Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism

ગુજરાતી કથાસાહિત્યમાં નારીની બદલાતી છબિ

શરીફા વીજળીવાળા

‘સરસ્વતીચંદ્ર’થી પણ આગળના 25-30 વર્ષ લઈને છેલ્લાં દોઢસો વર્ષમાં ગુજરાતી કથા સાહિત્યમાં નારીની છબિ કેવીક બદલાઈ એની વાત કરવી હોય તો સમાંતરે થોડાંક લેખાંજોખાં ગુજરાતના સમાજજીવનના પણ માંડવા પડે. વીતેલી દોઢ સદીમાં ગુજરાતના સમાજજીવને કેવા કેવા રંગો જોયા? સમય સાથે સ્ત્રીની સમસ્યાઓ બદલાઈ? નવી સમસ્યાઓ ઉમેરાઈ કે બધું હતું તેમનું તેમ જ રહ્યું? કારણ કે જો સમાજમાં નારીની છબિ બદલાય તો સાહિત્યકાર અચુક એને ઝિલવાનો જ. એટલે હું વાત કરીશ નારીની છબિ કેવી હતી, કેટલી બદલાઈ અને એ બદલાયેલી છબિ આલેખવામાં ગુજરાતી સર્જક કેવોક સફળ રહ્યો તેની પણ આ વાત પર જતાં પહેલાં જરાક ભૂમિકા બાંધવી મને જરૂરી લાગે છે.

આમ તો સ્ત્રીનું અસ્તિત્વ પુરુષ જેટલું જ પ્રાચીન છે અને સંખ્યાની દૃષ્ટિએ પુરુષ જેટલી જ ટકાવારી ધરાવતી હોવા છતાં છેલ્લાં બે હજાર વર્ષથી સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વનો કોઈએ સ્વીકાર કર્યો જ નથી. નજીકના ભૂતકાળ સુધી પુત્રને જન્મ આપી, પતિસેવા-કુટુંબસેવામાં જ એનો ધર્મ સમાઈ જતો. એ વ્યક્તિ નહીં પણ વસ્તુ છે એવું ધર્મગ્રંથોએ પ્રબોધેલ છે. એને શેતાન, પાપનું મૂળ, અશુભ માનવામાં આવી. સ્ત્રી ચર્ચમાં ઉપદેશ ન આપી શકે, મસ્જિદમાં પ્રવેશી ન શકે, શિક્ષણ મેળવે તો સ્ત્રી બગડી જાય. ધર્મ, સંસ્કૃતિ અને સમાજે પ્રબોધેલાં આ અફર વિધાનોનો એટલો તો પ્રચંડ પ્રભાવ પડ્યો કે સ્ત્રી પોતે પણ પોતાને ઊતરતી માનતી થઈ ગઈ. ત્યાગનાં, નીતિનાં, પવિત્રતાનાં બંધનો માત્ર સ્ત્રીઓ માટે કેમ એવું પૂછતી બંધ થઈ ગઈ. સ્ત્રી ધર્મ સામે પુરુષધર્મ કેમ નહીં? બધા વ્રતો માત્ર પતિ કે પુત્ર માટે કેમ? એવા બધા પ્રશ્નો પૂછતી બંધ થઈ ગઈ. પતિપરાયણ સ્ત્રીનાં વખાણ થાય પરંતું પત્નીપરાયણ પુરુષની નિંદા, ને આવી નિંદા કરવામાં સ્ત્રી મોખરે હોય એ હદે એ પોતાને ઊતરતી માનતી થઈ ગઈ. આદમની પાંસળીમાંથી ઉત્પન્ન થયેલી મનાતી સ્ત્રીને ડાર્વિનના ઉત્ક્રાન્તિવાદ પછી પણ કાયમ પુરુષથી ઊતરતી જ માનવામાં આવી એ કેવી તો વિડંબના ! વિવિધ સંસ્કૃતિઓ, વિવિધ ધર્મો અને અનેક દેશોના ઈતિહાસ તપાસ્યા પછી એક પ્રશ્ન થાય કે આટલી ભાતીગળ સંસ્કૃતિઓ, આટઆટલા ધર્મપ્રવર્તકો, મનુષ્યજાતિનો આટલો લાંબો ઈતિહાસ અને છતાં દરેક સ્થળકાળમાં સ્ત્રીપુરુષ વચ્ચેની અસમાનતા બાબતે માની ન શકાય એટલી બધી સમાનતા કેમ? કામના પ્રકારો, મિલકતનો વારસો, કામનું વળતર... આ બધી બાબતે પુરુષપ્રધાન સમાજે હંમેશાં સ્ત્રીને બીજા નંબરે જ માની. એને Human નહીં પણ Woman તરીકે જ જોઈ. સ્વાભાવિક છે કે સાહિત્યકૃતિમાં સ્ત્રીનું આવું પ્રતિબિંબ જ ઝિલાય.

લોકશાહીના જનક ગ્રીસમાં સ્ત્રીને મતાધિકાર જ ન હતો. પ્લેટોએ સ્પષ્ટપણે કહ્યું છે કે સ્ત્રીને પુરુષની જરૂર છે, પુરુષને સ્ત્રીની જરૂર નથી, વંશ દીકરા વડે આગળ ચાલે છે એટલે દીકરી મહત્ત્વની નથી. એરિસ્ટોટલે સ્પષ્ટપણે સ્ત્રીને બુદ્ધિ અને નૈતિકતામાં પુરુષથી ઊતરતી માની છે. સ્વાભાવિકપણે આના કારણે ગ્રીક સાહિત્યમાં સ્ત્રીને વારંવાર ઉતારી પાડવામાં આવી છે. એસ્કિલસની ટ્રાયોલોજીમાં એપોલો દ્વારા દલીલ કરવામાં આવી છે : ‘Mother is no Parent of her child.’ આજે આ વાતને 2500થી વધારે વર્ષ થઈ ગયાં છતાં નવ મહિના બાળકને ગર્ભમાં ધારણ કરનાર, પછીથી છાતીએ વળગાડી ઉછેરનાર સ્ત્રીના નામે એનાં સંતાન ઓળખાઈ નથી શકતાં. પિતાની સાત પેઢી ગોખનારાઓને નાનીના નામથી આગળનું નામ ભાગ્યે જ ખબર હશે એ હકીકત છે.

આપણા દેશમાં તો પુરુષ અને પ્રકૃતિની સમાનતાનો સિદ્ધાંત હતો. વૈદિકકાળમાં સ્ત્રીપુરુષ સમાન અધિકાર ભોગવતાં. ઋગ્વેદમાં અપાલા, વિશ્વવારા, ઘોષા કાક્ષીવતી, રાત્રિ ભારદ્વાજી, શ્રદ્ધા કામાયની, શચી પૌલોમી, લોપામુદ્રા, સૂર્યા, ઉર્વશી વગેરે ઋષિકાઓનો ઉલ્લેખ છે. તેઓ શાસ્ત્ર ઉપરાંત શસ્ત્રવિદ્યામાં પણ પારંગત હતી, મંત્રદૃષ્ટા હતી. આ કાળમાં માતાના નામે ઓળખાતાં સંતાનો હતાં. દા.ત. ઐતરેય, જાબાલ. સ્ત્રી ઈચ્છિત વર પ્રાપ્ત કરવા સ્વતંત્ર હતી, એ ગંધર્વ લગ્ન કરી શકતી, વિધવા સ્ત્રી પુનર્લગ્ન કરી શકતી. પરંતું વૈદિકકાળ પછીના સમયગાળામાં ધર્મગ્રંથો અને સ્મૃતિગ્રંથોએ સ્ત્રીના દરજ્જાને ઊતરતો માન્યો. એને ચીજ કે વસ્તુ માની. દ્રૌપદીને દાવ પર લગાવાઈ અને મહાભારતની માધવી-ગાલવ કથામાં માધવી પુત્રપ્રાપ્તિનું, પતિના અહમ્ સંતોષનું માત્ર એક સાધન બની રહી. સ્મૃતિગ્રંથોને કારણે બાળલગ્ન થતાં થયાં, વિધવા વિવાહ પ્રતિબંધિત થયો, સ્ત્રી ધીમે ધીમે ચાર દીવાલની અંદર બંધ થતી ગઈ. વિધવા તરીકે જીવવા માટે જે ભયાનક, જડ નિયમો પાળવા પડતા, સંપૂર્ણ સામાજિક બહિષ્કાર સાથેની શુષ્ક જિંદગી જીવવી પડતી એના કરતાં માનપાન સાથે સ્ત્રી સતી થવાનું પસંદ કરતી હશે ને? રોજેરોજનું સળગવું એના કરતાં એક વારનું સળગવું એને સહેલું લાગતું હશે. આપણે ત્યાં વિધવા જીવન કેવું તો કારમું હતું એની જરાક ઝાંખી મેળવવા માગનારે ઝવેરચંદ મેઘાણીની ‘લાડકો રંડાપો’, ‘સદાશિવ ટપાલી’ જેવી વાર્તાઓ વાંચી જોવી.

સ્ત્રી દુર્બળ જન્મી નહોતી પરંતું પુરુષપ્રધાન સમાજે એના માટે ઘડી રાખેલાં આદર્શો, રૂઢીઓએ એને દુર્બળ બનાવી દીધી. એની આસપાસ આદર્શોની એવી જાળ વણવામાં આવી, એવું સાંસ્કૃતિક માળખું ઊભું કરવામાં આવ્યું કે સ્ત્રી રાજીખુશીથી એ જાળમાં ફસાતી ગઈ. (Nature did not intend woman to be inferior to man but culture has quite often done so. Women all over the world are what men make them.) સ્ત્રીને પોતાનું વ્યક્તિત્વ હોઈ શકે, પોતીકી ઈચ્છાઓ, નિર્ણયશક્તિ હોઈ શકે એ વાતને વિસારે પાડવામાં આવી. એ વંશ વધારવાનું સાધન બની રહી. એક પૈસાના વળતર વગરની સમર્પિત ગુલામ બની રહી. ઊગતાથી આથમતા સુધી ગૃહસ્થીનું ગાડું ખેંચતી સ્ત્રી ‘શું કરો છો?’ના જવાબમાં હંમેશાં ‘કંઈ નથી કરતી’ કહેતી આવી છે. આમ તો જીવનનું સાતત્ય સ્ત્રી થકી જ ટકી રહ્યું છે તે છતાં ‘Women is nothing but a Womb’ કહીને સ્ત્રીના અસ્તિત્વને માત્ર ગર્ભાશયની જરૂરિયાત પૂરતું મર્યાદિત કરી દેવામાં આવ્યું. માતૃત્વનો અપાર મહિમા કરનાર આપણો સમાજ બળાત્કારે મા બનતી સ્ત્રીને હંમેશથી તરછોડતો આવ્યો છે. વિજ્ઞાનનું સત્ય જાણ્યા પછી પણ દીકરીને જન્મ આપતી કે સંતાનને જન્મ ન આપી શકતી સ્ત્રી હડધૂત થાય છે. એટલે જ તો આપણા લોકગીતમાં પણ સ્ત્રી કેટલી આરતથી રાંદલને પ્રાર્થે છે ‘ખોળાનો ખુંદનાર દ્યોને રન્નાદે આ વાંઝિયામેણા તો માડી બહુ દોહ્યલા રે...’ સ્ત્રીના ચારિત્ર્યને આજે પણ માત્ર એના દેહ સાથે જોડવામાં આવે છે, એના વ્યક્તિત્વ સાથે નહીં કારણ કે સ્ત્રીને વળી વ્યક્તિત્વ કેવું? ક્યારેક આત્મા તો ક્યારેક નર્યા દેહથી ઓળખાતી આવેલી સ્ત્રીને આ સમાજે એની આગવી ઓળખ આપી જ નહોતી. એ હંમેશાં પુરુષ સંદર્ભે જ ઓળખાતી આવેલી. સમાજમાં અને પરિણામે સાહિત્યમાં પણ.

