Included in the UGC-CARE list (Group B Sr. No 172)
Special Issue on Feminism
નિર્મલા : દહેજપ્રથાની આડમાં ભારતીય નારીની લાચારીનું ચિત્રણ
હિન્દી સાહિત્યના મહાન કથા શિલ્પી પ્રેમચંદના સર્જનનું એક ગરવું શિખર એટલે 'નિર્મલા'. સામાજિક પરંપરાઓ, કુરિતીઓ અને અન્ય વાસ્તવિકતાઓને કલાત્મક ઘાટ આપવામાં પ્રેમચંદ હિન્દી કથા સાહિત્યમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. મુનશીના નામે ઓળખાતાં પ્રેમચંદને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય 'મહાન સમ્રાટ' કહી ઓળખાવે છે.ઇ. સ ૧૮૮૦માં ઉત્તર પ્રદેશના લમહીમાં જન્મેલા અને ઇ.સ.૧૯૩૮માં વારાણસીમાં મૃત્યુ પામેલા મુનશી પ્રેમચંદ હિન્દી અને ઉર્દૂ એમ બંને ભાષામાં સર્જનરત હતાં.તેમની મહત્વની કૃતિઓમાં 'ગબન', 'ગોદાન', 'માન સરોવર', 'શતરંજ કે ખિલાડી ', 'બાજાર-એ-હુસ્ન' 'ઇદગાહ', 'મંગળસૂત્ર' તેમજ 'નિર્મલા' ગણાવી શકાય.

'નિર્મલા'નવલકથા નવેમ્બર ૧૯૨૫ થી નવેમ્બર ૧૯૨૬ સુધી ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ હતી.આ નવલકથામાં સામાજિક વાસ્તવ એવો તો બખૂબી નિરૂપાય છે કે આટલાં વર્ષો પછી પણ 'નિર્મલા'જીવિત છે. 'નિર્મલા' એક એવી સ્ત્રીની કથા છે જેમાં સ્ત્રીએ વગર વાંકે સામાજિક માનસિકતાનો ભોગ બનવું પડે છે.જેમાંથી પોતે છૂટવા માગે તો છુટી પણ ના શકે અને જ્યાં છે ત્યાં નિરાંતે જીવી પણ ન શકે.નિર્મલા (કથા નાયિકા) નિર્દોષ હોવા છતાં પોતાનું નિર્દોષપણું સાબિત નથી કરી શકતી.

સામાજિક કટુતા અને ક્રૂરતાઓએ એક પછી એક નિર્મલાના જીવનમાં પગ પેસારો કર્યો છે. જેણે નિર્મલાના મધુર જીવનના સપનાંઓ પૂરાં થતા પહેલાં જ રહેંસી નાખ્યાં છે...૧) પિતાનું નિધન :- નિર્મલાના સુખી સંસારનું કારણ જ પિતા હતાં.પિતા વ્યવસાયે વકીલ હોઈ કમાણી પણ સારી હતી.સમાજમાં તેમની શાખ ખૂબ ઊંચી હતી.એટલે નિર્મલાનું લગ્ન પણ સમાન મોભેદાર પરિવારમાં નક્કી થઈ ગયું હતું.પણ પિતા ઘર કંકાસને કારણે પત્નીને સબક શીખવાડવા ઘર છોડી જાય છે પણ તેમની હત્યા શહેરના એક એવા વ્યક્તિ દ્વારા થાય છે જેને ઉદય ભાનુલાલે એક સમયે જેલ કરાવી હતી.બાબુ ઉદયભાનુલાલ (પિતા) મૃત્યુ પામતાં જ દહેજના લોભી સાસરિયાના લોકો સંબંધ તોડી નાખે છે.૨) નિર્મલાની મા નિર્મલાને એવા ઘરમાં પરણાવવા રાજી થાય છે જ્યાં દહેજ ન માંગવામાં આવે કારણકે પિતા મૃત્યુ પામ્યા હોવાથી ઘરમાં કમાણીનો સ્ત્રોત રહ્યો ન હતો.૩) નિર્મલાના લગ્ન તેનાથી ત્રણ ગણી મોટી ઉંમરના અને ત્રણ સંતાનોના પિતા સાથે કરી દેવાય છે.જેમાં નિર્મલાને જે 'મા' કહે છે એ સૌથી મોટો પુત્ર નિર્મલાની જ ઉંમરનો છે.૪) લગ્ન બાદ મોટી નણંદ અને પોતાના જ પતિના કારણે નિર્મલાને જ બધી બાબતો માટે દોષી ઠેરવવામાં આવે છે. આ બધું મળીને બને છે નિર્મલાની કથા.એક એવી કથા જેમાં નિર્મલા ગમે તેટલી નિર્મળ રહેવા ઈચ્છતી હતી છતાં અનેક દાગો અને કટુતાઓ સાથે જીવનમાંથી વિદાય લઈ લે છે.હવે જોઈએ કથા.

નિર્મલાની કરુણ કથા માત્ર દહેજ પ્રથાને કારણે જ નિર્માણ નથી પામતી..દહેજ પ્રથા તો એક આલંબન બની જાય છે.મુખ્ય તો છે સામાજિક વાસ્તવ.જે નિર્મલાના લગ્ન ભુવન મોહન સાથે થયા હતાં એ જ ભુવન મોહન પરણવા ઇનકાર કરી દે છે..કારણ જો નિર્મલાના પિતા જીવિત હોત તો દહેજની ભલે ના પાડી હોય પણ સમાજમાં તેમની પ્રતિષ્ઠા અને પૈસાને કારણે માગ્યા વિના જ કંઇક ને કંઇક આપી દેત..હવે નિર્મલાની મા પાસે કશું નથી.તો એવા ગરીબ ઘરમાં સંબંધ રાખવાનો કોઈ અર્થ નથી..ભુવનમોહનને જ્યારે તેની મા નિર્મલા સાથે લગ્ન કરવા સમજાવે છે ત્યારે કહે છે ગરીબ લોકોએ તેમના જેવા જ ગરીબ પરિવાર સાથે લગ્ન કરવા જોઈએ. સમાજની આ પહેલી અને કડવી વાસ્તવિકતા.સામાજિક માન મોભાની એટલી પરવા કે અન્યના જીવનનો કોઈ વિચાર સુદ્ધા નથી કરાતો.

કલ્યાણી એટલે કે નિર્મલાની મા કે જે હવે વિધવા થઈ ચૂકી છે.એવે વખતે વિધવાના ઘર સાથે કોઈ સંબંધ બાંધે એ જ મોટી વાત હતી. વળી,દહેજ તો ખરું જ..પણ કલ્યાણી એવો વ્યક્તિ પસંદ કરી લે છે જ્યાં માત્ર દહેજ ન માગવામાં આવે.પરિણામે નિર્મલા જેના પ્રત્યે પિતૃસમાન ભાવ અનુભવે એવા વ્યક્તિ સાથે લગ્ન થાય જેના કારણે ઉંમરના અને મનના કજોડાં ઊભા થાય છે.નિર્મલા તેમાં ગોઠવાવા મથામણો કરે છે પણ તેને તેમાં સફળતા નથી મળતી.મુનશી તોતારામ કે જેમણે જીવનના અંતિમ વર્ષો થોડાં આનંદમાં પસાર થાય એવાં હેતુથી લગ્ન કર્યા હતાં એ જ તોતારામ પોતે લગ્ન કરીને અંતે જતાં પછતાય છે...કજોડાંના દુઃખ સાથે નિર્મલાને સાવકી મા હોવાનો પણ અપયશ મળે છે.જેની પોતાની ઉંમર હજુ બાળક જેવી છે એવી નિર્મલાને ત્રણ ત્રણ બાળકોને સંભાળવાના છે.જેમાં ખામી આવતાં સાવકી મા ક્યારેય સાચી મા ન બની શકે તેવું સાંભળવા મળે છે.નિર્મલાની મોટી નણંદ તેમાં સક્રિયતા દાખવી નિર્મલાને કૌટુંબિક જીવનની કડવાશનો અનુભવ કરાવે છે.મુનશી તોતારામ પોતાના મોટા પુત્ર મંસારામ અને નિર્મલાના સંબંધને શકની નજરે જોતાં મંસારામ ઘર છોડી હોસ્ટેલમાં રહેવા ચાલ્યો જાય છે.પણ એ દર્દ તેનો આખરે જીવ લઈ લે છે.જેનું કારણ નિર્મલાને જ માનવામાં આવે છે.

મંસારમના મૃત્યુ પછી મુનશી તોતારામ વકીલાતના વ્યવસાયમાં જીવ પરોવી નથી શકતાં.પરિણામે ઘરમાં પૈસો આવતો બંધ થઈ જાય છે.ઘરમાં ખાવાના પણ ફાંફા પડવા માંડે છે.નાનો દીકરો જીયારામ નિર્મલાના ઘરેણાં લઈને ભાગી જાય છે.જે ક્યારેય પાછો નથી આવતો.તે પણ માને છે કે મંસારામ નિર્મલાના આવવાને કારણે જ ઘર છોડીને જતો રહ્યો અને મરી ગયો. અર્થાત્ બંને બાળકો અને મુનશી તોતારામ સહિત નણંદ અને ગામના અન્ય લોકોને મન પણ નિર્મલા જ દોષીત બને છે. નિર્મલા એ બધામાં પોતાની જાતને ગોઠવવા મથે છે.મુનશી તોતારામ કે જેને જોઈને પણ પોતે દૂર ભાગતી એ નિર્મલા તેને પત્ની સહજ પ્રેમ આપવા મથામણ કરે છે.પાઈ પાઈ પૈસો બચાવવા કોશિશ કરે છે. નિર્મલાની આંતર બાહ્ય પીડા અને ગરીબી નિર્મલાના સ્વભાવ પર અસર પાડે છે.જેને કારણે અંતે નાનો દીકરો સીયારામ પણ ઘર છોડીને જતો રહે છે.એ બધાને અંતે મુંશી તોતારામ એક જ કથન કરે છે કે પોતે શું કામ ફરીવાર લગ્ન કર્યા...એટલું જ નહિ પણ બીજું લગ્ન કરીને આજ સુધી કોઈ સુખી થઈ શક્યું છે કે હું થાઉં વિચારી સિયારામને શોધવા નીકળી પાડે છે.

ઘર અને કુટુંબની કડવાશ સાથે નિર્મલા સમાયોજન સાધતી હતી.એટલું જ નહિ.પણ બહાર પણ તેણે એ જ કરવાનું હતું.જે સહેલી સુધાની પાસે બેસી તે થોડી હળવી થઈ શકતી એ જ સહેલીનો પતિ તેનો પૂર્વ પતિ હતો. જેણે નિર્મલાનો તિરસ્કાર કર્યો હતો. તેણે નિર્મલાને એકવાર કહ્યું.રોજ તો સુધા માટે બેસે છે આજ મારા માટે બેસ.બતાવ ક્યાં સુધી આ આગમાં સળગ્યા કરું.સાચું કહું છું નિર્મલા.... એ ડોકટર ભુવનમોહનસિંહા નિર્મલાની પરિસ્થિતિ માટે અપરાધભાવ અનુભવતા આત્મહત્યા કરી લે છે. નિર્મલાના જીવનમાંથી એક પછી એક દૂર થતાં જાય છે.સૌપ્રથમ તો પિતા પછી ત્રણેય પુત્રો અને પતિ ને છેલ્લે પૂર્વ પતિ પણ.જેમાં નિર્મલા પણ પોતાની જાતને દોષી સમજવા લાગે છે. નિર્મલાના જીવનમાં સુખના નામે શૂન્ય જ વધે છે.

અતિશય, ગરીબી, એકલતા, પીડા અને સતત આંતર મંથનને અંતે નિર્મલાને તાવ ચડે છે.જે ચોથા દિવસે તેનો જીવ લઈને ઉતરે છે. નિર્મલાનું છેલ્લું કથન તેની દીકરી માટે પોતાની નણંદને સંબોધીને બોલાયું છે.'દીદીજી,હવે મને કોઈ વૈદ્યની દવા ફાયદો નહીં કરે.તમે ચિંતા ન કરો,બાળકી તમારી ગોદમાં છોડીને જાવ છું.જો જીવતી જાગતી રહે તો કોઈ સારા કુળમાં લગ્ન કરાવી દેજો.હું તો મારા જીવનમાં કંઈ જ ન કરી શકી માત્ર જનમ દેવા માટે જ અપરાધી છું.ભલે કુંવારી રાખો પછી ઝેર દઈને મારી નાંખો.પરંતુ કુપાત્રના ગળે ન નાખશો.એટલી જ તમને વિનંતી છે....પૃષ્ઠ.૧૫૫ નિર્મલા.

સામાજિક વાસ્તવની નક્કરતા તળે નિર્મલાની કથા ભારતીય નારીની જ છબી ઉઘાડી આપી છે.જેમાં નિર્મલાનો તો ભોગ લેવાય જ છે પણ સાથે સાથે અન્ય પાત્રોનો પણ ભોગ લેવાય છે. સામાજિક માનસિકતાઓ જ પ્રશ્નોને વધુ તીવ્ર બનાવે છે.સાવકી મા ક્યારેય સગી મા જેટલો પ્રેમ ન બતાવી શકે એ માનસ જ અંતે સિયારામ (છેલ્લો નાનો દીકરો) ને ઘર છોડાવે છે.જે બધામાં નિર્મલાનો જ દોષ મનાય છે. અર્થાત્ એક એવી સ્ત્રી જે વગર વાંકે પરિસ્થિતિનો ભોગ બને છે. જેણે ક્યારેય પોતાના અંગત સુખની તો પરવા પણ નથી કરી.તેમ છતાં વેઠવાનું તેને ભાગે આવે છે. એ રીતે આ દરેક મધ્યમ વર્ગીય સ્ત્રીની કથા બની જાય છે જેણે માત્ર ઘરની જવાબદારીઓ પૂરી પાડવા માટે જ જનમ લીધો છે અને છતાં ક્યાંય પ્રશંસા નથી પામી.

આમ આ નવલકથા એક નારીવાદી કૃતિ બનવા પામી છે.જેમાં સ્ત્રી દબાણો અને શોષણનો ભોગ બને છે તેમાં પીડાય છે દબાય છે.અંગત સુખની પ્રાપ્તિ જ શક્ય નથી.જેનો કોઈ વિકલ્પ પણ નથી.નારીવાદી કૃતિ એને જ કહેવાય કે સ્ત્રી એવી પરિસ્થિતિનો ભોગ બને છે કે જેમાં તેનો અવાજ દબાઈ જાય જેમાંથી તેનો કોઈપણ રીતે છુટકારો જ ન હોય.નિર્મલા એ રીતે પરિસ્થતિનો ભોગ બની છે અને છેલ્લે મૃત્યુ જ તેને છુટકારો મેળવી આપે છે.અંતે પોતાની દીકરી સંદર્ભે જે કથન કરે છે તેમાં જ નિર્મલાની પીડા ને વાચા મળી છે. છતાં ક્યાંય આક્રોશ નથી.માત્ર કથન જ છે.કજોડાં અને કુપાત્ર સાથીએ નિર્મલાના જીવનમાં કશું બચવા નથી દીધું.નિર્મલાનું પોતાનું કહી શકાય તેવું કશું હતું જ નહિ તે માત્ર તેમાં પોતાની જાતને ગોઠવવા મથી રહી હતી.નિર્મલા તેમાં પણ નિષ્ફળ ગઈ.પરિણામે બની એક 'નિર્મલા' એક ભારતીય નારીની લાચારીની કથા...

સંદર્ભ
  1. નિર્મલા લે. મુંશી પ્રેમચંદ.અનુવાદક : નરેન્દ્રકુમાર વર્મા, પ્રકાશક : ડાયમંડ પોકેટ બુક્સ (પ્રા.) લિ.x-૩૦, Okhla ઇન્ડસ્ટ્રીયલ એરિયા, ફેઝ-૨, નવી દિલ્હી- ૧૧૦૦૨૦
અલ્પા વિરાશ. ભાવનગર. alpavirash@gmail.com