Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
લઘુ કથા: તુરી
એક હાથનું નેજવું કરી બીજો હાથ કમ્મરે ગોઠવીને એ ઉભી હતી. છેક ખભેથી શરૂ કરી હાથની કોણી સુધી ગોઠવાયેલાં સફેદ બલોયાની શોભા તે વધારતી હતી. ઉનાળાના દિવસોમાં એની આંખો ડામરની સડકના તાપને કારણે ઝીણી બની હતી. કપાળ પર ગોઠવાયેલો હાથ તેના મોટ્ટા કાળા ચાંદલાને થોડી થોડી વારે જગ્યા કરી આપતો હતો. ઉઘાડાં રહી ગયેલાં બે હોંઠ વચ્ચેથી ડોકાઈ જતાં પીળાં અને કથ્થાઇ રંગના દાંત એની છીંકણી ઘસવાની ટેવ છતી કરતાં હતાં. લીમડાની એક ખરબચડી વાંકી ચુંકી ડાળ જેવી નથડી તેના નાકમાં ઝૂલતી હતી. તેની બરાબર બાજુમાં નાકના બંન્ને ભાગ વચ્ચેની ખાલી જગ્યામાં એક લાલ મોતી પરોવેલ સફેદ વાળો હંમેશા નિશ્ચેતન પડ્યો રહેતો. એ તૂરી હતી.

તુરી પતરાનાં તગારા, પાવડી, સગડી, સૂપડાં વેચતી હતી. પાલીતાણા બસ સ્ટેન્ડથી બહાર નીકળી જાગૃતિ હોટેલ વટાવતાં જાગૃતિનો બધો જ વધેલો કચરો જ્યાં એકઠો થતો ત્યાં જ તુરીનું ઘર હતું. જ્યારે પણ હું ભાવનગરથી પાલીતાણા જાવ ત્યારે તુરીનું ઘર અવશ્ય જોઉં. ટ્રેનમાં જાવ તો પણ તુરીનું ઘર તો વચ્ચે આવતું જ. જાગૃતિ હોટેલ અને ગેસ એજન્સી વચ્ચે જ તુરી રહેતી. રેલ્વે સ્ટેશન વાળો રસ્તો ગેસ એજન્સી તરફથી જ ઘર બાજુ જતો. બંન્ને જગ્યાએથી તૂરીનું ઘર એના એજ રૂપમાં જોવા મળતું. તુરી તેના ઘરમાં રહેતી હતી એના કરતાં વધુ મારા મનમાં રહેવા લાગી હતી. એટલે રસ્તેથી પસાર થતાં તુરીને જોવાનું પ્રલોભન ટાળી શકતી નહીં. તુરીના દર્શન ન થાય તો છેવટે એના નામની બૂમો સાંભળીને પણ હાશકારો અનુભવાતો. તુરીનું ઘર વાદળી અને કાળાં રંગના મોટ્ટા પ્લાસ્ટિકથી બનાવાયું હતું. મને એ ઘર જોઈને નાના બાળકોના ઘોડિયાં હોય એવું લાગતું. ફરક માત્ર એટલો જ કે એનો પડદો ન ઊંચકાય ત્યાં લગી અંદરનું કશું ન દેખાય.ઘોડિયામાં પાયા દેખાય જ્યારે આમાં એ ન દેખાય એટલો ફરક. તુરીએ એવાં બે મોટ્ટા ઘોડિયાં બનાવ્યા હતા. એકમાં તુરી રહેતી અને બીજામાં એના દીકરો અને વહુ. બાળકો બંન્ને ઘરમાં આવ - જા કરતા. તુરી ઘરની મોભી હતી.

બે મહિના રહ્યા પછી તુરીએ નવો વ્યવસાય શરૂ કર્યો હતો. લાકડાની જુદી- જુદી વસ્તુઓ વેચવાનો. મને એ બહાને એની સાથે વાત કરવા મળશે એમ ધારી કંઈ ન લેવાના ઇરાદે ખાલી જોવા જ હું પહોંચી ગઈ. તેણે મને લાકડાંની ટીપાઇ, ફૂલદાની, ખુરશી, એક ઝૂલો એમ કંઈ કેટલીય વસ્તુઓ બતાવી. મારે ક્યાં કંઈ લેવી હતી. તુરીનો વ્યવસાયી સ્વભાવ મને કોઈ એકાદ વસ્તુ લેવા જ જાણે કહેતો હતો. પણ મારું ધ્યાન એક લાકડાંના પાટિયા પર જ કેન્દ્રિત થયું હતું. હું વિચાર કરતી હતી કે તુરી આટલાં નાનકડા પાટિયાંનો શું ઉપયોગ કરશે. મારી અખંડ ધ્યાનમગ્ન મુખમુદ્રા જોતાં જ એ પાટિયું ઉંચકીને મારી સામે લાવી ઉભી. નાછૂટકે મેં એ હાથમાં લીધું અને જાણે તૂરી નિશ્ચિત બની. મેં પર્સ ખોલી પૈસા આપવા હાથ લંબાવ્યો. મારા આશ્ચર્ય વચ્ચે એ મને પૈસા આપવાની ના પાડતી હતી. એની ભાષાનો એકેય શબ્દ હું ન્હોતી સમજતી. એ એનો વૈશ્વિક ભાવાનુવાદ કરતી હોય તેમ મારી સામે જોઈ રહી. હાથના અભિનયે મને એ પાટિયું લખવાના કામમાં લેજે એટલું જ કહેતી હોય તેમ સમજાયું. તુરંત તુરી અને હું જાણે એકમેકને ઓળખતાં થઈ ગયાં. તુરીએ હાસ્યની આછી રેખા સાથે મારા માથા પર હાથ મૂક્યો. ત્યારે મને લાગ્યું હતું કે પછાડ્યો હતો. મારાં ધબકારા થોડીવાર માટે વધી ગયા હતાં. પણ એની તડકામાં પણ થોડી થોડી દેખાતી આંખોમાં ચમકતી જળરેખાએ મને નિશ્ચિંત કરી દીધી. હું પાટિયું લઈને નીકળી પડી હતી.

આજે ૪ મહિને પાલીતાણા પાછી ફરી. એ સાથે જ જાણે તુરી મારા મનના ખૂણામાં બેઠી થઈ. બસમાંથી ઊતરી માત્ર રોડ ક્રોસ કરતાં જ તુરી દેખાશે એ અધીરાઈ એ ક્યારે પાલીતાણા આવ્યું તેની ખબર ન પડવા દીધી. પાલીતાણા આવતાવેંત હું એક કૂદકો મારીને જ નીચે ઊતરી. રોડ ક્રોસ કરી જાગૃતિ હોટેલના ગાઠીયા બનતાં જોતી જોતી જતી હું તુરીના ઘર બાજુ ઓછું જોતી હતી. રખેને તુરી પહેલાં એનું ઘર દેખાઈ જાય તો....મારો ચહેરો તુરીને જોવા આકુવ્યાકુળ થઈ ગયો હતો. મેં ચોપાસ નજર ફેરવી પણ તુરી ક્યાંય ન મળે. મારા પગ જાણે કોઈ ધરતીના પેટાળમાં ખેંચતું હતું. ખૂબ જ ધીમા પગલે ચાલતી હું જોતી હતી કે તુરીનો વ્યવસાય તેના દીકરાએ સંભાળ્યો હતો. તેના દીકરાના બંન્ને બાળકો એક ફાટેલ ગોદડી પર બેઠાં બેઠાં તૂટેલ ઠીકરાંના કાતરા પર કોલસાથી કંઇક ચિતરામણ કરતાં કરતાં એકમેકને મારી પણ લેતાં હતાં. તુરીને કોઈપણ સંજોગે જોયા વગર તો નથી જ જવું. એવા ઇરાદે તૂરી જ્યાં જ્યાં બેસતી અને જ્યાં જ્યાં મે એને ઉભેલી જોઈ હતી ત્યાં ત્યાં નજર ફરી વળે એ રીતે હું એના દીકરા પાસે લાકડાંની ખુરશીનો ને ફૂલદાનીનો ભાવ કરાવતી રહી. સડક પર ને જાગૃતિના પછવાડે બધે મેં જોઈ લીધું. તુરી ન દેખાઈ. મારી જિજ્ઞાસા શમવાને બદલે વધે જતી હતી. ન રહેવાતાં જાતે જ ઘરમાં આંટો મારી લેવા નક્કી કર્યું. તુરીના ઘરે કંઇ દરવાજા તો હતાં નહીં કે ખખડાવવા પડે. એક ઝાટકે મેં આડું રહેલું લૂગડું હટાવી અંદર ડોકિયું કર્યું. એક સ્ત્રી પીઠ ફેરવીને બેઠી હતી. મને થોડી રાહત થઈ. ત્યાંજ એ બાઈ મારી સામે જોઈ રહી. હું શું કામ એના ઘરમાં પૂછ્યા વગર ડોકિયાં કરું છું એવા કોઈ પ્રશ્નાર્થ એ ચહેરામાં નહતાં. મને એકધારી એની સામે જોઈ રહેલી તે અંતે ઊભી થઇ. મને થયું કે પૂછું? પણ જીવ ન ચાલ્યો.

ઘર તરફ જવા પગ ઉપાડ્યા પણ નજર તુરીને જોવા મથતી હતી. ગેસ એજન્સી પાસેથી જ પાછું વળીને પૂછવાનું મન થયું. છતાં ધીમે ડગલે ચાલતી રહી. રામદેવ ચાઈનીઝ-પંજાબી ઢાબા સુધી તો માંડ પહોંચી હોઈશ ત્યાં મનોમન નક્કી કર્યું. પાછી વળી. કોને પૂછવું એ વિચારમાં બે પાંચ મિનીટ ખર્ચવી પડી. અંતે તુરીના દીકરાને પૂછવું યોગ્ય લાગ્યું. ગુજરાતીમાં જ પૂછ્યું. તમારી બા કેમ નથી દેખાતા? તેના દીકરાએ એક હાથ હલાવ્યો તેને અનુક્રમે હ્રુદય, બંન્ને આંખો, અને કપાળ પર લગાવી અંતે વાદળ તરફ ઈશારો કરી દીધો. ધરતી ફાટશે કે આસમાન હું ક્યાં જઈને ફેંકાઈશ .મારા પગનું સમગ્ર ચેતન તુરીના દીકરાના એક માત્ર અભિનયમાં હરાજી થઈ ગયું હતું. મણ મણની બેડીઓ જાણે પગમાં જડાઈ ગઈ હોય એટલા ભાર સાથે હું ત્યાંથી ઘરે જવા નીકળી. મારી આંખો એક પલકમાં જાણે મને ભીંજવી દેવાની હોય એવી બીકે મેં મોં પર દુપટ્ટો બાંધી લીધો. ૧૦ મિનિટનો રસ્તો પસાર કરતાં મને ખાસ્સો એક કલાક લાગી ગયો હતો. રસ્તામાં મીરાંના ઘરે આંટો મારીને પછી જ ઘરે જવું પડશે. નહિતર સ્વસ્થ નહિ રહી શકાય. મીરાં સાથે સંશોધન અને સંશોધનની વ્યસ્તતા બાબતે સાચા ખોટા ગપ્પાં મારી હું નીકળી.

ઘરે જઈ નાહી ધોઈ સૂઈ જઈ સ્વસ્થતા મેળવવાની મારી ઈચ્છા હતી. પણ ઓરડામાં જતાં જ મને તુરીએ આપેલું પેલું પાટિયું યાદ આવ્યું. મારા જ ઓરડાની અભરાઈના એક ખૂણામાં મેં જ એને ચડાવ્યું હતું. મેં તુરંત ખુરશી મૂકી એ ખૂણો તપાસ્યો. ખૂણો ખાલી હતો. મેં અધ્ધર શ્વાસે આખી અભેરાઈ વીંખી નાખી. આખા ઓરડાની બધી વસ્તુઓ ખોળી ખોળીને જોઈ. ક્યાંય પેલું પાટિયું ન મળે. અંતે બાજુના ઓરડામાં ચિત્રો ચિતરતી નાની બેબીને હળવે સાદે બોલાવીને પૂછ્યું. એ એના બોખા દાંતમાં હસતી હસતી આવી. કપાળ પર એક હાથ મૂકી અને મને જાણે બુધ્ધુ ન ગણતી હોય તેમ કમર પરનો હાથ ફેરવતી કહે પલદો ઊંચો કલ. હું એના ચહેરા સામે જોતી જોતી મારા ચેતનવિહોણા હાથે એની સૂચનાનું પાલન કરતી હતી. ત્યાં એણે કહ્યું સલખાયે ઊંચો કલ દ્દિદી ફઈ. બાલી ખોલ. મારી ડોક પાછળ ફેરવી હું બારી ખોલવા લાગી. બારી ખૂલતાં જ બારીના બારણામાં જાણે તુરી જ ઉભી હોય એવી અદાથી તેણે આપેલું પાટિયું જડાઈ ગયું હતું. મારાં આશ્ચર્યને સમજતી હોય તેમ બેબી કહી રહી હતી. બાલીનો કાચ તુતી ગયો એતલે પપ્પાએ તાલું પાતિયું ચોતાલી દીધું. તેનું બોખું મોં હાસ્યનો ધોધ વરસાવતું હતું. એક ઝાટકે હું ઉભી થઈ બેબીને ઉંચકીને એક ચક્કર ફરી ગઈ. સામેની ગુલાબી રંગની દીવાલમાં સ્વ. દાદીમાનો વાદળી રંગનો ફોટો મર્માળુ સ્મિત કરતો જાણે રંગની નવી ભાત ઉપસાવતો હતો. સંધ્યાટાણે કરેલી અગરબત્તીની ધૂમ્રસેર મારાં ઓરડામાં આવતી હતી ને પ્રશ્નાર્થો ને ઉદગારો રૂપી સુગંધથી આખા ઓરડાને સુગંધમય બનાવી રહી હતી.

અલ્પા વિરાશ. ભાવનગર alpavirash@gmail.com