વિશ્વનું મોટાભાગનું સાહિત્ય પુરુષો દ્વારા જ લખાયું છે. સ્ત્રી લખી શકે એવી સ્થિતિ હતી જ ક્યાં? વર્જિનિયા વૂલ્ફે ‘એ રૂમ ઑફ વન્સ ઓન’માં લખ્યું છે કે સ્ત્રીએ લેખક બનવું હોય તો એની પાસે પોતાનો એક ઓરડો અને પોતાની આગવી મૂડી હોવી ઘટે. કારણ કે ખિસ્સાની નિર્ધનતા વિચારોની નિર્ધનતા માટે સીધી જવાબદાર છે. વૂલ્ફની આ વાત બહુ સાચી છે. સાહિત્ય વૈચારિક સ્વાતંત્ર્ય પર આધાર રાખે છે અને સ્ત્રીઓ તો સદીઓથી એથેન્સમાં વસતા ગુલામથી પણ બદતર સ્થિતિમાં જીવી છે. વૂલ્ફ કહે છે તે સાચું છે કે, ‘ધારો કે આ સ્ત્રીએ લખ્યું હોત તો પણ નીચે સહી ન કરી હોત. કરર બેલ, જ્યોર્જ એલિયટ, જ્યોર્જ સેન્ડ વગેરેની જેમ પુરુષ નામે જ લખ્યું હોત. કારણ કે અપ્રગટ રહેવાની વૃત્તિ સ્ત્રીના વ્યક્તિત્વનું અંગ બની ગયેલી.’ પુરુષો દ્વારા લખાયેલા સાહિત્યમાં સ્ત્રીને ભાગ્યે જ મુખ્ય પાત્ર બતાવવામાં આવતી. આપણી ‘કોકિલા’, ‘શોભના’, ‘અમૃતા’ જેવી નાયિકા નામધારી કૃતિઓનાં કેન્દ્રમાં ખરેખર નાયિકા છે ખરી? કે ત્યાં પણ ચાલકબળ પુરુષ જ છે? સ્ત્રી કેન્દ્રમાં હોય ત્યારે પણ પુરુષના સંદર્ભે જ હોય એ તો છેક ‘ગુણસુંદરીનો ઘરસંસાર’થી ચાલ્યું આવે છે. સહેજ પણ સમાધાન કર્યા વગર, પ્રેમ અને સ્વમાનને સરખું મહત્ત્વ આપતી, પોતાની શરતે જીવતી ‘જનમટીપ’ની ચંદા જેવી કેટલી નાયિકા મળશે આપણને? જરાક ધ્યાનથી જુવો તો સમજાશે કે ગોવર્ધનરામ હોય કે અન્ય લેખક, એ વાચકને હંમેશાં પુરુષ તરીકે જ સંબોધતા આવ્યા છે. સાહસકથાઓમાં કે રોમેન્ટિક નવલકથાઓમાં પણ ચાલકબળ હંમેશાં પુરુષ જ રહ્યો છે. તેજસ્વી નાયિકા પણ અંતે તો પુરુષને ચરણે સમર્પિત થવામાં જ સાર્થકતા સમજે છે. દા.ત. મુનશીની તમામ નાયિકાઓ. આપણી નાનપણની વાર્તાઓમાં રાજા કાયમ અર્ધા રાજપાટ સાથે રાજકુંવરી ઈનામમાં આપવાની જાહેરાત કરતો. કેમ જાણે સ્ત્રી ઈનામમાં આપવાની ચીજ હોય !

કૌટુંબિક, સામાજિક, રાજકીય, કાયદાકીય, આર્થિક કે ધાર્મિક તમામ બાબતોમાં પુરુષપ્રધાન સમાજે સ્ત્રીને હંમેશાં બીજા નંબરે જ માની એટલે અપવાદને બાદ કરતાં સાહિત્યકૃતિમાં પણ સ્ત્રીની એવી જ છબિ ઝિલાઈ. આપણે હંમેશાં એક વાત ગાંઠે બાંધવાની છે કે સ્ત્રીને મતાધિકાર, શિક્ષણ તથા મિલકતમાં વારસાનો હક્ક મળવો જોઈએ એવું સૌપ્રથમ કહેનાર જે. એસ. મિલ પુરુષ હતા. ‘પત્ની કે મા પહેલાં હું પણ તારી જેમ જ એક માણસ છું.’ એવું પતિને કહીને ઘર છોડનાર ‘ડોલ્સ હાઉસ’ નાટકની નોરા નારીના અસ્તિત્વનો વ્યક્તિ તરીકે પહેલીવાર સ્વીકાર કરાવે છે. (1879માં) નારીમુક્તિના આ પ્રથમ ઉદ᳭ગાર સમા નાટકનો લખનારો હેન્રી ઈબ્સન પુરુષ હતો. નારીમુક્તિનો અર્થ કદી પણ પુરુષ વિરોધ નથી થતો. શોષણ, અન્યાયનો વિરોધ અને સમાનતાની વાત સાથે વૈચારિક સ્વાતંત્ર્ય એ જ નારીમુક્તિનો સાચો અર્થ છે. સ્ત્રીને એની આજની મુક્ત પરિસ્થિતિએ પહોંચાડવામાં દુનિયાભરના પુરુષોનો પણ સ્ત્રીઓ જેટલો જ ફાળો છે. આપણા દેશમાં સ્ત્રીના હક્ક માટે લડનારાઓમાં રાજા રામમોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કેશવચંદ્ર સેન, આચાર્ય કર્વે, મહાત્મા ફૂલે, જસ્ટિસ રાનડે તથા મહાત્મા ગાંધી જેવા પુરુષોના નામ તરત જ યાદ આવે. આપણે ત્યાં દોઢસો વર્ષ પહેલાં નર્મદે સ્ત્રીઓ વતી આ પૂછેલું :
છત્રી અમે કાં ન ઓઢીએ, પગરખાં અમે કાં ન પહેરીએ?
સમજતા લગ્ન કાં નહીં, લગ્ન કેમ રાંડેલીને નહીં?
આ દર્શાવે છે કે સ્ત્રીઓને આ બધા અધિકાર નહોતા પણ એના માટે અવાજ ઉઠાવનાર તો પુરુષ જ હતો. એટલે હું નારીની બદલાતી છબિની વાત કરતી વખતે સ્ત્રી સર્જક કે પુરુષ સર્જક જેવા ભેદ પાડવાને બદલે સારા કે નબળા સર્જક જેવા ભેદ પાડીશ. કારણ કે સ્ત્રી સર્જક જેટલી જ ક્ષમતાથી પુરુષ સર્જકોએ પણ સ્ત્રીના આંતરમનને તાગી બતાવ્યું છે. મેઘાણી, ઉમાશંકર, સુંદરમ્, જયંતિ દલાલ, ખત્રી કે હરીશ નાગ્રેચા, વીનેશ અંતાણી, કિરીટ દૂધાત કે રામ મોરી સુધીના સર્જકોની કૃતિઓ દર્શાવે છે કે સર્જક સ્ત્રી હોય કે પુરુષ – એ સમસંવેદનની ભૂમિકાએ પાત્રચિત્તપ્રવેશ કરી શકતો હોય તો પછી એનું સ્ત્રી કે પુરુષ હોવું ગૌણ બની જાય છે. આટલી સ્પષ્ટતા પછી જરાક વર્તમાનની વાત કરી લઉં. સ્ત્રીના અધિકારોને રક્ષતા અનેક કાયદાઓ 1970 પછી ઘડાયા અને અમલમાં પણ મૂકાયા. દહેજપ્રથા, બાળલગ્ન, સમાન વેતન, ગર્ભપાતનો અધિકાર, પ્રસૂતિની રજા, સ્ત્રી પર થતી હિંસા અંગે કાયદા ઘડાયા. મિલકતના અધિકાર તથા બળાત્કાર અંગેના કાયદાઓમાં સુધારા થયા. પણ તેથી કરીને આપણો સમાજ પુરુષપ્રધાન નથી રહ્યો કે પુરુષનો અહમ્ કે વર્ચસ્વ ઓછા થઈ ગયા છે કે હવે એ સ્ત્રી પર હાથ નથી ઉપાડતો, દહેજ નથી માંગતો એવું નથી થયું. સ્ત્રીની સલામતીનો પ્રશ્ન ઉલ્ટાનો આજે વધુ વિકરાળ બનીને સામે આવ્યો છે. હજીયે સ્ત્રીનું ભણતર મોટાભાગે લગ્ન માટેની યોગ્યતાથી વધુ મહત્ત્વ નથી મેળવી શક્યું. હવે દીકરીને દૂધપીતી નથી કરતા કારણ કે હવે એને જન્મવા જ નથી દેતા. સ્ત્રી ભણતી થઈ, કમાતી થઈ પણ તેથી એના પરથી ઘરની જવાબદારી ઓછી થઈ એવું નથી થયું. આપણે ત્યાં હોટલ કે વીશીમાં રસોઈ કરનારો પુરુષ ઘરે નહીં રાંધે, સાહેબોને પાણી પીવડાવનારો, ઑફિસ વાળનારો પુરુષ ઘરમાં પાણીનો પ્યાલો સ્ત્રી પાસે જ માંગશે. એવું કેમ નો જવાબ ઠંડા પીણાની જાણીતી કંપનીના CEO ઈન્દ્રા નૂયીની કેફિયતમાં પડેલો છે. પ્રમોશનના સમાચાર સાથે ઘરે આવેલાં ઈન્દ્રાને અભિનંદન આપવાને બદલે પતિએ ઠંડે કલેજે કહેલું, ‘એ બધી વાતો પછી કરજે, પહેલાં દૂધ લઈ આવ ને ચા મૂક...’ વહેલો આવી ગયેલો પતિ ચા ભલે ન મૂકે પણ દૂધ તો લાવી જ શકે ને? તો આપણા સમાજની વર્તમાન છબિ આ છે. એ યાદ રાખીને હું નારીની બદલાતી છબિની વાત કરીશ. એક બાજુ 1949માં લખાયેલું સિમોન દ બૂવાનું વાક્ય ‘A Woman is not born but made. Biology is not destiny’ નારીમુક્તિની ચળવળનું સૂત્ર બની ગયેલું તો બીજી બાજુ જાહેરખબરોના માધ્યમમાં સ્ત્રીઓના સ્થાન અંગે થોડાંક વર્ષ પહેલાં થયેલા એક સર્વેક્ષણમાં એવું તારણ નીકળેલું કે ‘Woman is a beautiful object in advertising’ દેહ જ પદાર્થ, સાધન કે ચીજ બની જાય એનાથી મોટી ટ્રેજેડી બીજી કઈ એ પ્રશ્ન IPL માં ઉછળતા નારીદેહ જગાડે જ છે.

ગુજરાતી કથાસાહિત્યમાં નારીની બદલાતી છબિની વાત પર જતાં પહેલાં એકાદ-બે પ્રશ્નો બીજા પણ વિચારવા જેવા છે. આપણે ત્યાં કે પરદેશમાં કઈ સ્ત્રી લખી શકી? જવાબ કંઈક આવો મળશે : સુખી ઘરની, ભણેલી, ઉંબરો ઓળંગનારી, મોટેભાગે અપરિણિત અથવા પરિણિત હોય તો ઉદાર-પ્રેમાળ, મિત્ર જેવો પતિ હોય અને એકાદ-બે સંતાન મોટાં થઈ જાય પછી કલમ ઉપાડી હોય. એવી સ્ત્રી કેટલી જેણે યુવાનીમાં લગ્ન કરી લીધાં હોય, ગૃહસ્થીનું ગાડું ખેંચ્યું હોય, ચાર-પાંચ સંતાન ઉછેર્યા હોય અને લખ્યું હોય? આપણે ત્યાં નજર દોડાવીશું તો આરંભગાળામાં વિનોદિની નીલકંઠ, સરોજિની કે સૌદામિની મહેતા, લીલાવતી મુનશી, લાભુબેન મહેતાથી માંડીને છેક અત્યાર સુધી યાદી લંબાવી જુઓ. કુંદનિકા કાપડિયા, સરોજ પાઠક, ધીરુબેન પટેલ, હિમાંશી શેલત, બિંદુ ભટ્ટ, સુવર્ણા, વર્ષા અડાલજા, ઈલા આરબ મહેતાથી લઈને અરુણા જાડેજા, મીનલ દવે, પન્ના ત્રિવેદી સુધી નજર નાખો. અપવાદરૂપ એવી સ્ત્રી સર્જક નહીં મળે જે સંસારમાં ગળાડૂબ હોય અને માગ મૂકાવે એવું સર્જન કરી શકી હોય. આ ભલે કડવી હોય પણ હકીકત છે. નારીની બદલાતી છબિની વાત કરતા પહેલાં એક સ્પષ્ટતા એ પણ જરૂરી છે કે નારીવાદી કૃતિએ પણ કળાના ધોરણે તો ખરા ઊતરવું જ પડે. પ્રચારાત્મક બની બેસવાના જોખમને સર્જકે અતિક્રમવું જ રહ્યું. હું કળાના ધોરણે ખરી ઊતરતી કૃતિને લઈને જ વાત કરીશ.

આપણે ત્યાં લગભગ 1940-50 સુધી કુટુંબજીવનમાં સ્ત્રીનો દરજ્જો ઘરકામ કરનાર વ્યક્તિથી બહુ વધારે ન હતો. ગૃહસ્થીનું ગાડું સ્ત્રી ખેંચતી હતી પણ એ કમાતી નહોતી એટલે સ્ત્રીના કામની કોઈ કિંમત નહોતી. ઘર પુરુષ ચલાવતો હતો. બે-ચાર દૃષ્ટાંત કહી શકશે કે સમાજ અને પરિણામે સાહિત્યમાં સ્ત્રીની છબિ કેવી હતી. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા ‘સ્મરણમુકુર’માં એક ઘટના ટાંકે છે : એક શેઠ એક દિવસ પોતાની ગૃહવ્યવસ્થાની વાત કરતા કહે છે : ‘ભોળાનાથ ભાઈ ! હું રોજ બે કેળા લાવું છું. એક હું ખાઉં છું, અડધું મ્હારી માને આપું છું, ને અડધું વધે છે તે દાળ્યમાં નખાવું છું એટલે છોકરાં ને રાંડો બધાંને મળે.’ (સ્મરણમુકુર : નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા) આવું કહેનારને પોતે કશું ખોટું કરતો એવું નથી લાગતું. સ્ત્રી માટે આવો શબ્દ વાપરવામાં પણ કશું અજુગતું નહોતું લાગતું. કુટુંબનો વડો પુરુષ કેટલી સત્તા ભોગવતો એનું એક ઉદાહરણ આપણને ‘ગુણસુંદરીનો ઘરસંસાર’માંથી મળશે. પત્નીના દેવલાઓને ગોળીમાં પધરાવી બધાને ઘરની બહાર કાઢનારા માનચતુરની સત્તા કેટલી છે? ઘરના વડીલોની હાજરીમાં પત્ની કે સંતાન સાથે પુરુષ બોલી ન શકતો એવી નોંધ સુમંત મહેતાની આત્મકથામાં મળે છે. ગાંધીજીએ ખુદે પણ કસ્તુરબા પર ધણીપણું કરેલું. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરનાર નર્મદે પણ ‘ખુંદ્યા ખમવા પડશે’ એવું ડાહીગૌરીને કહેલું. નંદશંકર મહેતાની ‘કરણઘેલો’માં ગુણસુંદરીના મોઢે વિધવાની દશા વર્ણવાઈ છે તે પછીના 70-80 વર્ષ એવી ને એવી જ રહી. વિધવા તરીકે જીવતા બળવું એનાં કરતાં ગુણસુંદરી સતી થવાનું પસંદ કરે છે 1866માં પ્રગટ થયેલી નવલકથામાં. હકીકતે વિધવા ધનકોરબેન સાથે લગ્ન કરનાર માધવદાસ પોતાના પુનર્લગ્નનું પુસ્તક 1891માં પ્રગટ કરી ચૂકેલા હતા છતાં ગોવર્ધનરામ જેવા સર્જક પણ વિધવા કુમુદને સરસ્વતીચંદ્ર સાથે પરણાવતા નથી.

સ્ત્રી ભણતી થઈ, ઘરની બહાર નીકળી, ગાંધીજીના આહવાને સત્યાગ્રહમાં જોડાતી થઈ પછી કુટુંબજીવનમાં પણ એના સ્થાનમાં જરાતરા ફરક પડ્યો એવું કહી શકાય. મેઘાણીની ‘અનંતની બહેન’ ભદ્રા એટલે જ તો વૈધવ્યની જેલમાં જવાને બદલે ગાંધીના સત્યાગ્રહમાં જોડાઈ સરકારી જેલમાં જવાનું પસંદ કરે છે. મોટાભાગે વિધવા કે સાસુ – પોતે વેઠ્યું તે વહુ પણ વેઠે એવી માનસિકતા ધરાવતાં થઈ જાય એટલે પછી ‘લાડકો રંડાપો’ના ફઈબા જેવી સ્ત્રી-છબિ વારેવારે મળે મેઘાણીના કથાસાહિત્યમાં. ર.વ. દેસાઈની ‘બાળહત્યા’ કે પીતાંબર પટેલની ‘અપહ્યતા’ જેવી વાર્તાઓ કહે છે કે ભાગલા દરમ્યાનના વરવા અત્યાચારોનો ભોગ બનતી સ્ત્રીઓને ગુજરાતમાં ભાગ્યે જ સ્વીકારાઈ. આપણું સંકીર્ણ માનસ સ્ત્રી પ્રત્યેના આવા વલણ બાબતે હજીયે નથી બદલાયું એ આપણે છેલ્લાં વીસેક વર્ષમાં લખાયેલી વાર્તાઓમાં જોઈ શકીએ છીએ.

ગુજરાતમાં નારીવાદી આંદોલનના પ્રભાવ તળે નારીમુક્તિનું કે સ્ત્રીના વિદ્રોહને વિષય બનાવતું સાહિત્ય ઘણું મોડું લખાયું પરંતું સ્ત્રીના શોષણ અને સમસ્યાઓના ચિત્રો તો આપણા આરંભગાળાના નાટક, નવલકથા, વાર્તામાં જોવા મળે છે. ક્યાંક સ્ત્રીનો આશ્ચર્ય લાગે તેવો વિદ્રોહ, ક્યાંક આત્મઓળખ માટેની એની મથામણ, ક્યાંક માત્ર દેહના સ્વીકાર સામેનો સ્ત્રીનો વિરોધ એવાં આલેખનો મળે છે. સ્ત્રીજાતિ વિશેની મુનશીની માન્યતાઓ વચ્ચે આપણને ‘એક પત્ર’ જેવી અપવાદરૂપ વાર્તા મળે છે જ્યાં શુદ્ધ આર્યનારીની જેમ ‘ભવોભવ તમે જ મળજો’ એવું કહેવાને બદલે ‘આ ભવે છૂટી, પ્રભુ ફરી આપણો સાથ ન કરાવે’ એવું કહેતી ત્રસ્ત નારી જોવા મળે છે. ધૂમકેતુ મોટાભાગે સ્ત્રી એટલે વાત્સલ્ય, ત્યાગ અને ક્ષમાની મૂર્તિ, ગૃહલક્ષ્મી, માતા એવા ખ્યાલ એમનાં સ્ત્રીપાત્રોનાં મોઢે વ્યક્ત કરાવે છે. ‘જે સ્ત્રી માતા નથી, તે સ્ત્રી છે ખરી?’ એવું વિધાન કરતા ધૂમકેતુ ‘બિંદુ’ વાર્તામાં બિંદુ પાસે એવું કહેવડાવે છે કે ‘ભણવું-ગણવું એ તો જીવનમાં સંસ્કાર પૂરવા માટે છે. પુરુષો જેવી રીતે ભણવા-ગણવાનો નોકરીની શોધમાં ઉપયોગ કરે છે, લગભગ એવો જ બજારુ ઉપયોગ જો સ્ત્રીઓ પણ પોતાની વિદ્યાનો કરશે તો વિદ્યા પર કલંક ચડશે, ને વિદ્યા વાંઝણી રહેશે.’ નારીછબિ બાબતે ધૂમકેતુ પુરુષપ્રધાન સમાજના પ્રતિનિધિ જ લાગશે મોટાભાગે. આમ તો દ્વિરેફમાં પણ પરંપરાગત નારીછબિ જ છે પરંતું દ્વિરેફની ખેમીનું આંતરસત્વ, એનું દૃઢ મનોબળ એના સામાજિક માળખાને અતિક્રમી ગયું છે. ‘સૌભાગ્યવતી’ વાર્તાની સભ્ય સમાજની નાયિકા પતિની અતિશય કામવૃત્તિથી કંટાળી હોવા છતાં ચૂપચાપ ત્રાસ વેઠે છે અને અકાળે મરી જઈ ‘સૌભાગ્યવતી’નું બિરુદ પામે છે. જ્યારે એની સામે અભણ જીવી પતિ પ્રત્યે પ્રેમ હોવા છતાં કાયાની માયા નહીં છોડી શકતા પતિને છોડીને એકલી રહી શકી છે. જે દર્શાવે છે કે વિદ્રોહના પાયામાં ભણતર કે પૈસા કે એવું કશું નહીં પણ સ્ત્રીનું મૂળભૂત આંતરસત્વ કેવું છે તે જ મહત્ત્વનું છે.

મેઘાણીની કેટલી બધી વાર્તાઓમાં સ્ત્રીનાં શોષણનાં વરવાં ચિત્રો એ સમયના સમાજનું પ્રતિબિંબ ઝીલે છે. ‘વહુ અને ઘોડો’, ‘મોરલીધર પરણ્યો’ જેવી વાર્તાઓમાં તત્કાલીન સમાજમાં સ્ત્રીનું ઊતરતું સ્થાન , એનું પરાવલંબીપણું, કન્યાપક્ષની લાચારી પ્રગટ થાય છે. ‘વહુ અને ઘોડો’ માં પતિ પરણ્યા પછીની પહેલી સવારે પત્નીને કહે છે : ‘સંભાળીને રહેજે, લાયકી મેળવજે, નીકર પત્તો નહીં લાગે. તારા જેવી તો આ ઘરની સંજવારીમાં વળાઈ જાય છે. ખબર છે?’ મેઘાણીના કથાસાહિત્યમાં સમકાલીન સામાજિક મૂલ્યોનો માર સહેતાં પાત્રો છે તો એની સામે પોતપોતાની રીતે, સ્વબચાવ માટે બાથ ભીડતાં સ્ત્રીપાત્રો પણ છે. ‘ગંગા, તને શું થાય છે?’ની ગંગાનો ગર્ભપાત કરાવવાનો નિર્ણય કે વૈધવ્યની જેલ વેઠવા કરતાં અંગ્રેજોની જેલ વેઠવાનું પસંદ કરતી ‘અનંતની બહેન’ ભદ્રાનો વિરોધ કે ઉકેલ એણે જાતે શોધેલ છે. ‘લાડકો રંડાપો’માં વિધવા વહુનું શોષણ કરનાર ફઈબા સ્ત્રી છે પણ ભાભીને બચાવનાર તો પુરુષ છે. 30 થી 40 ના સમયગાળામાં સ્ત્રીનાં શોષણ, સંઘર્ષ અને સમસ્યાઓનો આટલો જીવંત ચિતાર મેઘાણી સિવાયના આ સમયના બીજા કોઈની – સ્ત્રી સર્જકોની પણ નહીં – વાર્તાઓમાં નથી મળ્યો. જે ગુજરાતમાં નર્મદ, કરસનદાસ મૂળજી જેવા, ધાર્મિક સ્થળોએ થતાં સ્ત્રીઓનાં જાતીય શોષણ સામે અવાજ ઉઠાવી ચૂક્યા હોય અને મેઘાણી જેવા ‘ઠાકર લેખાં લેશે’ જેવી સરસ વાર્તા લખી ચૂક્યા હોય ત્યાં બાપુઓ- મહારાજોના આશ્રમોમાં આંખો બંધ કરી ડોલતી-છેતરાતી સ્ત્રીઓની સંખ્યા જરાય ઓછી થઈ છે ખરી? જે ગુજરાતે વર્ષો પહેલાં ‘જિગર અને અમી’ જેવી નવલકથા આપી હતી એ ગુજરાતમાં હજી આજેય સાધ્વીઓ ભાગીને સંસારી થઈ રહી છે. ભણતર, આર્થિક સદ્ધરતા અને દેશની કાળઝાળ ગરમી છતાંય મુસ્લિમ સ્ત્રી હજી એના કાળા બુરખાને છોડવા તૈયાર નથી એ હકીકત છે. પણ છેલ્લા ઘણા વખતથી આ નારીની કોઈ વાત નથી કરતું. ધર્મના નામે થતા ધતિંગમાં કે ધર્મસ્થળોમાં થતાં વરવા શોષણની વાત છેલ્લાં 50 વર્ષમાં ગુજરાતી સર્જક કળાના ધોરણે કેમ નથી કરી શક્યો એ પૂછવું રહ્યું.

સ્ત્રીશોષણનું એક વરવું ચિત્ર જયંત ખત્રીની ‘ખીચડી’માં જોઈ શકાય છે. ખીચડી ખાતર શેઠના પલંગે પહોંચતી લખડીની નૈસર્ગિક વૃત્તિઓને જરાય છાવર્યા વગર નિરૂપતા ખત્રી એને ઉમરસહજ ક્ષણની મધુરતામાં તણાવા દે છે ત્યારે સર્જક પર વારી જવાનું મન થાય છે. માનવજાતના આદિમ આવેગો અને વણસંતોષાયેલી તૃષ્ણાનું પ્રતીક બની રહી છે ખત્રીની ‘તેજ, ગતિ અને ધ્વનિ’ની કસ્તુર. સ્થળ-કાળથી પર હોય એવી કસ્તુર જેવી બીજી કોઈ નારી ગુજરાતી સાહિત્યમાં તો નથી. 1939માં લખાયેલી ‘બંધ બારણા પાછળ’ વાર્તાની નાયિકા જાતે જાતીય સંતોષ મેળવતી એવી કબૂલાત કે ‘નાગ’ વાર્તામાં નાગના ભરડા દ્વારા જાતીય સંતોષની વાત કરતા ખત્રી સાવ નોખી જ નારી નિરૂપે છે.

આમ તો આપણે ત્યાં સ્ત્રીની બદલાતી છબિ પહેલીવાર જયંતિ દલાલની ‘આ ઘેર પેલે ઘેર’માં દેખાશે. પન્નાલાલ પટેલની રાજુ, જીવી કે ચંપા ધારદાર વ્યક્તિત્વવાળી ખરી પણ એ એમનું કુદરતી બંધારણ છે. સ્ત્રી-જાગૃતિ કે સભાનતા કહી શકો એવું કંઈ ન મળે. ધનસુખલાલ મહેતા, મુનશી, શારદાબહેન મહેતા, સુમંત મહેતા, રવિશંકર રાવળ જેવાની આત્મકથાઓમાં પણ સ્ત્રીને અવાજ ઉઠાવવાનો અધિકાર હોય એવું નથી દેખાતું. સુમંત મહેતા કે કનૈયાલાલ મુનશીની આત્મકથાઓમાં જે તેજસ્વી કે માથાભારે સ્ત્રીઓ છે તેવી સ્ત્રી કમનસીબે ગુજરાતી કથાસાહિત્યમાં કોઈએ નથી આલેખી. સમાજમાં જે છબિ સામાન્ય હતી તે જ આલેખાઈ. વિશિષ્ટને વિશિષ્ટ ગણી બાજુ પર રખાઈ ! જયંતિ દલાલની ‘આ ઘેર પેલે ઘેર’ વાર્તાની સવિતાના મનોમંથનમાં, એના ઘર છોડવાના પોતીકા નિર્ણયમાં સ્પષ્ટ રીતે સ્ત્રીની બદલાતી છબિ જોઈ શકાય છે. સમય સાથે, વધતાં જતાં ભણતર સાથે, નારીમુક્તિના આંદોલનોના પ્રભાવે નારી કઈ હદે બદલાઈ એ જોવા માટે કથાસાહિત્ય જ મદદ કરે. દલાલ પછી લગભગ 60-65 વર્ષે લખાતી ધીરુબેન પટેલની ‘અરુન્ધતી’ વાર્તામાં પતિ, બીજી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે એવું જણાવે ત્યારે નાયિકા રડવા, કકળવાને બદલે શાંતિથી સંમતિ આપે છે. એકલા રહેવા માટે નવો ફ્લેટ અને જીવનનિર્વાહ માટે મોટી રકમ માગતી અરુન્ધતી બીજો એક વિસ્ફોટ પણ કરે છે : ‘એને કહી દેજો, ત્રણ છોકરાંના બાપને પરણે છે તો ત્રણ છોકરાંની મા પણ એણે જ બનવું પડશે.’ હમણાં 2014 આસપાસ લખાયેલી પારુલ દેસાઈની ‘અંદર-બહાર’ વાર્તાની સીમા પણ પતિના બીજી સ્ત્રી સાથેના સંબંધ વિશે જાણ્યા પછી વિદ્રોહ નથી કરતી. પોતાની વર્ષોની મહેનતથી ઊભું કરેલું ઘર છોડવાની વાત પણ નથી કરતી. નિરાંતજીવે એ પતિને પોતાની જિંદગીમાંથી બહાર મૂકી આપે છે. આ શાંત વિદ્રોહ રડવા-કકળવા કરતાં વધારે પ્રભાવક છે.

1940 થી ’60 વચ્ચે સરોજિની મહેતા, વિનોદિની નીલકંઠ, લાભુબેન મહેતા, સૌદામિની મહેતા વગેરે દ્વારા લખાયેલી વાર્તાઓમાં મોટાભાગે સ્ત્રીઓના તત્કાલીન પ્રશ્નો, સમસ્યાઓ પ્રચારાત્મક સૂરે, ભાષણ લાગે તે રીતે નિરૂપાયેલ છે. અપવાદરૂપે આ વાર્તાકારો પાસેથી એવી વાર્તાઓ મળી છે જેમાં આલેખાયેલી સ્ત્રીની છબિથી આનંદાશ્ચર્ય થાય. દા.ત. સરોજિની મહેતાની ‘દુ:ખ કે સુખ’, લાભુબેન મહેતાની ‘બિંદી’ કે વિનોદિની નીલકંઠની ‘જો હું વાર્તાની નાયિકા હોત તો...’

ગુજરાતી કથાસાહિત્યમાં સાતમા દાયકાથી નારીવાદી વિચારસરણીના પ્રભાવતળે બદલાયેલી નારીની છબિ આલેખવાના સભાન પ્રયાસો મોટાભાગના સર્જકોમાં જોઈ શકાય છે. નારીવાદી આંદોલને સ્ત્રીઓમાં જાગૃતિ, સભાનતા આણી. પોતે પુરુષોએ બનાવેલા નિયમો અનુસાર એમના દ્વારા રમાડાતી રમતો જ રમતી હતી એનું ભાન થતાં એણે એ નિયમોના કૂંડાળાની બહાર પગ મૂકવાનું સાહસ કર્યું. પોતે માત્ર વંશવેલો વધારવાનું માધ્યમ નથી, વેતન વગરની ગુલામ નથી, એને માત્ર દેહ કે માત્ર આત્મા નથી પણ દેહ અને આત્મા બેઉ છે એવું સમજતી થયેલી સ્ત્રી પોતીકી ઈચ્છા, ઝંખના, અસંતોષ વ્યક્ત કરતી થઈ. જરૂર પડ્યે શોષણ કે અન્યાય સામે અવાજ ઉઠાવતી થઈ. નોકરી કરતી સ્ત્રીએ આર્થિક રીતે પગભર થવાને કારણે પુરુષપ્રધાન સમાજે પહેરાવેલી ગુલામીની ધૂંસરી ફગાવી દેવાની હિંમત કરી. સ્ત્રી બદલાઈ છે, પોતાના અસ્તિત્વ પરત્વે સભાન થઈ છે પણ નઘરોળ સમાજ કે પુરુષનું સામંતશાહી માનસ લગભગ હતાં એવાં ને એવાં જ રહ્યાં હોવાને કારણે સ્ત્રીના ભાગે સંઘર્ષ વધ્યો છે. ઉંબર બહાર પગ મૂકતી સ્ત્રી પુરુષપ્રધાન વ્યવસ્થાતંત્રમાં કયા પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે એ પણ હવે નિરૂપાયું છે. પોતાની નૈસર્ગિક પ્રકૃતિને કારણે જતું કરતી, સમાધાનો કરતી સ્ત્રીનું આલેખન પણ હવે થાય છે. સ્ત્રીના મૂળભૂત પ્રશ્નો ઉપરાંત બળાત્કાર, ઘરેલું હિંસા, છેડતી, એકલતા, અસલામતી, લગ્નેતર સંબંધો જેવા પ્રમાણમાં ઓછા સ્પર્શાતા પ્રશ્નોને ઘણા બધા વાર્તાકારો કળાના ધોરણે આલેખતા થયા.

માનસિક તરંગલંબાઈ શોધતી થયેલી, મેધાવી, માનિની સ્ત્રીએ એકલા રહેવાનું પસંદ કર્યું. પણ મૂળભૂત રીતે સ્ત્રીનું સંવેદનતંત્ર એકલા રહેવા માટે ટેવાયેલું નથી. ઘર-બાળક-સ્નેહ-હૂંફની ઝંખના એની નૈસર્ગિક પ્રકૃતિ હોવાને કારણે લગ્નેતર સંબંધોનું પ્રમાણ વધ્યું. પ્રેમ કે સ્નેહ જે કહીએ તે ક્યારે, કઈ વ્યક્તિ સાથે થશે એની કોઈ આગોતરી આગાહી તો કરી શકાતી નથી. પણ આવો સ્નેહ જ્યારે પરિણિત પુરુષ સાથે થાય ત્યારે સામાજિક સ્તરે જતું કરવાનું, લાગણીના સ્તરે શોષાવાનું સ્ત્રીના ભાગે જ આવે છે. લગ્નેતર સંબંધોની સંકુલતા, તેના પરિણામે વેઠવી પડતી પીડાના વિવિધ આયામ પ્રગટ કરતી સારી વાર્તાઓની સંખ્યા ’90 પછી વધી. હિમાંશી શેલતની ‘ઈતરા’ કે ‘અવલંબન’ કે વીનેશ અંતાણીની ‘સત્તાવીશ વર્ષની છોકરી’ વાર્તાઓમાં આવી ઈતરા સ્ત્રીની પીડા આલેખાઈ છે. જે સંબંધને કોઈ ભવિષ્ય જ નથી એવો સંબંધ જાળવવા સ્ત્રી બધું જ હોડમાં મૂકી બેસે છે જ્યારે પુરુષ ગૃહસ્થી જાળવીને, તક મળ્યે, સમય મળ્યે આ સંબંધ નિભાવે છે. સમાજની સ્વીકૃતિ વગરનો સાવ સાચૂકલો પ્રેમ સ્ત્રીને મૂંઝવે છે, પ્રશ્નોની વણઝાર એને થકવી દે છે. સ્ત્રી જેને ચાહે છે એને દુ:ખી પણ નથી કરી શકતી, છોડી પણ નથી શકતી. એટલે તેના ભાગે નર્યા સમાધાનો, પીડા અને હતાશા સિવાય ભાગ્યે જ કશું આવે છે. પ્રવીણસિંહ ચાવડાની સાત-આઠ વાર્તામાં લગ્નેતર સંબંધના વિવિધ આયામ વ્યક્ત થયેલ છે. હિમાંશી શેલતની ‘અગિયારમો પત્ર’ કે હરીશ નાગ્રેચાની ‘એન અફેઅર’ લગ્નેતર સંબંધની સાવ નિરાળી વાર્તા છે એ તો ખરું પણ આમાં જે નારી છે તેવી કદી કલ્પી હતી ખરી?

ગુજરાતમાં સામાજિક સ્તરે અને સાહિત્યિક સ્તરે નારીની છબિ બદલવામાં કુંદનિકા કાપડિયાની ‘સાત પગલાં આકાશમાં’ નો ઘણો પ્રભાવ રહ્યો. ઈલા આબ મહેતાની ‘બત્રીસ પુતળીની વેદના’ નવલકથાની કલાત્મકતાની દૃષ્ટિએ ચડિયાતી હોવા છતાં પ્રભાવક તો ‘સાત પગલાં આકાશમાં’ જ રહી. કુંદનિકા કાપડિયાની વાર્તા-નવલકથા બેઉમાં નારીમુક્તિનો કે વિદ્રોહનો સૂર ઘણો બોલકો બનીને પ્રગટે છે. સમસ્યાનું તાર સ્વરે થયેલું કથન અને ભાષણ લાગે તેવો સર્જક આક્રોશ કૃતિને કલાત્મક ઊંચાઈએ પહોંચવા નથી દેતો. જો કે એક વાત છે કે કુંદનિકા કાપડિયાના કથાસાહિત્યમાં માત્ર સમસ્યા, અન્યાય કે શોષણના ચિત્રો પાસે આ વાત અટકી નથી જતી. એમાંથી બહાર આવવા મથતી, પુરુષની અંતિમ સત્તાનો વિરોધ કરતી, જરૂર પડ્યે માથું ઊંચકતી સ્ત્રીઓ એમની વાર્તાઓમાં વધારે છે. ‘બત્રીસ પુતળીની વેદના’માં પિતૃસત્તાક સમાજે અને ધર્મસત્તાએ ભેળા થઈને સ્ત્રીની જે દુર્દશા કરી છે તેના લગભગ દરેક પાસાંની વાત થઈ છે. પુરુષને અનુરાધા ગુપ્તા નામની સ્ત્રીસર્જકની જરૂર નથી. એને તો એક સામાન્ય ગૃહિણી જોઈએ જે એની ઘરગૃહસ્થી સંભાળે, પોતા માટે સરસ તૈયાર થાય, પોતાની આસપાસ ગરબા લેતી રહે બસ. પત્નીની આગવી ઓળખ હોય, એ પતિથી વધારે કમાતી હોય, પાંચમાં પૂછાતી હોય તો પતિને એની સામે પ્રશ્નો થાય છે. પાંચ-સાત નારીપાત્રોની સમસ્યાઓના કોલાજ વડે લગભગ સમસ્યાને આવરી લેતી આ નવલકથા પ્રતિબદ્ધ રહીને પણ કલાત્મક બની શકી છે.

ધીરુબહેન પટેલ સ્ત્રીના મનોવિશ્વને ઝીણી નજરે અવલોકી એના મનના અંધારા ખૂણાઓમાં અટવાતી ગોપિત ઝંખનાઓને બખૂબી આલેખી શકે છે. નારીના સંવેદનાવિશ્વને આગવી રીતે અવલોકતાં ધીરુબહેન તટસ્થપણે નારીનાં બે રૂપ – કાદંબરીની મા અને સાસુ જેવાં આલેખી શક્યાં છે. ‘આંધળી ગલી’માં મોટી ઉંમરે એકલી રહી ગયેલી સ્ત્રીના આંતરમનને ઉકેલતાં ધીરુબહેન ‘હુતાશન’માં વહુથી ત્રસ્ત સાસુની વાત પણ કરી શક્યાં છે. એમના કથાસાહિત્યમાં નારીની એકાંગી કે એકરંગી છબિ નથી. સ્ત્રીની બીબાંઢાળ છબિનો ધીરુબહેને હંમેશા ઈન્કાર કર્યો છે. એમની સ્ત્રી ન તો સામાન્યા છે ન તો અનન્યા. એ જેવી હોવી જોઈએ તેવી છે. પોતાની વ્યક્તિતા અને અસ્મિતા સમેત. સ્ત્રીમુક્તિનો ઝંડો કદી નથી પકડ્યો તોયે ધીરુબહેન સ્ત્રીના વિશિષ્ટ પોતને આલેખી શક્યા છે. એમની ‘અરુન્ધતી’માં સમય સાથે નારીછબિ કેટલી બદલાઈ છે તે જોઈ શકાય છે તો ‘દીકરીનું ધન’માં બિલકુલ નથી બદલાઈ તે પણ જોઈ શકાય છે. ધીરુબહેનની ‘દીકરીનું ધન’, વર્ષા અડાલજાની ‘એક સાંજે’, હરીશ નાગ્રેચાની ‘ખીંટી’ વાર્તાઓમાં દેખાતું સ્ત્રીના શોષણનું સામાજિક પાસું આપણને ઘણા ઘરોમાં જોવા મળશે. બદલાતા સમય સાથે, વધતા જતા ભણતર સાથે આ સમસ્યાએ વધુ ઊંડાં મૂળ નાખ્યાં છે એવું લાગે. કમાતી દીકરીની કમાણી ઘર માટે એટલી હદે જરૂરી હોય કે મા-બાપ એની વધતી જતી ઉંમર સામે આંખ મીંચી લે છે. આવું માત્ર શહેરમાં થાય છે એવું નથી એ નવનીત જાનીની ‘સ્થાપન’ વાર્તા સમજાવે છે.

બદલાતા સમય સાથે સ્ત્રીના પ્રશ્નો બદલાય એટલે એની સાહિત્યમાં આલેખાતી છબિ પણ બદલાય. સ્ત્રીના ભણતરે, એની મેધાએ, આર્થિક સ્વાતંત્ર્યે હવે સ્ત્રીને સમાધાન કરતી અટકાવી. હવે માત્ર એકલતાના ઉપાય તરીકે, ગમે તે વર સાથે ગોઠવાઈ જવાનું સમાધાન તે નથી સ્વીકારતી. સ્ત્રી માટે લગ્ન કરતાં કારકિર્દીનું મહત્ત્વ વધારે છે એવું ‘ઉડાન’ વાર્તામાં સ્પષ્ટ શબ્દોમાં કહેતા હરીશ નાગ્રેચા ‘સ્ત્રી માટે પુરુષ અનિવાર્ય હોઈ શકે, પતિ નહીં’ એવું એક વાર્તામાં કહે છે. પોતા જેવો પુરુષ ન મળે તો એકલા રહેવાનું પસંદ કરતી સ્ત્રીની છબિ વાર્તાએ વધારે ઝીલી છે. દા.ત. રમેશ દવેની ‘ગઢ ઉંબર’ કે કંદર્પ દેસાઈની ‘સોળ અને સોળ અને...’માં મોટી ઉંમરની એકલી સ્ત્રીની પીડા આલેખાઈ છે. માવજી મહેશ્વરી ‘પવન’ વાર્તામાં મોટી ઉંમરે એકલી રહી ગયેલી સ્ત્રીની ભીંસી નાખતી એકલતાને, એની ભેંકાર જિંદગીને પ્રભાવક રીતે આલેખે છે. આની સામે 62મે વર્ષે કાળજી લેતો પુરુષ મળે ને ભેંકાર જિંદગી ફરી ખીલી ઉઠે તેવું ચિત્ર કંદર્પ દેસાઈની ‘લૉટ ઑફ થૅન્ક્સ’ વાર્તામાં ઝિલાયું છે તે પણ સમાજના બદલવાનું પરિણામ છે.

વર્ષા અડાલજાની ‘ગાંઠે બાંધ્યું આકાશ’, અનિલ વ્યાસની ‘ખૂણો’ કે ‘ચચરાટ’ વાર્તાઓમાં કુટુંબ માટે ઘસાવામાં, પોતા માટે જીવવાનું ભૂલી ગયેલી સ્ત્રીઓની વાત છે. આખી જિંદગી ગોલાપામાં કાઢનાર, બદલામાં નર્યા અપમાનો, અવમાનના પામનારી આ સ્ત્રીઓ કદી પ્રશંસા કે સ્નેહના બે બોલ પામી નથી. ને તોય પતિના મૃત્યુ પછી આવી પડેલી સ્વતંત્રતા એમને અકળાવી મૂકે છે. જાણે કે ધૂંસરીની ટેવ પડી ગઈ છે. જો કે વર્ષા અડાલજાની ‘ગાંઠે બાંધ્યું આકાશ’ વાર્તાની નાયિકા તમામ બંધનોથી જાતને મુક્ત કરી પોતીકું આકાશ શોધી શકી છે. વર્ષા અડાલજા કે ઈલા આરબ મહેતાની વાર્તા-નવલકથામાં લગ્ન તૂટવાથી જિંદગીનો અંત આવે છે એવું સ્ત્રી નથી માનતી. દા.ત. ઈલા આરબની ‘વિસ્તાર’ કે વર્ષા અડાલજાની ‘અનુરાધા’. વર્ષા અડાલજાના કથાસાહિત્યમાં એકલા રહેવાનું પસંદ કરતી, દીકરીના ભોગે દીકરો ન જોઈએ એવું પતિનો તમાચો ખાઈને પણ કહી શકતી, પતિના હાથ ઉપાડવા સામે પોલિસમાં ફરિયાદ કરતી નારી છે. એમની નવલકથાઓમાં પણ પોતીકાપણું હાંસલ કરતી નારીઓ છે. ગાંઠે બાંધેલું આકાશ, વિહરવા માટે જાતે જ મેળવવું પડે એવું જાણે કે એમની નારી સમજી ગઈ છે. વર્ષા અડાલજાના કથાસાહિત્યમાં સ્ત્રી એના શોષકો સામે માથું ઊંચકે છે, વિદ્રોહ કરે છે. પણ તોડી નાખું, ફોડી નાખું પ્રકારનો વિદ્રોહ નથી એમનો. શોષકને સ્તબ્ધ કરી દે એવો સાવ ટાઢોબોળ વિદ્રોહ છે. એમના વિરોધમાં દુનિયા બદલી નાખવાના ધખારા નથી. માત્ર દૃઢતાથી, પોતાના વજૂદને, પોતાની લાગણીને, પોતાની વાતને સામો પક્ષ સમજે, સ્વીકારે એવી આ સ્ત્રીની કોશિશ છે. પોતાના માટે જીવવાનું ભૂલી ગયેલી આ સ્ત્રી પરિસ્થિતિ સામે હથિયાર નાખી દેવાને બદલે, સમાધાનમાર્ગી બનવાને બદલે, માથું ઊંચકે છે. ‘બસ બહુ થયું, હવે વધારે નહીં’ એવો દૃઢ નિર્ધાર એમના વર્તન દ્વારા પ્રગટ થાય છે. ‘ઘંટી’, ‘શાંતિ’, ‘ગાંઠે બાંધ્યું આકાશ’ કે ‘નામ : નયના રસિક મહેતા’ની આ નાયિકાઓના હળવા નકારથી કે જરાક અમસ્તા વિરોધથી શોષક વર્ગને ભારે આંચકો લાગે છે. એમના માટે આવો નકાર કે વિરોધ બિલકુલ જ અપ્રત્યાશિત હતો. પુરુષ બહારની દુનિયામાં સફળ હોય, દુનિયા એની વાહવાહી કરતી હોય ત્યારે એને પોતાના બાળકો કેવી રીતે મોટાં થયાં, એમના ઉછેર પાછળ પત્નીએ શું શું જતું કર્યું એ બધા વિશે વિચારવાનો સમય નથી હોતો. સંતાનોને પણ સતત પોતાની પાછળ દોડતી માને બદલે પિતાનો હોદ્દો-પૈસા વધારે આકર્ષે છે એ વાત વર્ષા અડાલજાની પાંચેક વાર્તામાં કહેવાઈ છે. હંમેશા વંશવૃક્ષ દીકરાઓના જ કેમ? દીકરીઓ કે મમ્મીઓનું વંશવૃક્ષ કેમ નહીં? દીકરીએ વંશ નથી ચાલતો એવું માનનારો સમાજ સાત પેઢીના વંશવૃક્ષ ભીંતે ઝુલાવે છે. માતૃપક્ષની બે પેઢીની સરખી વિગતો નથી મળતી એની વાત ‘મમ્મીનો આંબો’ વાર્તામાં થઈ છે. ઘર બહાર, રસ્તા પર કે ઑફિસમાં સ્ત્રીઓને શાબ્દિક કે શારીરિક છેડતીનો વારંવાર ભોગ બનવું પડે છે. ઈલા આરબની ‘શમિક તું શું કહેશે?’ની નાયિકા જાણે છે કે આવી મુશ્કેલીઓનો ઉકેલ જાતે જ શોધવો પડશે.

પરિવેશથી કે ભણતરથી સ્ત્રીના શોષણ કે એને થતા અન્યાયમાં બહુ ઝાઝો ફરક નથી. પડ્યો. વિરોધ કે વિદ્રોહનો આધાર જે તે નારીની સ્વકીયતા પર, આંતરસત્વ પર છે. કિરીટ દૂધાતની ‘બાયું’ વાર્તામાં સૌથી અણઘડ ગણાતી સ્ત્રી દ્વારા વિરોધ વ્યક્ત થયો છે. મોહન પરમારની ‘થળી’ વાર્તામાં દલિત સ્ત્રી ગામના દરબારને પાઠ ભણાવી શકી છે. તો એની સામે હરીશ નાગ્રેચાની ‘એ’ વાર્તાની ભણેલી કમાતી નાયિકા ચૂપચાપ પતિનો માર ખાઈ લે એટલી હદે દબાયેલી છે. મણિલાલ હ. પટેલની ‘મગન સોમાની આશા’ વાર્તાની આશા જે સમાજમાં જીવે છે ત્યાં એનો વિદ્રોહ બહુ મોટી વાત છે. અનામતને કારણે સ્ત્રી સરપંચ થાય તો પણ વહીવટ તો પતિ કે સસરા જ ચલાવે એ આપણે ત્યાં ગામેગામની સચ્ચાઈ છે પણ કમલેશ પટેલની ‘સહી’ વાર્તાની ભણેલી નાયિકા આ સચ્ચાઈને ખોટી પાડે છે. આ બદલાયેલી છબિ છે. એ દિવસ દૂર નથી જ્યાં ભણેલી સ્ત્રી પુરુષ કહે ત્યાં સહી કરવાની ના પાડે.

આજે બદલાયેલા જીવનસંદર્ભે વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો બદલાયા છે ત્યારે સ્ત્રી સમસ્યામાં, એનાં શોષણમાં બદલાવ આવ્યો છે ખરો? સ્ત્રી સાચા અર્થમાં સ્વતંત્ર થઈ છે ખરી? સાચા અર્થમાં એ પોતાની મરજીની માલિક છે ખરી? દેહથી પર થઈ એના અસ્તિત્વનો સ્વીકાર થાય છે ખરો? પુરુષનો અહમ્, સ્ત્રી પરનો એનો માલિકીભાવ, એનું સામંતશાહી માનસ લેશમાત્ર નથી પલટાયા એ હરીશ નાગ્રેચાની ‘કૂલડી’, ‘કૅટવૉક’ અને ‘કૂબો’ વાર્તા પરથી જોઈ શકાશે. 21મી સદીના આરંભે પણ દેહથી પર થઈને સ્ત્રીના અસ્તિત્વનો સ્વીકાર નથી થતો એ ‘કુલડી’ વાર્તામાં જોઈ શકાય છે. તો કોમી તોફાનોમાં હજીયે બદલો લેવા સ્ત્રીદેહનો જ ઉપયોગ થાય છે એ હિમાંશી શેલતની ‘સજા’ વાર્તા કહે છે. સ્ત્રી જે ઘર માટે જિંદગી ઘસી નાખે, જીવનભરની કમાણી વાપરી નાખે તોય એ જ ઘરમાં પોતાની બેનપણીને આવકારવા કે રાખવા એણે એના પતિની મરજી જાણવી પડે, મંજૂરી લેવી પડે તો એ ઘર એનું કંઈ રીતે કહેવાય? ‘કૂબો’ વાર્તામાં નિરૂપાયેલી આ સમસ્યા જરાય નવી નથી ને આજે સુધરેલા સમાજ અને બદલાયેલાં આર્થિક અને સામાજિક મૂલ્યો વચ્ચે પણ આ સમસ્યા તો એવી ને એવી જ છે. સ્ત્રીનું ખરું ઘર કયું? આ પ્રશ્ન વર્ષા અડાલજાની ‘અનુરાધા’, હરીશ નાગ્રેચાની ‘કૅટવૉક’ વગેરે વાર્તાઓમાં પણ પૂછાયો છે અને આ વાર્તાઓ બધી 21મી સદીમાં લખાઈ છે. ‘કૅટવૉક’ વાર્તાની સંજનાને એનો થનાર પતિ સૌન્દર્યસ્પર્ધામાં ભાગ લેવા બાબતે ‘પસંદગી તારી’ એવું કહે ત્યારે સાથે ઉમેરે છે ‘ઈચ્છા હોય તો જરૂર ભાગ લે તું. ઈન એની કેઈસ આઈ વિલ નોટ બી ધ લૂઝર ! જીતશે તો મારી મિલના ટેક્સટાઈલની તું સુપર મોડેલ બનશે અને ભાગ નહીં લે તો મારી પત્ની ! પસંદગી તારી...’ પુરુષ ‘પસંદગી તારી’ કહે ત્યારે આ રીતે કહે. દરેક દીકરીને ‘તારા પપ્પાને પૂછીને કહીશ’ એવો માનો જવાબ મોટા થયા પછી જ સમજાય છે. 24 વર્ષ પછી પણ જો પિતાનું ઘર હજી માનું નથી થયું છતાં મા સંજનાને ‘તારે ઘેર જઈને જે કરવું હોય તે કરજે...’ કહે ત્યારે પ્રશ્ન થાય કે સ્ત્રીને ખરેખર પોતાનું કોઈ ઘર હોય છે ખરું કે એ હંમેશાં પારકા ઘરે રહેવા જ જન્મી છે? એના વતી હંમેશાં બીજા લોકો જ નિર્ણય લેવાના હોય તો સ્ત્રીની પોતાની પસંદગી, નિર્ણયશક્તિનું શું? સ્ત્રી નિર્ણય લેતી થાય, માથું ઊંચકતી થાય એ સાથે જ પુરુષનું પ્રેમાળ વર્તન બદલાઈ જાય છે. ફરજના, પ્રેમના ઓઠા હેઠળ દૃશ્ય-અદૃશ્ય પાશ નંખાયેલા છે જ. જ્યાં સુધી એ પાશ ન તોડો ત્યાં સુધી એ પ્રેમાળ, હૂંફાળું જગત ટકી રહે છે પણ જેવી સ્ત્રી એ પાશ તોડીને બહાર ડગલું દેવાની કોશિશ કરે છે એ સાથે જ ભ્રાંતિનું વિશ્વ વિખેરાઈ જાય છે અને ‘મારા ઘરમાં રહેવું હોય તો...’ વાળી વરવી ધમકી સાંભળવી પડે છે. આ બાબતે સમાજ જરાય નથી બદલાયો એટલે નારીની છબિ પણ નથી બદલાતી એ કબૂલ્યા પછી કહેવું પડે કે ‘કૂબો’ વાર્તાની કુંજ નક્કી કરે કે પોતે દીકરીને લગ્નમાં સાડી-ઘરેણાંને બદલે એના નામે ઘર લેવા પૈસા આપશે ત્યારે હાશ થાય કે ચાલો, એક સ્ત્રીએ તો નિર્ણય લીધો.

સ્ત્રી દુ:ખી હોય, એનું અપમાન કે શોષણ થતું હોય તો જ સમસ્યા કહેવાય એવું નથી. એના સ્ત્રી હોવાને કારણે જે સૂક્ષ્મ સ્તરની સમસ્યાઓ એને કનડે છે એનું આલેખન હવે ધીરે ધીરે થઈ રહ્યું છે. આને હું બદલાતી છબિ નહીં કહું પણ સ્ત્રીના આવા સૂક્ષ્મ પ્રશ્નો પરત્વે હવે સાહિત્યકારોનું ધ્યાન ખેંચાયું છે એમ કહીશ. દા.ત. બીજાના જીવનને બદલી શકવાની તાકાત ધરાવતી સ્ત્રી પોતાની જિંદગીમાં કંઈ નથી કરી શકતી કારણ કે પરણ્યા પછી સાવ જુદા વિશ્વમાં, જુદી જવાબદારીઓ સાથે જતી સ્ત્રી પોતાની મરજી પ્રમાણે જીવી નથી શકતી. લગ્ન પછી ઘર અને બાળકોની જવાબદારી સ્ત્રીને સાવ બદલી નાખે છે. આ વાત અંજલિ ખાંડવાળાની ‘શક્તિપાત’ અને પારુલ દેસાઈની ‘ભણકાર’ વાર્તામાં થઈ છે. રવીન્દ્ર પારેખની ‘લટહુકમ’ હળવાશથી આ વાત કહે છે. સારાં સાસરિયાં મળે છતાં સ્ત્રીની જિંદગી લગ્ન પછી ધરમૂળથી બદલાઈ જાય છે એ આપણી સામાજિક હકીકત છે. બિંદુ ભટ્ટની ‘આડા હાથે મૂકાયેલું ગીત’, પૂજા તત્સત᳭ની ‘તાવ’, હિમાંશી શેલતની ‘એકાંત’ વાર્તાઓમાં આ વાત ફરિયાદરૂપે નથી કહેવાઈ પણ એક માહોલમાંથી બીજા માહોલમાં જતી દીકરીને કેટકેટલાં સમાધાનો કરવાના થાય છે તે અહીં કહેવાયું છે. સ્ત્રી પ્રેમવશ, પ્રકૃતિવશ સદીઓથી ઘણુંબધું છોડતી જ આવી છે પણ એકાદી ક્ષણે કંઈક ખોવાઈ ગયાની, કશુંક ગુમાવ્યાની લાગણી એને પીડે છે એ વાત છેક હવે આલેખાઈ.

મોટાભાગે આપણા સમાજમાં સ્ત્રીને પણ ઈચ્છા હોઈ શકે, પસંદગી હોઈ શકે, એ પણ જાતીય જીવનમાં અસંતુષ્ટ હોઈ શકે, જાતીય અતૃપ્તિથી પીડાતી હોઈ શકે, એ પણ સ્પર્શની ઈચ્છા જણાવી શકે અથવા નકારી શકે એવું કોઈ સ્વીકારતું જ નથી. જો કે હવે બદલાતા સમય સાથે સ્ત્રીદેહનો, તેના આવેગોનો સ્વીકાર થતો થયો છે. રમેશ દવેની ‘શબવત્’, હર્ષદ ત્રિવેદીની ‘આઢ’ જેવી વાર્તાઓ એના ઉદાહરણો છે. બિંદુ ભટ્ટની ‘મીરા યાજ્ઞિકની ડાયરી’ સજાતીય સંબંધની વાત કરે છે. એટલે એવું કહી શકાય કે જ્યાં સમાજ નથી સ્વીકારતો ત્યાં પણ સાહિત્યકાર સ્ત્રી બાબતે ઉદાર થઈને એની ઈચ્છાઓ, અસંતુષ્ટિ કે સજાતીય સંબંધનો સ્વીકાર કરતો થયો છે. ભ્રૂણહત્યા દ્વારા જીવનના સાતત્ય આડે હાથ દેવાતા જઘન્ય પ્રયાસો સામેનો આક્રોશ કંદર્પ દેસાઈની ‘ખાલી ફ્રેમ’માં કલાના ધોરણે તો હિમાંશી શેલતની ‘ગર્ભગાથા’માં જરાક બોલકી રીતે પ્રગટ તો થયો છે.

ઘર આખાના દરેક પ્રકારના કામ ઊગતાથી આથમતા સુધી ઘસડતી સ્ત્રીને એ કામનો જશ મળવો તો દૂર રહ્યો પણ સરકારી કાગળોમાં તો ‘એ કંઈ નથી કરતી’ જ કહેવાય છે. રવીન્દ્ર પારેખે એમની નવલકથા ‘લટહુકમ’માં હળવી રગે આ પ્રશ્નની ચર્ચા કરી છે. પુરુષપ્રધાન સમાજની પરંપરાગત માન્યતા જ એવી બંધાઈ છે કે સ્ત્રીના ગૃહકાર્યનું એ મહત્ત્વ નથી સ્વીકારતો પણ જો એ જ કામ એને કરવાના થાય તો સ્ત્રી કેવી રીતે દરેક કામને પહોંચી વળતી હશે એ એને સમજાય છે. ‘જળદુર્ગ’ (1984)માં સ્ત્રીને, શરીરથી શરીર ઉત્પન્ન કરવાનું સાધન માત્ર માનતા નીલ અને પ્રતીક સામે વિફરતી આભા પોતાના માતૃત્વ અને સ્ત્રીત્વનો છેદ ઉડાડતા અચકાતી નથી. સ્ત્રી એટલે માત્ર શરીર અને એથી વિશેષ કશું નહીં એવું માનનારા બંને પુરુષ સાથે બદલો લેવાનો ખુંખાર રસ્તો અપનાવતી આભા સ્ત્રીત્વના ભોગે પણ બંને પુરુષને કદી ન ભૂલે એવો પાઠ ભણાવે છે. ‘અતિક્રમ’ (1984) માં રવીન્દ્ર પારેખ બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીની માનસિક હાલત આલેખે છે. 1980 પહેલાં બળાત્કારનું પ્રમાણ ઓછું હશે કે સ્ત્રીને ખમી ખાવાની ફરજ પડાતી હશે? કારણ સ્ત્રી પર થતા બળાત્કારને વિષય બનાવતી વાર્તાઓ કુંદનિકા કાપડિયા, વર્ષા અડાલજા, હિમાંશી શેલત, હરીશ નાગ્રેચા કે પછીના ઘણા વાર્તાકારો પાસેથી 75-80 પછી મળે છે. મનોહર ત્રિવેદીની ‘જલમટીપ’ની નાયિકા નીચલા વરણની છે પણ એની નૈતિક અને શારીરિક તાકાતની સામે લાળ પાડતા પુરુષો ઝાંખા પડી જાય છે. કુંદનિકા કાપડિયાની ‘તો?’માં બાંગ્લાદેશના યુદ્ધ સમયે અનેકના બળાત્કારનો ભોગ બનેલી, સગર્ભા સુજાતા વિચારે છે, પતિ જીવતો હોત તો પોતાને સ્વીકારત ખરો? વર્ષા અડાલજાની ‘બળાત્કાર’ વાર્તાની મયૂરી સમજી ગઈ છે કે અજાણ્યો પુરુષ બળાત્કાર કરે તો સમાચાર બને પણ પરણેલો પતિ રોજેરોજ બળાત્કાર કરે તોય મૂંગા મોઢે વેઠવાનું જ હોય. બિંદુ ભટ્ટની ‘મંગળસૂત્ર’ની નાયિકા પણ આ સત્ય જાણે છે. વંદના ભટ્ટની ‘કીર્તિમંદિર’ વાર્તા પતિ દ્વારા થતા બળાત્કારની ઘટનાને સાવ જુદા જ સ્તરે રજૂ કરે છે. આજના દિવસે પણ આ સચ્ચાઈ સામે સ્ત્રી કશું નથી કરી શકતી. બળાત્કારોનું પ્રમાણ રોજેરોજ વધતું જાય છે પણ એની સામે કોઈ એવો ઊહાપોહ ફાટી નથી નીકળતો. થોડોઘણો વિરોધ શહેરોમાં થાય છે. ગામડાઓમાં, દલિત-આદિવાસી પર થતા બળાત્કારોના સમાચાર પણ ભાગ્યે છપાતા હશે. મોહન પરમારની ‘થળી’ની નાયિકા આ બાબતે જરાક નોખી. પુરુષોના ખિખિયાટા અને સ્ત્રીઓના ઘાતક મૌન વચ્ચે ‘સજા’ વાર્તાની નાયિકાનો વિરોધ ભલે વાંઝિયો ઠરે, પણ જ્યારે બધા જ માટીપગા થઈ ગયા હોય, લાચારીથી કે સંમતિથી મૂંગા રહેવાનું પસંદ કરતા હોય ત્યારે એક ગૃહિણી આવો વિરોધ કરે એનાથી હાશકારો અનુભવાય. રમેશ દવેની ‘ખંડિયેર’ વાર્તામાં બળાત્કાર નથી થયો છતાં સ્ત્રીના ભાગે વેઠવાનું આવે છે. સાસરેથી પાછી આવેલી નણંદ ભાભીને રસોડામાં કશે અડવા નથી દેતી. સસરા ‘એઠું ઠોબરું’ કહે ત્યારે માનવું પડે કે સ્ત્રીના ચારિત્ર્યને, વ્યક્તિત્વને દેહ સિવાય જાણે કે કશું હોતું જ નથી. લગ્નેતર સંબંધમાં બીજી સ્ત્રી પાસે જતો પુરુષ અપવિત્ર કે એંઠો નથી થતો. આજે પણ પવિત્રતા, આબરૂ, એંઠા થઈ જવું એ સ્ત્રીને જ લાગું પડે છે. આ બાબતે સ્ત્રીની છબિ જરાય નથી બદલાતી કારણ આ બાબતે સમાજ લેશમાત્ર નથી બદલાયો. યુદ્ધ હોય કે કોમી તોફાનો, વિયેતનામ હોય કે અફઘાનિસ્તાન, બંગાળ હોય કે ગુજરાત સૌથી વધું વેઠવાનું – શારીરિક અને માનસિક બેઉ સ્તરે સ્ત્રીઓના ભાગે જ આવે છે. કમળાબેન પટેલે ‘મૂળ સોતાં ઊખડેલાં’માં લખ્યું છે કે,‘...સ્ત્રીઓ પર અમાનુષી અને હીન કહી શકાય એવા જુલમ ગુજારવામાં મુસ્લિમ કે બિનમુસ્લિમ કોઈ એકબીજાથી ઉણા ઉતર્યા ન હતા.’ ર.વ. દેસાઈની ‘બાળહત્યા’ વાર્તામાં બળાત્કારના પરિણામે જન્મેલાં બાળકને મારી નાખતી મા અદાલતમાં ન્યાયાધીશને કહે છે : ‘મારું મુસ્લિમ નામ ખદીજા અને હિંદુ નામ પાર્વતી. એક પેગંબરની પત્નીનું નામ, એક મહાદેવની પત્નીનું નામ.’ તોય બેઉ ધર્મના પુરુષોએ એના પર બળાત્કાર ગુજાર્યો. પરિણામે જન્મેલાં બાળકને સ્ત્રી મારી નાખે છે. સમાજ વતી ન્યાયાધીશ તો સ્ત્રીએ મરી જવું જોઈએ એવું કહે છે. શરીર અને મનથી વેઠ્યા પછી સમાજ તરફથી પણ સ્ત્રીને જ સજા મળે છે. સામાજિક આબરૂનો બધો ભાર ગઈ કાલે પણ સ્ત્રીના ખભે હતો ને આજ પણ સ્ત્રીના ખભે જ છે. આવતી કાલે પણ આમાં કશો ફેર પડે એવું લાગતું નથી.

આપણો સર્જક હવે Typical ભારતીય આર્યનારીના આલેખનમાંથી બહાર નીકળતો થયો છે. એના આગવા વ્યક્તિત્વનો સ્વીકાર કરતો થયો છે. વીનેશ અંતાણીની ‘સ્ત્રી નામે વિશાખા’ વાર્તામાં વિશાખાએ પતિનું ઘર છોડ્યા પછી પોતીકી બુદ્ધિથી ધંધો વિકસાવ્યો અને આગવી ઓળખ ઊભી કરી છે. હવે વર્ષો પછી પતિને જરૂર પડી છે ત્યારે એ વિશાખાને બોલાવે છે. પણ વિશાખાનો જવાબ છે ‘તમે આવી શકો છો મારા ઘરે... મારા ઘરના દરવાજા ખુલ્લા છે.’ ‘હું નહીં આવું.’ કહેવા જેવી ખુદ્દાર સ્ત્રી હવે દેખાય છે.

હવે સ્ત્રી માત્ર શિક્ષિકા હોય કે નર્સ હોય એ વાત ભૂતકાળ બની ચૂકી છે. ચંદ્રકાંત બક્ષીની ‘અનાર’ કે હરીશ નાગ્રેચાની ગાર્ગી પુરુષો પર સત્તા ચલાવે એવા હોદ્દા પર છે. પોતાને યોગ્ય પુરુષ ન મળે તો આ સ્ત્રીઓ એકલાં રહેવાનું પસંદ કરે છે. આવી રહેલા સમય અને સમાજની આ આગાહી છે. જે ઝડપે સમાજમાં ભણતરનું સમીકરણ પલટાઈ રહ્યું છે એ જોતાં આગામી પચાસેક વર્ષોમાં ગાર્ગી અને અનાર જેવી સ્ત્રીઓની સંખ્યા મોટી હશે. જો કે આની સામે ભણતરને માત્ર વર શોધવાનો પરવાનો માનનારા વડીલો અને એવી માનસિકતા ધરાવતી સ્ત્રીઓની સંખ્યા જરાય ઓછી નથી. ધીરેન્દ્ર મહેતાની ‘ઘઉં વીણતી સ્ત્રીઓ’ વાર્તા પતિની દૃષ્ટિએ જેમના ભણતરનું કોઈ મહત્ત્વ નથી એવી ત્રણ ભણેલી સ્ત્રીની વેદનાને ઉકેલે છે. વરથી વધુ ન ભણાય એવા સામાજિક ધારાધોરણો હજુ આજેય વિદ્યમાન છે. સગાઈ કરવી હોય તો છોકરીએ પોતાનું ભણતર અધવચ્ચે છોડી દેવું પડે છે. મણિલાલ હ. પટેલની વાર્તાઓમાં આવી છોકરીઓની વેદના એક કરતાં વધુ વાર પ્રગટ થઈ છે. જે ભણી, પોતાપણું પામી, એને કાં તો બક્ષીની અનારની જેમ એકલા રહેવું પડે કાં હરીશ નાગ્રેચાની ગાર્ગીની જેમ પ્રશ્નો થાય. વર શોધવાની માથાફોડથી ત્રાસીને ગાર્ગી બોલી ઉઠે છે : ‘ન થાય તો શું કરું હું? ભરબજારે ઊભી રહું?’ એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે : ‘નર પૂરતો વર નહીં, હું સહભાગી છું, સુખનું સાધન નથી... આઈ એમ નોટ અ થિંગ. પહેલા હું સંવેદના છું, પછી મેધા. ફીમેલ તો છેલ્લે છું.’ એવું લાગે કે ગાર્ગી એના સમયથી આગળની છબિ રજૂ કરે છે કારણ કે હજી આજેય બહેનો આટલી હિંમત નથી કરતી.

પુરુષકેન્દ્રી સમાજરચનાએ અને પરિણામે સાહિત્યે સ્ત્રીને કાયમ ઘરના ખૂણે જ રાખી હોવાને કારણે કહેવાવા જેવું ઘણું મોડું કહેવાયું પણ ખૂણો છોડીને, ઉંબરા બહાર પગ મૂકી ચૂકેલી, પુરુષોના ઈજારા સમા ક્ષેત્રોમાં પ્રવેશી ચૂકેલી સ્ત્રીની બદલાતી જતી છબિ એની વિવિધરંગી ઝાંય સાથે ગુજરાતી કથાસાહિત્યે ઝીલી છે. ઓછું કમાતો પતિ વધારે કમાતી, વધારે લાયક પત્નીને નથી વેઠી શકતો એ હિમાંશી શેલતની ‘નાયકભેદ’ વાર્તા કે ઈલાબેનની ‘બત્રીસ પુતળીની વેદના’ નવલકથા કહે છે. સ્ત્રીની વધુ કમાણી પુરુષને કઠે છે, પત્નીનું પ્રમોશન એને ચચરે છે. વર્ષા અડાલજાની ‘સૂતરને તાંતણે’માં પણ પત્નીના પ્રમોશન સંદર્ભે એનો પતિ ‘નાયકભેદ’ની ચારુના પતિની જેમ હલકી શંકા કરે છે. આજે પણ સ્ત્રીએ કેટકેટલી રીતે પુરુષના અહમ᳭ને પંપાળવો પડે છે. સ્ત્રીએ પતિ વતી એના કુટુંબને, સગાસંબંધીઓને, મિત્રોને સાચવી લેવા પડતા હોય છે. ઘરમાં શાંતિ જળવાઈ રહે એ માટે મોટાભાગે સ્ત્રી જ જતું કરે છે. એની વાત હરીશ નાગ્રેચાની ‘એ’ કે ‘એન અફેઅર’ જેવી વાર્તાઓ દર્શાવે છે.

સ્વતંત્રતા આંદોલન નિમિત્તે સમગ્ર દેશમાંથી સૌથી વધુ ગુજરાતી સ્ત્રીઓએ ઘરનાં ઉંબરા ઓળંગેલા. પિકેટિંગ કરતી થયેલી ગુજરાતણે ધરાસણા સત્યાગ્રહમાં સામી છાતીએ લાઠીઓ ઝીલેલી. પણ આ શાંત, સરળ, અહિંસક, ગરવી, ગુણિયલ ગુજરાતણને એવું તે શું થયું કે 2002ના કોમી તોફાનોમાં એણે સક્રિય ભાગ લીધો? એની આ બદલાયેલી માનસિકતાને હિમાંશી શેલતે ‘સજા’ ઉપરાંત બીજી વાર્તાઓમાં ઝીલી છે. ભણતર વધ્યું, કાયદા વધ્યા છતાં સ્ત્રીના અમુક પ્રશ્નો એવા ને એવા જ રહ્યા. દા.ત. ઓનરકિલિંગ, જેની વાત હિમાંશી શેલત ‘નગર ઢિંઢોરા’ વાર્તામાં કરે છે. આખીયે માનવજાતનાં ઉદ᳭ભવસ્થાનને સંડોવતી ગાળો સામે કેમ કોઈ કશું નથી બોલતું? સ્ત્રીઓ આટલી હદની અવમાનના કઈ રીતે વેઠતી હશે? મા-બેનની ગાળો આપતા સમાજ સામે હિમાંશી શેલતની ‘ગોમતીસ્તોત્ર’ વાર્તા યોગ્ય પ્રશ્ન ઉઠાવે છે. દરેક ઉંમરની, ભણેલી કે અભણ સ્ત્રીને એનો દેહ પજવે છે. રસ્તે જતા-આવતા જેને મન થાય તે પુરુષ જ્યાં મન થાય ત્યાં અડીને જતા રહે. ઘરના નજીકના સગા, શિક્ષક, ઓળખીતાઓ વહાલના બહાને મન થાય ત્યાં હાથ ફેરવી લે. સ્ત્રી એટલે માત્ર શરીર અને બીજું કશું નહીં? આ પ્રશ્ન હિમાંશી શેલત, હરીશ નાગ્રેચા ઉપરાંત બીજા અનેકે પૂછ્યો છે.

પારુલ દેસાઈની ‘અરીસો’ વાર્તાની અતિશય રૂપાળી નિરાલીને ભીનેવાન ફોઈ કેમ બળીને મરી ગયાં હશે તે નાનપણમાં નહોતું સમજાતું પણ મોટા થઈને સમજાઈ ગયું કે સામેવાળા માટે પોતાની બુદ્ધિ કે હિંમત નહીં પણ રૂપાળો ચહેરો જ મહત્ત્વનો છે. આપણે માનીએ છીએ કે સમાજ બદલાઈ ગયો છે પણ એવું છે નહીં. સ્ત્રીને માપતો-નાણતો અરીસો એના રૂપ સિવાય કશું જોવા માંગતો જ નથી. એ વાત ગઈ કાલે જેટલી સાચી હતી એટલી જ આજેય સાચી છે ને કદાચ આવતી કાલે પણ સાચી જ હશે. ગઈ કાલની જેમ આજે પણ સ્ત્રીની મેધા નહીં પણ એના ઝાકળભીના નમણા ચહેરાનું જ મહત્ત્વ છે પુરુષ માટે.

નારીમુક્તિ કે સ્ત્રીહક્કની વાતો મોટાભાગે શિક્ષિત શહેરી વર્ગ સુધી મર્યાદિત રહી છે. પહેલાં પણ અને આજ પણ. પરંતું મોહન પરમારની ‘થળી’ની નાયિકા, કિરીટ દુધાતની ‘બાયું’ના ચંચળમા કે હિમાંશી શેલતની ‘મુઠ્ઠીમાં’ વાર્તાની ગિરજા પોતાની રીતે પુરુષને પહોંચી વળે છે. આ એમનું પોતીકું સત્વ છે. એમને કોઈ નારી જાગૃતિની વાતોની જરૂર નથી. ‘મુઠ્ઠીમાં’ વાર્તાની નાયિકા તો પુરુષના અહમ᳭ને સાચવી લેવા જતું કરવું જોઈએ એવું માનીને જતું કરે છે. પણ રામ મોરી ‘મહોતું’ વાર્તાસંગ્રહમાં જે વિસ્તારની વાત કરે છે ત્યાં તો હજી આજના દિવસે પણ સ્ત્રીએ ધણીનો માર ખાઈને પણ ઘર ચલાવવું, છોકરાં જણવાં અને સાસરે ટકી રહેવું એ જ સમજ છે સમાજની. એટલે સમાજનાં કયા સ્તરના લોકોમાં નારીછબિ બદલી છે એનો અભ્યાસ પણ જરૂરી છે.

થોડાક અંશે વણસ્પર્શ્યું રહી ગયેલું ક્ષેત્ર એટલે વેશ્યાજીવનને લગતી વાતો... બદલેલા સમય કે સમાજ સાથે વેશ્યાના જીવનમાં કોઈ પલટો આવતો દેખાતો નથી. દરેક વેશ્યા પહેલાં સ્ત્રી છે અને એનું વેશ્યા હોવું મોટાભાગે એની લાચારી જ હોય છે એ વાત સમાજ કદી નથી સ્વીકારતો. એટલે એ છબિ તો મંટોથી લઈને હિમાંશી શેલત સુધી એકસરખી જ રહી છે. હિમાંશી શેલતની ‘કિંમત’, ‘ખરીદી’ વગેરે વાર્તાઓ આ જ વાત કરે છે.

આમ તો સહકારી મંડળીઓ, બિનસરકારી સંગઠનો, સખીમંડળો વગેરેને કારણે હવે છેવાડાની સ્ત્રી પણ ધીમે ધીમે જાગી રહી છે. જો કે હજુ એમની વાતો સાહિત્યમાં ભાગ્યે જ પ્રવેશી છે. દારૂ પીતા પતિને કાઢી મૂકતી, મજૂરી કરી ઘર ચલાવતી સ્ત્રી રાત પડ્યે વળી પેલા દારૂડિયાને ઘરમાં આવવા દઈ જમાડતી હશે ત્યારે એને પોતાની જાત સાથે કેવી કારમી મથામણ કરવી પડતી હશે? હજુ એ મથામણને આલેખવાની બાકી છે. આ બીડીઓ વાળવાવાળી, વડી-પાપડવાળી, પડિયાં-પતરાળા બનાવવાવાળી, શેરડી-ભાત રોપનારી, ગગનચૂંબી ઈમારતોના ચણતરમાં મજૂરી કરનારી, દારૂની હેરાફેરી કરનારી હજારો સ્ત્રીઓને નારીમુક્તિ/નારીસ્વાતંત્ર્ય વિશે કશી ખબર નથી, એમની મથામણો તો ખબર નહીં ક્યારે આલેખાશે? મહેન્દ્ર પરમારની ‘પોલિટેકનિક’ વાર્તાએ સ્ત્રીઓના એક ઓર પ્રશ્ન સામે આપણું ધ્યાન દોર્યું જેની આપણે જાણતા હોવા છતાંય કાયમ અવગણના જ કરી હતી. ઘર અને નોકરી એમ બેવડા શોષણનો ભોગ બનતી નારીનો આક્રોશ હજુ એકેય સ્તરે નથી પ્રગટ્યો. આર્થિક સ્વાતંત્ર્ય, ઉજ્જવળ કારકિર્દી, પુરુષને પડકારતી બુદ્ધિશક્તિ ધરાવતી સ્ત્રીને પણ શારીરિક અસુરક્ષિતતાનો ભય મુંઝવે છે એનું શું કરીશું? કેમ સ્ત્રી પોતાનાથી ચડિયાતો પુરુષ શોધે છે? ઓછું ભણેલા પતિ પાસે વધુ ભણેલી, વધુ કમાતી સ્ત્રી કેમ વધારે ને વધારે દબાતી જાય છે? આ હરીશ નાગ્રેચાની ‘એ’માં પણ છે, ઈલાબેનની ‘બત્રીસ પુતળીની વેદના’માં પણ છે. સમુહમાધ્યમો અને વિશ્વબજારોની ચાલમાં ફસાયેલી સ્ત્રી આજે જે દિશામાં જઈ રહી છે – ઓછા વસ્ત્રો અને ચૂસ્ત દેહ, IPL માં ઉછળતા નારીદેહ, ટીવીના વરવા નૃત્યો કે શોમાં ભાગ લેતી સ્ત્રી કશી મથામણ અનુભવે છે કે એણે સ્વતંત્રતાનો આવો જ અર્થ કાઢેલો છે? એ આલેખવાનું બાકી છે. સારું કમાતી, દસ પુરુષોની બોસ હોય એવી સ્ત્રીને પણ રાતે એકલા બહાર જવામાં અસલામતી મૂંઝવે છે એનો આક્રોશ ધારો કે નિરૂપાય તોયે સમાજ થોડો જ બદલાવાનો છે? અભિમન્યુ આચાર્યની વાર્તાઓમાં સ્ત્રીની જે છબિ છે એમાં 2010 પછીની પેઢીની વાત છે. આજે ભણતી, પાર્ટીઓ કરતી, વોટ્સએપ, ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામની દુનિયામાં જીવતી આ છોકરીને ઘરનાથી છુપાવીને સિગારેટ, શરાબ કે શરીરસંબંધ કશાનો બાધ નથી. આવી છોકરીઓ હશે તો જ વાર્તાકારે આલેખી હશે ને? નારીમુક્તિની આ દિશા કોઈને અભિપ્રેત નહોતી, અત્યારે પણ ન જ હોય. કારણ આ પેઢી એની પછીની પેઢીને કેવો વારસો આપશે એવી ચિંતા થાય આ નારીછબિથી.

છેલ્લા 20-25 વર્ષોમાં વીજાણું માધ્યમોએ જે હદે સ્ત્રીના દેહનું માહાત્મ્ય કર્યું, અશ્લીલતા જે હદે બેડરૂમોમાંથી ડ્રોઈંગરૂમમાં થઈને ગલીના નાકે અને કૉલેજના કેમ્પસોમાં પહોંચી ગઈ એના પરિણામે સૌથી મોટું જોખમ સ્ત્રીની સલામતી માટે ઊભું થયું. જેની વાત ઘણી વાર્તાઓમાં થઈ છે. પરંતું બળાત્કારની આ વરવી ઘટનાની વાત સાવ જૂદા દૃષ્ટિકોણથી હિમાંશી શેલત ‘મૃત્યુદંડ’માં કે મીનલ દવે ‘ભૂંસી નાખ્યું એક નામ’માં કરે છે. બાકી તો 1947 કે 2002... સ્ત્રીદેહ ત્યારે પણ બદલો લેવાનું સાધન હતો અને આજે પણ એમાં કશો બદલાવ આવ્યો નથી. એ હિમાંશી શેલતની ‘સજા’ કે ‘સાતમો મહિનો’ વાર્તા કહે છે.

આમ તો સમગ્ર ચર્ચામાં મેં નવલકથાઓમાં નિરૂપાયેલી નારી વિશે પણ વાત તો કરી જ છે. છતાં બે-ચાર સર્જકો વિશે અલગથી લખું છું. જે સમયગાળામાં મેઘાણી લખતા હતા ત્યારે ‘વેવિશાળ’ નવલકથામાં ભાભુ જેવું પાત્ર અચંબો પમાડે. નિ:સંતાન ભાભુ દિયરની દીકરી સુશીલાનું મન માને ત્યાં પરણાવવા માટે પતિનું ખાસડું ખાય, ન્યાતના મોભીઓ વચ્ચે જઈને કહેવા જેવું કહી આવે અને પતિ છેડો ફાડી આપે છતાં દીકરીના પક્ષે અડીખમ ઊભાં રહે છે. આ સમયગાળાના કાઠિયાવાડની ન્યાત સામે એક પાંત્રીસ વર્ષની સ્ત્રી ઊભી રહી શકે, પતિથી વિરુદ્ધ જઈ શકે એવું કલ્પી નથી શકાતું પણ મેઘાણી આવી નારી છબિ આલેખી બતાવે છે. ઈશ્વર પેટલીકરની ચંદા જેવી છબિ તો આમેય વિરલ. પોતાની શરતે જ જીવતી આવી નારી બીજી જડી નથી આપણને. રઘુવીર ચૌધરીની કંકુ, હેતી, શાંતા, જૈમિની, રેવા વગેરે સમદર પેટી નારીઓ છે. શક્ય હોય ત્યાં સુધી બીજાનું માઠું ન વાંછતી આ નારી કોઈથી ગાંજી જાય એવી નથી. તખત જેવું વિશિષ્ટ નારીપાત્ર આલેખતા રઘુવીર ચૌધરીએ ‘સોમતીર્થ’માં ચૌલાનાં પાત્ર નિમિત્તે વિકસિત નારીચેતનાની વાત કરી છે. ચિનુ મોદીની નવલકથાઓમાં સ્ત્રીની એટલી હદની એબનોર્મલ છબિ છે અને સ્ત્રીઓ વિશે એવા વિધાનો છે કે એમણે સ્ત્રીના પ્રશ્નો વિશે કદી ગંભીરતાથી વિચાર્યું હશે ખરું? એવો પ્રશ્ન થાય. દા.ત.
  1. પુરુષને માટે પરાયી સ્ત્રીનો સમાગમ એ અહમ્ પોષણનો કાર્યક્રમ હોય છે.(ચુકાદો-92)
  2. દરેક મહત્ત્વાકાંક્ષી સ્ત્રીને પુરુષનો ઈગો શેટર કરવામાં બહુ રસ પડતો હોય છે.(ચુકાદો-105)
  3. પુરુષ માટે બાળક પેદા કરવું એ શક્તિના પ્રમાણપણાનો વિષય બની જાય છે.(એજન-110)
  4. પુરુષને સાંખવો સ્ત્રી માટે સહેલો છે પણ પુરુષ સ્ત્રીને સાંખી શકે એ ભાગ્યે જ બનતું હોય છે.(એજન-48)
ઈવા ડેવની ‘મિશ્રલોહી’માં આંતરદેશીય લગ્નના પરિણામે દીકરીએ વર્ણસંકર સંતાનને જન્મ આપ્યો ને તરછોડી દીધું. પણ આગલી પેઢીની મા સંતાનને ઉછેરે છે. જ્યાં ભણેલગણેલ નવી પેઢી પાછી પડે છે ત્યાં જૂની પેઢીની મંજુ દીકરીથી વધારે સહિષ્ણુ સાબિત થાય છે. અશોકપુરી ગોસ્વામીની ‘કુવો’ની દરિયાનું ડહાપણ, સ્વમાન માટેની એની લડાઈ, કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવાની એની આવડત, મુશ્કેલીમાં હામ હાર્યા વગર રસ્તો કાઢવાની એની કુનેહ, એને મુઠ્ઠી ઊંચેરી સ્થાપિત કરે છે. પુરુષ હાર માની લે ત્યાં પણ આ સ્ત્રી એકલા હાથે ઝઝુમે છે.

વર્ષા અડાલજાની ‘અણસાર’ની રૂપા આરંભની રોકકળ પછી પોતાપણું પામી શકી છે. વર્ષો પછી વર્ષા અડાલજાએ ‘ક્રોસરોડ’ નવલકથામાં જે નારીપાત્રો આલેખ્યાં તેમાં સ્ત્રીના આંતરસત્ત્વનો પરિચય કરાવ્યો તો સમાંતરે સ્ત્રીના શોષણની વરવી છબિ પણ દેખાડી. સામંતશાહી વ્યવસ્થામાં પીસાતી નારી પણ અહીં છે તો એ વ્યવસ્થાના દુરિત સમી પુરુષ તાકાત સામે દાતરડું લઈને સામનો કરતી સ્ત્રી પણ અહીં છે. રવીન્દ્ર પારેખની ત્રણેય નવલકથા સ્ત્રીના પ્રશ્નોને સીધી જ સ્પર્શે છે. બિંદુ ભટ્ટની ‘અખેપાતર’ના કંચનબા સાવ નોખી ને નરવી નારી છબિ પ્રગટ કરે છે. બધું ફનાફાતિયા થઈ જાય, પોતા પર બળાત્કાર થાય છતાં સંતાનો માટે જીવતી રહેતી આ નારી બળાત્કાર પછી સંતાનને જન્મ પણ આપે છે. આ સંતાન પતિના પ્રેમનું બીજ છે કે બળાત્કારીના અત્યાચારનું પરિણામ છે એ નહીં જાણતી આ નારી આવનારના ગળે ટૂંપો નથી દેતી... સમાજ સામે, પોતીકાઓ સામેના સંઘર્ષોમાં અડીખમ રહેતી આ નારી પોતીકા તેજે ઝળહળે છે.

છેલ્લાં 25-30 વર્ષમાં વાચકને ફરીથી નવલકથા વાંચતો કરનાર ધ્રુવ ભટ્ટની નવલકથાઓની નાયિકાઓ એક જ ગોત્રની લાગે. ‘સમુદ્રાન્તિકે’ની અવલ કે ‘તત્ત્વમસિ’ની સુપ્રિયા કે ‘કર્ણલોક’ની દુર્ગા, ‘અકુપાર’ની સાંસાઈ... બધીય સામાન્ય છતાંય અસામાન્યા લાગે. બધી નાયક કરતાં ચડિયાતી. કથાનાયકોને પોતાની જાત તરફ, પોતીકા અનુભવજગત તરફ વાળતી આ નાયિકાઓ જરાક પારલૌકિક થઈ જાય છે. એમને આ કે તે સમયની સમસ્યા સાથે નિસ્બત છે પણ એ આપણને આપણા જેવી કશે નથી લાગતી એટલે નારીછબિ સંદર્ભે એમની વાત કરવાનો ઝાઝો અર્થ રહેતો નથી.

લગભગ 1960-’70 સુધી સમાજમાં અને પરિણામે સાહિત્યમાં સ્ત્રીની હેરાનગતિ પાછળ પુરુષ કરતાં સ્ત્રી વધારે જવાબદાર હતી. ધીરે ધીરે સંયુક્ત કુટુંબો તુટ્યાં, સ્ત્રી ભણતી થઈ, ઘરમાં સાસુ કે ફઈબા વગેરેનું ચલણ ઓછું થયું પછીથી સ્ત્રીની મુક્ત છબિ આલેખાતી થઈ એ પણ કબૂલવું રહ્યું, પુરુષપ્રધાન સમાજે સ્ત્રીની જે માનસિકતા ઘડી એ સ્ત્રીને જ વધારે નડી એ કેવી વિડંબના છે?

ગૃહજીવનને લગતી ઝીણી ઝીણી વાતો, સામાજિક સંબંધોની સંકુલતા અને સ્ત્રીના આંતરમનને ઉકેલવાની વાતે સ્ત્રીસર્જક ઘણીવાર પુરુષસર્જકને ચડી જાય છે. છેડતીથી લઈને બળાત્કારના પ્રશ્નો, ગંદી મજાક, મશ્કરી કે ઘરના પુરુષો દ્વારા થતી મારપીટ કે લગ્નેતર સંબંધોમાં લાગણીના સ્તરે અને સામાજિક સ્તરે વેઠતી, વેઠ્યા જ કરતી સ્ત્રીની શારી નાખે એવી વેદનાને આપણે ત્યાં સ્ત્રીસર્જક વધુ ન્યાય આપી શક્યાં છે એવું કહી શકાય.

રામ મોરીની વાર્તાઓ અને અભિમન્યુ આચાર્યની વાર્તાઓ 21મી સદીના બીજા દાયકામાં લખાઈ રહી છે. એક જ કાળખંડમાં બે અંતિમે જીવતી સ્ત્રી છે એ હકીકત આપણે સ્વીકારીશું તો જ બે છેડાની આ નારી છબિને સ્વીકારી શકીશું.

લેખ તૈયાર કરવામાં નીચેનાં બે પુસ્તકોનો ઉપયોગ કર્યો છે.
  1. શતરૂપા : શરીફા વીજળીવાળા
  2. સાહિત્ય : સમાજનો આયનો : મીનલ દવે
શરીફા વીજળીવાળા, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત.