પણ તેમાં જોઇ શકાય છે. સાથે સાથે કેમ્પના વાતાવરણ અને રોજિંદી તકલીફો છતાં મળતો આનંદ વગેરે કિસ્સાઓનો ઉલ્લેખ કરવાનું પણ તેઓ ચૂકતા નથી. દૂર દેખાતાં ગંતવ્યસ્થાન જોઇ તેને પામવાની ઇચ્છાના માનવીયસ્વભાવનું વર્ણન તેમણે આ નિબંધમાં કર્યું છે. અહીં ‘બ્રહ્મા’થી પણ તેઓ યાદગીરી માટે ભોજપત્ર પોતાની પાસે રાખે છે. પ્રવાસના છેલ્લા મુકામે તેઓ પ્રકૃતિનું સાનિધ્ય અનુભવે છે.

‘ખજુરાહો’માં પ્રવાસવર્ણન અને લાલિત્યનો ભારોભાર સંગમ થયેલો જોવા મળે છે. ખજૂરાહોમાં લેખકે ‘ખજુરાહો’ની જોડણીથી માંડી ખજૂરાહોના મુખ્ય શિલ્પોની રમણીયતા વિશે ચર્ચા કરી છે. તો પ્રવાસમાં મદદકર્તા પોલીસદાદાથી લઇ સ્વીટવાળા નસીરુદ્દીનનોપણ ઉલ્લેખ કર્યો છે. અહીં ઇતિહાસ અને ભૂગોળના દૃષ્ટિકોણથી પ્રવાસનું વિશ્લેષણ માણવા મળે તો ખજુરાહોની પ્રતિમાઓનું શરીરશાસ્ત્ર રચતી વેળા કલાકારોએપોતાની સામે રાખેલ આદર્શોની કલ્પના પણ માણી શકાય. લેખકે અહીં કહેવાતા યાત્રાળુઓની મનોવૃત્તિ અને રતિશિલ્પો જોતી વખતે યાત્રીઓમાં ઊભી થતી અપરાધ ભાવનાનું તાદશ્ય વર્ણન કર્યું છે. પરંતુ નિબંધની શરૂઆતમાં ‘બૃહદ્સંહિતા’ના ‘વ્રીડાત્ર કા....’ શ્લોકનો ઉલ્લેખ કર્યો હોવાથી તેઓ આ ભાવથી પર બની સંપૂર્ણ ખજૂરાહોનું રસદર્શન કરાવે છે. ઉમાશંકર જોશીએ પણ આ નિબંધમાં વધુ પડતો શૃંગાર કર્યો હોવાની ટકોર ભોળાભાઈને કરી હતી. શૃંગાર વિના આ નિબંધ કદાચ નિબંધ ન રહેતાં માત્ર વર્ણન બની રહેત. કોકશાસ્ત્ર અને કામસૂત્રના ઉલ્લેખ અને તેની છણાવટ અહીં સહેજ પણ અસ્થાને લાગતી નથી.આ બંનેના ઉલ્લેખો છતાં રજૂઆત અશ્લીલ ન બને તેનો ખ્યાલ પણ લેખકે જવાબદારીપૂર્વક રાખ્યો છે. બોદલેર અને લોરેન્સને પણ તેઓ અહીં યાદ કરવાનું ચૂકતા નથી. સૌંદર્ય અને ભારતીય દર્શનશાસ્ત્ર વચ્ચેનો સંબંધ, ભારતીય તત્વચિંતનમાં ધર્મનો સમન્વય વગેરે વિષયો પર પણ અહીં વિચાર કરેલો છે. ખજુરાહોની પ્રત્યેક વસ્તુને શ્લીલ તરીકે જોઈ લેખક તેમના બૃહદ દ્રષ્ટિકોણની ઝલક આપે છે. ખજૂરાહોના વિવિધ મંદિરોની મુલાકાતનું વર્ણન પ્રવાસી તરીકેના તેમના કુતૂહલ અને નિરીક્ષણની સૂઝ પ્રદર્શિત કરે છે.

‘કાશી’ નિબંધના દરેક વર્ણનમાં કાશી, વારાણસી અને બનારસની તુલના દેખાય છે. કંઈક ખૂબ જૂનું ખોવાઈ ગયું હોય તે શોધવાની ઉત્કટતા આ વર્ણનમાં છે. વારાણસીના ઘાટ, તેને જોઈને મનમાં ઉભી થતી શ્રદ્ધા, ભીડ વચ્ચેની એકલતા અહીં સ્પષ્ટ અનુભવી શકાય છે. હનુમાન મંદિર, વિશ્વનાથ મંદિર જેવા મંદિરોમાં થતા ક્રિયાકાંડ કે પછી મણિકર્ણિકા ઘાટ ઉપરના મોક્ષ સંસ્કારના વર્ણનો, લેખક અહીં વણાઈ ગયેલી પરંપરાઓ અને સ્વાભાવિકતાઓ વિશે દ્વંદ્વ અનુભવે છે. દશાશ્વમેઘ ઘાટ ઉપર ભક્તોની શ્રદ્ધા અને એ શ્રદ્ધાને વ્યાવસાયિક સ્વરૂપ આપી કમાતા ગંગાપુત્રો અને મલ્હારો કે પછી રક્તપિત્તયાં ભિક્ષુકોના વર્ણનથી તેઓ કંઈક સૂચક ઇશારો કરે છે. પોતાની શ્રદ્ધાને ન્યાય આપવા તેઓ નાવમાં બેસે છે,સામેના ઘાટ પર જઈ ડૂબકી લગાવે છે, કાશીનો નજારો જુએ છે અને પ્રીતિ પામે છે. ત્યાંથી ફરી પાછા દશાશ્વમેઘ ઘાટ પર આવવાની ઘટનાને ભાવલોકમાંથી વર્તમાનમાં પાછા ફરવાની ઘટના સાથે સરખાવી શકાય. પ્રાચીન ભારતની બૌદ્ધ પરંપરા તેમજ હાલની બૌદ્ધ પ્રવૃત્તિઓ પણ તેમણે વર્ણવી છે.કાશીની વિધવાઓ કેવી રીતે વેશ્યાવૃત્તિ તરફ વળે છે તે ઉલ્લેખ કરવાનું પણ તેઓ ચૂકતા નથી. બનારસી પાન અને બનારસી સાડીને પણ તેઓ ભૂલ્યા નથી. છેવટે તે ફરીથી દશાશ્વામેઘ ઘાટ પર પહોંચે છે ત્યારે તેની પ્રાચીનતા અનુભવે છે અને ત્યાં ભિક્ષુકોની ગેરહાજરી સાથેની ફ્રાન્સના રાષ્ટ્રપતિની મુલાકાત વિશે સાંભળી તેમના અધૂરા ભારતદર્શનની ચિંતા પણ કરે છે.

રામની મનોસ્થિતિ, દક્ષિણની સંસ્કૃતિ અને સમુદ્રનું હૃદયંગમ વર્ણન એટલે ‘રામેશ્વરમ્’. નિબંધની શરૂઆતમાં લેખક પોતાની રામેશ્વરમ્ સુધીની યાત્રાને રામની યાત્રા સાથે સરખાવે છે અને પોતાના બાળપણની સ્મૃતિઓ સાથે તેના તાર બાંધે છે. રામેશ્વરમ્ પહોંચતા જ તેમની અંદરનો ભક્ત દેખા દે છે તેમજ ઇતિહાસના કહેવાતા પ્રમાણોને ફગાવી શ્રદ્ધાને વિજય અપાવે છે. પછી લેખક સમુદ્રવર્ણન આરંભે છે. તેમની કલ્પના સમુદ્રના તરંગો સાથે યોજાઈને સુંદર વર્ણન પામી છે. સાગરસ્નાન વિશેની પોતાની ઉર્મિઓને અહીં સુંદર રીતે વર્ણવી છે. ત્યાંથી તેઓ માછીમારોની વસ્તી તરફ જાય છે, પ્રકૃતિને માણે છે, સમુદ્રના અવાજને પારખે છે, તપાસે છે, સમુદ્રકાંઠાનું અહીં કરેલું વર્ણન પણ નોંધપાત્ર છે. છેવટે તંદ્રા તૂટતાં આવતા વરસાદમાં ભીંજાતા સ્ટેશન સુધી વધુને વધુ ભીંજાતા રહે છે.

‘તેષાં દિક્ષુ’લેખકની ભ્રમણવૃત્તિનો એકરાર કરાવતો સંપૂર્ણ લલિતનિબંધ છે. તેમનામાં પ્રકૃતિને પામવાની ઘેલછા ક્યાંથી આવી તેની કબૂલાત અહીં સ્પષ્ટ જણાઈ આવે છે. પોતાના ગામની ભૌગોલિક સ્થિતિ અને ઇતિહાસ અંગે લેખકે પોતાનો વસવસો પ્રગટ કર્યો છે. નદી, પર્વત કે જંગલ સુદ્ધાં ન હોવાથી મનમાં પ્રગટ થતી હતાશા અને પોતાની જિંદગીથી ઉપજતો કંટાળો અહીં વર્ણવ્યો છે. જિપ્સીઓ, વણજારાઓ અને પોતે વાંચેલા પુસ્તકોના વર્ણનો ઉપરાંત ગામમાંથી યાત્રા કરી આવેલા લોકોની વાતો પરથી લેખકને પ્રવાસની તમન્ના થાય છે. ગામમાં આવેલા સાધુ દ્વારા કહેવાથી ભોજ- કાલિદાસની વાત અને ફળિયાના કાશીફોઈ દ્વારા કહેવાતી જૈનકથાઓની વાત સાંભળી આ ઇચ્છાઓ તીવ્ર બન્યાનું વર્ણન છે. તેમણે ગામના વિકાસ સાથે પોતાના માનસિક વિકાસનું વર્ણન પણ ખૂબીથી કર્યું છે. પાછળથી કરેલા પ્રવાસો અને પ્રવાસના અનુભવો દ્વારા લેખકનો પ્રવાસી જીવ પોરસાતો હોવાના પ્રમાણ મળે છે. લેખક 'હેથા નય, અન્ય કોથા, અન્ય કોથા, અન્ય કોન ખાને,- અહીં નહીં, બીજે ક્યાંય, બીજે કોઈ ઠેકાણે' પંક્તિઓ દ્વારા પોતાની પ્રવાસ જીજીવિષા વ્યક્ત કરે છે. કલ્પનાઓમાં વિહરતા પોતે કાલિદાસના મેઘ સાથે યક્ષની અલકાનગરીની ભ્રમણનો એકરાર કરે છે. વળી, કેટલાક પ્રવાસ આકર્ષણોની કબૂલાત પણ કરે છે. છેલ્લે આ બધા પ્રવાસ તેમને બ્રહ્માંડના અજ્ઞાત ખૂણા સુધી કાલ્પનિક પ્રવાસ કરાવે છે. આ બધા કાલ્પનિક ભ્રમણ કર્યા બાદ છેવટે તો તે પોતાના ગામની ભાગોળે જ પહોંચી જાયછે. સંસારના ચક્ર તરફ લેખકનો ઈશારો અહીં સમજી શકાય છે. ભલે અહીં કશું ન હોય પણ લેખક એ બધું પોતાનામાં સમાવી બેઠા છે. બધું સમાવી લેવાની ઈચ્છાને કારણે જ પ્રવાસની હોંશ હોવાની કબૂલાત અહીં જોવા મળે છે.

આમ, વિદિશાના ૧૧ નિબંધોમાં લેખક પોતાના પ્રવાસો ઉપરાંત જે-તે સ્થળોની અસ્મિતા, પોતાની વિદ્વતા અને સાહિત્યસંસ્કારનાં દર્શન કરાવે છે. સૌંદર્યમંડીત દૃશ્યોનું સૌંદર્ય નિખારવાની પ્રયુક્તિઓ એક પણ નિબંધમાં કૃત્રિમ જણાતી નથી. જાણે લેખકે પોતાનું મન કાગળ ઉપર ઉતારી દીધું હોય તેવું લાગે છે. અહીં ‘વિદિશા’દ્વારા પ્રાચીનતા, ‘ભુવનેશ્વર’દ્વારા પ્રાચીનતા અને અર્વાચીનતાનો સંગમ, ‘માંડુ’દ્વારા પ્રકૃતિ અને પ્રાચીનતાનો સંગમ, ‘ઇમ્ફાલ’દ્વારા પૂર્વોત્તર રાજ્ય મણિપુરની સંસ્કૃતિ, ‘જેસલમેર’દ્વારા રણપ્રદેશ,‘ચિલિકા’દ્વારા સરોવર સૌંદર્ય, ‘બ્રહ્મા’દ્વારા હિમાલયનું સૌંદર્ય, ‘ખજુરાહો’દ્વારા શિલ્પ વૈભવ, ‘કાશી’દ્વારા સંસ્કૃતિ અને ‘રામેશ્વરમ્’દ્વારા સમુદ્રસૌંદર્યનું દર્શન ભોળાભાઈએ કરાવ્યું છે. આ બધી સૌંદર્યચેતનાનો ખરો આસ્વાદ કરાવતા ‘વિદિશા’ નિબંધસંગ્રહ પ્રવાસ અને લલિત વર્ણનોનો એક અનુપમ સંગમ બની રહે છે.

સંદર્ભગ્રંથ:

  1. ‘વિદિશા’, ભોળાભાઇ પટેલ, આર. આર. શેઠ અને કં., અમદાવાદ, પ્રથમઆવૃત્તિ, ૧૯૮૦.
  2. ભદ્રાયુ@શ્રી ભોળાભાઇ પટેલ: મુઠ્ઠી ઉંચેરા માનવી, ભાગ: ૨/૪, યુ ટ્યુબ સાક્ષાત્કાર, https://youtu.be/Cd1hFTZ4ceU.


ઝલક દિનેશભાઇ પટેલ, પીએચ.ડી. શોધછાત્રા, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત.